શ્રી આપા વિસામણબાપુ -પાળિયાદ

‘ભણે પાતા મન, કિસે હાલ્યા?’
‘અરે આ સામેના ડુંગરામાં દૂધાધારી મહારાજ રહે છે, મહાત્મા છે. તેમને દૂધ આપવા જઉં છું.’

વિક્ર્મ સંવત ૧૮૨૪ ની સાલ છે. સાઇઠેક ખોરડાના ૨૦૦-૨૫૦ માણસોની વસ્તીના ધ્રુફણિયા ગામના ખુમાણ શાખાના પાતા મન કરી એક કાઠી રહે. તેમના પિતાનું નામ ડોસા મન. પાતા મન અને તેમના ધરવાળા આઇ રાણબાઇ બંનેની આધેડ અવસ્થા થઇ ગઇ છે, પણ ધેર હજી ધોડીયું બંધાણુ નથી, શેરમાટીની ખોટ છે. જો કે બંને માંથી કોઇને તેનુ દુઃખ નથી. સૂરજદાદાના સેવક એવા કાઠી દંપતી ઇશ્વરમાં ઉંડા ઉતરી ગયા છે. પાતામન રોજ પરોઢીયે ઉઠી, હાથમાં માળા લઇ પોતાના માલઢોર ચરાવવા ધ્રુફણિયા પાસેના ચંદણગીરી ડુંગરા પર જતા રહે. સૂરજ મહારાજ પોતાના પ્રથમ કિરણો પૃથ્વી માથે રેલાવે ત્યારે પાતા મનના મોઢેથી સૂર્યસ્તુતિ શરુ થાય.

ઊગ્યો તું અડૂડ, ગરવર અંધારા ગિયા,
સે દેવાયત સૂર, કરમી કશ્યપરાઉત.

આ તેમનો નિત્યક્ર્મ. ડુંગરમાં ઢોર ચરાવતા હોય અને પોતાના મન તળાવની પાળે બેઠા બેઠા બેરખો ફેરવતા હોય. ચંદણગીરી ડુંગર પર તે સમયે એક સાધુ રહે તેમનું નામ ચંદનનાથ. પાતામન અને ચંદનનાથની હેતપ્રીત થઇ ગઇ. એક સાધુ, તો બીજા સંસારી હોવા છતા વિરક્ત. સાધુ દુધાધારી હતા, એટલે પાતામન રોજ સવાર-સાંજ દૂધનું બોધરુ ભરીને આપી આવે. ગમે તે ઋતુ હોય,પણ તેમના નિયમમાંચૂક ન આવે.

પાતામન નિઃસ્વાર્થ ભાવે નિત્યક્ર્મ મુજબ સાધૂ ચંદન નાથની સેવા કરે છે. ત્રણ વરસનો સમય વિતી ગયો છે.સાધૂ ચંદનનાથ ને પાતામનની સેવા બદલ મનમાં હેત પ્રીત થાય છે અને તેની ક્સોટી કરવાનો વિચાર આવે છે. એક દિવસ પાતામન પોતાના ઢોર ચરાવી પાછા ફરતા હતા, ત્યારે ગામના કેટલાક જુવાનીયા કાઠી પાતામન ને રોકી કહે છે કે “અરે પાતામન કાઠીનો દિકરો થઇ હાથમાં તલવાર અને ભેટમાં જામૈયો ત્યજીને આ ભગતડાની જેમ બેરખા લીધા છે, કાઠીને તો ક્ષત્રીવટ જાળવી ગામ ગામતરા કરી કંસુબા પાણી, ડાયરા અને ધોડલા ખેલવવાના હોય અને તુ આ ઢોરની સાથે હાથમાં માળા લઇ સાધૂળાની સેવામાં છે! ધીક્કાર છે તારી કાયાને પાતામન.” પાતામન આવી મસ્કરીની પરવા કર્યા વગર તથા કાઈજ બોલ્યા વગર ઘરે ચાલ્યા આવે છે પણ અંદર થી બહુ દુઃખી છે. બીજે દિવસે નિત્યક્ર્મ મુજબ ચંદનનાથને દૂધ દેવા જાય છે પણ તેના ચેહરા પર ઉમળકો નથી.

સાધૂ ચંદનનાથ પાતામન ને આવતા જોઇ આવકાર આપે છે,”આવ બેટા પાતામન તારી જ વાટ જોતો તો.” પાતામન મનોમન વિચાર કરે છે કે ત્રણ વરસ સુધી આ બાવલીયો બોલ્યો નથી મારી સાથે આજે કેમ બોલ્યો? કાંઇ ભૂલતો નહી થઇ હોયને એમ વિચારી તે બોલે છેઃ” બાપુ મારાથી કાંઇ ભૂલ તો નથીને!” ચંદનનાથ કહે છે કે બેટા તારી નિઃસ્વાર્થ સેવાથી હું તારા ઉપર ઓળઘોળ છું! માગીલે તું માગીશ એ આપીશ એમ કહી ધૂણામાંથી એક મોટો ધાતુનો ગોળો ઉત્પન કરે છે અને પાતામન ને કહે છે કે આને દૂનીયા સોનું કહે છે, તારી સાત પઢી ખાસે તોય ખુટ્શે નહી એ સોનાનોગોળો પાતામનને આપે છે. પણ પાતામન કહે છે કે “બાપુ હું તો કાઠીનો દિકરો કાંઇ લેવા સાટુ આપની સેવા નથી કરતો, મારથી સોનું ના લેવાય માફ કરશો.”

Aapa visaman bapu

સાધૂ બોલ્યા “સાબાસ બેટા પાતામન કાલે તું આવ ત્યારે તારી સાથે દૂધ ઉપરાંત શાકર અને ચોખા લેતો આવજે.” પાતામન-“બાપુ હું ગામડાનો માણસ મને કાંઈ ખબર ના પડે! લેતો તો આવીશ પણ મને આજની જેમ તાવતા નહી.” અરે પાતામન તું તો તવાઇને પારસમણી જેવો થઇ ગયો છે હવે તારે તવાવા નું નથી. તું મારી પરીક્ષામાંથી પાર ઉતરયો હું તારા પર ખુબજ પ્રસન્ન છું.

સાધૂ ચંદનનાથજી જાણે છે કે પાતામન ને શેરમાટીની ખોટ છે તે દિવસે તે ખુબ જ દુઃખી થઇને જગતના નાથને ઠપકો આપ છે કે આવા નિઃસ્વાર્થ, ભોળા, સદાચારી માણસના ધરે પારણું કેમ બંધાણુ નહી? તે ગમગીમ બની આકાશ તરફ મીટ માંડે છે. થોડીવાર થતા એની દ્રષ્ટી પશ્ચીમ દિશા તરફ રણુજા તરફ પડતા ગેબી અવાજ આવે છે કે હું “રણુજાનો રાજા પશ્ચીમ ધરાનો પાદશાહ રામદેવ બોલુ છું, હું પાતામનના ઘરે દિકરો થઇ અવતાર ધારણ કરીશ.” ચંદનનાથ આકાશ તરફ દિવ્ય લીલાધોડે અસ્વાર, હાથમાં ભમ્મર ભાલો, જરક્શી જામા,પીળીપતાંબરી પહરેલા રામદેવજી મહારાજના દર્શન કરે છે.

ઈ ઘોડલીયાના જોવા છે મારે ઘમસાણ રે,
જરકસી જામા પીરની,પીળી રે પીતાંબરી રે,
પીરની મોજડી મા મોતીડાની ખાણ રે..
રામાપીર પધારો રે લીલુડે ઘોડલે રે,

બીજે દિવસે સવારે સામગ્રી લઇ પાતામન બાપુ પાસે આવે છે અને બાપુ ધૂણામાથે દૂધપાક રાંધી પાતા મનને આપતા કહે છે કે ” બેટા આ પ્રસાદ ઘરે જઇને બન્ને દંપતી જમજો, તારે ત્યાં શેર માટીની ખોટ નહી રહે તારે ત્યા દિકરો આવશે પણ બે શરત તારે યાદ રાખવી પડશે.” પાતામન કહે બાપુ તમે કેહશો તે બધુ કરવા તૈયાર છું. તારે ત્યાં જે દિકરો આવે છે તે હજારો વરસના તપના ફ્ળ સ્વરૂપ પશ્ચીમ ધરાનો પાદશાહ સાક્ષાત રામદેવપીર તારે ત્યાં દિકરો થઇ આવે છે, પણ તારે તેની ઉપર કોઇ ઉપદેશનુ આવરણ લાદવું નહી, તે કાળજાળ અને ભરાડી થશે પણ સમય આવ્યે તેનુ પીરાંણુ છતું કરશે એ આવનાર આત્માની પેહલી શરત છે અને બીજી શરત કે તારે કાલે સવારે સૂરજ નારાયણ કોર કાઢે એ પેહલા ધ્રુફ્ણીયા છોડી ચાલ્યુ જવાનુ છે અને સૂરજ આથમે એ સમયે જે ગામમાં પગમુક ત્યાંજ સ્થીર વસવાટ કરવાનો છે. પાતામન ચંદનનાથજીના આદેશ નું પાલન કરે છે અને બીજે દિવસે સવાર પહેલા તેની ધરવખરી, ઢોર ઢાખર લઇ ધ્રુફ્ણીયા છોડીદે છે.

ગૌધણ પાછા વળવા ટાણે તેમજ સૂરજદાદા અસ્ત થવાનો સમયે પાતામન અને આઇ રાણબાઇ પાળિયાદ ગામ નજીક પોંહચ્યા. ગામ કાઠી ભાગીદારોનું નાજા ખાચર, રાણા ખાચર અને રામ ખાચર ત્રણ ભાગીદારો. ત્રણે ક્મખિયા ડુંગરમાં ઘોડા ખેલવવા નીક્ળ્યા છે. પાતોમન સામે મળ્યા. ભાગીદારો તેમની ભક્તિ જાણતા હતાં, રામ રામ કર્યા. થોડી વાતચીત કર્યા પછી રામ ખાચર કહે, “ભગતરાજ હવે આઘે ક્યાંય નથી જાવું, અહીં પાળિયાદ જ રોકાઇ જાવ.”

રામ ખાચરે જીવનનિર્વાહ માટે એક ખેતર અને રેહવા માટે મકાન કાઢી આપ્યાં. પાળિયાદમાં આઇ રાણબાઇ ની કુખે સંવત ૧૮૨૫ના વસંત પંચમીને દિવસે એક પુત્રનો જન્મ થયો તેનું નામ વિસામણ રાખ્યું. આ બાળક વિસામણ આગળ જતા ગજાદાર સંત બન્યા અને વિસામણભગત (પીર) તરીકે ખ્યાતી પામ્યાં. ભાવનગર જીલ્લામાં બોટાદથી પંદર કિલોમીટર દૂર પાળિયાદ ગામે વિસામણ બાપુની જગ્યા શોભી રહી છે. ભક્તો તેને સાક્ષાત રામદેવપીરના અવતાર માને છે.

આપા વિસામણ નાનપણમાં સામાન્ય બાળક જેવા જ હતાં. પાંચાળમાં થાન પાસે વિક્રમના અઢારમા સૌકામાં ગેબીનાથ કરીને એક સિદ્ધ યોગી થઇ ગયાં. આ ગેબીનાથના શિષ્ય થયા આપા મેપા અને આપા રતા. આપા રતાએ કંઠી બાંધી જમાઇ આપા જાદરાને અને આપા જાદરાના બુંદશિષ્ય(પુત્ર) થયા આપા ગોરખા. તેમણે ચલાળાના આપા દાનાને કંઠી બાંધી. એક દિવસ ગુરુ-શિષ્ય સેવાનો સંદેશો ફેલાવતા પાળિયાદ આવી પોંહચ્યા. આપા વિસામણની તે વખતે ભરજુવાની. ફરતા પંથકમાં તેમના નામની ફેં ફાટે એવા કાળઝાળ. પાળિયાદના ભાગદાર રામ ખાચરને મનમાં વસવસો છે કે પાતામન જેવા પુણ્યશાળી આત્માંને ત્યાં આવો ડાંખરો પુત્ર જન્મયો! રામ ખાચરે આપા ગોરખા અને આપા દાનાને વિતક વર્ણાવ્યા. સાંભળીને બંને સંતો ખડ ખડ કરતા હસી પડ્યાં. આપા રામ, એકવાર વિસામણને બોલાવો તો ખરા, તમે તો બાપ બહુ અથર્યા.

આપા વિસામણને પણ વાતની ખબર પડી ગઇ છે. ગામના એક વેપારીની દુકાનેથી પડતર લાક્ડાજેવુ પાણી વગર નું જૂંનુ શ્રીફ્ળ લીધું અને મનોમન વિચાર કરતા આવ્યા કે જો એ સંતો સાચા હશે તો આ નાળીયર પાણી વારુ થઇ જાશે. “ભણે સાધુ, મલકને બહુ લૂંટોસો ઢોંગ-ધતીંગ બહુ હલાવ્યા આજે પાળિયાદમાં એની ખબર લઇ નાખવી સે.” આમ સતના પારખા લેવાના હેતુ થી એક હાથમાં શ્રીફ્ળ અને બીજા હાથમાં ડાંગ લઇને લાંબી ડાંફો ભરતા આવ્યાં રામ ખાચરના ગઢમાં, પણ જેવો ગઢમાં પ્રવેશ કર્યો અને હાથમાં રાખેલ શ્રીફ્ળનો વજન વધવા લાગ્યો એમા પાણી આવ્યું. બંને સંતોએ વિસામણને આવતા જોઇ તેને પાસે બોલાવીને કિધું કે બાપ વિસામણ વધેરી નાખો શ્રીફ્ળ તમારે હવે સિદ્ધવાનો સમયા અવી ગયો. આમ આપા વિસામણે શ્રીફ્ળને એક જાટકે ફોળી નાખ્યુ એને તેમાંથી પાણી નિક્ળ્યું. આ ઘટનાથી આપા વિસામણ સ્તબધ થઇ ગયા અને બંને સંતોના ચરણમાં પડ્યાં. આપા ગોરખાએ તેમના પર હાથ મુક્યો, હાથ મુકતાની સાથે જ વિસામણ ભગતમાં શક્તિ અને ચેતનાનો પ્રાદુભાવ થયો. તેને પોતાના અવતારની સાર્થક્તા સમજાઇ ગઇ.

રામ ખાચરની ડેલીએ આખો ડાયરો બેઠો છે, ક્સુંબાની જમાવટ થઇ છે. તે ડાયરામાં એક ગુલાબશા નામના ફ્કીર પણ આવેલા છે. એ ફ્કીર આપા ગોરખાને કહે છે કે “ગોરખાબાપુ આ બીજો કોઇ નહિં પણ રણુંજાવાળો રામદેવ પોતે છે, ભણે દાનભા આ ભણેં ગુલાબશા ભણતોસા કે આ રામદેવ પોતે સે” કારણ ગુલાબશા જે ફ્કીર હતા તે રામદેવપીર સાથે બેસતાતા એ કુતુબશા નો દિકરો હતો. એ કુતુબશા જ ગુલાબશા થઇ પોતે આવ્યા છે અને અહિં બેઠા છે. બીજા કચ્છ ભુજના બારોટ શેષમલજી કે જેને રામદેવજીએ આ જગત છોડ્યુ ત્યારે વચન આપેલુ કે તમારા કુળનો માણસ જયારે ક્સુંબાનું પોતુ લઇ આવશે ત્યારે હું આ ધરતી પર પ્રગટ હોઇશ અને ત્યારે તમાર જ કુળનો માણસ એ પોતુ માંગે ત્યારે માનજો કે હું રણુંજાથી રામદેવ આવ્યો છું. એજ શેષમલજી ના દિકરા શ્યામલજી બારોટ પણ આજ ડાયરામાં હાજર છે. શ્યામલ બારોટને આપા વિસામણ ક્સુંબો લેવાનું કહે છે.

શ્યામલજી બારોટ બોલ્યાઃ “એમનમ ક્સુંબો ન લેવાય ચારસો ચારસો વરસથી અમારા બાપુ શેષમલજી પછી કોઇએ ક્સુંબો નથી લીધો, અને એ ક્સુંબાના નીમ એમનમ ના ટુટે મારે તો એનુ પ્રમાણ જોઇ.” આપા વિસામણ કહે છે કે બારોટજી હવે હઠ રેહવા દો ઓલુ ચારસો વરસ જુનુ પોતુ કાઢો હવે સડી ગ્યું હશે, એ પોતુ લાવો એટલે આપણે કસુંબા કરીયે. આમ વિસામણ બાપુને પોતાની યાદી આવી ગઇ કે હું બીજુ કોઇ નહિ પશ્ચિમ ધરાનો પાદશાહ રામદેવ પોતે છું! ત્યારથી આપા વિસામણમાં પીરાણું પ્રગટ્યુ અને લુટારો મટી આજે તે વિસામણપીર બન્યા છે.

આપા વિસામણે હાથમાં બેરખો ? લીધો છે, તુંહી ઠાકર, તુંહી ઠાકર નું નામ લઇ અન્નદાનનો મહિમાં વધારતા સદાવ્રત શરૂ કર્યુ છે. ગરીબ-દુઃખીયાના બેલી બન્યા છે.એક દિવસ આપા વિસામણ વઢવાણના ઠાકોર પૃથ્વીસિંહ ને ત્યાં મહેમાન બન્યા છે ઝાલારાણા બાપુની ખંતથી મહેમાનગતી કરે છે. એટલામાં એક માણસ દોડતો-દોડતો આવીને આપા વિસામણ ના પગમાં પડી જાય છે.

પણ તારી ધરતી હાંકે ધમધમે,
અરે તારા વચને વાય સમીર।
પણ હવે ચારણસુત બેઠો કરો,
અરે તમે પાળિયાદ ના પીર॥

કચ્છના આ ચારણનાં એક ના એક દિકરાને સર્પદંશ થયો છે અને તે છેલ્લા સ્વાસ લેતો હોય છે. આપા વિસામણ પાસે આવી તે ચારણ કહે છે કે બાપુ તમેતો અનેક પરચા પુર્યા છે, મે દવા-દારૂં, વૈધ, હકીમ બધુજ કરી લીધુ પણ કોઇથી મારો દિકરો બેઠો થાતો નથી. હે પાળિયાદના પીર હું ચારણનો દિકરો બધાને એક દિવસ ઠાકર પાસે જાવાનુ છે પણ મારે એક નો એક દિકરો વયો જાશે તો એની માંનું રૂદન અને ચિત્કાર મારાથી નહિ જોવાય. “ભણેં ભાણેજ આવો આવો બેસો, હું કાંઉ બેઠો કરી શકું તારા દિકરા ને? હું કોઇ પરચાવાળો નથી.” ગઢવી, કવિરાજ આ વઢવાણની ધરતી પર જેરામદાસ નામનો બાવલીયો છે તેને તને ઓળખતા નથી? અરે જેરામદાસ તમે મોટા પરચાધારી છો આ ગઢવીને પાંણી આપો તેનો દિકરો ઠાકરની દયાથી જરુર બેઠો થશે. ચારણે જેરામદાસજી પાસેથી પાંણી લઇ ડોટ મુકી દિકરાને પીવરાવ્યું અને દિકરો અંગ મરડી બેઠો થયો. ચારણ પાછો આવી કહે છે કે ધણી ખમ્મા પાળિયાદના પીર વિહળાનાથ ત્યારે આપ કહે છે કે ખમ્મા મારી નહી આ જેરામદાસ બાપુની, આવા મોટા સંત માટે હે વઢવાણ ઠાકોર તમારે કહીક કરવુ જોયે. આમ જેરામદાસજીને ઠાકોર સાહેબે સાતસો વિઘા જમીન અને એક મોટુ મકાન જગ્યાને અર્પણ કર્યું.

પંચાળની ધરતી સરવા ગામના ચારણો પોંઠુ(ઉંટો નુ ટોળુ)??? પર લાખોનો માલ લઇ દેશાટન વેપાર કરવા નીક્ળે છે. એમા એક મેરામભા નામના ચારણ હતા. પોંઠુ માથે લાખોનો માલ લઇ ચારણો રાજસ્થાન વેંચવા જાઇ છે. દાંતા પાસેના જંગલમાં પોહચતા રાત પડી ગઇ, જેથી આ ચારણો માતાજીનું સ્મરણ કરતા પોતાના હાથના ઓશીકા કરી વિશ્રામ કરે છે. બરાબર મધ્યરાત્રી નો સમય થતા સાવજની ડણકું સાંભળી પોંથુ ભડકી અને સમાન સોતી તે જંગલમાં ભાગવા માંડી. આ બનાવથી ચારણો મુંઝાણા અને મેરામભા ગઢવીને કહે છે કે કાંઇક રસ્તો કાઢો, મેરામભા બોલ્યા કે આ મેધલીરાત અને સાવજોની ડણકું વરચે પોંથુ પાછી લાવવા નુ આપણુ કામ નથી, પણ એક રસ્તો છે! “મારો પાળીયાદનો ઠાકર જાગતી જ્યોત છે, એ પોંથીને જરુર પાછી લાવશે પણ એક નાળીયેર ની માનતા થી નહિ ચાલે, પોંથુ દિઠ એક-એક રૂપીયો જો આપણે પાળીયાદના ઠાકર ના ચરણોમાં મુંક્શું”. બધા ચારણો આ વાતથી સહમત થયા છે, અને ૧૨૦ પોંથુ હોવાથી રૂ.૧૨૦ પાળીયાદના ઠાકરના ચરણોમાં ધરાવવાની માનતા કરે છે.

મેરામભા કહે છે હવે બધા નિસફીકર થઇ સુઇ જાવ મારો ઠાકર પોંથુ પાછી વાળશે. બરાબર મોટાભડક્ડે કોઇ ઘોડે સવાર ૧૨૦ પોંથુને ડચકારતો ડચકારતો આ ચારણો જયાં સુતા હોય તે દિશામાં લાવી મુકી અદરશ્ય થઇ જાય છે. આ જુવાન બિજુ કોઇ નહિ પણ પાળિયાદના પીર આપા વિસામણ પોતે હતા. બીજે દિવસે મેરામભા ઘોડે સવાર થઇ રૂ.૧૨૦ લઇ પાળિયાદ માનતા ઉતારવા જાઇ છે. માણસનો સ્વભાવ મેરામભા ગઢવીને વિચાર આવે છે કે પાળિયાદના ઠાકરને ક્યાં રૂપીયાની તાણ છે અને એને ક્યાં ખબર છે કે મે કેટલા રૂપીયાની માનતા માની છે એવુ વિચારી રૂ.૬૦ કાઢીલે છે કે ક્યાં પાળિયાદના ઠાકરને ખબર પડશે. આમ પાળિયાદ જઇ ને બાપુને પગે લાગે છે અને કહે છે કે “બાપુ લ્યોઆ ફુલ નહિતો ફુલની પાખડી, આપા વિસામણ ક્યે આતો પાખડી જ છે પણ ફુલ ક્યાં?મારે દાતાંના જંગલમાં પોંથુ ગોતવામાં તેદી બહુ તક્લીફ પડી હતી એનો થાક હજી ઉતર્યો નથી! ઠાકરની મજુરીમાં કાપના હોય”.

વિસામણ બાપુના શબ્દો સાંભળી મેરામભા આપાના પગે ઢગલો થઇ પડી જાઇ છે અને ચોધારા આંસુએ રડી પડે છે. આવા અનેકો પરચા આપા વિસામણના છે. મિત્રો પાળિયાદના ઠાકરની અમાસના દર્શન કરી જોવ ઠાકર હજરા-હજુર છે અનેક દુઃખીયાઓની સહાય કરે છે.

આપા વિસામણના ત્રણ મુખ્ય શિષ્યો થયા, ગોરૈયા ગામના રબારી સુરોભગત, બોટાદના ઘાંચી ભીમભગત અને રામપરાના કોળી ધરમશી ભગત. સુરાભગત અને ભીમભગતે રોજ ગુરુ આપા વિસામણના દર્શન કર્યા પછી જમવુ એવુ નીમ લીધુ છે. એક દિવસ આકાશમાં વરસાદનો નટારંભ માંડ્યો છે. બોટાદના ભીમભગત પાળિયાદ આવવા નીક્ળ્યા. મોટા ભાઇને નાના ભાઇની આ ભક્તિ ગમતી નથી, ધણુ સમજાવ્યા પણ ના સમજ્યા ત્યારે મોટા ભાઇએ આકરા વેણ કહયા. ભીમભગત એ પછી જગ્યામાં આવીને ત્યાંજ રહ્યા અને આગળ જતા ભીમસ્વામી કેહવાયા. તેમને પાળિયાદની જગ્યામાં જીવતા સમાધી લીધી હતી.

રામપરનો એક કોળી કિશોર ધમલો. આપા વિસામણની કૃપાનો સ્પર્શ પામી તે ધરમશી ભગત બન્યા. મોટા ગજાના કવિ તરીકે પંકાયા.પોતાના ગુરુને ભજનોમાં વણીને તેમને ગુરૂ ભક્તિ સાર્થક કરી છે.

અજર પિયાલા પીરું તણા,જેને-તેને નહીં તો જરે;
પીધો તે નર પરગટ ખેલે,એના તનમાં તેજ કરે.

ધરમશીભગત મૂળ તો ગઢડા પાસેના મેધવડિયા ગામના હતાં. થોડા સમય કેરાળા રહ્યા બાદ ભાણ ખાચરના આગ્રહથી તેમના પિતાએ રામપુરામાં વસવાટ કરેલો. ભાણ ખાચરને ધરમશી મંત્ર તંત્ર કરે છે એવો વહેમ જતા કેદમાં પુરેલા. આપા વિસામણની સુચનાથી પછી તેને છોડી મુકેલા. ચાર સાંતીની જમીન પણ ભેટ આપી હતી. ભાગ પડતા જમીન રહી પણ કરીયાણા પાટી તરફ્થી મળેલ ૧૪ વિઘાની વાડી હજી છે. ધરમશી ભગતની જગ્યા અને સમાધિ આજે પણ રામપરામાં મોજૂદ છે.

લગભગ ૬૦ વર્ષનું તેજમય આયુષ્ય જીવી આપા વિસામણે કૈંક રંક, અમીર અને અભ્યાગતો ના સંક્ટનું નિવારણ કર્યુ છે. પોતાનુ અવતારી કાર્યપુરુ થતા પોતાની પુત્રી નાથીમાં ના પુત્ર હાદા બોરીચાના દિકરા લક્ષ્મણજી મહારાજને ગાદી અને ધરમનો નેજો સોંપીને પોતાના ઉત્તરાધિકારી નિમ્યા. શિષ્ય ધરમશી ભગત અને ભાવિકોના ભજન સાંભળતા સાંભળતા સૌરાષ્ટ્ર્નાં આ દિવ્ય પ્રતાપી અવતારી સંતપુરુષ પુજય વિસામણબાપુએ ૧૮૮૫ ની સાલના ભાદરવા સુદ અગીયારસને દિવસે પોતાના ધૂણાની સામે બેસીને સ્વધામ ગમન કર્યું.

પાળીયાદના પીર વિહળાનાથિની જય થવા લાગી અને દર વર્ષે સોનગઢ ગુરૃસ્થાને પૂ. શ્રી લક્ષ્મણબાપુ તરણેતરના મેળામાં ધરમની ધજા લઈને જતા હતા. જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે. વિ. સં. ૧૮૮૯માં પૂ. શ્રી વિસામણ બાપુની સમાધી પર દેવળ ચણાવ્યું અને ભગવાન શ્રી રામ – લક્ષ્મણ અને શ્રી જાનકીજીની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ પાળીયાદ ગાદીએ પૂ. શ્રી મોટા ઉનડબાપુ આવ્યા પછી પૂ. શ્રી દાદાબાપુ બિરાજમાન થયા અને જગાનો ક્રમશઃ વિકાસ વધાર્યો.

પૂ. શ્રી ઉનડબાપુ પાળીયાદની જગા પર આવ્યા પછી ઘણો જ વિકાસ થયો. નવા બાંધકામો, અતિથિગૃહો અને પાણીની સગવડો વધારી. બાપુ રચનાત્મક કાર્યો કરવા લાગ્યા અને સહી સેવકોમાં પદયાત્રાઓ કરીને સદાચારના પાઠ શીખવ્યા. પૂજય ઉનડબાપુ તેમના સમયમાં સંતો – મહંતોમાં અગ્રેસર બન્યા હતા અને રામાયણના સારા અભ્યાસી હતા. ઉપરાંત કર્મવીર સંત, ધર્મમાર્તન્ડ, અધ્યાત્મરત્ન, માનસવિશારદ જેવી પદવીઓથી સંતોએ સન્માનીત કરેલા. માધવપુર ઘેડમાં ડો. શિવાનંદ અધ્વર્યુજીએ નેત્રયજ્ઞનું આયોજન કર્યુ ત્યારે પૂ. શ્રી ઉનડબાપુએ ખાસ હાજરી આપીને દર્દીઓની સેવા ખડે પગે કરેલી. તેઓશ્રીએ ભારતભરની યાત્રા કરી હતી.

ઈ.સ. ૧૯૭૩ના મહાવદ એકમે પૂ. શ્રી ઉનડબાપુએ એકાએક વિદાય લીધી અને આખુ સૌરાષ્ટ્ર દુઃખના સાગરમાં ડૂબી ગયું. તેમના સુપુત્ર પૂ. શ્રી અમરાબાપુએ જગાની ધર્મધુરા સંભાળી. તેઓશ્રી એમ.એ. વીથ સંસ્કૃત હતા આજના વૈજ્ઞાનિક યુગના તાલ કદમ સાથે આધ્યાત્મિકતાનો સુમેળ સાધીને સતી – સેવકોને પ્રેરણા આપતા પોતે રામાયણના જ્ઞાતા હતા. સંત વર્ગમાં પ્રિય એવા પૂ. શ્રી અમરાબાપુ એક દિવ્ય પ્રતિભા ધરાવતા હતા. પૂ. અમરાબાપુએ વિદાય લીધી અને જગ્યાની ધર્મધુરૃ પૂ. ઉમાબાએ સંભાળી. પાળિયાદની આ પરમ પુનિત જગ્યા આજેય સેવા ધરમ અને સતનો નેજો ફરકાવી રહી છે અને પૂ. ઉમાબા માર્ગદર્શન હેઠળ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહેલ.

પરોપકાર અને પરમાર્થની પ્રણાલીએ ચાલતી આ પુનિત જગ્યામાં આજેય ભજન અને ભોજનનો મહિમા એવો જ છે…એટલો જ છે. હાલમાં ગાદી આસીન પુજ્ય અમરાબાપુના બહેન અને ઉનડબાપુના દિકરી નિર્મળાબા જગ્યાનું સુયોગ્ય સંચાલન કરી રહ્યા છે.

આ દર્શનીય સ્થળે રામનવમી, જન્માષ્ટમી અને મોટાબાપુની પૂણ્યતિથિના ઉત્સવે અનેક ભાવિકો ઉમટે છે ને મોટા ઉત્સવ થાય છે. પરગટ પરચાને સત ધરમની ધજા ફરકાવતી આ જગ્યાના દર્શન અને પૂજ્ય વિસામણ બાપુની ગુરુ પરંપરા અનુસાર આ જગ્યા સંભાળતા સંતોની ઝાંખીએ એક લ્હાવો છે… ધન્યતા છે.

જય વિહળનાથ… જય જાનકી વલ્લભો વિજયતે.

પાતાણી વિહળ પ્રભુ, સમરે આવો સહાય,
જોરાવર કળજગ તણી, વાર કઠણ વરતાય
કાંળિગા ના કોપ થી, લોપ થયો ધર્મ લેપ,
ઓપ કરી કાપો સકલ, અધર્મ તણો ઉલ્લેખ

જકે રાવ રાણા પગા માંહિ ઝુકે,
મહા ખાન ખાના નમી શીશ મુકે;
હવે તાપ ત્રીધા તણા તો હઠાવો,
હવે પીર વિસામણ સહાય આવો

પ્રેષિત-ટાઇપઃ મયુર સિધ્ધપુરા- જામનગર
ચિત્રાંક્ન-છબીઃ કરશનભાઇ ઓડેદરા-પોરબંદર
માહિતી સંક્લનઃ ☀કાઠી સંસ્કૃતીદિપ સંસ્થાન☀

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

 ભગત શ્રી આપા મેપા

– શ્રી આપા રતા ભગત

– શ્રી આપા જાદરા ભગત

– શ્રી આપા ગોરખા ભગત

શ્રી આપા દાન મહારાજ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!