લોકમાતા મીનળદેવી

મહાન ચાલુક્ય કુળ (અગ્નિ વંશ) ઇતિહાસમાં કીર્તિવંત પ્રસિદ્ધ છે. “સોલંકી-વાઘેલા યુગ” એટલે ગુજરાતનો સુવર્ણયુગ (ઈ.સ.૯૬૦ થી ૧૩૦૪ દરમિયાન) આવા મહાન કુળ મા સમ્રાટ ભીમદેવજી અને સામ્રાજ્ઞી ઉદયમતીજી ના પુત્ર સમ્રાટ કર્ણદેવજી સોલંકી (૧૦૬૪ થી ૧૦૯૪ ઈ.સ.) નામના મહારાજાના શાસનનો સૂર્ય તપતો હતો.

તે ખૂબ મહત્વાકાંક્ષી અને સમર્થ રાજા હતા. અનેક વિજયો મેળવીને તે કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાત સિવાય કલ્યાણી ના ચાલુક્ય રાજા સોમેશ્વર-૨ સાથે ગાઢ મિત્રતા કેળવી હતી અને તેમની મદદ થી દક્ષિણમા અને પશ્ચિમ મા સિંધ સહિતના પ્રાંતોમા અનેક વિજયો મેળવી ગુજરાત ના સીમાડા વધાર્યા હતા. તેની જાહોજલાલીની સુગંધ ભારતમાં દૂર દૂર પ્રસરી ગઇ હતી. તેના શૌર્યથી આખો દેશ પરિચિત હતો.

એક ઢળતી બપોરે પાટણના રાજમહેલમાં એક પુરોહિત કર્ણદેવજીના માતા ઉદયમતીને મળવા દાખલ થયા.

‘પધારો પુરોહિતજી ! ’ કહીને રાજમાતાને તેમને સત્કાર્યા.

તે ચકળવકળ આંખે રાજમહેલના વૈભવને જોઇ રહ્યા હતા, ત્યાં રાજમાતાએ પૂછયું :

‘‘કયાંથી? આવો છો આપ, અને આપના હાથમાં આ શું છે ? ’’

રાજમાતાની નજર પુરોહિતના હાથમાં રેશમી કપડામાં વીંટાળેલી છબી પર સ્થિર થઇ ગઇ.

‘‘રાજમાતા, હું છેક કર્ણાટકના ચંદ્રપુરથી આવું છું. અમારા મહારાજા જયકેશીએ તેમની કુંવરી મયણલ્લાદેવીની છબી આપીને મને અહીં મોકલ્યો છે. આપના કુંવર માટે માગું લઇને આવ્યો છું’’

ઉદયમતી તરત જ વાત પામી ગયા. તેણે પોતાના કુંવર કર્ણદેવને બોલાવ્યા. કર્ણદેવે કન્યાની છબી જોઇને સાંકેતિક ભાષામાં કહ્યું,

‘‘કન્યા સુંદર છે, હું વેવિશાળ માટે તૈયાર છું. ’’

લગ્ન નક્કી થયાં. અને ઈ.સ.૧૦૬૬ મા કર્ણદેવજી ના લગ્ન મયણલ્લા સાથે થયા અને આ મયણલ્લા દેવી જ પાછળથી પાટણના રાજમાતા મીનળદેવી તરીકે પ્રસિદ્ઘ થયા.

[બૌદ્ધ ધર્મગ્રંથ ‘અંગુતર-નિકાય’ (ઈ.સ.પૂર્વ ૬૦૦ આજુબાજુ) મા ૧૬ મહાજન પદો એટલેકે ૧૬ મોટા રાજ્યોનો ઉલ્લેખ છે. આમાં દક્ષિણ મા સ્થિત ‘અશ્મક’ નામનું એક માત્ર આર્ય મહાજન પદ હતું. જેની સ્થાપના ઈશ્વાકુ વંશ ના શ્રી રામ પુત્ર રાજા ‘કુશે’ કરી હતી. એજ વંશમાં રાજા ચંદ્રમણીએ ચંદ્રાપુર કે ચંદ્રાવતી નગરી ની સ્થાપના કરી હતી અને એને રાજધાની બનાવી હતી આમ એજ વંશમાં મહારાજ રુદ્રકેશી ના પુત્ર મહારાજા જયકેશી અને મહારાણી શાક્યાયની ના પુત્રી એટલે મહારાજ કુમારી મયણલ્લાદેવી. જે પાટણ ના સામ્રાજ્ઞી બન્યા બાદ મીનળદેવી તરીકે પ્રસિદ્ધ થયા હતા.]

[આ સંદર્ભ: હેમચંદ્રાચાર્ય લિખિત- “સિદ્ધહેમશબ્દાનુંશાશનમ” નામના ગ્રંથ સિવાય જૈન સાહિત્ય, સંશોધિત ભારતીય અને ગુજરાતનો ઈતિહાસ, બારોટજી ના પરંપરાગત ચોપડાઓ, ગુજરાતના નામી સાહિત્યકારો ધૂમકેતુ, ક.મા. મુનશી લિખિત- ‘ગુજરાતનો નાથ’, ‘પાટણ ની પ્રભુતા’, ‘જય સોમનાથ’, ‘મહારાજાધીરાજ’… જેવી અગણિત સાહિત્ય કૃતિઓ, પ્રજાકલ્યાણ અર્થે રાજમાતા મીનળદેવીજી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહજી અને એના અનુગામી શાશકો એ બનાવેલા સ્થાપત્યોમા કંડારેલા શિલાલેખો.]

પાટણની ગાદી પર કર્ણદેવજીએ થોડાં વર્ષ સુધી રાજય કર્યું. પછી માળવાના રાજા નરવર્માએ પાટણ પર ચડાઇ કરી. કર્ણદેવજી પોતે યુદ્ઘમા ભાગ લઈ અને અપ્રતિમ શૂરવીરતાથી શત્રુઓ પર આક્રમણ કર્યું અને આ ભયંકર યુદ્ધમા નરવર્મા ને પરાજિત કર્યા પરંતુ આ યુદ્ધમા તેઓ ખુબ ઘવાયા હતા અને એ ઘાવોએ બીમારી નું સ્વરૂપ લીધું જેને કારણે તેમનું મૃત્યુ થયું.

કર્ણદેવજીના પુત્ર જયસિંહજી તે સમયે નાના હતા. એટલે તેમના માતાશ્રી રાજમાતા મીનળદેવીજી રાજયના શાસનની ધુરા પોતાના હાથમાં લીધી. તે ખૂબ જ ચતુર અને કુનેહબાજ રાણી હતા સાથેજ સાચા ક્ષત્રાણી હતા. તેમણે સુંદર રીતે વહીવટ કરવા માંડયો. રાજસત્તાનો દોર પોતાના હાથમાં આવતાં મીનળદેવીએ સિદ્ઘરાજને ઉત્તમ પ્રકારની તાલીમ આપવાનું શરૂ કર્યું. તેની મહેચ્છા હતી કે પોતાનો પુત્ર એક કુશળ અને શ્રેષ્ઠ રાજા બનીને સોલંકી વંશનું નામ દીપાવે અને એમજ થયું. જયસિંહજી પોતાના શ્રેષ્ટ શાશન, ન્યાયપ્રિયતા, વીરતા થી સિદ્ધરાજ નું બિરુદ પામ્યા.

આમ આવા મહાન સમ્રાટ ને એક ક્ષત્રાણી જ જન્મ આપી શકે અને આવા સંસ્કારો આપી શકે. મીનળદેવીએ તેના કારભાર દરમિયાન લોકહિતનું ખૂબ જ ધ્યાન રાખ્યું. તેણે વિરમગામમાં પોતાના નામ પરથી મીનળસર-મુનસર નામનું તળાવ બંધાવ્યું. તેની ચોતરફ પથ્થરનો ઘાટ બંધાવ્યો.

રાજમાતા મીનળદેવી ધર્મપ્રીય હતા:-

એક વખત તે સોમનાથની જાત્રાએ જતા હતા. તેના મુખ પર પ્રસન્નતા છવાયેલી હતી. રસ્તામાં ભોળાદ ગામ આવ્યું. ત્યાં એને કેટલાક સાધુ મળ્યા. બધા ઉદાસ હતા. તેમાંના કેટલાક તો રડતા હતા. સાધુઓને જોઇ તેને દુઃખ થયું. તરત જ પોતાનો રથ ઊભો રખાવીને તેણે એક સાધુને પુછયું,

‘મહારાજ, કેમ બધા ઉદાસ જણાઓ છો ? ’

વંદન કરીને સાધુ બોલ્યો, ‘રાજમાતા, અમે સોમનાથનાં દર્શને ગયા હતા પણ દર્શન કર્યા વગર જ પાછા ફર્યા છીએ. ’

‘કારણ ? ’ મીનળદેવીએ પૂછયું.

સાધુ ગળગળો થઇને બોલ્યો, ‘રાજમાતા, મંદિરનો વહીવટદાર રા’ ની આજ્ઞાથી અમારી પાસે વેરો માગે છે, અમે રહ્યા સાધુ, પૈસા કયાંથી લાવીએ?’

તરત જ મીનળદેવીએ રથ પાછો વળાવ્યો. સિદ્ઘરાજે આ વાત જાણી. તે તરત જ મારતે ઘોડે આવીને માતાને પગે પડયા ને બોલ્યા,

‘માતા, સોમનાથનાં દર્શન કર્યા વગર કેમ પાછાં આવી રહ્યા છો ? ’ મીનળદેવીએ બધી વાત કરી. ’

‘તો ભલે, પૈસાના અભાવે સાધુસંન્યાસી દર્શન ન કરી શકે તો મારાથી કેમ થાય? અને હું દર્શન કર્યા વગર અન્નજળ લેવાની નથી. ’

‘સિદ્ઘરાજ માતાને પગે પડી ગયા. તેણે કહ્યું, ‘મા, તમે મને આજે જગાડયો છે. હું આજથી પ્રજાનાં સુખ-આનંદ સિવાય કશું વિચારીશ નહિ. આમ સિદ્ધરાજે જુનાગઢ ના રા’ ને સમજાવવા પ્રયત્નો કર્યા, પરંતુ તે ન માનતા જુનાગઢ પર આક્રમણ કર્યું. આમ જૂનાગઢના રા’ નવઘણના અવસાન બાદ ગાદી પર આવેલા રા’ખેંગારે પાટણ સામે બંડ પોકાર્યુ અને પાટણ થી પોતાની સ્વતંત્રતા જાહેર કરી. એટલુ જ નહીં, જ્યારે સિદ્ધરાજ યાત્રા પર હતા ત્યારે પાટણના કિલ્લાનો દરવાજો તોડી ભાગી જવાનુ દુસાહસ કર્યું. એની સજારૂપે સિદ્ધરાજે જૂનાગઢ સામે યુધ્ધ જાહેર કર્યુ. અને રા’ ને પરાજિત કરી જુનાગઢ પુનઃ જીત્યું. અને સિદ્ઘરાજે સોમનાથના દર્શનાર્થીઓ ઉપર નાખેલો ૭૨ લાખનો વેરો માફ કર્યો.

મીનળદેવી ન્યાયપ્રીય પણ હતા:-

તેમણે ધોળકામાં એક તળાવ બાંધવાનું નક્કી કર્યું. તળાવનો આકાર નકશા મુજબ ગોળ રાખવાનો હતો. પરંતુ તેમ કરતાં એક ગરીબ ડોસીનું ઘર વચ્ચે આવતું હતું. એ જગ્યાને ગોળાકારને ખંડિત કરીને ખાંચો પાડવો પડે તેમ હતું. તેથી તળાવની શોભા મારી જતી હતી. મીનળદેવીએ તે ડોસીને મોં માગ્યા રૂપિ‍યા આપવાનું કહ્યું, પણ તેણે ઘર વેચવાની ના પાડી. તેને તેનું ઘર ઘણું જ વહાલું હતું. તે મીનળદેવીને કરગરી પડી. મીનળદેવીએ કારભારીઓને કહ્યું, ‘ભલે, તેનું ઘર રહેવા દો.”

રાણી મીનળદેવીએ ધાર્યુ હોત તો ડોસીનું ઘર પડાવી નાખ્યું હોત. પછી તો ગરીબ ડોસીનું ઘર સલામત રાખીને તળાવ બંધાવ્યું; પેલો ખાંચો રહી ગયો. આજે પણ મલાવ તળાવ જોઇને લોકો કહે છે : “ન્યાય જોવો હોય તો મીનળદેવીએ બંધાવેલ મલાવ તળાવ જુઓ”. આવી પ્રજાપ્રેમી અને ન્યાયપ્રીય મીનળદેવી સાચે જ “લોકમાતા” હતા.

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!