દીકરાએ તો દેશમાં ડંકો દીધો.
બાપદાદાના વખતથી સોરઠ સાથે ઝઘડો ચાલતો હતો. પાડા-પાડી લડે ને ઝાડનો ખો નીકળે, એમ સોરઠ-પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો.
સોરઠ જિતાયું ને એ ત્રાસ ટળ્યો ! બધે કડક બંદોબસ્ત કર્યો.
દીકરાએ બાપથી સવાયું નામ કાઢ્યું !
કઈ માતાને દીકરાનાં પરાક્રમથી પોરસ ન ચઢે ! માતા મીનળદેવી મનમાં ખૂબ હરખાયાં કરે.
મીનલદેવીના મનમાં ઘણા વખતથી સોરઠ જોવાની ઇચ્છા હતી; દ્વારકાધીશનું દેરું જુવારવાની ભાવના હતી; સાગરકાંઠો નિહાળવાની આકાંક્ષા હતી; તલવારની ધાર સરખી તેજસ્વી સોરઠિયાણીઓને જોવાની ઇચ્છા હતી.
ગીરના વંકા ડુંગરા અને સેંજળ ઝરણામાં પાણી પીતા સાવજ તો એની કલ્પનામાં હમેશાં રમતા. અને આ સહુથી સવાઈ ઇચ્છા તો સોમનાથ મહાદેવની જાત્રા કરવાની હતી. સોમનાથ દેવ તો એના બાળપણના સાથી દેવ !
લાકડીનો ઘોડો કરીને રમતી ત્યારે એ ઘોડા પર બેસીને સોમનાથ જતી.
દીકરા સિદ્ધરાજે કહ્યું : ‘માતા ! હવે સોરઠના પ્રવાસે સંચરો. ભગવાન સોમનાથને જુહારો.’
માતા મીનલદેવી કહે : ‘દીકરા ! આ જાતરાની વાત તો જૂની છે. આજે કહેવામાં વાંધો નથી. બહુ નાની હતી, સોનાના ઘોડે ને રૂપાના ચાબુકે રમતી હતી, એ વખતે યાત્રાળુના સંઘ નીકળતા – અમારા કર્ણાટક દેશથી ઠેઠ દેવપાટણ સુધીના.
એ વખતે યાત્રાળુઓને પૂછતી : ‘ક્યાં આવ્યું દેવપાટણ ? કેવા છે એ ભગવાન ? મારે એમનાં દર્શન કરવાં છે.’
યાત્રાળુ કહેતા : ‘દૂર-દૂર આવ્યું દેવપાટણ ! અહીંથી દૂર સરવો સોરઠ દેશ છે. એના જંગલમાં સાવજ વસે છે. સાવજ જેવા ત્યાંના લોક છે. સુંદર સાગરકાંઠો છે. સરસવતી નદીનો પવિત્ર ત્રિવેણીસંગમ ત્યાં છે. ત્યાં પ્રભાસ નામનું તીર્થ છે. મહર્ષિ અગમ્ય જ્યાં દરિયો પી ગયા, એ સ્થળ છે. આખી દેવનગરી વસેલી છે. ભોળા શંભુએ સોમ નામના દેવનો ત્યાં ઉદ્ધાર કર્યો. એટલે ‘સોમનાથ મહાદેવ’ કહેવાયા. જ્યોતિર્લિંગોમાં એ સૌથી પહેલું લિંગ છે. જ્યાં સોમ જેવા દેવનો ઉદ્ધાર થયો, ત્યાં માણસનો ઉદ્ધાર થતાં વાર કેવી? ભગવાન તો ભાવના ભૂખ્યા છે.’
‘દીકરા ! ત્યારથી સોમનાથ મહાદેવનાં દર્શનની મનમાં ભાવના. એ પછી દાદા શુભકેશી વનવગડે દાહમાં સપડાઈને બળી ગયા. એમના નિમિત્તે હું મારા પિતા જયકેશી ને માતા સાથે ગુજરાત આવી. સોમનાથને જુહાર્યા. સિદ્ધપુરપાટણ ગયાં. ત્યાં સરસ્વતીમાં નાહ્યાં ને પિતૃશ્રાદ્ધ કર્યું !’
આ વખતથી ગુજરાત મને ગમી ગયું ને ભગવાન સોમનાથ અંતરમાં વસી ગયા. હું તો સ્વપ્નાં દેખતી હતી : ગુજરાતે રમવાનાં !’
એક દહાડો તારા પિતાનું માગું આવ્યું. મને તો ગુજરાતની રઢ હતી : ગુજરાતના દેવની, ગુજરાતનાં માનવીઓની, ગુજરાતની સેંજળ ભૂમિની. સોમનાથની તો શ્વાસોશ્વાસમાં ઝંખના હતી. પણ દીકરા ! અહીં આવ્યા પછી એ સ્વપ્ન ભાંગી ગયું. ખબર પડી કે પાટણ અને સોરઠ વચ્ચે ઝઘડો ચાલે છે, માથાવઢ વેર ચાલે છે. એ પતે નહિ ત્યાં સુધી સુખે જાત્રા થાય નહિ. લાખની યાત્રા કરવા જઈએ, ને લોહી વહાવીએ, એનો કંઈ અર્થ નહિ. હું રોજ મનમાં સોમનાથ દેવને પ્રાર્થના કરતી હતી કે ક્યારે રૂડો દહાડો દેખાડે ને હું યાત્રાએ આવું ! આજ એ રૂડો દાડો ઊગ્યો !
‘દીકરા ! હું તો કાલે જ રવાના થવા ચાહું છું.’ માતાએ વર્ષોથી મનમાં સંઘરી રાખેલી વાત પુત્ર પાસે મૂકી દીધી.
સિદ્ધરાજે કહ્યું : ‘માતા ! તમે રવાના થાઓ. તમે અડધે ગયાં હશો ને હું આવી પહોંચીશ.’
તરત તૈયારીઓ થઈ ગઈ.
પંડિત-પુરોહિતોને નોતરાં આપી સાથે લીધા.
લાવ-લશ્કર સાથે લીધું.
સવા લાખનો પૂજાપો લીધો. તુલાપુરુષ દાનને ગજઘન પણ સાથે લીધાં.
રાજમાતાની સવારી આગળ વધી. ઠેર ઠેર પડાવ નાખતા જાય, આસપાસનો પ્રદેશ જોતા જાય ને આગળ વધતા જાય.
સાથે ગામેગામથી લોકો સંઘ લઈને નીકળે. સંઘમાં સંઘ મળી જાય. યાત્રા માટેનો આવો સારો સથવારો ક્યાંથી મળે ?
મીનલદેવી તો મહા ચતુર; ચારે તરફ ધ્યાન રાખ્યા કરે : ભૂમિ ક્વી છે? ઊપજ કેવી છે ? માર્ગ ક્યા છે ? વિસામા કેવા છે ? માર્ગમાં કૂવા છે કે નહિ ? બંદોબસ્ત છે કે નહિ? જાત્રાળુને અને વટેમાર્ગુને સગવડ કેવી મળે છે ?
રાણી બધું જોતાં જાય અને આગળ વધતાં જાય !
રસ્તામાં યાત્રાળુ મળે, એની પાસેથી બધી વાતો સાંભળતાં જાય. યાત્રા તો એક અભ્યાસ છે. આમ યાત્રાનો ઉમંગ વધારતાં જાય.
એક દહાડો ભોલાદ (બાહુલોદ) નામના ગામે કેટલાક કાપડી લોકો મળ્યા. એ ઢીલા-ઢીલા હતા. એમના પગ પાછા પડતા હતા. રાજમાતાએ પૂછ્યું : ‘કેમ, યાત્રા કરી ?’
‘ના માતાજી ! દાણિયા દાણ માગે છે. અમારી પાસે ફૂટી કોડી પણ નથી. માજી ! દીઠા દેવને પહોંચી જાત્રા. અમે પાછા જઈએ છીએ !’ કાપડી લોકો એ કહ્યું.
એમની આંખમાં આંસુ હતાં.
‘અરે ! આવા તો કેટલાય ગરીબ યાત્રાળુઓ પાછા ફરતા હશે.’
રાજમાતા દાણિયા પાસે ગયાં; બધી હકીકત પૂછી.
દાણિયો કહે : ‘માતાજી ! રાજે ઇજારો આપેલો છે. પૈસા હોય એ જાત્રા કરી શકે, નહિ તો ઘર બેઠા ભગવાનને ભજે.’
