કુરુક્ષેત્ર એટલે પાંડવ કૌરવના યુદ્ધનું ઐતિહાસિક સ્થળ. જ્યાં અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. કુરુક્ષેત્રનો બીજો અર્થ કજિયા કંકાશનું સ્થળ એવો થાય છે. જૂના કાળે એ કુરુખંડ. કુરુખેત, કુરુતીર્થ, કુરુદેશ વગેરે નામે ઓળખાતું. પ્રત્યેક હિંદુના હૈયે ને હોઠે કુરુક્ષેત્રનું નામ જાણીતું છે. પણ માત્ર મહાભારતની યુદ્ધભૂમિ તરીકે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રનો ઉદ્ધોષ કરી ક્ષત્રિય વીર અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના કલ્યાણ માટે ભગવદ્ગીતાનો સંદેશ આપ્યો હતો. વેદ અને પુરાણકાળથી કુરુક્ષેત્ર ૪૮ દેશમાં વિસ્તરેલું છે. યુદ્ધનું મેદાન છે. મોટું નગર છે. અનેકાનેક ગામો, તીર્થો અને આશ્રમોથી છવાયેલું ભારતવર્ષનું મહાન ધર્મક્ષેત્ર છે. એની યાત્રા કર્યા વિના કુરુક્ષેત્ર વિશેનું આપણું જ્ઞાન અધુરું જ રહે છે. પ્રાર્થના પરિવાર સાથેની મારી યાત્રા દરમ્યાન કુરુક્ષેત્રમાં જે કંઇ જોયું જાણ્યું એની અવનવી અને રસપ્રદ વાતો આજે મારે વાચકમિત્રોને કહેવી છે.
અમ્બાલાની દક્ષિણે અને દિલ્હીની ઉત્તરે આશરે ૧૮૦ કિ.મી.ના અંતરે કુરુક્ષેત્ર આવેલું છે. પહેલા આ જિલ્લામાં સોનપત, અમીન, કરનાલ અને પાણીપતનો સમાવેશ થતો. ઉત્તરે સરસ્વતી અને દક્ષિણે દ્રશદ્વતીની વચ્ચેનો પ્રદેશ ગણાતો હતો. એને ‘સમંતપંચક’ પણ કહે છે. એવું કહેવાય છે કે જૂનાકાળે તેની લંબાઇ પહોળાઇ પાંચ પાંચ યોજન હતી. મહાભારતના યુદ્ધ પહેલા પણ કુરુક્ષેત્ર નામ પ્રચલિત હતું. રાજા કુરુ કૌરવો અને પાંડવોના પૂર્વજ હતા. એના નામ ઉપરથી જ આ ધરતી કુરુક્ષેત્ર તરીકે ઓળખાય છે. રાજા કુરુના તપ અને ત્યાગને કારણે જ આ ભૂમિ તીર્થસ્થાન બની છે.
પૃથ્વી પર નૈમિષારણ્ય અને પુષ્કર તીર્થો ગણાય છે પણ કુરુક્ષેત્ર તો ત્રણ લોકમાં શ્રેષ્ઠ તીર્થ ગણાય છે. એમ કહેવાય છે કે એની ધરતી પર ઉડતી ધૂળનું રજકણ પણ જો મહાપાપી માનવીના માથા પર પડી જાય તો પણ તે પરમ ગતિને પામે છે. જેઓ કુરુક્ષેત્રમાં રહેવાનો સંકલ્પ કરે છે તે બધા પાપોમાંથી છૂટીને બ્રહ્મલોકમાં જાય છે. શ્રધ્ધાપૂર્વક કુરુક્ષેત્રની યાત્રાએ જનારને અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞા જેટલું પૂણ્ય મળે છે એમ સ્વામી નારાયણગિરિ નોંધે છે.
‘વામનપુરાણ’ની નોંધ બોલે છે કે મહારાજા કુરુ અહીં આવ્યા તે પૂર્વે આ ભૂમિ ‘બ્રહ્માની ઉત્તરવેદી’ તરીકે જાણીતી હતી. અહીં બ્રહ્માજીએ જન્મ લઇ તપ દ્વારા સૃષ્ટિની રચના કરવા માટે સનક સનત્કુમાર નામના ચાર માનસિક પુત્રો ઉત્પન્ન કર્યા. આ ધનુષાકાર પૃથ્વી પર વેદી બનાવીને પછી એ બધાની સાથે બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાની ઇચ્છાથી દેવયજ્ઞ કર્યો, ત્યારથી આ સ્થળ ‘બ્રહ્મવેદી’ કે ‘દેવયજન’ તરીકે ઓળખાવા લાગ્યું. ત્યારથી કુરુક્ષેત્રની ભૂમિ મુક્તિદાતા, શાંતિપ્રદ અને પાપનાશક હોવાથી તમામ દેવી, દેવ, નાગ, કિન્નર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સિધ્ય, પિતર, ઋષિ, મુનિ અને ૮૪ લાખ યોનિઓમાં ઉત્પન્ન થનાર શક્તિમાન, તેજસ્વી અને વિદ્વાન વિભૂતિઓ છે એ બધાએ કુરુક્ષેત્રમાં આવીને તપ દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
એવું કહેવાય છે કે કુરુક્ષેત્રની ધરતી પર કરેલું સ્નાન, દાન, યજ્ઞ, જપ, તપ, યોગ, જ્ઞાન વગેરે સમસ્ત શુભાશુભ કર્મોનું તેરગણું ચક્રવૃદ્ધિ ફળ મળે છે. એટલે કુરુક્ષેત્રમાં કરેલું પુણ્ય અક્ષય બની જાય છે. તેનો ક્ષય થતો નથી. જો કોઇ અતિ પાપી માનવીના શરીરનું હાડકું, કુરુક્ષેત્રમાં પડયું હોય ને એને સતત ૧૨ વર્ષ સ્નાન કરાવો તો મહાપાપીને પણ પાપમાંથી મુક્તિ મળી જાય છે, એટલે શ્રી કૃષ્ણની ઇચ્છાથી મહાભારતનું યુદ્ધ અહીં થયું હતું. નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપને મારીને બ્રહ્મહત્યાનું પાપ કરેલું તે આ ક્ષેત્રમાં આવીને દૂર કર્યું હતું. કુરુક્ષેત્ર ભૂમિમાં સત્યુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ ચારેય યુગોનું તીર્થ છે. સર્વ તીર્થોમાં સૌ પ્રથમ જન્મેલું કુરુક્ષેત્રને નર્દક અર્થાત્ નિષ્પાપ ભૂમિ પણ કહેવામાં આવે છે. એમ પણ માનવામાં આવે છે કે આજે પણ આ ભૂમિમા દ્વાપર યુગના સિદ્ધ અમર બાલબ્રહ્મચારી અવસ્થામાં નિવાસ કરે છે. કુરુક્ષેત્રના સ્થાપક રાજા કુરુ સાથે સંકળાયેલી કથા વામનપુરાણના ૨૨માં અધ્યાયમાં આ મુજબ આપી છે.
રાજા કુરુએ પાવન સરસ્વતી નદીના કિનારે આ જગ્યાએ જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિનું મહાકેન્દ્ર બનાવવાનું નક્કી કરી સુવર્ણરથમાં અહીં આવ્યા. રથના સુવર્ણમાંથી હળ તૈયાર કર્યું. ભગવાન શિવ પાસેથી વૃષભ અને યમરાજ પાસેથી પાડો લાવી કૃષિ માટે જમીન ખેડવાનું શરૂ કર્યું. એ સમયે દેવરાજ ઇન્દ્ર ત્યાંથી પસાર થયા. એમણે પૂછ્યું ‘હે રાજન! તમે અહીં પૃથ્વીને શા માટે ખેડી રહ્યા છો?’
કુરુ કહેઃ ‘હે ઇન્દ્ર, જે મનુષ્ય અહીં મૃત્યુ પામશે તે પાપરહિત થઇ સ્વર્ગે જશે.’ ઇન્દ્ર એની વાત સાંભળીને હસતા હસતા સ્વર્ગ તરફ ગયા. કુરુ જરાયે વિચલિત થયા વગર પૃથ્વીને ખેડતા રહ્યા. વર્ષ વીતી ગયાં. ઇન્દ્રએ દેવતાઓને બોલાવીને કુરુના તપની વાત કરી. એમની ઇચ્છા કહી સંભળાવી. ત્યારે દેવતાઓએ ઇન્દ્રને કહ્યું ઃ ‘દેવ! કુરુને એની ઇચ્છા મુજબ વરદાન આપો કે આ સ્થળે પશુપક્ષી, મનુષ્ય ભોજન છોડી સાવધ થઇ મૃત્યુ પામશે તે સ્વર્ગે જશે. ઇન્દ્રએ કુરુને વરદાન આપ્યું ઃ ‘હે રાજન’ આ સ્થળ તારા નામથી જગતમાં પ્રસિદ્ધ થશે. અહીં આવનારને પાપોમાંથી મુક્તિ મળશે.’
એકવારા રાજા કુરુ વનમાં મૃગયા ખેલવા ગયા. ત્યાં ઋષિ પોતાની પત્નીના આગ્રહથી મૃગ-મૃગલીનું રૂપ લઇને મૈથુન કરતા હતા. કુરુએ બાણ મારીને મૃગરૂપી ઋષિને મારી નાખ્યા. ઋષિ પત્નીએ કુરુને શ્રાપ આપ્યો કે ‘તમે રાતના વખતે મરેલા રહેશો.’ કુરુએ અહીં આવીને શરીરે ભીની માટીનો લેપ કરીને પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું અને કુરુક્ષેત્રને ધર્મતીર્થરૂપે પ્રસ્થાપિત કર્યું અને જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિનું મહાન કેન્દ્ર બનાવ્યું.
કુરુક્ષેત્ર એ સર્વ તીર્થોમાં સૌથી વધુ પુણ્યદાતા ભૂમિ ગણાઇ છે. આ ભૂમિનો મહિમા ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો અને અનેક મહાન ગ્રંથોમાં વર્ણવાયો છે. મહાભારત અને પુરાણોમાં એવો ઉલ્લેખ મળે છે કે વિશ્વ પ્રસિદ્ધ ઋગ્વેદ, ઉપનિષદ, મહાભારત, પુરાણો અને અરણ્યકોની રચના સરસ્વતીના તટો ઉપર થઇ હતી. કુરુક્ષેત્રની પરિક્રમા મહાભારતના વનપર્વના ૩૦માં અધ્યાયમાં વેદવ્યાસે વર્ણવી છે. આ ભૂમિ ઉપર ૩૫૩ ગામડાંઓ વસેલાં છે. આ ગામોમાં ઋષિ, મુનિ, સંત-મહાત્માઓ સિદ્ધો અને દેવી દેવતાઓના આશ્રમો આવેલા છે. ચૈત્ર મહિનાની અંધારી કાળી ચૌદશના આ અષ્ટકોથી યાત્રા કરવાનું મહાત્મ્ય ઘણું મોટું મનાય છે.
કુરુક્ષેત્રમાં પ્રાચીનકાળે સરસ્વતી, વૈતરણી, ઉપગયા, અંશુમતી, કૌશિકી, દ્રષદવતી, ચિત્રાંગદા, સ્વર્ણગંગા, બરણાતી વગેરે નવનદિયો વહેતી હતી. કુરુક્ષેત્રમા અદિતિવન, વ્યાસવન, દેવવન, ફલકીવન, સીતાવન, મધુવન, કામ્યકવન વગેરે સાત વન આવેલા છે. અહીંની ભૂમિમાં મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપૂરક ચક્ર, વિશુદ્ધિ ચક્ર, અનાહત ચક્ર, આજ્ઞાચક્ર, ષટ્ચક્ર આવેલાં છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ ધરતી પરથી અનેક વાતો જાણવા મળે છે. કુરુક્ષેત્રમાં આવેલા થાણેશ્વરના શિવાલયની દક્ષિણે પાંચ માઇલ પર ખમીન નામના સ્થળે અભિમન્યુ મરાયો હતો. અહીં અર્જુને અશ્વસ્થામાને હરાવીને એના માથાની ખોપરી કાઢી લીધી હતી. અમીન નામ અભિમન્યુ ક્ષેત્ર પરથી પડયું હોય એમ કહેવાય છે. આ જ સ્થળે અદિતિએ સૂર્યને જન્મ આપ્યો હતો. થાણેશ્વરની પશ્ચિમે આઠ માઇલ ઉપર આવેલ ભોર નામના સ્થળે ભૂરિશ્વા મરાયો હતો. અહીંના ચક્રતીર્થ નામની જગ્યાએ શ્રીકૃષ્ણએ ભિષ્મને હણવા સુદર્શન ચક્ર હાથમાં ઉપાડયું હતું.
થાણેશ્વરની નૈઋત્યમાં ૧૧ માઇલે આવેલા નાગંડુ નામના સ્થળમાં ભીષ્મ મૃત્યુ પામ્યા હતા. ઔજસ ઘાટની દક્ષિણે અને થાણેશ્વરની પશ્ચિમે આવેલા અસ્થિપુરમાં મહાભારતમાં મરાયેલા યૌદ્ધાઓના શબ એકઠાં કરી તેમનો અગ્નિસંસ્કાર કરાયો હતો. કુરુક્ષેત્રથી પેહવા જવાના રસ્તા પર નદીકિનારે ‘જ્યોતિસર’ નામનું ગામ વસેલું છે. અહીં પ્રાચીન સરોવર છે, અને વડનું ઝાડ છે. સરોવર જ્યોતિસર અર્થાત્ જ્ઞાનસ્ત્રોતના નામે ઓળખાય છે. પાવનભૂમિના આ તીર્થ પર ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતારૂપી અમૃતનું પાન કરાવ્યું હતું. અહીં રોજ સાંજે ૭ વાગ્યે મહાભારત આધારિત લાઇટ એન્ડ સાઉન્ડનો શો દર્શાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધના આરંભકાળે શ્રી કૃષ્ણએ આ મંદિરની સ્થાપના કરી હતી એમ કહેવાય છે.
ઋગ્વેદમાં લખ્યું છે કે પ્રાચીનકાળમાં ઋષિઓ આ સ્થાન પર યજ્ઞાદિ ક્રિયા કરતા હતા. હાલમાં ત્યાં એક ઘણા પ્રાચીન અને પવિત્ર સરોવરના ચિન્હો છે. જેનું નામ ઋગ્વેદમાં સર્ય્યનાવત લખ્યું છે. તેની અંદર ઘણાં મોટાં અને પવિત્ર તીર્થ હતાં. અહીં આવેલા બ્રહ્મસર નામના સરોવરમાં પરશુરામે સ્નાન કરી પોતાને ક્ષત્રિય હત્યાના પાપમાંથી મુક્ત કર્યા હતા. મહારાજા પુરરવાએ આજ કિનારેથી ઉર્વશીને ફરી મેળવી હતી. ચંદ્રવંશી રાજા કુરુ આ સરોવરમાંના કોઇ એક કિનારા ઉપર તપ કરીને ગુપ્ત થયા હતા. પછી ત્યાં સ્થાણુ નામના મહાદેવની મૂર્તિની સ્થાપના થઇ. આ પુણ્યભૂમિ ઉપર પ્રસિદ્ધ રાજવી હર્ષવર્ધન થયા. અહીં સતી પાર્વતીના જમણા પગની ઘૂંટી પડી હોવાથી શક્તિપીઠ આવેલી છે. જે સાવિત્રી પીઠ, દેવીપીઢ, કાલિકાપીઠ, આદિપીઠના નામે ઓળખાય છે. એ દેવીકૂપ અર્થાત્ ભદ્રકાળી માતાનું મંદિર છે. ચૈત્ર અને આસો માસમાં અહીં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થાય છે. ગ્રહણ અને પર્વ પ્રસંગે કુરુક્ષેત્રમાં મેળા યોજાય છે.
કુરુક્ષેત્ર નામના પરિસરમાં સર્વેશ્વર મહાદેવ, ગોરખનાથ મંદિર, બાબા શ્રવણનાથની હવેલી, જયરામ વિદ્યાપીઠ, બિરલા મંદિર, કાલેશ્વર મહાદેવ, બાણગંગા, આપગા તીર્થ, ભૂરિસર, કામ્યાતીર્થ, કુબેર તીર્થ, દધિચિ તીર્થ, માર્કન્ડેય તીર્થ, રત્નયજ્ઞા તીર્થ, પિણ્ડારા, શુક્રતીર્થ, દ્વૈપાયન હૃદયતીર્થ, વરાહતીર્થ, દુઃખ ભંજેશ્વર મહાદેવ મંદિર, કૃષ્ણધામ, કાત્યાયની મંદિર, ગોરખનાથ મંદિર, ગૌઠિયામઠ, વેદમંદિર, દ. મુખી હનુમાન મંદિર વગેરે અનેક દર્શનીય મંદિરો આવેલા છે. અહીં રીક્ષા દ્વારા બધા મંદિરોના દર્શને એક દિવસમાં જઇ શકાય છે.
કુરુક્ષેત્ર પવિત્રતમ તીર્થ હોવાથી એને માટે સંસ્કૃતના શ્લોકમાં કહેવાયું છે કે ગંગાના તીર્થ પર કરેલા પાપો બદ્રીક્ષેત્રમાં ધોઇ શકાય છે. બદ્રીક્ષેત્રમાં કરેલા પાપોનો નાશ કાશીનગરીમાં કરી શકાય છે. કાશીમાં કરેલા પાપો કુરુક્ષેત્રમાં મિટાવી શકાય છે પરંતુ કુરુક્ષેત્રમાં કરેલાં પાપ ક્યાંય પણ ધોઇ શકાતાં નથી. એ વ્રજલેપ બની જાય છે.
મહાભારત સાથે સંકળાયેલ કુરુક્ષેત્ર અંગે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો કુરુક્ષેત્ર ભૂમિ- કર્મક્ષેત્ર (કર્મભૂમિ) પંચભૌતિક શરીર છે. એમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ પાંડવ છે, અને ધૃતરાષ્ટ્ર- અંધજીવના સંતાનો કર્મેન્દ્રિયો કૌરવ અને એમનાં કર્મ- ધર્મ- અધર્મના નિર્ણય અર્થે એમની વચ્ચે હંમેશા યુદ્ધ ચાલતું રહે છે. ગીતાનું જ્ઞાન આપનાર શ્રી કૃષ્ણએ બંનેને એમના ગુણ, કર્મ, સ્વભાવ મુજબ પોતપોતાના કર્મોમાં પ્રયુક્ત કરી રાખ્યા છે. શુભ કર્મ કરનાર જીવ અહીં જ્ઞાાન દ્વારા મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. અશુભ કર્મો કરનારા કૌરવો અહીં દુઃખી થાય છે અને અપયશ મેળવે છે. કુરુક્ષેત્રની, ધર્મક્ષેત્રની આવી વાતો છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