ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી બધી વખત થયો છે અને થતો જ રહેવાનો છે !!!!
ભાણવડથી પાછતરડી એક રસ્તો ગડુ-દુઘાળા તથા હાથલા તરફ ફંટાય. હાથલા ગામને અડીને લગભગ દોઢેક ખેતરવા શનિદેવનું રક્ષિત મંદિર છે. તેમાં કાળભૈરવ- શનિદેવ- પનોતી અઢી વર્ષ- પનોતી સાડા સાત વર્ષ એમ સિંદુર ચડાવેલી ભિન્ન ભિન્ન મૂર્તિઓ છે. મૂર્તિના જ સાનિઘ્યમાં ઐતિહાસિક શનિદેવ જે સૈકાઓથી ત્યાં બિરાજમાન છે. જગ્યાની સ્વચ્છતા દાદ માગી લે તેવી છે. યાત્રીઓની સુવિઘા માટે પુજારીએ એક છાપરા જેવું બનાવેલું, તેનો કોર્ટમાં પુરાતત્વ વિભાગે મંજૂરી વિના ફેરફાર કરવા અંગે કોર્ટમાં કેસ કરેલો તેવું મેં સાંભળ્યું છે. આમા તો મૂળ સ્થળમાં કોઇજ પરિવર્તન થયું નથી.
પરંતૂ આ તાલુકાના એક ગામ ઝીણાવારીમાં ઐતિહાસિક ભવ્ય સૂર્ય મંદિરમાં આશરે સીતેર- એકોતેર ની સાલ આસપાસ મેં રકતરંગી સૂર્ય નારાયણ જોવા મળેલાં. વર્ષો પછી જયારે ત્યાં નાનકડું રામલલ્લાનું મંદિરમાં તે તબદીલ કરાયેલું પછી આ મંદિર સામે ડાબા હાથે એક પૂરાતન વાવ છે. સામે જ સ્મશાન છાપરીમાં સ્ટીલના પલંગ છે. જમણી બાજુ એક તલાવડી છે. પ્રથમ નજરે આઠથી દશ ફુટ ઉંડી હોઇ શકે. જમણી તરફ ત્યાં એક વાછરા ડાડાનું મંદિર છે. જયાં શ્રઘ્ઘાળુઓ આજે પણ એન્ટિરેબીટ ઇજેકશન લેવા છતાં પગે લગાડવા અચુક જાય છે જ. સૈકાઓથી ચાલીઆવતી આ પ્રણાલિકા છે. તેની બાજુમાં જ શીતલા મંદિર છે. આમ, હિંદુસ્તાનની ભૂમિ પર કંઇક નામી અનામી ઇતિહાસ કંડારાયેલો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિજયંતીના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે. આથી આ ઐતિહાસિક સ્થળે શનિશ્વરી અમાસ નિમિત્તે વહેલી સવારથી જ શનિભકતો ઉમટી પડે છે. શનિદેવના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે.
ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ અહીં નજરે પડે છે. દૂર-દૂરથી ભક્તોએ અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે તો કેટલાય લોકો પોતાની પનોતી ઉતારવા કે શનિદોષમાંથી મુક્તિ મેળવવા શોધે છે. ભારતભરમાં હાથલા શનિ મંદિર એક જ એવું સ્થાનક છે કે જ્યાં સ્ત્રીઓ સહિત ભક્તો પોતાની જાતે ભગવાનની પુજા-અર્ચના કરી શકે છે.
આ હાથલા ગામમાં ઇતિહાસની દ્દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. ઈ.વ.ની છઠ્ઠી -સાતમી સદીનાં મૂર્તિ, શનિકુંડ પુરાતત્વ દ્વારા રક્ષિત છે. હાલ આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હૈયાત છે. શનિકુંડ ઊંડો છે. આ કુંડમાં કોસ અને રેંટ ચાલી શકે અને પગથિયાથી અંદર ઉતરી શકાય તેવી રીતે બાંધવામાં આવ્યો છે. હાલના આ શનિદેવ અને શનિકુંડ જેઠવાઓના ઘુમલી રાજથી કેટલાય સમય પહેલાના મૈત્રકકાલીન સમયનો હોય શકે. જેઠવાઓના સમયમાં જેઠવાઓ અને જાડેજાઓની લડાઇઓ આ વિસ્તારમાં બહુ થઈ છે તેના કારણે આ વિસ્તાર ઉજજડ થઈ જતાં ૨૦૦-૨૫૦ વર્ષ સુધી અહીં લોકો દર્શને આવેલ નથી.
હાલના બરડા ડુંગરનું શ્રૃષિકાલિન જુનું નામ બટુકાચળ અને તેમના જંગલનું નામ પીપ્પલાવન હતું. ત્યારે આ સ્થળનું નામ હસ્તિનસ્થલ, મધ્યકાળમાં હસ્થથલ, અને અત્યારનું આપણું હાથલા નામ છે. અહીં હાથલાનો અર્થ શનિદેવ હાથી ઉપર બિરાજે છે એવો થાય છે. હાથલાના અવશેષો ૧૫૦૦ વર્ષથી પણ જુના છે. શાસ્ત્રોકત રીતે શનિદેવનાં દશ નામો, દશ વાહનો અને દશ પત્નીઓ છે. તેમાંથી એક નામ આ સ્થળના વનના નામ ઉપરથી પિપ્પલાશ્રય અને વાહન હાથીની સવારી તે અહીની જ છે. હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી ઉપર નથી. શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે. શનિદેવ ન્યાય કરવામાં કોઈની પણ લાગવગ ચલાવતા નથી. તેથી આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમરાજાના સગા મોટાભાઇ અને તાપી નદીના સગા ભાઈ થાય છે. આ કારણે યમુના સ્નાનથી યમની, અને તાપી સ્નાનથી શનિદેવની નડતર દુર થાય છે.
મુગદ્દલ શ્રૃષિ આ સ્થળે ઘણો સમય રહ્યા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કરેલ હતા. આ ઋષીએ આ સ્થળે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે જુદા જુદા સ્તોત્રની રચના કરી છે. તેમાંથી શનિમાનસ પૂજા સ્તોત્ર થોડા ફેરફાર સાથે આજે પણ પ્રખ્યાત છે.
આ શનિદેવના દર્શને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે આવેલા છે. પોરબંદરનાં રાજમાતા શ્રી રુપાળીબા તથા જામનગરના રાજમાતા શ્રી ગુલાબકુંવરબા આવેલાં છે. આ સ્થળે બ્રાહ્મણો દ્વારા શનિ મૃત્યુ જય યજ્ઞ અને ચારણો દ્વારા શનિ માનસ ગાન થયેલ છે. હાલમાં ગુજરાત સરકારે શનિદેવ સ્થાનના વિકાસ માટે 2-3 કરોડ ગ્રાંટની જોગવાઈ કરી છે.
મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં છે તેવું લખવામાં આવે છે. સૌએ શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જેવા છે.
હાથલા દેવભૂમિ દ્વારકાના ભાણવડ થી 20 કી.મી. ની દૂરી પર જ છે
આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તારીકે ઓળખાય છે.
શનિદેવ મંદિરે પનોતીવાળા લોકો સ્નાન કરવા આવતા હોય છે, પરંતુ મામા-ભાણેજને પોતાના હાથે સ્નાન કરાવી નક્કોર વસ્ત્ર પહેરાવે તો ક્યારેય કોઇ પનોતી નજીક આવતી નથી. વળી દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ પગરખા પહેરીને આવે છે અને શનિ મંદિરે પોતાના પગરખા મુકીને જાય છે. માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી, તેવી પણ એક લોકવાયકા છે.
હાથલામાં શનિમંદિરની પાસે આવેલા શનિકુંડનું પણ અનેરુ મહત્વ છે, વર્ષો પૂર્વ રાજા દશરથ રામ અને લક્ષ્મણને લઈને દ્વારકા જવા નીકળ્યા હતા. એવામાં આ બાજુ આવતા હાથલા સુધી પહોંચ્યા અને પાછળ મહાદેવનું મંદિર છે ત્યાં આરતી થઈ. આથી, દશરથજીને થયું કે આ તો આપણે દ્વારકા પાછળ છોડી દીધું, તેઓ પાછા ફર્યા ત્યાં વચ્ચે આ સ્થળે રામજીને તરસ લાગી, તેના પાણી માટે થઈને બાણથી દશરથજીએ પાણીનો પ્રવાહ નીકાળ્યો. તે આજે શનિકુંડ તરીકે પ્રસિદ્ધ છે.
આ શનિકુંડને લઇને એવું પણ કેહવામાં આવે છે કે, અહીંયા વર્ષો પહેલા પાંડવો જયારે શનિદેવના ચક્કરમાં ચકરાયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું હતુ કે, હાથલા ગામે પાવનકારી શનિકુંડમાં સ્નાન કરવાથી શનિના તમામ અનિષ્ટો દુર થશે અને પાંડવો હાથલામાં આવીને શાસ્ત્રોકત યજ્ઞ પુજનવિધી કરાવીને પાંચેય ભાઈઓએ પાવનકારી શનિકુંડના પાણીથી સ્નાન કરીને શ્રધ્ધાભાવથી યજ્ઞાવિધિ આરતી કરાવ્યા હતા અને શનિદેવના આર્શિવાદ મળતા તેઓએ વિજય મેળવ્યો હોવાનું પણ માનવામાં આવે છે
થોડુંક વધારે ———-
મહારાષ્ટ્રના શીંગળાપૂર શનિદેવ મંદિરમાં મહિલાઓને દર્શન કરવાને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાથલા ગામે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શનિદેવના જન્મસ્થળ પર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મહિલા-પુરુષ બાળકો સૌ કોઈને શનીદેવના મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલમાં શીંગળાપુર મંદિરે મહિલાઓેના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ મુદ્દે હાથલાના આ શનીમંદિરે દર્શનાર્થે આવેલ મહિલાઓએ એવુ જણાવ્યુ હતુ કે, દરેક મંદિરે મહિલાઓને પણ દર્શન કરવાનો અધિકાર હોવો જોઈએ આવો ભેદભાવ યોગ્ય નથી.
મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ, પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા કે, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા હતા તે આજનુ હાથલા ગામ. હાલ મહારાષ્ટ્રના શીંગળાપુર ખાતે આવેલ શની મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને દર્શન કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
ત્યારે દેવભૂમિ દ્વારકાના હાથલા ગામે આવેલ શનિ મંદિર કે જેને શનીદેવનુ જન્મસ્થળ ગણવામાં આવે છે તેવા આ આ શનીમંદિરમાં વર્ષોથી મહિલાઓને પ્રવેશ અને દર્શન કરવાની છુટ આપવામાં આવી છે.
ભારતમાં શનિદેવના મુખ્ય ત્રણ સ્થાનકો આવેલા છે
- [૧] મહારાષ્ટ્રમાં શિંગણાપુર,
- [૨] રાજસ્થાનમાં કર્પાસન
- [૩] ગુજરાતમાં હાથલા.
શીંગણાપુર અને કર્પાસનમાં આવેલા શનિદેવના સ્થાનકો ૧૨મી સદીના હોવાનું મનાય છે.. જ્યારે હાથલાનું સ્થાનક ૯ મી સદીનું હોવાનું મનાય જાણવા મળે છે.
આમ ત્રણેય સ્થાનકોમાં સૌથી પૌરાણિક શનિદેવના જન્મસ્થાન તરીકે પૂજાય છે. પુરાતત્વ દ્વારા રક્ષીત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે. મંદિરની લાક્ષણિકતા છે કે તે સ્મશાનભૂમિમાં આવેલું છે આ મંદિરની વિશેષતા કહી શકાય કે અહીંયા બાળકોથી લઇને વૃધ્ધો સુધી ફક્ત પુરૂષો નહીં પરંતુ મહિલાઓ પણ શનિ મંદિરમાં અંદર નીજ મંદિરમાં જઇને શનિદેવના દર્શન કરી શકે છે.
હાલના વિવાદ અંગે અહી દર્શનાર્થે આવેલ મહિલાઓએ એવુ જણાવ્યુ હતુ કે, દરેક મંદિરમાં મહિલાઓને પણ સમાન રીતે દર્શન સહિતનો હક્ક હોવો જોઈએ શીંગળાપુરમાં જે વિવાદ છે તે યોગ્ય નથી. તેવુ દર્શનાર્થી મહિલાઓએ જણાવ્યુ હતુ.
શનિદેવના મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને દર્શન સહિતના મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ મુદ્દે પોરબંદર નજીકના હાથલા ગામે આવેલા શનિદેવના જન્મસ્થાન મંદિરના પૂજારી ગોવીંદપુરીને પુછતા તેઓએ એવું જણાવ્યું હતું કે, હાલ શીંગળાપુરના શનીમંદિરમાં મહિલાઓ દ્વારા પૂજા કરવાને લઈને જે વિવાદ વકર્યો છે તેનુ કારણ છે એવુ પણ હોય શકે છે,કે, ત્યાના મંદિરમાં કેવળ શનીદેવ એકલા જ બિરાજમાન છે. તેથી ત્યાના મંદિરમાં મહિલાઓને પૂજા કરવા પર રોક છે. કારણ કે કાલ ભૈરવ, હનુમાન અને શનીદેવ બ્રહ્મચારી હોવાના કારણે મહિલાઓને તેઓની પૂજા કરવા પર પ્રતિબંધ છે. પરંતુ શનિદેવના હાથલા ખાતે આવેલ મંદિરમાં શનીદેવ બાળ સ્વરુપમાં હોય અને શનીદેવ સપરિવાર અહી બિરાજતા હોવાથી મહિલાઓને પણ નિજમંદિર સુધી જઈને દર્શન સહિતની છુટ આપવામાં આવી છે..
આજે દેશભરમાં શનિ મંદિરોમાં મહિલાઓના પ્રવેશ તેમજ દર્શન સહિતના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હાથલાના આ પૌરાણીક શનિદેવ મંદિરમાં મહિલાઓને જે રીતે ભેદભાવ વગર મંદિરમાં પ્રવેશ તેમજ દર્શનની પરવાનગી આપવામાં આવેલ છે. તે દેશવાસીઓ માટે એક મોટા સંદેશ સમાન છે.
અલ્યા ભાઈઓ અને બહેનો….. મંદિરમાં કોઈને પણ જવાની હક્ક હોય જ એમાં આતો પૌરાણિક માન્યતાવાળું અને લાખો શ્રદ્ધાલુઓથી ઉભરાતું મંદિર છે. શું ઈતિહાસ કે પુરણ એ માત્ર પુરુષોનો જ ઈજારો છે ? સ્ત્રીની મહત્તા તો પૌરાણિકકાળથી ચાલી આવી છે અને ઇતિહાસમાં પણ સ્ત્રીઓનું આગવું જ સ્થાન છે. તો પછી આભેદભાવ શા માટે ? પુરુષ તો મર્યાદા પુરુષોત્તમ બની શકતો નથી અને સ્ત્રીઓ જે ખરેખર પુરુષ સમોવડી છે એને એવી બનતા રોકે છે …….. આ ક્યાંનો ન્યાય !!! શ્રદ્ધા એ પુરુષ હોય કે સ્ત્રી હોય એ બંનેમાં એક સરખી અને સર્વગ્રાહી જ હોય !!! મહત્વ જાતિનું નહિ પણ સ્થળ અને સ્થાનકનું છે !!! એ જે હોય તે હોય ……… પણ શનિદેવનું આ સ્થાન ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે
શત શત નમન શનિદેવને !!!
જય શનિદેવ !!!
———– જનમેજય અધ્વર્યુ
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રી લક્ષ્મીજીની પ્રાગટ્ય કથા
– શ્રી તિરુપતિ બાલાજીનો રોચક ઇતિહાસ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો