“મરતાં મરતાં કાકા કાંઈ બોલ્યા’તા ?”
“હા, મુરૂભા ! કહ્યું’તું કે મુરૂનો તો મને ભરોસો સોળે સોળ આના છે, પણ દેવો લપટ્યા વિના નહિ રહે.”
મુળુ માણેકે નિસાસો નાખ્યા. એનાથી બોલાઈ ગયું કે “દેવો ! સાચી વાત. દેવો ભાઈ ઘણો ય હતો તો દેવતા જેવો, પણ એના જુલમની વાતું મારે કાને પોગીયું છે. અને વાઘેરૂંના નેજાના સતનો આધાર જોધો કાકો જાતાં મારો રૂદીયો હવે આ ધીંગાણામાં ઠરતો નથી. મુને ફાળ પડે છે કે દેવો ભાઈ વખતે વાઘેરૂંના વાવટાને બટ્ટો બેસારશે.”
ઓખામંડળના થડમાં કોઈ વંકી જગ્યાએ ઉતરીને મૂળુ માણેકે કાકાનું સ્નાન કર્યું છે, કાળાં લુગડાં પહેર્યાં છે, અને કાકાનો પ્રતાપ પરવારી બેસવાથી એને બારવટું સંકેલી લેવાના મનસૂબા ઉપડ્યા છે. પડખે દેવુબાઈ બ્હેન પણ ઉભી છે. એનાથી ન રહેવાયું. ભાઈની સંગાથે રઝળી રઝળીને પોતાનાં અનોધાં રૂપ હારી બેઠેલી, નીચોવાઈને કંગાલ બની ગયેલી બ્હેને આ ટાણે ભાઈને પડકાર્યો કે
“ભા ! દુ:ખ ભોગવવાં દોહ્યલાં થઈ પડ્યાં ? ત્રીસ જ વરસની અવસ્થાએ ઘડપણ ચડ્યાં?”
[‘દેવુબાઈ’ નામની બ્હેન બાળકુંવારી રહીને બળવામાં વાઘેરોને પડકારતી બહાર નીકળેલી, એ વાત બીજે સ્થળેથી મળી હતી. પણ દ્વારકાના વાઘેરો ‘દેવુબાઈ’ જેવું કોઈ પાત્ર થઈ ગયાનો ઈન્કાર કરે છે.]
“બોનબા ! દુઃખથી તો થાક્યો નથી. સાતસો સાતસો વાઘેરોએ કંટાળીને ગોરા પાસે હથીયાર મેલી દીધાં, તેનાથી યે અકળાતો નથી. પણ દેવાના ઓછાયાથી ડરૂં છું. કાકો દેવતાઈ નર હતા. એનાં છેલ્લાં વેણ ઈ તો પેગંબરનાં વેણ લેખાય !”
“ફકર મ કરજે. એવું થાશે તે દિ’ દેવ માનો જણ્યો ભાઈ છે, તો પણ હું એનું માથું વાઢી લઈશ.”
આમ વાતો થાય છે ત્યાં બાતમીદાર આવી પહોંચ્યો. એનું મ્હોં પડી ગયું હતું.
“શા ખબર છે બેલી ?”
“મુરૂભા ! ધ્રાંસણવેલ રાંડી પડ્યું. રામાભાઈની દેહ પડી ગઇ. આસોભા પણ ગુજરી ગયા. મુલવાસર વાળા મેપા જસાણીને પણ ગોળીના જખમ થયા. અને બાપુએ ને હબુ કુંભાણીએ સરકારને પગે હથીઆર મેલ્યાં.”
મુળુ માણેકે ફરી વાર સ્નાન કર્યું. નવા સમાચાર મળવા ઉપરથી વિચાર કરવા બેસે છે, ત્યાં એક સાંઢીયો આવીને ઝુક્યો. અસવારે આવીને રામ રામ કર્યા.
“ઓહો ! દુદા રબારી ! તમે ક્યાંથી બાપા ?” એમ કહેતો મૂળુ ઉભો થઈને મળ્યો.
“મુળુ બાપુ ! તમારા ભલા સારૂ આવેલ છું. મારે કાંઈ સવારથ નથી. પણ ઓખો રઝળી પડશે એ વાતનું મને લાગી આવે છે. માટે સંતાતો, લપાતો, ચોર બનીને આવ્યો છું.”
“બેાલો ભા !”
કુટિલતાની રમતો રમતી આંખે, કાળા સીસમ જેવો, ટુંકી ગરદન ને બઠીઆ કાનવાળો દુદો રબારી ઈસારો કરીને મુળુભાને એકાંતે તેડી ગયો. કાનમાં કહ્યું કે “બારટન સાહેબ અભેવચન આપે છે, જમીન પાછી સોંપાવી દેવા કોલ દે છે, એક દિવસની પણ સજા નહિ પડવા આપે. માટે સોંપાઈ જાઓ. અટાણે લાગ છે. ગુન્હેગાર તો કાકો હતો. તમે તો છોકરૂં છો. તમારો કાંઈ ગુન્હો જ નથી.”
મુળુનું દિલ માની ગયું. રબારી તો ભગવાનના ઘરનું માણસ : પેટમાં પાપ ન્હોય ; ને ગોરા ગમે તેવા તો યે બોલ કોલ પાળનારા; એમ સમજી મૂળુએ અંગ્રેજને શરણે જવાનો મારગ લીધો. માણસોને કહી દીધું કે “ભા ! હવે વીખરાઈ જાવ. બારવટાનો સવાદ હવે નથી રહ્યો. બોન દેવુબાઈને પણ અમરાપર લઈ જાવ. હું સીધો સાહેબ પાસે જાઉ છું.”
“ભા, બોન કહે છે એક વાર ચાર આંખો ભેળી કરતા જાવ.”
“ના નહિ આવું. બોનની આંખેાના અંગારા મને વળી પાછો ઉશ્કેરી મૂકશે.”
“ભા ! બોને કહેવરાવ્યું છે કે ઓખાનો ધણી ગોરા નોકરને પગે હથીઆર ધરશે ત્યારે જોયા જેવો રૂડો લાગશે હો !”
૨૦
અમરેલી શહેરમાં તે દિવસ કાંઈ માણસ હલક્યું છે ને ! ચાર ગોરા સાહેબોની અદાલત બેઠી છે. અને બહારવટીયા ઉપર મુકર્દમો ચાલે છે. જુબાનીઓ ને સાક્ષીઓના ઢગલા થઈ પડ્યા છે, પીંજરામાં બીજા બધા વાઘેરો ઉભા છે. ફકત મુળુ માણેક જ નથી.
“મુલુકો ક્યું નહિ સમજાયા !” એમ ચારે ગોરાઓ પૂછે છે.
અમલદારોએ જવાબ દીધો, “ સાહેબ, મુળુ માણેક વચન આપીને બદલી ગયો.”
એવે ઓચીંતો ત્રીસ વર્ષનો વાંકડી મૂછવાળો મુળુ દેખાયો. આંખે અંગે હથીઆર ઠાંસેલાં : ગમગીન છતાં પ્રતાપી ચ્હેરો : “ખમ્મા મુરૂભા ! મુરૂભા આવ્યો !” એવી વધાઈ પીંજરામાં ઉભેલા કેદીઓના મ્હોંમાંથી વછૂટી.
“ટોપીવાળા સાહેબો !” મુળુ બોલ્યો, “મુળુ માણેક બીજા હજાર ગુન્હા કરે, પણ વચન આપીને ન ફરે. હું ભાગી નીકળવા નહોતો રોકાણો. પણ મારી મા બ્હેનો અને ઓરતોને મુલાજાભેર ક્યાંઈક ઓથે રાખી આવવા મુંઝાતો હતો. કેમકે ઓખો તો અટાણે તમારા બુલોચી પલ્ટનીયાઓના પંજામાં પડ્યો છે. અને બલોચો અમારી બ્હેન દીકરીઓની લાજું લૂંટે છે.”
બોલતાં બોલતાં મૂળુ માણેકની આંખમાં કાળ રમવા લાગ્યો.
[૧]મુકર્દમો ચાલ્યો. જુબાનીઓ લેવાઈ, ફેંસલો લખીને ગોરાઓ ઉપડી ગયા. એની પાછળથી ફેંસલો વંચાણો કે “સુડતાલીસ વાઘેરોને પાંચ પાંચ વર્ષની, અને મુળુને ચૌદ વર્ષની સખ્ત મજૂરીની સજા. એના પિતા બાપુ માણેકને સાત વરસની સજા. તમામને વડોદરે રેવાકાંઠા જેલમાં ઉઠાવી જવાના.”
ખડ ! ખડ ! ખડ ! દાંત કાઢીને મુળુ બોલ્યોઃ “ક્યાં છે વાઘેરોને વિશ્વાસઘાતી કહેનારા ? વિશ્વાસઘાતી તે સાહેબનાં વેણ ઉપર ભરોસો રાખીને હથીઆર મેલનારા વાઘેરો ? કે અમને અભેવચન આપીને પછી કાળે પાણીએ કાઢનાર અંગ્રેજો !”
કચેરીની અંદર મુળુ માણેકની તલવાર કબજે કરવામાં આવી. સારાં હથીઆર તો બધાં ગીરમાં દાટી દીધેલાં. ફકત આ એક કટાઈ ગયેલા વટની, મીયાન વગરની તલવાર હતી.
[“આ વખતના કેદીઓની જુબાની ઉપરથી સાફ માલુમ પડ્યું કે ગાયકવાડી અધિકારીઓએ તેઓનાં રોજ બંધ કર્યા, અને વારે વારે તેઓના ઉપર ચડાઈ કરવાના ડારા દીધા તેથી તેઓને આ તોફાન કરવાની જરૂર પડી. પોલીટીકલ ખાતામાં જોધો એકવાર ફરીઆદે ગયેલો, ને ત્યાંથી કાંઈ દિલાસો પણ મળેલો પણ પાછળથી કાંઈ થયું નહિ. મુળુ પેાતાનાં રોજ પેટે, લગ્ન ખરચ સારૂ બે હજાર કોરી લેવા ગયો હતો પણ તેને મળી નહિ હતી.” ‘ઓખામંડળના વાઘેરોની માહેતી]
મીયાનને બદલે વડવાઈ વીંટેલી હતી. તલવાર જોઈને ગોરા અમલદારો હસવા લાગ્યા. મૂળુને ટોણો માર્યો કે “એસી તલવારસે તુમ સારે મુલુકકો ડરાતા થા !”
આંખ ફાડીને મુળુએ જવાબ દીધો કે “ભુરીયા ! તરાર તરાર કુરો ચેતો ! તરારમેં કીં નારણો આય ? પાંજો કંડો નાર ! કંડો. [ભુરીયા ! તલવાર તલવાર શું કરે છે ? તલવારમાં તો શું જોવાનું બળ્યું છે ? આ મારૂ કાંડુ જો ! કાંડું.]”
એટલું બોલતાં બોલતાં જુવાન બહારવટીએ પોતાનું લોખંડી કાંડું બતાવ્યું. સાહેબો ભોંઠા પડીને ચુપ થઈ રહ્યા.
સુડતાલીસ સાથીઓની સાથે મુળુ વડોદરે રેવાકાંઠા જેલ તરફ ચાલી નીકળ્યો.
૨૧
વગડામાં એક ઘોડેસવાર ચાલ્યો જાય છે. ટારડું ઘોડું ગણી ગણીને ડગલાં માંડે છે. બેસુમાર બગાંઓ કરડી રહી છે એટલે ઘોડાના પૂછડાને તો ઝંપ જ નથી. શરીરની બન્ને બાજુ મોઢું નાખી નાખીને ઘોડું બગાંઓને વડચકાં ભરતું જાય છે. અને પીઠ પર બેઠેલો લાંબી ધોળી દાઢી વાળો બંધાણી અસવાર, એક હાથે ઘોડાનું ચોકડું ડોંચે છે, બીજે હાથે સરકનું દોરડું ફેરવી ફેરવી મારે છે, બે પગે ઘોડાના પેટાળમાં એડીઓ મારે છે, પોતે આખું શરીર હચમચાવે છે ને જીભના ડચકારા કરે છે. એમ છ છ જાતની કરામતો કરવા છતાં ઘોડું તો સરખી ચાલ્યે જ ચાલ્યું જાય છે. અસવાર ઘોડાને ફોસલાવે છે કે
“હાલ્ય મારા બાપ હાલ્ય, ઝટ પગ ઉપાડ. મોડું થાશે તો શીખ નહિ મળે ”
એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું “ એ બારોટજી ! ક્યાં ઝટ પોગવું છે ?”
“પોગવું છે ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે, ઝટ જઈને દુવા કે’વા છે ! આહાહા મૂળવો, કરાફાતનો વાઘેર મૂળવો !
કેસરીયા વાઘા કરી, કાંકણ બાંધ્યું કોય,
જગત ઉભી જોય, માણેક પરણે મૂળવો !
અને મુળવા ! તારી શી વાત !
તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,
(તો તો) સવખંડ ચેરો થાત, માણેક તાહળો મૂળવા !
બારોટે બે દુહા લલકાર્યા, ત્યાં વગડો આખો જાણે સજીવન થઈ ગયો. મજૂર મૂલી, ખેડુતો, પશુઓ, સહુ ઉચાં માથાં કરી સાંભળી રહ્યાં. તેમ તો બારોટની ગળી ગયેલ ભુજાઓમાં બેવડું જોર આવ્યું. હાથ લાંબા કરીને લલકારવા લાગ્યો:
મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,
હત જો ત્રીજો હાથ (તો) નર અંગરેજ આગળ નમત!
“રંગ મૂળવા રંગ ! બેય હાથ તો રોકાઈ ગયા, એક હાથ મૂછનો તાવ દે છે ને બીજો તરવારની મૂઠ ઉપર જાય છે. ત્રીજો હાથ કાઢે ક્યાંથી ? અમરેલીવાળા ભુરીયાઓ ઘણુંય કહ્યું કે મુળુ માણેક ! સલામ કર, પણ ત્રીજા હાથ વગર સલામ શેની કરે ?”
“અરે પણ બારોટ | ફટકી કાં ગયું ? મુળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે ! ખોટાં બોકાસાં કાં પાડો ? ગળું દુખવા આવશે !”
“એ ભૂત છો કે પલીત ? જાણતો ય નથી ઝોડ જેવા ? મૂળવો સાવઝ પાંજરે સામે કદિ ? ઈ તો એ આવ્યો છૂટીને.”
“હેં ? શી રીતે છૂટ્યો ? માફી માગીને ?”
“તારી જીભમાં ગોખરૂ વાગે ! માળા કાળમુખા ! મૂળવો માફી માગે ? એ જેલ તોડી જેલ !”
“જેલ તોડી ? વજ્જર જેવી જેલ તોડી ?”
“હા હા ! ઈ તો સંધાય ભેરૂડા મત બાંધીને સામટા દરવાજે દોડ્યા. જોવે ત્યાં તો બારીમાં સામાં પચીસ સંગીન ધરીને ૫લ્ટનીઆ ઉભેલા. પણ રંગ છે ગોરીયાળીવાળા દેવા છબાણીને. સવાશેર સુંઠ એની જણનારીએ ખાધી ખરી બાપ ! તે ઈ દેવે પડકારો કર્યો કે હાં મારા ભાઈયું ! મારી દયા કોઈ આણશો મા. હું સંગીન આડું મારૂં ડીલ દઈ દઉં છું. તમે જોરથી મારાં શરીર સામે ધસારો દઈને નીકળી જાજો. એમ કરી દેવો ડેલીની બારી આડે ડીલ દઈને ઉભો રહ્યો. બીજા સહુ, પલ્ટનીઆઓની બંદુક દેવાના ડીલમાં સલવાઈ રહી એટલે લાગ ભાળીને નીકળી ગયા.”
“અને દેવો ?”
“દેવો ય આંતરડાં લબડતાં’તાં તે ડોકમાં નાખીને હાલ્યો.”
“તે શું મુરૂભા નીકળી આવ્યા છે ?”
“હા હા, ને વાઘેરૂંને કરે છે ભેળા. મોટી ફોજ બાંધીને બારવટું ફરી માંડે છે. જાઉં છું મોજ લેવા. આજ છે માધવપરના વાવડ. આજ તો ખોબે ખોબે કોરીયું ને સોનામોરૂં વ્હેંચશે મારો વાલીડો !”
દળ આવ્યાં દખણી તણાં, ભાલાળા ભોપાળ
સામા પાગ શીંગાળ, માણેક ભરતો મૂળવો.
[દક્ષિણીઓનાં ભાલાવાળાં સૈન્ય આવ્યાં, પણ સિંહ સમાન મૂળુ માણેક તો એની સામે પગલાં ભરીને ચાલ્યો.]
અને એ મલકનાં માનવી !
મૂળવે અંગરેજ મારિયા, કાગળ જાય કરાંચી
અંતરમાં મઢમ ઉદરકે, સૈરૂં વાત સાચી !
[મુળુ માણેકે અંગ્રેજોને માર્યા, તેના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહીયરોને પૂછવા લાગી કે “હેં બેન, મારા ધણીને મૂળુએ માર્યો એ સાચી વાત ?”]
એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડો ગજાવતો બારોટ ટારડી ઘોડીને સરપટાં મારતો મારતો ચાલી નીકળ્યો.
સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યું,
“માળે બારોટે દુવા સારા બણાવ્યા !”
બીજો સાંતીડાને ધીંહરૂં નાખીને મંડ્યો ગામ તરફ હાલવા. પહેલાએ પૂછ્યું “કાં ?”
“હવે સાંતી શીદ હાંકીએ ? મુરૂભાની ભેળા ભળી જાયેં. ભળીને ફરી વાર વાઘેરોનું જૂથ બાંધીએ.”
“હાલો તઈં આપણે ય.”
બેઉ ખેડુતો ચાલી નીકળ્યા. ઘાસનો ભારો વાઢીને પોતાના માથા પર ચડાવવા મથી રહેલ એક કોળી પણ થંભીને ઉભો થઈ રહ્યો. બે ઘડી વિચાર કરીને એણે પણ ભારો ફગાવી દીધો. દાતરડાનો ઘા કરી દીધો અને હાલ્યો. બીજાએ પૂછ્યું ”કાં ભાઈ ? કેમ ફટક્યું ?”
“જાશું મુળુભા ભેળા.“
“કાં ?”
“ભારા વેચી વેચીને દમ નીકળી ગયો !”
રર
એ રીતે ઈ. સ. ૧૮૬૫, સપ્ટેમ્બર તારીખ ૨૬ ના રોજ રેવાકાંઠા જેલ તોડીને બહારવટીયો વીસ વાઘેર કેદીઓને લઈ કાઠીઆવાડમાં ઉતર્યો. ઓખામાં વાત ફુટી કે મુળુભા પાછો આવ્યો છે.
આવીને પહેલા સમાચાર એણે ઓખાના પૂછ્યા:
“પાંજો ઓખો કીં આય ?”
સંબંધીઓએ જાણ કરી “મુળુભા, ઓખાને માથે તો રેસીડન્ટ રાઈસ સાહેબે બલોચોને મોકળા મેલી દીધા છે.”
“શું કરે છે બલોચો ?”
“જેટલો બની શકે એટલો જુલમ: જાહેર રસ્તે રૈયતની વહુ દીકરીઓને ઝાલી લાજ લૂંટી રહ્યા છે. અને વસ્તી પોકાર કરવા આવે છે તો રાઈસ સાહેબ ઉલ્ટો ધમકાવે છે.”
“કેટલુંક થયાં આમ ચાલે છે ?”
“ત્રણ વરસ થયાં.”
સાંભળીને મુળુનો કોઠો ખદખદી ઉઠ્યો. એણે આજ્ઞા દીધી કે “ભાઈ, ઝટ ફોજ ભેળી કરો. હવે તો નથી રહેવાતું.”
જોતજોતામાં તો વાઘેરો ને ખાટસવાદીઓનાં જૂથ આવીને બંધાઈ ગયાં.
કેસરીઆ વાઘા મુળુ માણેકના શરીર ઉપર ઝૂલવા લાગ્યા. એણે પોતાનાં માણસોને કહ્યું કે “બેલી, બારવટામાં શુકન કરવાં છે માધવપૂર ભાંગીને. જેલમાંથી જ માનતા કરી હતી કે માધવરાયજીની સલામું લેવા આવીશ. માટે પહેલું માધવપુર.”
“મુળુભા ! માધવપુર પોરબંદરનો મહાલ છે હો ! અને જેઠવા રાજાએ ચોકી પહેરા કડક રાખ્યા હશે.”
“આપણે પણ ચોકી પહેરાની વચ્ચે જ દાદાનાં દર્શન કરવાં છે, ભાઈ ! નધણીઆતાને માથે નથી જાવું.”
કંઠાળી મુલક સોના જેવાં અનાજ દેતો હતો, એની બરકતમાં વેપારી વાણીયા ને ખોજા ડૂબી ગયા હતા. ચાલીસ સિંધી જુવાનોનું થાણું માધવપૂરની ચોકી કરતું હતું. બહારવટીયા ઓચીંતા ક્યારે પડશે એ બ્હીકથી આખી રાત “જાગતા સૂજો ! ખબરદાર !” એવા પડકારા થતા હતા. એક દિવસ ઉડતા ખબર આવ્યા કે આજ રાતે બહારવટીયા પડશે. ખરે બપોરે કોટના દરવાજા દેવાઈ ગયા. પણ રાતે કોઈ ન આવ્યું. ખબર આવ્યા કે પાંચ ગાઉ આઘે ગોરશેર નામના ગામે અપશુકન થવાથી બહારવટીયા પાછા વળી ગયા.
માહ મહિનો ચાલે છે. લગ્નસરાના દિવસ છે. બહારવટીયાની ખાનદાની પર ભરોસો રાખી લોકોએ વિવાહ માંડ્યો છે. માધવપૂરને પાદર ભાયા માવદિયાની જાન પડેલી; અને રાતે કેશવા કામરીયાનું ફુલેકું ચડનારૂ હતું. એવે માહ વદ બીજ ને બુધવારે રાતે મુળુ અને દેવાની ટોળી માધવપૂરને ટીંબે માધવરાયને દર્શને ઉતરી.
હથીઆરબંધ નવતર જુવાનોએ પ્રથમ તો ગામ જોવા માટે જાન તથા ફુલેકાની ધામધુમમાં ભળી જઈ દીવાટાણે ગામમાં પગ મૂક્યો. શેરીએ શેરીએ મહાલ્યા. ફુલેકાંવાળા માને છે કે આ નવતર જુવાનો જાનની સાથે આવ્યા છે, અને જાનવાળા જાણે છે કે એ તો ફુલેકાવાળા ભેળા હશે.
ફુલેકાનાં ઢોલ શરણાઈ શાંત થઈ ગયાં. બજારો બંધ થઈ. ગામ નીંદરમાં પડ્યું. તે વખતે બહારવટીયા પોલીસના થાણા ઉપર પડ્યા. બંદુક નોંધીને ઉભા રહ્યા. મૂળુ બોલ્યો “અટાણે હથીઆર છોડી દીયો. નીકર અમારે તો માડુ મારવો ને કુત્તો મારવો બરાબર છે.”
હથીઆર છોડાવી, માણસોને કોઠામાં કેદ કરી, મૂળુએ ચારે દરવાજે ચોકીદાર મૂક્યા. વાઘેર પહેરગીરો એ કડકડતી ટાઢમાં માઢની બારીઓ સળગાવીને તાપતા તાપતા કાફીઓ લલકારવા લાગ્યા. અને હજામો પાસે જાનની મશાલો ઉપડાવી મૂળુ તથા દેવો માધવરાયજીને મંદિરે ચડ્યા.
“માણસોએ કહ્યું કે “મુળુભા ! મંદરને મોટાં તાળાં દીધાં છે.”
“અરે ક્યાં મરી ગયો પૂજારી ?”
“ભેનો માર્યો સંતાઈ રહ્યો છે. કુંચીયું એની કડ્યે લટકે છે.”
“પકડી લાવો ઈ ભામટાને.”
પૂજારી સંતાઈ ગયો હતો એને ખોળીને હાજર કર્યો.
“એ બાપુ ! માધવરાયના અંગ માથેથી દાગીના ન લેવાય હો !”
“હવે મુંગો મર, મોટા ભગતડા ! તારે એકને જ માધવરાય વા’લો હશે ખરૂં ને ? મુંગો મુંગો મને કમાડ ખોલી દે. મારે દરશન કરવાં છે. દાગીના નથી જોતા.”
મુળુના ડોળા ફર્યા કે બ્રાહ્મણે ચાવી ફગાવી, મંદિરનાં તોતીંગ કમાડ ઉઘડ્યાં. માધવરાય ! માધવરાય ! ખમા મારા ડાડા ! એમ જાપ જપતો મુળુ મંદિરમાં દાખલ થયો. દોડીને પ્રતિમાજીને બથ ભરી લીધી. ડાડા ! ખમા ડાડા ! એમ પોકાર કરતાં કરતાં મુળુ પોકે પોકે રોઈ પડ્યો. માણસો જોઈ રહ્યાં કે “આ શું કરે છે ? આની ડાગળી ખસી ગઈ કે શું થયું ?”
સારી પેઠે કોઠો ખાલી કરીને મુળુ ઉઠ્યો. પાછલે પગે ચાલતો ચાલતો બે હાથ જોડીને બહાર નીકળ્યો.
દુકાનોમાંથી રેશમી વસ્ત્રનો તાકો ઉપાડી લાવી મંદિર ઉપર નવી ધજા ચડાવી. પછી મુળુએ હુકમ આપ્યો કે “કોઈને લૂંટ્યા કે રંઝાડયા વિના ફક્ત લુવાણા અને ખોજા વેપારીઓને આંહી શાંતિથી બોલાવી લાવો.”
મંદિરને ઓટલે બુંગણ ગાદલાં પથરાવી મૂળુએ દરબાર ભર્યો. વેપારીઓને કહી દીધુ કે બ્રાહ્મણોની ચોરાસી જમાડવી માટે બ્રાહ્મણો માગે તેટલો સીધો સામાન કાઢી આપો.
શેરાની ચોરાશી રંધાણી. તમામ માણસો માટે શેરાનાં સદાવ્રત મંડાઈ ગયાં.
હિન્દુ મુસલમીનનાં તમામ દેવસ્થાનો પર નવી ધજા ને નિવેદ ચડાવ્યાં.
લોકોની ભેળા બહારવટીયા દાંડીયા-રાસ રમ્યા. કોળી પટેલીઆઓની સ્ત્રીઓ પાસે રાસડા લેવરાવ્યા.
ત્રાસ વીતાવ્યો ફક્ત વેપારીઓ ઉપર. સતાવવાની મનાઈ છતાં કેટલાક ફાટેલા જુવાનોએ કોઈ કોઈ ઠેકાણે લુંટફાટ કરી; દર દાગીના કઢાવ્યા. દુકાનો ફાડી ફાડી રસ્તા ઉપર ઘી, ગોળ, સાકર, અનાજ, કપાસીઆ વગેરેના ઢગલા કર્યા. અને ગામલોકોને હાકલ દીધી કે “ખાવું હોય એટલું ખાઓ, ને લેવું હોય એટલું ઘેર લઈ જાઓ !”
વેપારીઓના ચોપડા મંગાવી સળગાવી મૂકયા.
“ગલાલચંદ શેઠ,” બહારવટીયાએ હુકમ કર્યો, “તું અમારો મેતો. આ બધા વેપારીઓ પાસેથી એની મત્તાના પ્રમાણમાં દંડનો આંકડો ઠરાવી ઉઘરાવી લે ભા : અને જેની પાસે રોકડ ન હોય એની પાસે એના દંડ પૂરતી કિમ્મતનો જ દાગીનો વસૂલ લેજે. વધુ મા લેજે ભા ! નીકર તુને માધવરાયજી પૂછસે !”
ગલાલચંદ શેઠે દંડના આંકડા મૂક્યા. ધનજી મુખીની દસ હજાર કોરી રાખી છ હજારનો માલ પાછો આપી દીધો.
ઠક્કર કેશવજી જેઠા નામે એક માલદાર વેપારીને મનાવતાં કોઈ બહારવટીયાના માણસે કાન ઉપર વગાડ્યું ને એને કાને લોહી નીકળ્યું. જોતાં જ મૂળુએ ત્રાડ પાડી કે “કોઈને એક ચરકો પણ કરવાનો નથી. અને આ શેઠને લોહી નીકળવાથી મારૂ દિલ દુ:ખાણું છે. એને કશોય દંડ કર્યા વગર છોડી મૂકો! ”
ખોજા કામના કોઈ વેપારીની એક રતન નામની ડોશી પોતાના દર દાગીના લઈને એક બ્રાહ્મણના ઘરમાં સંતાઈ ગઈ. એનો પિછો લઈને બહારવટીયા આવી ચડ્યા. ખુબ ધમકી આપી પૂછપરછ કરી, પણ બ્રાહ્મણ કુટુંબે કહ્યું કે “આ ડોસી તો અમારા ઘરનાં છે.”
“તો ખાવ એની સાથે એક થાળીમાં.”
બ્રાહ્મણો એ રતન ડોશીને એક થાળીમાં જમાડ્યાં. ઈતબાર રાખીને બહારવટીયા ચાલ્યા ગયા.
એક ખોજાના ઘરમાં પેઠા. કોઈ ન મળે. “એલા ભાઈ ભારી લાગ !” કહેતા બહારવટીયા અંદર પેઠા. પેસતાં જ એક ઓરતને સુવાવડના પથારીમાં પડેલી દીઠી. ચુપાચુપ બહારવટીયા બહાર નીકળી ગયા.
સાંજે ઢોલ શરણાઈ વગડાવતા અને ગલાલે રમતા વાઘેરો લોકોના મોટા ટોળા ઉપર મૂઠીએ મૂઠીએ કોરીઓ વરસાવતા નીકળી ગયા. એકંદર એક લાખ કોરીનું નુક્શાન કરી ગયા. દેવા વિઠ્ઠલ નામના શેઠે જીવની જેમ જાળવીને દાટી રાખેલી જામશાહી કોરીઓનો ખજાનો વાઘેરો ખાલી કરતા ગયા. તે ઉપરથી હજુ પણ માધવપૂરને મેળે આવનારી કંઠાળની મેરાણીઓ એક કટાક્ષનો રાસડો બેાલે છે તેની એક લીટી આ છે:
“દેવા ! તારી જૂની જામશાઈ કાઢી.”
બીજે જ દિવસે ગલાલચંદ શેઠ અલોપ થયો. કોઈને નથી ખબર કે એ ક્યાં ગયો. કદાચ એણે શરમથી કે બ્હીકથી આપઘાત કર્યો હશે.એનો પતો લાગ્યો જ નથી.
બીજે દિવસે દરબારી ગિસત આવી. ગામ ઉપર ન કરવાનો જુલમ કરી, મોજ ઉડાવી ચાલી નીકળી.
૨૩
સૂઈ નામના ગામને પાદર માતાનો પીપળો હતો. એક દેરૂં હતું. આજ ઝડી થવાથી પીપળો પડી ગયો છે. દેરૂં હજુ ઉભું છે.
માતાને થાનકે બહારવટીયા બેઠેલા છે, અને એનો સંગાથી જે સીદી હતો તે પીપળાની ડાળે ચડીને ખેાબા ભરી ભરી દોકડા ઉછાળે છે. નીચે ઉભેલા નાનકડાં છોકરાં એ દોકડા વીણતાં વીણતાં ને ઝીલતાં ઝીલતાં રાજી થાય છે.
મુળુ માણેક ને દેવો માણેક નીચે બેઠા બેઠા બેાલે છે કે “ભાઈ સીદી ! છોકરાંવને દોકડા સાટુ ટગવ મા. કોરીયું ભરી ભરીને વરસાવ. બાળારાજા રાજી થઈને દુવા દેશે.”
બહારવટીયા બચ્ચાંઓના આવા ગેલ જોઈ જોઈ મેાજ કરે છે, ત્યાં વાવડ આવ્યા કે “સડોદડવાળો રાજા બહાદૂર જાલમસિંહજી[અત્યારના જામ રણજીતના સગા દાદા.] નગરથી જામ વીભાની મોટી ફોજ લઈ આજ મરણીયો બનીને આવે છે. ને લગોલગ આવી પહોંચ્યો છે.
ફોજ આવી ! વાર આવી ! એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટીઆ રણ ભણી ભાગી છૂટ્યા.
બહારવટીયા પાળા ને વાર ઘોડાંવાળી : રાજબહાદૂર લગોલગ આવી જાય છે, વાઘેરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મુળુ માણેકની આજ્ઞા છે કે “વારને બીવરાવજો. ભડાકો ન કરશો. ચાહે તેમ તોયે એ રાજાનું કુળ છે. હજારૂનો પાળનાર વદે.”
થાતાં થાતાં તો વાર આંબી ગઈ, અને બહારવટીયા આકળા થયા. ત્યારે મુળુએ કહ્યું “ મીયા માણેક ! રાજબહાદુરને રોકી દે. પણ જોજે હો, એને જખમ કરતો નહિ.”
પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તેજ મીયો માણેક આખી ફોજની સામે એકલો ઉભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધા કે “રાજા બહાદૂર ! તુને અબ ઘડી મારી પાડું. પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો એક કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.”
એટલું બોલીને મીયે બંદુક ફટકારી. ગોળી શત્રુની કમર પર અડકીને ગઈ, શરીરને ચરકો પણ કર્યા વગર રાજા બહાદૂરનો જમૈયો ઉડાવી દીધો. મીયો મ્હોં મલકાવીને બોલ્યો:
“આટલી વાર ! રાજા બહાદૂર ! પણ તુને ન મરાય. તું તો લાખુનો પાળનાર !”
જમૈયો જાલમસંગરે, ભાંજો તે ભોપાળ
દેવે જંજાઉં છોડીયું, ગો ઉડે એંધાણ.
રાજા બહાદૂર પાછા ફરી ગયા ! એની કાફીઓ જોડાઈ;
જાલમસંગ રાજા વાઘેરસેં કજીયો કીધો !
વાઘેરસેં કજીઓ કીધો રે-જાલમ૦
પેલો ધીંગાણો પીપરડીજો કીયો
ઉતે રાણોજી સૂરોપૂરો થીયો-જાલમ૦
બીજો ધીંગાણો રણમેં કીયો
ઉતે જમૈયો પીયો રે રીયો–જાલમ૦
ત્રીજો રે ધીંગાણો ખડેમેં કીયો.
ઉતે આલો જમાદાર તર રે રીયો–જાલમ૦
ચેાથો ધીંગાણો માછરડે કીયો.
ઉતે હેબત લટૂંર સાયબ રીયો-જાલમ૦
હૈડાજી ધારણે બોલ્યા રે નથુનાથ
તોજો નામ બેલી મડદેમેં રીયો-જાલમ૦
બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટીયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એજ મીયા માણેકે ઉભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી ! આટલી વાર લાગશે. સંભાળ તારી કમરમાંની દેત.”
કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડીયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી મીયાની બંદુકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી. અને શત્રુના અંગને ઈજા થવા નહોતી આપી.
આવો જ બંદુક મારનાર જમાદાર શકર મકરાણી આ ટોળીમાં હતો. એક દિવસ એક હિંદુસ્તાની પુરબીઓ ઠાકોર બહારવટીયા ભેગો ભળવા માટે આવ્યો. એની પરીક્ષા કરવા માટે શકર જમાદાર પોતાની ભેટમાં બાંધેલ જમૈયા ઉપર લીંબુ ઠેરવી ઉભો રહ્યો અને પછી એણે ઠાકોરને કહ્યું “ગોળી મારો ઔર યે નીંબુ કો ઉડા દો.”
પુરબીયો ઠાકોર તો મોતીમાર હતો. એણે બેધડક બંદુક ચલાવી લીંબુનું નિશાન પાડ્યું. પણ પછી પૂછ્યું કે “શંકર જમાદાર, તમે બ્હીના નહિ ? મારી ગાળી આડી જાત તો ?”
શકરે જવાબ દીધો : “જેની ગોળી આડી જાય તેના ધણીને આવી છાતી જામેલ હોય નહિ, ઠાકોર!”
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.
આગળની વાત હવે પછીના ભાગમાં આવશે..
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 1
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 2
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 3
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 5
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો