રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી

(ઇસવીસન ૬૯૬ )

આપણે ઈતિહાસ લખવાનો છે કે અનુશ્રુતિયુક્ત વાર્તાઓ એજ ખબર નથી પડતી આ ચાવડાવંશના ઇતિહાસમાં તો. એટલી બધી વાર્તાઓ પ્રચલિત થી છે કે જેનો ઉલ્લેખ સુદ્ધાં પણ ચાવડાવંશનો ઈતિહાસ એટલે કે તેની વિગતો જેમાંથી પ્રાપ્ત થાય છે તેમાંથી તો બિલકુલ મળતો જ નથી . યાર…. મને પ્રશ્ન થાય છે કે જે બધી વાર્તાઓ જયશિખરીનાં ભુવડ સાથેના યુદ્ધની અને પંચાસરની જાહોજલાલીની તે બધી લખી છે કોણે? કારણકે ઈતિહાસ જેમાંથી પ્રાપ્ત થાય છે એ આધારભૂત ગ્રંથોમાંથી તો આવું કંઈ જ મળતું નથી. આમે આ વાતનો જ્યાં પણ ઉલ્લેખ થયો છે એ અનુશ્રુતિ તરીકે જ થયો છે. ઈતિહાસને ગેરમાર્ગે દોરનારી છે આ બધી અનુશ્રુતિઓ. એનો અર્થ એક એ પણ થાય છે કે આ સૌરાષ્ટ્રના લોકકથાકારો આમાં ય ખાઈખપૂછીને જ પાછળ પડી ગયાં છે. એક તરફ ઈતિહાસ છે તો એક તરફ શૌર્ય ગાથા છે હવે એ નક્કી તમારે કરવાનું છે કે મહત્વ શેને આપવાનું છે તે ઈતિહાસને કે શૌર્યગાથાને . હું ઈતિહાસને જ પ્રાધાન્ય આપું છું એટલે એ વાત ક્યા ક્યા ગ્રંથમાં કઈ રીતે નીરુપાઈ છે તે જોવું અત્યંત આવશ્યક છે. ગુર્જર પ્રતિહાર વંશ અને રાષ્ટ્રકૂટવંશનાં બધાં રાજાઓનાં નામ તવારીખ સાથે પ્રાપ્ત થાય છે પણ આ ચાવડાવંશમાં એવી કોઈ જ ક્રમબદ્ધ વિગતો પ્રાપ્ત થતી નથી આ નાગભટ્ટ એ ગુર્જર પ્રતિહાર વંશનો રાજા હતો જો કે એની વાતો તો આપણે ગુર્જર પ્રતિહાર વંશમાં જ કરીશું. એ જ ગુર્જર પ્રતિહાર વંશનો સ્થાપક હતો જેનો સમયગાળો છે ઇસવીસન ૭૩૦થી ઇસવીસન ૭૬૦ એક બીજો નાગભટ પણ થયેલો જેને નાગભટ દ્વિતીયના નામે ઓળખવામાં આવે છે એનો સમયગાળો છે ઇસવીસન ૮૦૦થી ઇસવીસન ૮૩૩. આ જ વંશમાં એક મહાપ્રતાપી રાજ થયો હતો જેમનું નામ છે મિહિરભોજ અથવા ભોજ પ્રથમ જેમનો સમયગાળો છે ઈસવીસન ૮૩૬થી ઇસવીસન ૮૮૫. બાય ધ વે કાનોજમાં કોઈ ભુવડ નામનો રાજા થયો જ નહોતો એ નામનો રાજા ગુજરાતમાં થયો જરૂર છે પણ વનરાજ ચાવડાનાં જન્મ સમયે કે એની પહેલાં નહીં અને હા જયશિખરી કે જયશેખરનું નામ એ સાહિત્યમાં જ પ્રચલિત થયેલું હોવાથી અને એજ વનરાજના પિતા હોવાથી એમનો ઉલ્લેખ ઇતિહાસમાં થયો છે એ વાત તો સાચી છે પણ આ યુદ્ધની વાતોનો કોઈ તાળો મળતો નથી નહીં રાજાનાં નામોમાં કે નહીં એમની સાલવારીઓમાં ! અહીં કેટલીક સાલવારીઓ તપાસવી અતિઆવશ્યક છે. જે ઇતિહાસમાં ક્યાંકને ક્યાંક નોંધાયેલું છે પણ એની સત્યતાની ચકાસણી અવશ્ય કરવી પડે તેમ છે.

  •  ઇસવીસન ૬૯૬ – ઉત્તરમાં જયશિખરીનું રાજય, રાજધાની પંચાસર
  •  ઇસવીસન ૭૨૫ – સિંધના જુનૈદનું ગુજરાત પર આક્રમણ પુલકેશીને હરાવીને સીમા પર કાઢી મૂકયો
  •  ઇસવીસન ૭૪૬ – ચાવડા વંશની સ્થાપના.
  •  ઇસવીસન ૭૭૧ – પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા.
  •  ઈસવીસન ૭૮૩ – રાષ્ટ્રકૂટ વંશ
  •  ઇસવીસન ૭૮૮ – મૈત્રક વંશનો અંત.
  •  ઇસવીસનની નવમી સદી – ગુજરાત નામ પ્રચલિત બન્યું.
  •  ઇસવીસન ૯૨૦ – સૌરાષ્ટ્રમાં જેઠવા વંશ, વાળા તથા ચુડાસમા વંશ, કચ્છમાં જાડેજા શાસન, ગુજરાતમાં પરમાર વંશ

આમાં રાષ્ટ્રકૂટ વંશની શરૂઆત ગુજરાતમાં થઇ કે એની ગુજરાતમાં સમાપ્તિ થઈ એ સ્પષ્ટ થતું નથી

જો મૈત્રકવંશની સમાપ્તિ ઇસવીસન ૭૮૮માં થઇ હોય તો પછી ચાવડાવંશની સ્થાપના ઇસવીસન ૭૪૬માં થઇ એ કઈ રીતે શક્ય બન્યું ?

આમાં તો જો બીજી પરંપરાવાળાઓએ જે એક વિચાર આપણી સમક્ષ રજુ કર્યો છે એ સાચો પડતો જણાય છે અને કેટલાંક ઈતિહાસકારોનાં મતો યથાર્થ સાબિત થતાં જણાય છે. જેમ કે ચાવડાવંશની શરૂઆત એ વિક્રમ સંવત ૮૦૨માં નહીં પણ વિક્રમ સંવત ૯૦૨માં થઇ હતી અને કેટલાંક રાજાઓનાં નામ પણ. સાલવારી જો આ સાચી હોય તો ચાવડાવંશની શરુઆતનું વર્ષ બદલવું જ પડે તેમ છે અને જો એમ કરવામાં આવે તો જયશિખરી -ભુવડની વાત ખોટી પડતી પ્રથમ નજરે પડતી જણાય છે. ઈતિહાસ તમને ગમે તે રીતે તો રચાતો કે ગોઠવાતો નથી જ એ તો તથ્ય અને સાક્ષ્ય પ્રમાણો પર આધારિત હોય છે. આમાં કોઈ પણ એમ કહે કે હું સાચો છું એ તો શક્ય જ નથી. તેમ છતાં ઈતિહાસ રજુ કરતાં ગ્રંથોમાં આ વાત નોંધાઈ જરૂર છે પણ તે જ ઈતિહાસ છે એવું કેવી રીતે માનીને ચલાય ? ચાવડાવંશની સ્થાપના રાજા વનરાજે કરી હતી અને બીજાં રાજાઓની સાલવારી જે આપી છે એ કંઈ ખોટી તો નથી જ ને ! વિકિપીડિયા અને સર્વત્ર જગ્યાએ ચાવડાવંશના રાજાઓના શાસનકાળના કુલ વર્ષો આપ્યાં છે પણ એમનું શાસન ક્યા વર્ષમાં શરુ થયું તે તો કોઈએ પણ જણાવ્યું નથી જ. જે આ પ્રબંધ ચિંતામવણિ , વિચારશ્રેણી વગેરે ગ્રંથોમાં આપવામાં આવ્યું છે તેવું કોઈએ પણ ક્યાંય લખ્યું જ નથી હજી સુધી તો.આ માટે તો આ ગ્રંથોને ધન્યવાદ આપવાં જ ઘટે. જયશિખરીની સાલવારી લગભગ દરેક જગ્યાએ સાચી આપવમાં આવી છે જે ગોટાળો છે તે ચાવડાવંશની સ્થાપના અને રાજા વનરાજ ચાવડાનાં શાસનકાલનો છે તેમાં ઉપર જણાવેલી સાલવારીઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.આ બધાંમાં એક વાત તો સૌ સ્વીકારે છે કે ચાવડાવંશનો અંત ઇસવીસન ૯૪૨માં આવી ગયો હતો જેનાં સાક્ષ્ય પ્રમાણો પણ ઉપલબ્ધ છે એટલે એ વાત ને તો ઉવેખી શકાય તેમ નથી જ. જયશિખરી એ વનરાજના પિતા હતાં એ વાત પણ એટલી જ સાચી છે.

