હલ્દીઘાટીના યુધ્ધમાં કટોકટીના વિજય પછી મેવાડરાજ પ્રતાપ પાસે હવે એટલું અન્ન નહતુુ કે એટલું ધન નહતું જેથી તે અકબરને હંફાવવા ફરી સેના સંગઠીત કરી શકે. બાવીસ હજાર રાજપુતો અને ભીલોની સેના વડે અકબરની વિશાળ સેનાને ચક્કા છોડાવનાર પ્રતાપ હવે નિરાશ હતાં. પહાડીઓમાં ઘુમતા હતાં અને સ્વપ્ન રોળાતું હતું. જોમ ઘણું હતું પણ ધનનો અભાવ હતો. આજ મેવાડધણી નિરાશ હતો.
અને એ જ નિરાશાને ખંખેરી નાખતો એક સિતારો રાજસ્થાનના નભમાં ચમક્યો. સદાય માટે પ્રજ્વલિત રહેનારો એ સિતારો હતો – ભામાશા નામનો વણિક શેઠ. આધેડ ઉંમરે પહોંચેલ આ વૃધ્ધ ઇતિહાસમાં કાયમ માટે અમર બની જવાનો હતો. મધ્યયુગનો “મહાદાનવીર” તરીકે ઓળખાનાર આ ભામાશાને લીધે આજ મેવાડ તરી જવાનું હતું.
મહારાણા પ્રતાપને તેણે પોતાની બધી સંપત્તિ અર્પી દીધી! પોતે જીંદગી આખી કમાઇને ઘણું મેળવ્યું હતું. અને પોતાનું સમગ્ર ધન તેણે માતૃભુમિને ચરણે ધરી દીધું. મહારાણા પ્રતાપના ૨૫,૦૦૦ સૈનિકોનો ૧૨ વર્ષ સુધી નિભાવ થઇ શકે એટલું ધન !!
જ્યારે મહારાણા પ્રતાપ મેવાડ છોડી અને ગુજરાતમાં આવી સૈન્ય એકઠું કરવાનો વિચાર કરી રહ્યાં હતાં અને બસ હવે લગભગ મેવાડ છોડવાની તૈયારીમાં હતાં ત્યારે આ મદદ મળી હતી. હલ્દીઘાટીમાં વિજય છતાં પ્રચંડ ખુવારી વેઠ્યાં બાદ પ્રતાપ જંગલોમાં ભટકતા અને કંદમુળ ખાઇ પોતાના પરિવારનો નિર્વાહ કરતા. એમાં એક વખત ખાવાની એકદમ તંગી હોવાની પ્રતાપની પુત્રીએ પોતાના નાના ભાઇને જીવંત રાખવા પોતે ભુખી રહી પોતાના પ્રાણનું બલિદાન આપેલું !! મેવાડની સેનાએ મુગલસેનાને ગાજરમુળાની જેમ કાપેલી કારણ ? મુગલસેનામાં આવી કુમળી વિરાંગનાઓ એ રૂધિર નહોતા રેડ્યા. મેવાડની ભુમિ તો નાનકડી બાળાના બલિદાનથી રક્તરંજિત હતી.
ભામાશાની મદદ મળતા મહારાણામાં જાણે નવું જોમ આવ્યું. ફરી સેના સુસજ્જ થઇ અને છાપામાર હુમલાઓ અને યુધ્ધો શરૂ થયાં. એમ કરતા-કરતા છેલ્લે ચિત્તોડ સિવાયના બધાં કિલ્લાઓ પર ફરી “જય એકલિંગ” ના નારા ગુંજવા લાગ્યા.
મહારાણા પ્રતાપના આ ભવ્ય વિજય પાછળ કેટલાય બલિદાનો પડ્યાં છે. એ બધાનો ફાળો આ વિજય માટે અમુલ્ય હતો. ભામાશાનો ફાળો પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. જૈનધર્મીઓની છાતી આ વિરના અમુલખ દાનથી ગજગજ ફુલે જ !!
ભામાશા મહારાણા પ્રતાપના બાળપણના સાથીદાર હતાં. તેમણે “અપરિગ્રહ”નું વ્રત બખુબી રીતે પાડેલું. ધન સંચય કરવાની એની આદત નહોતી. એના આ અમુલ્ય સમર્પણને ભારત ક્યારેય નહિ ભુલે કે જેણે પ્રતાપને હાંક મારી- “ઉઠો ! મેવાડરાજ ! ધનની ચિંતા છોડો. હું મારુ સર્વસ્વ તમારી અને મેવાડની સેવામાં અર્પણ કરૂ છું.”
છત્તીસગઢ સરકાર ભામાશાની યાદમાં કોઇ વિશિષ્ટ દાનવીર વ્યક્તિ આજે પણ “દાનવીર ભામાશા સમ્માન” થી વધાવે છે. અટલજીની સરકારે ૩૧ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ ભામાશાના ફોટોવાળી ૩ રૂપિયાની ટપાલ ટીકીટ જારી કરેલી.
પોતાના દાન વડે માતૃભુમિની અવિસ્મરણીય સેવા કરનાર આ મહાપુરુષ સદાઅમર રહેશે.
ઇસ યુગ કે અંધિયારે પથ કો ફીર પ્રતાપ કા નુર મિલે
ભામાશા,ભીલુરાણા ઔર ફીર હકીમ ખાં સુર મિલે !
આવા સમર્પણ કાળથી ભુંસાતા નથી –
વહ ધન્ય દેશ કી માટી હૈ, જીસમેં ભામાશા લાલ પલા
ઉસ દાનવીર કી યશગાથા કો મેટ સકા ક્યાં કાલ ભલા ?
– Kaushal Barad.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો