પ્રજાના પાલક

‘પટ્ટણીજી!’ આપણા ગામડાના ખેડૂતોને મળવું હોય તો કઇ રીતે મળાય? ખાસ મુલાકાત ગોઠવીએ તો અંતર ખોલે નહીં. મારે તો કોઇ ખેડૂતનું અંતર ખોલાવવું છે!

બહુ જ શક્ય વાત છે બાપુ! ચાપદર વચ્ચે ત્રાપજના બંગલે ઉનાળો ગાળવા જાઓ છો તો ત્રાપજની આજુબાજુ હજારો ખેડૂતો ખેતરે આવ-જા કરતા હોય, એમાંથી એકાદ ખેડૂતને વિશ્વાસમાં લઇને વાત કઢાવી શકો. અને એમ જ થયું. ઉનાળો ગાળવા ભાવસિંહજી દરિયાકિનારાના બંગલે ગયા. સાંજના સાદા વેશમાં પગે ચાલીને સીમ શેઢે આંટો મારે, ખેડૂતને શોધે. એક દિવસ એક ખેડૂત મળી ગયો.

‘બાપુ રામ રામ!’
‘રામ રામ પટેલ! એક દી’ આવોને બંગલે? થોડીક વાતો કરીએ.’
ભાવસિંહજીએ નમ્રતા ધરીને ખેડૂતને પૂછ્યું.’ આવશો?’

‘ઇ શું બોલ્યા બાપુ!’ ખેડૂત ભાવવિભોર થઇ ગયો. દર્શન થાય તો દિવસ સુધરે એવા ભાગ્યશાળી પુરુષને મળવા કોણ ન આવે?
‘પણ ક્યારે આવું બાપુ?’
‘અત્યારે તમે અને હું બંને એકલા છીએ ફાવશે?’

‘હા બાપુ! ખેડૂતની સાચી વાત સાંભળીને આપની આંખો ભીની થઇ જાય બાપુ! કહો તો વાત કરું.’
‘કરો, ગમે તે થાય. બીક રાખ્યા વગર બોલો.’
‘મને આપની તો શી બીક હોય બાપુ? પણ વાત સાંભળીને, ખરેખર જાણવી હોય તો કોઇને સાથે રાખ્યા વગર મળો. જોકે એવું હૈયું ખોલવા મહેનત કરવી પડશે. એની કડવી જીભ પણ ન ગમે એવું બોલી નાખે.’

‘તોય હું સાંભળી લઇશ.’
‘મેં તો અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી પણ ફૂલ જેવાં છોકરાં આખો દિવસ ખા-ખા કરનારાંને રોટલાનું બટકું મળતું નથી. હે ભગવાન! અમે કેવાં કરમ કર્યા કે ખેડૂતનો અવતાર આવ્યો?’

‘પટેલ!’ બીજું બધું ઠીક ખેડૂતના અવતાર જેવો બીજો કોઇ પવિત્ર અવતાર નથી. પરસેવો રેડી પોતાની મહેનતનો રોટલો ખાનાર તો મહાન માણસ છે. સ્વર્ગમાય એના માટે જગ્યા તૈયાર હોય છે.

‘મૂઆ પછી માલ ગોલાં ગાડાં ભરે, બાપુ! જીવવું દોહ્યલું થઇ જાય, બે ટંક રોટલો ન મળે. અમારી આવી દશા? અમે ભગવાનને પરોણા માર્યા છે, હેં બાપુ!’

રાજવી ખડખડાટ હસી પડ્યા.

પટ્ટણી સાહેબે વાત વળી પાછી સાંધી…! ઘરમાં દાણો હોય તો દળાયને? છોકરાંને ‘હમણાં આપું.’ તારા બાપુ આપશે. ‘એમ કરી કરીને સાંજ પાડે. થાક્યો પાક્યો ખેડૂત રાતે વાણિયાને ત્યાંથી મોસમે બમણો, ક્યારેક ત્રણ ગણો આપવાની બાંયધરી આપે ત્યારે મણ બે મણ બાજરો મળે. છોકરાં ભૂખ્યાં સૂઇ ગયાં હોય પણ અમે ન જગાડીએ?’

‘શું કહેવું તમને? છોકરાંને જગાડો નહીં? તમે ખાઇ જાઓ?’

‘અમારે તો કાયમ માટે વાળુ હરામ હોય બાપુ! એક્ટાણાથી ટેવાઇ ગયાં છીએ.’

રાજવી રડી પડ્યા! ‘આટલી બધી વાત?’

‘બાપુ! વાત તો આનાથીય વસમી છે. સાંભળી શકશો?’

‘કરો. વાત કરો.’

ઘરના ઠામડાં-બુજારાં સહિત વેચાઇ ગયાં હોય. એટલે ઘરવાળીનાં લગનનાં આવેલાં કીમતી લૂગડાં અડાણે (ગીરો) મૂકીને બે મણ બાજરો લઇ આવીએ. ધૂળિયો ધંધો કરનાર ખેડૂતને એક જણને માણું બાજરે સાંજ પડે. પટેલ રોઇ પડ્યા. એટલું અનાજ બચેને એ રામ! પટ્ટણી સાહેબની પાંપણો ભીની થઇ ગઇ.

‘રાજ તમને મફત અનાજના પાસ આપે તો?’

‘ન ખપે બાપુ! ખેડૂતનો દીકરો મફતનું ખાય નહીં બાપુ! તો તો કાઠિયાવાડમાં ધર્મની જગ્યાઓ છે. જ્યાં રાત-દિવસ રસોડાં ધમધમે છે પણ અમે કાંઇ અપંગ કે ભિખારી થોડા છીએ બાપા! ધરતીમાંથી ધાન મેળવીને મલકને ખવડાવનારો ખેડૂત ધમૉદો ખાય?’ પટ્ટણી સાહેબ રડી પડ્યા.

‘આગળ બોલો, ભાઇ બોલો!’

ભૂખ્યા રાત કાઢીને સવારે ખેતર જવાનું હોય.

પટ્ટણી સાહેબની વાત સાંભળીને તરુણ રાજવી કૃષ્ણકુમાર પણ રોઇ પડ્યા…

‘ખેતરમાંથી કાંઇ આવતું નથી!’

‘આવે રાખ ધૂળ જેવું.
બાજરો મસળી મસળીને તૈયાર કરીએ ત્યાં વાણિયા એના લેણામાં લઇ જાય. ખેડૂત પછેડી ખભે નાખીને ઘેર આવે અને પંચિયાને છેડે આંખો લૂછે. જેના કાંધમાંથી કોઠીઓ ભરાય એવા ભૂખ્યા બળદો એકાદ ભાંભરડો નાખીને ચૂપ થઇ જાય. ઘરવાળી અને છોકરાં હીબકે ચડે.. .!’

‘અરર! ભારે દુ:ખ…! આવાં દુ:ખ સહન કરનારને અમારાં વંદન નમન!’ અને વળતા દિવસે રાજમાંથી વટહુકમ નીકળ્યો:

‘ખેડૂતો ઉપરનું લેણું રાજ માફ કરે છે અને બીજા લેણદારોને તાકીદ કરે છે કે ખેડૂતને હેરાન કરનાર જેલમાં જશે.’

લેખક:- નાનાભાઈ જેબલિયા

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર

– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર

– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!