રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ભાગ -3

રાજવંશોનો ઈતિહાસ ઘણો લાંબો છે એટલે કોઈ પૂર્વભૂમિકાનથી બાંધતો જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી જ આગળ વધીએ ……

ચાહમાન રાજ્ય ———

ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય થયું હોવાનું માલૂમ પડે છે. આ દાનશાસનની મિતિ ઇસવીસન ૮૧૩ની છે ને તેમાં નાગાવલોક રાજાની અધિસત્તાનો ઉલ્લેખ આવે છે.

ભર્તુવડનાં દાનશાસનનું વર્ષ વિક્રમ સંવતનું હોવું જોઈએ અને ઉપરી નાગાવલોક એ પ્રતીહાર વંશનો નાગભટ પહેલો હોવો જોઈએ એવું સ્વીકારવામાં આવ્યું છે. આ પરથી ભર્તુવડનું દાનશાસન વિક્રમ સંવત ૮૧૩ (ઇસવીસન ૭૫૬-૫૭)નું હોવાનું ને એ સમયે ઉત્તર લાટ પર ગુર્જરદેશના પ્રતીહાર રાજા નાગભટ પહેલાની અધિસત્તા પ્રવર્તતી હોવાનું ફલિત થાય છે.

ભર્તુવડનાં દાનશાસન પરથી માલૂમ પડે છે કે — એ ચાહમાન વંશનો હતો. તેનાં દાનશાસનમાં આ રાજવંશના પ્રથમ પુરુષ તરીકે મહેશ્વરદામનો ઉલ્લેખ આવે છે. દાનશાસનની ઉપલબ્ધ મિતિ પરથી આ રાજાની સત્તા સાતમી સદીના પૂર્વાર્ધમાં સ્થપાઈ જણાય છે જે સમયે નાન્દીપુરમાં ગુર્જરપતિવંશની રાજસત્તાનો ઉદય થયેલો હતો. આ પરથી આ ચાહમાન વંશની સત્તા ઉત્તર લાટની પડોશમાં આવેલ બીજા કોઈ પ્રદેશમાં પ્રવર્તતી હોવાનું માલૂમ પડે છે. મહેશ્વરદામ પછી બીમદામ, ભર્તુવડ પહેલો, હરદામ, ધ્રૂભટ અને ભર્તુવડ બીજો એ પાંચ રાજાઓ થયાં. ધ્રૂભટ બીજો મૈત્રક નરેશ શિલાદિત્ય છઠ્ઠાનો સમકાલીન હતો. જેમનાં પુત્ર શિલાદિત્ય સાતમાનું ઉપનામ ” ધ્રૂભટ” હતું.

ભર્તુવડનાં દાનશાસન પરથી એની સત્તા ઇસવીસન ૭૫૬ -૫૭માં અકૂરેશ્વર વિષય પ્રવર્તતી હોવાનું પ્રતિપાદિત થાય છે. ભર્તુવડે વિક્રમ સંવત ૮૧૩ (ઇસવીસન ૭૫૬ – ૫૭)માં ભૃગુકચ્છ (ભરૂચ)માંથી દાનશાસન ફરમાવ્યું હતું ને તેમાં અકૂરેશ્વર વિષય ( અંકલેશ્વર જિલ્લા)ના એક ગામનું દાન દીધાનું જણાવ્યું છે. આ પરથી ફલિત થાય છે કે તે રાજા એ સમયે ભરુકચ્છના ગુર્જર રાજ્યની સત્તાનો અસ્ત થતા ઉત્તર લાટ પર પ્રસરી હોવાનું સ્પષ્ટ થાય છે. વળી એના દાનશાસનમાં આવતાં નાગાવલોકના આધિપત્યના ઉલ્લેખ પરથી ઉત્તરલાટના આ ચાહમાન રાજ્ય પર ઉત્તરના પ્રતિહાર રાજાઓનું આધિપત્ય પ્રવર્તતું હોવાનું માલોમ પડે છે.

આ પછી થોડા વખતમાં આ પ્રદેશ દક્ષિણ લાટનાં રાષ્ટ્રકૂટ રાજા કક્કરાજ રાજાનાં કબ્જા હેઠળ આવી ગયો.

દક્ષિણ લાટ ——-

ત્રૈકૂટક રાજ્ય ——-

મૈત્રકકાલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નાનાં મોટાં અનેક રાજ્યો થઇ ગયાં. દક્ષિણ ગુજરાતમાં મૈત્રકકાલીન રાજ્યોમાં સૌથી પહેલાં ત્રૈકૂટક રાજ્ય નજરે પડે છે. આ રાજ્યનાં ત્રણ લેખ ઉપલબ્ધ છે. ત્રૈકૂટકોનું મૂળ સ્થાન ત્રિકૂટ નામે પર્વતની આસપાસ આવેલો પ્રદેશ હતો. આ રાજાઓનાં દાનશાસનોમાં એક જુદો જ સંવત વપરાતો જે આગળ જતા કટચ્ચુરિ સંવત તેમ જ ચેદિ સંવત તરીકે ઓળખાયો પણ જે મૂળમાં પ્રાય: અભીરોએ શરુ કર્યો હોવાનું જણાય છે. ત્રૈકૂટક રાજાઓ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર કોંકણ અને મહારાષ્ટ્ર પર રાજ્ય કરતા. ઇસવીસન ૫૦૦ના અરસામાં વકતક નરેશ હરિશેણે ત્રિકૂટ જીતી લીધો.

કટચ્ચુરિ રાજ્ય —–

લગભગ ઇસવીસન ૫૦૦ -૫૭૫ન રસમાં ત્રૈકૂટક સમયના પ્રદેશો પર કટચ્ચુરિ નામે રાજવંશની સત્તા ફૂલીફાલી હતી એમની રાજધાની માહિષ્મતી હતી. આ આગળ જતા હેહયો તરીકે ઓળખાતાં.

આ રાજ્ય પર ઇસવીસન ૬૦૯માં શંકરગણનો પુત્ર બુધ્ધ્રાજ ગાદીએ આવ્યો. પ્રશસ્તિમાં એને “સકલ મહીમંડલનાં એક (અનન્ય) તિલકરૂપ” કહેવામાં આવ્યો છે. ચાલુક્ય વંશમાં મંગલેશના ઉત્તરાધિકારી પુલકેશી રાજાએ દક્ષિણ ભારતમાં આધિપત્ય જમાવ્યું ને કટચ્ચુરિ સત્તાનો અંત આવ્યો આશરે ઇસવીસન ૬૦૯માં.

સેન્દ્ર્ક રાજ્ય ——-

ઇસવીસન ૬૧૦ના અરસામાં કટચ્ચુરિ રાજ્યની સત્તાનો અંત આવ્યો અને દક્ષિણ લાટમાં સેન્દ્રક નામે વંશની રાજસત્તા સ્થપાઈ. આ સેન્દ્ર્કો કોઈને ના ખબર હોય તો હું કહી દઉં કે તેઓ નાગજાતિના હતાં. આ નાગજાતિ જે તે સમયમાં કાશ્મીરમાં રાજ કરતી હતી પણ આ વંશ એ જાતિના જરૂર હતાં પણ તેઓ તો નહોતાં જ નહોતાં. કાશ્મીરના રાજાઓએ ક્યારેય કાશ્મીર છોડી ક્યાંય પણ રાજ કર્યું નહોતું. એક જ શક્યતા છે તેઓ ત્યાંથી વિચરિત થઇ ગયાં હતાં અને સ્થળાંતર કરી ગુજરાતમાં સ્થાયી થયાં હોય અને અહી એમની રાજસત્તા સ્થાપવાની ખેવના હોય એવું બની શકે ખરું પણ એવું જ બન્યું હશે એમ પણ મનાય તેમ નથી. કારણ કે તેઓ શરૂઆતમાં દક્ષિણના કદંબો અને પછી ત્યાંના ચાલુક્યોના આધિપત્ય નીચે હતાં. લાટનાં સેન્દ્ર્કવંશનો સ્થાપક ભાણુશક્તિ હતો. તે દક્ષિણ લાટ ઉપરાંત ખાનદેશમાં યે સત્તાધારી હતો. તેનાં પછી તેનો પુત્ર આદિત્યશક્તિ થયો. ત્યારબાદ તેનો પુત્ર નિકુમ્ભ – અલ્લશક્તિ રાજા થયો. અલ્લશક્તિનો અનુગામી જયશક્તિ ખાનદેશમાં રાજ્ય કરતો ને તાપીની દક્ષિણે આવેલાં કાર્મણેય આહાર ઇસવીસન ૬૧૨માં ચાલુક્ય રાજા શ્રયાશ્રય શિલાદિત્યની સત્તા નીચે હતો. આ પછી આ સેન્દ્ર્ક સત્તા નવસારિકાના ચાલુક્યો પાસે ચાલી ગઈ હતી.

ચાલુક્ય રાજ્ય ——–

કટચ્ચુરિ સત્તાનો અંત આવ્યા પછી રાજાધિરાજ વાતાપિનાં ચાલુક્ય રાજા પુલકેશી રાજાએ મહારાષ્ટ્ર જીતી લીધું. તેમના પુત્ર જયસિંહ – ધરાશ્રયની સત્તા નીચે ચાલુક્ય વંશની એક શાખા શક સંવત ૫૯૩ (ઇસવીસન ૬૭૧)માં સ્થપાઈ. તેમના રાજ્યમાં દક્ષિણ લાટનો સમાવેશ થતો હતો. નવસારિકાનાં ચાલુક્યોનું રાજ્ય સૌથી ઓછાં વર્ષ ચાલ્યું લાગે છે. તે દરમ્યાન તે રાજવંશમાં બે રાજાઓ થયા હોવાનું જાણ્ય છે.

ધરાશ્રય જયસિંહ વર્મા તેના સમયનાં બે દાનશાસન ઉપલબ્ધ છે તે પરથી જયસિંહ વર્માનું રાજ્ય ઇસવીસન ૬૭૧થી ઇસવીસન ૬૯૩ સુધી ચાલ્યું હોવાનું જાણવા મળે છે. તે સમયે યુવરાજ તરીકે શ્રયાશ્રય શિલાદિત્ય હતો. પરંતુ તેનું અકાળ અવસાન થતાં જયસિંહ વર્મા પછી તેનો પુત્ર અવનિજનાશ્રય પુલકેશી ગાદીએ આવ્યો. એનું એક દાનશાસન મળ્યું છે જેની મિતિ ઇસવીસન ૭૩૯ની છે. અવનિજનાશ્રય પુલકેશીએ કરેલો તાજિકોનો પરાજય એ રાજવંશનું મહાનતમ પરાક્રમ છે. એમના દાનશાસન પરથી માલૂમ પડે છે કે સૈન્ધવ, કરછેલ્લ, સૌરાષ્ટ્ર, ચાવોટક, મૌર્ય અને ગુર્જર આદિ રાજ્યોને વીંધીને સર્વ દાક્ષિણાત્ય રાજાઓને જીતવાની ઈચ્છાથી દક્ષિણાપથમાં પ્રવેશ કરવાં માંગતા તે પહેલવેળા નવસારિક વિષય જીતવા આવેલાં તાજિક સૈન્ય સામે સમરાંગણમાં આ શુરવીર રાજા વિજય પામ્યો હતો.

રાષ્ટ્ર્કૂટ રાજ્ય ——–

આમ તો આપણે આ વિશે અલગ જાણવાનાં જ છીએ.પણ તોય થોડી ટૂંકાણમાં માહિતી આપી જ દઉં. આ વંશના દાનશાસનની મિતિ પછી થોડાં વર્ષમાં દક્ષિણમાં રાષ્ટ્રકૂટોએ ચાલુક્યોની સત્તા હાથમાં લઈ લીધી અને લાટમાં થયેલી રાષ્ટ્રકૂટ ફૂલના દંતિદુર્ગની વિજયકૂચ પછી નવસારી પ્રદેશમાં એનાં પિતરાઈ ગોવિંદરાજના પુત્રર કક્કરાજની સત્તા સ્થપાઈ.

કક્કરાજ પ્રથમ દક્ષિણ લાટ પર સત્તા ધરાવતો હતો. એનું દાનશાસન ઇસવીસન ૭૫૭નું મળી આવ્યું છે. એમનું રાજ્ય વલભીના મૈત્રક રાજ્યના અંત પછીએ ચાલુ રહ્યું હતું.

ચાવડાવંશ નવી ગણતરી મુજબ ૧૦૨ વર્ષ અણહિલવાડની સત્તા પર ટક્યો હતો.પણ રાજા મુલરાજ તો રાજા સામંતસિંહનો ભાણિયો હતો એટલે એ જ ચૌલુક્ય વંશના સોલંકીયુગનો પ્રણેતા હોવાથી તેમનું કુલ પણ તપાસવું તો જોઈએ જ ને વળી. ગુજરાતમાં તો ઘણાંબધાં રાજવંશોએ રાજ કર્યું હતું, તેમાં પણ કેટલાંકતો એક જ ફાંટાના તો કેટલાક એમનાં માતૃપક્ષના પણ રાજવંશો હતાં. ચાવડા વંશ પણ ગુજરાતમાં ખૂણેખાંચરે પ્રસરાયેલો હતો. તો ચાલુક્ય વંશ પણ પ્રસરાયેલો હતો. સોલંકી યુગની આભા એટલી જોરદાર હતી કે એમાં જ ગુજરાત એક થઈ શક્યું હતું, પણ તોય કેટલાંક રાજવંશો તો સોલંકીયુગના પતન પછી પણ ચાલુ રહ્યાં હતાં . પણ એની સત્યતા એટલે કે ચાલુક્ય વંશની શાખાઓની પ્રમાણિત નથી થતી. એ બધી દંતકથાઓ જ છે. પણ આપણે તો અહી ચાવડા વંશની વાત કરીએ છીએ એટલે ચાવડા વંશની પહેલાંનાં રાજાઓ અને રાજવંશો વિષે તો આપણે જાણ્યું પણ હવે ચાવડાવંશના પતન પછી કયા કયા રાજવંશો અસ્તિત્વમાં હતાં કે આવ્યાં હતાં તે પણ જોઈ – જાણી લેવું અતિઆવશ્યક છે. ચાવડા વંશ પહેલાં અને પછી અસ્તિત્વમાં આવેલાં કેટલાંક અતિમહત્વના રાજવંશો વિષે તો આપણે સવિસ્તર જાણીશું પણ ચાવડાવંશના સામંતસિંહની બહેન લીલાવતીના કૂળ વિષે પણ જાણી લઈએ આપણે !

સામંતસિંહનાં બનેવીનું કૂળ ———

રાજા વનરરાજ ચાવડા અને તેમના વંશજોનું ચરિત જોયા બાદ તેનાં છેલ્લા રાજા સામંતસિંહનાં બનેવીના કૂળનો પ્રશ્ન વિચારવા લાયક છે જ. તેમનાં બનેવીના કૂળ વિષે મળતાં ઉલ્લેખોમાં સર્વ પ્રથમ ઉલ્લેખ સુકૃતસંકીર્તન તથા સુકૃતકીર્તિકલ્લોલિનીમાં જણાવ્યા પ્રમાણે ચાપોત્કટ વંશના છેલા રાજા ભૂભટનું રાજ્ય તેના ચૌલુક્ય ભાગિનેય મૂળરાજે નિર્મૂળ કર્યાનું જણાવ્યું છે. પ્રબંધ ચિંતામણી પ્રમાણે સામંતસિંહે પોતાની બહેન લીલાદેવીને કાન્યકુબ્જનાં રાજા ભૂચરાજના વંશજ મુંજાલદેવનાં પુત્ર રાજ કે રાજિને પરણાવી. તેનો પુત્ર તે રાજા મૂળરાજ સોલંકી અને તે રાજા સામંતસિંહને મારી નાંખી પોતે રાજા થયા. કુમારપાલ પ્રબંધમાં પણ રાજને કનોજના ભુચડરાજનો વંશજ કહ્યો છે અને વધારામાં તેમાં ભૂચડરાજ – કર્ણાદિત્ય – ચંદ્રાદિત્ય – સોમાદિત્ય – ભૂવનાદિત્ય – રાજ એવી વંશાવલી જણાવી છે. જયસિંહસૂરિ કૃત કુમારપાલભૂપાલ ચરિત્રમાં મધૂપ નગરના રાજા સિંહવિક્રમના વંશમાં ૮૭ પેઢી પછી રામ – સહજરામ – દંડક – કાંચિકવ્યાલ – રાજિ – મૂળરાજ થયાં એવો ક્રમ આપ્યો છે. ધર્મારણ્યકથામાં ચાવડા વંશના છેલ્લા રાજાને તેના ભાણેજ મૂલડ સોલંકીએ માર્યો ને ત્યાર બાદ પોતે રાજા થયો હોવાનું જણાવ્યું છે. રત્નમાલામાં કુમારપાલ પ્રબંધ જેવી વંશાવલી આપી છે.