રાજમાતાએ જોયું કે દાણિયો ગરીબ માણસોને ધક્કા મારી-મારીને પાછા કાઢતો હતો. એને જાત્રા સાથે સંબંધ નહોતો, પૈસા સાથે સંબંધ હતો. કોઈને ગાળો દેતો, કોઈને ભાંડતો, કોઈને ધક્કા મારતો. કહેતો કે અમે તમને છોડી દઈએ, પણ કંઈ રાજ અમને છોડશે ? જે કહેવું હોય તે રાજને કહો. બાકી દાણ આપશો તો જાત્રા થશે. આમ થાણામાં કાળો કકળાટ જામેલો રહેતો.
રાજમાતા બધે હર્યા – ફર્યા, જોયું – જાણ્યું. એ રાતે મીનલદેવીને ઊંઘ ન આવી.
આખી રાત પડખાં ફેરવતાં જાગ્યાં.
છેલ્લા પહોરે આંખ મળી ગઈ. એમાં એક સ્વપ્ન આવ્યું :
જાણે પોતે એક બ્રાહ્મણની સ્ત્રી છે.
નામ સુજયા છે !
સુજયા ગરીબ છે, પણ ધર્મના ભાવવાળી છે. બાર માસનાં બધાં તપ કરે છે, બધાં વ્રત કરે છે. વ્રતના છેડે બાર વસ્તુનાં દાન દે છે.
સુજયા સોમનાથની પૂજારણ. એક વાર યાત્રા કરવા નીકળી. મોંમાં ઉપવાસ હતો. નિશ્ચય હતો કે અધમોદ્ધારક ભગવાન સોમનાથનાં દર્શન કરી, ત્રિવેણી નાહી, સાધુ-અભ્યાગતોને યથાશક્તિ જમાડી ઉપવાસનું પારણું કરીશ.
ત્યાં માર્ગમાં દાણિયો આવ્યો.
એણે સુજયાને રોકી, કહ્યું : ‘દાણ લાવો.’
સુજ્યા કહે : ‘હું રંક ભિખારી છું. મોંમાં વ્રત છે. જવા દો !’
ઘણિયો કહે : ‘ન જોઈ હોય તો વ્રત કરનારી ! પાસે તાંબિયા ન હોય તો તીરથ કરવા ન નીકળીએ ! ઘરને જ તીરથ માનીએ !’
સુજયા કહે ‘વાત સાચી છે. પણ દેવનાં દર્શન કર્યા વગર ઉપવાસ ન તોડવાનું નામ લીધું છે. ભલો થઈને જવા દે. ભગવાન તારું ભલું કરશે.’
દાણિયો કહે : ‘અમારો ભગવાન પૈસો. એ હોય તો તારુંય ભલું થાય અને અમારુંય થાય.’
કોઈ વાતે દાણિયો ન માન્યો. સુજયાને પાછી કઢી. એ નિરાશ થઈને ઘેર આવી. આ ઘા એને એવો લાગ્યો કે એ માંદી પડી ને સોમનાથના દર્શનની તાલાવેલીમાં ગુજરી ગઈ.
મરતી વખતે એણે પ્રાર્થના કરી : ‘હે ભોળા શંભુ ! મારા મનમાંથી મેં તને પલવાર વિસાર્યો નથી. તું દેવમંદિરમાં નહિ પણ મનમાં વસે છે ! જો મારાં વ્રત-નીમનું કંઈ ફળ હોય, તો આવતે ભવે આ અન્યાયી કરને દૂર કરનારી જન્મુ.’
એ સુજયા મરીને મીનલદેવી સરજાઈ !
પૂણ્યના પ્રતાપે રાજાને ઘેર જન્મી. કર્મસંજોગે ગુજરાતની રાણી થઈ. સિદ્ધરાજ જેવા પરાક્રમી પુત્રની માતા થઈ.
અને સ્વપ્ન પૂરું થયું. મીનલદેવીની આંખ ઊઘડી ગઈ.
[ ક્રમશઃ આગળની વાત જાણો હવે પછી ના ભાગમાં.. ત્યાં સુધી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ. આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો… ]
લેખક – જયભિખ્ખુ
આ પોસ્ટ લેખક જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથા સિધ્ધરાજ જયસિંહ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો
વાંચો પહેલાના ભાગ:-
★ પ્રકરણ – 3 : મેંદી રંગ લાગ્યો ★
★ પ્રકરણ – 5 : ખેંગારે નાક કાપ્યું ★
★ પ્રકરણ – 6 : દારુ એ દાટ વાળ્યો ★
★ પ્રકરણ – 7 : પાણી એજ પરમેશ્વર ★