હવે વાત રાજા વનરાજ ચાવડાના પૂર્વજોનીએટલે કે વનરાજના માતા-પિતાની કરીએ ………

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વજો

ચાવડાકુળની ઉત્પત્તિ વિષે કંઈ જાણી શકાતું નથી પરંતુ વનરાજ ચાવડા વિષે અનેક ઉલ્લેખો મળે છે. તેમાં તેમનાં પૂર્વજો વિષે ખાસ કરીને માતા-પિતા વિશે માહિતી જરૂર મળે છે. વળી…. જે કંઈ માહિતી મળે છે તેમાં પણ ઘણો વિગતફેર રહેલો જ છે.

રાજા વનરાજના પૂર્વજોનો સૌ પ્રથમ ઉલ્લેખ મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણિ (ઇસવીસન ૧૩૦૫)માં મળે છે. તેમાં વનરાજના પિતાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ થયેલો જ નથી પરંતુ માતા વિશે વિગતો જરૂર આપી છે. તેમાં જણવ્યા પ્રમાણે — કાન્યકુબ્જના એક ભાગ રૂપ ગુર્જરભૂમિમાં વાઢીયાર નામનાં પ્રદેશમાં પંચાસર ગામમાં ચપોત્કટ વંશના બાળકને વણ નામના ઝાડ ઉપર બાંધેલી ઝોળીમાં રાખી તેની માતા લાકડાં વીણતી હતી. ત્યાં જૈનાચાર્ય શીલગુણસૂરિ આવી પહોંચ્યા ને તેને લઇ ગયાં અને તે બાળકને “વનરાજ” નામ આપ્યું. આ રીતે વાત આગળ ચાલે છે. પરંતુ તેમાં તેની માતાનો ઉલ્લેખ આપ્યો છે. તેમનાં પિતા વિષે કંઈ કરતાં કંઈ જ આપ્યું નથી. તેમ જ તેમની માતાનું નામ પણ આપવામાં નથી જ આવ્યું. બિલકુલ આ જ રીતની વાત જિનમંડનગણિ કૃત કુમારપાલ પ્રબંધમાં મળે છે. અત્રે એ વાત યાદ અપાવી દઉં કે અહી જે પંચાસર ગામનો ઉલ્લેખ થયો છે તે મહેસાણા જીલ્લાનાં સમી તાલુકામાં આવેલું છે તેનો જ ઉલ્લેખ બધી જગ્યાએ થયો છે. આમાં કચ્છની સરહદે આવેલું ગામ એવો ક્યાંય પણ ઉલ્લેખ થયો જ નથી . પંચાસર એ આ જ ગામ છે જે આજે છે ત્યાં જ છે. એટલે કચ્છની સરહદે આવેલાં ગામનો છેદ જ ઉડી જાય છે. કચ્છની સરહદેથી ઈસવીસન ૭૨૫માં સિંધમાંથી જુનૈદે ગુજરાત પર આક્રમણ કરી સમ્રાટ પુલકેશીને હરાવ્યો હતો જે વખતે ગુજરાત એ સમ્રાટ પુલ્કેશીના તાબામાં હતું. જૈન સાહીત્યકારોની એક ખાસિયત એ પણ છે કે તેઓ ગુજરાત પર થયેલાં આક્રમણો કે તેમાં થયેલી ગુજરાતનાં રાજાઓની હારની વાતો તો કરતાં જ નથી .આને લીધે જ ઇતિહાસમાં સાલવારીઓનો તાળો મળતો નથી અને ઇતિહાસમાં રાજાઓનાં શાસનમાં ગોથાં ખવાય છે તે નફામાં. ઈસવીસન ૬૯૬ની વાત તેઓ ઉપજાવે છે અને ઈસવીસન ૭૨૫ની વાત કરવાનું તેઓ ઈરાદાપૂર્વક ટાળતાં હોય એવું લાગે છે. વાત આપણે કચ્છની સરહદે આવેલાં ગામની કરતાં હતાં તો આ પંચાસર એ ત્યાં નથી જ આવેલું એ ઉત્તર ગુજરાતનું જ એક ગામ છે ઇતિ સિદ્ધમ ! તો વળી, પ્રભાવકચરિતમાં શીલગુણસૂરિણે બદલે તેમનાં શિષ્ય દેવચંદ્રસૂરિ એ નામ આપ્યું છે.

તો પુરાતન પ્રબંધ સંગ્રહ (૧૪મી સદી)માં આનાથી કૈંક જુદી જ વાત મળે છે. તેમાં જણાવ્યાં પ્રમાણે અંબાસણ ગામમાં રહેનાર ચાપોત્કટ જ્ઞાતિના ચંડ અને ચામુંડ નામે બે ભાઈ હતાં. કોઈ એક જોશીએ ચામુંડની પત્નીનાં ગર્ભથી ચંડ મરણ પામશે એવું કહ્યું તેથી ચામુંડે સગર્ભા પત્નીનો પરિત્યાગ કર્યો. તે પંચાસર ગામે ગઈ અને ત્યાં શીલોચ્છવૃત્તિથી જીવવા લાગી. તેનો પુત્ર તે વનરાજ. ત્યાર પછીની વાત પ્રબંધ ચિંતામણિ પ્રમાણે આગળ ચાલે છે. તેમાં પણ મુનિ શીલગુણસૂરિ તેનાં બાળકને અને માતાને લઇ જાય છે એવું આવે છે. આ રીતે આમાં જણાવ્યા પ્રમાણે વનરાજના પિતાનું નામ ચામુંડ છે જયારે માતાનું નામ આપવામાં આવ્યું નથી. આ રીતની વાત આ ગ્રન્થ સિવાય બીજી કોઈ જગ્યાએ મળતી નથી.

ત્યારબાદ ધર્મારણ્યમાહાત્મ્ય (પદ્મપુરાણ અંતર્ગત)- ૧૫મો સૈકોમાં વનરાજનાં પૂર્વજો વિશેની કોઈ જુદી જ માહિતી મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે કોશલદેશમાં સૂર્યવંશમાં અગ્નિકેતુ નામે રાજા થયો. રજનીપુત્ર મોટો થતાં કોશલદેશમાંથી ધર્મારણ્યમાં આવ્યો. દાસીપુત્ર હોવાથી તેણે “ક્ષતા” તરીકે સંબોધવામાં આવે છે. ધર્મારણ્યમાં નારી ગર્ભિણી થઇ તેણે શુભ નક્ષત્ર યોગમાં પુત્રને જન્મ આપ્યો. તેનું નામ “વનરાજ” પાડવામાં આવ્યું. અહી જે અંબાસણ ગામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ મહેસાણા જીલ્લામાં જ આવેલું છે અને પંચાસર ત્યાંથી બહુ દૂર નથી. ધર્મારણ્યનામનો જે પ્રદેશ તે જમાનામાં જાણીતો હતો તે મોઢેરાની આસપાસનો પ્રદેશ હતો. આ રીતે આમાં રાજા વનરાજ ચાવડાનાં માતા-પિતાવિશેનો ઉલ્લેખ મળે છે પરંતુ તેમાં પિતાનું નામ તો આપ્યું છે પણ માતાનું નામ ક્યાંય આપ્યું જ નથી. આ રીતની વાત પણ બીજે ક્યાંય મળતી નથી.

આગળ જતાં કૃષ્ણ કવિ કૃત રત્નમાલા (૧૭મો – ૧૮મો સૈકોમાં વનરાજના પિતા વિષે વળી સાવ જુદી જ માહિતી મળી આવે છે. તે રત્નમાલામાં જણાવ્યા પ્રમાણે વનરાજના પિતા પંચાસરનાં જયશિખરી નામે ચાવડા રાજા હતાં. જેઓ ઇન્દ્રના જેવી તેજસ્વી કાંતિવાળા, અપાર બુદ્ધિવાળા, યુદ્ધમાં ટેકી અને એક વાચની હતાં. તેમની રાણીનું નામ રૂપસુંદરી હતું. કનોજનાં રાજા ભુવડે ગુજરાતમાં સૈન્ય મોકલ્યું બીજી વખત પોતે જ જાતે ચઢાઈ કરી આવી પહોંચ્યો. આ સમયે રાણી રૂપસુંદરી ગર્ભવતી હતી. યુદ્ધ કરતી વેળા જયશિખરીએ તેનાં સાળા સૂરપાળ સાથે રૂપસુંદરીણે જંગલમાં મોકલી આપી. આ ઘમાસાણ યુધ્દ્ધમાં જયશિખરીનું મૃત્યુ થઇ ગયું. તો આ બાજુ જંગલમાં રૂપસુંદરીએ વનરાજને જન્મ આપ્યો.

આ જ રીતની વાત રાસમાળા તથા બોમ્બે ગેઝેટિયરમાં મળી રહે છે. પર્સિયન લેખક અલી મુહમદ ખાને મિરાતે અહમદી (૧૮મા દસકાની મધ્યમાં )માં જણાવ્યા પ્રમાણે સામંતસિંહ જે કનોજના રાજા ભૌરદેવ (ભુવડ)નો સમાંત હતો તેનો પુત્ર તે વનરાજ. અહીં વનરાજનીમાતાનું નામ જણાવ્યું નથી.

ફાર્બસ ગુજરાતી સભા પાસેનાં એક હસ્તલિખિત પુસ્તકમાં ચાસના નામનો ચાહડગઢનો રાજા હોવાનું તથા એનાથી ચાવડા વંશ ચાલ્યો હોવાનું કહ્યું છે. ચાસ ચાહડગઢતોડીને જયપુર આવ્યો. પછી ૩૧મો રાજા ભીમદેવ ભિલ્લમાલ આવ્યો એની રાણી આંબેરના કચ્છવાહ માનસિંહની દીકરી જશકુંવરબાનો પુત્ર તે વનરાજ. આમાં જણાવ્યા પ્રમાણે વનરાજના પિતાનું નામ ભીમદેવ અને માતાનું નામ જશકુંવરબા એમ સાબિત કરવામાં આવ્યું છે આવી વાત પણ બીજે ક્યાંય પણ મળતી તો નથી જ . તે ના જ મળે ને ભાઈ આ કહી વાત ઉપજાવી કાઢેલી છે. ફાર્બસ ઉપર ક્યારેય વિશ્વાસ ના કરાય કારણકે એ ભાટ – ચારણોની કથાઓણે જ વધારે મહત્વ આપે છે. જેવું તેઓ બધી જ જગ્યાએ કરી જ ચુક્યા છે. હા… આ ગ્રંથ કોણેલખ્યો છે તે તેમાં જણાવ્યું નથી આ તો એ સભા પાસેથી મળી આવ્યો જે વાત એમણે જાહેર કરી છે. પણ એ ૧૯મી સદીમાં જ કોઈકે લખ્યું હશે એવું મન માનવા પ્રેરાય છે.

તેમ છતાં વનરાજના પિતા વિષે પાંચ જુદાં જુદાં નામ મળે છે તેમાં વનરાજના બાળપણને પંચાસર સાથે રહેલા નીકટના સંબંધને જૈન પ્રબંધોમાં સમર્થન મળતું હોઈ “રત્નમાલા”માં નોંધવામાં આવેલી પંચાસરનાં રાજા જયશિખરીણે લગતી અનુશ્રુતિ સૌથી વધુ સંભવિત ગણાય એવું ઘણાં બધાં ઈતિહાસકારો અને ઈતિહાસ તજજ્ઞોનું માનવું છે અને એટલે જ આ “રત્નમાલા”ની કથાને ઇતિહાસમાં સ્થાન આપવામાં આવેલું છે પણ જે રીતે યુધ્ધના વર્ણનો અને પંચાસરનાં વખાણ સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યાં છે એને તો કોઈ કરતાં કોઈ અનુમોદન આપતું જ નથી. કારણકે આખરે તો આ એક અનુશ્રુતિ જ છે ને એટલે ! પણ આ વાત જ બધે ઇતિહાસમાં નોંધાયેલી છે એટલું તો ચોક્કસ છે. આને લીધે જ પિતાનું જયશિખરી અને માતાનું નામ રૂપસુંદરી ગણવામાં -માનવામાં આવે છે તે સ્વાભાવિક જ છે.

આ જયશિખરીનાં કોઈ પૂર્વજો વિષે માહિતી મળતી નથી પણ એમને મારનાર કાન્યકુબ્જના રાજા ભુવડનાં અભિજ્ઞાન વિષે રાજા વનરાજની રાજ્ય પ્રાપ્તિનાં નિરૂપણ પછી છણાવટ કરવામાં આવશે જ !

તેમ છતાં મારું તો સ્પષ્ટ માનવું છે કે — આ બધાં ગ્રંથોએ જે કંઈ માહિતી આપણને ઉપલબ્ધ કરાવી છે તેમાં પણ કૈંક તથ્ય તો છે જ. ક્યાંક પિતાનું નામ મળે છે તો ક્યાંક માતાનો ખાલી ઉલ્લેખ થાય છે. કોઈ એકરૂપતા તો દેખાતી જ નથી. એક માત્ર પંચાસરના ઉલ્લેખથી જ “રત્નમાલા ” ને સાચી ઠેરવી ના દેવાય. એ માટે ઘણાં બધાં દ્રષ્ટિકોણથી આ ગ્રંથોનાં પાનાં ઉથલાવવા પડે અને ઈતિહાસને એ દ્રષ્ટિએ જોવો જ પડે. ચાવડાવંશની વિગતો આમ તો ઘણાં બધાં સાહિત્યકારોએ આપેલી જ છે. જેમાં પ્રબંધ ચિંતામણિ – વિચારશ્રેણી -ધર્મારણ્યમાહાત્મ્ય – ખતપત્ર – ભૂગોળપુરાણ જે એક પહેલી પરંપરા છે તેમાં આ સાલવારીઓ આપવામાં છે જે મત ઇતિહાસકારોને સ્વીકાર્ય નથી. તો બીજી એક પરંપરા જે પ્રબંધ ચિંતામણિ – કુમારપાળ ચરિત – પ્રવચન પરીક્ષા -મિરાતે અહમદી -ગુર્જરભૂપ નામાવલી અને રત્નમાલાની પ્ર્મપ્રજ બધાં જ ઈતિહાસ તજજ્ઞોને સ્વીકાર્ય છે. એમાં પણ રત્નમાલાનું નામ આવતું હોઈ એની વાત બધાંએ આમાં પણ સ્વીકારી લીધી છે. એક જ રત્નમાલામાં થયેલાં ઉલ્લેખને કેટલે અંશે સાચો માની લેવાય ? જો કે તે ન જ મનાય એવું પણ હું માનતો તો નથી જ પણ નામ અને સાલવારીમાં જે ગોટાળાઓ ઊભાં થયાં છે તેની વાત હું રાજા વનરાજમાં કરવાનો જ છું એમાં જ રાજા ભુવડની વાત પણ હું કરવાનો છું. પ્રબંધ ચિંતામણિ અને વિચારશ્રેણી તથા ધર્મારણ્ય માહાત્મ્ય એ ૧૪મિ સદીમાં રચાયા છે જયારે રત્નમાલા એ તો ઇસવીસનની સત્તરમી – અઢારમી સદીમાં રચાયેલો ગ્રંથ છે. વા તો બધાં એ જ કરી છે તેમ છતાં આ “રત્નમાલા”ની વાતને જ કેમ બધાં પ્રાધાન્ય આપે છે એજ સમજાતું નથી મને ! આગળના લેખમાં હું આની વિસ્તૃત ચર્ચા કરવાનો જ છું .અહીં ખાલી પંચાસરના રાજા જયશિખરી અને એમની પત્ની રૂપસુંદરીની જ વાત કરી છે બાકીની વાત આગળ રાજા વનરાજમાં આવવાની હોવાથી આ લેખ હું અહી પૂરો કરું છું !

મારો હવે પછીનો લેખ રાજા વનરાજ ચાવડા ઉપર !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——— જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!