જોગી જમરાળા તણા, તને નમીયે ફ્ક્ડાનાથ;
વિહામો સેવક્નો વડો,એતો સાધુ છે સમરાથ.
સેવક કાજ સુધારવા, જેના પરચા અપરંપાર;
બેલી દિન દુઃખીયા તણો, અબલાનો આધાર.
વળી રાજા રંક ફ્કીર વડા કોઇ શાહુકાર શીશ નામે છે;
ઝમરાળાનો જોગી સહુને અગણીત આશીષ આપે છે.
કાપે સહુના કષ્ટ દયાળુ વિર ધીર વરદાયક છે;
અશરણ શરણ આશરો સહુનો ફ્ક્ડોનાથ સહાયક છે.
જે ધરતીના આકરાં પાણીએ સિંહો ઊછરે છે, જેના તપ અને ત્યાગ, ટેક અને શોર્ય જગત આખામાં મશહૂર છે. એવી આ સૌરાષ્ટ્રની ભૂમી ઉપર કૈંક સંતો અને ભક્તો, સતિઓ અને શુરવીરો થઇ ગયા છે. તેમના ઇતીહાસો આજે પણ તેની દિવ્ય ગાથાને ઉજાગર કરે છે. આવજ આકર્ષણથી મારવાડથી સૌરાષ્ટ્ર ખેંચાઇને આવેલા એક મહાન સંતની આ વાત છે.
મારવાડની ધરતીમાં કેતકી નામની જાગીર અને ઠાકોર સરદારસંગ રાણા નામે રાજપૂત બહુ ઉદાર માણસ અને શુરવીર પુરુષ છે. એક દિવસ કેતકી ગામમાં સાધુની જમાત આવી છે. જમાતના મહંત શ્રી ઉદયગીરી બાપુની ઠાકોર બહુસારી આગતા-સાગતા અને સેવા કરે છે. જમાત આખીના ધામધુમથી રૂડા સામૈયા થાય છે. ભોજન ભંડારો અને સત્સંગ થાય છે. આમ દશેક દિવસ સુધી ઉદયગીરી બાપુ ઠાકોરની મેહમાન ગતી માણ્યા પછી રજા લે છે. અને રજા લેતી વખતે ઠાકોરને એટલુ ક્યે છે કે “ઠાકોર! જગદંબા અને ભોળાનાથની આપની પર અસીમ કૃપા છે, આપને કોઇ વાતની ક્મી નથી! પણ હું એક સાધુ વિનંતી કરૂ છું, ઠાકોર કાંઇ માંગવુ છે?” બાપુઃ “હું ક્ષત્રીય છું, બીજુ તો શું માંગુ? પણ આટલી બધી સંપતિ અને આ જાગીરને ભોગવવા વાળો મારા પછી કોઇ નહિં હોય!” મારે શેરમાટીની ખોટ છે. તે દિવસે મહંત ઉદયગીરી કહે છે કે ઠાકોર ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ભીમનાથ નામનુ એક ગામ છે. ભોળીયોનાથ ભીમનાથ ત્યાં બીરાજે છે. તમે તેમની માનતા માનો તમારે ત્યાં એક નહિં પણ બે દિકરા થાશે. ભીમનાથ મહાદેવ જરુર કૃપા કરશે. મારુ સાધુનુ આ વચન અને આશીર્વાદ છે.
સુંદરમૂર્તિ સમ્રાથ હરદમ જુગ જોડી હાથ,
ભજલે મન ભીમનાથ શંકરનામી,
અનાદિ શીવ ઓમકાર નીરંજન નીરાકાર,
ભંજન દુઃખ પાપ ભાર ઇશ્વરનામી.
દાયક નવનીત જાણ ઓપત મહિમા અપાર,
સિર્જન સંસાર સાર શંકર સ્વામી,
ગહરિ શીર વહત ગંગ જલધરંગ,
ઉમીયા અરધંગ અંગ કેફનહારી.
સુંદર મૂર્તી સમ્રાથ હરદમ જુગ જોડી હાથ,
ભજ લે મન ભીમનાથ શંકરનામી.
સાધુ ઉદયગીરીના વચન સિધ્ધ થયા છે. ભીમનાથ મહાદેવની કૃપાથી ઠાકોરને ત્યાં બે દિકરા થયા. મોટાનું નામ ફ્તેસિંહ અને નાના નું નામ નાથુસિંહ રાખ્યું છે. બન્ને દેવના અંશ જેવા રૂપ અને ગુણનો ભંડાર છે. બાળકો અગીયાર વર્ષના થતા ઠાકોર ભાલપંથકનુ પ્રસિધ્ધ દેવળ ભીમનાથ મહાદેવની માનતાએ આવ્યા છે. બન્ને દિકરાની માનતાના નિવેદ જુવાર્યા. ભીમનાથ મહાદેવે શ્રાવણી અમાસનો મેળો ભરાયેલો ઠાકોર અને ઠકરાણી કુંવરડાને મેળામાં ફેરવે છે. રાસ-મંડળીયુ, જાદુના ખેલ, ફ્જેત ફાળકાની મોજ લેતા કુંવરડાઓના કાને વાત સંભળાય છે કે રંગપુર ગામે રામગર નામના એક મહાન પ્રતાપી સિધ્ધ સંત બિરાજે છે. મેળમા માલતા લોકો કેહતાતા કે અહિંથી રંગપુર જાવુ છે કુંવરડાઓએ આ વાતો સાંભળી. બન્ને ભાઇઓએ રામગર બાપુના પરચાની વાત સાંભળી એટલે હઠ લીધીકે અમારે પણ આ બધા સાથે રંગપુર જાવુ છે અને રામગર બાપુના દર્શન કરવા છે.
ઠાકોર બેઉ બાળકોને લઇ રંગપુર આવ્યા. બાપુ રામગરજીના દર્શન કરે છે. બેય કુંવરડા બાપુ રામગરજીને પાયલાગણ કરે છે. સંતની નજર મોટાકુંવરથી મળે છે અને જાણે જુગે જુગનો નાતો અને વરસોના વિખુટા પડેલા બે સ્નેહીઓ સામે મળતા હોય અને જુગેજુગની ઓળખાણ તાજી થતી હોય તેમ મોટા કુંવર ફ્તેહસિંહ ઉપર બાપુની મીટ મંડાય છે. રામગર બાપુ પુછે છે ‘ક્યાં નામ હૈ બેટા?’ ત્યારે ફ્તેસિંહ અને નાથુસિંહ ઓળખાણ આપે છે મારુ નામ ફ્તેસિંહ અને નાનાનું નાથુસિંહ છે. અરે વાહ ઠાકોર યે ફ્તેસિંહ તુમારી ફ્તેહ જરુર કરેંગા, બડા ફ્ક્ડા હૈ તેરા કુંવર હો. રામગર બાપુના મોઢામાંથી વેણ નિક્ળ્યા; ‘બેટા ફ્ક્ડા, બડા ફ્કડા હૈ, બડા ફ્ક્ડા હૈ, વાહ ફ્ક્ડા, વાહ ફ્ક્ડા!’ રામગર બાપુ બન્ને કુંવરોના માથે હાથ મુકી ખુબ જ રાજી થયા. એકાદ દિવસ રોકાયને ઠાકોર વતન જવા નીક્ળ્યા. ફ્તેસિંહે હઠલીધી કે બાપુસા મારે તો રામગર બાપુ પાસે રોકાવું છે, હું નહિ આવુ મારે અહિંજ રેહવુ છે. ઠાકોર મુંજાણા કેમ કરીને કુંવર ને સમજાવે છે કે બેટા તારી ઉંમર હજુ નાની છે, મોટોથા પછી ખુશીથી જાતે આવજે. જેમ તેમ કરીને કુંવરને મનાવ્યા અને સૌ મારવાડ જવા નિક્ળ્યા.
મારવાડ આવીને ફતેસિંહને રામગર બાપુ ભુલાતા નથી. સવાર-સાંજ બાપુનુ નામ રટ્યા કરે. સાધુ સંતોને મળવાનો સત્સંગ સાંભળવાનો શોખ વધ્યો છે. ગામમાં આવેલ શીવ મંદિરે એક્લા એક્લા પલાઠી વારીને ક્લાકો સુધી બેઠી રહે. આમ કરતા કરતા ફેતેસિંહ સતર- અઢાર વર્ષના થયા. ધીમે-ધીમે ખાવા પીવાનું બંધ કર્યુ. આખો દિવસ સુન મુન બેસી રહે. માવતર પુછે તો એક જ વાત કરે માં-બાપુ રંગપુર જાવુ છે. મને રામગર બાપુ પાસે જવાદો. મને સંસારમાં જીવ ઠરતો નથી, મને રામગર બાપુ પાસે લઇ જાવ. ઠાકોર અને ઠકરાણા એ વિચાર કર્યો કે જેવી ભીમનાથ દાદાની ઇચ્છા. નાનો નાથુસિંહ જાગીરના વહિવટમાં ધ્યાન રાખતો મોટાપર માવતરને પ્રેમ વધુ પણ દિકરાનું દિલ નથી દુભાવવું. જેવી ભગવાનની ઇચ્છા એમ મનને મનાવી દિકરાને રજા આપે છે. માં-બાપને પગે લાગી ફ્ક્ડો રંગપુરના માર્ગે ઉપડ્યો. એણે જાણે અલખનો મારગ મળી ગયો હોય.
રંગપુર આવ્યો રામગીરી બાપુના ચરણોમાં માથુ નમાવ્યુ અને બોલ્યો “હું કેતકી જાગીર નો કુંવર ફતેસિંહ રાણા તમારા શરણે આવ્યો છું, મને કાયમ આપની પાસે રેહવાની રજા આપો. મારે તમારી સેવા કરવી છે. “બાપુ રામગર તો વાટ જોતા હતા. ફ્ક્ડાને માંડ્યા અલખને પંથે પલોટવા.’ મેરા ફ્કડા, વાહ ફ્ક્ડા, બેટા ફ્ક્ડા! એમ પડકાર્યા કરે અને ફ્ક્ડા ઉપર પોતાની ક્માણીના પડ ચડાવ્યા કરે. થોડો વખત થયો અને ફ્ક્ડે વતનમાં મા-બાપને ખબર મોક્લાવ્યા કે મારી વાટના જોતા મે સંસાર મૂકી દિધો છે અને સાધુતાનો કેડો પકડ્યો છે. મારવાડના કેતકી ગામે ખબર પોંહચ્યા. માવતરતો સમજતાતા એમને પેહલેથી જ ખબર હતી કે દિકરાનો જીવ સંસારમાં નથી. એમનેતો મન મનાવી લીધુ પણ મોસાળમાં હાહાકાર મચી ગયો. મામાના દિકરીબા પ્રેમકુંવરબા(પાનીબાઇ) સાથે ફ્તેસિંહનું સગપણ થયુ હતુ. ભાણેજ સાધુ થઇ ગયો દિકરીના ભવિષ્યનું શું સમજવું? દિકરી પ્રેમકંવરનું હવે શું કરવું? એને ક્યાંય ચેન નથી.
જેને પતી તરીકે ક્લપ્યા હોય અને વળી રાજપુતની દિકરી એક્ના નામની ચુંદળી ઓઢે બીજાના નામની ઓઢે નહિં. પોતે ક્ષત્રીયાણી સતી સ્ત્રી છે. માવતરને કિધુ કે મારે એમના એક્વાર દર્શન કરવા છે. પોતાના માવતરને લઇને પ્રેમકંવર રંગપુર અવ્યા છે. બાપુ રામગરજીને પ્રણામ કર્યા. ફ્ક્ડાને ધારી ધારીને નીરખી લીધો. વાહ રાજપુત! વાહ રાજપુત! ભલો ભેખ લીધો હો. માવતરે રામગર બાપુને વાત કરી, તમારા શીષ્ય સાથે તો પ્રેમકુંવરનું સગપણ થયેલુ છે. રામગર બાપુ જવાબ આપે છે, “વો ભાગ્ય કી બાત હૈ અબતો સાધુ બન ગયા હૈ અબ ક્યા કરે! જોગી કો સંસારી કૈસે બનાવે? પ્રેમકંવર બાપુને ક્યે છે, “બાપુ હું તો ક્ષત્રીયાણી મારે તો હવે ઇ જ ધણી, ક્ષત્રીયાણી બે ભોવ ના કરે”. રામગર બાપુએ ખુબ સમજાવી પણના સમજી. ફ્ક્ડો આવીને સમજાવા લાગ્યો કે મને ભુલી જાવ આ ખોરીયું તો હવે સાધુનું છે. પ્રેમકુંવરને એક જ વાત હું તમારી છું અને તમારી જ રેહવાની.
જેસલમેરની ભટીયા, કુળરો એક સ્વભાવ;
બેટા રણ જુજી મરે અને બેટી કાટ ચડાવ.
બાપુ રાજપુત રણમાં મરે અને રાજપુતાણી સતી થાય. ક્ષત્રીયાણી માટે જીવવાનો કોઇ રસ્તો નથી. મારો ધણીતો ધર્મના ધીંગાણે અલખની ઓળખાણ માટે યુધ્ધ કરે છે. હવે હું દેહ નહિં રાખુ. એણે ફ્ક્ડાની સામે જોઇને કિધુ કે હે નાથ ‘હવે હું ખોરીયું ખાલી કરું છું. મારૂં સ્થાન તો તમારા હદયમાં છે’. આમ બોલીને પ્રેમકુંવરે ભગવાન સુર્યનારાયણને નમસ્કાર કર્યા અને બોલી “હે સુરજદાદા મારી લાજ રાખજો. મે મન,વચન અને કર્મથી મારૂ પણ પાડ્યું હોય તો મને મન ગમતુ મોત આપજો” અને જોત જોતામાં પ્રેમકુંવરના પગના જમણા અંગુઠેથી આગની જ્વાળા નીક્ળી. સૌ આભા બનીને જોઇ રહ્યા. ભળ ભળ અગ્નીની જ્વાળાઓમાં પ્રેમકુંવરનું શરીર લપેટાય ગયું. *’જય ફક્ડાનાથ, જય ફક્ડાનાથ’* એવા નાદ સાથે પ્રેમકુંવર સતી થયા. ફ્તેસિંહ ફ્ક્ડો તો બન્યો પણ પ્રેમકુંવરે બળતા બળતા પોતાના નાથની જય બોલાવી.
ફ્તેસિંહને બાપુ રામગર ફ્ક્ડો કેહતા અને નાથ એટલે મારો પોતાનો પતી. સતી પ્રેમકુંવરબાએ નાથ શબ્દ આપ્યો. નહિંતર રામગર બાપુનો શીષ્ય હોય તો એની પાછળ ગર અથવા ગીરી લાગે નાથ શબ્દના લાગે. પણ પોતાનુ સગપણ જેની સાથે થયેલુ હતું, તે ક્ષત્રીયાણીએ સળગતા સળગતા ફ્ક્ડાને ફ્ક્ડાનાથ કિધેલુ ત્યારથી લોકો ‘ફ્ક્ડાનાથ’ તરીકે તેનું સંબોધન કરવા લાગ્યા. પ્રેમકુંવરબા સતી થયા પછીની પેહલી કાળીચૌદસના દિવસે રામગર બાપુએ હનુમાનજીને ચડાવવાનો ચોળો (તેલ-સિંદુર) તૈયાર કરાવી ફ્ક્ડાનો અભીષેક કર્યો અને વિધીસર રીતે ફ્કડાનાથ એવુ નામ આપ્યું. ફ્ક્ડાનાથ નામ આપ્યા પછી ગુરુનો આદેશ આવ્યો કે અહિંથી નૈઋત્ય ખુણામાં ચાલતો થઇ જા. જ્યા સુર્યાસ્ત થાય ત્યાં ચીપયો ખોડી રોકાઇ જજો.અને ત્યાં જગ્યાં બાધી વાસ કરજો. જા બેટા ફ્ક્ડા! મારા આશીષ તારી સાથે છે તું વચનસિધ્ધ મહાપુરૂષ થઇશ. હનુમાન તને સદાય સહાય કરશે. તું હનુમાન ફ્ક્ડાનાથ કેહવાઇશ.
મિત્રો ધંધૂકા થી સાત કિ.મી દૂર રંગપુર નામે ગામ છે. જયા ગામની બહાર ભવ્ય ધ્વજા દંડ લહેરાય છે. જયાં જૂના લાકડા નો ભવ્ય દરવાજો છે. જયાં રામદેવપીર મહારાજના બેસણા છે. આ જગ્યાએ ઘણા વરસ પહેલા મહાન સંત શ્રી રામગર બાપુ થઈ ગયા છે. એમના પહેલાં રામદેવ પૌત્રા શ્યામદાસ થઈ ગયા. આ જગ્યાએ શ્રી રામદેવજી તથા તેમના મોટા ભાઈ વિરમદેવજી રામગરબાપુની હૈયાતીમાં પધારેલ છે. રામગર બાપુના અનેક ચેલા માથી ફક્કડોનાથ સિવાય પણ ઝાંઝરકાના સવૈયાનાથ અને જુનાગઢના લાલસ્વામીને પણ આ જગ્યાએથી જ ગુરુ આદેશ મળેલ છે. રામગર બાપુની સમાધી વિ.સં ૧૮૯૭ ભાદરવા સુદ ૧૧ ને તા.૨૭-૮-૧૮૪૧.
ગુરુ આજ્ઞા માથે ચડાવી ફ્તેસિંહ ચાલી નીક્ળ્યા. ઘેલાશાહના બરવાળાથી સાત આઠ માઇલ દૂર ઝમરાળા ગામ આવેલુ છે. ત્યાં ગામની ઉતર તરફ ગામનાં ઝાપાને અડીને એક નાનક્ડી નદી ચાલી જાય છે. તે નદીના પટની અધવચ્ચે પોંહચતા સુર્યદેવ ક્ષિતીજમાં ડૂબી ગયા. અને ફ્ક્ડાનાથે તેજ સ્થળે ચીપીયો ખોડી દઇ આસન લગાવ્યુ. સવંત ૧૮૮૦ ની સાલની આ વાત છે. આષાઢ મહિનો ઉપરવાસ વરસાદ વરસે છે. ગામના લોકો હાલ્યા જાય છે. એમ એક્ની નજર પડતા નદીના મધ્યપટની અંદર એક જોગી આસન જમાવીને જોગી બેઠો છે, રેતીમાં ચીપીયો ખોડ્યો છે અને બાજુમાં પાણીનું ક્મંડલ પડ્યુ છે. આ જોગી હાથમાં ગાંજો ચોળીને ચલમ ભરી અલખ અલખના નાદ કરતો દમ ઉપર દમ લગાવતો જાય છે. પટની અંદર સાધુને બેઠેલો જોયો એટલે ગામ માણસોએ ભેળા થઇ વિનંતી કરે છે મહારાજ ઉપરવાસ વરસાદ બહુ છે. બાપુ હમણા અહિં પણ ગાંડુ પુર આવશે તમે નદીની બહાર હાલ્યા આવો.
સાધુ મસ્ત છે આંખો બંધ છે. સાધુના મોઢામાંથી એટલા જ શબ્દ નીક્ળે છે “ફિકર મત કરો”.ગામ લોકો ફરી કહે છે “બાપુ તણાય જાશો, ફિકર મત કરો, દેખા જાયેંગા.” અને ત્યાંતો હાક્લ થયો પુર આવતુ જાય છે. ગામના લોકોતો દોડીને કાઠે ચડી ગયા. અને સાધુતો દમ ઉપર દમ મારતો જાય છે. થોડીકવારમાં તો જે જગ્યા એ સાધુ બેઠોતો ત્યાં નદી હુફાળા મારતી બે કાઠે આવી ગઇ નદીના ગાંડુ પુરના પાણી બાપુ માથે ફરી વળ્યા. સાંજ નમી ગઇ અંધારાના ઓળા ધરતી માથે ઉતરી ગયા. ગામના માણસોને એમ થયુકે બાવો નદીમાં તણાય ગયો. લોકો ધરે જઇને સુઇ ગયા. દરેક માણસના મનમાં એક વિચાર હાલે છે કે આપણા ગામને પાદર આપણે એક સાધુને બચાવી ન શક્યા બાવો તણાઇ ગયો. સવારે આવીને ગામને પાદર નદીયે જઇને જોયુ તો ઇજ ચલમ ઇજ મસ્તી સાધુ એ નદીના પટની વચ્ચે બેઠો છે. જેથી ગામના માણસોને એમ થયુ આ કોઇ સામાન્ય સાધુ નથી આતો સિધ્ધપુરુષ છે આખયું ગામ આવીને સાધુના પગમા મંડયુ પડવા. બાપુ અમે તમને ઓળખ્યા નહિ અમે સંસારનાં જીવ અમને એમ કે તમે તણાઇ ગયા છો, પણ તમેતો સિધ્ધજોગી પુરના પાણી તમને શું તાણી જવાના? અમારુ આખું ગામ ધન્ય થઇ ગયુ.
અલખ જગાવ્યો બાઇ એને ધુણો રે ધખાવ્યો જો.
આપણા મલકમાં જોગીડો જોને આવ્યો જો.
કોઇ કહે છે બાઇ એને ઉજેનીનો રાજા જો.
કોઇ કહે છે રાજા ગોપીચંદ આવ્યો જો.
સાઘુ કાંઇ બોલતો નથી, મરક મરક હસે છે. ઝમરાળા ગામના ભાગ્ય જાગ્યા સાધુ ત્યાંજ રોકાઇ ગયા અને ઝુપડી બાંધી. લોક્વાયકા એમ કે છે કે નદીના વેણ ફરી ગયા, જયાં બાપુ બેઠાતા ત્યાં ગોકુળીયું ધામ થઇ ગયુ. આવતાને આદર, સાધુ સંતની સેવા, સાજા-માંદાને સુખીયા-દુઃખીયાની લંગાર લાગી બાપુના દર્શને. જોગીની નજર પડે એના દુઃખ જાતા રહે. કોઢીયાના કોઢ મટે, વાંઝીયાના ધેર પારણા ઝુલે, જોગીના સેવકોને શ્રધ્ધા બંધાઇ ગઇ. સવંત ૧૮૮૫ માં ફ્કડાનાથે પ્રથમા આસન જમાવ્યુ હતુ.
એક આવ્યો અલેખ્યો ઝમરાળે
એક રમતો રમતો જોગી આવ્યો ગામ ઝમરાળે.
હાથ ખપ્પરને ચીંપ્યો ખખડે છે,
સૌ એના પાહોલ્યા પક્ડે છે,
એવો નોધારાનો આધાર આવ્યો ગામ ઝમરાળે.
એની નજર પડે દુઃખ નાસે છે,
સૌ સિધ્ધી જોગીડાની પાસે છે,
સાચા સેવકનો તારણહાર આવ્યો ગામ
ઝમરાળે.
સાંજનો સમય છે. જગ્યામાં અનેક ભક્તોના સમુદાય વચ્ચે ફ્ક્ડાનાથ બેઠા છે. જ્ઞાન ચર્ચા સત્સંગ ચાલી રહ્યો છે. તે વખતે એક અજાણ્યો માણસ ‘જય માતજી’ કહિ જગ્યામાં દાખલ થયો. આ માણસ ચારણ તરીકે તેનો પરીચય આપ્યો.અને બોલ્યો ફ્ક્ડાનાથ બાપુના દર્શને આવ્યો છું. આ સાંભળી તુરંત જ ફ્ક્ડાનાથ બાપુ ઉભા થયા અને ચારણને બાથમાં ઘાલી ભેટયા. ‘આવો ભા આવો. શું નામ તમારુ કવિરાજ!’ મારુ નામ રામભાઇ કવિએ પોતાનુ નામ કહ્યું.
કાંઇ કાવ્ય કવિતા જાણો છો ફ્ક્ડાનાથ બાપુએ પુછ્યું.
હા, બાપુ દેવ દેવીયોની સ્તુતી ભાંગી તૂટી ભાષામાં બોલવાનો પ્રયત્ન કરુ છું.
આમ કહિં રામભાઇએ જગદંબાની સ્તુતી ઉપાડી. કવિની કાવ્ય કુશળતાથી બાપુ ખુબજ પ્રસન્ન થયા. સવારમાં કવિયે ફ્ક્ડાનાથ બાપુને પ્રણામ કરી વિદાયમાંગી ત્યારે બાપુએ કવિને કહ્યુ કે ‘રામભાઇ આજને આજ તમે ભાવનગર પોંહચી જાવ. મહારાજ વજેસંગજીની સાંજની ક્ચેરીમાં જઇ તેને કવિતા સંભળાવજો. અને જો કાંઇ માંગવાનુ કહેતો અહિં ઝમરાળામાં બે સાતીની જમીન અને ગામ તળમાં ઘર થાલની જમીન માંગજો. જાવ હનુમાન દાદો તમારી સાથે છે. પણ સાંજની ક્ચેરીમાં પોંહચી જજો હો!’
‘ભલે બાપુ’ કહી રામભાઇ કવિ ચાલતા થયા. ભાવનગરના રાજવી વજેસંગ ગોહિલ સાંજની ક્ચેરી ભરી બેઠા છે. ત્યાં રામભાઇ કવિ પોંહચી ગયા. ફ્ક્ડાનાથની આજ્ઞા મુજબ કવિતા સંભળાવી. વજેસંગ બહુ જ પ્રસન્ન થયા. ભાવેણાના ધણીને જાણે અંતર ઉદધીમાં મોજા ચડ્યા હોય. માંગો કવિરાજ શું આપું? કવિએ ઝમરાળામાં બે સાતીની જમીન અને ગામ તળમાં ઘર થાલને જમીન માંગી. વજેસંગજી એ કારોભારીને બોલાવી હુક્મ કર્યો કે રામભાઇને ‘ઝમરાળા ગામમાં બે સાતીની સારી જમીન તથા રાજના ખર્ચે પાકો કુવો બનાવી આપો. અને રામભાઇ માંગે ત્યા માળબંધ મકાન કાઢી આપો. આમ કવિ રામભાઇ ગઢવીને ફ્ક્ડાનાથના આશીર્વાદ પુરે પુરા ફ્ળ્યા. આજે પણ એ રામભાઇ કવિની પેઢી મોજુદ છે અને ઝમરાળાનાં તેમજ ભાવનગર સ્ટેશન રોડ ઉપર આવેલ મકાન મોજુદ છે.
માયા અને મમતા તણો જેણે રૂદેન લાગ્યો રોગ,
એવા સંતો સમરવા જોગ દિવસ ઉગતા દાદકે.
સવંત ૧૮૯૦ શ્રાવણ સુદી બીજનો દિવસ હતો. સાંજનો વખત છે જગ્યામાં ભક્ત મંડળ ભેરુ થયુ છે અને ભજની ઠોર બોલે છે.
સાચા ખોટા બોલી એને રે આવે રે મંદિરીએ જી..
એજી એતો ઠાલારે બજારુમાં માહલે રે
મારા રાજ રે..
નર રે નુગરાની સાથે નેણલો ન કરીયે જી.
આપણા ધણીનો જ્યારે પાટ મંડાળો રે જી
એજી એમા ઝળહળ જયોતું દરસાણી
મારા રાજ રે…
નર રે નુગરાની સાથે નેણલોના કરીયે જી.
મધરાતનો ગજર ભાંગી ગયો છે અને બાપુ ફ્ક્ડાનાથે માણસને હુક્મ કર્યો કે ગામમાં જઇને દૂધ લઇ આવો, ચા બનાવી છે. જગ્યાનાં માણસો ગામમાં દૂધ લેવા ગયા. પણ બહુ મોડીરાત થઇ ગઇ હોવાથી દૂધ મેળવાય ગયા હોય, ગામડુ ગામ ખેડુના ધર હોય દૂધ મળે નહિં. ગામમાં આટો મારીને પાછા આવ્યા અળધી રાતે કોઇ જાગ્યુ નહી. એટલે દૂધ વીનાના પાછા આવ્યા. આવીને ફ્ક્ડાનાથ બાપુને વિનંતી કરી કે બાપુ ‘મોડીરાત થઇ ગઇ છે દૂધ મળ્યુ નથી’.ફ્ક્ડાનાથજી એ કિધુ કે “દૂધ મળ્યુ ન હોય એવુ બને નહિં કોઇ ‘દિ દૂધ મળશે તપાસ કરો.” બાપુ પોતે ઉભા થયા તો જગ્યાનાં આંગણામાં આવીને એક વરોળ ભેંસ ઉભી છે. બાપુએ કિધુ કે બીજુ કાઇ નહિં આ માતાજી આંગણે આવીને ઉભા છે એને દોહી લ્યો. ગામના માણસો ક્યે બાપુ આતો વરોડ ભેંસ છે આ દૂધ ના આપે. એરે પરમાત્માએ મોક્લી છે આ માનબાઇ માતાજી પોતે અહિં આવ્યા છે. આને દોહી લ્યો આ દૂધના આપે. ગામના માણસો ક્યે બાપુ હું તમને કેમ સમજાવુ વરોડ ઢોર કોઇ દિ દૂધના આપે.
બાપુએ કિધુકે લાવો બોધરુ મારી પાસે હું દોવા માટે બેસુ. બાપુ જ્યારે દોવા માટે બેઠા અને વરોળ ભેંસ માથે હાથ ફેરવીને કિધુ કે “‘માનબાઇ મૈયા’ તુમ મેરી જગ્યામે આ ગઇ હો ઔર મૈયા દૂધ દેને વાલી હો ઓર યે સબ લોગ કેહતે હૈ કી દૂધ નહિં દેંગી”. પોતે દુધ દોહવા બેઠા બે બોધરા દૂધના ભરાણા અને માથે વેત વેતની ફીણની બરફી ચડી ગઇ એવી એ ભેંસને દોહી. તે દિવસથી તે વરોળ ભેંસને બાપુએ જગ્યામાં જ રાખી અને ભેંસ જ્યાં સુધી જીવી ત્યાં સુધી એક પણ પાડુને જન્મ આપ્યા વગર કાયમી દૂધ દેતી હતી. આવા અનેક પરચા છે. આ માનબાઇ ભેંસની સમાધી હાલ જગ્યામાં મોજુદ છે. ગામમાં કોઇ ઢોર ઢાખર બીમાર પડે તો આ માનબાઇ માતાજીની સમાધીએ રોટલો અડાળી જો કોઇ બીમાર ઢોરને ખવરાવામાં આવેતો તરત સાજા થઇ જાય છે.
વલ્લભીપુર પાસેનુ નસિતપુર ગામ ગામમા દાહાભાઇ ખાચર નામે એક કાઠીદરબાર રહે છે. જેને ફ્ક્ડાનાથ બાપુ ઉપર અનન્ય શ્રધ્ધા. આ દાહા ખાચરને એકવાર રાજ ખટપટને લીધે વલ્લભીપુર જેલમાં પુરવામાં આવ્યા. ફ્ક્ડાનાથ બાપુને આ વાતની ખબર પડી કે દાહા ખાચરને વલ્લભીપુર દરબારે જેલમાં પુર્યા છે. ફ્ક્ડાનાથજી પોતે દાહા ખાચરની ખબર પુછવા વલ્લભીપુર આવે છે અને જેલના દરવાજે પોહચીને જુવે ત્યાં તો તાળા છે. કામદારને પુછતા કીધુ કે બાપુ દોહા ખાચરને મલવુ હોય તો તમે સાધુ છો અને સાધુને તાળા ઉઘાડી દેવાના ન હોય સાધુતો તાળા તોડી શકે. તાળા તોડી નાખો તો તમે દોહા ખાચરને મલી શકો. જેલના તાળાની સામે ફક્ડાનાથ બાપુએ મીટ માંડી અને મોઢામાથી ‘અલેખ’ શબ્દ નીક્ળતા જ જેલના તાળા આપમેળે ઉઘડી ગયા. કામદારે મશ્કરી કરી કે આ તો બાવાએ જાદૂ કર્યો હશે બાકી એમને એમ જેલના તાળા તૂટે નહિં. જેલના તાળા તોડ્યાના સમાચાર વલ્લભીપુર ઠાકોરને મળ્યા અને ઠાકોર બાપુના દર્શને આવ્યા.
કામદારે બાપુની ફરી મશ્કરી કરી અને ઠાકોરેને કિધુ કે આ બાવાએ કોઇ જાદૂ કે કામણ કર્યો હોય, તંત્ર-મંત્રની વિધા જાણવા વાળો હોય અને તાળા ઉઘડી જાય. એમા બાપુ એટલુ બધુ માન ન દેવાય. જો સાચો સાધુ હોય તો તેલને સીંદુર ભેળો કરીને પીય જાય તો હું માનુ કે સાધુ અને તેની સિધ્ધાય સાચી છે. ફ્કડાનાથ સમર્થ સાધુ, સૌને દેખતા બાપુ પાંચશેર સિંદુર અને તેલ ભેળો કરીને પી ગયા. એ સિદુંર તેલ પીધા પછી પણ તે હઠીલો કામદાર માનતો નથી. ફરી કામદાર બોલ્યો કે ‘બાપુ આ તો બાવો બધુ જાણતો હોય જો તે સાચો હોય તો તેલને સિંદુર પાછા બાર કાઢે તો જ હું માનુ. તે દિવસે ફ્ક્ડાનાથે ગુરુ રામગરને યાદ કરી તેલ અને સિંદુર જાણે હાથ ના લગાડ્યો હોય એવો કોરે કોરો બહાર કાઢ્યો હતો. વલ્લભીપુર ઠાકોર બાપુના પગમાં પડ્યા. દાહાભાઇ ખાચરને જેલમાં પુરવા બદલ માફી માંગી. દાહા ખાચરને છોડાવી ફ્ક્ડાનાથ ઝમરાળા આવ્યા. પણ પ્રસંગ એવો બન્યો કે જે કામદારે બાપુનું પણ લેવા માટે તેલને સિંદુર પાઇને બાપુની મશ્કરી કરેલી, તાળા તોડવાનુ કિધેલુ તેને આખા શરીરે કોઢ નીક્ળ્યા અને કામદાર નિર્વંશ મરીઓ. સંત કોઇને સરાપે નહિં પણ એનો મુંગો શ્રાપ કામદારને લાગેલો અને તે રીબાઇ રીબાઇને મરેલો માટે કહે છે કેઃ સંતને કોઇ દિવસ સંતાપવા નહિં. ક્દાચ એ મોઢેથીનાં બોલે પણ એનો અંતર આત્મા જો દુભાય જાય તો એ શ્રાપ બની જાય.એટલા માટે સંતને કોઇ દિ’ સંતાપવા નહિં.
ફ્ક્ડાનાથજી એક વખત શીહોંર પધારેલા. ગાંજો અને અફિણ ભેળા લીધેલા. ત્યાંના કામદાર આણંદજી દાદા આગ્રહ કરી કરીને પોતાના ઘેર લઇ ગયા બાપુને. ચલમ બનાવી બે દમ મારી અને આણંદજી દાદાને પીવા માટે ચલમ બાપુ આપે છે. બાપુ “હું નથી પીતો” આણંદજી કામદાર ના પાડે છે. ફ્ક્ડાનાથ બાપુ કહે છે કે “આજ બળેવ છે અને વળી સોમવાર છે, પી પી આણંદજી ચલમનો એક દમ માર”. તેમના ઘરવાળા એ કિધુ કે બાપુ તમે જો રાજી થતા હોય તો અમારે સંતાન નથી, શેર માટીની ખોટ છે.ચલમ પીધે શું વળે. બાપુ ફ્ક્ડાનાથ થોડા હસ્યા માઇ ” જા તારે સાત દિકરા હોંગે’. ફરી આણંદજી ના પત્ની કે છે કે બાપુ તમે ચલમના એક દમમાં જો સાત દિકરા દેતા હોય તો બાપુ મારુ વેણ રાખો, હું વિનંતી કરુ છુ કે મને સાત દિકરા નથી જોતા પણ મને છ દિકરા અને એક દિકરી આપો. ફ્ક્ડાનાથ બોલ્યા’હવે મારા મોઢામાંથી શબ્દો નીક્ળી ગયા, સાત દિકરા તો થાશે પણ એક દિકરીય થાશે. તારે ત્યાં આઠ સંતાન થાશે. આણંદજી મારા તમને આશીર્વાદ છે. હાલ આણંદજીના વંશજોની સાત પેઢી થવા આવી હોય છતા પણ વંશજો ફ્ક્ડાનાથની પ્રસાદી છે અને અનન્ય ભાવથી બાપુને માને છે અને સેવા ચાકરી કરે છે. અવાર-નવાર ઝમરાળા સહપરિવાર સાથે દર્શને આવે છે.
ભાવનગરના મહારાજા વજેસિંહજી ગોહિલ રાંક્નો માળવો અને ગરીબોના બેલી કેહવાય, દાતાર પુરુષ છે. માંગવા વાળાને કોઇ દિવસ તેના આશરેથી ખાલી હાથે ફરવુ નથી પડ્યુ. વજેસંગ ગોહિલને વાંસામા પાઠું થયુ હતુ અને પાઠું કોઇપણ સંજોગે મટતુ નો હતુ. કેટકેટલા હકિમ, વૈધો ને તેડાવ્યા પણ કોઇની દવા કારગર નિવડતી નથી. બાપુનુ શરીર આ પાઠાના હિસાબે દિવસે ને દિવસે ઘસાતું હતુ. કોઇ ઉપાયે પાઠુ મટે નહિં. બાપુને અસહ્ય વેદના થાય છે. કામદાર આણંદજી દાદા જેને મોટી ઉમરે ફ્ક્ડનાથે ચલમની એક સટમાં સાત દિકરા અને એક દિકરી દિધેલી. આણંદજી કામદાર ફ્ક્ડાનાથ બાપુને વિનંતી કરે છે કે લાખોનો પાલનહાર વજેસંગ બાપુનુ પાઠુ મટાડો અનો રોગ મટાડો. ફ્ક્ડાનાથજી મહારાજ વજેસિંહને મળવા જાય છે.
ફ્ક્ડાનાથને આવતા જોય વજેસિંહજી પોતાના આસન પરથી ઉભા થય અને દશ ડગલા આગળ હાલી બાપુને દંડવત પ્રણામ કરે છે. ધન્ય ઘડી બાપુ મારું આંગણુ પાવન કર્યુ, મારા રાજને પાવન કર્યુ. બાપુ તમે ઝમરાળામાં બીરાજો છો મારુ રાજતો પાવન થયુ મારુ આંગણુ પાવન થયુ. બાપુ બેઠા છે અને થોડીવારમાં બાપુએ ચલમ સળગાવી. જોગી માટે કોઇ રાજના કાયદાના હોય અને કાયદા હોય ત્યાં જોગીના હોય. ચલમના બે દમ મારી બાપુ મહારજ વજેસિંહ તરફ નજર કરે છે, તેની આંખમા ન કરુણા અને હેત દેખાય છે. બે દમ લગાવી ચલમ ઠારી તેની રાખ કાઢી બાપુએ વજેસિંહના પાઠામા ભરી દીધી.અને કિધુ બેટા ”તું તો હજારોના દુઃખ મટાડવા વાળો છો તને કોઇદી પાઠું હોય! જા તારુ પાઠું આજથી મટી ગયુ.” આવા તે સમર્થ સાધુ હતા. પણ પાઠું મટાડવાની એક શરત હતી કે આ પાઠું હું નહિં પણ ઝમરાળામાં બેઠેલો હનુમાનજી મહારાજ મટાડે છે. હનુમાનજી માટે એમ કેહવાય છે કે
પીડે નહિં પનોતી અને કુગ્રહ નડે ન કોઇ,
મહાવીર હનુમાનકા જોને હેતે સુમીરન હોય.
આંક ભલે ન આવડે ગણિત ન ગળીયો,
અનેક અક્ષર ઉક્લે રીઝે જો રોક્ડીયો.
ફ્ક્ડાનાથ બાપુએ વજે સિંહ મહારજ ને કિધેલુ કે તામારું પાઠું મટી જાશે પણ પાઠું મટ્યે સવામણ તેલનો કુડલો ઝમરાળા બેઠેલા હનુમાનજી મહારાજને ચડાવી જાજો. વજેસિંહનું પાઠું મટી ગયું, ઝમરાળા હનુમાનજી મહારાજને સવામણ તેલનો કુડલો ચડાવા આવ્યા છે. ઝમરાળામાં હનુમાજીનું મદિર તો નાનુ હોય એમા સવામણ તેલ કેમ સમાવુ? બાપુ મુંજાય છે કે આ તેલ બધુ ઢોળાય અને નિક્ળી જાશે. ફ્ક્ડાનાથ બાપુ કહે કે મુંજાવમાં મહારાજ હનુમાનજીનો સેવક હું ફ્ક્ડો બેઠો છું તમે તેલ ચડાવો. વજેસિંહ જયારે તેલ ચડાવા બેઠા અને તેલની ધાર કરતા સવામણ તેલ નાની વાટકીમાં સમાઇ ગયુ એક ટીપું તેલ પણ બહાર નીકળ્યું નહિ. રાજા ભેગા બીજા માણસો આવ્યા હતા તેને કિધુ કે આ તો સમર્થ સાધુ છે. ચમત્કાર જાણે તંત્ર-મંત્ર જાણે બાકિ સવામણ તેલ નાની વાટકીમાં સમાય નહિ. આ બાવલીયાનો ભરોસો ન કરાય બાવો બહું કામણગારો છે તેની જાળમાં ફ્સાવાય નહિં. આ વાત ફ્ક્ડાનાથ બાપુએ સાંભળેલ એટલે પોતાના માથાની જટાની એક લટ છોડી અને એ સવામણ તેલ જે વાટકીમાં નાખેલ હતુ તે બધુ લટમા સમાવી લીધું અને તે લટને નીંચોવી પાછું કુડલામાં ભરી દિધુ. અને વજેસિંહ બાપુને કિધુ કે “મહારાજ શંકા કરેલા તેલ મારા હનુમાનને ચડતા નથી.”
બાપુ વજેસંગ આ બદલ માફી માંગી અને આખુ ઝમરાળા ગામ જગ્યાને બક્ષીસ આપવાનું કહ્યુ. પણ ફ્ક્ડાનાથ બાપુ તો નિર્મોહી સંત હતા. ધન-દોલતની એને જરુર નોહતિં. સદાય દૂન્યાઈ પ્રપંચોથી તે દૂર રેહતા. છતા પણ વજેસંગના અતી આગ્રહને લીધે ચાલીસ વિઘા જેટલી જમીન માનબાઇ (ભેંસ) ના ચારા માટે સ્વીકારી હતી. જે આજે પણ જગ્યાના ક્બજામાં છે.
ઝમરાળાના રતનસંગજી વાળા નામના કારડિયા રાજપુતના દિકરી ઉમાબાને રક્તપીતનો રોગ નીક્ળેલ. સાસરીયા માવતરે મુકી ગયા છે. ફ્ક્ડાનાથને ખબર પડી અને ઉમાબાને જગ્યામાં તેડી લાવ્યા. એક વર્ષ ઉમાબા જગ્યામાં રહ્યા અને પતનો રોગ મટી ગયો સૌ સારાવાના થઇ ગયા. તેવા અનેક પરચા બાપુના છે.
જે નસીતપર વાળા દાહાખાચર ને બાપુએ જેલમાંથી છોડાવેલા તેને ત્યાં બાપુ નસીતપર પધારે છે. દાહા ખાચરને ડેલીયે જઇ ખબર આપ્યા કે બાપુ પધારે છે. ત્યાં જઇ જોયુ કે માણસો ભેગા થઇ ગયા છે ડેલીયે સૌના મોઢા ઉપર તેજ નથી, ઉમંગ નથી ધેરો શોક છે. બાપુ માણસોને પુછે છે કે શું થયુ છે? કોકે બાપુને કિધુકે બાપુ દાહા ખાચર દેવ થઇ ગયા જેને મળવા માટે આપ આવ્યા છો. બાપુ બોલ્યા અરે ભાઇઓ દાહા ખાચર મરે નહિં એને તો ધણા કામ કરવાના છે. બાપુ દાહાખાચરના મૃતદેહ પાસે જઇ માથે હાથ મુકી બોલ્યા દાહા ખાચર “ઉભા થાવ, ઢોંગ કરોમાં કાઠીના દિકરા છો, આમ વયુના જવાય”.માથે હાથ ફેરવ્યો ને દાહા ખાચર સજીવન થયા હતા. મળદાને પણ સજીવન કરે એવા સમર્થ સાધુ ફ્ક્ડાનાથના અનેક પરચાઓ છે.
એક્વાર ફ્ક્ડાનાથ બાપુ શિહોરબાજુથી ચાલ્યા આવે રસ્તામાં મોણપુર ગામ આવ્યું. મોણપુરના ખેતાબાપુએ ફ્ક્ડાનાથને આગ્રહ કરી રોક્યા. સારી સેવા ચાકરી કરી પણ ગામમાં પીવાનું પાણી મળે નહિં. પણો ગાઉં પાણી ભરવા જવુ પડે. ચાલતી વખતે ફ્ક્ડાનાથ બાપુએ આશીર્વાદ આપ્યો કે આજથી સાતમે વરસે આ ગામના પાદરમાં જ નદી આવશે અને તમારુ ગામ પિત્તળ વસ્તીથી ભરણ ઉભરણ થાશે. ખરેખર આજે મોણપુરને પાદર નદી આવી છે અને ગામ આખુ સુખી અને સમૃધ્ધ બન્યું છે.
સવંત ૧૯૦૯ ન શ્રાવણ વદ આઠમના દિવસે ફ્ક્ડાનાથે પોતાના સર્વે ભક્તો સેવકોને બોલાવી અને સમાધી લેવાની પોતાની ઇચ્છા દર્શાવી. એ વખતે રતનસંગ વાળા રાજપુતની દિકરી જે બાપુની ખુબજ ભક્તિ ભાવથી સેવા કરતા અને બાપુએ અગાઉ તેનો પતનો રોગ મટાડેલ .તેણે કહ્યું કે ‘બાપુ,આપ જશો પછી અમારું શું થશે?’
ત્યારે ફ્ક્ડાનાથ બાપુ બોલ્યા કે, ‘દિકરી બટા હું તો જાઉ છું , પણ તારી પુજા મારાથી પેહલી થશે.’ ને તે જ દિવસે ફ્ક્ડાનાથ બાપુએ જગ્યામાં જીવતા સમાધી લીધી.
આજે ઝમરાળા ગામને ઉતર તરફને ઝાંપે ફક્ડાનાથની સુંદર અને વિશાળ જગ્યા મોજુદ છે. દરવાજામાં દાખલ થતા જ પેહલા ઉમાબાના ચરણ પધરાવેલી નાનક્ડી દેરી છે. પછી ફ્ક્ડાનાથનું ભવ્ય અને સુંદર ચેતન સમાધી મંદિર છે. બાજુમાં જ હનુમાનજીની ભવ્ય મૂર્તિ છે. મંદિરની પાછળના ભાગના વાડામાં માનબાઇ માતાજી ભેંસની સમાધી છે.
જતી હનુમાન તણો બેસણે જાગતા જોગી,
સિધ્ધ યોગીયોમાં શુરોપુરો સરદાર,
ફ્ક્ડાનાથની દયા ટાળે ચોરાસીના ફેરા,
ઘણા વિધ સેવકારો ફ્ક્ડો હાજર.
ગામ ઝમરાળા ગામ સામરી હાક્લું ગાજે,
વાજે નીત ઝાલરું નગારા ભલી ભાત,
નાત જાત ભુલી આવે જાતરુ કરતાં જાપ,
તાપ હરે તનળાના મટાળારા પાત.
ક્ઢીયાના કોઢ મટે હટે જમદૂત કાળા,
ફ્ક્ડાનાથની માળા ફરે છુટે ફંદ,
વૃંદ માનાવીના ઉદે પાળે આવે વારવાર
કરે સારા વાના સાથ બડો સુખ કંદ.
કરે આશ ફ્ક્ડારી આરદાયું પુરી કરે,
ધરે ધ્યાન એનું રાખે ધુરંધર ધ્યાન,
માન અપમાન ત્યજી શરણોમાં માથામુકે,
મેહર કરી ફ્ક્ડો વધારે એનુ માન.
દાન અલગારી દાખે જેણે ફ્ક્ડાની દયા,
નવે નિધ તણા મળે તાજા નવ નીધ,
ઝમરાળા વાળા જોગી ફ્ક્ડાને ભજી જુઓ,
ખરે ટાણે આબરુ એ રાખશે ખચીત.
? માહિતી-સાભારઃ
શ્રી વનરાજભાઇ ખાચર-બરવાળા
? ચિત્રાંકન-છબીઃ
કરશનભાઇ ઓડેદરા-પોરબંદર
? પ્રેષિત-સંક્લનઃ
મયુરભાઇ સિધ્ધપુરા-જામનગર
9725630698
? સંદર્ભઃ
– સાલ ૧૯૬૯ પરમાર્થ અંક
– ઇસરદાન ગઢવી કૃત લોક્વાર્તા માંથી
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો