ભાવનગરનું ગૌરીશંકર સરોવર

સને ૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેર વસાવ્યું. જૂના કાળે ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું અને મહત્ત્વનું રાજ્ય ગણાતું. મારવાડનો મુલક છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા સેજકજીના મોટા પુત્ર રાણજીના વંશજોએ ક્રમેક્રમે ભાવનગર રાજ્યને વિકસાવ્યું. સેજકજીથી કૃષ્ણકુમારસિંહજી સુધી ૭૦૦ વર્ષમાં ભાવનગર રાજ્યમાં ૨૬ રાજવીઓ થઇ ગયા. ૪૫૭૩ ચો.કિ.મી.માં પથરાયેલું આ રાજ્ય ૬૬૩ ગામડાંમાં પથરાયેલું હતું. લોકમાન્યતા મુજબ ૯૦૦ ગામડાં હતાં, અને એના રાજવી ૧૮૦૦ પાદરના ધણી કહેવાતા.

આમાંના એક કલારસિક રાજવી તખ્તસિંહજી (સને ૧૮૫૮ થી ૧૮૯૬) પોતાના મિત્ર ખંભાતના નવાબની શાહજાદીની શાદી પ્રસંગે કાષ્ઠ અને પથ્થરની કલાના કસબી એવા હરિલાલ મિસ્ત્રીને પહેરામણીમાં માગી લીધા. હરિલાલ ૧૦૦ કારીગરો સાથે ખંભાતથી વહાણમાં બેસીને ભાવનગર બંદરે ઊતર્યાત્યારે હાથીની અંબાડીમાથે બેસાડીને તેમનું સામૈયું કરાયેલું. આ હરિલાલે પોતાના કલાકસબથી ભાવનગરને શણગાર્યું, એમ ડૉ. ગંભીરસિંહજી ગોહિલ લખે છે. વિશાળ પ્રભાવશાળી બાંધકામો દ્વારા દેશભરમાં નામાંકિત અને ભવ્ય મહાલયોથી શોભતું શહેર બનાવનાર રાજવી તખ્તસિંહજીના સમયમાં બનેલા ભાવનગરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ)ની વાત માંડવી છે.

સૌરાષ્ટ્રની સંસ્કૃતિના વિકાસમાં પ્રાચીન કાળથી વાવ, વાવડી, કૂવા અને સરોવર પ્રકારના જળાશયોનું મહત્ત્વ વિશેષ પ્રકારે રહ્યું છે. આજથી સો દોઢસો વર્ષ પૂર્વે માણસોને પીવાના અને ઘરવપરાશના પાણીની જરૃરિયાત પૂરી કરવા માટેનો મુખ્ય સ્ત્રોત નદી અને તળાવો હતાં.  સંસ્કૃત શબ્દ તડાગ ઉપરથી તલાઉ અને તેના પરથી તળાવ શબ્દ ઉતરી આવ્યો છે. આ તળાવોના બે પ્રકારો છે. ૧. પ્રાકૃતિક તળાવ અને માનવસર્જિત તળાવ. જળાશયનો સંબંધ જૂનાકાળથી ધર્મ સાથે જોડાયેલો જોવા મળે છે. પ્રાસાદ મંડન નામના વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથના એક શ્લોકમાં  જણાવ્યું છે કે ‘પ્રાણીમાત્ર અને વૃક્ષોનું જીવન જ જળ છે. તેથી જે માનવી જળાશય બંધાવે છે તે મનુષ્ય સંસારમાં ધનધાન્ય અને સમૃધ્ધિથી પૂર્ણ સાંસારિક તથા સ્વર્ગના સુખોને પ્રાપ્ત કરે છે.

‘રાજવલ્લભ’ નામના ગ્રંથમાં તળાવના પાંચ પ્રકારો આ પ્રમાણે દર્શાવ્યા છે. ૧. જે તળાવ અર્ધચંદ્રાકાર હોય તે અર્ધચન્દ્ર, ચારે તરફ બાંધેલું હોય તે મહાસાગર. ગોળ હોય તે વૃત્ત, ચાર ખૂણાવાળું હોય તે ચતુષ્કોણ, એક ભદ્ર હોય તે ભદ્ર અને જળાશયની ચોતરફ ભદ્ર હોય તેને સુભદ્ર તળાવ કહેવાય છે. ‘અપરાજિતા પૃચ્છા’માં જળાશયના સરોવર, માનસરોવર, ભદ્રક, સુભદ્ર પરિવ અને યુગ્મ એમ છ પ્રકારો એના નિશ્ચિત તલમાન બનાવ્યા છે. વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં માનવ સર્જિત કૃત્રિમ જળાશયો કેવા પ્રકારે બનાવવા તેના ચોક્કસ તલમાન આપેલા છે. આ વિધાન મુજબના સરોવરો ગુજરાત સૌરાષ્ટ્રમાં મળી આવે છે.
ભાવનગરનો કોળિયારનો મેળો મ્હાલવા જવાનું થયું. એ અરસામાં આ સોહામણું સરોવર જોવાનું અને એનો ઇતિહાસ જાણવાનું મળ્યું.

જેની મેં અહીં વાત માંડી છે એ ‘બોરતળાવ‘તો ભાવનગરવાસીઓએ આપેલું નામ છે. જૂના કાળે બાજુના જંગલમાં અને આસપાસ બોરડીઓના ઝાડ ખૂબ હશે એના પરથી આવું નામ ભલે પડી ગયું હોય પણ એનું અસલ નામ તો. ‘ગવરીશંકર સરોવર છે’ ગવરીશંકર ભાવનગર રાજ્યના વિશ્વાસુ કારભારી અને સંયુક્ત વહીવટદાર હતા. ઉદારદિલના રાજવી તખ્તસિંહજીને એમના વહીવટ માથે ઊંચો આદર હોવાને કારણે રાજ્યના ખર્ચે બનેલા આ સરોવરનું નામ ગવરીશંકર ઓઝા સાથે જોડયું. આવા કદરદાન રાજવીઓ એ કાળે હતા. આ તળાવનો ઇતિહાસ કંઇક આવો છે. ભાવનગરના રાજવી જશવંતસિંહજીનું અવસાન થયું. કુમાર તખ્તસિંહજી સગીર હતા. તેઓ ઊંમરલાયક ન થાય ત્યાં સુધી ભાવનગર રાજ્યનો કારભાર આઝમ ગવરીશંકર ઓઝાને સોંપાયો.

સને ૧૭૨૩માં ભાવનગર રાજ્યની સ્થાપના થઈ. એ પછી દોઢસો વરસનાં વહાણાં વાઈ ગયાં છતાં રાજ્યમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા વર્તમાન સમય જેવી જ વિકટ બની રહેતી. બીજી તરફ ભાવનગરના અવિરત વિકાસને કારણે તેની વસ્તીમાં એકધારો વધારો થઈ રહ્યો હતો. નગરના ઘણા બધા લોકોને દૂરથી પાણી મેળવવા માટે રાત બધી પરિશ્રમ કરવો પડતો.

પ્રજાની પાણીની વિકટ સમસ્યાનો ઉકેલ લાવવા વયસ્થ બનેલા રાજવી તખ્તસિંહજીએ રાજ્યના ઇજનેર મિ. ઈસ્ટ અને તેમના મદદનીશ વેસ્ટને સને ૧૮૭૧માં ભાવનગરથી ત્રણેક કિ.મી. દૂર આવેલા પ્રાચીન થાપનાથ મહાદેવ પાસેની બે ટેકરીઓ વચ્ચે આવેલી ગઢેચી નદી ઉપર બંધ બાંધવાનું કામ સોંપ્યું. આ કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક ઇજનેરોએ એક વર્ષના ટૂંકા સમયગાળામાં એટલે કે ૧૮૭૨માં ૬ લાખ રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટેનું માનવસર્જિત સરોવર તૈયાર કર્યું. રાજવી તખ્તસિંહજીએ તળાવનું નામ ‘ગવરીશંકર સરોવર’ રાખી વિશ્વાસુ કારભારી ગવરીશંકર ઓઝાને અર્પણ કર્યું.

ગવરીશંકર સરોવરના કાંઠે વધારાના પાણીના નિકાલ માટે છલતીના દરવાજા છે. એની બાજુમાં ગવરીશંકર ઓઝાનું આરસનું માથે નાગરી પાઘઢી મૂકેલું બાવલું મૂકેલું છે. માથે પથ્થરની છતરડી છે. નીચે અંગ્રેજી અને ગુજરાતીમાં ‘ગવરીશંકર સરોવર’ એવું લખેલો શીલાલેખ છે. તેમાં ઈ.સ. ૧૮૭૨ એડવર્ડ હોય પરસીવલ મુંબઈ સિવિલ સર્વિસ અને આઝમ ગવરીશંકર ઉદેશંકર ઓઝાના સંસ્થાનના જોઈન્ટ કારોબારના વખતમાં આ સરોવર બંધાણું હતું અને આઝમ ગવરીશંકરની યાદગીરીમાં તેઓનું નામ આપેલ એની જમણી બાજુ ભાવનગર રાજ્યનું રાજચિહ્ન કંડારેલી તકતીમાં સરોવરના ઉદ્ધાટનની વિગતો નીચે મુજબ આપેલી છે.

‘મલ્લિકા આઝમા, મહારાણી વિક્ટોરિયા ‘કેસરે હિંદ” રાજ્યની ૫૦મી સાલગીરાની યાદગીરી સારું આપેલા નામ વારનું આ કામ ૧૨મી એપ્રિલ સને ૧૮૮૯ના રોજ નેકનામદાર રાઓલ શ્રી તખ્તસિંહજી સી.જી.સી. એસ.આઈ. ભાવનગરના મહારાજાએ ખુલ્લું મુક્યું. જ્યારે જમણી તરફની તકતીમાં ‘ગવરીશંકર સરોવર’નું એક્સટેન્સન અને ૧૯૪૧માં થયેલ છે. નામદાર હજુરશ્રીના ટી-૨ નં. ૩૭ તા. ૧૮-૧-૧૯૪૮ના ઠરાવ મુજબ પી.ડબલ્યુ.ડી. ખાતેથી મ્યુનિસિપાલિટીને સોંપાયું છે, અને તારીખ ૧-૩-૧૯૪૮થી તેનો અમલ થવા માટે એડ.કો. સૌરાષ્ટ્ર સરકારના ઠરાવ નં. ૭૮ તા. ૫-૩-૧૯૪૮થી મંજૂર થયેલ છે. અને બાલવાટિકા સને ૧૯૫૬માં ભાવનગર મ્યુનિસિપાલિટીએ કરી એવું લખાણ જોવા મળે છે.

ભાવનગરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ અર્થે ગવરીશંકર સરોવરની રચના થયા પછી અમદાવાદ, સૂરત અને રાજકોટમાં આવા પ્રકારના જળાશયો બંધાયાં હતાં. આમ પીવાના પાણીનું જળાશય બંધાવવામાં ભાવનગર રાજ્ય માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ ગુજરાતમાં પ્રથમ હતું એમ કહેવાય છે આ ગવરીશંકર સરોવર સાથે અનેક રસપ્રદ વાતો પણ જોડાયેલી છે.

ગવરીશંકર સરોવર તૈયાર થયા પછી રાજવી તખ્તસિંહજીના નિમંત્રણથી વડોદરાના બાહોશ દિવાન સર ટી. માધવરાવ અમરેલી થઈને ભાવનગર આ સરોવર જોવા માટે ખાસ આવ્યા હતા. પાણીથી છલકાતું વિશાળ સરોવર બંધાવવા માટે થયેલા ખર્ચ કરતા બમણી રકમ વડોદરા રાજ્ય ભાવનગરને આપે પણ આ તળાવ અમને વડોદરા મોકલી આપો. ત્યારે બાહોશ ગવરીશંકર ઓઝાએ રમૂજમાં જવાબ આપતા જણાવ્યું કે ‘નામદાર ગાયકવાડ સરકાર અમારા સન્માનનીય વડીલ છે. એમની પાસેથી તળાવનું ખર્ચ મંગાય નહીં. ભાવનગર રાજ્ય વડોદરાને આ સરોવર રાજીખુશીથી ભેટમાં આપે છે. એને પૈડાં ચડાવી વડોદરા સુધી લઈ જવાની જવાબદારી આપની.’ આ સાંભળી માધવરાય ગવરીશંકરના બુદ્ધિચાતુર્ય પર વારી ગયા હતા અને એમને શાબાશી આપી હતી.

આમ સર તખ્તસિંહજીના રાજ્યકાળ સને ૧૮૭૦ થી ૧૮૯૬ દરમ્યાન બંધાયેલા ગવરીશંકર સરોવરથી ભાવનગર શહેરનો પાણીનો પ્રશ્ન સરળતાથી ઉકલી ગયો. આ તળાવમાંથી નહેર દ્વારા પણી ‘ગંગાજળિયા તળાવમાં લાવવામાં આવ્યું હતું અને ત્યાંથી નળ વાટે શહેર તથા બંદર સુધી લઈ જવામાં આવ્યું. આમ નગરજનો અને ભાવનગર બંદરે આવતા વહાણો અને ખલાસીઓની પાણીની જરૂરત સંતોષાઈ, ગામના ગંગાજળિયા તળાવ સંપૂર્ણપણે ભરાયેલું રહેતા. આજુબાજુના કૂવાના તળ પણ ખોટા પડી ગયાં હતાં. તે સાચાં થયાં. પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો. ભાવનગરને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું એક સુંદર સરોવર મળ્યું. આપણા લબ્ધપ્રતિષ્ઠિ કવિ કાન્તે એમનાં ચક્રવાહ મિથુન’ કાવ્યમાં આ સરોવરના સૌંદર્યને આ રીતે વર્ણવ્યું છે :

‘ઝાંખા ભૂરા નભ ઉપરના એકથી એક શૃંગ,
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ.”

આજથી સોળેક વર્ષ પૂર્વે ઉપરાછાપરી દુકાળિયા વરસો આવતાં આજના જેવી પાણીની કપરી તંગી ઊભી થતાં જળસંચય માટેની થોડીઘણી જાગૃતિ આવી. એ વરસોમાં બોરતળાવનું પાણી ઉનાળાની ગરમીમાં સાવ સૂકાઈ ગયું. જળસંચય સમિતિએ વર્ષોવર્ષ માટી અને કાંપથી પુરાતા આવેલા તળાવોમાંથી કાંપ દૂર કરવાનું અભિયાન આદર્યું. સહકારી બેંકની સહાયથી ખેડૂતોએ ટ્રેકટરો દ્વારા ૮૦ હજાર ટન માટી-કાંપ લઈ જઈને પોતાના ખેતરોમાં ઠાલવ્યો. ખેતરોમાં ખાતર જેટલો ગુણ થયો. ગવરીશંકર સરોવર ઊંડું થયું પરિણામે આજલગી એમાં પાણી ખૂટયું નથી.

આમ તળાવો ગળાવવા, જૂના જળાશયો, વાવ, કૂવા બંધાવવા એને ભારતીય શાસ્ત્રોએ ધર્મકાર્ય ગણ્યું છે. આજે તો શહેરો અને ક્યાંક ક્યાંક વિકસિત ગામડાંઓમાં ઘેર બેઠા નળનું પાણી મળતાં તળાવો સાથેનો સમાજનો સંબંધ જાણે કે સાવ જ કપાઈ ગયો છે. સરકારી તંત્ર, પ્રજા, શ્રેષ્ઠિઓ સાથે મળીને જૂના બચી ગયેલાં તળાવોને જીવંત કરે, નદીઓ ઉપર શ્રી મનસુખ સુવાગિયાએ આરંભેલા ચેકડેમ અભિયાન મુજબ કામ કરતાં થઈએ તો જમીનનાં તળ ઊંચા આવે અને આજના જેવી પાણીના દુકાળની પરિસ્થિતિ ઊભી થાય તો કૂવો ખોદવાની નોબત ન આવે. વૈજ્ઞાનિકોની આગાહી મુજબ આવતાં વરસો પાણી માટે અત્યંત કપરા બનવાના છે. પ્રાપ્ય પાણીનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું પડશે. વરસાદનું ટીપેટીપું પાણી જમીનમાં ટાંકા કરીને સંગ્રહ કરતાં શીખવું પડશે.

ખેતીવાડીમાં ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ અપનાવવા સરકારે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પડશે. એક ઇઝરાયેલ એવો દેશ છે કે ત્યાં પડતા વરસાદના પાણીને એક સરોવરમાં સંઘરીને સમગ્ર દેશને પાણી પૂરું પાડે છે. ભારતના પ્રતિનિધિઓ આ પદ્ધતિનો અભ્યાસ કરવા ઇઝરાયેલ જાય છે. વાહ વાહ કરીને પાછા આવે છે, અહીં કોઈ નક્કર આયોજન વિચારાતું નથી પરિણામે દુકાળ પડે ત્યારે આપણે ઘાંચીની ધાણીના બળદની જેમ ઠેરના ઠેર હોઈએ છીએ. જળ દેવતા છે. જળ જીવન છે એને બચાવવાનો આપણે સૌ સંકલ્પ કરીએ તો આવનારા કપરા સંજોગોમાં બચી શકાશે. નહીંતર વિનાશ નક્કી જ છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!