શ્રી સંતરામ મહારાજની વાત

નડીયાદમાં પગ મુકતાં જ કોઈ અનેરી સંતસુવાસ આપણને સ્પર્શી જાય છે. નડીયાદ એટલે સંતરામ મહારાજનું બેસણું. જાણે ભક્તિની ભામક અને ત્યાગ અને તપશ્યાની જ્યાં ધૂણી ધખાવી હતી. એ આ પુનિત ભૂમિ. ગિરનારની ગેબી ગુફાઓમાં વર્ષો સુધી અલખને આરાધનાર અવધૂત સંતરામ મહારાજ ગરવા ગિરનારની હુંફ વેગળી કરીને સવંત ૧૮૭૨માં ગુજરાતની ભુમિ ઉપર ઉતરી પડયા. સુરત, ઉમરેઠ, ખંભાત, પાદરા, વડોદરા વગેરે સ્થળે વિહરતા વિહરતા નડીયાદની સીમમાં આવ્યા જ્યાં મહારાજનું મન ઠર્યું.

નડીયાદની ભુમિમાં એક ખેતર, ખેતરમાં એક ખખડધજ રાયણનું વૃક્ષ. એમાં એક મોટી બખોલ. સતને તો આવું એકાંત અંતરમાં રમી ગયું. ખેતરને શેઢે ઉભા ઉભા ભગવા કપડાંવાળા મહારાજ રાયણનાં ઝાડ સામે મીટ માંડીને ઉભા છે. એ જોઈને ખેતરનો ધણી પૂંજો પટેલ હડી કાઢીને મહારાજના પગમાં પડયો અને બે હાથ જોડીને બોલ્યો.
બાપજી! મારા ખેતરને ખોળે પધારો.

સંતરામ મહારાજે પૂંજા પટેલ ઉપર નજર માંડી ભોળીને ભદ્રિક ભક્તિના ભાવનાવાળા ખેડૂતનું દિલ સાફ હતું. એના મન ઉપર આ ભોળા ખેડૂતની વિનંતીની મોટી અસર થઈ. તેણે ડૂગા કુર્મવાળા ખેતર નામે ઓળખાતી આ જગ્યામાં આસન જમાવ્યું. રાયણની બખોલ આશરો બની ગઈ. સંતરામ મહારાજ યોગ સિધ્ધિમાં રહેવા લાગ્યા. ધીમેધીમે વાત વાયુ વેગે આસપાસમાં ફેલાઈ ગઈ. મહારાજના દર્શન કરવા માણસો આવવા લાગ્યા.

સંતરામ મહારાજ રોજ પ્રભાત સ્નાન કરી પોતાની સાધનામાં લીન બની જાય છે. સ્નાન કરતી વખતે કુવા ઉપર ક્રોસ ચાલતા નથી તેમજ હવામાં અંદર ઉતરી શકાય તેવું નથી. તેમ છતાં મહારાજ એક દિવસ પણ સ્નાન કર્યા વગર રહેતા નથી. રોજ ખેડૂત એનું ભીનું કોપીન રાયણના ઝાડની ડાળી ઉપર સુકાતું જૂએ છે.

આ વાતનું સૌને આશ્ચર્ય થયું કે મહારાજ સ્નાન કરવા કયાં જાય છે, આસપાસમાં કોઈ નદી નથી કે બીજું કોઈ સ્નાન કરવાનું સ્થાન નથી. મહારાજ સેઢો વળોટતા નથી, આ બધું કેમ બને છે તે જાણવાની સૌને અંતરેચ્છા થઈ. આ કુતુહુલ જાણવું કેમ? એ પ્રશ્ન સૌને મુંજવી રહયો છે. આખરે સૌએ નિર્ણય કર્યો કે મહારાજ નિદ્રામાંથી જાગે તે પહેલાં આપણે સૌએ ખેતરને સેઢે ઉભેલા ઝાડ ઉપર સંતાઈને જોવું કે મહારાજ સ્નાન કેવી રીતે કરે છે?

નક્કી કર્યા મુજબ એક રાતે નડીયાદમાંથી સૌ ઉપડયા સીમમાં અને પૂંજા પટેલના શેઢે ઉભેલા ઝાડ ઉપર સૌ એક પછી એક ઘેઘુર ઘટામાં છુપાઈ ગયા. રાત ધીરેધીરે સંકેલાવા લાગીને મોઢું ભળકડું થયું કે તરત જ સંતરામ મહારાજ રાયણની બખોલમાંથી પોતાના દેહને બહાર લઈને કૂવા તરફ ઉપડયા. ખભે કૌપીન છે. હાથમાં કમંડળ છે. અવની ઉપરથી અંધારા ઉંચાઈ ગયા છે. ઉગમણાં આભમાં ભગવાન સુરજ નારાયણ પોતાના નાના ઘોડે ચડીને આભ ઉપર દોડ દઈ રહયા છે.

સંતરામ મહારાજે કૂવાને કાંઠે બહાર ઉભા ઉભા પોતાનું કમંડળ કુવામાંથી પાણી ભરવા સહેજ નીચું નમાવી ઝુકાવ્યું ત્યાં તો કુવાના પાણી અંદરથી ઉમટી કાંઠા સુધી આવ્યા, સંતરામ મહારાજ ભગવાનની સ્તુતિ કરતા જાય છે અને એક પછી એક કમંડળ પોતાની કાયા ઉપર ઢોળતા જાય છે. આવો અદભૂત ચમત્કાર નજરે નિહાળી માણસો તો તાજુબ થઈ ગયા અને આવા ચમત્કારિક સંતના દર્શન કરવાનો લહાવો મળ્યો જાણી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યાં.

મહારાજના ચમત્કારની અને તેની સિધ્ધિની વાત આખા નડીયાદમાં ફેલાઈ ગઈ. પછી તો માણસની મેદની દર્શનાર્થે ઉમટી એ લોકસમુહથી આખો વગડો ચેતનવંતો બની ગયો. આમ સૌએ સંતરામ મહારાજને નડીયાદમાં પધારવા અને સૌને ઉપદેશ આપવા બહુ આગ્રહ કર્યો. ભક્તજનોની ભાવભરી વાણીથી મહારાજ ભીંજાયા અને નડીયાદમાં એક ટેકરા ઉપર પોતાનું આસન કર્યું. મહારાજ રોજ આ ટેકરા ઉપર બેસી લોકોને દર્શન આપતા હતા અને ઉપદેશના બે બોલ કહેતા હતા.

આજે તો આ જગ્યા ઉપર સંતરામ મહારાજનું ભવ્ય મંદિર બંધાયેલું છે. મલાવ અને ઉંડેવાળ તળાવની વચ્ચે આ પુનિત ધામમાં આધ્યાત્મિક અને સંસ્કાર પ્રવૃતિના જાણે બાગ મઘમધે છે. લોકહિતના કામમાં આ મંદિર જે મોખરાનું સ્થાન શોભાવ્યું છે. તેથી આપણું મસ્તક મહારાજની સમક્ષ ઝુકી જાય છે. જ્યા ગરીબ નિરાધારને અન્નદાન અપાય છે. વિદ્યાશાખાઓ ચાલે છે. કેળવણી માટે મકાનો બાંધવામાં આવે છે. શારીરીક સંપતિના વિકાસ માટે વ્યાયામ શાળાઓ ઉભી કરવામાં આવી છે. પાણી માટે કૂવાઓ ગળાવી અપાયા છે. મંદિરના બારણાં તમામને માટે સદાએ ઉઘાડા રહે છે. આમ અનેકવિધ માનવ સેવાની પ્રવૃતિ લઈને આજે આ ભવ્ય તીર્થધામ એની ભવ્યતાથી શોભી રહયું છે.

તણખો
આપણા પૂર્વજો સાનિહતા જમણવાર વખતે પાતળ-પડીઆનો ઉપયોગ કરતા. કોઈના એંઠા વાસણમાં જમાડતા નહીં તેના કારણો કોઈના રોગનો ચેપ લાગતો નહીં પાણીનો બચાવ થતો પાતળ પડીઆનું ખાતર થતું ધરતી તેનો સ્વીકાર કરે. વિજ્ઞાને પ્લાસ્ટીકના વાસણો આપ્યા. ઉત્પાદન વખતે પૃથ્વી, પાણી અને પવનને પ્રદુષિત કર્યા. પ્લાસ્ટીકનો કોઈ કાળે નાશ થાય નહીં કારણ કે ધરતી તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. જ્ઞાનમાંથી પ્રગટ થયેલું વિજ્ઞાન હતું.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!