એક મહાપરાક્રમી, શક્તિશાળી અને વિદ્યાપ્રેમી રાજવી તરીકે મુંજ હંમેશાં માટે યાદ રહેશે. મુંજ પરમારવંશના શાસક સિયક બીજાનો પુત્ર હતો. મુંજે ૯૭૩ થી ૯૯૫ સુધી માળવા પર શાસન કર્યું હતું.
? કહેવાય છે કે, મુંજ જેટલો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર રાજા એ વખતે બીજો કોઇ હતો જ નહિ….! તેણે માળવાનું સામ્રાજ્ય ઘણું વિસ્તાર્યું હતું. રાજપુતાનામાં પણ તેમણે પોતાના સામ્રાજ્યના સીમાડા ઊંડે સુધી નાખ્યા હતાં. મુંજ ના પરાક્રમી પિતા સિયક બીજાએ દક્ષિણમાં માન્યખેટના રાષ્ટ્રકુટોને હરાવ્યા હતા. અને રાષ્ટ્રકુટોની વધતી જતી છતાં એ પછી અસ્તાચળ પર પહોંચી હતી. એ પછી મુંજ સામે ફરકવાની રાષ્ટ્રકુટોની હિંમત નહોતી.
? મુંજે કલચુરીના શાસક યુવરાજ બીજાને યુધ્ધમાં ભૂંડી રીતે હરાવ્યો હતો. આમ,મુંજ પોતાના શાસનને મધ્યભારત અને તેની આસપાસમાં સર્વોપરી સાબિત કરવા માંગતો હતો. અને ખરેખર મુંજ જેવી તાકાત એ સમયના રાજવીઓમાં નહોતી. તે જેટલો રણકુશળ હતો એટલો જ વિદ્યાપ્રેમી હતો. માળવાના રત્ન સમી બે નગરીઓ “ધારા” અને “ઉજ્જૈન”ને તેણે વિદ્યાથી ભારતભરમાં શ્રેષ્ઠ બનાવી હતી. તેના દરબારમાં કવિઓ અને સાહિત્યકારોને આશ્રય મળતો. “યશોરૂપાવલોક”ના રચયિતા ધનિક,“નવસાહસાંકચચિત”ના રચતિયા પદ્મગુપ્ત અને “દશરૂપક”ના લેખક ધનંજય તેના દરબારી કવિઓ હતાં. ટૂંકમાં,મુંજના રાજ્યમાં સરસ્વતી સામ્રાજ્ઞીની જેમ પૂજાતી….!
? ગુજરાતમાં સોલંકીવંશનો સ્થાપક અને ઘણા રાજાઓને યુધ્ધમાં રોળી નાખનાર મહાપ્રતાપી મુળરાજ સોલંકી મુંજ સામે ભૂંડી રીતે હાર્યો હતો. આ હાર પછી મુળરાજ માટે જીવવું અસહ્ય થઇ પડ્યું હતું. એવું કહેવાય છે કે,મુંજ સામે હાર્યા પછી તે મારવાડના રણમાં નિરાશ્રિતની જેમ રખડ્યો હતો; “પાણી…..પાણી…..લાવો ! કોઇ પાણી આપો….”ના પોકારો કરતો !
? મુંજે “પૃથ્વીવવલ્લભ”,“શ્રીવલ્લભ”,“અમોઘવર્ષ” અને “વાક્પતિરાજ” ના બિરુદ ધારણ કર્યા હતાં.
? મુંજનો ખરો સંઘર્ષ કર્ણાટકના ચાલુક્ય રાજા ગંગરાજ તૈલપ સામે હતો. માળવાના પરમારોએ દક્ષિણમાં માન્યખેટના રાષ્ટ્રકુટોને ઉંધેકાંધ પછાડ્યા એ પછી તૈલપે આ લાગ જોઇને પોતાની સત્તા નિર્બળ રાષ્ટ્રકુટોના પ્રદેશો સુધી પહોંચાડી હતી. માન્યખેટ પર એણે કબજો કરી લીધો હતો. અને પછી તે કોઇ કાળે એના કબજામાં હતું તેવા માળવાને ફરીવાર કબજે કરવા માળવા પર ચડાઇઓ કરતો હતો. તેણે સતત છ વાર માળવા પર આક્રમણ કર્યું હતું. [ ક.મા.મુનશીની “પૃથ્વીવલ્લભ” નવલકથા સહિત ઘણા ઇતિહાસકારો તૈલપે સોળ વાર માળવા પર કુચ કરી હોવાનું કહે છે. ] અને છ એ છ વાર મુંજે તેને હરાવ્યો હતો….! અને આ બધી વખતે મુંજે હારેલા તૈલપને જીવતદાન આપ્યું હતું. જો કે વીરોનું ભુષણ કહેવાતી “ક્ષમા” અંતે તો મુંજને જ કરડવાની હતી….!
? તૈલપની વધતી જતી અવળચંડાઇને મુળમાંથી જ ડામી દેવા આખરે સાતમી વાર મુંજે કર્ણાટ પર આક્રમણ કર્યું. ગોદાવરીને પેલે પાર આ યુધ્ધ લડાયું. જેમાં તૈલપના સૈન્યની કમાન સેનાપતિ ભિલ્લમના હાથમાં હતી. આ ભયંકર યુધ્ધમાં મુંજ હાર્યો અને તૈલપે એને બંદી બનાવીને કેદમાં નાખ્યો.
? એક વાત એવી પણ છે કે, તૈલપનો ગુપ્તચરરૂપી એક સેનાનાયક તૈલપ સાથે ઝગડો થયાનું દર્શાવીને માળવામાં મુંજ પાસે “વિભીષણ” બનીને આવ્યો હતો. અને મુંજે તેના પર ભરોસો મુકીને તેને પોતાનો સેનાનાયક બનાવી દીધો….!એ પોતે તૈલપની સામે કેવી રીતે રણે ચડવું એ જાણે છે એમ ધરપત આપીને વિષમ પરિસ્થિતી હોવા છતાં માળવાના લશ્કરને ગોદાવરીની પેલે પાર દોરી ગયો. જ્યાં યોજના પ્રમાણે કર્ણાટના લશ્કરે માળવાની ફોજનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. મુંજનો પરાજય સહન ન થવાની એનો એક પ્રામાણિક મુળ સેનાપતિ કમલાદિત્ય ચિતા પર ચડીને બળી મુઓ હતો.
? મુંજે છ વાર તૈલપને માફી આપી હોવા છતાં તૈલપે એકવાર પણ મુંજને જવા ન દીધો. એને અભેદ કેદમાં નાખ્યો. છતાં મુંજના ગર્વીલા પ્રભાવને તે હરાવી નહોતો શક્યો. તૈલપની વિધવા બહેન મૃણાલ અત્યંત કઠોર સ્વભાવની હોવા છતાં મુંજ એને આકર્ષી લે છે અને મૃણાલવતી મુંજના પ્રેમમાં પડે છે. મુંજનું વ્યક્તિત્વ જ એવું મોહક હતું કે એનો પરાજય કરવો અશક્ય હતો. તૈલપ આ વાત જાણીને અત્યંત ગુસ્સે થાય છે.
? એ પછી તૈલપ લાગલગાટ સાત દિવસ સુધી માન્યખેટની શેરીઓમાં મુંજ પાસે ભીખ મંગાવે છે. પણ મુંજ પોતાના વ્યક્તિત્વથી નગરની પ્રજાના મન પર વિજય મેળવી લે છે. એનો કદી કોઇ સામે શીશ ન ઝુકાવવાનો સ્વભાવ તૈલપને બધાની નજરમાં ઉતરતો કરી મુકે છે.
? આખરે એક દિવસ તૈલપ મુંજને હાથીના પગ તળે કચડાવીને મારી નાખે છે. આમ માલવપતિ મુંજનો દારૂણ અંત આવે છે. મુંજ પછી માળવાની ગાદી પર તેના નાના સિંધુરાજનો દિકરો રાજા ભોજ આવે છે. માળવા સહિત દેશભરના મહાન રાજવીઓમાં તેમનો સમાવેશ થાય છે. જે કર્ણાટકે જીતેલા બધા પ્રદેશો ફરી આંચકી લે છે અને કર્ણાટક પર આક્રમણ કરી તે વખતના તૈલપના વંશજ એવા ચાલુક્ય રાજા એવા જયસિંહ બીજાને હરાવી અને એનો વધ કરીને પોતાના કાકાના વેરનો બદલો લે છે.
? મુંજ મહાન સરસ્વતીપ્રેમી હતો. એના મર્યા પછી બીજા બધાંનુ તો ઠીક પણ સરસ્વતી નિરાધાર થઇ ગઇ હતી.ક હેવાય છે કે –
गते मुंजे यश: पुंजे निरालंबा सरस्वती |
? આ નિરાધાર થયેલી સરસ્વતીને મુંજનો ભત્રીજો રાજા ભોજ ફરી એકવાર આવકાર આપે છે અને માળવાને સમસ્ત ભારતવર્ષમાં અવલ્લ વિદ્યાધામ બનાવે છે.
[ ક.મા.મુનશીએ આ ઘટના પર આધારિત ઐતિહાસિક લઘુનવલ “પૃથ્વીવલ્લભ” લખી છે. જે મુનશીની શ્રેષ્ઠ નવલ તરીકે ગણનાપાત્ર છે. સાથે ગુજરાતી ભાષાની પણ મહાન ઐતિહાસિક લઘુનવલ છે. જેને બહુ વગોવાયેલ હોવા છતાં એ અત્યંત પ્રસિધ્ધી પામી છે અને ભરપેટ પ્રશંસા પણ મેળવી છે. એકલી ગુજરાતીમાં જ તેની અગિયાર આવૃત્તિ પ્રગટ થઇ છે….! આ ઉપરાંત અંગ્રેજી,તમિલ,કન્નડ વગેરે ઘણી ભાષાઓમાં પણ તેના અનુવાદો થયાં છે. એ નવલ કેમ આટલી પ્રસિધ્ધ છે એ જાણવું હોય તો એકવાર વાંચી લેજો. આના પરથી બોલિવુડમાં એક ફિલ્મ બની ચુકી છે.અને ગુજરાતીમાં “માલવપતિ મુંજ” નામક ફિલ્મ બની છે. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી માલવપતિ મુંજનો કિરદાર ભજવે છે. ]
– Kaushal Barad.
જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.