નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

નૈમિષારણ્ય પુરાણકાળથી જ પ્રસિધ્ધ એવું ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં ગોમતી નદીના જમણા ઘાટ પર સ્થિત એક અરણ્ય અર્થાત્ જંગલ છે.

એક એવું વન કે જ્યાં ૮૮,૦૦૦ મુનિઓએ તપશ્વર્યા કરી હતી….! નૈમિષારણ્યની સુંદરતા પૌરાણિક ગ્રંથોમાં વર્ણવ્યા પ્રમાણે અદ્ભુત હતી. એમ પણ કહી શકાય કે ભારતભરમાં નૈમિષારણ્ય જેટલું સુંદર,શાંત અને આકર્ષક સ્થળ બીજું એકેય નહોતું….! જ્યાં પ્રકૃતિએ ખીલવામાં કાંઇ બાકી નહોતું રાખ્યું અને નિર્દોષ વન્યજીવો મહર્ષિઓની પાસે લેશમાત્ર ડર વિના નિર્ભીક બનીને વિહરતા.

એવું કહેવાય છે કે,ભગવાન વિષ્ણુએ અહિં “નિમિષ” માત્રમાં દાનવોનો સંહાર કર્યો હતો એટલે આ સ્થળનું નામ નૈમિષારણ્ય પડ્યું. તો વળી એક મત એવો પણ છે કે,અહિં “નિમિષ” નામનું ફળ વિશાળ માત્રામાં થતું હોવાથી આ સ્થળનું નામ નૈમિષારણ્ય પડ્યું. અને ત્રીજો મત એમ કહે છે કે,ભગવાન વિષ્ણુ જ્યારે દાનવોનો સંહાર કરતા હતા ત્યારે એના ચક્રની બહારની ધરી અથવા તો ચક્રના પરિઘનો એક ટુકડો [ નિમિષ ] અહિં પડ્યો હતો, આથી આ સ્થળ “નૈમિષારણ્ય” તરીકે ઓળખાયું.

નૈમિષારણ્ય એક પ્રકારનું ગાઢ તપોવન હતું. અને આ નૈમિષારણ્યમાં જ એક સુપ્રસિધ્ધ અને રહસ્યમય સ્થળ આવેલું છે – ચક્રતીર્થ ! એવું કહેવાય છે કે,આ ૧૨૦ ફુટના વ્યાસવાળું સ્થળ સમગ્ર પૃથ્વીનો કેન્દ્રનો ભાગ છે….! અને આવા રોચક તથ્યો માટે જ નૈમિષારણ્ય એક રહસ્યમય સ્થળ પણ છે….!

આની પાછળની પ્રસિધ્ધ પૌરાણિક કથા આવી છે – એકવાર મહર્ષિ શૌનકને ભારતમાં કદી ન થયો હોય તેવો લાંબા ગાળાનો દીર્ધ જ્ઞાનયજ્ઞ યોજવાની ઇચ્છા થઇ. જે કેટલાય વર્ષો ચાલે અને ભારતવર્ષમાંથી બધાં જ શ્રેષ્ઠ મુનિવરો જેમાં પધારે….! આના માટે તેઓ અને બીજા મુનિઓ બ્રહ્મા પાસે ગયાં. બ્રહ્માજીને આવા યજ્ઞ માટે ભારતવર્ષમાં એવું કોઇ અભુતપૂર્વ,નયનરમ્ય અને શાંતિમય સ્થળ બતાવવા વિનંતી કરી. બ્રહ્માએ તેનું ચક્ર ફરતું મુક્યું અને કહ્યું કે આ ચક્રની પાછળ ચાલ્યા જાઓ. એની નિમિષ [ બહારના પરિઘનો ભાગ ] જ્યાં પડે અને ચક્ર જમીનમાં સમાઇ જાય ત્યાં આપના જ્ઞાનસત્રનો આરંભ કરજો. અને ચક્ર ફરતું ફરતું ઉત્તરપ્રદેશના આ તપોવનમાં આવ્યું જ્યાં તેની નિમિષ પડી અને એ તપોવન “નૈમિષારણ્ય” તરીકે ઓળખાયું. આ નૈમિષારણ્યના મધ્ય ભાગમાં ૧૨૦ ફુટના પરિઘની અંદર ચક્ર જમીનમાં સમાણું અને પરિણામે એ મધ્યભાગ ચક્રતીર્થ તરીકે ઓળખાયો અને મહર્ષિઓએ ત્યાં આશ્રમો સ્થાપી જ્ઞાનસત્રનો આરંભ કર્યો. કથાકાર તરીકે લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા [ હુલામણુ નામ – સુતજી ] હતા. જે પુરાણકાળના પ્રસિધ્ધ રોચક કથાકાર હતાં. તેમણે સમગ્ર મુનિગણને અઢારે પુરાણની કથા સંભળાવી. અને આ જ્ઞાનયજ્ઞ લાગલગાટ બાર વર્ષ સુધી ચાલ્યો….! ખરા અર્થમાં દિર્ઘત્તમ !

Naimisharanya

મહર્ષિ ઉગ્રશ્રવાના પિતા લોમહર્ષણની બલરામ દ્વારા નૈમિષારણ્યમાં જ અજાણતા હત્યા થઇ હતી….! જેનો પછી બલરામે પારાવાર અફસોસ કર્યો હતો. તેણે લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને અનન્ય કથાકાર બનવાનું વરદાન આપ્યું હતું. અને એ ઉગ્રશ્રવાએ નૈમિષારણ્યમાં યોજેલી કથાઓએ ઇતિહાસ સર્જયો હતો.

આજે પણ ગોમતીના જમણા ઘાટ પર વસેલ આ તપોભુમિને જોવા ઘણાં યાત્રિકો આવે છે. જેમાંના ચક્રતીર્થનું મહત્વ અનેરું છે. આ ૧૨૦ ફુટના વ્યાસવાળા સ્થળને અતિ પવિત્ર માનવામાં આવે છે. આ સ્થળનો આકાર ષટ્કોણીય છે. અહિં નીચેના ઝરણાંઓમાંથી સુમધુર સંગીત રેલાવતું, કલકલ નાદ કરતું જળ નીકળે છે અને “ગોદાવરી નાળા” તરીકે ઓળખાતા એક નાળામાંથી વહી જાય છે. આ તીર્થ ભારતભરનાં ૫૧ પિતૃસ્થળોમાંનુ એક છે. સોમવતી અમાસે અહિં મેળો ભરાય છે.

આ ઉપરાંત પણ અહિં ઘણા પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો છે. જેમાં વ્યાસની ગાદી, મનુ-શતરૂપા તપોભુમિ, બ્રહ્મકુંડ, જાનકીકુંડ,પંચપ્રયાગ, હનુમાન ગઢી, લલિતાદેવી મંદિર, વ્યાસ-શુકદેવનું સ્થાન, પાંડવ ટીલા, દશાશ્વમેઘ ટીલા આદિ સ્થળોનો સમવેશ થાય છે. ભગવાન વેદ વ્યાસે પણ અહિં વસવાટ કરેલો.

નૈમિષારણ્યની પાસે જ આવેલ છે – દધિચી કુંડ. વૃતાસુરનો વધ કરવા માટે જ્યારે ઇન્દ્ર વગેરે દેવોએ આવીને દધિચી પાસે તેમના શરીરના હાડકાંની માંગ કરી ત્યારે દધિચીએ તેમનું અંતિમ સ્નાન આ કુંડમાં કરેલું કે જેમાં ભારતભરના બધાં જ પવિત્ર તીર્થસ્થાનોનું જળ લાવીને મિશ્ર કરવામાં આવેલ. મહર્ષિ દધિચીના બલિદાન પછી એના હાડકામાંથી વજ્ર તૈયાર થયું અને ઇન્દ્રએ તેના દ્વારા વૃતાસુરનો વધ કર્યો. આવી બલિદાનની ગાથાઓ પણ સંકળાયેલી છે આ નૈમિષારણ્ય જોડે….!

નૈમિષારણ્યની અંતર્વેદી અર્થાત્ ચોટીમાં આ બધા તીર્થસ્થળ આવી જાય છે. પ્રતિવર્ષ ફાગણ મહિનાની અમાસને દિવસેથી નૈમિષારણ્યની પરિક્રમાનો આરંભ થાય છે અને ચૈત્ર સુદ પુનમના રોજ પૂર્ણ થાય છે. ૮૪ કોસની પરિક્રમા થાય છે.

કહેવાય છે કે,આ કળિયુગમાં બધાં તીર્થોએ ત્યાં જ વસવાટ કર્યો છે. અને પ્રાચીનકાળથી જ્યારે પણ સમસ્યા આવે ત્યારે ભારતવર્ષના ખુણે ખુણાના મહર્ષિઓ ત્યાં એકત્ર થતાં અને સમસ્યાનું નિરાકરણ લવાતું.

નૈમિષરણ્ય એ ભારતની એક રહસ્યમય અને પવિત્ર ભુમિ છે. એવું કહેવાય છે કે, હજી પણ આ અરણ્યના ઉંડાણમાં મુનિવરો તપશ્વર્યા કરે છે, યજ્ઞ યોજે છે….! આ કલિયુગમાં જો એકાદ સ્થાન પવિત્ર બચ્યું હશે તો એજ હશે જેના અગોચર એકાંતમાં આ મહર્ષિઓ સાધના કરતાં હશે – દુનિયાની ભયંકર અધોગતિના ઘોંઘાટથી અસ્પર્શય રહીને અને જગતભરના કલ્યાણ માટે પ્રાર્થના કરતા….! એ ક્યાં છે – કોઇ નથી જાણતું….! પણ છે ખરાં કોઇ અલભ્ય એકાંતમાં….! ફરી એ વ્યાસને, શૌનકને ને ઉગ્રશ્રવાને જંખતા….! ચારેબાજુ થઇ રહેલાં સર્વનાશથી વિમુખ એવા આ મહર્ષિઓ ક્યાં હશે ને કોણ હશે ? કોણ જાણે ! પણ જગતમાત્રની અધોગતિને અટકાવી ઉન્નતિને ધપાવવા અથાગ પ્રયત્ન તો કરતાં હશે.

તમે જ જઇને જોઇ આવો.જગતકલ્યાણ ઝંખતા આ મહર્ષિઓના મંત્રધ્વનિઓ તમને નૈમિષારણ્યના કોઇ અગમકોણમાંથી સંભળાય છે કે નહિ….!

– Kaushal Barad.

error: Content is protected !!