કાળુજી મેર – સૌરાષ્ટ્રની રસધાર

કીધી તેં જે કાળવા, લાખા વાળી લી,
સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી.

મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી નથી. જોરાવર તેાયે કોમળ જણાતી કાયા ઉઘાડી તોયે ધરતી પર ઢળી રહેતી કાળીભમ્મર બે આંખો અને ભર્યું ભર્યું તોયે જરી કરુણાની છાંટવાળું મુખ : અને એવી કાયાને ઢાંકવાના ઢોંગ કરતો, પહાડપુત્રીઓના નીરોગી મસ્ત લાવણ્યને બહેલાવતો છૂટો પહેરવેશ; અર્ધે માથે ટીંગાઈને પાની સુધી ચારે છેડે છૂટું ઝૂલતું ઓઢણું : ઢીલું કાપડું : અને સહુથી જુદી ભાત પાડતું સફેદ પેરણું : ઘડીક જાણે મેર-કન્યા સાધ્વી લાગે, ઘડીક લાગે જોગમાયા, તો ઘડીકમાં વળી જોબનિયું હેલે ચડ્યું હોય એવી નવયૌવના લાગે, ઘરની ઓસરીની ભીંત ઉપર મેરાણી આછા, ઘેરા, ગૂઢા, એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે, માટી લઈને ઓરડામાં નકશીદાર કમાનો કંડારે, જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે, અને ઘરની ઘેાડી, ગાય કે ભેંસ ઓરડાની અંદર જ આખી રાત બાંધી રાખે. અળગી કરે નહિ.

મેરાણી જ્યારે હસે છે ત્યારે એની આંખના તારલામાં બેઠો બેઠો જાણે એનો આત્મા ડોકિયાં કરે છે. હાવભાવ એને આવડતા નથી. ગાલે આપોઆપ શરમના શેરડા પડે, એવી વિશેષ શરમની ચેષ્ટાઓ એને કોઈએ શીખવેલ નથી. વાહ રે મેરાણી તારાં રૂપ ! કોઈ ઊંડી ઊંડી નદીની કારમી ભેખડ ઉપર રસ્તો ભૂલી, ઘોડી થંભાવીને ઊભા રહી તારી મદદની વાટ જોવાનું કોને ન ગમે ? આત્માના રંગ જેવું નિર્મળું હાસ્ય હસીને તું રસ્તો બતાવવા આવે એ જીવનલહાણ કેવી દોહ્યલી છે ! તેં સુભટો જન્માવ્યા : પ્રેમિકો પ્રગટાવ્યા : કોઈ કોઈ વખત કામીઓને શાપથી બાળ્યા : અને કામદેવની આગમાં તું યે કયાં નથી ખાખ થઈ?

આવું એક રૂપ જૂનાગઢના નવાબના આંગણામાં રમતું હતું. કાળુજી નામનો એક મેર જૂનાગઢની ચાકરીમાં હતો. તેને ઘેર એક બહેન હતી. નવાબની નજર એ સુંદરીના શરીર ઉપર પડી. નવાબ બેભાન બન્યો. એણે કાળુજીને તેડાવ્યો. દલીલ કરી : “ દેખો ભાઈ ! રાણીજાયા બી સોઈ, ઓર બીબીજાયા બી સેાઈ, સમજ ગયા ? માગ લે, ચાય ઈતની સોનામહોર માગ લો, કાળુજી મેર ! રાણીજાયા બી સેાઈ, બીબીજાયા બી સેાઈ!”

“હું વિચારી જોઈશ.” એમ કહીને કાળુજી ઊઠયો. થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે.
કામાંધ નવાબ કરડો થયો. “હેં : એમ કેમ જાવા દેશું ? જેરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો. જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો.”

કાળુજીએ ઉચાળા પડતા મૂકયા. બાળબચ્ચાંને રામરામ કર્યા. અંધારી રાતે એણે બહેનને પડકારી : “બહેન ! આવી જા ઘોડી માથે, મારી બેલાડ્યે. કાં તો ભાઈ-બહેન નીકળીએ છીએ ન કાં બેઉ જણાં ભેળાં જ પ્રાણ કાઢીએ છીએ.”

એક જાતવંત ઘોડી ઉપર ભાઈ-બહેન અસવાર થયાં. બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધો.
હાથમાં લીધી તલવાર, બહેનના હાથમાં ઝલાવ્યો ભાલો.  કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી ભાઈબહેન કંઈક મિયાંમુગલોને કાપતાં બરોબર કાળવે દરવાજે આવી ઊભાં રહ્યાં. ત્યાંથી એણે ગઢ ઉપર ઘેાડીને ઠેકાવી. ટપીને ઘેાડી વીજળીના સબકારા સમી ગઢની બહાર ગઈ. ઘનધોર વનરાઈમાં ઘેાડી અદશ્ય થઈ. બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી.

પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો, એવી ઊણપ એના મનમાં રહી ગઈ. ફકીરને વેશે પાછો જૂનાગઢ આવ્યો. નવાબના દરવાજામાં સાંઈમૌલાને કોઈ રોકે નહિ. કાળુજીને ખબર હતી કે કઈ મેડી ઉપર શાહજાદો અને વજીરજાદો એકલા રમે છે. ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો; અને પછી અંદરથી ત્રાડ નાખી : “ જૂનાગઢના નવાબ ! મારી બહેનનું માગું નાખવાનાં મૂલ પણ કેવાં મોંઘાં છે તે જોઈ લે. હમણાં તારા શાહજાદાની મૈયત કઢાવું છું.”

મેડીને દાદરે માણસોની ઠઠ્ઠ જામી. નવાબ બહાર ઊભેા ઊભો કરગરવા લાગ્યો : “ કાળુજી ! તું માગે તેટલાં જવાહિર આપું.”

નેજે જે નવાબ, ઊભો અરદાશું કરે,
જોરાવર જવાબ, કઢ્ઢે મેર કાળવો.

નવાબ ઊભો ઊભો આજીજી કરે છે, અને કાળુજી જોરાવર જવાબ કાઢે છે.

કાળુજીએ જવાબ વાળ્યો : “જવાહિર જોતાં હોત તો મારી બહેનને જ તારા જનાનામાં વેચાતી ન આપી દેત ? પણ અમે જેઠવા વંશનું પડખું સેવ્યું છે. મેરને જવાહિર કરતાં આબરૂ વધુ વહાલી છે. હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે. હેમખેમ જવા દે એટલું માગું છું.”

નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવવો. પણ નવાબના પેટમાં પાપ હતું. કાળુને માટે એણે ઘોડી મંગાવી. કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગફણીઓ જડેલી દેખી, ઘેાડી બદલાવી. બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા. પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો, કારણ કે વાંસે જૂનાગઢની વાર ચડી ચૂકી હતી.

નાસતો નાસતો કાળુજી ગોંડળનો આશરો લેવા આવ્યો. ગોંડળમાં તે વખતે ભા’ કુંભાજીને પહોર ચાલતો હતો.

એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢનાં બહારવટિયાને ન સંઘર્યો. ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેડાનાર નદી ટપીને ઓખામંડળના પોહિત્રા ગામમાં પહોંચી. ઓખાના વાઘેરોએ એને આશરો દીધો.

પાછળ જૂનાગઢ, ગોંડળ અને નગર, ત્રણે રાજની વહાર ચડી. પાહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગે ખોદાવી. સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલ થાળીમાં મગના દાણા થરથરવા લાવ્યા. કાળુજી સમજ્યો કે ધરતી હમણાં ફાટશે. એણે પોતાનાં તમામ કુટુંબીઓને નાઠાબારીમાંથી રવાના કર્યા , પણ એનો શુરવીર પુત્ર વેજો બાપની વસમી વેળાએ વેગળેા થાય ખરો કે ? એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો. એને આમ મરતા અટકાવવા કાળુજીએ કહ્યું : “હું તો જગતમાં નામ રાખીને મરું છું, પણ બેટા, નાહક તું કાં ગુડા ? ભીંત હેઠે કચરાઈ મરવામાં કાંઈ કીરત છે? મારું સાચું ફરજંદ હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને ?”

આથી વીર વેજો પણ ચાલ્યો ગયો. કાળુજીએ વિચાર્યું : ‘વાહ ભાઈ! આવી જાન ફરી કયારે જોડાવાની હતી ? આજ મરવાની પણ મજા છે.’

ઘીના કુંડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મૂઓ. પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો.

જૂનાગઢમાં જયાંથી કાળુજીએ ઘોડી ટપાવી હતી તે જગ્યાએ એક દરવાજો છે તે આજ પણ કાળુજીના નામ ઉપરથી “કાળવો દરવાજો ” નામે ઓળખાય છે.

[ છપ્પય ]
જબ્બર આયે જામ, મરદ સાથે મછરાળા, કૂમકે ક્રોધી કુંભ, સંગ ઝાલા, મતવાલા.

માંહી નર કૂડા નવાબ, ચોંપ શું કટ્ટક ચડિયાં, હૈડું દિયે હિલોળ, આવી પોસીતરે અડિયાં,

ત્રેવડે વાત મનમાં ત્રઠી, ધિંગે ધરી ઓખે ધજા, કાળવે મન મીઠો કર્યો, મરવાની આવી મજા.

લેખક – ઝવેરચંદ મેઘાણી
ચિત્ર – કરશનભાઇ ઓડેદરા
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– કાંધલજી મેર – સૌરાષ્ટ્રની રસધાર

– મૂળુ મેર – સૌરાષ્ટ્રની રસધાર

– મેર જેતમાલ – સૌરાષ્ટ્રની રસધાર

– ચારણની ખોળાધરી – સૌરાષ્ટ્રની રસધાર

– પરણેતર – સૌરાષ્ટ્રની રસધાર

– કાળો મરમલ – સૌરાષ્ટ્રની રસધાર

– કામળીનો કોલ – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!