સેનાપતિ – સૌરાષ્ટ્રની રસધાર

તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતનો પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાંની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી.

એવે અંધારે વીંટાયેલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા’ દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે. એની આંખ મળતી નથી. આટલા દિવસથી ગોહિલો તળાજું ઘેરીને પડ્યા છે, તોયે ગઢ તૂટતો નથી. ધોળિયા કોઠા ઉપર નૂરુદ્દીનનો લીલો નેજો જેમ જેમ ફડાકા કરે છે, તેમ તેમ ભા’ દેવાણીનું કલેજું તરફડિયાં મારે છે.
સિત્તેર હજાર કોરી રોકડી ગણી આપીને ખંભાતના નવાબ પાસેથી તળાજું દગલબાજ નૂરુદ્દીનને હાથ પડી ગયું છે. ગઢની અંદરથી દારૂગોળાની ઠારમઠોર બોલે છે. ઠાકોર આતોભાઈ પોતે જ ભા’ની જોડે ચડ્યા છે. તોય શત્રુની સામે ભાવનગરની ફોજ ફાવતી નથી.

“બાપુ!” એવો અવાજ દઈને ચાકરે ભા’ને એમના ધ્યાનમાંથી જગાડ્યા.

ઊંચું જોઈને ભા’એ પૂછ્યું: “કેમ અટાણે?”

“બાપુ, ઠાકોરે કે’વાર્યું છે કે ભલા થઈને ભા’ બે રાત્યુંની રજા આપે.”

“આવે ટાણે રજા! અને બે રાત્યુંની રજા! ઠાકોર ગાંડા થઈ ગયા કે શું? ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે? શું છે તે ઘરણ ટાણે સાપ કાઢ્યો છે?”

“બાપુ,” ચાકરે ધરતીઢાળું જોઈને જવાબ દીધો: “ઠાકોરને રણવાસ સાંભર્યો છે. આખી રાત ઊંઘતા નથી.”

“એમ? આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભર્યો!” આટલું બોલીને ભા’ ખડખડાટ હસવા માંડ્યા.

“જાવા દ્યો, ભલે આંટો મારી આવે. બીજું કાંઈ કામ હોત તો હું ના પાડત. પણ આ બાબતમાં તો…. અમેય એક દી જુવાન હતા.”

પચાસ વરસની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ ભા’ દેવાણી વહેલે પરોઢિયે ઠાકોર આતાભાઈને વળાવવા ગયા. આતાભાઈની આંખો ધરતી ખોતરવા માંડી. ભા’ના મોં સામે એનાથી મીટ મંડાણી નહિ. ગાલે શરમના શેરડા પડી ગયા. ભા’ ફક્ત એટલું જ બોલ્યા: “જોજો, હો ઠાકોર! બે ઉપર ત્રીજી રાત થાય નહિ. આમ જુઓ, નૂરુદ્દીનની જંજાળ્યોના ચંભા છૂટે છે.”

ઘૂમતા પારેવાના જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અજવાળે ચમકવા માંડી. એણે જવાબ ન વાળ્યો. ભા’ને રામરામ કરીને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી.

વણાવાળાં ઠકરાણીની મેડીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી ગઈ છે. રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પુરાઈ ગયો છે. ક્યાં તળાજું! ક્યાં ભા’ દેવાણી! ક્યાં લડાઈ! ક્યાં કૉલ! ક્યાં લાજ-આબરૂ! કાંઈયે આતાભાઈને યાદ ન રહ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ: એમ દિવસ પછી દિવસ ઊગી ઊગીને આથમવા માંડ્યા.

આંહીં ભા’ દેવાણી આંખો ખેંચી ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે, ધણી વિનાની ફોજ કાયર બનીને બેઠી છે. લડવૈયા ગુલતાનમાં ચડી ગયા છે. આખરે લાજમરજાદ છોડીને એણે આતાભાઈને કાગળ લખ્યો.

રાજમહેલમાં ઠાકોર અને રાણી હીંડોળાખાટે હીંચકે છે. આસમાનમાં આઠમની ચાંદની છોળે છોળે રેલી રહી છે. સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને ‘મારા સમ – જીવના સમ’ દેતી રાણી ઠાકોરને પિવાડે છે. તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંઢ્ય ઝોકારી. બાનડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી.

ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલું: ‘એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?’

ઠાકોર રોષે ભરાણાં: “આટલી હદે! ભા’ ગમે તેવો તોયે મારો ચાકર: એણે મારી રાણીને મે’ણું દીધું.”

પતિના મોંનો રંગબદલો રાણી પારખી ગઈ. એણે પૂછ્યું: “શું છે?”

“વાંચો આ કાગળ.”

રાણીએ વાંચ્યું: ‘એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?’ વાંચતાં જ રાણીને ભાન આવ્યું.

ઠાકોરનો હાથ ઝાલી કહ્યું: “ઊઠો ઊઠો, ઠાકોર! શું બેઠા છો? ભા’નો કાગળ વાંચ્યા પછીયે બેસવું કેમ ગમે છે? ઊઠો, હથિયાર બાંધો, ઘોડે ચડો અને ઝટ તળાજા ભેગા થાઓ.”

“પણ રાણી, ભા’ આવું લખે?’

“હા, હા, એવું જ લખે. એનો અક્ષરેઅક્ષર સાચો. હું તો અફળ ઝાડવું: મારે પેટ સવાશેર માટી સરજાણી નથી. ઊઠો, ઠાકોર!”

નોમને પ્રભાતે સૂરજદેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો. ઠાકોરના આવવાની આશા છોડીને ભા’એ ગઢના દરવાજાને માથે છેવટનો હલ્લો કર્યો છે. નૂરુદ્દીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાકલ દીધી કે “હા, હવે દરવાજા ખોલી નાખો. ખબરદાર, ગોહિલનો દીકરો એકેય જીવતો જાય નહિ.”

ખોરાસાની અને મુગલાઈ જોદ્ધાઓ તળાજાના ગઢમાંથી ‘ઈલઈલાહી’ કરતા વછૂટ્યા. સામે પોતાના લશ્કરની મોખરે ભા’એ ‘જે ખોડિયાર’ના લલકાર કરીને ખડગ ખેંચ્યું. ઝૂઝતો ઝૂઝતોયે ભા’ ભાવનગરના કેડાને માથે મીટ માંડતો જાય છે કે ક્યાંય આતોભાઈ કળાય! ક્યાંય ઠાકોર દેખાય! માથે તરવારોના મે વરસતા આવે છે; પણ ગોહિલોનો કુળઉજાળણ ભા’ મોખરાની જગ્યા મેલતો નથી. એમાં ‘ઊભો રે’જે, બુઢ્ઢા!’ — એવી હાકલ મારતો નૂરુદ્દીન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલો, કાળભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઊતર્યો. એના હાથમાં સાંગ તોળાઈ રહી છે. પચીસ ખોરાસાનીઓના કૂંડાળામાં પડી ગયેલા ભા’ની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નૂરુદ્દીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નૂરુદ્દીનને તરવારથી પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીંકી દીધો. કડેડાટ કરતું કોઈ મોટું ઝાડવું પટકાય તેમ નૂરુદ્દીનનું ડિલ ઢળી પડ્યું. અને અણીના મામલામાંથી અચાનક ઊગરી ગયેલ ભા’ દેવાણી વાંસે નજર કરે ત્યાં…. કોણ ઊભું છે?

તાજણનો અસવાર આતોભાઈ: ભાલાને માથે દેવચકલી ચક્કર ચક્કર આંટા મારી રહી છે.

“વાહ રે, ભાંગ્યા દળના ભેડવણ! આવી પહોંચ્યો!”

“હા ભા’! આવી પહોંચ્યો છું. હવે પાછા હઠવાનું હોય નહિ. તળાજું લીધ્યે છૂટકો. ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે.”

“દરવાજા દેવાઈ ગયા? કોણે દીધા?”

“રજપૂતાણીએ.”

“શાબાશ, દીકરી! મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો. મોરલીધરનું નામ લઈને લડો — ફત્તેહ આપણી છે.”

“ભા’, આજ તો તમે જુઓ, ને હું ઝૂઝું. આજ પારખું લ્યો,” એટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો.

સૂરજ મહારાજની રૂંઝ્યો વળી; ધોળિયા કોઠા ઉપર ‘ખોડિયાર’નો નેજો ચડી ગયો.

**********

ભા’ દેવાણીને મંદવાડ છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદો-હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર-બે પહોર સુધી ભા’ની પથારી પાસે બેસે છે.

એમ કરતાં આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા’ સહુને ભળભળામણ દેવા માંડ્યા.

“ભા,” ચાકરે આવીને સમાચાર દીધા: “વણાવાળાં મા મળવા પધાર્યાં છે.”

નબળાઈને લીધે ઢગલો થઈને પડેલા તેમ છતાંયે ભા’ બેઠા થયા. દીકરાઓના હાથનું ટેકણ કરીને આસન વાળ્યું.

“માને પધરાવો. આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો.”

વણાવાળાં રાણી આવીને પલંગની પાટી આડાં બેઠાં. ખબર-અંતર પૂછ્યા.

“માતાજી!” ભા’એ બોલવા માંડ્યું: “તમે તો મારી માવડી છો. મારે તમારી માફી માગવાની રહી છે.”

“માફી શેની, ભા’?”

“યાદ નથી, માડી? તળાજું ભાંગ્યું તે વખતે ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી.”

“ભા, તમે તો મને હતી તેવી કહી બતાવી….” એટલું બોલીને રાણી રહી ગયાં.

“માડી! મારી દીકરી!” ભા’નો સાદ ભારે થઈ ગયો: “પૃથ્વીરાજને કહેનારા તો તે દી ઘણા હતા. સંયોક્તાને તારા સરખી સમી મત્ય ન સૂઝી. તું જોગમાયા તે દી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રજપૂતકુળનો આવો પ્રલય ન થઈ જાત.” એટલું બોલીને ભા’એ આરામ લીધો. ફરી કહ્યું: “અને, માડી, જો ભાવનગરના ભલા સારુ મેં લખ્યું હોય તો ઊગી સરજો; ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંયે પાપનો છાંટો હોય તો આ મરણસજાઈને માથે મારી છેવટની ઘડી બગડી જજો.”

રાણીએ જવાબ વાળ્યો: “ભા’! તમે મારા બાપને ઠેકાણે છો. તમારા તે દિવસના એક વેણે ઠાકોરને અને મને નવો અવતાર દીધો હતો. ભા’, તે દી તમે અમને બેને નહિ, પણ આખા ભાવનગર રાજને ડૂબતું બચાવ્યું. તમતમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સિધાવો; તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાવનો રોટલો મારી થાળીમાં જ સમજજો.”

“બસ, માતાજી, હવે રામ રામ છે.”

પોતાનાં ઘરવાળાંને ભા’ ભલામણ દેવા મંડ્યા: “રજપૂતાણી! જોજે હોં, ભાવનગરનું અનાજ આપણાં ઉદરમાં ભર્યું છે. તારાં છોકરાંને ભાવનગરના ભલા સારુ જ જીવવા-મરવાનું ભણતર પહેલું ભણાવજે.”

“તમે આ ભલામણ કોને કરો છો?” વહુએ પૂછ્યું.

“તને, કાં?”

“હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો.” એમ બોલીને રજપૂતાણી બીજા ઓરડામાં ગયાં. તાંસળી ભરીને અફીણ ગટગટાવી ગયાં. પાંચ ઘડી ભા’ની આગળ પ્રાણ છાંડ્યા. અને ભા’એ પણ બે હાથ જોડીને સહુને રામ રામ કરતાં કરતાં દેહનું પીંજરું છોડી દીધું.

બેઉ જણાંની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે.

*******

એક દિવસ કોઈક કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખો રાતી થઈ છે. દુભાઈને દેવાણી કુટુંબ રિસામણે જાય છે. ઉચાળા ભરીને બાયડી, છોકરાં, મરદો હાલી નીકળ્યાં છે.

વણાવાળાં રાણીને ખબર પડી. એણે હુકમ કર્યો: “મારું વેલડું જોડો.”

રાણીજી હાલી નીકળ્યાં. દેવાણીઓના ઉચાળાને આંબી લીધો. ત્યાં તો વાંસે દોડાદોડ થઈ રહી. રાણીએ જવાબ દીધો: “મારા દીકરા જાય, ને હું કોની પાસે રહું?”

મનામણાં કરીને આખા દેવાણી-દાયરાને ઠાકોરે પાછો વાળ્યો.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Facebook Comments
error: Content is protected !!