મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનના પ્રસંગો

ભારતની ધરતી માથે આઝાદીના અજવાળા ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઇતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે ૧૨મી ૧૩મી સદીમાં ખેરગઢથી આવીને પાંચાળની ધરતી પર ‘સેજકજી’ ગામનું તોરણ બાંધી ત્યાં રાજધાની સ્થાપી. ગોહિલોની રાજધાની સમયાન્તરે ઘોઘા, ઉમરાળા અને શિહોરમાં ફરતી રહી. એ પછી પરાક્રમી અને પ્રજાવત્સલ રાજવી ભાવસિંહજીએ ઈ.સ. ૧૭૨૩માં ભાવનગરની સ્થાપના કરી રાજધાનીનું શહેર બનાવ્યું. આઝાદી પછી દેશના નાના મોટા રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારે ભાવનગર પ્રથમ વર્ગનું સલામી રાજ્ય હતું. એ વખતે દસ લાખ રૂપિયાનું સાલિયાણું મળતું હતું. મારે આજે ભાવનગર રાજ્ય કે સાલિયાણાની નહીં પણ જેમની જન્મશતાબ્દી ધામઘૂમથી ઉજવાઈ રહી છે એવા ભાવેણા (ભાવનગર)ના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનના વણસ્પર્શ્યા પ્રસંગો અને ઘટનાઓની વાત કરવી છે.

૧૯ મે ૧૯૧૨માં જન્મેલા રાજવીનું જન્મશતાબ્દી વર્ષ ઉજવવા માટે 2011-12 માં ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રીના અઘ્યક્ષપદે નીમાયેલ મહોત્સવ સમિતિએ નિલમબાગ ચોકમાં મહારાજા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી એક વર્ષ સુધીના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમના અવસાનના ૪૬ વર્ષ પછી એ પ્રજા આ રાજવીને ભૂલી નથી. એમની દિલાવરી, દાતારી, સત્કર્મો, સુવહીવટ અને પ્રજાકલ્યાણની ભાવનાને સમર્પણશીલતાને આજેય સહુ યાદ કરે છે. ભાવનગરના વિદ્વાન પ્રાઘ્યાપક અને પ્રિ. ડૉ. ગંભીરસિંહજી ગોહિલ આ સત્ત્વશીલ રાજવીનું જીવનચરિત્ર તૈયાર કરી રહ્યા છે.

ઈ.સ. ૧૯૧૯માં મહારાજા ભાવસિંહજીનું અકાળ અવસાન થયું ત્યારે યુવરાજ કૃષ્ણકુમારસિંહજીની ઉંમર ૭ વર્ષની હતી. તેમની સગીર અવસ્થા દરમ્યાન ઇંગ્લેન્ડ ખાતેની ઉચ્ચ કારકીર્દિ જતી કરીને ભાવનગર આવેલા સર પ્રભાશંકર પટ્ટણીના અઘ્યક્ષસ્થાને રચાયેલી વહીવટી સમિતિએ રાજ્યનો કારોબાર સંભાળી લીધો.

બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત યોજાઈ. જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા. દીર્ઘદ્રષ્ટા રાજનીતિજ્ઞ અને વિચક્ષણ બૌદ્ધિક સર પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધો. તે જ વરસે ગોંડલના યુવરાજ શ્રી ભોજરાજજીનાં સુપુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. વિજયાબાનાં ધાર્મિક, પ્રેમાળ, સરળ અને ઉમદા સ્વભાવે પણ તેમનાં જીવનમાં પ્રભાવક રંગો પૂર્યા હતાં એમ ડૉ. ગંભીરસિંહજી ગોહિલ નોંધે છે.

કૃષ્ણકુમારસિંહજી ઉચ્ચ વહીવટી કૂનેહ અને પ્રજા કલ્યાણની પ્રખર ભાવના ધરાવતા રાજવી હતા. પ્રજાવત્સલતાનો આદર્શ સેવનાર મહારાજા સમયાન્તરે ચાંચ બંદરના બંગલે કે ગોપનાથના બંગલે હવાફેર માટે જતાં અને ત્યાં થોડા દિવસ રહીને આરામ કરતા. એ વખતે આજુબાજુ પંથકના ગામડામાં આકસ્મિક મુલાકાતે પહોંચી જતા. એ વખતે ગોપનાથ ઢૂંકડા એક ગામે નવરાત્રી પ્રસંગે રમાતી ગરબી, પંથકના પચાસ ગાઉ માથે વખણાય. રાજમાંથી સંદેશો ગાયો કે બાપુ આઠમની રાતે તમારી ગરબી જોવા પધારે છે.

અઢારસો પાદરના ઘણી ગરબી જોવા પધારે છે એ જાણીને ગામ લોકોનો આનંદ હિલોળે ચડ્યો. ગરબી ગાનારા ને રમનારાઓના કેડિયાની કસો તૂટવા માંડી. એમના અંતરના આનંદમોરલા ટહૂકી ઊઠ્યા. ગામના ચોરાની સફાઈ થઈ ગઈ. ઢોલિયા ઢળાઈ ગયા. આણંત વહુઓએ લાવેલી નવીનકોર રજાઈયું પથરાઈ ગઈ. ગાદી તકિયા નંખાઈ ગયા. કુંભારો આવીને ઠંડા પાણીના ચીતરેલાં માટીના ગોળા ભરીને મૂકી ગયા. ભાવેણાના ભૂપ ગરબી જોવા પધારે છે એ વાત જાણીને અડખે પડખેના પાંચ પચ્ચીસ ગાઉ માથે આવેલા ગામના લોકો ગાડાં, ઘોડા અને ઊંટિયા માથે સવાર થઈને અહીં ઊમટી પડ્યા. અવનિ માથે અંધારાના ઓળા ઊતર્યા ન ઊતર્યા ત્યાં કૃષ્ણકુમારસિંહજી પધાર્યા. કટ કટ કટ પગથિયાં ચડીને ચોરે આવ્યા. પ્રજાજનોના વંદન ઝીલીને ઢોલિયા માથે બિરાજમાન થયા. અને તકિયાને અઢેલીને બેઠા. સૌની ખબર અંતર પૂછતા પડખે બેઠેલા મુખીને પૂછ્‌યું ઃ ‘પટેલ, શું ચાલે છે? માતાજીની ગરબી રમવા માટે તમારું ગામ બહુ જાણીતું છે એમ સાંભળ્યું છે.’

ગામના નવરાત્રી ઉત્સવની પ્રશંસા સાંભળીને ગામેતીઓના અંતરમાં આનંદના રંગસાથિયા પુરાણા, એક બે ઉત્સાહી આગેવાનો એકસાથે બોલી ઊઠ્યા ઃ ‘જી મહારાજ! આ ગામમાં ગરબી રમવાની પરંપરા પાંચ પાંચ પેઢીથી હાલતી આવે છે. અમારી ગરબીની તો વાત નો થાય. ભારે રંગત જામી જાય. ઇમાંય જો માવઠાનો વરહાદ વરહી ગ્યો હોય ને પછી જુવાનિયા ગરબી રમઝટ બોલાવે ઈ બીજી ભાતની હોય. ગરબી પુરી થાય ત્યાં તો ધરતી પર વેંત વેંત ઊંડું કુંડાળું કોરાઈ જાય હો.’

મહારાજ રાજી થતાં બોલ્યા ઃ ‘‘તમારા સંપીલા ગામમાં માતાજીની માંડવડી આગળ રૂડી ગરબી થતી હોય તો એમાં રમવાનો લ્હાવો આજ હુંય લઇશ.’’ આવી વિસ્મયભરી વાત સાંભળતાં જ ગામના આગેવાનોના મોં પરનો આનંદ ઉચાળા બાંધીને હાલતો થયો. સૌ સ્તબ્ધ બનીને એકબીજાની સામે તાકી રહ્યાં. મહારાજાની ગામ આખાના લોક સાથે ગરબી રમે ઇ વાત કોઈને ગળે ઊતરતી નહોતી. એક વયોવૃદ્ધ ભાભાથી નો રહેવાણું. એ ઊભા થયા ને બે હાથ જોડીને બોલ્યા ઃ

‘બાપુ! આ તો અમારી ગામડિયા લોકની ગરબી. આપના જેવા રાજરજવાડાથી અમારા ભેળા નો રમાય.’

‘શું હું શક્તિની ભક્તિ કરવાને લાયક નથી ગણાતો?’

‘અરેરે, બાપુ આ શું બોલ્યા? આવું બોલીએ તો મા ખોડિયાર અમારી જીભ જ ખેંહી લ્યે. ભાવેણાના માથે તો ખોડિયાર માના ચાર હાથ છે. માની અમીદ્રષ્ટિ છે.’ વૃદ્ધ ભાભા બોલી ઊઠ્યા.

‘તો વડીલ તમે આવું કેમ બોલ્યા?’

‘બાપુ! વાત જાણે એમ છે કે અમારી ગામડિયાઓની ગરબી સરખેસરખા સમોવડિયાને રમવા માટેની હોય છે. ગરબી રમનારે સામે આવનારને ગોઠણ સુધી નમી તાળી દઈ આગળ જવાનું. એક બીજાને પગે લાગવાનું. વરહને વચલે દા’ડે કંઈ મનદુઃખ થયાં હોય ઇ હંઘુય ભૂલીને આનંદ માણવાની ગરબી છે. એટલે અમે ગરબીમાં ગામના વાળંદ, ઘાટઘડા કુંભાર, મેરાઈ, મોચી જેવા વસવાયાને ભેળાં રમવા દેતા નથી. કાઠી, દરબારો અને રજપૂતોની વસતીનું ગામ છે. આ લોકો સ્વપ્નામાંય કોઈની સામે ઝૂકવાનું પસંદ કરતાં નથી. આપનાથી ગામલોકો આગળ ઝૂકીને રમવાની ગરબી ન ગવાય.’ એક ગામડિયાએ પેટછૂટી વાત કરીને રહસ્ય ઉઘાડું કરી નાખ્યું.

‘ભાઈ, આ તો હડહડતો અન્યાય કહેવાય, માતાજીની ભક્તિ કરતી વખતે અહંને ઓગાળી નાખવો જોવી. માને તો બધાં જ બાળકો સરખાં ગણાય. માડીના દરબારમાં ઊંચનીચના ભેદભાવ ન રખાય. સૌ સરખાં ગણાય.’ આટલું બોલતા મહારાજાના મુખ પર જાણે કે વેદના લીંપાઈ ગઈ. તેઓ ગંભીર અવાજે બોલ્યા ઃ
‘આજે મારે ગામેળું જોડે ગરબી ગાઈને ભેદની ભીંતડિયું ભાંગી નાખવી છે.’

ગામનું વસવાયું વરણ મહારાજાની મહાનતા જોઈ સ્તબ્ધ થઈ ગયું. શું ભાવેણાનો નાથ પોતે ઊઠીને આપણી સાથે ગરબી રમીને ધૂંટણ સુધી નમીને ગરબીમાં તાળી આપશે? ધન્ય છે આવા સમદ્રષ્ટિવાળા રાજવીને. વાયે અડીને વાત ગામઆખામાં વહેતી થઈ ગઈ.

સવર્ણો વસવાયાઓ જોડે ગરબી રમવાની ગડમથલ કરતા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ એટલું જ કહ્યું ઃ ‘ભાઈઓ, હું અઢારસો પાદરનો ઘણી ઊઠીને મારી રૈયત જોડે તરોવરો કરું કે ઊંચનીચના ભેદભાવ રાખું તો એ બધા ક્યારે ઉંચા આવશે? રૈયત તો મારા રાજની શોભા છે. એ સૌને ભેળા લઈને હું ગરબીમાં જોડાઈશ. કેડ્યેથી લળક લઈને પગ સુધી નમવામાં ભલે મને નાનપ લાગે.’

પછી તો ભાઈ ગરબીનો રંગ જામી ગયો. ગામ લોકોની સાથે વસવાયા વર્ગ હોંશભેર જોડાયો. કોઈ દિ’ ગરબીય નહીં રમનારા કે જોનારા ય રંગેચંગે ગરબી રમવા ઊતરી પડ્યા. ભાવનગરના રાજા સાથે ગરબી રમવાનો લ્હાવો કોણ જતો કરે? ઘૈડિયા વાતું કરે છે કે તે દિ’ બાપુ એક એક ગ્રામજનના ગોઠણ સુધી નહીં પગના પંજા સુધી નીચા નમીને બબ્બે કલાક ગરબીમાં ફર્યા. ગામલોકો રાજવી સાથે ગરબી રમીને ધન્યતા અનુભવવા લાગ્યા. ગરબી પુરી થતાં પોતાને સવર્ણોમાં ધન્યતા અનુભવવા લાગ્યા. ગરબી પુરી થતાં પોતાને સવર્ણોમાં ખપાવતા સૌ કોઈએ મહારાજાની માફી માગી. વર્ણભેદ નહીં રાખવા બધા વચનબદ્ધ થયા, ત્યારે શ્રી કૃષ્ણકુમારસિંહજીના મુખ પર આનંદની અનેરી આભાવાળું સ્મિત રમતું હતું. અસ્પૃશ્યતાના નિવારણના ઢોલ તો આપણે આજે વગાડીએ છીએ પણ પ્રજાકલ્યાણની ભાવનાવાળા ભૂપ એ કાર્ય તો વર્ષો પહેલા કરી ચૂક્યા હતા.

26_1526679351

મહારાજાના શિક્ષણપ્રેમની એક ઘટના ‘સંકલ્પ શક્તિ’એ આ મુજબ નોંધી છે. નગર વિકાસના કામો નિહાળવા અને નગરચર્યા કરવા નીકળેલા મહારાજા સંઘ્યાટાણે અગંત માણસો સાથે ચર્ચા કરતાં જઈ રહ્યા હતા. એવામાં એમની નજર એક ઘૂની માણસ માથે પડી. એમને આશ્ચર્ય એટલા માટે થયું કે ઘૂની જેવો જણાતો ખાદીધારી માણસ મેલાંઘેલાં નાનાંનાનાં ટાબરિયાંઓને પ્રેમપૂર્વક નવડાવી, માથામાં તેલ નાખી વાળ ઓળી દેતો હતો. એને જોતાં જ મહારાજા થભી ગયા. એમના મનમાં વીજળીના સળાવાની જેમ એક વિચાર ઝબકી ગયો. બાપુએ એમના ઢૂંકડા જઈને રાજ્યમાં સારી શિક્ષણ સંસ્થા ઊભી કરવા આર્થિક સહાય આપવાની તત્પરતા બતાવી, ત્યારે સેવાભાવી ખાદીધારી શું કહે છે? ‘મને કોઈ શિક્ષણ સંસ્થા ઊભી કરી મોટું પદ લેવામાં રસ નથી. મને રાજ્યના પૈસાય જોતાં નથી. આપ આપવા ઇચ્છતા જ હો તો સામેની ખરાબાની જમીન મને આપો. મારે ગામના ગરીબ બાળકોને માટે એમાં હીંચકા બાંધવા છે, અને છોકરાંઓને ભેગાં કરી ધમપછાડા કરાવવા છે.’

મહારાજા આ માણસના હીરને પારખી શક્યા અને પછી બીજે દિવસે તાંબાના પતરે પડતર જમીન મહારાજા સાહેબે ‘યાવત્‌ચંદ્ર દીવા કરો’ લખી આપી. એ પડતર જમીન ઉપર પાંગરેલી પ્રતિષ્ઠ સંસ્થા એટલે શિશુવિહાર-ભાવનગર. એ મહારાજાનું નામ કૃષ્ણકુમારસિંહજી. એ ભેખધારી માણસ એટલે માન. શ્રી માનભાઈ ભટ્ટ. બેમાંથી એકેય હયાત નથી. હયાત છે પ્રજાના હૃદયમાં એમની સ્મૃતિ.

ભાવનગર જિલ્લાના ત્રાપજ પાસેના ધોકડવા ગામના બાજંદા ભવાઈ કલાકાર ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના કાર્યક્રમોમાં અમારી સાથે આવતા. ક્યારેક નવરા પડે ને મોજમાં હોય ત્યારે રાજામહારાજાઓની વાતું માંડતા ઃ ભાવનગરવાસીઓ પોરહાય એવો એક સાંભળેલો પ્રસંગ મારે અહીં આલેખવો છે.

ગોહિલવાડના મલક માથે, ભાવનગરથી બત્રીસેક કિ.મિ.ના અંતરે આવેલું ભદ્રાવળ નામનું ખોબા જેવડું ગામડું ગામ. ગામની માલીપા પલેવાળ બ્રાહ્મણોની જાડી વસતી. આ બ્રાહ્મણો પણ ખેડવાયા કોમ. એમનો પહેરવેશે ય પટલિયાઓ જેવો જાડો. આવા એક પલેવાળ પરિવારનું આર્થિક રીતે ઘસાઈ ગયેલું ખોરડું. ખોરડામાં રહેતાં સૌ માનવીઓ ખેતરમાં કામેગયેલા. જેના અંગ માથે આવીને અવસ્થાએ મુકામ માંડી દીધો એવાં એંશીક વરહના ઘરડાં ડોશીમા ઘરમાં સટરપટર કામકાજ કરતા હતા. એવામાં એક ઘોડેસ્વાર ફરતો ફરતો માજીના ફળિયે આવી ચડ્યો. તરસ્યો બહુ થયેલો એટલે આવતાવેંત જ બોલ્યો ઃ

‘માડી, પાણી પાશો ? બઉ તરસ લાગી છે.’

‘આવ્ય ને મારા દીકરા, પાણી શું લેવા નો પાઉં ? લોકો વટેમારગુઓ માટે સીમશેઢે પાણીની પરબું બંધાવે છે. તને બાપા ઘરઆંગણેથી તરસ્યો કાઢીશ ?’

‘હાશ’ બોલતો ઘોડેસ્વાર ઘોડા પરથી હેઠો ઊતર્યો. માજી પાણિયારેથી ટાઢા પાણીનો કળશ્યો ભરીને લાવ્યાં.

‘ખોબો ધર્ય પાણી રેડું.’

આગંતુક મુસાફરે બે હાથ ભેગા કરી મોઢે માંડ્યા. બ્રાહ્મણ ડોશીમાએ ઉંચેથી પાણી રેડ્યું. મુસાફરે એની ઉંમરમાં કદી ખોબો માંડીને પાણી પીધેલું નહીં. અર્ઘું પીઘું ને અર્ઘું ધરતી માથે ઢોળાણું. આમ ઘોડેસ્વાર પાણીનો શેરિયો કળશ્યો ઠસલાવી ગયો.

ડોશીમાએ ઓશરીમાં ઢોરણી ઢાળી દીધી. ‘દીકરા, ઘડીસાત પોરો ખા. હું સા-(ચા) કાઢું છું.’

જુવાન ઢોરણીમાં બેઠો. ડોશીમા રહોડામાં ગયાં. થોડીવાર થઈ ત્યાં પાટિયામાં છમકારેલા શાકની મીઠી સોડમ આવી. ખંતીલા ડોશીમાએ વાડીએથી લાવેલી તાજી ભીંડીની ભાજી ઝીણી સુધારીને લસણિયા મસાલાથી વઘારેલી. વઘારની સુગંધે જુવાનના મોઢામાં પાણી છૂટ્યું. બપોરા ઢળી ગયેલા. આગંતુકના પેટમાં ગલૂડિયાં બોલતાં હતા.

ચા-પાણી કર્યા પછી મુસાફર કહે ઃ ‘માડી, ભૂખ બઉ લાગી છે. ઓલી કહેવતમાં નથી કીઘું કે ‘ભે અને ભૂખ બઉ ભૂંડા છે.’

‘બેહી જા બાપા, ઓશરીની ધાર માથે. સાકળો નાખી દઉં છું.’

‘માડી, રહોડામાં જે પડ્યું હોય ઇ હાલશે. બીજી કોઈ કડાકૂટ કરશો નંઈ.’

ડોશીમાએ કાંસાની તાંસળીમાં ભીંડીની ભાજીનું શાક, પાટલા પર બાજરાનો બાડો, ગોળનું દડબું ને ડુંગળીનો દડો મૂક્યા. પડખે પાણીનો કળશ્યો, ઢીંયણિયું ને ખજૂરીનો પંખો મૂક્યા.

મુસાફર ભૂખ્યો ડાંહ થયેલો. પીરસેલું બઘું ઝાપટી જઈને શું કહે છે ? ‘માડી, તમારો બાજરાનો રોટલો ને ભાજી બઉ મીઠા લાગ્યા. આવું મઘુર ભોજન અમને કોઈ દિ’ મળતું નથી. બટકું ક રોટલો ને થોડીક ભાજી નો આપો ?’

‘રોયા, આ ડોશી હાટું વાંહે થોડુંક તો રે’વા દે.’ મીઠો રોષ કરતાં માડીએ ફરી રોટલો ને ભાજી પીરસ્યાં.

‘માડી ભાર્યે મજા આવી હો.’ જમીને અમૃતનો ઓડકાર ખાતાં મુસાફર બોલ્યો.

‘બાપા, રે’વું કિયે ગામ ?’

‘માડી, ભાવનગરમાં રહું છું.’

‘ઇમ કે’ને અમારા દરબારના ગામનો છું.’

‘માડી તમે ભાવનગરના દરબારને કોઈ દિ’ જોયા છે ?’

‘જોયા મનને નો હોય પણ ઇમની દિલાવરી, દાતારી ને રખાવટની વાતું લોકના મોઢે હાંભળી તો હોય ને !’
એટલામાં મરક મરક હસતો જુવાન શું કહે છે ?

‘માડી, તમને ભાવનગરના દરબાર મળે તો શું કરો ?’

‘એના દુઃખણાં-મીઠડાં લઈને હો વરહ જીવવાના આશિષ આપું.’

‘તો માડી, ઝટ મીઠડા લ્યો. હું જ ભાવેણાનો ભૂપ છું.’

‘હેં નો હોય ?’

આટલું બોલતાં તો માડીની રાડ્ય ફાટી ગઈ. એમને વગર ડાકલે પંડમાં માતા આવી. વગર શિયાળે દાંત ડાકલિયું વગાડવા મંડાણા. માડી થોડાક સ્વસ્થ થયાં એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પગે પડ્યા. સાડલાનો છેડો લાંબો કરી પાયલાગણ કર્યા પછી રડમસ અવાજે એટલું જ બોલ્યા ઃ

‘અરે મારા વીરા ! અઢારહે પાદરના ધણી ! તું આજ મારા આંગણે આવ્યો ને હું અભાગણી તને ઓળખી ન હકી. મારા કરમ ફૂટી ગ્યાં તે મેં તને બાજરાનો જાડો બાડો ને ભીંડાની ભાજી ભાણામાં આપી. મને પે’લા કીઘું હોત તો લાપશીનાં આંધણ નો મૂકી દેત ? અમે ગરીબ છીએ પણ અમારા દલડાં થોડાં જ ગરીબ છે ?’
ત્યારે ભાવેણાના ભૂપના મોઢામાંથી અટલા જ શબ્દો નીકળ્યા ઃ

‘માડી, લાપશી કે બત્રીસ પકવાન કરતાં યે પ્રેમનો રોટલો ભીંડીની ભાજી ને તમારો તુંકારો મને ભાર્યે મીઠા લાગ્યાં.’

એ પછી થોડા જ દિવસમાં માજીને રાજનાં તેડાં આવ્યાં. અભણ ડોશીમા બાપડા મુંઝાઈ પડ્યાં. દીકરાઓને લઈને કચેરીમાં ગયાં. કૃષ્ણકુમારસિંહજીએ એમનેથોડા દિવસ મહેમાનગતિ કરાવી ને પછી તાંબાના પતરે એક સાંતીની લાલ લીટીની ભોં-જમીન લખી આપી. આજેય પલેવાળ ડોશીમાના દીકરા એ જમીન ખેડે છે. આવી હતી એ કાળના રાજવીઓની દિલાવરી.

રાજવી કૃષ્ણકુમારસિંહજીને ધાર્મિક અને આઘ્યાત્મિક પ્રવૃત્તિમાં પણ એટલી ઊંડી અભિરૂચિ હતી. એમનું હૃદય ભક્તિભાવથી ભરેલું હતું. તેઓ અવારનવાર ઉત્તર ભારતમાંથી રામાયણના પ્રખર અભ્યાસી અને કથાકાર બિંદુજી મહારાજને બોલાવી ભાવનગરની પ્રજાને રામપારાયણનો લાભ આપતા, એટલું જ નહીં પણ પોતે સપરિવાર તેમાં ઉપસ્થિત રહેતા. બિંદુજી મહારાજને જે બંગલામાં ઉતારો અપાતો તે આજે પણ કાળવી બીડમાં ‘બિંદુનિવાસ’ તરીકે ઓળખાય છે. સમયાન્તરે લાઠીના ભગવાનજી મહારાજની ‘રામકથા’ યોજાતી. ભક્ત કવિ દુલાભાયા કાગને નિલમબાગ પેલેસમાં બોલાવી મહારાજા તેમની પાસેથી રામાયણના પ્રસંગો અને ભજનો સાંભળતા. પાપા રામદાસજી, શ્રીમા આનંદમયી માતાજી, રજનીશજી વગેરેને અવારનવાર નિમંત્રણ આપીને બોલાવતા અને સત્સંગનો લાભ લેતા.

યોગીજી મહારાજ ભાવનગર આવતા ત્યારે બાપુ નિલમબાગ પેલેસમાં સંતની પધરામણી કરાવતા. એવામાં એકવાર રાજ્યમાં દુષ્કાળ પડ્યો. પ્રજાને જ્યાંથી પાણી મળતું હતું એ બોરતળાવ (ગવરીશંકર સરોવર) સાવ સૂકાઈ ગયું. પાણીનો પ્રશ્ન વિકટ બન્યો. મહારાજાએ યોગીજી મહારાજને વિનતી કરી કે ભાવનગરની પ્રજાને પાણીનું દુઃખ છે. શ્રીજી મહારાજને પ્રાર્થના કરો કે આ સંકટ ટળી જાય.

યોગીજી મહારાજ સંતો સાથે બોરતળાવે ગયા. ત્યાં વીરડો ગાળ્યો. વીરડાના વારિથી પૂજામાં રાખેલા ઠાકોરજીને સ્નાન કરાવ્યું. એ જળ ચારેય દિશાઓમાં ઉડાડ્યું ને પછી કહ્યું શ્રીજી મહારાજ સરોવર છલકાવી દેશે. એ ચોમાસામાં વરસાદ સારો થયો. બોરતળાવ અર્ઘું ભરાયું. ચોમાસું પુરું થયું એટલે મહારાજાએ યોગીજીબાપાને વિનંતી કરતો સંદેશો કહેવરાવ્યો ઃ ‘ચોમાસુ વહી ગયું. તળાવ પુરું ભરાયું નહીં.’ પછી નવરાત્રીમાં ધોધમાર વરસાદ વરસ્યો. બોરતળાવ બેય કાંઠેથી છલકાઈ ઉઠ્યું. વરસાદે વિનાશ વેરવા માંડ્યો ત્યારે માહારાજએ ટચલી આંગળી પર લોહી કાઢીને જળદેવતાને અર્ઘ્ય આપ્યો, ને વરસાદ બંધ થયો એ પ્રસંગ ભાવનગરવાસી જિતુભાઈ પારેખ આજે ય રસપૂર્વક વર્ણવે છે.

મહારાજાની ઉદારતાની આવી અનેક વાતો લોકકંઠે આજેય સાંભળવા મળે છે. ભાવનગરમાં પાણીની સુવિધા વધારવા માટે એમ.વિશ્વસરૈયા જેવા મોટા ગજાના ઇજનેરને બોલાવ્યા. અને સરોવરનું નિર્ણાણ કર્યું. એ સરોવરને સાથે પોતાનું નામ જોડવાને બદલે રાજ્યના દિવાનનું નામ જોડી ‘ગવરીશંકર સરોવર’ નામ આપ્યું અને ગવરીશંકરની પ્રતિમા તળાવને કાંઠે મૂકી જે આ લખનારે નિહાળી છે. પ્રતિમાની નીચે ગવરીશંકર સરોવરની વિગતો આલેખતો શીલાલેખ પણ મૂક્યો છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કેરીનો ખૂબ જ શોખ. રાજમહેલમાં આંબાવાડિયું ઊભું કરેલું. એવામાં રાજના એક આરબ જમાદારે મહારાજાને જુદી જાતની કેરી આપી. એમાંથી જે આંબા ઉગાડ્યા તે આજે ‘જમાદાર’ કેરીના નામે જાણીતા છે. એની સાથે જમાદારનું નામ જોડાયું.

સને ૧૯૪૮થી ‘૫૨માં શ્રી કૃષ્ણકુમારસિંહજીની નિયુક્તિ મદ્રાસના ગવર્નર તરીકે ભારત સરકારે કરેલી. એ વખતે પોંડીચેરી શ્રી અરવિંદને મળવાની એમને તિવ્ર ઇચ્છા થઈ. શ્રી અરવિંદ તો વરસમાં ચાર વાર જ બહાર આવીને દર્શન આપતા. મુલાકાત શક્ય ન હતી. મહારાજાએ પત્ર પાઠવ્યો. સૌના આશ્ચર્ય વચ્ચે થોડી મિનીટો માટે મુલાકાત નક્કી થઈ. મહારાજા સાથે વાત કરતાં શ્રી અરવિંદને એટલો તો રસ પડ્યો દોઢેક કલાક વાર્તાલાપ ચાલ્યો. મુલાકાતના અંતે મહાયોગીએ જણાવ્યું કે ‘મહારાજા, આપ ગમે તે દિવસે અને ગમે તે સમયે મળવા આવી શકો છો. આપનું આગમન આવકારદાયક રહેશે.’ શ્રી અરવિંદે આવું માન અન્ય કોઈને નહોતું આપ્યું. એમ કહેતા શ્રી કિશનસિંહ ચાવડાએ ઉમેર્યું કે ‘ભાવનગરના મહારાજા આવા મોટા માણસ હતા એમ હું નહીં કહું પણ આવા મોટા ગજાના માનવી ભાવનગરના મહારાજા તરીકે હતા એમ કહીશ.’

મહારાજા સાહિત્ય, કલા ને સંસ્કૃતિમાં પણ એટલો જ રસ ધરાવતા. વિખ્યાત નૃત્યકાર શ્રી ઉદયશંકર, હોનોલુલુના સીસ્કેપ પેઈન્ટર, લબ્ધપ્રતિષ્ઠ ચિત્રકાર રવિવર્મા એ સૌને પોતાને ત્યાં ખાસ આમંત્રણ આપીને બોલાવતા. રવિન્દ્રનાથ ટાગોરે પણ ભાવનગરની મુલાકાત લીધી હતી. પરિણામે ભાવનગર સાહિત્ય અને કલાનગરી બની રહ્યું હતું. સને ૧૯૬૫ના વર્ષની વાત છે. જાણીતા સંગીતકાર અવિનાશભાઈ વ્યાસ જેસલ-તોરલ નૃત્ય નાટિકા લઈને ભાવનગરમાં આવેલા. મહારાજા પણ એ જોવા પધારેલા. શ્રીકૃષ્ણકુમારસિંહજી એ અવિનાશભાઈને એ નૃત્યનાટિકા નિલમબાગ પેલેસમાં પ્રસ્તુત કરવા નિમંત્રણ આપ્યું. રાજમહેલમાં જેસલ-તોરલ નૃત્યનાટિકા ભજવાઈ. બાપુએ મોડી રાત સુધી બેસીને એને રસપૂર્વક માણી. શ્રી અવિનાશભાઈએ બાપુને બે શબ્દો બોલવા માટે વિનંતી કરી. બાપુ બહુ જ કુશાગ્ર બુદ્ધિશાળી હતા. એમણે ટુંકો અને મીઠો જવાબ આપતા કહ્યું ઃ

‘અવિનાશભાઈ ! એટ મીડ-નાઈટ ધેર કેન નોટ બી ટુ વડ્‌ર્ઝ એક્સેપ્ટ ગુડ-નાઈટ.’ એ પછી શ્રી કૃષ્ણકુમારસિંહજી બેડરૂમમાં આરામ કરવા ગયા. એ જ રાત્રે ૨ એપ્રિલ ૧૯૬૫ના રોજ હૃદયરોગના ભારે હુમલાથી તેમું અવસાન થયું. આજે ય ભાવેણાની પ્રજા એમને ભૂલી નથી. જન્મદિવસના અવસરે એમને શતશત વંદન.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!