ભીમોરાની લડાઈ -સૌરાષ્ટ્રની રસધાર

“કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?”
“આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું તે અધરમનું મહિ. મારે ઘરધણીને ચડવાનું એકનું એક હૈયાસામું ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી ઝૂંટવી લીધું. આવો અધરમ મારાથી સહેવાણો નહિ.”

“ત્યારે શું કરવું ?”
“બીજું વળી શું કરવું, બાપ ?” ચારણે ચાનક ચડાવી: “તું ઊઠીને આજ આ શરણાગતને નહિ સંઘર્ય, બાપ નાજા ? અરે –

બારવટિયો આવે બકી, હોય મર વેર હજાર;
(એને) ભીમોરા ભોપાળ, શરણે રાખ સૂરાઉત.

માથે હજારું વેર લઈ આવનાર બા‘રવટિયાને તું ભીમોરાનો ધણી, સૂરગ ખાચરનો બેટડો શરણું નહિ દે, તો ધરમ ક્યાં ટકશે, બાપ ?”
“ઠીક ભાઈ, દાઢાણા ! તું મારા પ્રાણ સાટે છો, ભા ! તુંને ભીમોરાનો ઓથ છે. મારું મર થાવું હોય તે થાય.”
“ધન્ય બાપ ! ધન્ય નાજા !” ગઢવીએ ધણીને બિરદાવ્યો :

ધર વંકી, વંકો ધણી, વંકો ભીમોરા વાસ,
નીલો સુરાણી નજિયો, મટે ન બારે માસ.

તારી બંકી ધરતી. એવો જ બંકો તું એનો ધણી : એવો જ બંકો તારો ગઢ ભીમોરા : અને સૂરગના પુત્તર નાજો ! તું તો સદાનો લીલોછમ : તારાં દલ સુકાય નહિ.

ચોટીલાથી ત્રણ ગાઉ, થાન સ્ટેશનથી છ ગાઉ, બોટાદ-વીંછિયા રેલવેના સ્ટેશન કાળીસરથી ત્રણ ગાઉ અને જસદણથી દસબાર ગાઉ દૂર આ ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે. ડુંગરાને પડખે ‘ભીમની ખોપ’ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં, પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પણ પોતાની માલમિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતાં બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના હાથમાં ચોવીસ ગામ હતાં.

એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બહારવટે નીકળેલ ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી. એણે ભીમોરે સંદેશો મોકલ્યો :”અમારો ચોર કાઢી દ્યો.”

નાજા ખાચરે જવાબ કહેરાવ્યો :”ટાઢાણે તો મારો શરણાગત ઠર્યો. હવે એને ન સોંપું, એને મેં અભયવચન દીધું છે.”

ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હીંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા મંડી. ભીમોરું દોહ્યલું હતું. ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબારાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી.

ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરનાં રણવાજાં વાગ્યાં. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપબંદૂકોથી નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે.

“નાજાભાઈ !” માણસોએ કહ્યું : “આ દળકટકની સામે ટકાશે નહિ, માટે નાઠાબારીએથી નીકળી જાયેં.”

નાજા ખાચરે ડોકું ધુણાવ્યું : “ના બાપ ! જેને જીવ વાલો હોંય એ સુખેથી નીકળી જાવ, મારે તો બે ભવ જીવવું નથી. મારી સાત પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો !”

ત્રંબાળુ ચેલા તણાં, વાગ્યાં કોઈ વહળોય.
(પણ) ગરુ ગડક્યા નોય, નાઠાબારી નાજિયા !

ચેલા ખાચરના ત્રંબાળુ ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા. પણ કાંઈ ‘ચેલા’ની બીકથી ગુરુ (નાજો) નાઠાબારીમાં થઈને નાસે કદી ?

આઠ જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો અને નીચે બેઠી મરાઠી સેના. સેનાને ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેડી હતી. પડખે ઊંડા કોતરાં હતાં. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી, અને ગઢમાં ઝાઝાં માણસો હોવાનો વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી થઈ. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ ?

આઠ મહિનાની આશ, મે ગાજે ને શાદૂળો મરે,
નો સાંખે નિજ વાસ, નાળ્યુંના ધુબાકા નાજિયો.

શાદૂળો નામનો સિંહ ફક્ત આઠ જ મહિના – શિયાળો અને ઉનાળો જ – જીવે, અને ચોમાસામાં વરસાદની ગર્જના થતાં તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંઈક છુપાઈને ડણકે છે. એટલે શાદૂળો એ સિંહને શોધતો, વરસાદની અદ્શ્ય ગર્જના ન સાંખી શકવાથી માથાં પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ શી રીતે સહન કરી શકે ? મરું કે જીવું એ જ એના મનમાં થાય.

કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી ? માત્ર આઠ જ માણસો હતાં અને પાણી ખૂટવા લાગ્યું હતું, નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કૂવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું. કૂવા ઉપર તો સેના પડી હતી.

આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી. પોતાનાં બાળબચ્ચાંને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના આઠે જણા તરફડતા હતા. એક ટીપુંયે ન રહ્યું.

પણ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતો. એનાથી તરસ ન સહેવાણી. રાતમાં ઊઠીને એ નાજા ખાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો. પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો.

તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દડતો દડતો એ તળેટીમાં બાબારાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને ચેલા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઇશારતમાં સમજાવ્યું. એને પાણી પાવમાં આવ્યું.

ચેલા ખાચરે પૂછ્યું : “ગઢમાં કેટલાં માણસો છે !”

ટાઢાણે જવાબ આપ્યો : “ફક્ત આઠ જણા.”

તરત જ ફોજનો હુકમ મળ્યો : “હવે ફિકર નહિ. ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો. કરો હલ્લો !”

અને હલ્લો મંડાણો.

થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં બે મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બન્ને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે એ બન્ને જણાને કહ્યું : “ભાઈઓ, હવે તમે નીકળી જાઓ. નહિ તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે.”

મારવાડીઓએ જવાબ દીધો : “નાજા ખાચર ! અમે તમારો રોટલો ખાધો. હવે અમારાથી કેમ જવાય ! દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે ! એને બદલે આંહી જુદ્ધમાં ક્ષત્રીને બે ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગાપરને માર્ગે તમારા જેવા શૂરવીરોના સાથ ફરી ક્યાંથી મળે ? માટે અમારે તો હવે ‘અઠે જ દ્વારકા’.” (ત્યારથી આપણા પ્રાંતમાં ‘અઠે દ્વારકા’નું ઓઠું પ્રચલિત થયું.)

“ભાઈઓ !” નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી : “હવે આપણી ઘોડિયુંને ગૂડી નાખો.”

એટલું બોલતાં એની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરી વાર બોલ્યા : “હા બાપ ! ઘોડિયું તો મને મા-દીકરિયું જેવી વા’લી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણાં ધીંગાણાંમાં રમાડ્યો છે. પણ શું કરું ? મારી ઘોડિયું દુશ્મનને હાથ કેમ પડવા દઉં ?”

આઠેવ ઘોડીઓને હાજર કરી. તલવારને એકેક ઝાટકે એનાં રૂપાળાં દેવાંગી ડોકાં પડવા માંડ્યાં. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી.

“બસ બાપ !” નાજા ખાચરે હાકલ કરી : “એ બેને મારશો નહિ. એને મરવું વસમું લાગે છે. છોડી મેલો ! ભલે ચાલી જાય.”

બેય ઘોડીઓને મોકળી મેલી દીધી.

સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા, બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. આઠ જણા ક્યાં સુધી ટકે ? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્યા; એણે ઘણાને સુવાડ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અર્ધી ભાંગેલી સોનાની મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુને ઝાઝી વાર નહોતી.

ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનુંસાંકળું જોયું. સામે સોનાની મૂઠવાળે તલવાર જોઈ. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની બે ચીજો લઈ જઈ પોતાની શાબાશે કહેરાવવી હશે ! એ નીચે બેસીને નાજા ખાચરના પગના સાંકળાની ખીલી ખોલવા લાગ્યો.

લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું : ‘હાય ! હાય ! હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે ?’

પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવાય એમ નહોતું. અર્ધી તૂટેલી તલવાર એ આઘે બેથેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી.

એણે શું કર્યું ?

ઉતબંગ ટેકણ એક, બીજે હાથ વાઈ બજડ,
(આમાં) વખાણવો વષેક, નેક ભજ કિયો નાજિયા ?

એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું, અને બીજે હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચર ! આ બે વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી ?

પરંતુ તલવાર શી રીતે મારી ?

રીંખેને સર સ્પીઅર તણે, કોઈ વાઈ કરમાળ,
(ઇ) બાળાપણ બરદાળ, કીં સંભારિયું સૂરાઉત ?

બાળકની માફક તું ગોઠણભર થયો, અને પછી રિપુના માથી ઉપર તેં તલવારનો ઘા કર્યો. હે બિરદવાળા પુરુષ ! એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું ? કારણે કે ભાંખોડિયાભર તો તું બાલ્યાવસ્થામાં જ ચાલેલ હતો.

ઈંદર અપસર નજરાજ, જોગણ ધર ગરજણ જંબુક,
લોહ જીવત મૃત લાજ, તેં સાચવિયાં સૂરાઉત.

તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં હતો. ઇંદ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો. અપસરા વરમાળ લઈને પહેરાવવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપ્પર લઈને ભરવા આતુર ખડી હતી. પૃથ્વી (ધર) પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીધડાં અને શિયાળવાં તારું માંસ ભક્ષવા આવી પહોંચેલાં. લોઢાની તલવારને પણ તેં હાથમાં રોકી રાખી. જીવનને પણ કહ્યું કે ‘ખડું રહે !’ મોતને પણ ફરમાવ્યું કે ‘થોડી વાર થોભી જા.’ પોતાના કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાંને ઘડીભર અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો.

એ ભાંગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો.

ઉતબંગ ખગ થાતે અળગ, ધડ લાગ્યું ધાગે,
ખેલ્યો રણખાગે, તું નવતેરી નાજિયા.

હે નાજા ખાચર ! પછી તો તારું માથું (ઉતબંગ) પડી ગયું, અને તારા હાથની તલવાર (ખગ) પણ પડી ગઈ, એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી,શત્રુઓને હાથમાં ઉપાડી-ઉપાડીને પટકવા લાગ્યું. રણસંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવતેરીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે નવ અને બીજા હાથે તેર હાથી ઉપાડીને આકાશમાં ઊછાળ્યા હતા. આંહી નાજા ખાચરે માણસોને ફંગોળી પછાડ્યા.

નાજા જ્યું મરાય ના, સાબધ હરમક સોત,
મોડું ને વેલું મોત, સૌને માથે સૂરાઉત.

જો કે વહેલુંમોડું તો સહુને મરવાનું છે. પરંતુ હે સૂરા ખાચરના પુત્ર નાજા ખાચર ! તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લી પળે પણ તેં તારી કીર્તિ સંભાળી રાખી.

ભીમોરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો. પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે.

આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે :

[ગીત: શાણોર સાવઝડું]

સૂબા ટોપી આંરી ફરિયાદ સતારે, ફોજ નમ્યા ખંડ ચારે ફતારે,
મીટે ચડ્યો ગનીમાને મારે, સૂરાણી નજરાજ ન સારે.

જે ફતેસિંહરાવની ફોજ પાસે ચાર ખંડના લોકો નમ્યા હતા, તેના ટોપીવાળા સૂબા પાસે ફરિયાદ કરવા ચેલો ખાચર પહોંચ્યો. ફરિયાદ કરી કે સૂરા ખાચરનો દીકરો નાજો ખાચર કોઈનું કહ્યું માનતો નથી. મોટા મોટા હાકેમોને પણ નજરે પડતાં જ મારી નાખે છે. (મરાઠી સેનાને ‘ટોપીઓ’ કહી કારણ કે તે વખતે મરાઠાઓનાં લશ્કરોમાં યુરોપી સોલ્જરો, કવાયતદારો રાખવામાં આવતા. ગનીમા=સૂબા).

ધણી હકમ દીઆ દળ ધાયા, આગુ ધાઈ મદાઈ આયા,
વાગી હાક ત્રંબાળુ વાયા, જધભૂખ્યા નજરાજ જગાયા.

આ ફરિયાદ સાંભળીને સૈન્યના માલિકે હુકમ દીધો, એટલે દુશ્મનો ધસીને ભીમોરા ઉપર આવ્યા. હાકલો વાગી, નોબતો ગડગડી. લડાઈનો ભૂખ્યો નાજો ખાચર જાગી ઊઠ્યો. (મદાઈ=દુશ્મન)

તરવારાંરી વાજે તાળી, વાઢી ઘણા મરેઠા વાળી,
ખસ્યા મરાઠા હાંજા ખાળી, વજા બણી રણથંભરવાળી.

તલવારો સામસામી અથડાવા લાગી, કેમ જાણે તલવારો સામસામી તાળેઓ દેતી રમત રમતી હોય ! મરાઠીની સેનામાં ઘણાં માણસો કપાયાં. મરાઠાઓ હિંમત હારી ગયા. રણથંભોરના ઘેરામાં જેમ બાદશાહનું સૈન્ય લાચાર થઈ પડ્યું હતું, તેવું જ ભીમોરાના ઘેરા વખતે મરાઠી લશ્કર બની ગયું. ઘણા દિવસ સુધી મારો ચલાવ્યા છતાં કિલ્લો તૂટતો નહોતો.

આયા જાઈ ભાઈ અરાઠી, લાખાહરો લડે લોહ લાઠી,
પો ! વશટીઆ કહે પરાઠી, કાં ચૂ કૂવ કાં નીકળ કાઠી.

ચેલો ખાચર પોતાના જાતભાઈને પણ લઈને આવ્યો. છતાં લાખા ખાચરનો એ પૌત્ર નાજો ખાચર તો લોઢાની લાકડીની માફક અડગ બનીને લડતો રહ્યો. શત્રુ-સેનામાંથી વિષ્ટિ કરવા માટે માણસો આવ્યા; તેઓ કહે કે, ‘ઓ કાઠી, કાં તો દંડ ચૂકવી દે, નહિ તો કિલ્લાની બહાર નીકળ.

કે’ વશટીઆ આભકાપાળો, પંચમુખ ખડ નો ખાય પટાળો,
હઠ મેલે નજરાજ હઠાળો, (તો) મેર ડગે ને ધ્રૂજે ડખમાળો.

એ આભ જેવા વિશાળ કપાળવાળો વીર જવાબ આપે છે કે ‘જેમ કેસરી સિંહ કદી ઘાસ ખાય નહિ તેમ હું પણ કદી નમીશ નહિ.’ જો ટેકીલો નાજો ખાચર પોતાની હઠ મૂકે તો પછી મેરુ પર્વત ચળે અને આકાશ ધ્રુજી જાય. (પંચમુખ=સિંહ; ડખમાળો=આકાશની નક્ષત્રમાળ).

દંડ ન ભરાં હું રામદુવાઈ, મરવો ભીમ તણા ગઢ માંહીં,
આદ અનાદ તણી અવળાઈ, છોડાં કીં હું અવળચંડાઈ ?

‘રામદુવાઈ લઈને હું કહું છું કે હું દંડ નહિ ભરું. સુખેથી આ ભીમોરા ગઢમાં લડીને મરીશ. મારી સદાની અડગતા હું નહિ છોડું.’

લડે દખણ દળ ભરડા લીધા, કાઠે જોર અનોધાં કીધાં,
દસે દસ વાર ગનીમાને દીધાં, દસ દા’ડા લગ નીર ન પીધાં.

દક્ષિણીઓની સેનાએ ગઢની આસપાસ ઘેરો ઘાલ્યો. તેની સામે નાજા ખાચરે પણ અપૂર્વ બળ દાખવ્યું. દસ દસ વાર તો સૂબાને પાછો કાઢ્યો. દસ દિવસ સુધી પાણી વિના ટક્કર ઝીલી.

જળનો તરસ્યો દળમાં જાઈ, કોપ્યો સૂબો ને હલાં કરાઈ,
હડેડે જંજાળ્યાં નાળ્ય હવાઈ, ચાર પો’ર તલવાર ચલાઈ.

પાણીનો તરસ્યો ટાઢાણો કાઠી દુશ્મનોના લશ્કરમાં પહોંચ્યો. એની વાત સાંભળીને બાબારાવે હલ્લો કરવાનો હુકમ આપ્યો. તોપો ને બંદૂકો છૂટી.

ધજવડ વાળો તોરણ ધરીઓ, ફેરા ચાર ચોરીમાં ફરીઓ,
કાળો ખુમો અણવર કરીઓ, વર નાજો અપસરને વરીઓ.

એ નાજો ખાચર કેમ જાણે યુદ્ધરૂપી લગ્ન કરતો હોય ! તલવારનાં જાણે તોરણ બંધાયાં. પોતાના અણવર તરીકે એણે કાળા ખુમાણને રાખ્યા અને આખરે મરીને એ વરરાજા નાજો ખાચર અપસ્રાઓની સાથે વર્યો. (ધજવડ=તલવાર)

એકલવેણ વૈકુંઠ આયો, લાડરખાન જાનૈયા લાયો,
મોતીરો હરિએ થાળ મંગાયો, વે સખીએ નજરાજ વધાયો.

એકવચની એ શૂરવીર વૈકુંઠમાં જાન જોડીને ગયો. પોતાની સાથે મરેલા શૂરવીર જાનૈયાને લઈ ગયો. સ્વર્ગમાં પ્રભુએ મોતીનો થાળ મંગાવ્યો ને લક્ષ્મીજીએ વરરાજા નાજા ખાચરને પોંખ્યો.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સેજકજી -સૌરાષ્ટ્રની રસધાર

– રાણજી ગોહિલ – સૌરાષ્ટ્રની રસધાર

– બોળો – સૌરાષ્ટ્રની રસધાર

– ચારણની ખોળાધરી – સૌરાષ્ટ્રની રસધાર

– પરણેતર – સૌરાષ્ટ્રની રસધાર

– કાળો મરમલ – સૌરાષ્ટ્રની રસધાર

– કામળીનો કોલ – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!