આ રીતે મૂળરાજ સંબંધી જુદી જુદી અનુશ્રુતિઓમાં મુખ્યત: બે ભિન્ન અનુશ્રુતિઓ જોવાં મળે છે. એક તેણે કનોજના રાજા ભૂયરાજ – ભૂયડરાજ – ભુવડનો વંશજ કહે છે. પરંતુ એ વાત સંભવિત નથી કારણ કે ભૂયરાજ (ભોજરાજ) તો પ્રતીહાર વંશના છે. જ્યારે રાજ અને મૂલરાજ તો ચૌલુક્ય વંશના છે. વળી, એ ભૂયરાજ – ભૂયડરાજનાં વંશજોમાં મુંજાલદેવ કે કર્ણાદિત્ય, ચંદ્રાદિત્ય, સોમાદિત્ય અને ભુવનાદિત્ય નામે રાજાઓ પણ થયાં નથી. આ ઉપરાંત મૂળરાજનાં પિતા રાજિનું નામ તેના તામ્રપત્રમાં આવે છે. તે નામ ઉપરના સર્વ ગ્રંથોમાં પણ આવે જ છે. મૂલરાજના યુવરાજ ચામુંડરાજના તામ્રપત્રમાં કાંચિવ્યાલનો ઉલ્લેખ આવે છે. આ પરથી જયસિંહસૂરિએ જણાવેલી અનુશ્રુતિનો છેવટનો ભાગ ઐતિહાસિક હોવાનું માલૂમ પડે છે.

શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીના મતે રાજિના પૂર્વજો પ્રતીહાર સામ્રાજ્યમાંનાં ગુર્જરદેશમાં શાસન કરતાં હશે તેવું સૂચન જ યોગ્ય લાગે છે અને તેણે લઈને કનોજના ભૂયરાજનાં વંશજ માની લેવામાં આવ્યા લાગે છે. એ પરથી કનોજના રાજાને ચૌલુક્ય માની લીધા લાગે છે. પરંતુ વાસ્તવમાં રાજિ અને મૂલરાજ ચૌલુક્ય કુળના હતાં. આ રીતે રાજિ (સામંતસિંહનાં બનેવી) ભૂયરાજના વંશજનો સામંત હોઈ શકે પરંતુ એ તેમનો વંશજ હોવા સંભવ નથી.

આમ તો ઘણાં બધાં મતમતાંતરો પ્રવર્તે છે પણ રાજિનું કૂળ અને મૂળ એ કચ્છ સુધી પથરાયેલું હતું. વાત તો આપણે ચાવડા વંશની જ કરવાની હતી તે તો પૂરી થઇ ગઈ. સામંતસિંહની હત્યા પછી ચાવડા વંશનો અંત આવી ગયો. ચાવડવંશ એ પંચાસરથી અણહિલવાડ પાટણ આવી ગુજરાત પર એક સુવ્યવસ્થિત શાસન કર્યું હતું. એમ પણ કહેવાય છે કે રાજા વનરાજ ચાવડા એ જૈનધર્મના પ્રખર પ્રચારક હતાં. પણ તોય આ બધું એ અનુશ્રુતિમાં જ છે. અનુશ્રુતિમાં જ ઈતિહાસ છુપાયેલો છે એ વાત ચાવડા વંશ માટે તો સાચી ઠરતી જ લાગે છે. ચાવડાનું શાસન સીમિત હતું એ વાતને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. પણ તેમ છતાં વનરાજ ચાવડાની કીર્તિ અને ત્યારબાદના ચાવડા રાજાઓનાં દીર્ઘકાલનાં શાસનને લીધે તેમને ગુજરાતને ટકાવી જરૂર રાખ્યું હતું તે સમયે ગુજરાતમાં અન્ય રાજવંશો હોવાં છતાં પણ એ કંઈ નાની સુની સિદ્ધિ તો ના જ કહેવાય.

ચાવડાવંશ વિશેની અનુશ્રુતિઓ ૪૦૦ – ૫૦૦ વર્ષ પછીની છે અને ઈતિહાસ પણ . એટલે એમાં કેટલી સછાઈ તે તો આ બધાં ગ્રંથો જ જાણે …. ઈતિહાસ નહીં ! ઈતિહાસ તો સદાય રાજા વનરાજ ચાવડાનો રૂની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાવડા વંશ ગુજરાતના પ્રથમ રાજપૂતવંશ તરીકે સદાય અમર રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી

તે સમયના મહત્વનાં રાજવંશો વિષે અલગ લેખ કરવાનાં જ છે
કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાંક ચાવડાઓ રાજ કરતાં હતાં
તે વિષે અલગ લેખ કરું છું અને અહી ગુજરાતના ચાવડા વંશને સમાપ્ત કરું છું. ચાવડાવંશ શૌર્યગાથા સંપૂર્ણમ !

મારો હવે પછીનો લેખ કચ્છના તે સમયના રાજવંશ પર

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——— જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!