7. પાણી એજ પરમેશ્વર : સિધ્ધરાજ જયસિંહ

પનઘટનો આરો હતો.

નાની નવેલી પનિહારીઓ સોનાના બેડે રૂપાની ઈંઢોણીએ પાણી ભરવા સંચરી હતી.

પાણી ઊંડા હતાં, ને સીંચવું કઠણ હતું.

પનિહારી-સીંચતા સીંચતાં થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું; ઘડા સાથે જઈ પડ્યું ફૂવામાં.

પનિહારી તો રડવા બેઠી ! રોવે, રોવે તે કંઈ રોવે !

બીજી પનિહારીએ પૂછ્યું :

‘બહેન ! આટલું રોવે ? ઘડાની ચિંતા ન કરીશ. આ તો પાટણની માટીનો ઘડો. તાંબા-પિત્તળના ઘડાને ઘોબો પડે, પણ આને કંઈ નહિ થાય !’

‘બહેન ! ઘડાને રોતી નથી.’ પનિહારી બોલી, ‘ઘેર બધાં પાણીની રાહ જોઈને બેઠા હશે. સાસુ મને કંઈનું કંઈ સંભળાવશે મારો ધણી લાકડી લઈને ઊભો હશે. અરેરે ! મેં મારી માને કહ્યું હતું કે મને બીજે દેજો, પણ પાટણ કે પંચાસરમાં ન દેશો.’

‘બહેન ! દીકરી અને ગાયનાં નસીબ જ એવાં છે. જેવું મળે એવું વેઠીએ. અને પાણીની તો આ પંથકમાં પીડા જ છે. આ કામ તો રાજનાં. અહીંનો રાજા બાબરા ભૂતને વશ કરે છે, સોરઠના રાજાને જીતી આવે છે, પણ આ મેઘરાજા પાસે એનું બિચારાનું કંઈ ચાલતું નથી !’

બંને પનિહારીઓ વાત કરી રહી હતી, ત્યાં પાસેથી બે ઘોડેસવારો નીકળ્યા. એક નાનો હતો બીજો મોટો હતો. નાના અસવારનું તેજ અજબ હતું.

‘ઓ ભાઈ, અહીં આવજો જરા !’ મોટી પનિહારીએ ઘોડેસવારને બૂમ મારીને બોલાવ્યો. પાટણની નારી અજાણ્યા નરથી ડરે નહિ, એવી પ્રતિભાવાળી હતી.

ઘોડેસવારો બંનેનો વાર્તાલાપ સાંભળતા આવતા હતા. તેઓમાંના મોટાએ કહ્યું : ‘ઘડો કૂવામાં પડ્યો છે ને ? વારુ પડખેના ખેતરમાંથી દોરડું ને બિલાડી લેતા આવીએ.’

કૂવામાં પડેલી ચીજને કાઢવા આ બિલાડી વપરાતી. એ લોઢાની આંકડિયાવાળી બનતી. એ આંકડિયામાં ભરાવીને કૂવાના તળિયેથી ચીજ લઈ આવતી.

મોટો ઘોડેસવાર પડખેના ખેતરમાં દોડ્યો. એણે ખેડૂત પાસે દોરડું અને બિલાડી માગ્યાં.

બિલાડી આપતાં ખેડૂતે કહ્યું : ‘ભાઈ ! આ રાજમાં વાઘ જેવો માણસ બિલાડી જેવો થઈ જાય છે ! જુઓને આ સૂકાં ભંઠ ખેતરો ! મોંઘા મૂલનાં બી પણ ખવાઈ ગયાં. અહીં ક્યાં આવી ભરાયા ? હવે તો ઝટ બીજે ઠેકાણે જઈએ તો સારું ! થાક્યા, બાપ ! જાણે મારવાડ જ જુઓ !’

ઘોડેસવારોએ મૂંગા મૂંગા સાંભળી લીધું.

એ બિલાડી અને દોરડું લઈને બંને સવાર કૂવાકાંઠે આવ્યા. મોટા અસવારે બિલાડી નાખીને ઘડો ને દોરડું કાઢી આપ્યાં.

નાની પનિહારી ઘડો માથે મૂક્તાં બોલી :

‘ભલું થજો તમારું, ભાઈ ! આજે તમે એક જીવ બચાવ્યો. વટેમાર્ગુ સાથે આજે જ મારી માને સંદેશો મોક્લાવ્યો હતો કે જાણી લેજે કે તારી દીકરી કૂવે પડી !’

‘બહેન ! મૂંઝાશો નહિ. અમે દરબારી માણસો છીએ. હું સિદ્ધરાજનો મિત્ર જીવરાજ છું. સિદ્ધરાજને વાત કરીશ. એ જરૂર બંદોબસ્ત કરશે. ત્યાં સુધી એને કોસશો નહિ, બહેનો ! પ્રજાની બદદુઆ રાજાને જીવતો ખાઈ જાય !’

‘ના રે, ભાઈ ! રાજા તો બહુ સારો છે. અને અમારી દુઆ જ છે. કુદરત આગળ બિચારા રાજાનો શું ચારો છે ? રાજા તો મેઘરાજા, ઔર રાજા કાયકા ?’

ને પનિહારીઓ, મોડું થયું હોવાથી, માથે બેડું મૂકી ઝટ-ઝટ રવાના થઈ ગઈ.

ઘોડેસવારો રાજમહેલ તરફ વળ્યા.

મોટાં-મોટાં બજારો, મોટી-મોટી હવેલીઓ મોટાં-મોટાં અનાજનાં પીઠાં જોતા આગળ ચાલ્યા.

પાટણનાં ચોરાશી ચૌટાંમાં ધમાલ મચી હતી. સોનીની હાટમાં સોનાના લાટા ઝગમગતા હતા. પટણી સુંદરીઓ નવનવા ઘાટની માથાકૂટમાં પડી હતી.

સિદ્ધરાજના મિત્ર જીવરાજે કહ્યું :

‘અરે, સોનાં કંઈ ખવાય છે? ખેતરમાં સોનું નાખીએ તો એ કંઈ ઊગે ? પાણી વિના બધું નકામું !’

અસવારો આગળ વધ્યા. નાણાવટમાં નાણાંનો ખણખણાટ ને ઝવેરીવાડમાં હીરા, પન્ના, મોતી, માણેક, પ્રવાલનાં તેજ અનેરાં હતાં.

જીવરાજ બોલ્યો : ‘હીરાનાં પાણી મપાય, પણ કંઈ એનાં પાણી તરસ્યા જીવને થોડાં જિવાડે !’

સુગંધિયા શેરીમાં અત્તરની ખુશબો મહેકતી હતી. ફોફલિયાના હાટે સોપારી, લવિંગ ને મલબારી શ્રીફળોના ઢગલા પડ્યા હતા.

ઘિયાને હાટે ઘી ને તેલીને હાટે તેલ વેચાતું હતું.

જીવરાજે નિશ્વાસ નાખ્યો :

‘ઘી-તેલ ગમે તેવાં તો કંઈ પાણીની તોલે આવે ?’

સાળવીની હાટોમાં સાળો પર પાટણના પટોળાં વણાતાં હતાં, ને દેશીડાની ઘટે કપૂરિયાં, કસ્તૂરિયાં, ચોકડિયાં, દાડમિયાં, પટોળાં, ઘરચોળાં, હંસવડી, ગજવડી, પાંભડી ને લોબડી વેચાતાં હતાં.

‘માણસ પહેલાં પહેરે કે પહેલાં પીએ ? કપડાં ગમે તેટલાં સારાં હોય, પણ સ્નાન વિના શે શોભે ?’ જીવરાજ બબડ્યો.

‘પાણી જ પરમેશ્વર ભાસે છે.’ મોટા અસવારે કહ્યું.

સાબૂગરને ત્યાં સાબૂ, ભૂતડો, ધોળી માટી, પીળી માટી, ગેરુ, અરીઠાં, આંબળાં, ચીકાખાઈ વગેરે વેચાતાં હતાં.

‘પાણી વગર એ તમામ નકામાં-એકડા વિનાનાં મીડાંની જેમ !’ જીવરાજ બબડ્યો અને પાટણની શોભા જોતો રાજમહેલમાં પ્રવેશ્યો. સાથેનો અસવાર ડેલીએ ઊભો રહી ગયો.

જીવરાજે અંદરના ખંડમાં પ્રવેશ કર્યો કે રાજમાતા મીનળદેવી સામે જ ઊભાં હતાં.

‘બેટા જયસિંહ !’ માતાએ કહ્યું : ‘કુશળ છે ને ? તારી જ રાહમાં હતી : મારે એક વાત કરવી છે.’

જેને આપણે જીવરાજ સમજતા હતા, એ રાજા સિદ્ધરાજ પોતે હતો. પોતાના પ્રદેશનો પ્રવાસ ખેડીને એ પાછો ફરતો હતો.

‘મા ! મારે પણ તને દુ:ખની એક વાત કહેવી છે.’

‘દીકરા ! પહેલી તારી વાત, પછી મારી વાત.’ માતાને પડછંદ પરાક્રમી સિદ્ધરાજ હજી નાનો જ લાગતો. ‘તું તો મીનલની મહત્ત્વાકાંક્ષાઓનું જીવતું સ્વરૂપ છે.’

‘મા ! પટણીઓ હવે કુંવારા રહેશે. પાટણના કૂવા હવે ગોઝારા થશે.’

‘કાં, બેટા ?’

‘પાટણમાં પાણીનું દુ:ખ છે. હવેથી કોઈ માબાપ પોતાની દીકરી પાટણમાં નહિ પરણાવે. પરણેલી વધૂઓ કંટાળીને કૂવા પૂરશે. અને મા.. ખેડૂતો પણ ખેતી છોડીને ભાગી જશે; તલવાર લઈ ચાકરી નોંધાવશે. મા, તલવાર કંઈ જળ-અન્ન ઉપજાવી શકે ખરી ? પ્રજાનું પેટ પૂરી શકે ખરી ?’  ‘તારી વેદના સાચી છે, પણ પાટણનો ખજાનો જળ-યોજનાને પહોંચે તેમ નથી. વળી અહીં ઝાડ ઓછાં છે. ઝાડ ઓછાં હોય ત્યાં વરસાદ ઓછો. વરસાદ ઓછો ત્યાં ઝાડ ઓછાં ! શું થાય, બેટા !’

‘મા ! શું થાય, એમ કેમ બોલાય ? આપણાથી હાથ હેઠા નાખી ન દેવાય. તો તો આપણે રાજ છોડી દેવું પડે, અને કોઈ મજબૂત હાથમાં સોંપી દેવું પડે. ભગવાનના ચરણમાં દેહ ધરીએ છીએ, એમ આજ પાણી મારો પરમેશ્વર છે. એ પ્રભુ પાછળ ઘેલો થઈ જઈશ. હું પાણી પાછળ રાજનો ખજાનો પાણીની જેમ વહાવી દઈશ. પાણીનો પ્રશ્ન લડાઈના પ્રશ્નની જેમ હાથ ધરીશ. હું ભગવાન સોમનાથને પ્રાર્થીશ : જોજો પ્રભુ, સિદ્ધરાજનું પાણી ન જાય !’ આ માટે જરૂર પડશે તો તન, મન, ધન અર્પણ કરીશ.’

સિદ્ધરાજ ભાવાવેશમાં આવી ગયો. કેસરી વનમાં આંટા મારે એમ એ ખંડમાં આંટા મારવા લાગ્યો.

‘બેટા ! જમી લે.’

‘ના મા, જમવાનું તો પછી થશે જ. પહેલાં મહામંત્રીને બોલાવો. અબઘડી રાજદરબાર ભરે. આ નાની નવેલીઓનાં દુ:ખડાં મારાથી જોવાતાં નથી. પહેલું પાણી, પછી ભોજન !’

ને તરત મંત્રીરાજને સાદ થયો. રાજાકાજમાં સજ્જ મંત્રીરાજ થોડી વારમાં આવી પહોંચ્યા.

તુરતાતુરત દરબાર ભરાયો. પાણીનો પ્રશ્ન તાકીદના પ્રશ્ન તરીકે હાથ ધરવામાં આવ્યો. કેટલાક જૂના સામંતોને આ બધું જૂની આંખે નવા તમાશા જેવું લાગ્યું. લડાઈના પ્રસંગ સિવાય આ રીતે એકાએક દરબાર ન ભરાતો.

રાજાએ કહ્યું : ‘મંત્રીરાજ ! પાટણમાં પાણીનું દુ:ખ છે. એ માટે કંઈ વિચાર કર્યો ?’

મંત્રીરાજે જુવાન રાજાને નિવેદન કર્યું : ‘પાણીનો પ્રશ્ન વિચારણા હેઠળ છે.’

‘કઈ રીતે ?’

‘સરસ્વતીનાં વહેણ દુર્લભ સરોવરમાં વાળવાં.’

‘તો વિલંબ કેમ થાય છે ?’

‘એમ કરતાં પાટણનો ખજાનો પૂરો થઈ જાય તેમ છે ! કાલે નવી લડાઈ જાગે તો …?’

‘કાલની ચિંતા આજે શું? પાણીનું દુ:ખ મારાથી જોવાતું નથી. સરોવરનું કામ તાબડતોબ હાથ ધરો. એમાં લેશ પણ વિલંબ ન ઘટે. આજે પાણી ને પરમેશ્વર મારે મન એકસ્વરૂપ છે. જોઈશે તો રાજ વાણિયાને ત્યાં ગીરો મૂકશું.’

‘મહારાજ ! પાટણના સગાળશા શેઠ કહે છે કે એમના બાપના નામ પર સરોવરનું નામ રાખો તો ત્રણ લાખ રૂપિયા આપે.’

‘નથી જરૂર સગાળશાની ! પાટણનો ભંડાર ભલે તળિયાઝાટક થતો. આ સરોવર સિદ્ધ-સરોવર થશે. રાજભંડારના ધનથી થશે. વારુ, આ કામ કરી શકે તેવો છે કોઈ નિષ્ણાત ?’

‘હા. મહાભારતમાં જેવો મય દાનવ હતો, એવો માયો હરિજન છે. એની પાસે એક લશ્કર જેટલાં માણસ, ગધેડાં ને સરસામાન છે. એ કહે છે, કામ તો કરી આપું, પણ મારાં નાતીલાં પાણીએ ટળવળે ને બીજાં પાણી પીએ-એ ન ચાલે. અમને માણસ જ કોણ ગણે છે ?’

‘બોલાવો માયાને. એની વાત કબૂલ છે. કહો તો તામ્રપત્ર પર લખી આપું, મારું માથું માગે તો માથું આપું, પણ કામના શ્રીગણેશ કરો !’

તરત માયા હરિજનને બોલાવવામાં આવ્યો.

માયાએ રાજીખુશીથી કામ કબૂલી લીધું.

સિદ્ધરાજે સભાને સંબોધીને કહ્યું : ‘અને યાદ રાખો કે રાજા કંઈ નથી, રાજબળ કંઈ નથી, સાચું બળ દેવબળ છે. દરેક ધર્મવાળા પોતાના ઇષ્ટદેવને સમરે. હું પણ રોજ પિનાકપાણિને પ્રાર્થના કરીશ. હજાર મંદિરોમાંથી પ્રાર્થનાના સૂર ઊઠશે, તો ભલભલું આભ ભેદાઈ જશે. મારા ભોળા શંભુને જટાની એક નહિ, પણ દશ-દશ સેર નમાવીને ગંગામાતાને પાટણને પાદર વહાવવાં પડશે.’

બધેથી સિદ્ધરાજના સૂચનને વધાવી લેવામાં આવ્યું.

એ દિવસે સરોવરના કામના શ્રીગણેશ થયા.

રાજમાતા મીનળદેવીએ પુત્રને શાબાશી આપતાં કહ્યું : ‘વત્સ ! સદા આવી રીતે લોકકલ્યાણનાં કામને જલદીનાં કામ સમજીને કરજે. ચાલ, હવે જમી લે !’

ભલભલા વૃદ્ધ મુત્સદ્દીઓને અને પરાક્રમી સરદારોને ઝાંખો પાડતો સિદ્ધરાજ માની આંગળીએ વળગી ભોજન માટે ચાલ્યો ગયો !

સાંજે પાટણની શેરીઓમાં ઢંઢેરો પિટાવ્યો હતો કે,

‘સધરો જેસંગ સમસ્ત પ્રજાને સૂચવે છે,

‘જે ઝાડ વાવશે અને પાંચ વર્ષનું કરી રાજને સોંપશે, એને રાજ ઇનામ આપશે.

‘જે વાડી કરશે, અને હરિયાળી ઉગાડશે, એનું મહેસૂલ માફ કરશે.

‘જે કૂવો ખોદાવશે, ને અઢારે આલમને સોંપશે, એને ખિતાબ અને જમીન મળશે.

‘જે વાવ ગળાવશે ને સરાઈ બાંધશે, એને દરબારમાં આસન મળશે.

‘જે મહાજન પોતાના ગામનું પાણીનું દુ:ખ ટાળશે એને પાઘડી મળશે.’

‘મહારાજ સિદ્ધરાજનો આ ઢંઢેરો ગાજતો થયો.

લોકોમાં જાણે નવજીવનનો સંચાર થવા લાગ્યો.

[ ક્રમશઃ આગળની વાત જાણો હવે પછી ના ભાગમાં.. ત્યાં સુધી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ. આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો… ]

લેખક – જયભિખ્ખુ
આ પોસ્ટ લેખક જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથા સિધ્ધરાજ જયસિંહ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

વાંચો પહેલાના ભાગ:-

★ પ્રકરણ – 1 : બાબરો ભૂત ★

★ પ્રકરણ – 2 : પાટણનું પાણી હરામ ★

★ પ્રકરણ – 3 : મેંદી રંગ લાગ્યો ★

★ પ્રકરણ – 4 : મામો માર્યો ★

★ પ્રકરણ – 5 : ખેંગારે નાક કાપ્યું ★

પ્રકરણ – 6 : દારુ એ દાટ વાળ્યો ★

error: Content is protected !!