જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 3

દ્વારકાના અંગ્રેજ હાકેમના બંગલામાં મડમ મેરી પોતાના સ્વામી બારટન સાહેબની સાથે જીકર લઈ બેઠી છે : સાહેબ ઓરતને સમજાવે છે:  “મેરી, તું હઠીલી થા નહિ આજ આપણે આંહી સરકારી હાકેમ બનીને આવેલ છીએ. આંહી વાધેરોનું બહારવટું સળગે છે. આપણે સેલગાહે નથી આવ્યા !”

“ના ના. ચાહે તેમ કરો, મારે જોધા માણેકને જોવો છે. એની બહાદુરીની વાતો સાંભળ્યા પછી મારી ધીરજ રહેતી નથી.”

“પણ એ બહારવટીયો છે, બંડખોર છે. એના શિર પર અંગ્રેજોની કતલનો આરોપ ઉભો છે. એને છુપા મળાય જ નહિ. એને તો જોતાં જ ઝાલી લેવો જોઈએ.”

“એક જ વાત સ્વામી ! મારે એ શુરવીરને નિરખવો છે.”

સાહેબનો ઈલાજ ન રહ્યો. એણે જોધા માણેકને આભપરેથી ઉતારી લાવવા માટે દ્વારકાવાળા રામજી શેઠને આજ્ઞા કરી. રામજી શેઠ અકળાયો.

“સાહેબ, એકવચની રહેશો ! દગો નહિ થાય કે ?”

“રામજી શેઠ, મારી ખાનદાની પર ભરોસો રાખીને બોલાવો.”

રામજીએ આભપરાની ટોચે છુપા સમાચાર પહોંચાડ્યા કે “જોધાભા આવી જજો. સમાધાની થાય તેવું છે.”

જોધો ઉતર્યો. ઓખાનું માણેક ઉતર્યું. રૂપની તો સોરઠમાં જોડી નહોતી. આજાનબાહુ : મસ્ત પહોળી છાતી : બાજઠ જેવા ખંભા: વાંકડી મૂછો : જાડેજી દાઢી: મોટી મોટી આંખોમાં મીઠપ ભરેલી : ને પંડ પર પૂરાં હથીઆર : આજ પણ ભલભલાઓ પોતાના વડીલોને મ્હોંયેથી સાંભળેલી એ વાઘેર રાજાનાં અનોધાં રૂપની વાતો કરે છે.

ગામ બહારની ગીચ ઝાડીમાં આવીને જોધાએ પડાવ નાખ્યો. રામજીભાને સમાચાર મોકલ્યા. રામજી શેઠ મડમ પાસે દોડ્યો. સવારથી મડમનું હૈયું હરણના બચ્ચાની માફક કૂદકા મારતું હતું. આજ કાઠીઆવાડી જવાંમર્દીનો નમૂનો જોવાના એના કોડ પૂરા થવાના છે. અંગ્રેજની દીકરીને બહાદૂર નર નિરખવાના ઉછરંગ છે.

“મડમ સાબ ! જોધો માણેક હાજર છે.”

“ઓ ! ઓ ! એને આંહી ન લાવજો ! આંહી ન લાવજો ! કદાચ સાહેબ ક્યાંઈક દગો કરે ! આંહી કચેરીમાં નહિ, પણ બહાર જંગલમાં જ મળવાનું રાખજો !”

મેરીના અંતરમાં ફિકરનો ફફડાટ હતો. પોતાના ધણી ઉપર પણ એને પૂરો વિશ્વાસ નહોતો બેસતો.

સાહેબે ખુશીથી બહાર જઈને મળવાનું કબુલ કર્યું. રામજી શેઠ પોતાના રાજાને ખબર દેવા ગયા. એ બુઢ્ઢા ભેરૂને દેખતાંની વાર જ જોધો સામે દોડ્યો. ભાટીઆને બથમાં ઘાલીને મળ્યો અને ઉભરાતે હૈયે બોલ્યો “રામજી ભા ! જીરે જીરે મલ્યાસીં પાણ ! પાંકે તો ભરોંસો ન વો !” [ રામજીભાઈ ! જીવતાં જીવત આપણે મળ્યા ખરા ! મને તો ભરોસો નહોતો.]

રામજી શેઠની છાતી પણ ભરાઈ આવી. ભેળો પોતાના દીકરાનો દીકરો રતનશી, દસ વરસનો હતો, તે આ ભાઈબંધીનાં હેત જોઈ રહ્યો. [રતનશી આજે બેટમાં હયાત છે.]

સાહેબ આવ્યા. મડમ આવ્યાં. બન્નેએ જોધાની સાથે હાથ મિલાવ્યા. ગોરાં વરવહુ એ ઘઉંવરણા અને અભણ બળવાખોરની ખાનદાન મુખમુદ્રા સામે પ્રેમભીની મીટ માંડી જોધાની રેખા યે રેખાને જાણે પીવા લાગ્યાં. સાહેબ મડમ સામે જુવે, ને મડમ સાહેબ સામે જુવે. બેયની આંખો જાણે જોધાને માટે કાંઈક વાતો કરી રહી છે. મડમનું અબોલ મ્હોં જાણે કરૂણાભરી ભાષામાં કહી રહ્યું છે કે “ઓખા મંડળનો સાચો માલીક તો આ આપણે તો ફકત બથાવી પડ્યાં. આનાં બાળ બચ્ચાંનું શું ? એની ઓરત કયાં જઈ જન્મારો કાઢશે ? કાંઈ વિચાર થાય છે ?”

મડમની આંખો પલળતી દેખાણી. બાર્ટને કહ્યું “જોધા માણેક ! તમે આંહી મારી પાસે નજરકેદ રહેશો ? હું તમારૂં બહારવટું પાર પડાવું. તમારો ગુન્હો નથી. ગુન્હો તો તમને ઉશ્કેરનારનો છે. આંહી રહો. હું તમારે માટે વિષ્ઠિ ચલાવું.”

જોધાએ રામજીભા સામે જોયું. રામજી તો વટનો કટકો હતો. તેણે કહ્યું “ના સાહેબ, જોધોભા તો ઓખાનો રાજા છે. એને નજરકેદ ન હોય, એ તો છુટો જ ફરશે. બાકી હું એનો હામી થઈને રહેવા તૈયાર છું.”

“રામજી શેઠ ! હું દિલગીર છું, કાયદાએ મારા હાથ બાંધી લીધા છે. એને હામી ઉપર ન છોડાય. તમે એને આંહી રહેવા દ્યો. હું એને રાજાની રીતે રાખીશ.”

“ના ! ના ! ના !” બુઢ્ઢા રામજીએ ડોકું ધુણાવ્યું: “મારે ભરોસે આવેલા મારા રાજાને માથે ક્યાંઈક દગો થાય, તો મારી સાત પેઢી બોળાય ! હું ન માનું, જોધાભા ! પાછા વળી જાવ.”

સાહેબે અફસોસ બતાવ્યો. મડમ તો બહારવટીયાની મુખમુદ્રા ઉપર ઉઠતા રંગોને જ નિરખે છે. આખરે જોધો ઉઠ્યો. સાહેબ મડમે ફરી હાથ મિલાવ્યા, કાળી મોટી આંખોમાંથી મીઠપ નીતારતો બહારવટીયો રણછોડરાયના મંદિર તરફ ઉભો રહ્યો, હાથ જોડ્યા. આભપરા દીમનો વળી નીકળ્યો. એનાં નેત્રો બોલતાં હતાં કે “ઓખાને છેલ્લા રામરામ છે !”

ઝાડીમાં એનાં પગલાંના ધબકારા સાંભળતી મડમ કાન દઈને ઉભી રહી.

૧૪

દાત્રાણા ગામના ચોરા ઉપર માણસોનો જમાવ થઈ ગયો છે; અને એક ગોરો સાહેબ કમરમાં તલવાર, બીજી કમરે રીવોલ્વર, છાતી ઉપર કારતૂસોનો પટો, સોનાની સાંકળી વાળી ટોપી, ગોઠણ સુધી ચળકાટ મારતા ચામડાના જોડા, પહાડ જેવો ઘોડો અને ફકત પાંચ અસવારો, એટલી સજાવટ સાથે ઉભો ઉભો ગામના પટેલને પૂછે છે “કીધર ગયા બારવટીયા લોગ ?”

પટેલ જવાબ આપતાં અચકાય છે. એની જીભ થોથરાય છે. કોઈ જઈને બહારવટીયાને બાતમી આપી દેશે તો પોતાના જ ઓઘામાં બારવટીયા પોતાને જીવતો સળગાવી દેશે એવી એના દિલમાં ફાળ છે. સાહેબે પોતાનો પ્રભાવ છાંટ્યો કે

“ગભરાયગા, ઓર નહિં બોલેગા, તો પકડ જાયગા, હમ હમારા બલોચ લોગકો તુમારા ઘર પર છોડ દેગા. વાસ્તે સીધા બોલો, કીધર હે બારવટીયા ?”

“સાહેબ, ચરકલા, ગુરગઢ અને દાતરડાના પાદરમાં થઈને બહારવટીયા ભવનેશ્વરના ડુંગરમાં ને પછી આભપરા માથે ગયા છે.”

“કિતના આદમી ?”

“બારસો ! ”

“રોટી કોન દેતા હે ?”

“સાહેબ, અમારા ગામનો પાડાવાળો પોતાનો પાડો છોડાવવા આભપરે ગયો’તો, એ નજરે જોયેલ વાત કહે છે કે બારસો યે જણા પડખેની ખળાવાડોમાંથી બાજરો લાવીને ફક્ત એની ઘૂઘરી બાફીને પેટ ભરે છે. અને જોધો માણેક બોલ્યો છે કે જામ સાહેબના મુકલમાં પૈસા વડીયે ખાધાનું મળશે તો ત્યાં સુધી અમારે લોકોને લુંટવા નથી. નીકર પછી મોટાં ગામોને ધમરોળવાં પડશે.”

“અચ્છા ! સરકાર ઉસકી ચમડી ઉતારેગા !”

એટલું કહીને રતુંબડા મોઢાવાળા સાહેબે ઘોડો દોટાવી મૂક્યો, માર્ગે સાહેબને વિચાર ઉપડે છે : બાલબચ્ચાં, ઓરતો ને મરદો પોતાના નોકને ખાતર બાજરીનાં બાફણાં ઉપર ગુજારો કરે છે, એની સામે ટક્કર ઝીલવાનું આ ભાડુતી માણસોનું શું ગજું છે ?”

૧૫

આભપરા ઉપર દિવસ બધો ચોકી કરતા કરતા બહારવટીયા જૂના કોઠાનુ સમારકામ ચલાવે છે અને રાતે દાયરો ભેળો થઈ દાંડીયા રાસ રમે છે. વાઘેરણો પોતાના ચોક જમાવીને ડુંગરનાં યે હૈયાં ફુલાય એવે કંઠે રાસડા ગાય છે, એવા ગુલ્તાનને એક સમે ચોકીદારે જોધાની પાસે આવીને જણાવ્યું કે “બાપુ, હેઠલી ચોકીએથી વાવડ આવ્યા છે કે ચાર જણા તમને મળવા રજા માગે છે.”

“કોણ કોણ ?”

“દેવડાનો પટલ ગાંગજી, સંધી બાવા જુણેજાનો દીકરો, ને બે સૈયદ છે.”

“સૈયદ ભેળો છે ? ત્યારે તો નક્કી વષ્ટિ સાટુ આવતા હશે. સૈયદ તો મુસલમાનોનું દેવસ્થાનું કે’વાય. ગા’ ગણાય. એને આવવા દેજો ભા !”

એક પછી એક નાકું અને ચોકી વળોટતા ચારે મહેમાનો આભપરાના નવા રાજાઓના કડક બંદોબસ્તથી દંગ થાતા થાતા આવી પહોંચ્યા. જોધા માણેક તથા મુળુ માણેકને પગે હાથ દઈને મળ્યા. બોલ્યા કે “જોધા ભા ! વેર ગાયકવાડ સામે, અને શીદ જુનાગઢ જામનગરને સંતાપો છો ? અમે તમારૂં શું બગાડ્યું છે ?”

“ભાઈ, અમને સહુને જેર કરવા સાટુ તમારાં રજવાડાં શીદ ગાયકવાડ અને અંગ્રેજની સાથે ભળ્યાં છે, તેનો જવાબ મને પ્રથમ આપો. અમે એનું શું બગાડ્યું છે ?”

“પણ કોઈ રીતે હથીઆર મેલી દ્યો ? સરકાર ગઈ ગુજરી ભૂલી જવા તૈયાર છે.”

“ખબરદાર વાઘેર બચ્ચાઓ !” વીઘો સુમણીઓ ખુણામાંથી વિજળીને વેગે ઉભો થયો, “હથીઆર મેલશો મા નીકર મારી માફક કાળાં પાણીની સજા સમજજો. રજપૂત પ્રાણ છોડે, પણ હથીઆર ન છોડે.”

જોધાએ મહેમાનોને હાથ જોડી કહ્યું કે “એ વાત મેલી દ્યો. અમને હવે ઈશ્વર સિવાય કોઈ માથે ભરોસો નથી. અને મેં તો હવે મારા મોતની સજાઈ પાથરી લીધી છે. હું હવે મારો માનખ્યો નહિ બગાડું.”

પહાડ ઉપર જે કાંઈ આછી પાતળી રાબડી હતી તે પિરસીને મહેમાનોને જમાડયા. હાથ જોડી બેાલ્યો કે “ભાઈયું ! આપ તો ઘણ જોગ, પણ અસાંજી સંપત એતરી !”  છેક છેલ્લા ગાળાની ચોકી સુધી મહેમાનોને વાધેરો મૂકી આવ્યા.

૧૬

સરકારનો હુકમ છૂટ્યો કે નગરનું રાજ્ય જાણી બુઝીને જ આભપરામાં બહારવટીયાને આશરો આપે છે. માટે જો નગરની ફોજ એને આભપરો નહિ છોડાવે, તો નગરનું રાજ ડલ થઈ જશે. જામના કારભારી ને વજીર લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા. ઘણી ઘણી વિષ્ઠિ ઘૂમલીના ડુંગર ઉપર જામ રાજાએ મોકલી, પણ વિષ્ઠિવાળા લાચાર મ્હોંયે પાછા વળ્યા.

જામે કચેરીમાં પૂછ્યું : “લાવો વષ્ટિવાળાઓને. બાલીયા રેવાદાસ ! તમને શું કહ્યું ?”

“બાપુ ! જામને ચરણે હથીઆર છોડવા વાઘેરો તૈયાર છે. પણ અંગ્રેજોને પગે નહિ.”

“હાં. બીજું કોણ ગયું’તું?”

“બાપુ, અમે પબજી કરંગીયો ને મેરામણ.”

“શા ખબર ?”

“એજ : કહે છે કે આ જગ્યા નહિ છોડીએ. અમારી રોજીની વાત ગળામાં લઈને જામ જો ચારણ ભાટની જામીનગીરી આપે, તો જામના કૂતરા થઈને ચાલ્યા આવવા તૈયાર છીએ. પણ સરકારનો તો અમને ભરોસો નથી. ”

“કેમ ?”

“એકવાર હથીઆર છોડાવીને વિશ્વાસધાત કર્યો માટે !”

“કેટલા જણ છે ?”

“પંદરસો હથીઆરબંધ : અરધ બંદૂકદાર, ને અરધા આડ હથીઆરે.”

“શું કરે છે ?”

“જૂનો કોટ સમારે છે.”

ફોસલાવવાની આશા છોડી દઈને દરેક મોટા મોટા રાજ્યે પોતપોતાની ફોજો ભેળી કરી. છ છ બાજુએથી ઘેરો ઘાલ્યો.

૧૭

માગશર વદ નોમની પાછલી રાતે શિયાળાનો ચંદ્રમા અનોધાં તેજ પાથરતો હતો. આભપરાની ટુંકો એ તેજમાં તરબોળ બની ન્હાતી હતી. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરોની -એ તળાવો, વાવો, કૂવાઓ, દેરાંઓ ને ભોંયરાંઓની એકવાર અલોપ થઈ ગયેલી દુનિયા જાણે ફરીવાર સજીવન થઈ ગઈ હતી. કડકડતી ટાઢમાં પહેરવા પૂરાં લૂગડાં ન હોવાથી વાઘેરનાં બચ્ચાં તાપણાંની આસપાસ પોઢતાં હતાં. ચોકીદારો બોકાનાં વાળીને પોતાનાં અધઉધાડાં અંગ ભડકા કરી કરીને તાપતા હતા. તે વખતે મોડપરના ગઢ ઉપરથી તોપના એક…બે…ને ત્રણ બાર થયા.

તોપ પડતાં જ ગાળે ગાળેથી ફોજો ચડી. ઘૂમલીની દિશાએથી કંસારીની કેડીએ નગરનાં છસો માણસોની હાર બંધાઈ : દાડમાની કેડીએ ને નલઝરની કેડીએ બસો બસો સરકારી પલ્ટનીયાએ પગલાં માંડ્યાં. કિલ્લેસરથી ત્રણસે અને દંતાળો ડુંગર હાથ કરવા માટે સાડા પાંચસો ચડ્યા.

એમ આશરે બે હજાર ને ત્રણસો પૂરેપૂરા હથીઆરધારીઓએ વાઘેરોને વીંટી લીધા. જાણ થાતાં જ બહારવટીયાએ સામનો કરી હાકલ દીધી કે “હલ્યા અચો મુંજા પે ! હલ્યા અચો ! [હાલ્યા આવો મારા બાપ ! હાલ્યા આવો !]”

વાઘેર બચ્ચાના મ્હોંમાંથી ભર લડાઈમાં પોતાના કટ્ટા અને અધમ શત્રુની સામે પણ “હલ્યા અચો મુંજા પે !” સિવાય બીજો સખૂત કદિ નીકળ્યો નહોતો. મહેમાનને આદરમાન આપતા હોય, અને શત્રુઓને ઉલટા શુરાતન ચડાવતા હોય એવા પોરસના પડકારા દઈ પચાસ પચાસ બહારવટીયાના જણે જેવે તેવે હથીઆરે આ કેળવાયેલી ને સાધનવાળી પલટનોનો સામનો કર્યો, મરદની રીતે ટપોટપ ગોળીએ વીંધાતા ગયા. કંસારીનાં દેરાંને મોર્ચે, આશાપરાના ધડાની ચોકી, વીણુનો ધડો, એમ એક પછી એક ચોકીઓ પડતી ચાલી.

બીજી બાજુથી સરકારે પાસ્તર ગામના રબારી માંડા હોણને ભોમીઓ બનાવી, એના એક સો રબારીઓને ખંભે રબરની અને કાગળની તોપો ઉપડાવી આભપરે ચડાવી. દિવસ ઉગ્યો અને તોપો છૂટી. કાળુભા અને સાકુંદા તળાવમાં ગોળા પડ્યા. પાણી છોળે ચડ્યાં. સુરજને પગે લાગતો જોધો બોલ્યો કે “થઈ ચૂકયું. આપણા પીવાનાં પાણીમાં ઝેરના ગેળા પડ્યા. હવે આભપરો છોડીને ભાગી છૂટીએ.”

પોતાનાં સાતસો જુવાનોને આભપરે સૂવાડીને બારવટીયાએ દંતાળાને ડુંગરે એક દિવસને ઓથ લીધો. જોધા માણેકે આ પ્રમાણે ટુકડીઓ વ્હેંચીઃ

“મુરૂભા ! તું એક સો માણસે માધવપૂરની કોર, પો૨બંદ૨ માથે ભીંસ કર.”

“દેવા ભા ! તું એક સો માણસે હાલારમાં ઉતરી ગોંડળ જામનગરને હંફાવ.”

“હું પોતે ગીરમાં ગાયકવાડને ધબેડું છું.”

“વેરસી ! તું ઓખાને ઉંધવા મ દેજે !”

“ધના ને રાણાજી ! તમે બારાડીને તોબા પોકરાવો !”

“ભલાં !” કહીને સહુએ જોધાની આજ્ઞા શિર પર ચડાવી. રાત પડતાં અંધારે નોખનોખી ટુકડીઓ, ઓરતો ને બચ્ચાં સહિત પોતપોતાને માર્ગે ભૂખી તરસી ચાલી નીકળી.

૧૮

કોડીનાર મારીને જાય
ઓખાનો વાઘેર કોડીનાર મારીને જાય !
ગોમતીનો રાજા કોડીનાર મારીને જાય !

આમથણે નાકેથી ધણ વાળીને
ઉગમણે નાકે લઈ જાય– ઓખાનો૦

નીસરણીયું માંડીને ગામમાં ઉતર્યાં ને
બંદીવાનની બેડીયું ભંગાય–ઓખાનો૦

[કીનકેઈડ સાહેબે બહારવટીયાનાં આવાં કેટલાંક કાઠીઆવાડી રણગીતોને “Ballad” નામ આપી, અંગ્રેજી ભાષામા ઉતાર્યાં છે. પોતે ભાષાન્તર કરવામાં અતિશય છૂટ લેતા હોવાથી એના અનુવાદો અસલ ગીત કરતાં સરસ થાય છે. અને કેટલાક વાર તો જૂનાં સાથે મીંડવવા જતાં પંક્તિઓ મળતી નથી. નીચેનું Ballad આ ગીતનું જ ભાષાન્તર હોવાનું દિસે છે. એમાં કેટલીક પંક્તિઓ મળતી નથી. ]

કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે
કોડીનારનો ધણી કોઈ ન થાય-ઓખાનો૦

દાયરો કરીને કસુંબા રે કાઢીયા ને
સાકરૂંના ડુંગા વેંચાય–ઓખાનો૦
રંગડા વાઘેરને દેવાય–ઓખાનો૦

ખરે રે બપોરે બજારૂં લુંટીયું ને
માયાના સાંઢીયા ભરાય-ઓખાનો૦

બ્રામણ સૈદુંને દાન તો દીધાં ને
ગામમાં મીઠાયું વેંચાય–ઓખાનો૦

ગાયું કેરે ગોંદરે નીર્યાં કપાસીયા ને
પાદરે ચોરાસી જમાય-ઓખાનો૦

દેસ પરદેસે કાગળો લખાણા ને
વાતું તારી વડોદરે વંચાય–ઓખાનો૦

હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ
તારા જસડા ગામોગામ ગવાય–ઓખાનો૦

1
O! fair Kodinar, she stands on the cursed
mahratta’s lands,

[In heavens there was neither moon nor star !]

They were waghirs strong and tall and
they climbed the loop-holed wall;

Then was heard the Banias’ wail but
their tears had no avail,
When the king of Okha looted Kodinar.

2

Then a mighty feast he made for the
twice-born and the Dhed,

And the sweet-balls they were scattered
free and far,

Though each Brahmin ate and ate, yet he
emptied not his plate,
When the lord of Gomti looted Kodinar.

3

And they revelled late and longer, and they
chanted many a song.

(O his glory there is nothing that can mar
And the Bhats for gifts did come

and they thumped the kettle drum;
When the prince of Dwarka looted Kodinar.

4

And he gave with open hand to each
maiden in the land

As the sat bedecked within the bridal car,
Though the sports they scarce could tell, not
a single waghir fell;

When Jodha Manik looted Kodinar.

“કોડીનાર ભાંગવા આવું છું. આવજો બચાવવા !” એમ પ્રથમથી જ ગાયકવાડ રાજને જાસો દઈ, ગિરના ગાળા ઓળંગતો ઓળંગતો બુઢ્ઢો જોધો માણેક પરોડિયાને અંધારે કોડીનારના કોટની રાંગે આવી પહોંચ્યો.

આખી ગાયકવાડી ફોજ તો ગામમાંથી ભાગી છૂટી હતી, પણ ગામને ઝાંપે કોઠા ઉપર એક આદમી અડગ હિંમતથી ઉભો હતો. વાઘેરો આવ્યા તેને એ એકલ આદમી સૂનકાર પડેલા કોઠામાંથી બંદૂક ચલાવી ગોળીએ વધાવતો હતો. એનું નામ આદમ મકરાણી.

“વાહ જમાદાર !” વાધેરોએ એ વીરને નીચે ઉભાં ઉભાં પડકાર્યો; “શાબાસ ભાઈ ! ગાયકવાડના આટલા સિપાઈમાં એક તેં જ નીમક સાચું કર્યું. હવે બારો નીકળી જા, તારે માર્ગે પડ, તારૂં નામ કોઈ ન લીયે.”

આવી શાબાસીને આદમ મકરાણી ન સમજી શક્યો. હતો બહાદૂર, પણ મનની મોટપનો છાંટો ય નહોતો. એણે ગાળો દેવા માંડી. વાઘેરોએ ફરીવાર એને ચેતાવ્યો કે “જમાદાર ! જબાન સમાલો ! અને ઉતરી જાઓ. અમે ઘા નથી કરતા, માટે ખાનદાન બનો.”

પણ આદમે ખાનદાની ન ઓળખી. એણે હલકટ બોલ કાઢવા માંડ્યા. અને દગો કરીને એણે મૂળુ માણેકના ભાણેજ ઉપર ગોળી છોડી. ભાણેજની લોથ નીચે પડતાં જ વાઘેરોએ જોધા સામે જોયું. જોધાએ આજ્ઞા દીધી :

“હાણે કુત્તો આય, સિપાઈ નાંય. હાણે હીંકે હણો ! (હવે એ કુતરો છે. સિપાઈ નથી રહ્યો. હવે એને મારો !)

એ વેણ બોલાતાં જ મીયા માણેકની બંદુક છૂટી. એકજ ભડાકે આદમ મકરાણીને કોઠા ઉપરથી ઉપાડી લીધો.

આદમને ખતમ કરીને જ્યાં દિવાલ પર ચડવા જાય છે ત્યાં ગામ વચ્ચોવચની એક મેડીમાંથી તોપનો માર થયો. એક પછી એક ગોળા પડવા લાગ્યા. જોધો જોઈ રહ્યો : “ આ કોણ જાગ્યો ?”

જાણભેદુએ કહ્યું “કોડીનારના નગર શેઠ કરસનદાસની એ મેડી, જોધાભા ! અરબસ્તાન સુધી એનાં વ્હાણ હાલે છે.”

“વાણીએ તોપો માંડી ?”

“જોધાભા ! એ તો નાઘેર કાંઠાનો વાણીઓ : રજપૂત જેવો.”

ધડ ! ધડ ! ગોળા આવવા લાગ્યા, તે વખતે જોધા માણેકની મીટ પોતાના એક ભેરૂબંધ ઉપર મંડાણી. ભેરૂબંધ સમજી ગયો. કાઠીઆવાડનાં રાજસ્થાન માંહેલો એ એક જાડેજો ઠાકોર હતો. કરડો, કદાવર અને બંદૂકનો સાધેલ એ રજપૂત આંબલી પર ચડ્યો. બરાબર તોપવાળી મેડીમાં તીણી નજર નોંધીને એણે ભડાકો કર્યો. નગરશેઠના આરબ ગોલંદાજને વીંધી લીધો.

ગોલંદાજ વીંધાતાં જ મેડી પરથી વાણીઆએ શરણાગતિની કપડી કરી. (ધોળો વાવટો બતાવ્યો.) પછી જોધો માણેક કોટને નીસરણી માંડીને ઉઘાડી તલવારે આગળ થઈને ચડ્યો. દરવાનોને ઠાર કરી. દરવાજા ઉઘાડા ફટાક મેલી, પોતાના સરખે સરખા સો જણને અંદર દાખલ કર્યા. બંદુકોમાં આઠ આઠ પૈસાભારની વજનદાર ગોળીઓ ઠાંસી, બેબે ખોબે દારૂ ભરી માણસો જે ઘડીયે હલ્લા કરવાં ચાલ્યા તે ઘડીયે જોધો આંગળી ઉંચી કરીને ઉભો રહ્યો:-

“સાંભળી લ્યો ભાઈ ! વસ્તીની બોનું ડીકરીયુંને પોતપોતાની બોનું ડીકરીયું ગણીને ચાલજો. પ્રથમ મેતા મુસદ્દીઓને હાથ કરજો ! પછી વેપારીઓને પકડજો ! બીજો જે સામો ન થાય એને મ બોલાવજો !”

ગામમાં પેસીને વાઘેરો છૂટા છવાયા ભડાકા કરવા લાગ્યા, તેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક ડોશી બહાર ડોકાણી. હાથ જોડીને બહારવટીયાને વિનવવા લાગી કે “એ બાપા ! બંદૂકું બંધ કરો. મારૂં ગરીબનું ઘર ભાંગી પડશે.”

“શું છે માડી ?” જોધાએ પૂછ્યું.

“મારે એકનો એક દીકરો છે, એની વહુને અટાણે છોરૂ આવવાનું ટાણું છે. આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મરશે.”

જોધાએ હાથ ઉંચો કરી ગોળીબાર થંભાવ્યા.

કાયસ્થ દેશાઇનું ઘર હતું, બહારવટીયા ત્યાં લૂંટી રહ્યા હતા. ચાર વરસના એક નાના છોકરાના પગમાંથી તોડા કાઢતા હતા. છોકરો રોતો હતો.

“ભાઈ માધવરાય !” એ છોકરાની બ્હેને હાકલ કરી: “રોવે છે શીદ ભાઈ ? તું જીવતો રહીશ તો તોડા ઘણા મળી રે’શે, રો મા, માધવરાય !”

“માધવરાય” નામ સાંભળતાં જ વાઘેરો અટકી ગયા. એક બીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે “પાં તો માધુરાયજા કૂતરા આહાં ! માધુરાય તો અસાંજા ઠાકોર ! [આપણે તો માધવરાયના કૂતરા છીએ. માધવરાય તો આપણા પ્રભુ કહેવાય.]

એ બાળકને માધવપુરવાળા પ્યારા પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગર લૂંટ્યે બહાર નીકળી ગયા.

ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટીયાએ બેઠક જમાવી. નગરશેઠ કરસનદાસને સન્મુખ બેસારેલા છે. નગરશેઠે હાથ જોડીને કહ્યું કે “તમારે શરણે આવ્યા છીએ. હવે અમારી આબરૂ રાખો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો.”

કહેવાય છે કે બહારવટીએ પાંચ હજાર રાળ (Rials નામનું પોર્ટુગીઝ નાણું કે જેનું, દીવ નજીક હોવાથી નાઘેરમાં ચલણ હતું.) એટલે કે રૂા. ૧૨૫૦૦ દંડ માંડ્યો. શેઠે દંડ કબૂલ કર્યો. પછી વિનતિ કરી કે “સહુ દાયરો લઈને મારે ઘેર પગલાં કરો.”

બહારવટીયો વિશ્વાસ મૂકીને શેઠને ઘેર પરોણો બન્યો. ઘરને ભોંય તળીએ તો કાંઈ નહોતું, પણ પહેલે માળે જાય ત્યાં બહારવટીયાએ જોયું કે તેલની મોટી કડાઓ ઉકળી રહી છે. ઉપલે માળે જાય તો પાણા ગોફણો વગેરેના ઢગલા પડ્યા છે. તેથી યે ઉપરને માળે ચડતાં તો બંદૂક, દારૂગોળો અને તલવારના ગંજ દીઠા, અગાસી પર ત્રણ ઠાલી તોપો દેખી.

હસીને બહારવટીઆએ પુછ્યું “કાં શેઠ, શો વિચાર હતો ?”

નગરશેઠે જવાબ દીધો “બાપા, નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે. આ ભૂમિ ઉપર તો લાખો શૂરાપૂરાનાં લોહી છંટાણા છે. મરવું મારવું એ અમારે મોટી વાત નથી. સાચું બોલું છું કે જો તમારામાં ધરમ ન દેખ્યો હોત, ને જો મને ગામની બાયું દીકરીયુંની બેઇજ્જતીની બીક હોત, તો –બડાઈ નથી મારતો ૫ણ-લડતે લડતે ચોથી ભોંયે ચડત અને તેમ છતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેડી ઉડાડી દેત. પણ તમારૂં ધરમજુદ્ધ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોઠ દીધી છે, જોધા માણેક !”

“રંગ તુંને ભા ! રંગ વાણીઆ ! એમ બોલતો બહારવટીયો હેતભરપૂર હૈયે નગરશેઠને બથ ભરી ભેટી પડ્યો.

પાંચ હજાર રાળની થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહારવટીયાની સન્મુખ ધરી દીધી. ધરીને પગે લાગ્યા.

“દીકરાઓ !” બહારવટીયો બોલ્યો, “આ હું તમને પાઘડીના કરીને પાછા આપુ છું.”

ગોઠ જમીને બહારવટીયો નીકળી ગયો. શેઠનો દંડ ન લીધો.

[આ શેઠને પાછળથી વેલણ ગામ ઈનામમાં મળેલું અને દિ. બ. મણિભાઈ જશભાઈના કારોબારમાં શ્રીમંત સરકાર એને ઘેર જઈ આવેલા.]

સરકારી કચેરીની અને દુકાનોની લુંટ ચલાવી. બીજે દીવસે બ્રાહ્મણોને ચોરાસી જમાડી, ગાયોને ગોંદરે કપાસીઆ નીર્યા. ત્રીજે દિવસે કસુંબા કાઢી દાયરા ભર્યા ચારણ બારોટોની વાર્તા ને નાથબાવાના રાવણહથ્થા સાંભળ્યા. ત્રણે દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેર રાજાનો નીલે નેજો ફરકતો રહ્યો. ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યું. ન્યાય ચુકાવ્યા, રક્ષણ કર્યું ને કેદીઓ છોડ્યા. ચોથે દિવસે ચાલી નીકળ્યા. ગિરના કોઈ વંકા ગાળામાં બેસી કોડીનારની લુંટનો ભાગ પાડ્યો.

જોધાએ પૂછયું “કુલ આપણે કેટલા જણ ?”

“એક સો ને બે.”

“ઠીક ત્યારે, એક સો ને બે સરખા ભાગ પાડો ભા !”

“ના ના જોધા ભા ! એમ નહિ બને. તું અમારો રાજા છો. પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ. તે પછી જ અમારા એક સો ને બે સરખા ભાગ પડાશે.”

મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખે સરખા ભાગ પડ્યા. અકકેક માથા દીઠ ત્રણ સો ત્રણ સો કોરી વ્હેંચાણી. અને બારવટીયા હિરણ્ય નદીને કાંઠે વાંસાઢોળના ડુંગરામાં આવ્યા. નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી પડખે એક ઘટાદાર આંબલી હતી. જોધાએ એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસૂબો જાહેર કર્યો.

તેજ વખતે બરાબર એક વટેમાગું ત્યાંથી નીકળ્યો. એણે શીખામણ દીધી કે “ભાઈ, આંહી કોઈ દાનસ્તું માણસ રાત રોકાતું નથી. એવી વ્હેમવાળી આ જગ્યા છે, પછી તો જેવી તમારી મરજી !”

જોધાએ કહ્યું “ અરે ભાઈ ! ખડીયામાં ખાંપણ લઈને ફરનારાને તો સંધીય જગ્યા સોના જેવી.”

પડાવ નાખ્યો. બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો. ત્રીજે દિવસે જોધાને પોતાનું મોત સુઝ્યું. મરતી વખતે એણે એટલું જ કહ્યું કે “ભાઈ ! મને મુરૂની તો ભે નથી. પણ દેવો ક્યાંઈક લપટશે એવો વ્હેમ આવે છે. દેવાને મારી રામદુવાઈ ક—”

એટલું વેણ અધુરૂં રહ્યું, ને જોધાનો જીવ ખોળીયું ખાલી કરીને ચાલી નીકળ્યો. હિરણ્યને કાંઠે જોધાને દેન દીધું. એક સો ને એક માણસોએ લુગડાં કાળા રંગમાં રંગીને પહેરી લીધાં. આખી ટુકડી જઈને મૂળુ ભેળી થઈ ગઈ.

જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા, તે આજ પણ “જોધા આંબલી” નામે ઓળખાય છે. સાંસણ ગામથી લીમધરા જતાં, વાંસાઢોળ ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઉભી છે.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત હવે પછીના ભાગમાં આવશે..

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 1

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 2

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 5

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 4

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!