3. મેંદી રંગ લાગ્યો : સિધ્ધરાજ જયસિંહ

દડમજલ કૂચ ચાલે છે. રાજા સિદ્ધરાજ જયસિંહ અને તેનું મંડળ પાટણ તરફ આવી રહ્યું છે.

દુર્લભ સરોવરની પાળે પાટણ વસ્યું છે.

પટણીઓની મૂછે લીંબુ લટકે છે.

પાટણની સુંદરીઓ ગુજરાતમાં જાણીતી છે. ગાવામાં એવી, દેખાવમાં એવી, આચારમાં એવી, વિચારમાં એવી.

પાટણની શોભા પણ એવી છે.

નગરને ફરતો કોટ છે. લોકો કહે છે કે એવો મજબૂત છે, કે કલિયુગ પણ અંદર આવી શક્યો નથી ! એટલે લોકે સાચા બોલા છે, પરગજુ છે, પરામી છે, સ્ત્રીઓ શીલવંત છે.

ગઢની ચારે ફરતી સુંદર વૃક્ષોની વરમાળા છે. એને ફરતી ઊંડી ખાઈ છે.

એ પછી નવ્યા ને ગવ્યા નદી માતા સરસ્વતી છે !

ગવ્યા એટલે ગાયોને અનુકુળ : ઘાસચારાવાળી, નવ્યા એટલે નાવોને અનુકૂળ : કાંઠા ને બેટવાળી.

સરસ્વતીના કાંઠાનાં ખેતરોમાં ખેડૂકન્યાઓનાં મીઠાં ગીત સંભળાય છે. એ નિર્ભય રીતે હરે ફરે છે. કોઈની બીક એમને નથી !

પાટણ તો બસ પાટણ જ છે ! લાખોપતિની મેડીએ દીવા બળે છે. કરોડપતિની હવેલીએ ધજા ફરકે છે.

લક્ષ્મી પણ એમની. ઉત્સવ પણ એમના. હરીફાઈ પણ એમની. ધર્મ પણ એમનો. કર્તવ્યપાલન પણ એમનું.

અહીં ચારે તરફ આશ્રમો છે. આશ્રમોમાં વિદ્યા ભણાવાય છે.

અંગવિદ્યા એટલે શરીરવિદ્યા અહીં ભણાવાય છે. યુદ્ધવિદ્યા એટલે શસ્ત્રવિદ્યા અહીં શિખવાડાય છે. ધર્મવિદ્યા કહેતાં વેદ, સ્મૃતિ ને આગમનો પણ અભ્યાસ કરાવાય છે.

પંડિતો માટે રાજ તરફથી મઠ હતા. વિદ્યાર્થીઓ માટે છાત્રવૃત્તિ હતી. જે નામ કઢે એને રાજ તરફથી સુવર્ણકંકણ મળતાં.

દેવમંદિરો કલાનાં ધામ હતાં. મંદિરોનાં આંગણામાં નાટકો ભજવાતાં. રાજા-રંક સાથે બેસીને જોતા.

ઉપવનો ને ઉદ્યાનો વિહારનાં ધામ હતાં.

અહીં હાથી રમતા. ઘોડા ખેલતા. પંખી ચણતાં. મોર કળા કરતા.

પાટણ એ પાટણ હતું. દુર્લભ સરોવરને આરે વસ્યું હતું.

વહેલી સવારે સમાચાર આવ્યા હતા, કે રાજા જયસિંહે બાથંબાથમાં બાબરા ભૂતને હરાવ્યો છે; વશ કરીને સાથે લઈને આવે છે !

આ સમાચાર પવનની જેમ પ્રસરી ગયા.

ઘેરઘેરથી લોકો નીકળી પડ્યા. સ્ત્રીઓ હાર ગૂંથવામાં ને આંગણાંમાં રંગોળી પૂરવામાં પડી.

રાજમહેલના દરવાજે ચોઘડિયાં વાગી રહ્યાં.

રાણીમાતા મીનળદેવીના હૈયામાં હરખ માતો નહોતો. દીકરાનાં પરાક્રમ સાંભળી એ ફૂલ્યાં સમાતાં નહોતાં. એમણે હમેશાં ભગવાન સોમનાથને પ્રાર્થના કરી હતી કે દીકરા દેજે તો દી વાળે એવા દેજે ! ભગવાને પોતાની અરજ સાંભળી એમ એમને લાગ્યું.

શૂરા સરદારો ને સામંતો ઘોડે ચઢીને પોતાના નવજુવાન રાજાના સામૈયે નીકળ્યા હતા.

પાટણના રાજમાર્ગો પર ને ચોકઠામાં ભારે ભીડ એકઠી થઈ હતી.

રાજાની સવારીને આવવાને હજી થોડી વાર હતી. લોકો ફરતા હરતા હતા, ને ટોળટપ્પાં મારતા હતા. એવામાં એક ભાટ જેવાએ આવીને કવિત લલકારતાં કહ્યું :

‘અરે ! મેંદી રંગ લાગ્યો !’

‘વાહ, અણહિલવાડના રંગ !’

‘વાહ સિદ્ધરાજ જયસંગ !’

લોકો ભાટની આજુબાજુ એકઠા થઈ ગયા ને બોલ્યા :

‘અરે બંબભાટ ! શાનો મેંદી રંગ લાગ્યો ?’

બંબભાટ ઊભા રહ્યા, ને બોલ્યા :

‘મેંદી એવી છે : વાવો આજ, ઊગે બાર વરસે ને એનો રંગ લાગે સો વર્ષે.’

લોકો કહે : ભાટજી ! તમારી વાત અમને સમજાતી નથી !’

ભાટ કહે, ‘સમજાશે, હવે સમજાશે. અરે વીર વનરાજે મેંદી વાવી, મહારાજ મૂલરાજે એને ઉગાડી. પણ રંગ તો આ સિદ્ધરાજ જયસંગ લાવશે. ખરો ભાયડો. ભડનો દીકરો . સિંહણનું સંતાન. વાહ ભાઈ વાહ !’

લોકો કહે : ‘અમને માંડીને વાત કહો. બારોટજી ! મેંદી કોણે વાવી, કેમ વાવી, કેમ ઊગી ને કેવો રંગ લાગ્યો !’

ભાટ કહે : ‘તો તો તમારે મારી સાથે પાટણની પ્રદક્ષિણા કરવી પડશે. દેવનાં દહેરાં જુવારવાં પડશે ને શૂરાપૂરાંનાં ધામની જાત્રા કરવી પડશે.’

‘તૈયાર છીએ. હજી રાજસવારી આવવાને વાર છે, જોષીજીએ મુહૂર્ત બે ઘડી બાદનું આપ્યું છે !’

‘થાઓ ત્યારે તૈયાર અને ચાલો મારી પાછળ.’ બંબભાટે આગેવાની લીધી. એ ચાલ્યા. પાછળ બધું ટોળું ચાલ્યું. બંબભાટે એક ટીંબો બતાવતાં કહ્યું :

‘જુઓ ! આ લખ્ખારામ નિગમનો ટીંબો ! કાન્યકુબ્બના વેપારી જખ્ખ નેગમે અહીં પોઠો પાડી. ખૂબ વેપાર કર્યો. એ ઠેકાણે વીર વનરાજે પાટણ વસાવ્યું. આ લખ્ખારામનો ટીંબો તમારું મૂળ પાટણ ! મેંદીનું બીજ વાવનારો હતો વીર વનરાજ. ચાવડા વંશનો. ચાપ એટલે બાણ; બાણ ચલાવવામાં ને ચોરી કરવામાં ચાવડા એક્કા !’

‘વાહ બારોટ, વાહ ! જોયો લખ્ખારામનો ટીંબો !’

‘આગળ ચાલો, આ પંચાસરા પાર્શ્વનાથનું દહેરું. વનમાં ભટકતા વનરાજને નાનપણમાં ત્રણ જણાંએ ઘડયો : માતા રૂપસુંદરીએ. મામા સુરપાળે ને જૈન સાધુ શીલગુણસૂરિએ. શીલગુણસૂરિની યાદમાં એણે આ પંચાસરા પારસનાથનું દેરાસર બાંધ્યું.’

‘વાહ વાહ ! ખરો ગુરુભક્ત !’

‘અરે ! મિત્રભક્ત પણ એવો. પાટણ તો બે હતાં : સિદ્ધપુરપાટણ ને સોમનાથપાટણ. આ ત્રીજા પાટણને અણહિલપુરપાટણ નામ આપ્યું. અણહિલ એ વનરાજનો જિગરી દોસ્ત. કહે છે કે જાતનો રબારી હતો. પણ નાત-જાતનું શું મહત્ત્વ ! હરિકો ભજે સો હરિકા હોય, નાત-જાત પૂછે નહિ! આ નગર વસાવ્યું ત્યારે સ્વપ્ન આવ્યું કે એક આંબલી નીચે ત્રણ મૂર્તિઓ છે. ખોદી તો ત્રણ મૂર્તિઓ મળી આવી : એક પરમ માહેશ્વરની, એક પરમ અરિહંત પાર્શ્વનાથની ને એક પરમદેવી અંબિકાની ! ત્યારથી ધર્મની ત્રિવેણી અહીં વહેતી થઈ. હવે ચાલો આગળ ! થોડો લિખ્યો ઝાઝો કરી બાંચજો.’ નગરજનો તો બંબભાટની પાછળ ચાલ્યા. એમને ખૂબ રસ આવ્યો હતો.

એક મંદિર બતાવતાં બંબભાટે કહ્યું :

‘આ યોગીશ્વરીનું મંદિર. મહારાજ યોગરાજે બંધાવેલું. યોગરાજ વનરાજ ચાવડાના વારસ. આ વખતે કેટલાક વેપારીઓનાં વહાણ પ્રભાસ બંદરે તણાઈ આવ્યાં. ચાવડા મૂળ તો દરિયાઈ લૂંટારા. વનરાજે ઘણા સુધાર્યા હતા, પથ્થરમાંથી માણસ ઘડયા હતા, પણ લોહીમાં ચોરીનો અંશ બાકી હતો. યોગરાજના કુંવર ક્ષેમરાજે વહાણ લૂંટ્યાં. લૂંટાયેલા વેપારીઓ રાજદરબારમાં ફરિયાદે આવ્યા. રાજા યોગરાજે તપાસ કરી. ક્ષેમરાજ ગુનેગાર ઠર્યો. એને સજા કરી. પ્રજા આડી પડી, કહે કે કાયદો પ્રજા માટે હોય ! યોગરાજ કહે કે જે કાયદા કરે એણે કાયદા પહેલાં પાળવા ઘટે. આખરે આ મહાન રાજાએ પોતે પોતાની જાત પર સજા ખમી લીધી : ચિતા ખડકાવી એ રાજા બળી મૂઓ. એનું આ સ્મૃતિમંદિર છે !’

‘વાહ યોગરાજ, વાહ ! ત્યાગ આનું નામ ! આપભોગ આનું નામ !જનમેદનીએ પોકાર કર્યો. બંબભાટ આગળ વધ્યા ને એક મંદિર પાસે આવીને ઊભા રહ્યાા; બોલ્યા :

‘આ મૂલરાજવસહિકા ! મૂળરાજ સોલંકીનું બંધાવેલું મંદિર, વનરાજ પછી ચાવડા વંશના છ રાજા થયા. છેલ્લો રાજા સામંતસિંહ દારૂડિયો. દારૂમાં દ્વારકા ડૂલી તો સામંતસિંહ કોણ ? મૂળરાજ એનો ભાણેજ ! ભાણેજને રોજ દારૂના નશામાં પાટણની ગાદીએ બેસાડે. અને દારૂ ઊતરી જાય એટલે અડબોથ મારીને હેઠે ઉતારી નાખે. આખરે મૂળરાજે મામાને હણી ગાદી લીધી. મૂળરાજ પ્રતાપી ભારે, ઘનવીર ભારે, શૂરવીર ભારે.’

‘વાહ ગઢવી, વાહ ! તમે તો પાટણનો ને પાટણના રાજાઓનો ઇતિહાસ કહેવા માંડયો. ખરેખર ! મેંદી રંગ લાગ્યો.’

‘હજુ રંગને વાર છે ‘ બંબભાટ રંગમાં આવી ગયા. એ બોલ્યા : ‘મેંદી વાવી વનરાજે, એને ઉગાડી આ મૂલરાજે. મૂળરાજે ખૂબ દેશો જીત્યા. એ સોમનાથદેવનો ભક્ત હતો. સોમનાથનાં યાત્રાળુઓને ગૃહરિપુ નામનો સોરઠનો રાજા હેરાન કરતો હતો. એને કચ્છની મદદ હતી. આ બધાને મૂળરાજે હરાવ્યા. કચ્છ ને સોરઠ કબજે કર્યો. પછી લાટને જીત્યું. છેલ્લે એણે રૂદ્રમાળ બંધાવ્યો. વિદ્યા માટે બંગાળમાંથી ને ક્નોજમાંથી બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા. પાછળની જિંદગીમાં એ તપસ્વી બન્યો. અહીં તો રાજા એ જોગી ને જોગી એ રાજા એવું છે.’

બંબભાટ જોશમાં આવી ગયા હતા. એમણે કહેવા માંડયું : ‘મૂળરાજ પછી ચોથી પેઢીએ ભીમદેવ (પહેલા) ગાદીએ આવ્યો. એણે સારો બંદોબસ્ત કર્યો.

‘આ વખતે ગજનીનો સુલતાન ચઢી આવ્યો. સોમનાથ પાટણ ભાંગ્યું. બધું રમણ-ભમણ કરી નાખ્યું. મોટી લૂંટ લઈને પાછો ફર્યો.’

‘ફરી ભીમદેવ ગાદી પર આવ્યો. આ વખતે આબુના પરમાર રાજાએ ચઢાઈ કરી. ભીમદેવના સેનાપતિ વિમળશાહે એને હરાવ્યો, ગુજરાતનો ખંડિયો કર્યો.

‘પરમાર રાજાએ ‘ચિત્રકૂટ’ નામનું શિખર ભેટ આપ્યું. વિમળશાહે ત્યાં દેરાં બાંધ્યાં. એ દેલવાડાનાં દેરાં ! જોયાં ન હોય તો જોઈ આવજો. હાલો આગળ !’ બંબભાટ આગળ વધ્યા; ત્રિપુરુષપ્રાસાદ નામના મંદિર પાસે આવીને ઊભા રહા ને બોલ્યા :

‘ભીમદેવને મૂળરાજ નામનો કુંવર. મૂળરાજ ભારે પ્રજાપ્રેમી. ગુજરાતમાં દુકાળ પડ્યો. ખેડૂતો માથે ત્રાસ વર્ત્યો. ખેડૂતોનું દુ:ખ રાજકુંવરથી જોયું ન ગયું. ‘મૂળરાજ કુંવરે ઘોડાની કળાથી પિતાને ખુશ કર્યા. પિતાએ મન ચાહે તે માગવા કહ્યું.

‘મૂળરાજે ખેડૂતોનો ભાગ માફ કરવા કહ્યું. કહે છે કે મીઠા રાજાને મીઠી નજરો લાગી. આ પછી કુંવર મૂળરાજ નાની વયમાં મરી ગયો. બીજે વરસે વરસાદ સારો થયો, ખૂબ પાક ઊતર્યો.

‘ખેડૂતો બે વર્ષનો રાજ-ભાગ લઈને આવ્યા. ભીમદેવે એ ન લીધો. આખરે એ ધનથી ભલા મૂળરાજની યાદમાં શિવનું આ દહેરું બાંધ્યું. એનું નામ ત્રિપુરુષપ્રાસાદ અને આ કર્ણમેરુ પ્રાસાદ.’

બંબભાટે વાતમાં ઝડપ કરી :

‘ભીમદેવને બીજા બે દીકરા હતા : ખેમરાજ અને કરણ.’

‘ખેમરાજ ભગવાનનો માણસ હતો. એણે રાજ લેવાની ના પાડી, પ્રભુભક્તિમાં જીવન ગાળ્યું. આ પછી કરણદેવ ગાદીએ આવ્યો.’

‘કરણદેવે ભીલ-કોળીનો ત્રાસ ટાળ્યો. કર્ણાવતી નગરી વસાવી. કરણદેવ મીનલ નામની દક્ષિણની રાજકુંવરી સાથે પરણ્યા. ‘મીનલ દક્ષિણ દેશના કર્ણાટક રાજા જયકેશીનાં પુત્રી. ભારે ચતુર, ભણેલાં અને મહત્ત્વાકાંક્ષી. આ મીનલદેવીને પેટે જયસિંહનો જન્મ થયો. કુંવર નાનો હતો અને કરણદેવ ગુજરી ગયા. મીનલદેવી રાજકાજ ચલાવવા લાગ્યાં. હવે પુત્ર જયસિંહ યોગ્ય ઉંમરનો થતાં તેને ગાદી આપી.

નવો રાજા પોતાના પ્રદેશમાં તોરણ બાંધવા નીકળ્યો. એ રીતે રાજનાં ગામોનો પરિચય થાય.

‘અને હવે મેંદીનો રંગ લાગ્યો – આ સધરા જેસંગમાં ! આવતી વહુ ને બેસતો રાજા ! પહેલે પગલે એણે નામ અમર કર્યું ! બાબરો જીત્યો !

‘બોલો બર્બરકજિષ્ણુ સિદ્ધરાજની જે !’

બંબભાટે વાત અટકાવી.

રાજમાતા મીનલદેવીનો હાથી રાજઘંટા વગાડતો નીકળ્યો. પાટણના મહામંત્રી સાંતૂ, મુંજાલ વગેરે પાછળ હતા.

એ જ વખતે સામેથી જુવાન રાજા ઘોડો ખેલવતો આવી પહોંચ્યો.

સવારના આભમાં સૂરજ શોભે એમ એ શોભતો હતો. એની પાછળ પડછાયાની જેમ બાબરો પગપાળો ચાલતો હતો. પાછળ સરદારો ને સૈનિકો હતા.

જયસિંહે માતાને જોતાં જ ઘોડાને હાથીના પડખે લીધો, અને કૂદીને હાથીની અંબાડી પર !

જઈને માના ચરણમાં !

માએ દીકરાના મોંને ઊંચું કરીને બકી લીધી. ગમે તેવો મોટો અને ભડ ભલે હોય, તોય માને મન દીકરો ક્યારે મોટો લાગ્યો છે ?

બધેથી જયજયકર થઈ ગયો.

પાટણમાં ઉમંગની નવી હવા પ્રસરી ગઈ !

માતાએ કહ્યું :

‘બેટા ! સ્વપ્નમાં શિવને જોયા હતા. કાર્તિકેય જેવા પરાક્રમી પુત્રની માતા બનાવજે, એવી માગણી કરી હતી. આજે એવો પુત્ર મને મળ્યો !’

જયસિંહ તો માના પડખામાં ભરાઈ ગયો. જાણે નાનો બાળ !

લોકો બાબરા સામે જોતા ને કંઈ કંઈ વિચાર કરતા. અરે ! આ જુવાન બાળકે બાબરાને સાધ્યો ? સહુને આ વાત બનવી અસંભવ લાગતી. તેઓ અનુમાન કરતા કે નક્કી કોઈ જૈન જતિએ આપેલા મંત્રથી બાબરાને સાધ્યો ! કાં તો પકડીને શીશામાં ઉતાર્યો, કે તો ચોટલી કાપી લીધી ! ભલે દેખાય માણસ, પણ છે ભૂત ! જયસિંહ ખરેખર સિદ્ધરાજ છે. મંત્ર-તંત્ર પૂરાં જાણે છે !

રાજમાતા મીનલદેવી પુત્રના માથાને સુંઘતાં બોલ્યાં:

‘દીકરા ! તારું શિક્ષણ ફળ્યું. સરસ્વતીના પટમાં હાથી સાથેની તારી કુસ્તી, મલ્લો સાથેની રમત અને પટાબાજીની આજ પરીક્ષા થઈ ગઈ. મને યાદ છે કે આબુની ગાળીમાં વાઘને મારવા તું પાછળ પગપાળો ગયેલો. મેં તને વારેલો. આજ તેં એથીય વધુ મોટું પરાક્રમ કર્યું ! આવાં જશનાં કામ કરો અને જુગ જુગ જીવો, બેટા !’

ને પ્રજાએ પણ જયના પોકારથી આભ ગજાવી દીધું.

બાબરો ભૂત એક્લો ઊભો-ઊભો આ બધું જોતો હતો. સિદ્ધરાજે એને ઇશારતથી પાસે બોલાવ્યો, માતાને નમસ્કાર કરવા કહ્યું.

બાબરાએ હાથી પાસે જઈ છલાંગ દીધી : એક છલાંગે ઉપર !

લોકોને વહેમ પેઠો, રખેને હુમલો કરે ! આખરે તો જંગલી માણસ ને ! એનો ભરોસો શો ?

પણ બાબરો રાજમાતાના પગમાં પડ્યો, પ્રણામ કર્યા, ને બીજી છલાંગે નીચે.

મીનલદેવી બોલ્યાં : ‘રામને હનુમાન હતા, એવો સિદ્ધરાજનો સેવક થજે !’

સિદ્ધરાજે કહ્યું : ‘મા ! એ મારો સેવક નથી, મારો મિત્ર છે !’

‘બેટા ! સાચો સેવક સાચો મિત્ર જ છે !’

બંબભાટથી નહિ રહેવાયું. એ જોરથી બોલ્યો : ‘વાહ, મેંદી રંગ લાગ્યો ! વાહ અણહિલવાડના રંગ ! વાહ સિદ્ધરાજ જયસંગ !’

એ દાડે પાટણમાં વગર દિવાળીએ દિવાળી ઊજવાઈ.

[ ક્રમશઃ આગળની વાત જાણો હવે પછી ના ભાગમાં.. ત્યાં સુધી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ. આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો… ]

લેખક – જયભિખ્ખુ
આ પોસ્ટ લેખક જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથા સિધ્ધરાજ જયસિંહ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

વાંચો પહેલાના ભાગ:-

★ પ્રકરણ – 1 : બાબરો ભૂત ★

★ પ્રકરણ – 2 : પાટણનું પાણી હરામ ★

error: Content is protected !!