ભરૂચના કુંવર અને નવઘણ વચ્ચે લાગેલી હોડમાં નવઘણની જીત થતા ભરૂચમાં ચારેબાજુ હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળતો. ભરૂચ વાસીઓનો ઉત્સાહ જોઈ રાજા પદ્મનાભે રાજકુમારે આપેલ વચન નીભાવતા કુંવરીના લગ્નની તૈયારીઓ આદરી હતી. રાજાએ લગ્નનું કહેણ મોકલાવતા વાંજારાણીમાએ દીકરા નવઘણના લગ્નની અંગેની જાણ તાત્કાલીક મા જણ્યા ભાઈથી પણ વિશેષ દેવાયત બોદરને કરવા બોડીદર માણસો દોડાવ્યા હતા. દેવાયત બોદરે નવઘણના લગ્ન ભરૂચના રાજાની કુંવરી સાથે ગોઠવાયા અંગેના સમાચાર સાંભળતા જ સગા-સ્નેહીઓ સાથે તુરંત ભરૂચ પહોંચ્યા હતા.
દેવાયત બોદરે ભરૂચ પહોંચી રાજકુંવરને શોભે તેવી નવઘણના લગ્નની તૈયારી કરી ધામધૂમથી લગ્નનું આયોજન કર્યું હતું. અસ્ત્ર-શસ્ત્ર અને રાજનિતીમાં નિપુણ નવઘણનો ભવ્ય વરઘોડો ભરૂચની બજારમાંથી નીકળતા તે જોવા લોકોની ભીડ ચારેબાજુ ઉમટી પડી હતી. વરઘોડો જોવા ઉમટેલી ભીડમાં લોકો ભરવાડના છોકરાના ભરૂચની કુંવરી સાથે લગ્ન થતા જોઈ નવાઈ પામતા અંદરોઅંદર વાતો કરતા હતા.
“અરે, જુઓ તો ખરા કાગડો દહીંથરૂ લઈ ગયો !”
”હા, સાચી વાત હો સોરઠનો ભરવાડ ભરૂચના રાજાનો જમાઈ થયો શું તેના નસીબ છે ?” બીજાએ ટહુકો પૂર્યો.
“હા, ભાઈ આને નસીબના ખેલ કહેવાય ? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી ?”
લોકોની વાતો સાંભળી વરઘોડામાં સામેલ વાંજારાણીમાની આંખ ભીની થતા તે મનમાં કોચવાતા ધીમેથી બોલી ઉઠ્યા. અમને ભરૂચમાં ભરવાડ જો લીધા લોકે જાણી; જો હોત જૂનાણાના ભાટ તો જાણત કોણ જૂનાધણી. વાંજારાણીમાએ કોચવાતા મને ધીમેથી બોલેલા શબ્દો તેમની બાજુમાં ઉભેલા દસોંદી બારોટે સાંભળી જતા તેણે ચમકીને રાણીમા સામે જોતા તે રાણીને ઓળખી ગયો. એ સમયે વરઘોડામાં હાજર દેવાયત બોદર પણ સોરઠના બારોટને ઓળખી જતા તેણે બારોટને ચૂપ રહેવા ઇશારો કરી સંકેતમાં સમજાવી દીધો હતો.
નવઘણનો વરઘોડો લગ્ન મંડપે પહોંચતા સૌના ધામધૂમથી સ્વાગત સાથે લગ્નવિધી ધામધૂમથી પૂર્ણ થતા દેવાયત બોદર દસોંદી બારોટ અને વાંજારાણીને સાથે લઈ રાજા પદ્મનાભને એકાંતમાં મળ્યા.
“દેવાયતભાઈ, તમે ભલે મને વાત કરી ન હોય પણ હું બધું જાણું છું !”
”રાજાજી, શું વાત કરો છો ?”
”દેવાયતભાઈ, પાટણના દુર્લભરાજની દુષ્ટતાથી કોણ અજાણ છે ? કપટ અને નિર્દયતાથી રા’ દિયાસના પરિવારની હત્યા કરનારના કોપથી નવઘણને બચાવવા તમારા એકના એક દીકરાનું બલીદાન આપી, તમે આહીર કુળને ઉજળું કરી બતાવ્યું છે !”
ભરૂચના રાજાની વાત સાંભળી દેવાયત બોદરની આંખના ખૂણા ભીના થઈ ગયા. “ભરૂચનરેશ, એ બધી વાત સાચી પરંતુ જયાં સુધી નવઘણને જૂનાગઢની ગાદીએ બેસાડું નહીં, ત્યાં સુધી મારા માટે ધાન ધૂળ સમાન છે !”
“દેવાયતભાઈ, તમે ધાન ખાતા પહેલા ધૂળની ચપટી મોઢામાં મૂકો છો તે વાત હું જાણું છું !”
“મહારાજા, મારી એ ટેક તો ખોડીયારમા પૂરી કરશે, બસ એના ભરોસે અમે ટકી રહ્યા છીએ !”
“દેવાયતભાઈ, ખોડીયારમાનો આધાર જ સાચો છે, અને એની કૃપાથી જ નવઘણ અસ્ત્ર-શસ્ત્ર સાથે રાજનિતીમાં પણ પારંગત થઈ ગયો છે, બસ હવે સમય પાકી ગયો છે !”
”મહારાજા, તમારી વાત સાચી છે, દુર્લભરાજના ત્રાસથી લોકો થાક્યા હોય હવે મોડું કરવું નથી !”
”દેવાયતભાઈ, નવઘણની પડખે ઉભા રહેવાની હવે અમારી પણ ફરજ છે, બસ તમો ઇશારો કરો એટલે ભરૂચની ફોજ સોરઠ તરફ કૂચ કરે !”
”મહારાજા, નવઘણને સોરઠની ગાદીએ બેસાડવાની પ્રતિજ્ઞા દેવાયત બોદરે લીધી છે, એટલે એ જવાબદારી આહીરોની ગણાય, બસ તમે માળવાના રાજા સાથે મળી પાટણની સેનાને સીમાડાઓ ઉપર દોડાવો, બાકી બીજું બધું અમે સંભાળી લઈશું !”
“દેવાયતભાઈ, પાટણના સોલંકી શક્તિશાળી છે જરા સાવધાનીથી આગળ વધજો !”
”મહારાજા, આહીરોની તેગે અને દેગે મુરલીધર બેઠો છે એટલે સૌ સારા વાના થઈ રહેશે !”
”ભલે દેવાયતભાઈ જેવી તમારી મરજી !”
”મહારાજા, નવઘણ ગાદીએ બેસે પછી જાહલનો રૂડો અવસર લેવાનો છે, ઈ’ અવસરની શોભા વધારવા જરૂરથી પધારજો !”
”દેવાયતભાઈ, જરૂરથી આવીશું બસ તમે તૈયારી કરો !”
દેવાયત બોદરે બોડીદર પાછા ફરતા જૂનાગઢમાં આહીરોને એક છત્ર નીચે ભેગા કરવા ચારેબાજુ ખેપીયાઓ દોડાવ્યા હતા. ચોવીસેય પરજના આહીરોને નાતનું તેડું મળતા જૂનાગઢ તરફ આહીરો ચાલી નીકળ્યા. જૂનાગઢમાં નાત
ભેગી થાય તે પહેલા દેવાયત બોદરે છૂપી રીતે હથિયારો સંમેલનના સ્થળે પહોંચાડી દીધા હતા. દેવાયત બોદરે થાણેદાર સાજનસિંહનો વિશ્વાસ કેળવેલો હોય હજારોની
સંખ્યામાં આહીરો જૂનાગઢમાં ભેગા થયા.
ઇસુની અગીયારમી સદીની શરૂઆતમાં આહીરોમાં આજના જેવા શાખા ભેદો ન હતા. આજના જેવા સોરઠીયા, મચ્છુયા પ્રાથળિયા, પંચોળી, બોરીચા, વાગડીયા, વણાર, કાંબલીયા જેવા વાડા ન હોય આહીરો સંપથી રહેતા. એકને તકલીફ પડતી તો સૌ મદદે દોડી જતા, આજની જેમ બીજાના દુ:ખ જોઈ રાજી થનારા ભાગ્યે જ જોવા મળતા. શાખા ભેદ વગરનો આહીર સમાજ રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે પોતાનું આગવું અસ્તિત્વ ધરાવતો હોય આહીરોની અવગણના કરવી કોઈને પોસાય તેમ ન હતું.
પાટણપતિ દુર્લભરાજનો જૂનાગઢનો થાણેદાર સાજનસિંહ પણ આહીરોની તાકાત અને એકતા જાણતો હતો. એ સાથે દેવાયત બોદરે આહીરની નાત બોલાવતા પહેલા સોલંકીસુબા સાજનસિંહની મંજૂરી લીધેલ હોય તેણે બેફીકર થઈ આહીરો માટે કિલ્લાના દરવાજા ખુલ્લા રાખવાનો આદેશ કર્યો હતો.
દેવાયત બોદરે ઉગાના બલીદાનથી સોલંકી સુબાનો ભરોસો જીતી લીધો હોય તે જૂનાગઢમાં બેરોકટોક ફરી શકતા. એ સાથે દેવાયત બોદરે બોલાવેલ સંમેલનમાં હાજરી આપવા આવતા આહીરો માટે પણ સાજનસિંહે કિલ્લાના દરવાજા ખુલ્લા મૂકી દીધા. જૂનાગઢની શેરીઓ, બજારો અને રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં આહીર જ આહીર જોવા મળતા.
દેવાયત બોદરે આહીર સમાજના આગેવાનો સાથે મળી ગુપ્ત યોજના બનાવી નવઘણને લઈ સાજનસિંહને સંમેલનના સ્થળે લાવવા રાજમહેલ પહોંચ્યા. સૈનિકોના ચુસ્ત બંદોબસ્ત પાર કરી તેઓ રાજમહેલના પ્રાંગણમાં પહોંચતા ખુણામાં પડેલા વિશાળ નગારા ઉપર નવઘણની નજર પડી.
“દેવાયતબાપુ, આવડું મોટું નગારું !!!!!!!”
“નવઘણ, આ રાજનું નગારું છે, તેની ઉપર જૂનાગઢનો ધણી જ દાંડી મારી શકે !”
“દેવાયતબાપુ, શું વાત કરો છો ? શું આ નગારા ઉપર પાટણથી દુર્લભરાજ દાંડી મારવા થોડો આવશે ?”
”નવઘણ, આ નગારા ઉપર કોઈ ભૂલથી પણ દાંડીનો ઘા કરે તો સોલંકીની સેના તેને જીવતો ન છોડે !”
“ઓહો, દેવાયતબાપુ તો તો ભલે આજ કંઈક નવા-જૂની થઈ જાય !”
આમ કહી નવઘણે વિશાળ નગારા નજીક પડેલ દાંડી હાથમાં લઈ નગારા ઉપર ઘા કરતા ઘ્રીજાંગ.. ધ્રીજાંગ… ધ્રીજાંગ….કરતું નગારું ગાજી ઉઠ્યું. નગારાનો અવાજ સાંભળી સોલંકીસુબો ગભરાયો હતો. રાજમહેલમાંથી હાથમાં ખુલ્લી તલવાર સાથે નગારા તરફ દોડ્યો.
નગારા તરફ નજર કરતા તેણે એક યુવાનને નગારા ઉપર જોરથી દાંડી મારતો અને તેની બાજુમાં આઠ-દસ આહીરો સાથે દેવાયત બોદરને જોયા. અને એ સાથે સાજનસિંહનો ચહેરો લાલઘુમ થતા તેણે ત્રાડ પાડી.
“દેવાયત, આ બધુ શું છે ?”
”સાજનસિંહ, આ જૂનાગઢનો વારસદાર રા’ દિયાસનો કુંવર નવઘણ છે !”
”દેવાયત, નવઘણ તો તારા હાથે મરાયો હતો, તે કેમ હોય શકે ?”
”સાજનસિંહ, નવઘણ જીવતો રાખવા મારા દીકરા ઉગાનું બલીદાન આપ્યું હતું !”
”દેવાયત, તેં વિશ્વાસઘાત કર્યો ?”
”સાજનસિંહ, પાટણના દગાખોરોના મોઢે વિશ્વાસઘાતની વાત શોભતી નથી !” ત્યારે બીજીબાજુ રાજમહેલમાંથી નગારું ગાજી ઉઠતા જૂનાગઢમાં ભેગા થયેલા આહીરોએ અગાઉથી નક્કી કર્યા મુજબ સોલંકી સૈનિકોની કત્લેઆમ શરૂ કરતા રાજમહેલ તરફ આગળ વધ્યા હતા. તો સુનંદા આઠ-દસ સાથીઓ સાથે નવઘણને લઈ રાજમહેલમાં પહોંચી ગયેલા દેવાયત બોદરે પડકારો કરી તલવાર હાથમાં લીધી.
“દેવાયતબાપુ, ભાઈના હત્યારાને મારવાનો મને મોકો આપો !”
“નવઘણ, જેવી તારી મરજી પણ જરા સંભાળજે !”
“દેવાયતબાપુ, તમે ચિંતા ન કરો હમણાં આ દુષ્ટને પુરો કરી નાંખીશ !” અને એ સાથે
નવઘણે ચીતાને જેમ તરાપ મારતા સાજનસિંહને ઘેરીને ઉભેલા સૈનિકો ઉપર વીજળીવેગે તલવાર ફેરવતા તેના માથા ઘૂળમાં રગદોળી દીધા. યુદ્ધ કૌશલ્યમાં નિપુણ નવઘણે દુશ્મન સૈનિકોને મારવાનું શરૂ કરતા દેવાયત બોદર અને તેની સાથે રહેલા આહીરોની તલવારો પણ દુશ્મનોને ધૂળ ચાટતા કરવા લાગી. સાજનસિંહના અંગરક્ષકોને મારી નવઘણે સાજનસિંહને પડકારતા તે બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થયું. નવઘણે યુદ્ધને બહુ ન લંબાવતા સાજનસિંહની ગરદનને નિશાન બનાવી તલવારનો ઘા કરતા તેનું માથું ધડથી જુદુ કરી દીધું.
એ વખતે આહીરો ‘જય મુરલીધર’, ‘જય ખોડીયારમા’નો જય જયકાર કરતા સોલંકી સૈનિકોની કત્લેઆમ કરી જૂનાગઢના કિલ્લા ઉપર ચૂડાસમા રાજવંશનો ધ્વજ ફરકાવ્યો હતો. દેવાયત બોદરે જૂનાગઢ કબજે કરી બોડીદરથી બહેન જાહલને તેડવા માણસો દોડાવ્યા. બોડીદરથી જાહલ આવી જતા નવઘણને તેના હાથે રાજતિલક કરાવી રાજગાદીએ બેસાડ્યો હતો.
જયારે નવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો તે અંગેના સમાચાર સોનલઆઈએ સાંભળ્યા ત્યારે તેમને દીકરા ઉગાનું બલીદાન લેખે લાગેલું જાણ્યું. સોનલઆઈએ એ સાથે રંગીન ઓઢણું ઉતારી કાળુ ઓઢણું ઓઢતા ઉગાના મોતને યાદ કરી કલ્પાંત કરવા લાગ્યા હતા. એકના એક દીકરાના મૃત્યુના દુ:ખ વર્ષો સુધી દીલમાં ભંડારી રાખી મનમાં ઘુંટાય રહેલા સોનલઆઈએ પોક મૂકતા તેની આંખોમાંથી ગંગા-જમનાની જેમ આંસુ વહેવા લાગ્યા. સોનલઆઈનું કલ્પાંત સાંભળી પશુ-પક્ષી સાથે પવન પણ થંભી જતા ઝાડવાઓ સ્થિર થઈ જતા વાતાવરણ શોકમય થઈ ગયું. સોનલઆઈએ વાતાવરણને વધુ શોકમય બનાવતા ઉગાના મરશિયા ગાવાનું શરૂ કરતા લોકોની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા.
પણ પોતાના જોતા જેની વાટ, અરેરે અમે તો પ્રેમે પોંખ્યો નહીં ઉગલો;
પણ ક્યાં જોવી હવે તારી વાટ, અરેરે હવે ક્યાંથી પાછો આવે ઉગલો.
અરે ઉગા તું તો ઉગ્યો, પણ અમારા માટે તો ઉગ્યો એવો તું આથમ્યો;
હવે ક્યાં જોઈએ તારી વાટ, અરેરે હવે ક્યાંથી પાછો આવે ઉગલો,
તું જાતા મૂળ તૂટીયા અમારી વંશવેલના, હવે કયાંથી આવે ઉગલો.
સોનલઆઈ ઉગાના મૃત્યુ વખતે શોક પાળી શક્યા ન હતા. એકના એક દીકરાના મોત વખતે રંગીન કપડા, આભુષણો, ચૂડી, ચાંદલો પણ શરીર ઉપરથી ઉતાર્યા ન હતા. સોનલઆઈએ નવઘણ ગાદીએ બેસતા કાળા ઓઢણા અને કાળા કાપડા સાથે ચૂડી, સેંથા અને આભુષણોનો ત્યાગ કરતા તેમની સાથે ઉગાના બલીદાનને કાયમ યાદ રાખવા આહીર સ્ત્રીઓએ કાળા ઓઢણાની પરંપરા શરૂ કરી.
દેવાયત બોદરે રા’ નવઘણને ધામધૂમથી ગાદીનશીન કર્યા પછી દીકરી જાહલના ધામધૂમથી લગ્નનું આયોજન કરી. તેમણે જાહલની સગાઈ જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના વાળુકડ ગામના સામત સાસતીયા સાથે કરી. દેવાયત બોદર ઉગાના બલીદાનને વર્ષો સુધી મનમાં ધરબી રાખતા સુખચેનથી દૂર રહ્યા હતા. દેવાયત બોદરે હરખાતા હૈયે દીકરીના લગ્નની તૈયારી કરતા રા’ નવઘણે પોતાની
રાજધાની જૂનાગઢથી ફેરવી હોય તેમ આડીદર બોડીદરમાં ધામા નાંખ્યા.
જૂનાગઢનો ધણી રા’ નવઘણ રાજપરિવાર સાથે આડીદર બોડીદર આવી પહોંચતા નાના એવા ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો. બહેન જાહલને ઉગાભાઈની ખોટ ન વર્તાય તેવી રીતે રા’ નવઘણે લગ્નની સર્વ જવાબદારી ઉપાડી લેતા આડીદર બોડીદરને ધજા-પતાકાથી શણગારી દેતા તે નવોઢાની જેમ શોભી રહેલ હતા. સામત સાસતીયાની ઘોડા, ઉંટ, વેલડા અને બળદગાડાઓની સામત સાસતીયાની જાનમાં લાંબી લાઈન લાગી હતી. વાળુગડથી આવેલી જાનમાં આડીદર-બોડીદરમાં હૈયેહૈયુ દળાય તેવો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
સામત સાસતીયાની જાન આવી પહોંચતા રા’ નવઘણે સૌથી આગળ રહી સૌને ભાવથી આવકારી શરણાઈઓના સૂરે સામૈયું કર્યું. જાનને ઉતારો આપી જાનૈયાઓ અને જાનડીયુંનું ગોળ-વરીયાળીના મીઠા શરબતથી સ્વાગત કર્યું. જાનને ગોળના શરબત પીવરાવી થોડીવારમાં કેસરવાળા કઢીયલ દૂધની ત્રાંસળીયો ઉતારામાં ફરવા લાગી. તો ઘોડા-ઉંટને જોગાણ અને બળદોને બાજરાની ઘુઘરી સાથે લીલાચારાની સુંદર વ્યવસ્થા કરેલ. બોડીદરમાં લગ્નના ઉત્સાહજનક માહોલમાં ડાયરાની જમાવટ થઈ હતી, ચારણ, બારોટ અને ભાટના દુહા, છંદ અને વાતોએ ડાયરાને મોજના હિલોળે ચડાવ્યો. સાકર-ઘી સાથેના કઢિયલ કેસરીયા દૂઘની ત્રાંસળીયું સાથે ચાંદી મઢ્યા હોકાઓની નૅ ડાયરામાં ફરી રહી હતી. દેવાયત બોદર સાથે રા’ નવઘણ પોતાના હાથે મોંઘેરા મહેમાનોને આગ્રહ કરી કસુંબો પીવરાવી રહેલ.
જાનડીયુંના મીઠા લહેકા સાથે લગ્ન ગીતોની રમઝટ બોલાવતી માંડવે આવી પહોંચી તો માંડવા નીચે બેઠેલ બહેનો પણ કોકીલ કંઠે લગ્ન ગીતોનો જવાબ મીઠા ટહુકા સાથે આપી રહી હતી. ત્યારે માંડવામાંથી ગોર મહારાજે અવાજ કર્યો.
“સમય વર્તે સાવધાન, જવતલીયો હાજર હો !” જવતલીયાનો સમય થતા સૌ એકબીજાના મોઢા જોઈ રહ્યા. એ દરમિયાન ગોર મહારાજે ફરીથી મોટા સાદે જવતલીયા માટે અવાજ કર્યો. “સમય વર્તે સાવધાન, જવતલીયો હાજર હો !”
ગોર મહારાજે બીજી વખત સાદ કરતા લોકો એકબીજા સામે જોઈ વિચારવા લાગ્યા કે જાહલનો ભાઈ ઉગો તો શહીદ થયો હવે જવ-તલ કોણ હોમશે ?
ત્યાં ગોર મહારાજે જવતલીયા માટે ત્રીજી વખત સાદ પાડતા, જૂનાગઢના ધણી રા’ નવઘણે મહેમાનોની સરભરા દેવાયતબાપાને સોંપી પોતે ઉતાવળે માંડવા નીચે પહોંચ્યો.
રા’ નવઘણને જવતલ હોમતા ભાઈ ઉગાની યાદ આવતા તેની આંખના ખૂણા ભીના થઈ ગયા. લગ્નના ફેરા પૂરા થતા ગોર મહારાજે સાદ કર્યો.
“હાથઘરણાનો સમય, સમય વર્તે સાવધાન !” હાથઘરણાનો સમય થતા દીકરી જાહલને દેવાયત બોદરના સગા-સંબંધીઓ જાહલને હાથઘરણામાં ભેટ-સોગાતો આપવા ઉમટી પડતા ઝર-જવેરાત સાથે અનેક કિંમતી સાધન-સામગ્રીનો ગંજ ખડકાયો. રા’ નવઘણ પણ જાહલબહેનને હાથઘરણું કરવા માંડવા નીચે આવી કહેવા લાગ્યો.
“જાહલબહેન તું માંગે તે કાપડામાં આપું આજે હું જે કંઈ છું તે ભાઈ ઉગાના બલીદાનને કારણે છું. તું જરાય મનમાં ઓછું લાવ્યા વગર જે કાપડા જે માંગવું હોય તે માંગ આ જૂનાગઢની ગાદી કાપડામાં આપું તોય તે ઓછું કહેવાય !”
“ના, ભાઈ તારી પાસે મારે માંગવાનું ન હોય ? બસ ભાઈ-બહેનનો પ્રેમ કાયમ જળવાય તેવી મુરલીધરને પ્રાર્થના કરતો રહેજે !”
“બહેન, આ જૂનાગઢનું રાજ તારું છે, એક અવાજ કરજે તારો આ ભાઈ તારી સામે ઉઘાડા પગે હાજર થાશે !”
“ભાઈ, તારે આ કહેવાનું ન હોય તું તો મારા માડીજાયાથી કોઈ વાતે ઓછો ઉતરે એમ નથી !”
”હા, બહેન તારો પડ્યો બોલ ઝીલવા તારો આ ભાઈ હંમેશા હાજર રહેશે !”
લગ્નના માંડવા નીચે જાહલ અને નવઘણનો પ્રેમ જોઈ લોકોની આંખમાં હરખના આંસુ ભરાઈ આવ્યા.
રા’ નવઘણે કાપડામાં કિંમતી આભૂષણો સાથે હીરા-માણેક સાથે ઝર-જવેરાતનો ઢગલો કરી દીધો. એ દરમિયાન વાળાંક પંથકના વાંજારાજાએ માંડવા નીચે આવી જાહલને વાળાંક પંથકમાં આવેલા ‘ક’ અક્ષરથી નામ શરૂ થતા બાર ગામો કુંભણ, કોંજળી, કાળેલા, કાકીડી, કીકરીયા, કાળુસર વગેરે કાપડામાં આપી રા’ દિયાસના વાંજારાણીના પીયરીયા તરીકે ફરજ પૂરી કરી.
દેવાયત બોદરે પોતાની એકની એક દીકરીને હાથઘરણામાં ગાયોના મોટા ધણ અને ભેંસુના વિશાળ ખાડુ સાથે અઢળક સંપત્તિ હાથઘરણામાં આપી. એ સાથે દેવાયત બોદરે, રા’ નવઘણને જૂનાગઢની ગાદી અને દીકરી જાહલના લગ્નના જીવનકાર્ય શ્રીખોડીયાર માતાજી અને ભગવાન શ્રીમુરલીધરે હેમખેમ રીતે પૂરા કરતા આકાશ સામે બે હાથ જોડી આભાર માન્યો.
રા’ નવઘણને રાજ વહીવટમાં પારંગત અને દીકરી જાહલના સાસરીયાના સુખ જોઈ દેવાયત બોદર ચિંતામુક્ત થતા જવાબદારીઓમાંથી મુક્ત થયા. એવું કહેવાય છે કે દેવાયત બોદરે નવઘણ અને જાહલને તેના સંસારીક જીવનમાં સુખી જોઈ પોતાના જીવનના આખરી દિવસો ઇશ્વર ભજનમાં ગાળવા સોનલઆઈને લઈ ગીરનારના જંગલોમાં જતા રહ્યા.
વાળાંકના વાજારાજાએ જાહલઆઈને બાર ગામ કાપડામાં આપતા સામત સાસતીયાએ પરિવાર સાથે વાળુગડ, ઉનાથી સ્થળાંતર કરી કુંભણમાં રહેણાંક કર્યું હતું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવા નદીના કિનારે આવેલા કુંભણ ગામમાં રહીને સામત સાસતીયાએ બાર ગામની જાગીર સંભાળી.
જાહલઆઈમાં નાનપણથી જ ખોડીયારમાની ભક્તિના સંસ્કાર ઉતર્યા હોય તેઓ હંમેશા પોતાની સાથે ખોડીયારમાનું ત્રિશૂળ રાખતા હતા. જાહલઆઈ ખોડીયારમાના પરમ ઉપાસક હોય ખોડીયારમા તેના વેણે વાતું કરતા હોય લોકો તેમને દેવની જેમ પૂજતા. જાહલમાએ કારતક સુદ-ચોથના દિવસે કુંભણ ગામમાં દેહ છોડ્યો ત્યારે ખોડીયારમાનું ત્રિશૂળ તેમની સાથે જ હતું. ખોડીયારમાના ત્રિશૂળ અને માતાજીના ફળા સાથે જાહલમાને કુંભણમાં સમાધિ આપવામાં આવી.
આઈ જાહલમાનું મંદિર કુંભણના લોકો માટે નાત-જાતના ભેદભાવ વગર આજેય આસ્થાનું કેન્દ્ર બની રહેલ છે.
કુંભણમાં દીકરીના લગ્ન પ્રસંગે લગ્નવિધિ પૂરી થતા દીકરીના પિયરીયા તેને સાસરે વિદાય કરતા પહેલા તેને પ્રથમ જાહલમાના મંદિરે દર્શન કરવા લઈ જવાની સદીઓ જૂની પરંપરા ધરાવે છે. સાસરીયે વિદાય થતા દીકરી જાહલમા સામે ખોળો પાથરી પગે લાગીને પછી જ સાસરીયે વિદાય થાય છે. આ રિવાજ કુંભણના હિંદુ-મુસ્લીમ દરેક પરિવારો ભેદભાવ વગર પુરી શ્રદ્ધા પાળે છે. આ ઉપરાંત કુંભણમાં કોઈના ઘેર ગાય કે ભેંસ વિંયાય તો તેનું પહેલું ખીરૂ અને ઘી જાહલઆઈને સૌપ્રથમ ધરાવવાની પ્રથા આજે પણ જળવાઈ રહી છે.
સામત સાસતીયા અને જાહલઆઈના વંશજો કુંભણ છોડી સમયાંતરે ચૂડી, તા. તળાજામાં આવી વસ્યા હોવાનું માનવામાં આવે છે. જ્યારે અન્ય એક માન્યતા મુજબ બોદર શાખ ધરાવતા કેટલાક આહીર પરિવાર વણાર આહીરોમાં ભળતા તેઓ બરાળ અટકથી ઓળખાયા હોવાનું માનવામાં આવે છે.
જય ખોડીયારમા જય મુરલીધર
રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..લેખક : જયંતિભાઈ આહીર
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો