🚩 પાષાણ રથ હમ્પી 🚩

હમ્પી એટલે સ્થાપત્યનો વિસ્તારવાદ એટલે જ તો હમ્પી એ સમયનું જ નહી પણ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં મહાસમ્રાજ્ય ગણાય છે. આમ તો આપણી વૈદિક સંકૃતિ જ બધાંના મૂળમાં છે જેનાં જેટલાં પણ ગુણગાન ગાઈએ એટલાં ઓછા છે. પુસ્તકોને આધાર ન માનીએ તો પણ આપણા સ્થાપત્યો જ એ વાતની પુષ્ટિ કરવાં માટે પુરતાં છે. ઇજિપ્તના પીરામિડો ૩૫૦૦ વર્ષ પુરાણા છે. પણ રામ સેતુ કે કૃષ્ણ ની નગરી દ્વારિકા કેટલી પુરાણી છે એનો અંદાજ તમને ખરો કે ! આ સિવાય પણ ઘણા પૌરાણિક કે ઐતિહાસિક સ્થાનો – સ્થાપત્યો છે ભારતમાં જેની આપણને ખબર સુધ્ધાં પણ નથી !

હમ્પી એ વિસરાયેલું – ખોવાયેલું સામ્રાજ્ય છે. એ મધ્યકાળમાં સ્થપાયેલું સામ્રાજ્ય છે. પણ એનાં કેટલાંય સ્થાનકો એ આપણને કાં તો પ્રાચીન કાળમાં કે કાં તો રામાયણ / મહાભારત યુગ સાથે સંકળાયેલા છે. હમ્પી એ સનાતની શહેર / સામ્રાજ્ય છે. એ ઐતિહાસિક પણ છે કારણ કે ઘણાં શિલ્પ સ્થાપત્યો એ ઇસવીસનની ૧૪મી સદીથી ઇસવીસન ની ૧૮મી સદી દરમિયાન એ કર્ણાટકમાં રાજ કરતાં કે આજુ બાજુ રાજ કરતાં રાજવંશોએ બંધાવેલા છે

દરેક પ્રવાસન સ્થળ – સ્થાન પાસે એક એવું સરસ શિલ્પસ્થાપત્ય હોય છે જે ખૂબ જ વખાણવા લાયક હોય છે. હમ્પી – કર્ણાટકમાં સ્થિત નાના, સુંદર મંદિર ગામ અને પ્રતિકાત્મક પથ્થરનો રથ છે. તે ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્ય નો નમૂનો છે જે દરેક વ્યક્તિને લોહચુંબકની જેમ પોતાની તરફ આકર્ષે છે. જે હમ્પીની સુંદરતામાં વધારો કરે છે. કર્ણાટકના પ્રવાસન ખાતાનું એક સીમાચિહ્ન છે

હમ્પી જેવાં મહાસામ્રાજ્યમાં એકલ દોકલ જ શિલ્પસ્થાપત્ય હોય એવું તો ન જ હોય ને ! હમ્પીમાં કુલ ૫૦૦ જેટલાં સ્મારકો ઠેર ઠેર પથરાયેલા પડ્યા છે કોઈ એક ને જ પ્રથમ નંબર આપી શકાય તેમ નથી બધાં જ બહુ જ અદભૂત, અલૌકિક અને અકલ્પનીય છે તેમ છતાં પણ આપણે કહી શકીએ તેમ છીએ જ કે —– કયું સ્થાપના શ્રેષ્ઠતમ છે તે !

ભારતમાં પાષાણ સ્થાપત્યકલા ખૂબ જ વિકસી છે એમાંય ખાસ કરીને મધ્યકાળમાં ! સમગ્ર દક્ષિણ ભારત તેમાં શિરમોર છે

પાષાણ સ્થાપત્યકલામાં રથનું બહુ જ મહત્વ છે. રથ પર સવાર થઈને એને ઘોડાં જોડીને યુદ્ધે ચડવું એ દરેકનું સ્વપ્ન હોય છે. રથનું મહત્વ અને વર્ણન તો છેક પૌરાણિક કાળથી ચાલ્યું આવ્યું છે ક્યારેક ગ્રંથોમાં વર્ણન રૂપે તો ક્યારેક ભીંત ચિત્રોમાં તો ક્યારેક શિલ્પસ્થાપત્યમાં !

વાત જો શિલ્પસ્થાપત્યની કરવાની હોય તો ભારતમાં ૩ બેજોડ પાષાણ રથના સ્થાપત્યો છે

(૧) કોણાર્કના સૂર્યમંદિર નો પાષાણ રથ
(૨) મહાબલીપુરમનો પાષાણ રથ અને
(૩) હમ્પીનો પાષાણ રથ

જોવાની ખૂબી એ છે કે આ ત્રણે સ્થાપત્યો દક્ષિણ ભારતમાં જ છે
પહેલું ઓરિસ્સામાં બીજું તામિલનાડુમાં અને ત્રીજું કર્ણાટકમાં વળી…. આ ત્રણે રાજ્યો એકબીજાને અડીને આવેલાં છે

રથ વાસ્તવમાં ગરુડને સમર્પિત એક મંદિર છે. જે વિઠ્ઠલ મંદિર સંકુલની અંદર બાંધવામાં આવ્યું છે. ગરુડનું વિશાળ શિલ્પ ભગવાન વિષ્ણુનો રથ. એક સમયે રથની ઉપર બહુ જ સુંદર રીતે અને ઊંચે હતું પરંતુ તે વર્તમાન સમયે અદ્રશ્ય છે. એટલે કે એ છે જ નહીં
એટલે એ સ્થાન ખાલી જ છે. માત્ર આ ખુબસુરત શિલ્પકલાથી સુસજ્જ છે અદભૂત કલકોતરણી છે એના પર બધે જ અને એટલે જ એ શિલ્પસ્થાપત્યનો ઉત્તમ નમૂનો બની શક્યું છે. દર વર્ષે લાખો લોકો માત્ર આ એક રથને આકર્ષણનું કેન્દ્ર માની હમ્પીની મુલાકાતે આવે છે અને વિજયનગર સામ્રાજ્ય / હમ્પીમય બની જાય છે

ગુગલ પણ આના પર રીતસરનું વરસી ગયું છે. ઈન્ટરનેટ ઉપર હમ્પીના આ પાષાણ રથના ફોટાઓ ઉપ્લબ્ધ છે એટલાં બીજાં કોઈ સ્થાપત્યના નથી ! અરે એ કેમ ના હોય ! આ સ્થાપત્ય એ હમ્પીનું જવેલ છે. રત્નમણી સમાન આ પાષાણ રથ એ માત્ર ભારતની જ નહીં પણ દુનિયાની શાન છે. આદિકાળથી ચાલી આવતાં આપણા સનાતન ધર્મનું ગૌરવ શિખર છે આ હમ્પીનો પાષાણ રથ !

આમ જોવા જઈએ તો કોઈ પણ રથની તુલના કરવી વ્યાજબી નથી જ દરેક રથ એ ઉત્તમ જ છે એમ માનીને ચાલવું જ હિતાવહ છે. કારણ કે એની શિલ્પ સ્થાપત્યકલા અને એ સમયગાળો. બીજું મહત્વનું કારણ છે રાજવંશો. કોણાર્કનો રથ એ સૂર્યરથ છે જે રાજવી નરસિંહદેવે ઇસવીસન ૧૨૫૦માં બનાવ્યો હતો. આમ તો આ તવારીખ એ કોણાર્કના સૂર્યમંદિર બન્યાની છે. નરસિંહદેવ એ પૂર્વીય ગંગાવંશના મહાપ્રતાપી રાજા હતા. એક વાત તો એવી પણ પ્રચલિત થઈ છે કે નરસિંહ દેવે પૂર્વમાં મુસ્લિમ સામે વિજય પ્રાપ્ત કર્યો એની ખુશીમાં આ સૂર્યમંદિર બંધાવ્યું હતું

બીજો છે મહાબલીપુરામ સ્થિત રથ. આમતો આ રથ એ સાલવારીની દ્રષ્ટિએ બનેલો / સ્થપાયેલો પ્રથમ રથ છે. જે દક્ષિણ ભારતના એક પ્રતાપી રાજવંશ પલ્લવ રાજવંશના મહાપ્રતાપી રાજા નરસિંહવર્મન ૧ ( ઇસવીસન ૬૩૦ – ઇસવીસન ૬૬૮)ના શાસનકાળમાં બન્યો છે. મહાબલીપુરમ એ ગ્રૂપ ઓફ મોન્યુમેન્ટ્સ છે જેમાં આ એક રથ એ આકર્ષણનું કેન્દ્ર છે. જે પાંચ પાંડવોને સમર્પિત છે. પલ્લવ સ્થાપત્ય શૈલી એ જમાનામાં ખુબ જ જાણીતી હતી આ એ જ શૈલીમાં બન્યો છે. મહાબલીપુરમ એ ભગવાન શિવને સમર્પિત મન્દિર સંકુલ છે. જે દરિયા કિનારાના મંદિર સમૂહ માટે જગવિખ્યાત છે

બાકી રહ્યો એ હમ્પીનો જગવિખ્યાત રથ એને વિશે જ તો મારે અહીં વાત કરવાની છે એટલે એ વિશે માહિતી હું હવે આપવાનો છું

દેવતાઓના જ રથ સ્થાપત્યમાં આવ્યાં છે કે રામાયણ કે મહાભારત જેવા મહાકાવ્ય યુગના જ. ઇતિહાસમાં કોઈ રાજાઓ રથ પર સવાર થઈ લડ્યા હોય એવી શિલ્પ ક્યાંય પણ શોધ્યું જડતું નથી પણ એટલું જરૂર કહું કે આ રથો એ પ્રાચીન યુગમાં કે અર્વાચીન યુગમાં ક્યાંક ક્યાંક તખતી રૂપે, ક્યાંક શિલ્પ રૂપે તો ક્યાંક ચિત્રોમાં દ્રષ્ટિગોચર જરૂર થાય છે. આ રથો દરેક ધર્મના સ્થાપત્યમાં આવ્યાં છે

પછીથી ઇતિહાસમાં તો ન આવ્યા પણ એ ટેક્નિક અને વિજ્ઞાનના પરિપાક રૂપે એ રામાયણ – મહાભારત જેવી સિરિયલો
કે બાહુબલી જેવી ફિલ્મોમાં ભલાલના રથ તરીકે જરૂર ઝળકયા, પણ
સ્વતંત્ર અને શિલ્પસ્થાપત્યમાં તો આ ત્રણ રથો જ જગમશહૂર છે જે વાત કોઈપણ ઉવેખી શકે તેમ નથી

હમ્પીના વિષ્ણુ રથનો ઇતિહાસ

આ રથ ૧૬મી સદી દરમિયાન વિજયનગર સામ્રાજ્યના મહાન રાજા કૃષ્ણદેવરાય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેઓ ઓરિસ્સામાં યુદ્ધ લડતી વખતે કોણાર્ક સૂર્ય મંદિરના રથથી મોહિત થયા હતા.

એ રથ એ સામ્રાજ્યની સુંદરતા અને કલાત્મક પૂર્ણતાને રજૂ કરે છે. એમણે એનાથી પણ સુંદર રથ બનાવવાનું બીડુ ઝડપ્યું. એમણે એ બનાવ્યો પણ ખરો. હમ્પીમાં રાજા કૃષ્ણદેવરાયે સ્થાપેલાં અનેક સ્મારકો / શિલ્પસ્થાપત્યો છે. હમ્પી રથ માટે એક રસપ્રદ લોકવાયકા બહાર આ છે કારણ કે ગ્રામજનો માને છે કે જ્યારે રથ તેની જગ્યાએથી ખસે છે ત્યારે વિશ્વ થંભી જશે. તે એક પવિત્ર હાજરી ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુનેસ્કો દ્વારા પણ વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઓળખાય છે.

હમ્પીના રથની સ્થાપત્યકલા

દ્રવિડિયન સ્થાપત્ય શૈલીથી પ્રેરિત આ ભગવાન વિષ્ણુરથ એક વિશાળ માળખું છે જે અગાઉના કારીગરો અને સ્થાપત્યકારો કુશળતા દર્શાવે છે. રથની સુંદરતા એ હકીકતમાં રહેલી છે કે તે એક નક્કર માળખું જેવો દેખાય છે. જે એક જ પથ્થરમાંથી જ બનાવેલો હોય એવું લાગે છે પરંતુ વાસ્તવમાં તે ગ્રેનાઈટના સ્લેબ દ્વારા બનાવવામાં આવ્યો છે જેના જોડાણો / સાંધાને કલાત્મક કોતરણી સાથે ચતુરાઈથી છુપાવવામાં આવ્યા છે. જાણે કે કોઈ સાંધો જ ન હોય અને કોઈ એડેસ્ટિવ વપરાયું જ ન હોય અરે બધું એક જ પથ્થરની ફલશ્રુતિ લાગે એટલું સુંદર આ શિલ્પ છે!

હા એક વાત તો કહેવાની જ રહી ગઈ કે રાજા કૃષ્ણદેવ રાય જેમનો શાસનકાળ છે ઇસવીસન ૧૫૦૯થી ઇસવીસન ૧૫૨૯. જેઓ તુલુવા રાજવંશના અતિ પ્રખ્યાત વૈષ્ણવ રાજા નહીં મહારાજા હતા. વૈષ્ણવ શબ્દ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એમણે ભગવાન વિષ્ણુ ને સમર્પિત આ જગવિખ્યાત રથનું નિર્માણ કર્યું.

જે આધાર પર રથ બેસે છે તે સુંદર પૌરાણિક યુદ્ધના દ્રશ્યો જટિલ વિગતોમાં દર્શાવે છે. ત્યાં ઘોડાઓના શિલ્પો હતા જ્યાં હાલમાં હાથીઓ બેઠેલા છે. મુલાકાતીઓ ખરેખર હાથીઓ પાછળના ઘોડાઓના પાછળના પગ અને પૂંછડીઓ જોઈ શકે છે. બે હાથીઓની વચ્ચે સીડી // દાદર / પગથિયાંના અવશેષો પણ છે, જેનો ઉપયોગ કરીને પૂજારીઓ ગરુડના શિલ્પને અંજલિ આપવા માટે અંદરના ગર્ભગૃહ સુધી ચઢતા હતા.

વિઠ્ઠલ મંદિર સંકુલમાં લગાવવામાં આવેલી ફ્લડલાઈટમાંથી સાંજે રથની સુંદર રોશની થાય છે. રથનું અદભૂત દૃશ્ય અને સંકુલમાંથી લાઇટની ઝગમગાટમાં તેની વિગતવાર ડિઝાઇન આપણને મંત્રમુગ્ધ બનાવે છે. ઇતિહાસમાં પાછલી કેડીએ લઇ જાય છે અને જાણે આપણે એક સ્થાપત્ય કલામાં ગરકાવ થઈ ગયાં હોઈએ એવું લાગે છે કે જાણે આપણે એ અનુભૂતિ સત્તત જ કરતાં રહીએ અને એમાંથી પાછાં જ ના ફરીએ અને એમાં જ રહ્યાં કરીએ એવો અદ્વૈત અનુભવ કરાવે છે આપણને માત્ર આપણે જ નહીં પણ સમગ્ર પૃથ્વી એ હમ્પીને ભગવાન વિષ્ણુ રથ બની ગઈ હોય એવો આહલાદક અનુભવ કરાવે છે સમગ્ર મનુષ્યજાતને !!!

તમે પણ આ અનુભવ ના કર્યો હોય કે અનુભૂતિ ના થઇ હોય તો કરી લેજો

!! ૐ નમો નારાયણ !!

—————જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!