શ્રી શીતળા માતાજી મંદિર- કાલાવડનો ઇતિહાસ

આજે કાલાવાડ એ જામનગર જીલ્લા નો સૌથી મોટો તાલુકો છે. જે વર્ષો પુર્વે કાઠી રાજ સંસ્થાન હતુ. દરબાર શ્રી કાળા માંજરીયાને શીતળા માતા ને સ્વપન મા આવી ને કહેલુ કે, ધોરાવડી, ફલકુ અને કપુરીયા ના કિનારે (ત્રીવેણી સંગમ) પર છું. ત્યાં એક ત્રણ પાંદડાનું એક વડ નુ વૃક્ષ હશે તેની નીચે સાથિયો પુરાયેલો હશે તેની નીચે સોપારી હશે ત્યાથી પશ્ચિમ દિશામાં પચાસેક હાથ પછી ખોદકામ કરતાં હું પ્રગટ થઇશ.” તે મુજબ શ્રી કાળા માંજરીયા ને વડ નું નિશાન મળતા થોડુ ખોદકામ કરતા માતાજી ના ફળા નિકળ્યા આ જગ્યા પર નાનું એવુ મંદીર બાંધવામાં આવ્યુ મા શિતલા કાળા માંજરીયા કાઠીના કુળદેવી સ્થપાયા અને લોકો ના મનોરથો , પોતાની માનતા રાખવાથી પૂર્ણ કરવા લાગ્યા. આથી જ “કાલાવડ શિતલા” ના નામથી પ્રસિધ્ધ થયું.

અગાઉ ના સમયમાં રાજા મહારાજા જે નગરી વસાવતા ત્યારે તેના નામમાં તે નદીનું નામ , મહાદેવજીનું નામ અને નગરી(ગામ) નું નામ પણ પોતાના નામ ની સાથે જોડતા હતાં. તે મુજબ સૂર્યપુજક એવા કાઠીકુળનાં માંજરીયા શાખાના જન્મેલ કાઠી દરબારે પોતાના નામ પરથી કાલાવડી નદી અને કાળેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવને નામ આપી આજુબાજુ ના ગામો ની સાત ચોવીસી બાંધી પોતાના નામ ઉપર થી ‘કાલાવાડ’ શહેર ની સ્થાપના કરી રાજગાદિ સ્થાપી. જે સમયે 11 મી સદિ નો સૈકો ચાલુ હતો.

Shitala mataji- kalawad

શ્રી કાળા માંજરીયા એ પોતાનો રાજમહેલ હાલમાં જ્યાં વિકાસ કોલોની વસેલ છે તે જગ્યા પર બનાવેલ હતો. ત્યા દરબારગઢ ના ખંડિત અવશેષો મોજૂદ હતાં. રાજમહેલ નો પડછાયો કાલાવડી નદી ના વહેતા પ્રવાહ માં પડતો હતો જે પરના પ્રાચિન દુહા આ મુજબ છે.

“માંજરીયા નો મહેલ વહેતે જળ વાતું કરે –।
જરૂખડે જજુમેલ કાલાવડીએ કાળીઓ” -॥

પાચેક સૈકા માંજરીયા કુળની ગાદી ચાલી જામશ્રી રાવળજીએ કાઠી લોકો સાથે સંગ્રામ કરી કાલાવડ ગામ જીતી લિધું. જામનગરનાં જામશ્રી રણમલજી બીજાએ આ ગામ ને કિલ્લો બનાવ્યો જે કામ વિક્રમ સંવત ૧૯૧૪ માં પૂરૂ કરાવ્યુ હતું. મુનીશ્રી ગાંગજીરખજી એ લખેલા પ્રાચિન પુસ્તકસમાં દોહો છે કે

“દશ કોઠા છ બારીયુ બે દરવાજા જોઇ
પાદર મોટી શિતલા તે કાલાવડ હોઇ “

ઉપરોક્ત દુહા અનુસાર કિલ્લા ને ફરતા ૧૦ કોઠા આવેલા છે તેમજ બે દરવાજા માં

૧.નગર નો દરવાજો
૨. મુળીલા નો દરવાજો
અને છ બારી માં

૧.ખત્રી ૨. વહોરા ૩. ખાટકી ૪. પંડ્યા ૫. કુંભાર ૬.સતી ની એમ છ બારીઓ પણ હાલ મા મોજૂદ છે.

કાલાવડની ચારેય દિશામાં દેવસ્થાનો સ્થાપાતા રાજકવી દોહો બનાવેલ છે.

“પૂર્વે પ્રગ્ટેશ્વર પ્રભુ પશિવમે ધિગેશ્વર ધીર
ઉતર માં રણુંજા થયુ દક્ષિણમાં ગનીપીર “

મોરબીના રાજમાતા એ કાલાવડ મંદિરે ચઢાવેલા ચાંદીના કમાડ.

શિતલા માતાજીના મંદીર અને ધોરાવડી નદીના તટ પરથી પૂર્વ કિનારા તરફ મઠ આવેલ છે આજે પણ તેને લોકો બાવા ના મઠ થી ઓળખે છે. આ મઠ માં રામગરજી તરીકે એક અતીત બાવા રહેતા હતાં તે સ્થળેથી થોડે દૂર દક્ષિણે જતાં હતાં જ્યાં આજે જુનાગઢ ની સડક વણાંક લે છે. જ્યાં એક દરગાહ આવેલ છે જેને આજે પણ ફકીરના તકીયા તરીકે ઓળખાય છે.

શિતલા માતાજી ની પૂજા કરનાર રાજગોર બ્રાહ્મણ હતા વર્ષો પછી એ કુટુંબ તે સમયમાં પરદેશ જતા માતાજીની પુજા અતીત બાવા રામગરજી કે જેઓ એક ફક્ક્ડ અને મલંગ (બ્રમ્હચારી) હતાં. તેઓ કરતા. તેઓને એક દિવસ ખબર પડી કે બાદશાહ અલ્લાઉદીન હિંદુ લોકોના દેવાલયો તોડતો આવે છે. તે કાલાવડમાં પણ શિતલા માતાજીનું મંદિર તોડવાનો છે. રામગરજીએ સઘળી હકીકત ”શરીફન અલિશા” ને સંભળાવી તેઓ નીરાશ થઇ ગમગીન થઇ ગયા. આથી શરીફન અલીશા બોલ્યા કે તમે નિરાશ ના થાઓ હુ મારાથી બનતુ તમામ મદદ કરીશ.

સાંઇ શરીફન અલીશા બાદશાહ ને મળવા ને દુવાખેર કરવા રૂબરૂ ગયા બાદશાહ ને સાઇ ના સ્વરૂપમાં ઓલિયા પૂરૂસ ના દર્શન થયા ને તેમને માંગવાનું કહયું. સમય નો મોકો જોઇ તેમણે શિતલા માતાજી નું મંદિર ના તોડવાનું વચન માગ્યું. જેથી બાદશાહ ખુબ ગુસ્સે થયા. અને ગામ ગરાસ પૈસા ટકા કે બીજુ કાઇપણ માંગવાનું કહ્યુ પણ સાઇ ને બીજુ કાઇ ના ખપે એમ કહિ તેઓ ઉભા થઇ ગયા. ત્યાર બાદ તકિયે જઇ રામગરજી ને બોલાવ્યા. પોતે એક ગોરી આપી ને તે માથી ઠીકરા ની ઠીબ લાવવા કહ્યું. પોતે ધોરાવડી નદી મા નાહિ ને પોતાનું તપોબળ તે ઠીબ માં મેલીને એ ઠીબ માતાજી ના ફળા પર ઢાકી દેવાનું કહ્યું.

રામગરજીએ મુજબ કરી પોતાના મઠમાં ચાલ્યા ગયા. સાઇ એ આખી રાત જાપ જપવામાં ગુજારી. (અત્રે ઉલ્લેખનીય રહેશે કે એક મુસ્લિમ હિંદુનું મંદિર ના તુટે માટે પોતાનું તપોબળ પણ આપે છે. અને આખી રાત તેમના માટે દુવા પણ કરે છે.) સવાર પડતા બાદશાહે શિતલા માતાજીનું મંદીર તોડી પાડીને ખંઢેરા તરફ જવાની સુચના આપી પોતાના સૈનીકો ને આ કામ ની વિગત વાર જાણ કરવા કહ્યું. આ બાજુ સૈનીકો એ શિતલા માતાજીના મંદિરની ખોજ શરૂ કરી પરંતુ સાઇ ના તપોબળ તેમજ બ્રહમચર્ય ના કારણે નજરબંધી થી ગામના લોકો તેમજ સૈનીકો ને મંદિર દેખાતું જ ન હતું. લશ્કર ના સૈનિકોએ મંદિર ગોતવામાં કાઇ જ બાકી રાખ્યું ન હતું. છેલ્લે સુબેદારે મંદિર થી પશ્વિમ દિશા માં આવેલ સતી માતાની એક ડેરી ને તોડી તેને શિતલા માતાજીનું મંદિર માની તેનું શિખર તોડી પાડ્યું અને જે પાળીયા હતાં તેઓને પણ તોડી ખોદી નિચે પાડ્યા આ ડેરી હાલ પણ તે જ હાલત માં છે.

આમ લશ્કરે ખંઢેરા જઇ બાદશાહને મંદિર તોડી પાડ્યાનું જણાવ્યું. લશ્કર જતા સાઇ એ રામગરજી ને ઠીબ લઇ લેવાનું કહ્યું અને સાઇ ના તપોબળ ને કારણે માતાજીનું મંદીર બચી ગયું. રામગરજી અને આફરીન અલીશા બન્ને દોસ્તો હોવા થી સાંઇ ના શિષ્યોને મંદિરની આવક માંથી ભાગ આપવા લાગ્યા અને ઘણા વર્ષો આ મુજબ ચાલ્યું. ત્યારબાદ રાજગોર બ્રાહ્મણો ના વંશજો ફરીથી કાલાવડ મુકામે સ્થિર થતાં અને પોતાનો પુજારી તરીકે નો હક સાબિત કરતા પુજાવિધીમાં પોતાનો ભાગ રખાવ્યો. જેથી હાલ માં પણ રાજગોર બ્રાહ્મણ , અતીત બાવાજી અને સાઇ ફકીર ના વંશજો દર વર્ષે ચાર-ચાર માસ પુજા વિધિ કરવાનું નક્કી કર્યુ. અને જે કોઇ માનતા એ સમયમાં આવે તેને પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું.

ફકીર લોકોના વારામાં માતાજીને પુજા વિધી કે કાઇ ધરતા ના હતાં. આ માટે તેમના વારામાં એક પવિત્ર બ્રાહ્મણ પુજાવિધી અને માનતા કરાવવા લાગ્યા. અને જે આવક થાઇતે ફકિર લઇ જાઇ અને તેમાંથી યથા યોગ્ય રકમ બ્રાહ્મણ ને આપે તેમ નક્કી થયું. આમ સદીઓથી કાલાવડ ના પ્રજાજનોની આકોમી એખાલસ ની ભાવના ચાલી આવે છે. આ પ્રથા આજ ના સમય મા પણ નિહાળી શકાય છે.

સ્ત્રોતઃ
-તેજસભાઇ રાવલ
-દાનાભાઇ માંજરીયા
-જયમલ્લ પરમાર
કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

તો મિત્રો આ હતો શ્રી શીતળા માતાજી મંદિર- કાલાવડ નો ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!