દેવાને કહી દ્યો કે મને મોઢું ન દેખાડે.”
ત્રણસો માણસની બેઠક વચ્ચે મૂળુ માણેકે આ શબ્દો કાઢ્યા, અને આખો દાયરો ઓઝપાઈ ગયો. ઓચીંતો જેમ આભ ફાટે તેમ લાગ્યું. સામે સવાલ કરવાની કોઈની છાતી ચાલી નહિ. ફકત બુઢ્ઢો રાણાજી માણેક હતો એણે હળવેથી નીચે જઈને કહ્યું:
“ભા ! તું ડાહ્યો છે. પણ કાંઈ ઉતાવળ તો નથી થાતી ને બાપા ?”
“રાણાજી ભા ! દેવાને જીવતો જાવા દઉં છું, ઈ તો ઉતાવળને સાટે ઉલ્ટી ઢીલ થઈ લેખાશે. પણ શું કરૂં ! આજ બેન દેવુબાઈ નથી, નીકર આટલું મોડું ન થાવા દેત.”
“બચ્ચા ! આવડો બધો વાંક ?”
“વાંકની તો અવધિ આવી રહી. મને હવે ઝાઝું બોલાવો મા. હું રણછોડરાયની આંખમાં દીવડા ઓલવાતા જોઉ છું. ઓખો આપણું સમશાન બનશે. જગત આપણને સંભારી સંભારી આપણા નામ માથે થુ! થુ ! કરશે. ઈ બધું આ કુકર્મી દેવાને પાપે.”
એ ને એ વખતે દેવા માણેકે પોતાનાં ઘોડાં ને પેદલ માણસો નોખાં પાડ્યાં. જાતો જાતો દેવો બોલતો ગયો કે “મલક બધાની બાઈયુંને બોન જ કહ્યા કરતો મુળવો મર હવે ઓખો જીતી લ્યે !”
“હે કૂતા !” એટલું જ બોલીને મુળુ બેઠો રહ્યો.
૨૫
કેવો છો ભા ?”
“સૂતાર છું.”
“આંહીં શીદ આવ્યો છો ? અમારે કાંઈ આ ડુંગરા માથે મેડીયું નથી બંધાવવી.”
“હું આવ્યો છું મારા વખાનો માર્યો બાપુ ! સાંભળું છું કે સહુનાં સંકટ મુળુ માણેક ફોડે છે.”
“તને વળી કેવાનું સંકટ પડ્યું છે ?”
“મારી વેરે સગપણ કરેલી કન્યાને… ગામના સૂતાર સવેલી ઉપાડી જાય છે.”
“તે ભાઈ, અમે કાંઈ સહુના વીવા કરી દેવા બહાર નીકળ્યા છીએ ? જા, જઈને તારી નાત ભેળી કર.”
“નાત પાસે ગયો’તો. પણ સામાવાળા પાસે ઠીક ઠીક જીવ છે. નાતને એણે રૂપીઆ ચૂકવ્યા ને જમણ દીધું. એટલે પછી ગરીબની વાર હવે નાત શેની કરે ?”
“નાતે ય રૂશ્વત ખાધી ? હરામી નાત કાંઈ પેધી છે ! તે, ભાઈ, તારા રાજાની પાસે જાને ?”
“ત્યાં ય જઈ આવ્યો. પણ સામાવાળાએ રાજાને ય રૂપીઆ ચાંપ્યા. રૂપીઆ ખાઈને રાજા કહે છે કે તમારી નાતના કામમાં અમે વચ્ચે નહિ આવીએ !”
“આવી નાત ને આવા રાજા !”
“મુળુભા બાપુ ! તમે મારો નીયા કરે : હું રાંડીરાંડનો દીકરો : નાનેથી મારે માથે વેવાર પડ્યો. વાંસલા ચલાવી ચલાવી પાઈએ પાઈએ નાણાં સંધર્યા. પાંચસો કોરી દીધી ત્યારે માંડ વેવીશાળ થયું. હું તે કોડે કોડે લગન સમજવા જાઉ છું, ત્યાં તો સાસરાએ ધક્કો દઈને કહ્યું “જા જા ભિખારી, તને ઓળખે છે કોણ ?” આવો અનીયા ? અને તમારૂં બારવટુ ચાલે તે ટાણે ?”
“હેં એલા, કન્યાનું મન કોના ઉપર છે ? તારા ઉપર ? કે સામાવાળા ઉપર ?”
“મારા ઉપર, બાપુ ! સામાવાળો તો ફક્ત શાહુકાર છે, કાંઈ મારા જેવો રૂડો નથી. એના હાથમાં તો વાંસલો ભળે છે જ ક્યાં ? ને હું અધરાત સુધી કામ કરૂં એવો. આ જુવોને મારી ભુજાઉં ! સાંજ પડ્યે પાંચ ઝાડવાં કુવાડે કુવાડે પાડી નાખું ! ખબર છે ?”
“બસ ત્યારે, બાવડાં સાબૂત હોય તો નીકળ અમારી હારે બારવટે. જો, લાવ તારો હાથ. આ કોલ દઉં છું. મુળુ માણેક પંડે તને કોલ દે છે, કે ઈ કન્યા સાથે તુને જ પરણાવવો. પણ એક શરત કબુલ છે?”
“બોલો બાપુ !”
“તુને પરણાવીએ. પણ એક રાત ઉપર વધારે વાર ઘેરે નહિ રેવાય. એકલે પંડે અમારી સાથે નીકળી જાવું પડશે. બારવટીયા એટલા તો જોગી જતિ, જાણછ ને ?”
સૂતાર થોડી વાર ખચકાણો. પરણેતરની એક જ રાત અને તે પછીના સેંકડો સુખી દિવસો સડેડાટ એની આંખ સામેથી નીકળી ગયા. ઘરની શીતળ છાંયડીવાળી કોડ : હેલ્યે પાણી ભરતી સુતારણ : ખભા ઉપર ખેલતાં નાનાં છોકરાં; એ બધુંય સ્વપનું એક ઘડીમાં સમાઈ ગયું. ઝબક્યો હોય તેવી ઉતાવળે મુળુભાને પગે હાથ નાખીને કહે છે કે “કબુલ છે બાપુ ! મારે તો ઈ અધરમના કરવાવાળા – ઈ સવેલડાં લઈ જનારા શાહુકાર માથે અને ઈ અનીતિનાં દલાલાં આરોગનાર નાત ને દરબાર માથે આખો અવતાર વેર વાળ્યે જ છૂટકો છે.”
“રંગ તુંને ! બેાલ, જાન કેદિ’ને કયાંથી નીકળવાની છે ?”
દિવસ અને જગ્યા નક્કી થયાં. બહારવટીયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખડખડ્યાં. વરના માથા ઉપર ટબુડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે
મેઘવરણા વાઘા વરરાજા !
કેસર ભીનાં વરને છાંટણાં.
સીમડીએ કેમ જાશો વરરાજા !
સીમડીએ ગેાવાળીડો રોકશે.
ગોવાળીડાને રૂડી રીત જ દેશું
પછી રે લાખેણી લાડી પરણશું !
અને હાથમાં તરવાર વાળો વરરાજા મૂછોના આંકડા ચડાવતો બેઠો છે.
ત્યાં માર્ગે બોકાનીદાર બહારવટીયા ખડા થઈ ગયા. ગાડાં થંભ્યાં, જાનમાં રીડારીડ થઈ પડી. બંદૂક તાકીને બહારવટીયો બોલ્યો:
“કોઈ ઉઠશેા મા. ને કોઈ રીડ્યું ય પાડશો મા. અમારે કોઈને લુંટવા નથી. ફકત એક હરામી વરરાજાને જ નીચે પછાડો.”
બાવડું ઝાલીને માણસોએ વરને પછાડ્યો. મુળુએ હાકલ કરી “હવે કાઢ્ય તારાં ઘરાણાં”
ઘરાણાંનો ઢગલો થયો: મુળુ પોતાના ભેરૂ સૂતાર તરફ ફર્યો. “પેરી લે બેલી !”
ફરીવાર વર તરફ જોયું: “છોડ્ય મીંઢળ!”
મીંઢળ છૂટ્યાં. બહારવટીએ કહ્યું, “બાંધી દ્યો ભેરૂને કાંડે !”
મીંઢળ, દાગીના, તરવાર, તોડા, તમામ શણગાર વરના શરીરેથી ઉતરીને ભાઈબંધ સુતારને શરીરે શોભવા લાગ્યાં.
“હવે ચડી જા ગાડે બેલી !”
ભાઈબંધ ગાડે ચડ્યો. મુળુ જોઈ રહ્યો. “વાહ ! ઠાવકો જુવાન હો ! આ સવેલીચોરના કરતાં તો તું ને આ વેશ વધુ અરઘે છે. એ બાઈ ! વરની બોન ! કેમ ચુપ થઈ ગઈ ? આને માથેથી લૂણ ઉતારવા માંડ. ને સહુ બાઈયુ દીકરીયું જેમ ગાતી’તી તેમજ ગાવા માંડો, જો આ સવેલીચોરને જીવતો રાખવો હોય તો.”
ગીત ઉપડ્યાં. લૂણ ઉતરવા માંડ્યાં.
“ હાં હાંકો જાન, અમે ભેળા છીએ.”
સવેલીચોરને જંગલમાં કેદ રાખી બહારવટીઓ મુળુ પોતાના સાચા ભાઈબંધને પરણાવવા ચાલ્યો. કોઈ ચું ચા કરી શક્યું નહિ. સહુએ થરથરતે શરીરે ઝટપટ વિવાહ ઉકેલ્યા. સાચા વર વેરે કન્યા ચાર મંગળ વર્તી જાન પાછી વળી. એ ને એ ગાડે બહારવટીયો વરવહુને એના ગામમાં લઈ ગયો. અને સાંજરે ગામને સીમાડે ઉભા રહી ભાઈબંધને ભલામણ કરી કે “ભાઈબંધ ! આપણો કરાર યાદ કરજે. કાલ સવારે સામા ડુંગરામાં આવી મળવાનું છે, નીકર તારૂ મોત સમજજે !”
૨૬
“અરે મહેરબાન ! આંગળી ચીંધ્યાની ગુનેગારી ? મારા ગામમાં બહારવટીયા ભરાણા છે, એવા વાવડ દીધાનું ઉલટું આ ફળ ? સંચોડું ગામ જ સળગાવી દેશો ?”
“બીજો ઈલાજ નથી. તમે સંધીઓ પણ શામિલ છો. તમારા ગામને સાફ કરવું જ પડશે.”
રોઘડા ગામને પાદર ગામેતી તૈયબ સંધી આડો પડી પડી પાઘડી ઉતારે છે, અને બે ગોરા સાહેબો ઘાસનો સળગતો પૂળો લઈ ગામને આગ લગાડે છે. વાર્યા રહેતા નથી. ભેળી બલોચોની ફોજ છે.
બે ગેારામાં એક છે ઓખામંડળનો જાલીમ રેસીડેન્ટ રાઈસ ને બીજો છે આસીસ્ટટં પોલીટીકલ હેબર્ટ સાહેબ.
બહારવટીયા ગામની અંદર ઝાંપા આડાં ગાડાં મેલીને ઓથ લઈ ગયા છે. હલ્યા અચો ! હલ્યા અચો ! એવા ચસ્કા કરે છે.
વાડ્યમાં પૂળો મેલાણો. ગામ સળગ્યું, પણ સામી બહારવટીયાઓની સનસનાટ કરતી ગોળીઓ આવી. ફોજના ત્રણ બલૂચો પડ્યા. ફોજ પાછી હટી.
આખરે તોપ આવી પહોંચી. બે બહાર કર્યા ત્યાં તોપ બગડી ગઈ.
“વીંટી લ્યો ગામને.” એવા હુકમ દઈ ગોરાઓએ ગામ ફરતો ઘેરો ઘાલ્યો. રાત પડી ગઈ. ગોરાઓ પોતાના તંબુમાં પેઠા.
ચંદ્રમા આથમીને અધારાં ઉતર્યાં. અને પોષ મહિનાની ટાઢમાં ટુટીઆં વાળીને બેઠેલાં કૂતરાં ભસવા લાગ્યાં.
પહેરગીરોએ પોતાની તીણી આંખે અંધારાં ચીરીને જોયું: બુમ પાડી “ભાઈ, બહારવટીયા જાય છે.”
“ચુપ રહો ! ચુપ રહો !: ટાઢ વાય છે.” કહીને ફોજના બલુચો સુતા રહ્યા.
સાહેબોના તંબુ અને બલુચોની ચોકી, બે ય વચ્ચે થઈને બહારવટીઆ ચાલી નીકળ્યા, પણ કોઈ સળવળ્યું નહિ.
સવાર પડ્યું ને સેનામાં શુરાતન પ્રગટ્યું. બીંગલ ફુંકાણાં. હુકમ છૂટ્યો કે “હાં, ગામ ઉપર હલ્લો કરો.”
સેનાએ શાંતિથી ગામ લુંટ્યું. બલુચોએ અબળાઓની આબરૂ પાડી. એ અત્યાચાર એક પહોર ચાલ્યો.
લુંટ અને બદફેલી ખતમ કરાવીને ગોરાઓ તંબુમાં આવ્યા પોતે બહારવટીયાને કેવી બહાદુરીથી નસાડ્યા તેનો અહેવાલ તા. ૨૭ : ૧૧ : ૧૮૬૫ લખવા બેઠા.
૨૭
થાણાદેવળી ગામની દરબાર કચારીમાં, લખમણ વાળા દરબારની હાજરીમાં અભરામ નામના મકરાણીએ નીચે પ્રમાણે વાત વારે વારે કહી સંભળાવેલી :
આભપરા ડુંગર ઉપર, સોન કંસારીનાં દેરાંની ઓથ લઈ પોણોસો વાઘેરો સાથે મૂળુ માણેક પડ્યો હતો. એની સામે નગર વડોદરાની મળી નવ સો માણસની ફોજે, નીચલે ગાળેથી મોરચા માંડ્યા. ફોજની પાસે નવી નવી ઢબનાં હથીઆર છે, દારૂગોળા છે: ને વાઘેરો તો જેવાં જડ્યાં તેવાં હથીઆરે ટક્કર લઈ રહ્યા છે.
રોંઢા સુધી ટપાટપી બોલી, પણ ગીસ્તને વાઘેરો પાછી ન વાળી શક્યા. ધીરે ધીરે ગીસ્ત પગલાં દબાવતી ઓરી આવવા લાગી. બહારવટીયાની પાસે દારૂગોળો ખૂટી ગયો. મુળુ મરણીયો થયો. એણે આજ્ઞા દીધી કે “બાલબચ્ચાંને ડુંગરાની પાછલી બાજુએ ઉતારી નાખો. અને છેલ્લી વારના ‘જે રણછોડ’ કરી જૂદા પડી જાઓ !”
પોણોસો વાઘેરો તરવારો દાંતમાં ભીંસીને છેલ્લા અક્કેક બબ્બે ભડાકા જેટલા દારૂવાળી બંદૂકો સાથે હેઠા ઉતર્યા, પણ ઉપરથી આવતા પોણોસોનો ધસારો એ ફોજને પંદરસો જેટલો લાગ્યો.
ગીસ્ત ભાગી. પોણોસો મરણીયાના હલ્લા નિહાળતાં જ ગીસ્તના આત્મામાંથી રામ ગયા. આડી અવળી ગાળે ગાળે અટવાતી ફોજ ઉપડી અને મૂળુએ હાકલ કરી કે “ભજો મા ! પે ભજો મા ! નીમક લજાવો મા, જુવાન્યો ભજો મા !” પણ ગીસ્ત તો ભાગી તે ભાગી જ.
“ખબરદાર ભાઈ !” મુળુએ માણસોને કહ્યું: “ભજાને માથે ઘા ન કરજો હો કે !”
ભાગતા શત્રુની ઉપર ઘા ન કરવાનું વાઘેર બહારવટીઆનું બિરદ હતું. તે પ્રમાણે વાઘેરોએ બંદૂક વછોડવી બંધ કરી. પણ બંદૂકના ધુમાડા વીખરાયા અને ઉઘાડા અજવાળામાં વાઘેરોએ એક આદમીને ઉભેલો દીઠો: જાણે મસ્જીદમાં નમાજ પડતે હોયની એવો અચળ બની ઉભો છે, એને મોતનો ડર નથી.
બુંગણ ઉપર દારૂગોળા ને હથીઆરોને પથારો પડ્યો છે. ખાવાનાં ભાતાં પડ્યાં છેઃ અને એ બધાની વચ્ચે ઉભો છે એક જુવાન આદમી: હાથમાં છે જમૈયો: જમૈયો ચક ! ચક ! ચક ! ચક ! થઈ રહ્યો છે. જુવાનને ઝીણી પાતળી દાઢી છે. મુસલમાન દેખાય છે. પણ નકલ નહિ, અસલ મુસલમાન છે: આરબ છે: ભેટમાં ત્રણ ચાર જમૈયા ધબ્યા છે.
ધસારો કરતો બહારવટીયો ઉભો રહી ગયો. પાછળ ધસી આવતાં માણસોને પોતે પંજો આડો ધરી અટકાવ્યા. અને હુકમ કર્યો : “એને કેડી દઈ દ્યો બેલી : એ બહાદુર છે : નવસોમાંથી એકલો ઉભો રહ્યો છે, એને માથે ઘા ન હોય. કેડી દઈ દ્યો.”
માણસોએ મારગ તારવી દીધો. શત્રુને ચાલ્યા જવાની દિશા દીધી.
પણ શત્રુ ખસતો નથી.
એ તો ઉભો જ છે; હાથમાં ઉગામેલો ચક ! ચક ! જમૈયો ; ઠરેલી આંખો : ભરેલું બદન : ગુલાબના ગોટા જેવું મ્હોં : એવો શત્રુ, ભાગી ગયેલી ગીસ્તના દારૂગોળા ને સરંજામની વચ્ચે, બુંગણ ઉપર ઉભો છે. એકલો ઉભો છે.
બહારવટીયો નિરખી નિરખીને જોઈ રહ્યો. બોલ્યો “શાબાશ બેલી ! છાતીવાળા જુવાન ! ચાલ્યો જા દોસ્ત ! તુંને ન મરાય ! તું શૂરો : ચાલ્યો જા !”
તો ય આરબ ઉભે છે. બહારવટીયાને દારૂગોળો હાથ કરવાની ઉતાવળ છે, આકળો બહારવટીયો ફરી પડકારો કરે છે કે
“હટી જા જુવાન, ઝટ હટી જા !”
જુવાનના હોઠમાંથી અવાજ નીકળ્યો “નહિ હટેગા !”
“અરે બાપ ! હટી જા. તું આંહી જાને નથી આવ્યો.”
“નહિ હટેગા ! હમ નીમક ખાયા ! હમ નહિ હટેગા !”
“અરે ભા ! હટી જા, અમારે દારૂગોળો હાથ કરવો છે.”
“યે મેઘજીન, ઔર દારૂગોળા, હમારા સિર સાટે. સિર પડેગા, પીછે ઇસ સરંજામ પર તુમારા હાથ પડેગા. હમ નહિ હટેગા. હમ નીમક ખાયા.”
બહારવટીયાએ આ વિલાયતી જૂવાનના ગુલાબી બદન પર સાચો રંગ પારખ્યો. સાથીઓની તરફ વળીને કહ્યું કે “આવા વીરને એકલાને આપણે સામટા જણ ભેળા થઈને મારી પાડીએ ઈ શોભે ! બોલો ભાઈઓ !”
માણસો બોલતાં નહોતાં. જમૈયાવાળા જુવાનને જોઈ રહ્યાં હતાં. જુવાન અબોલ હતો, પણ એના દેખાવની ખુમારી જાણે હાકલ કરી કરીને બોલતી હતી કે “નહિ હટેગા, નીમક ખાયા.”
મુળુએ આજ્ઞા કરી : “આવો બેલી ! આપણે સહુ બાજુએ બેસી જાયીં. આપણામાંથી એક એક જણ ઉઠે. ને આ જોવાનની હારે જુદ્ધ માંડે. બાકી ઈ પડે ત્યાર પહેલાં એના સરંજામને અડવું અગરાજ છે. ”
બધા જણ બાજુએ બેઠા. એક જુવાન ઉઠીને આરબ સાથે બાખડ્યો. નીમકની રમત રમતો રમતો આરબ આખરે પડ્યો. મુળુએ મરતા શત્રુની પીઠ થાબડી :
“શાબાશ તારી જણનારીને જુવાન !”
આરબની લાશ ઉપર બહારવટીયાએ કીનખાબની સોડ્ય ઓઢાડી, લોબાનનો સુગંધી ધુપ દીધો, અને મુસલમાનની રીતે બહારવટીયાએ જુવાનને દફનાવ્યો.
વાત કરનાર મકરાણી અભરામે કહ્યું કે “બાપુ ! હું યે ઈ નવસો જણાની ગીસ્તમાં હતો. ભાગવાનું વેળુ ન રહેવાથી હું ઝાડવાની ઓથે સંતાઈ ગયો’તો. સંતાઈને મેં આ આખો ય કિસ્સો નજરોનજર દીઠો’તો. જેવું જોયું છે તેવું જ કહું છું.”
૨૮
ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલર મરચાં જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા:
“મુરૂભા ! છાતી થર રાખો. હવે કાંઈ મુવેલો દેવોભા પાછો થોડો આવે તેમ છે ?”
“બેલી ! ભાઈ મૂવો તે કારણે નથી હું રોતો. એવા સાત ભાઈને પણ રણછોડરાયના નામ માથે ઘોળ્યા કરૂં, પણ દેવો તો અમારા કુળને બોળીને મુવો.”
થોડીવાર બહારવટીયો છાનો રહ્યો. પછી બોલ્યો “મારી મનની મનમાં રહી ગઈ. દેવાના કટકા મારાથી થઈ શક્યા હોત તો મારા હાથ કેવા ઠરત ! દુનિયાને દેખાડત કે ભાઈએ સગા ભાઈને અધરમ સાટુ છેદી નાખ્યો. પણ હવે બાજી ગઈ.”
“મુરૂભા ! માછરડાને પાદર વડલા નીચે સાહેબોએ દેવુભાની લોથ લટકાવી છે.”
“ભલે લટકાવી. જગત જોશે કે અધર્મીના એવા હેવાલ હોય. રંગ છે સાહેબોને. ભલે એની કાયાને કાગડા કૂતરા ખાતા.”
“મુરૂભા ! હવે ઈ લોથમાં તો દેવુભાને આતમા નથી રહ્યો. પાપનો કરનારો પ્રાણ તો ચાલ્યો ગયો છે. અને ખોળીયું તો હિન્દુ મુસલમાન સહુને મન સરખું જ પાક લેખાય. એ ખોળીયાને અવલ મંજિલ પોગાડ્યા વિના દેવુભાનો જીવ પ્રેતલોકમાં ઝંપશે નહિ.”
“ભલે, તો લઈ આવીએ. ”
માછરડાને પાદર પાકી ચોકી વચ્ચે દેવાનું મડદું લટકે છે. દેવાએ ન કરવાનું પાતક કર્યું. મૂળુએ જાકારો દીધા પછી દેવો પોતાનાં વીસ માણસોની સાથે ગામડાં ભાંગતો ને કુફેલ આચરતો. એક દિવસ બહારવટીયા બુટાવદર નામના ગામ પર પડ્યા. ગામ ભાંગ્યું. ગામનો કોઠો કબ્જે લીધો. હીણી મતિના ભાઈબંધોનો ચડાવ્યો દેવો દારૂમાં ચકચાર બન્યો. અને એ એ અક્કલના ખોઈ બેઠેલાના કાનમાં ભેરૂએ ફુક્યું કે “દેવુભા! આયરના દીકરાની વહુ:તારે લાયક એનાં રૂપ ! તું આ ગામનો રાજા કહેવા. હુકમ દે, ઉઠાવી લાવીએ!”
“રે’વા દે! દેવુભા, અલ્લાના કસમ છે તને ! એ કામો રે’વા દે ! ખુદાનો ખોફ ઉતરશે, રે’વા દે !”
મકરાણી સાથી સક્કર જમાદાર, કે જે ખંભાળીએથી દેવાની સાથે ભળેલો, તેણે આ બુરાઇમાંથી દેવાને ઘણો વાર્યો. પણ દેવાનો દેવ રૂઠ્યો હતો.
વરવો ચંદ્રવાડીઓ નામે આહિર: એના દીકરા શવાની આણાત સ્ત્રીને અધરાતે ઉઠાવી જઇ લંપટોએ કોઠામાં પૂરી. આખી રાત એ કાળો કોઠો આહિર અબળાના વિલાપે કમ્પતો રહ્યો. સવારે એને પાછા ઉઠાવી ઘેરે નાખી ગયા.
બીજા દિવસની અધરાત પડી. કોઠામાંથી કુકર્મીઓ ફરીવાર વછૂટ્યા. આહિરને ઘેર આવ્યા. ઘરમાં આહિરાણી ન દેખી. વરવાને પૂછ્યું.
“ક્યાં છે બાઈ? બતાવ.”
“હું નથી જાણતો.”
“દ્યો એને ડામ.”
વરવાને શરીરે જામગરીઓ ચાંપી ચાંપી ડામ દીધા. વેદના ન શહેવાણી ત્યારે વરવો માન્યો: “આ પટારામાં છે.”
પટારામાંથી બાઇને ઉઠાવી. પ્રભાતે એનું અધમૂવું ખોળીયું પાછું આવ્યું. ઓખામંડળની ધરતી પર નિસાસા વરસાવતી આહિરાણીએ શ્વાસ બંધ કર્યા.
બુઢ્ઢો આહિર વરવો જાણે આભને પૂછતો હતો કે, “ક્યાં જાઉં?”
“ઢાંકને ડુંગરે, જલદી પોગ, સાહેબોનું જૂથ છે.” ધીરે અવાજે એટલું બોલીને એક વટેમાર્ગુ ચાલ્યો ગયો.
મૂઠીઓ વાળીને વરવાએ હડી દીધી. શ્વાસેભર્યો, અંધારાભરી આંખે ઢાંક પહોંચ્યો. ગોરાઓની બંદૂકો ડુંગરાની અંદર દીપડાના શિકાર ખેલે છે. કાઠીઆવાડ એજન્સીના અંગ્રેજ અમલદારો, જેની જુવાની, જળભરપૂર સાયર જેવી છલકી રહી છે, તેના પગોમાં આહિરે માથું મેલી ધ્રૂશકે ધ્રૂશકે રોવા માંડ્યું. પોતાને માથે ગુજરેલા અકેકારની કથની કહી. જુવાન્ ગોરાનું લોહી તપી ગયું.પૂછ્યું,
“ક્યાં છે બદમાશો?”
“બુટાવદરના કોઠામાં.”
અંગ્રેજોએ ઘોડાં પલાણ્યાં. ઇ.સ. ૧૯૬૭ના ડીસેમ્બર મહિનાની ૨૯મી તારીખ છે. ગોરાઓનો પાક દિવસ છે. લૂંટારાઓને ઠાર કરી મોટાં ઇનામો મેળવવાના કોડ ઉછળે છે. આજનું ટાણું કેદિ’ આવશે? આવો સોંઘો સુજશ ફરી નહિ જડે.
કાલી પલટણના મેજર એચ.ડી. રેન્ડોલ
આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટ કેપ્ટન હેબર્ટ
આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટ લાટુશ
આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટહેન્ડરસન
કેપ્ટન હેરીસન
જમાદાર અલવી
જામનગર સીબંધીના જમાદાર નથુ આલા
જામનગર સીબંધીના રાજા બહાદુર જાલમસિંહ
એટલા જણાની સરદારીએ ફોજ ઉપડી. ઘોડાંનો ઘેર થઈ ગયો. બંદૂકોમાં કારતૂસ ચડી ગયા. આભ ધુંધળો થયો.
બુટાવદરના કોઠા ઉપરથી ચાડિકાએ ડમરી દીઠી એટલે દેવાને ચેતાવ્યો કે “ દેવુભા, વાર આવતી વરતાય છે.”
ફોજ પહોંચે તે પહેલાં તો કોઠા ઉપરથી ઠેકી ઠેકીને દેવાની ટુકડી ભાગી છૂટી. અને વ્હારે એનો પીછો લીધો. વાઘેરો ઉતરીને વડાળી ગયા. વડાળી થઈને નવાગામ નીકળ્યા. નવાગામના વાડમાં પલટનના માણસો આંબી ગયા. ધીંગાણું થયું. બે વાઘેર ને ત્રણ પલટનીયા કામ આવ્યા, પછી ફોજવાળાએ ઓડા બાંધ્યા. સાહેબે આજ્ઞા કરી કે “રાજા બહાદૂર જાલમસંગ ! તમે ફગાસીઆ અને જામવાળીના ડુંગર ઝાલો.”
જાલમસંગ ફગાસીએ ચાલ્યા. અને વાઘેરોએ માછરડાની ધાર ઝાલી.
માછરડાની ધાર તો નાની એવી ટેકરી છે. ચારે બાજુ મેદાન છે. ઉગમણી નદી ચાલી જાય છે. ટેકરી ઉપર કાંઈયે ઓથ નથી. ત્યાં વાઘેરોએ ખાડા ખોદીને જેવી તેવી આડશ કરી દીધી.
ત્રણસો હથીઆરધારીઓએ ત્રણ બાજુથી લુંટારાને વીંટી લીધા.
“સાહેબ !” ઉપર પહોંચવા માટે આકળા થઈ ગયેલા ગોરા સાહેબ લાટુશને રાવ બહાદુર પોપટ વેલજી નામના અધિકારીએ વાર્યા, “સાહેબ ! સાહસ નથી કરવા જેવું, ધીરા રહેજો !”
“હવે વાણીયો થા મા, વાણીયો !” એવો જલદ જવાબ આપીને લાટુશે ધાર ઉપર ઘોડાં મારી મૂકયાં.
ઉપરથી બહારવટીયાની ગોળીઓના મે વરસ્યા. પેડુમાં જખ્મ ખાઈને જુવાન લાટુશ ઘોડા ઉપરથી ઉછળ્યો. નીચે પટકાયો.
ફોજના ગોળીબારે વાઘેરોનો પણ સોથ વાળ્યો. દુષ્ટ દેવોભા પણ છેલ્લે છેલ્લે ખરી બહાદૂરી બતાવતો, જખ્મોમાં વેતરાઈ જઈને ઢાલને ટેકે પડ્યો હતો. બાજુમાં બે જોટાળી બંદૂક હતી. મરતો મરતો એ મીંયા અલ્વીની વાટ જોતો હતો. અલ્વીને પોતાની સાથે લઈ જવાની એની છેલ્લી ઈચ્છા હતી. એ વખતે લાટુશના મોતથી વિફરેલો હેબર્ટ હાથમાં ઉઘાડી તલવાર લઈ ઘૂમે છે. એવે એણે એક જગ્યાએ દેવાને પડેલો દીઠો. એને મુવેલો માની ગોરો તલવારની અણી હૂલાવવા ગયો. મરણની તૈયારી કરતા વાઘેરે સુતાં સુતાં પોતાના પડખામાં પડેલી બંદૂક ઉપાડી હેબર્ટને ત્યાં ને ત્યાં ફુંકી દીધો અને પોતે પણ થડકારાથી શ્વાસ છોડ્યો. (કહે છે કે લાટૂશને પણ દેવાએ ત્યાં જ મારેલો.)
એ ધીંગાણાંમાં કામ આવેલા ઓગણીસ જણની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ.
મધરાતે મુળુ માણેક આવી પહોંચ્યો. ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું.
માણેકે માંડવ રોપીયા, વાગે ત્રંબક તૂર,
દેવે ખાગેથી ડંસીયા હેબર્ટ ને લટૂર.
[માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તલવારથી હેબર્ટ અને લટૂશ, બન્ને ગોરાઓને માર્યા.]
માછરડે શકત્યું મળી પરનાળે ૨ગત પીવા,
અપસ૨ થઈ ઉતાવળી વર દેવો વરવા.
[કીનકેઈડનું ભાષાન્તર:
On Macharda Hill the Goddess (Kali)
came to drink the blood of men
And the Apsuras came in haste to wed
the hero dev (Manik). ]
આજે ત્યાં-માછરડા પર બે સાહેબોની કબરો છે.
બુઢ્ઢા વાઘેરો દ્વારકાને બંદીખાને પડ્યા પડ્યા રોજેરોજ અને પ્હોરે પ્હોરે ધીંગાણાંના સમાચારની વાટ જેવે છે. બહારવટામાં કોણ કોણ મર્યું તેની બાતમી આ બુઢ્ઢાઓને દરોગો આપ્યા કરે છે. એ રીતે આજે આવીને દરોગાએ સંભળાવ્યું કે “રવા માણેક !”
લબડતી ચામડીવાળા, સુકાએલા વાઘેર કેદીએ ઉચું જોયું.
“રવા માણેક ! માછરડાની ધારે તારો દેવો મર્યો.”
સૂકું મ્હોં મલકાવીને કેદીએ માથુ ધુણાવ્યું : “મરે નહિ, જેલર સાબ ! મારો દેવડો આમે આમે મરે નહિ. ખોટી વાત.”
દરોગાએ કહ્યું “બુઢ્ઢા, દેવો બે ગોરાને મારીને મર્યો.”
સાંભળતાં જ બુઢ્ઢાની આંખ ચળકી. ટટ્ટાર થઈને એણે પુછયુ “બે ગોરાને ?”
“હા, હેબર્ટ અને લાટુશ બેને.”
“આહા ! ભો દેવડો ભેા ! રંગ આય ! રંગ આય ! રંગ દેવડો !”
એટલું બોલતાં બુઢ્ઢો હરખના ઉન્માદમાં ત્યાં ને ત્યાં ઢગલો થઈ પડ્યો. પોરસથી એની છાતી ફુલાણી અને શ્વાસ ચાલ્યો ગયો.
૨૯
“મુરૂભા આ વાડીની ઘટા ઠાવકી છે. ભૂખ્યા થાક્યા આંહી જ વિસામો લઈએ.”
“હા વેરસી ! માણસું અનાજની ના પાડશે. પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે ?”
હસીને જવાબ દેતાં દેતાં બહારવટીઆએ પોતાના દુબળા દેહ ઉપરથી હથીયાર છોડ્યાં. બરડાના વાછરડા ગામની સીમમાં એક વાડીનાં ઘટાદાર ઝાડવાં હેઠળ એણે પોતાનું થાકેલું ડીલ પડતું મેલ્યું. ભૂખ અને ઉજાગરે એના પહાડી દેહને પણ પછાડી નાખ્યો હતો.
વૈશાખની ઉની લૂ વાતી હતી. ચારે કોર ઝાંઝવાં ! ઝાંઝવાં ! ઝાંઝવાં ! જાણે નદી સરોવર ભર્યા છે; ને કાંઠે મોટી નગરીઓ જામી પડી છે !
બીજા ચાર સાથીડા ભેળા હતા તેણે પણ હથીયાર પડીયાર ઉતારીને ઓસીકે મેલ્યાં. ઝાડને થડ ટેકો દઈ પરાણે હસતું મ્હોં રાખતો બહારવટીયો બોલ્યો:
“જોયું ભાઈ જગતીયા ! આ ઝાંઝવાં જોયાં ! ઓખો જાણે આઘો ઉભો ઉભો હાંસી કરી રહ્યો છે ! અરે ભુંડા ! પાંજો વતન થઈને ટરપરાવછ ? અટાણે ?”
મુળુએ મ્હોં મલકાવ્યું : એની આંખેામાં જળજળીયાં છલી આવ્યાં.
હાદો કુરાણી જોઈ રહ્યો : “હઠ મુરૂભા ! કોચવાઈ જવાય કે ?”
“અરે ના રે ના ! ઈ તો મુંને જોધો કાકો ને દેવોભા સાંભરી આવ્યો. પંદરસોની ફોજ ફેરવતા, તેમાંથી આજ પાંચ રહ્યા હવે પાંચમાંથી તો કોઈ ખસે એમ નથી ને ભાઈ ? ”
નાગસી ચારણે પોરસ ચડાવ્યો: “આ પાંચ તો પાંડવું જેવા રીયા છીએ મુરૂભા. હવે તે ખસીએં ? આવો સાથ છોડીએ ?”
“અને હવે ક્યાં ઝાઝા દિ’ કાઢવા છે ? ઠીક લાંઘણું થાવા લાગી છે. હવે તો દ્વારકાનો ધણી વેલી વેલી દોરી ખેંચી લેશે !” મૂળુ પરાણે હસતો હસતો બોલ્યો.
“એ… ભૂખનો વાંધો નહિ મુરુભા ! ” વેરસી બગાસું ખાતો બોલ્યો: “ભૂખ ખમાય, ઉજાગરા ન ખમાય. અટાણે ભલેને કોઈ ભોજન ન આપે ! કાંઈ ઉંઘવાની કોઈ ના પાડે એમ છે ? ઉંઘ કરીને ભૂખ વિસરશું.”
સહુએ એક પછી એક બગાસાં ખાધાં.
“મૂરૂભા ! હથીયાર છોડવાનુ મન થાય છે ?”
“હવે હથીઆર છોડું ? કિનારે આવીને બુડું ? અટાણે તો દેવાવાળું ગીત મ્હોંયે ચડે છે.”
ધીરે કંઠે મુળુ ગાવા લાગ્યો:
ના રે છડિયાં હથીયાર અલાલા બેલી !
મરણેજો હકડી વાર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં હથીયાર !
[હથીઆર નહિ છોડીએ. અલ્લા ! અલ્લા ! કરો ઓ ભાઈઓ ! એક વાર મરવું તો છે જ. દેવોભા કહે છે કે ઓ વંકડા મરદ મુળુભા ! આપણે હથીઆર નહિ છોડીએ.]
પેલો ધીંગાણો પીપરડીજો કીયો ઉતે
કીને ન ખાધી માર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર !
પહેલું ધીંગાણું પીપરડીનું કર્યું. ત્યાં કોઇએ માર ન ખાધો.]
લટૂર હેબટજી વારૂં રે ચડિયું બેલી !
ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર.
[હેબટ લટૂરની ફોજ ચડી, ત્યારે માછરડાની ધાર પર ચડ્યા.]
જોટો ૨ફલ હણે છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર.
[જોટાળી રાઈફલ છાતીએ ચડાવીને કહ્યું કે જોઈ લેજે હેબટ લટુર ! મારો ઘા કેવો થાય છે.]
દાબે પડખે ભૈરવ બોલે જુવાનો !
ધીંગાણેમેં લોહેણજી ઘમસાણ, દેવોભા ચેતો-મુરૂભા૦
[ડાબી બાજુએ ભેરવ-પક્ષી બોલ્યું છે. માટે આજ તો ધીંગાણામાં લોઢાનાં ઘમસાણ બોલશે. આજ મરશું એવાં શૂકન દેખાય છે.]
ચારે જણા લ્હેરથી ગીત ઝીલવા લાગ્યા. ગાઈને ભૂખદુ:ખ વિસરવા લાગ્યા.
ગાતો ગાતો મુળુ ઝોલે ચડ્યો, નીંદરે ઘેરાણો. ચારે સાથીડાનાં પોપચાં પણ ભારી થવા લાગ્યાં. ભેળો એક જણ ચાડીકો હતો. એને બેસાડ્યો ઝાડ માથે. અને પાંચેને નીંદરે ઢાળી દીધા. લાંઘણો, ઉજાગરા અને રઝળપાટ થકી લોથપોથ થયેલાં શરીરો ઘસઘસાટ નખાઈ ગયાં. બંદુક લઈને ઝાડ ઉપર બેઠેલ ચાડીકાને પણ ઝોલાં આવવા લાગ્યાં. બંદુક પર ટેકો લઈને એ પણ જામી ગયો.
સીમમાં એક આદમી આંટા મારે છે. એણે આ સૂતેલા નરોને નિરખ્યા. ઓળખ્યા. બાજુમાં જ પોરબંદરની ફોજ પડી હતી તેને જઈ વાવડ દીધા.
ફોજનો દેકારો બેાલ્યો ત્યારે બહારવટીયા જાગ્યા. મુળુને મીઠું સ્વપ્નું ચાલતું હતું. જાણે ગાયકવાડી સૂબા બાપુ સખારામે એને બે હજાર કોરી આપી છે ને પોતે એ પૈસા ખરચી પરણવા ગયો છે: ફુલેકે ચડ્યો છે: રૂપાળી વાઘેરાણી જાણે રાતના છેલ્લે પહોરે એનું કપાળ પંપાળે છે.
એ મીઠું સોણું ભાંગી ગયું. જાગે ત્યાં સામે મોત ઉભું છે. બહારવટીઓ ઉઠ્યો. ગીસ્તની સન્મુખ પગલાં માંડ્યાં. ભેરૂઓએ હાકલ દીધી:
“મુળુભા ! આમ આભપરા દીમના.”
“ના ભાઈ, હવે તો રણછોડરાયજીના દીમના !”
બહારવટીઓ ફોજની સન્મુખ ચાલ્યો. વાર આંબે તે પહેલાં તો પાંચ જણાએ ગામ બહારના એક ઘરનો ઓથ લીધો. એ ઘર ઢેઢનું હતું.
વારમાંથી હાકલ પડી: “તલવાર નાખી દે, જીવવું હોય તો.”
જવાબમાં ખોરડામાંથી બહારવટીયો ગહેક્યો: ભેળા ચારે ભેરૂએ સૂર પૂરાવ્યા: શૂરવીરોએ જાણે પોતાના મોત વેળાની પ્રાર્થના ઉપાડી :
ના છડીયાં તલવાર અલ્લા લા બેલી !
મરણે જો હકડી વાર ! દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડીયાં તલવાર.
કીનકેઈડ આના ભાષાન્તરમાં પણ બહુ છૂટ લે છે: એ લખે છે !
Here is a quatrain that was supposed to have
“એ ભાઇ ! જીવવા સાટુ નો’તા નીકળ્યા. અને પે ! આવી જાવ. મરદુંના ઘા જોવા હોય તો ઓરા આવો. આઘે ઉભા ઉભા કાં પડકારા કરો ?”
પાંચ જણા ખોરડામાં ભરાઈ બેઠા હતા, પણ રાજનાં પાંચસો જણમાંથી કોઈની છાતી નહોતી કે પડખે આવે, છેટેથી જ બંદુકોનો તાશેરો થયો.
પણ બંદુકની ઝીંકે ખોરડું પડ્યું નહિ. બહારવટીઆએપણ સામો ગોળીએથી જવાબ વાળ્યો.
“એલા સળગાવો ખોરડું ? ” ગીસ્તમાં ગોઠવણ થવા લાગી.
બંદુકના ગજ સાથે દારૂની કોથળી ટીંગાડી કોથળીની સાથે લાંબી જામગરી બાંધી. જામગરી સળગાવીને ગજનો ઘા કર્યો. ખોરડા ઉપર પડતાં જ દારૂને દા લાગ્યો. ઘડીકમાં તો ખોરડાને મોટા મોટા ભડકાએ ઘેરી લીધું.
જયારે બહારવટીઓ ધુમાડે મુંઝાઈ ગયા, ત્યારે મુળુએ પોતાના ચારણ ભેરૂને સાદ દીધો : “નાગસી ભા ! તું ચારણ છે. માટે તું મારૂં માથુ ઉતારી લે. મારૂં મોત ગીસ્તને હાથે બગડવા મ દે. મારૂં માથુ વાઢીને ફોજ લઈ જાશે અને મલકને દેખાડશે, એથી તો ભલું કે તુ દેવીપૂતર જ વાઢી લે.”
ચારણ ધ્રૂજી ઉઠ્યો. મુળુભાનું માથું વાઢવાનું જોર એની છાતીમાં નહોતું . દડ ! દડ ! દડ ! ચારણનાં નેત્રોમાંથી નીર દડી પડ્યાં.
been chanted as the storming party carne up and from its spirit, might have been sung on “the banks of the proud Hurotaa:-
“Hear the brothers Manik aay,
“Fame or death be ours to-day,
“Captives we ahall never be,
“Death may find, but find us free.
“બસ ! ચારણ ! મારૂં મોત બગાડવું જ ઠર્યું કે ? ઠીક ત્યારે બેલી, ઉઘાડી નાખો બારણું.”
પાંચે જણા બહાર નીકળ્યા. સામેથી ગોળીઓની ઝીંક બોલી અને આંહી છેલ્લા નાદ સંભળાણા:
“જે રણછોડ ! જે રણછોડ ! જે રણછોડ !”
ઈંદર લોકથી ઉતરીયું, રંભાઉં બોળે રૂપ
માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થીયા ભૂપ.
[ઇંદ્રલોકથી રંભાઓ મહા રૂપ લઈને ઉતરી: જ્યાં ભૂપતિઓ ભેળા થયા છે અને મૂળુ માણેક પરણે છે ત્યાં–રણક્ષેત્રમાં.]
નારીયું નત્ય રંડાય, નર કેદિ રંડાય નહિ,
ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો.
[સ્ત્રીઓ તો રંડાય છે. પણ પુરષ કદિ રંડાતો નથી. છતાં આજ તો મૂળુ માણેક મરતાંઓખો (ઓખામંડળ) કે જે પુરૂષવાચક છે, તે રાંડી ૫ડ્યેા. નિરાધાર બન્યો.]
[કોઈ જાણકારો એમ પણ કહે છે કે મુળુ માણેક છેલ્લી વાર ટોખરા પાસે ઘેરાણો ત્યારે તેના સાથી હરદાસ રબારીએ કહ્યું “મુળુભા ! તું એકલો બહાર નીકળી જા, તું એકડો આબાદ રહીશ તો મીંડાં તો ઘણાં ચડી જશે.” મહા મહેનતે મુળુ માણેકે આ સલાહ સ્વીકારી;- ધાબળો ઓઢી, તલવારનો પટો કાઢી બહાર નીકળ્યા. પણ ધાબળાનો છેડો ઉંચો થઈ જતાં ડાબા પગમાં રાજચિન્હ તરીકે સોનાનો તોડો હતો તે દેખાઈ જતાં જ મકરાણી જમાદાર શોરાબ વાલેછંગાએ ઘા કર્યો ને બહારવટીયાને મારી પાડ્યો. પછી તો કાઠીઆવાડમાં ખબર પડતાં, વાઘેરોના પોરસવાળો એક સરવૈયો રાજપૂત સો ગાઉ ઉપરથી ઘોડે ચડીને આવ્યો અને મુળુ માણેકના મારનાર એ જમાદાર શોરાબ વાલેછંગાને ગોતીને ઠાર માર્યો.]
૩૦
પોરબંદરની બજારમાં શેઠ નાનજી પ્રેમજીની દુકાન પર ગીસ્ત ઉભી છે. વચ્ચે પડ્યું છે એક વાઢી લીધેલું માથું : કાળો ભમ્મર લાંબો ચોટલો વીખરાણો છે. નમણા મોઢા ઉપર લોહી રેળાયા છતાં યે મ્હોં રૂડપ મેલતું નથી.
હમણાં જાણે હોઠ ફરફરાવીને હોંકારો દેશે ! એવા માથા ઉપર ગીસ્તના માણસો દારૂ છંટાવતા હતા.
પાસે ઉભેલા એક નાગર જુવાને એ વાઢેલા માથાની મુખમુદ્રા ઓળખી એના મ્હોંમાંથી વેણ નીકળી પડયું કે “આ તો મુળુ માણેકનું માથુ !”
પચાસેક આંખો એ બોલનાર ઉપર ચોંટી ગઈ. સહુને અજાયબી થઈ. મીયાં અલ્વીનો એક જાસૂસ પડખે ઉભો હતો તેણે આ નાગર જુવાનને નરમાશથી પૂછ્યું “તમે કેમ કરીને જાણ્યું ભાઈ !”
એક જ પલમાં જુવાન ચેતી ગયો. એ માથાના ધણીને વારેવારે દીઠેલો, ઘેરે નોતરેલો, પ્રેમથી હૈયા સરસો ચાંપેલો, એ બધી વાત ભૂલીને જવાબ દીધો કે “એ તો બહુ રૂપાળું મોઢું છે, તેથી એમ લાગ્યું.”
વાત અટકી ગઈ. નાગર બચ્ચો અણીને સમયે ઉગરી ગયો, અને એ રૂપાળા માથાને કપાએલું દેખી, ભાંગી પડતે હૈયે ઘર તરફ ચાલ્યો ગયો.
ગોમતીએ ઘૂંઘટ તાણીયા, રોયા રણછોડરાય !
મોતી હુતું તે રોળાઈ ગીયું, માણેક ડુંગરમાંય.
[ગેામતીએ શોકથી મ્હોં પર ઘૂમટો ઢાંક્યેા. રણછોડરાય પણ ૨ડ્યા. કેમકે માણેક રૂપી મહામેાલું મોતી ડુંગરમાં નાશ પામ્યું.]
ઐતિહાસિક માહિતી
૧- વૉટસન કૃત ‘કાઠીઆવાડ સર્વ સંગ્રહ’ :પાનું ૧૧૬-૧૧૭ ૩૧૩-૩૧૮ : વૉટસનનું વર્ણન ઉપરછલ્લું અને અમલદારશાહીની એકપક્ષી દૃષ્ટિથી જ લખાએલું છે.
૨. ‘ઓખામંડળના વાઘેરોની માહિતી’: રચનાર- દુ. જ. મંકેાડી તથા હ. જૂ. વ્યાસ, દ્વારકા; મૂળ રા. સા. ભગવાનલાલ સંપતરામે લખેલ ઈતિહાસ પરથી ઉતારેલું આ પુસ્તક ઈ. સ. ૧૮૯૫માં પ્રગટ થયેલું. એમાં સારી પેઠે, સમતોલ અને પ્રયત્નપૂર્વક એકઠી કરેલી માહિતી છે.
૩. મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્ર રૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશી ભાઈ, કે જે આમાંની અમૂક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હૈયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે.
૪. આ નવી આવૃત્તિમાં ઝીણી મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષી રૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 1
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 2
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 3
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 4
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો