વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠ દ્વારકાનું ભૂષણ બન્યો છે.
જોધો માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા છીએ, ભૂખે મરીએ છીએ. કાંઈક અનાજ મોકલો. ”
રામજીભાએ જોધાને જાણ કરી. દાના દુશ્મન જોધાએ છાનામાના કહી દીધું કે “રામજીભા ! કોઈ ન જાણે તેમ ખોરાકી મોકલી આપો, પણ જો વાઘેરોને વાત પહોંચશે તો મારો ઈલાજ નથી. વન વનની લકડી આજ ભેળી થઈ છે.”
કિલ્લા બહાર રામજી શેઠની બે વખારો હતી, તેમાંથી ખોરાક મોકલાવા લાગ્યો. પણ વાઘેરોને ખબર પડી ગઈ કે દુશ્મનોને ખોરાક જાય છે. ગાંડા વાઘેરો રામજીની વખારો તોડી તોડીને માલ ફગાવવા લાગ્યા.
ત્યાં રામજી શેઠનો દીકરો લધુભા દોડતો આવ્યો. એની કૂહાડી જેવી જીભ ચાલી : “એ મછીયારાવ ! આંકે રાજ ખપે ? જ જો ખાવતા તીંજો ખોદોતા ? (એ માછીમારો ! તમને તે રાજ હોય ? જેનું ખાઓ છો એનું જ ખોદો છો ? ) ”
“લધુભા ! તું ભલો થઈને જબાન સંભાળ ! અટાણે દીકરાનાં લગન નથી, પણ લડાઈ છે.”
એ રીતે વાઘેરોએ એને ઘણો વાર્યો, પણ લધુભા ન રહી શક્યો. ગાળોની ઝડી વરસાવવા લાગ્યો. ઝનૂને ચડેલા વાઘેરો : અને સામે એવો જ કોપેલો વાણીઓ : બીજું તો કાંઈ ન થઈ શકે, એટલે લધુભાને બાંધી, એના પગમાં બેડી પહેરાવી, મંદિરના કિલ્લામાં, શત્રુઓનાં મૂડદાંની સાથે એને પૂરી દીધો.
કિલ્લાનો બંદોબસ્ત કરીને જોધો જમવા આવ્યો : રામજીભાને ઘેરે જ એ રોજ રોટલા ખાતો. આજ ન્હાઈને પાટલે બેસે છે ત્યાં એને યાદ આવ્યું : “રામજીભા ! લધુભા કેમ ન મળે !”
“ક્યાંક ગયો હશે. તું તારે ખાઈ લે ભાઈ !”
“હું શી રીતે ખાઉં ? તારો દીકરો ન જડે ને મને અન્ન શે ભાવે ? આ દાવાનળ સળગે છે એમાં કોને ખબર છે, શું થયું હશે ?”
જોધો થાળી ઉપરથી ઉઠી ગયો. લધુભાની ગોતે ચડ્યો. પતો મળ્યો કે એને તો કિલ્લામાં પૂર્યો છે. જોધાએ કિલ્લાનું તાળું તોડ્યું. લધુભાને બેડીઓમાં ઝકડાએલો જોયો. એના પગ લોહીવાળા દીઠા. જોધાને જોતાં જ લધુભાએ જીભ ચલાવી.
જોધાએ એને વાર્યો: “એ લધુભા ! ગુડીજો ટીલો તું ડીનો હો ! તોજી જીભ વશ રાખ ભા ! હીન ટાણે તો વન વનજી લકડી આય ! [ગળીની કાળી ટીલી તું જ મને દઈશ ભાઈ ! તું તારી જીભ વશ રાખ. અત્યારે તે આંહી વન વનની લાકડી ભેગી થઈ છે.]”
જોધાને લાગ્યું કે આ ખાનદાન ભાટીઆનું કુટુંબ ક્યાંઈક કચરાઈ જશે : એને આંહીથી ખસેડી નાખું.
અમરાપરથી બે ત્રણ ગાડાં મગાવી કિલ્લા બહાર જસરાજ માણેકના પાળીઆ પાસે ઉભાં રખાવ્યાં. પાંત્રીસ માણસોને હાથમાં નાળીએરના ઉલ્કા ઉપડાવી, દિશાએ જવાના બ્હાનાથી કિલ્લા બહાર કઢાવ્યાં. અમરાપર પોતાને ઘેર પહોંચતાં કર્યા. ફક્ત બુઢ્ઢા રામજી દાદો જ દ્વારકામાં રહ્યા.
જોધાને ઘેરે ચાર પાંચ ભેંસો મળે છે. રામજીભાઈનાં છૈયાંછોકરાંને રોજ જોધાની વહુઓ દૂધપાક પૂરી કરીને જમાડવા લાગી છે.
[અને આ વાત કરનાર, રામજી શેઠનો ૭૪ વર્ષનો પૌત્ર રતનશી શેઠ જે અત્યારે બેટમાં હયાત છે, તે કહે છે કે “મને આજ પણ એ દૂધપાક પૂરી સાંભરે છે.”]
૭
ઢાંચો:પડાતો અક્ષરથી એ કુટુંબ જુદું પડ્યું : રામજી શેઠનો નાનેરો ભાઈ જેરામ, લધુભાનો દીકરો રતનશી અને દાદી વગેરે બેટમાં ગયાં. બેટમાં તેઓનું ઘર હતું.
જલદ જીભવાલા લધુ શેઠ પોતાના ગુમાસ્તા વગેરેને લઈને ચાર ગાડાં જોડાવી જામખંભાળીઆ તરફ ચાલી નીકળ્યા.
રાતનો વખત છે. ગાડાં ચાલ્યાં જાય છે. કોઈને દુશ્મનનો વહેમ પણ નથી.
પહેલું ગાડું લધુભાનું : એ નીકળી ગયું, પણ બીજું ગાડું નીકળતાં જ ઝાડવાંની ઓથેથી આદમી ઉઠ્યા. એમાંથી એક જણે બળદની નાથ પકડી.
ગાડાખેડુએ બૂમ પાડી “એ લધુભા, લૂંટારા !”
ઠેકીને બહાદૂર લધુભા ઉતર્યો. “કેર આય !” એવી હાકલ કરતો દોડ્યો આવ્યો. લૂંટારાઓને પડકારીને કહ્યું, “અચો હરામી ! અચો પાંજે ગડે ! [આવો મારે ગાડે.] ”
આવીને જુવે તો આદમીઓએ મ્હોં પર મોસરીયાં વાળેલાં: ફક્ત આંખો તગતગે: મોવડી હતો તેને ઝીણી નજરે નિહાળીને લધુભા બોલ્યો : “હાં ! વાહ વાહ ! તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજાંગ અયેં.” [તારી આંખો પરથી સૂઝે છે કે તું તો વરજાંગ ! ]
લુંટારો ભોંઠો પડી ગયો. શરમથી હસીને ગરીબડે સૂરે કહેવા લાગ્યા કે “મુઠો ડન્ને લધુભા ! ચાર ચાર ગાઉ દોડી દોડીને અસેં મરી વીંયાંસી, પણ હણેં તો અસાંથી લુંટાય ન ! [ભોંઠા પાડ્યા ને, લધુભા ! ચાર ચાર ગાઉથી દોડીને અમે તો મરી ગયા. પણ હવે તો અમારાથી લુંટાય નહિ.]
“લૂંટને ! ઈન્ની પાસે તો બસો ચારસો કોરીંયેજો માલ હુંદો ! પણ મું આગર બ હજાર કોરીયું આય. હલ, ઈ આંકે ખપે તે ગીની વીંજે !” [ લૂંટને ! એની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે. પણ મારી પાસે તો બે હજાર કોરીઓ છે. હાલ, જોઈએ તો લઈ જા !]
“હણેં તો લધુભા ! સરમાઈ વીંયાંસી. તોજે મેતેકે, લૂંટણાવા ! ચો૫ડેમેં અસાંજે ખાતેમેં ખુબ કલમેંજા ઘોદાં માર્યું આય.” [હવે તો લધુભા ! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમારાં ખાતામાં ખૂબ કલમના ઘોદા માર્યા છે.]
“હણે કૂરો ?” લધુભાએ વાઘેરને પૂછ્યું,
“હણેં હલો. આંકે રણજી હુન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના. [ હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ. નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.]
વાઘેર લૂંટારો ખસીયાણો પડી ગયો. કોઈ કુટુંબી પૂછે તેવી રીતે પૂછ્યું, “લધુભા ! ભૂખ લગી આય.”
“તો ડીયું ખાવા. જોધો માણેકજો પરતાપ આય.” [તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે. ]
ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવીયો બન્યો. લધુભાનાં ત્રણે ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.
૮
રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું ? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે ‘દ્વારકાવાળા ખૂટી ગયા. પણ તમે ખૂટશો મા. કિલ્લો સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો.
સિપાહીઓ-પણ અમારે ખાવાનું શું કરવું ?
જેરામ-હું સગવડ કરી દઉં, મંદિરમાં વાંધો નથી.
વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો. અને આખી રાત કિલ્લા ઉપર કપાસીઆ તેલના દીવા માંડી એક આદમીને “ખબરદાર ! ખબરદાર !” એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો. વાઘેરોએ અવાજ ઓળખ્યો. “એ અવાજ તો જેરામભાનો એ હશે ત્યાં સુધી કિલ્લો નહિ સોંપવા દે.” ગામ લૂંટ્યા વિના વાઘેરો પાછા દ્વારકા ગયા. જોધાને અને રામજીભાને તેડી લાવ્યા.
જુવાન જેરામભા કિલ્લા ઉપર ઉભો છે. નીચે ઉભાં ઉભાં જોધાએ અને રામજીભાએ સમજાવટ આદરી :
“ભાઈ જેરામભા ! હેઠો ઉતરી જા !” જોધો બોલ્યો
“ન ઉતરૂં, એમ કિલ્લો ન સોંપાય. તું તારે બે હજાર વાઘેરની ફોજ લઈને ચડી આવ. કિલ્લો જીતીને ખુશીથી લઈ લે. પણ ખુટલાઈ કરાવીને શું લેવા આવ્યો છે જોધાભા !”
“જેરામભા ! આજ તો હું તને શરમાવવા આવ્યો છું. અમારે રાજપાલટો આણવો છે, અને તું ઉઠીને શું ઓખાનો શત્રુ થઈશ ? જેરામભા ! દ્વારકા કોની ? દ્વારકા પાંજી આય.”
“દ્વારકા પાંજી આય !” એ વેણે જેરામનું હૈયું હલમલાવી નાખ્યું. તેમાં વળી રામજી શેઠનો સાદ પૂરાયો:
“ભાઈ જેરામ ! હવે હુજ્જત મ કર.”
જેરામ – તો એટલી બાંહેધરી દે, કે આ કિલ્લાના કોઈ પણ આદમી ઉપર ઘા ન કરવા, સહુને હેમખેમ સલાયા ભેળા થાવા દેવા.
જોધો – કબૂલ છે રણછોડરાયની સાખે !
કિલ્લાના સિપાહીઓને ગાયકવાડી કે સરકારી કુમક આવી નહિ. બચાવ લાંબો વખત થાય તેમ નહોતું રહ્યું. જેરામભાના રક્ષણ નીચે સહુ નીકળીને સલાયા ગામ તરફ ચાલતા થયા.
બરાબર શંખ તળાવ પાસે પહોંચે ત્યાં પાછળથી માંકડાં જેવા વાઘેરોનું એક ટોળું તેઓને આંબી ગયું અને ટોળાએ ચસ્કા કર્યા કે “મારો ! મારો ! મારો !”
આડો ઉભો રહીને જેરામભા બોલ્યો “ખબરદાર જો આગળ વધ્યા છે તો. તમે જોધાભાનો કોલ ઉથાપો છો ?”
વાઘેરોએ હુજ્જત કરી : “જેરામભા ! આ સિપાઈઓએ અમારા એક આદમીને માર્યો છે એટલે અમે એક ધીંગાણું કર્યા વગર તો પાછા જવાના જ નથી.”
જેરામભાના હાથમાં લાકડી હતી. ધરતી ઉપર ધૂળમાં આડો લીટો કરીને કહ્યું કે “વાઘેર બચ્ચાઓ ! જો આ લીટો વિળોટો તો તમને જોધા માણેકની આણ છે. ”
એટલી આણ બસ હતી. લાકડીની લીટી હતી તે દિવાલ જેવી થઈ પડી. વાઘેરો પાછા વળી ગયા.
૯
બેટ શંખોદ્ધાર ઉપર જોધાનો વાવટો ચડ્યો છે. જોધો દારૂગેાળા તપાસે છે. પૂછે છે:
“ભાઈ દેવા ! શો શો સરંજામ હાથમાં આવ્યો?”
“ઓગણીસ તોપો.”
“રંગ ! બીજું ? ”
“ફતેમારીઓ, સુરોખાર ને ગંધકથી ભરેલી.”
“વાહ રણછોડ ! જેવું લીધું છે તેવું જ સાચવજે દેવા ! હજી મરદુંના મામલા વાંસે છે.”
“જેવી રણછોડરાયની મરજી, જોધાભા !”
દારૂગોળો તપાસીને જોધો માણેક પાછો વળ્યો. પણ બેટની બજારમાં નીકળે ત્યાં તો મંદિરોના દરવાજા ઉપર ચોકી કરવા બેઠેલા પીંડારા વાઘેરોને પૂજારીઓ ઉપર ત્રાસ ગુજારતા જોઈને જોધાની આંખ ફાટી ગઈ. પીંડારીયાના જાત્રાળુઓ પાસેથી પૈસા છોડાવી રહ્યા છે અને પૂજારીઓ ને જાત્રાળુઓ કુંજોનાં ટોળાંની માફક કળેળાટ કરે છે. ચુપાચુપ જોધો ઉભો ઉભો જોઈ રહ્યો છે. માણસોએ ચીસ પાડી “જોધા ભા, અમને બચાવો. આથી તો મરાઠા શું ભુંડા હતા ?”
પીંડારીયા જોધાને ભાળીને નીચું ઘાલી ગયા. જોધાએ કહ્યું:
“તમારા મોઢાં કાળાં કરો. માનું દૂધ લજાવ્યું ભા ! તમે રજપૂતનાં ફરજંદ છો ?”
એકેએક પીંડારીયાને ચોકી પરથી બરતરફ કરી બેટનો કિનારો છોડવા હુકમ દઈ દીધો. અને જોધાએ ન્યાયની અદાલત ભરી. પૂછવામાં આવ્યું “કોના ઉપર જુલમ થયો છે ભાઇ ?”
“મંદિરવાળા ભંડારી હરિમલ ઉપર.”
“શું થયું ? ”
“એને ઝાલીને અભડાવ્યા ”
“કોણે પાપીએ ?”
“રણમલ પીંડારે.”
“શા સારૂ ?”
“દંડ લેવા સારૂ.”
“બોલાવો રણમલને. ન આવે તો રસીથી બાંધીને લાવજો.”
રણમલને તેડી હાજર કરવામાં આવ્યો. જોધા માણેકે રણમલ તરફ પીઠ ફેરવી અને વચનો કહ્યાં:
“આટલા સારૂ હું પીંડારીયાઓને તેડી લાવ્યો’તો ખરૂં ને રણમલ ! જા, તુંને તે ગોળીએ દેવો જોઈએ, પણ હવે ભાગી છૂટ. ભંડારીજી કયાં છે ભાઈઓ ? ”
“જાંબુવંતીજીના મંદિરમાં સંતાણા છે.”
“હાલો મંદિરે.”
મંદિરે જઈને જોધા માણેકે ભંડારીની માફી માગી. અને એવો ઠરાવ કર્યો કે દર મહિને અક્કેક મંદિરવાળાએ વાઘેરોની ચોકીનો ખર્ચ ચુકવવો.
બેટમાં બંદોબસ્ત કરીને જોધો દ્વારકા પાછો વળ્યો. જઈને જોવે તો દ્વારકામાં પણ દેકારો બોલે છે બંદૂક તાકીને વાઘેરો વેપારીઓ પાસેથી મ્હોંમાગ્યા દંડ ચૂકાવે છે. છકેલા વાઘેરો સ્ત્રીઓને અને છોકરાંને પોતાનાં ઘોડાંની હડફેટે ચડાવે છે પોતાને રહેવા માટે હરકોઈના ધર ખાલી કરાવે છે. જોધાએ સંતાઈને નજરોનજર એક દુકાન ઉપરનો બનાવ જોયો. આંખમાં સુરમો આંજીને ઓળેલી દાઢી મૂછ વાળો એક વાઘેર સાત હથીઆર સોતો એક વેપારીની દુકાને બેઠો છે. ઉઘાડો જમૈયો એના હાથમાં ચકચકે છે, સામે શેઠીયો થર ! થર ! ધ્રુજે છે, અને વાઘેર ડોળા ફાડીને કહે છે કે “મારા લેણાનું ખત ફાડી નાખ, નીકર હમણાં છાતીમાં આ હુલાવું છું.” એ વખતે જોધાનું ગળું રણક્યુ :
“તે પહેલાં તો બેલી ! તારી છાતીનું દળ આ જમૈયો નહિ માપી લ્યે ? રંગ છે વાઘેરાણીની કૂખને ! ”
એકેએક વાઘેર જેની શેહમાં દબાતો, તે જોધાજીને જોઈ જમૈયાવાળો આદમી ખસીઆણો પડી ગયો. ગામનું મહાજન ટપોટપ દુકાનો પરથી ઉતરીને જોધાને પગે લાગ્યું, અને સહુએ પોકાર કર્યો કે “જોધા બાપુ ! આટલું તો તમે દીઠું, પણ અદીઠું અમારે માથે શું શું થઈ રહ્યું છે તે જાણો છો ? કહો તો અમે ઉચાળા ભરીએ. કહો તો માલ મિલ્કત મેલીને હાથે પગે ઓખાના સીમાડા છાંડી જઈએ, પણ આવડો માર તો હવે નથી સહેવાતો. ‘
જોધાએ મહાજન ભેળું કર્યું. એક પડખે મહાજન બેઠું છે, બીજે પડખે વાઘેરો બેઠા છે, વચ્ચે જોધો પોતે બેઠો છે, મુળુ અને દેવો, બેય ભત્રીજા પણ હાજર છે, જોધાએ વાત શરૂ કરી :
“ભાઈ દેવા ! બેટા મુરૂ !”
“બોલો કાકા !”
“આપણે ચોર લૂંટારા નથી. રાજા છીએ, આપણે મરાઠાની જેમ પરદેશથી પેટ અને પેટીયું ભરવા નથી આવ્યા. પણ આપણા બાપડાડાનું રાજ પાછું હાથ કરી, રજપૂતના ધરમ પાળવા આવ્યા છીએ, ”
“ સાચી વાત. ”
“ અને આ વસ્તી આપણાં બેટા બેટી છે, ”
“ કબૂલ. ”
“ આપણે માથે રણછોડરાય ધણી છે. ”
“ ખમ્મા રણછોડ ! ”
“ ત્યારે રજપૂતના દીકરા બિરદ વગર રાજ કરે નહિ. સાંભળો આપણાં બિરદ:
પહેલું-વસ્તીના વાલની વાળી પણ ન લુંટવી.
બીજું–ઓરતોને બ્હેન દીકરી લેખવી.
ત્રીજું-જાત્રાળુને લૂંટવાં તો નહિ, પણ ચાલતા આવેલા ધારા પ્રમાણે કર વસુલ લઈને ઠેઠ રણના કાંઠા સુધી ચોકી પહેરામાં મેલી આવવાં.
“ બોલો ભાઈ, આ બિરદ ઉથાપે તેને ? ”
“ તેને તોપે ઉડાવવો. મુળુ બોલ્યો.
પછી જોધો વેપારીઓ તરફ ફરીને બોલ્યો.
“ કહો, ઈદરજી શેઠ, હીરા શેઠ, હવે તમે સવા મણની તળાઈમાં સૂજો. મારો સગો ભત્રીજો મુળુ પણ જો ક્યાંય કોઈને ટુંકારો કરે, તો વાવડ દેજો ! સજા કરીશ.”
“ ધન્ય છે બાપુ ! ” મહાજનની છાતી ફાટવા લાગી.
“ ઉભા રહો. ધન્યવાદ પછી દેજો. તમારી જવાબદારી પણ સમજી લ્યો, તમારે અમને ખાવાનું તો આપવું જ પડશે. ઘર દીઠ ખાવાનું લેવાનો ઠરાવ કરીને જ તમારે ઉઠવાનું છે. આ તો લડાઈ છે. પોલકી નથી માંડી. અને જાંગલાઓને તમે કેમ કર ભરતા’તા ?”
“કબૂલ છે બાપુ !” કહીને મહાજને ઠરાવ ઘડ્યો.
“જે રણછોડ ! જે રણછોડ !” એવા નાદ થયા ને ડાયરો વીંખાણો.
૧૦
શંખોદ્વાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમીયાણીની દીવાદાંડી પાસે આવીને ઉભી રહી અને ત્રણ નાની બોટો ખાડીમાં ચોકી દેવા લાગી. સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઉડે છે. તોપોનાં ડાચાં સાતેના તૂતક ઉપરથી બેટની સામે ફાટી રહ્યાં છે.
ધીંગાણાના શોખીન વાઘેરો કિનારા ઉપર નાચતા કૂદતા બોલવા લાગ્યા કે
“આયા ! ચીંથડેંજે પગે વારા આયા ભા ! ચીંથડેંજે પગે વાર ન લાલ મું વારા માંકડા આયા ! હીં ચીંથડેંજે પગે વારા કુરો કરી સકે ? (ચીંથરાના પગવાળા ને લાલ મ્હોં વાળા માંકડા આવ્યા, એ બિચારા શું કરી શકશે ?)”
ચીંથરાના પગવાળા એટલે મોજાંવાળા : વાઘેરોને મન આ મનવારો ને સોલ્જરો ચીથરાં જેટલાં જ વિસાતમાં હતાં. તાળીઓ પાડીને વાઘેરોએ ગોલંદાજને હાકલ કરીઃ
“હણેં વેરસી ! ખણો ઉન નડી તોપકે ! હકડો ભડાકો, ને ચીંથડેવારાજા ભુક્કા !”
બેટને આઘે આઘે છેડે બરાબર મોટા દરિયાને કાંઠે હાજી કરમાણીશા પીરની મોટી દરગાહ છે. હાજી કરમાણીશા ઓલીયો ઠેઠ ખંભાતથી, એક શિલાની નાવડી બનાવી, ધોકા ઉપર કફનીનો શઢ ચડાવી, આખો દરિયો તરતા તરતા બેટને આરે ઉતરી આવ્યા કહેવાય છે, એ જગ્યાની પાસે વાઘેર ગોલંદાજ વેરસીએ પોતાની નાની તોપમાં સીસાનો ભુક્કો, લોઢાના ચૂરા અને ગોળા વગેરે ખેરીચો ઠાંસી ઠાંસીને ભર્યો. મનવારોની સામે માંડીને તોપ દાગી, પણ ગોળા મનવારને આંબી જ ન શક્યા.
હવે મનવારોએ મારો ચલાવ્યો. મણ મણના ગોળાઓએ આવીને વાઘેરોની તોપના ભુક્કા બોલાવ્યા. કિનારો ખરેડી પડ્યો.
નાદાન વાઘેરો અણસમજુ છોકરાંની કાલી વાણી કાઢી કહેવા લાગ્યા :
“નાર તો ભા ! પાણ તો જાણ્યું જે હીતરી હીતરી નંડી ગોરી વીંજતો. પણ હે તો હેડા હેડ વીજેતો. હેડજો કરાર તો પાંજે ન વા ! હણે ભા ! ભજો ! [આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીએ છોડશે. આ તો આવડા આવડા મોટા ગોળા ફેંકે છે. આવડા ગોળાનો તો આપણે કરાર નહોતો, હવે તો ભાઈ, ભાગો !]
કરમાણીશા પીરની દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા. મંદિરોના કિલ્લામાં જઈને ભરાણા, અને આ બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકાં કાઢ્યાં.
કિનારેથી જોધો ને મૂળુ, બે જણા આ વાઘેરોના કાળની નિશાનીઓ સામે ઠરેલી નજરે નિરખી રહ્યા છે. જોધો જરાક મોઢું મલકાવી મૂળુની સામે જુવે છે. મૂળુનું માથું ખસીઆણું પડીને નીચે ઢળે છે.
“મુરૂભા ! બચ્યા ! કાળને કેવાં નોતરાં દીધાં આપણે ?”
હડુડુડુ ! હડુડુડુ ! દરિયામાંથી આગબોટોએ તોપોના બહાર આદરી દીધા. ઉપરાઉપરી ગોળાનો મે વરસવા લાગ્યા. ગઢની રાંગ તોડી. એટલે વાઘેર યોદ્ધાઓએ દુકાનોનો ઓથ લીધો. પલકવારમાં તો દુકાનો જમીદોસ્ત બની, એટલે વાઘેરો ખંડેરોનાં ભીંતડાં આડા ઉભા રહ્યા. ગ્રુપછાંટના ગોળા પડે છે. પડીને પછી ફાટે છે. ફાટતાં જ અંદરથી સેંકડો માણસોનો સંહાર કરી નાખે તેવી જ્વાળાઓ છૂટે છે, અને શું કરવું તે કાંઈ સુઝતું નથી. તે વખતે બુઢ્ઢાઓએ જુક્તિ સુઝાડી કે
“દોડો ભાઈ, ગોદડાં લઈ આવો. અને ગોદડાં ભીનાં કરી કરીને ગોળા પડે તેવાં જ ગોદડાં વડે દાબીને બુઝાવી નાખો. ”
પાણીમાં પલાળી પલાળીને ગોદડાં લઈ વાઘેરો ઉભા રહ્યા. જેવો ગોળો પડે, તેવા જ દોડી દોડીને ગોદડાં દબાવી દેવા લાગ્યા. ગોળા ઓલવાઈને ત્યાં ને ત્યાં થંભી ગયા. એક આખો દિવસ એ રીતે બચાવ થયો. દુરબીન માંડીને આગબોટવાળાએ જોયું તો વાઘેરોની કરામત કળાઈ ગઈ.
બીજે દિવસ પ્રભાતે આગબોટવાળાઓએ આગબોટો પાછી હટાવી. ગોળા બદલાવ્યા. તોપોના બહાર શરૂ થયા. આંહી વાઘેરો પણ ગોદડાં ભીંજાવીને હાજર ઉભા. પરંતુ આ વખતે ગોદડાં નકામાં નીવડ્યાં. ગોળા અદ્ધરથીજ ફાટી ફાટીને માણસોનો કચ્ચરધાણ વાળવા લાગ્યા. વાઘેરોનો ઇલાજ ન રહ્યો. દેવાએ પોકાર કર્યો કે “હવે કાંઈ ઉગારો ?”
“મંદિરમાં ગરી જઈએ.”
“અરરર ! ઇ ગાયુંના ખાનારાઓ મંદિર ઉપર ગોળા મારશે. અને આપણે ક્યે ભવ છૂટશું ?”
“બીજો ઈલાજ નથી. હમણાં ખલાસ થઈ જશું. બાકી મંદિર પર દુશ્મનો ગોળા નહિ છોડે.”
ભાન ભૂલીને વાઘેરો મંદિરમાં દાખલ થયા. ત્યાં તો મંદિરના ચોગાનમાં બે ગોળા તુટી પડ્યા. અને ગોદડે ઝાલવા જાય ત્યાં એમાંથી ઝેરી ગેસ છૂટ્યો. ઓલવવા જનારા આઠે આદમીઓ ગુંગળાઈને ઢળી પડ્યા. બીજો ગોળો બરાબર મોટા દેરાના ઘુમ્મટ પર વાગ્યો. એક થંભ ખરેડી પડ્યો. તે વખતે ત્રાસ પામીને દેવા છબાણીએ હાકલ દીધી:
“ભાઈઓ, હવે દુશ્મનોએ મરજાદ છાંડી છે. અને આપણાં પાપે આ દેવ ને આ દેરાંના ભુક્કા સમજજો. આપણાથી સગી આંખે હિંદવાણાના એ હાલ નહિ જોવાય. ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલાં આપણો જ અંત ભલે આવી જાય, નીકળો બહાર. ”
“પણ ક્યાં જાશું !”
“આરંભડે થઈને દ્વારકામાં”
ત્યાં તો જાસૂસ ખબર લઈ આવ્યો : “દેવાભા, જમીન માર્ગે આપણે હવે જઈ રહ્યા. નાકાં બાંધીને તોપખાનાં ચાલ્યા આવે છે. ભાળ્યા ભેળા જ ફુંકી દેશે.”
રઘુ શામજી નામનો એક ભાટીઓ : ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલી જાણે. એણે વાઘેરોને કહ્યું : “વષ્ટિ કરીએ. બીજો ઈલાજ નથી.”
કિનારે આવીને લોકોએ ધોળો વાવટો ચડાવ્યો. સુલેહની નિશાની સમજીને મનવારનો કપ્તાન કિનારે આવ્યો, જુવાન જુવાન વાઘેરો કિલ્લામાં રહ્યા. બુઢ્ઢા હતા તેને કિનારે લઈ ગયા.
કપ્તાન બોલ્યો કે “હથીઆર છોડી દ્યો.”
બુઢ્ઢા બોલ્યા “હથીઆર તો ન છડ્યું, હીં કિલ્લો સોંપી ડ્યું.”
દરમીઆન કિલ્લાના કોઠા પાસેની સાંકડી ગલ્લીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. વાઘેરો દગો રમ્યા. જોધો ત્યાં નહોતો.
પાંચસો સોલ્જરો ઉતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડથી તોપ દાગતાં પચીસ સાલ્જરોની લોથોનો ઢગલો થયો. અને તોપો દાગનારા બેય વાઘેરો તલવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછી હટાવી, ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લા “જે રણછોડ !” નો નાદ કર્યો. શ્વાસ છૂટી ગયા.
માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાઢ,
સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
[માણેકે સંગ્રામ રૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાઢ ભરડવા બેઠા. ગોરા સોલ્જરો રૂપી શેરડી કરી. મોટા શુરવીરોને પીસી નાખ્યા.]
ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી બાજુ નીસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં “જે રણછોડ !”ના નાદ સંભળાયા. દેવા છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો. નીસરણી નીચે પટકી, ગોરીઆળી વાળો ગીગો તલવાર ખેંચી “જે રણછોડ !” કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઉંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ગીગા ભા ! જેડા ગાડર ગૂડેતા હેડ સોજરા ગુડજા ! (જેવા ઘેટા કાપીએ તેવા સોલ્જરોને કાપજે !)” એ પડકારો સાંભળી એણે ૩૦ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો.
“હવે આપણો સરદાર પડતે આપણે આંહી રહી શું કરશું ? અને હમણાં ફોજ બેવડી થઈને ઉમટશે.” એમ કહીને કિલ્લેદારો નાઠા, ગોળાનો વરસાદ ન સહેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા, કિલ્લાનાં બારણાં ખુલ્લાં મૂકાઈ ગયાં. રખેને હજુ પણ આગબોટો ગોળા છોડે, એવી બ્હીકે બેટના મહાજને કિનારે જઈ ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે “વાઘેરો બોટ ખાલી કરીને નાસી છૂટ્યા છે, માટે હવે સુખેથી પધારો બેટમાં !”
૧૧
અંધારી રાતે દ્વારકામાંથી ગોરાઓની ગોળીઓ વીંધાતા વાઘેરો જીવ લઈને નાસી છૂટ્યા છે. કોઈ એક બીજાને ભાળી શકતું નથી. કાંટામાં ક્યાંથી ગોરાની ગોળી વછૂટશે એ નક્કી નથી. દ્વારકા ખાલી કરીને બેભાન વાધેરો ભાગ્યા જાય છે.
અંધારામાં દોડતા જતા એક આદમીનું ઠેબું એક નીચે પડેલા બીજા આદમીને વાગ્યું. દોડનાર વાધેર બ્હીનો નહિ, ઉભો રહ્યો. નીચે વળ્યો. પડેલા માણસને પડકાર્યો “તું કોણ?”
ઘાયલ પડેલા આદમીએ આ પૂછનારનો અવાજ પારખ્યોઃ “કોણ સુમણો કુંભાણી, મકનપુરવાળો તો નહિ ?”
“હા, હું તો એજ. પણ તું કોણ ?”
“મને ન ઓળખ્યો ? સુમણા ! હું તારો શત્રુ : તારી અસ્ત્રીને ઉપાડી જનાર હું વેરસી !”
“તું વેરસી ! તું આંહી ક્યાંથી ?”
“જખમી થઈને પડ્યો છું. વસઈવાળા મને પડ્યો મેલીને ભાગી ગયા છે, ને હું પોગું એમ નથી, માટે સુમણા ! તું મને મારીને તારૂં વેર વાળી લે. મેં તારો ભારી અપરાધ કર્યો છે.”
“વેર ? વેરસી, અટાણે તું વેરી નથી. અટાણે તો બાપનો દીકરો છે. વેર તો આપણે પછી વાળશું, વેર જૂનાં નહિ થાય.”
એટલું કહીને સુમણાએ પોતાના શત્રુને કાંધ પર ઉઠાવી લીધો. લઈને અંધારે રસ્તો કાપ્યો. ઠેઠ વસઈ જઈને સહીસલામત ઘેર મૂકીને પાછો વળ્યો.
૧ર
બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી છૂટ્યો છે. સાંઢીયા ઉપર નાનાં બચ્ચાંને ખડક્યા છે. અને ઓરતો પોતાનાં ધાવણાં છોકરાંનાં ખોયાં માથા ઉપર લટકાવીને મરદોની સાથે રાતોરાત ઉપડતે પગલે નાસી છૂટી છે. થોડેક જાય ત્યાં સામા વાવડ આવે છે કે “ભાઈ, પાછા વળો. એ રસ્તે સોજીરોની ચોકી લાગી ગઈ છે.” એ માર્ગ મેલીને બીજે માર્ગે જાય, તો ત્યાંથી પણ નાકાબંધી થઈ ગયાના સમાચાર મળે છે.
એમ થાતાં થાતાં આખી રાતના રઝળપાટને અંતે પ્રભાતે વાઘેરોનું દળ પોશીત્રાની સીમમાં નીકળ્યું છે. પાછળ સરકારી વારના પણ ડાબા બોલતા આવે છે. જોધા માણેકે સાદ દીધો કે “ભાઈ, સામે ડાભાળા ખડામાં દાખલ થઈ જાયેં તો જ ઉગારો છે. માટે હડી કાઢો.”
ડાભાળો ખડો નામની ગીચ ઝાડી છે, અને ત્યાં દરિયામાંથી એક સરણું વહ્યું આવે છે, તેમાં ધુણા માતાની સ્થાપના છે. એ ઝાડીમાં પહોંચતાં તો બહારવટીયા પ્રભુને ખોળે બેસી જાય એવી વંકી એ જગ્યા હતી. ડાભાળો ખડો એક ખેતરવા રહ્યો એટલે સાથે માતાને ભુવો હતો તે બોલ્યો કે
“જોધા બાપુ ! હવે ભો’ નથી. માતાજી ફોજને ખમ્મા વાંછે છે.”
“કેમ કરીને જાણ્યું ભાઈ ?”
“આ જુવો, માતાજીની ધજા સામે પવને ઉડે છે. હવે વારના ભાર નથી કે આપણને આંબે. માતાજીએ વગડામાં આંધળાં ભીંત કરી મેલ્યાં હશે.”
ડાભાળા ખડામાં જઈને બહારવટીયાઓએ પડાવ નાખી દીધો. ચોફરતી ચોકીઓ ગોઠવાઈ ગઈ. ભેળી ઘંટીઓ લીધેલી તે માંડીને વાધેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ, જોધા માણેકનો દાયરો પણ રાજાની કચેરી જેવો દિવસ બધો ભરાયલો જ રહેવા લાગ્યા. સહુ આગેવાનો આ ઓચીંતી ઉથલ પાથલને યાદ કરી કરી, શું થઈ ગયું તેના વિચારમાં ડુબી ગયા, જાણે સ્વપનું આવીને ઉડી ગયું. જોધાજીએ માણસોને પૂછ્યું,
“દ્વારકાના કાંઈ વાવડ ?”
“વાવડ તો બહુ વસમા છે બાપુ ! સોજીરોએ દેરાં માથે અકેકાર ગુજારવા માંડ્યા છે.”
“શું થયું ભાઈ ?”
“દખણામૂરતીની પ્રતિમાજીના જમણા હાથની આંગળીયું અને નાસકા ખંડિત કરી. બીજી મૂર્તિયું ને પણ ભાંગફોડ કરી ”
“હા ! હા !” કહી જોધાએ આંખ મીંચી.
“બીજું બેટમાં તો આપણે કિલ્લો ખાલી કર્યાની રાતે જ સોજીરો દાખલ થઈ ગયા, વળતે દિ’ સવારમાં ડોનવેલ સાબે સોજીરૂંને લૂંટ કરવાને હુકમ દીધો.”
“લૂંટ કરવાનો હુકમ ?”
“હા બાપુ, લૂંટ કરવાનો હુકમ દીધો, એટલે પેલા પરથમ તો કરાંચીના વહાણોમાં દારૂ સંઘરેલો હતો ઈ હાથ લાગ્યો એટલે સોજીરો પી પીને ચકચૂર થયા. પછી ઉઘાડી તરવારે કૂતરાંની, મીંદડાંની, ઢોર ઢાંખર જે મળ્યું તેની અને રૈયતનાં નિર્દોષ માણસુંની વિના કારણ કતલ કરવા લાગ્યા.”
“હં !” કહીને જોધા માણેકે નિસાસો મેલ્યો. બીજા બેઠેલા, તેઓના પંજા પટોપટ પોતાની તરવાર માથે ગયા. આ જોઈને જોધાજી બોલ્યા “ધીરા થાવ ભાઈ ! હજી વાત અધુરી છે, પછી કેમ થયું ભાઈ ?”
“મંદિરની દિવાલ તૂટી હતી તેમાંથી એક સોનાની પાટ જડી, ગોરાને લાગ્યું કે દિવાલોમાં રોગી પાટો જ ભરી હશે ! એટલે વળતે દિ’ સોજીરોની પલટન કિલ્લાને સુરંગ દઈને ફુંકી નાખવા માટે આવી. વસ્તીએ કાલાવાલા કર્યા કે આમાં અમારાં દેરાં છે, ને દેરાંમાં મૂર્તિયું છે. માટે જાળવી જાઓ. પલટનનો સાહેબ બોલ્યો કે “બે કલાકમાં તમારી મૂર્તિ ઉઠાવી જાઓ, નહિ તો ટુકડો ય નહિ રહે.” મૂર્તિઓ ઉપાડીને રાધાજીની ગાશાળામાં પધરાવી, અને ચાર પડખેથી સુરંગ ભરીને ફોજવાળાઓએ આખો કિલ્લો અને ભેળા તમામ દેરાંને ફુંકી દીધાં. અટાણે તો ત્યાં દિવસે ય ખંડેરો ખાવા ધાય છે, રાતે તો ઉભા રહેવાતું નથી.”
“અને હવે ?”
“હવે તે હાંઉ, લૂંટ આદરી છે. દેરાંમાંથી નાણાં મળતા જાય છે તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે. ભગવાનને પહેરાવવાના અઢળક દાગીના, રોકડ….”
“અને વસ્તીએ પોતાનાં ઘરાણાં નાણાં દેરામાં સાચવવા મેલ્યાં છે તે ?”
“તે પણ ભેળાં જ જાશે બાપુ ? કોણ ભાવ પૂછશે ?”
“રણછોડરાય ! રણછોડરાય ! અમારાં પાપ આંબી ગયાં ! સૂકાં ભેળાં લીલાં ય બળી જાશે. સત્યાનાશ વ્હોર્યું’, મુરૂભા !” એમ બોલતો બુઢ્ઢો ચોધાર આંસુડે રોવા લાગ્યો.
આમ વાત થાય છે ત્યાં ખેભર્યો, સાંઢીયો ઝાડીમાં દોડ્યો આવે છે, અને માર્ગે બેઠેલ અસવાર, સાંઢીયો ઝૂક્યો ન ઝૂક્યો ત્યાં તો ઉપરથી કુદકો મારીને દાયરામાં શ્વાસ લીધા વિના વાવડ આપે છે :
“આપણી ગોતમાં ફોજું દસે દૃશ્યે પાટકે છે. એક પલટન વશી ગઈ’તી, ત્યાં કોઈ બારવટીયો તો હાથ લાગ્યો નહિ, એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી અને ધરમશાળાને સુરંગ નાખી ફુંકી દીધી.”
“વશી બાળી નાખ્યું ? માંહીની વસ્તીનું શું થયું ?”
“કો’ક ભાગી નીકળ્યાં, ને કો’ક સળગી મર્યાં. ઢોર ઢાંખર તો ખીલે બાંધેલાં જ સસડી મુવાં હશે.”
“પછી ફોજ કેણી કોર ઉતરી ?”
“સગડ લીયે છે. પોશીતરા, સામળાસર અને રાજપરા સુધી પગેરૂં ગયું છે, ને હમણાં અહીં આવ્યા સમજો બાપુ !”
“હવે આપણને કોણ સંઘરશે ? દોઢ હજાર માણસોને સંતાવા જેવી વંકી જગ્યા હવે ફક્ત એક જ રહી છે, હાલો. ભાઈ, આભપરો આપણને આશરો દેશે.”
પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઉચેરા ભાગને ‘આભપરો’ નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓને કાજે ભૂતના હાથે બાંધેલ હલામણ જેઠવાનું ઘુમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં આંસુડાં ટપક્યાં હતાં; જ્યાં રાખાયત નામનો ફુટતી મૂછોવાળો બાબરીયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મોતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઉગરવા બરડાઈ બ્રાહ્મણોનો ઓથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઉતરે તેટલા અટંકી બ્રાહ્મણોને વઢાવ્યા હતા; જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઉજળાવરણી ને ઉજળાંલક્ષણી ઉજળી નામની ચારણ-કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબુલી લીધુ હતું. એવા આભપરા ડુંગર ઉપર રાજા શૈલકુમાર જેઠવાએ ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળીયું ને સાફુંદો નામનાં ત્રણ પૂરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા પાણાઓની બખોલોમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં પરગણાંમાંથી ખેડુતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર મરણીયાપણાના રંગ તરવરી ઉઠ્યા : જોધો પોતાના ખરા રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું : એનું દિલ પ્રભુની સાથે લાગી ગયું :
મનડો મોલાસેં લગાયો
જોધો માણેક રૂપમેં આયો !
કમરૂં કસીને માણેકે બંધીયું અલા !
ગાયકવાડકે નમાયો — જોધો ૦
કેસર કપડાં અલાલા ! માણેકે રંગીયાં ને
તરવારેસેં રમાયો — જોધો ૦
જોધા માણેકજી ચડી અસવારી અલા !
સતીયેંકે સીસ નમાયો — જોધા ૦
ઉંચુ ટેકરો આભપરેજો અલ્લા !
તે પર દંગો રચાયો — જોધો ૦
શેખ ઈસાક ચયે સૂણે મુંજા સાજન !
દાતાર મદતેમેં આયો — જોધો ૦
[જોધો માણેક સાચા રૂપમાં આવ્યો. એણે પાતાનું દિલ પ્રભુ સાથે લગાવી દીધું. માણેકે કસી કસીને કમર બાંધી દુનિયામાં ડંકો બજાવ્યો, કેસરીયાં કપડાં રંગીને માણેક તરવારે રમ્યા. જોધા માણેકની અસવારી ચડી. પાદરમાં સતીઓના પાળીઆ હતા તેને જોધાજીએ માથું નમાવી પ્રણામ કર્યા. આભપરાના ઉંચા ટેકરા ઉપર ધીંગાણું મચાવ્યું. કવિ શેખ ઈસાક કહે છે કે ઓ મારા સ્વજનો ! સાંભળો ! એની મદદમાં દાતાર આવ્યો. ]
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.
આગળની વાત હવે પછીના ભાગમાં આવશે..
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 1
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 5
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 3
જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 4
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો