મગધસમ્રાટ જરાસંધ –
જરાસંધ મગધનો મહાશક્તિશાળી સમ્રાટ હતો. તે “મહાબાહુ” તરીકે પણ ઓળખાતો. પોતાના અપ્રતિમ પરાક્રમોથી તે ચક્રવર્તી કહેવાને પણ લાયક હતો. મગધ સામ્રાજ્યના સીમાડા તેણે અદ્વિતીય રીતે વિસ્તાર્યા હતાં. ચેદિ, માળવા, પાંડ્ય અને ગાંધાર – કંદહાર સહિત ઘણા રાજ્યોને તેણે મગધના મહાસામ્રાજ્યમાં સમાવી લીધા હતાં. બૃહદ્રથવંશનો તે સૌથી પ્રતાપી રાજવી હતો. તેની શક્તિઓ અસિમીત હતી. વિશ્વવિજેતા બનવાનું સ્વપ્ન સેવનાર આ સમ્રાટ હતો. બિહારના પટના અને ગયા જનપદો પર એનું શાસન હતું.
જરાસંઘના જન્મની કથા –
જરાસંઘના પિતા મગધનરેશ યજ્લ્ક હતાં. તેમને બે પટરાણીઓ હતી. તેઓ બંનેને એકસમાન રીતે ચાહતાં.અને કોઇપણ પ્રકારે કદિ બંને વચ્ચે ભેદભાવ ન રાખતાં. યજ્લ્કને કોઇ સંતાન નહોતું અને હવે તો એમની ઉંમર પણ મોટી થઇ ગયેલી એટલે પુત્રવિહિનતાની ચિંતા તેમને કોરી ખાતી હતી.
એવામાં તેમને વાવડ મળ્યાં કે મગધમાં પ્રતાપી મહર્ષિ ચંડકૌશિક પધાર્યા છે. તે કદાચ તેમનું દુ:ખ દુર કરી શકે એવી આશાએ યજ્લ્ક ચંડકૌશિક પાસે ગયા. આંબાના વૃક્ષ નીચે બિરાજમાન ચંડકૌશિકે તેમને એક કેરી આપી અને જઇને રાણીને તે ખવડાવી દેવાનું કહ્યું.
યજ્લ્ક તો પોતાની બંને રાણીઓને સમાન રીતે ચાહતાં હતાં એટલે તેણે અડધી-અડધી કેરી બંનેને ખાવા આપી.અને પરિણામે બંને રાણીઓને ત્યાં અડધા-અડધા પુત્રનો જન્મ થયો….! ભયભીત રાજાએ તે બંને ટુકડા જંગલમાં ફેંકી દેવડાવ્યા.
હવે બન્યું એવું કે, જંગલમાં જ્યાં આ બે ટુકડા પડ્યાં હતાં એ બાજુથી જરા નામની રાક્ષસી પસાર થઇ. તેણે આ ભંને ટુકડાને ભેગા કરીને જોડ્યાં.અને એમાંથી આખા “જરાસંઘ”નો જન્મ થયો….! એના શરીરનું ફિટિંગ જરા નામની રાક્ષસીએ કર્યું હોવાથી નામ “જરાસંઘ” પડ્યું. જન્મતાવેંત જ જરાસંઘે સિંહ જેમ જંગલ ગજવી દેતી દહાડ નાખી અને એથી ભયભિત જરા દેમાર ભાગી ગઇ….! આ બાજુ નગરમાં રાણીઓને દુધ વછૂટતા નગરમાં પણ આ જરાસંઘ જન્મની જાણ થઇ અને વિધિવત બાળ જરાસંઘને નગરીમાં લવાયો.
મથુરા પણ આક્રમણ –
જરાસંઘે પોતાની બંને બહેનો – આસિત અને પ્રાપિતને મથુરાના રાજવી કંસ જોડે પરણાવેલી. આમ,તે કંસનો સાળો થતો હતો. કૃષ્ણએ કંસનો વધ કર્યો એથી જરાસંઘની બંને બહેનો વિધવા થઇ અને આથી જરાસંઘ અત્યંત ક્રોધે ભરાયો. કૃષ્ણને રોળી નાખવા તેના હાથ તલસી રહ્યાં.
જરાસંઘે લાગલગાટ સત્તરવાર મથુરા પણ આક્રમણ કર્યુ અને દરેક વખતે હારી ખાઇને પાછો આવ્યો….! કૃષ્ણ અને બલરામની કાતિલ રણનિતીઓનો ભોગ બન્યો. મથુરાની સેના જરાસંઘની અગણિત સમુદ્રરૂપી સેના સામે ટક્કર ના ઝીલી શકે આથી કૃષ્ણ-બલરામે છુપાઇને વાર કરવાની નીતી અપનાવેલી. દરેક વખતે જરાસંઘ મથુરાનો દુર્ગ તોડ્યા વિના ખાધાં-ખોરાકી ખુટી પડવાથી પાછો ફરતો. અંતે ક્રિષ્ન પોતે જ જરાસંઘના ક્રોધનો ભોગ મથુરા ન બને તે માટે “રણછોડ” બનીને દ્વારિક જતાં રહે છે….!
જરાસંધ વધ –
મહારાજા યુધિષ્ઠિર સહિત પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ નગરીની રચના કર્યા બાદ ભગવાન ક્રિષ્નએ અને મુનિ નારદે યુધિષ્ઠિરને રાજસુય યજ્ઞ કરવાનું કહ્યું. જેથી કરીને યુધિષ્ઠિર ભારતના “ચક્રવર્તી” સમ્રાટ બને. બધા રાજાઓ તેમના આધિપત્ય નીચે આવે. પણ એમાં મુખ્ય તકલીફ જરાસંઘની હતી. બીજા બધાં તો કદાચ ગમે માની જાય પણ જરાસંઘ માને તેવો ન હતો. કેમ કે,એ તો પોતે જ ચક્રવર્તી બનવાનું સ્વપ્ન સેવીને બેઠો હતો અને ઘણોખરો તો અમલ પણ કરી જ નાખ્યો હતો….!
પછી એક દિવસ કૃષ્ણ,ભીમ અને અર્જુન બ્રાહ્મણવેશે મગધ જઇ જરાસંઘને મળે છે. તે વખતનો આર્યાવર્તનો રાજા ભલે અધર્મને માર્ગે ચાલતો હોય પણ કોઇ એવો નહોતો જે બ્રાહ્મણને દાન આપ્યાં વિના પાછો જવા દે ! જરાસંઘે આ બ્રાહ્મણો પાસે માંગવા કહ્યું. ક્રિષ્નએ કહ્યું કે એના બંને મિત્રોએ મૌનવ્રત લીધું છે જે રાતે બાર વાગ્યાં બાદ છુટશે….! જરાસંઘ તેને બાર વાગ્યાં બાદ આવવાનું કહે છે.
રાતે ત્રણેય જરાસંઘ પાસે જાય છે. જરાસંઘને સંદેહ થાય છે કે,આવા ખડતલ શરીરો વાળા આ બ્રાહ્મણ તો ન જ હોય શકે….! છતાં એ માંગવાનું કહે છે. કૃષ્ણ માંગે છે કે,તેમના ત્રણેમાંથી ગમે તે એક સાથે તેણે મલ્લયુધ્ધ કરવું પડશે….! જરાસંઘ માંગણી મંજૂર રાખે છે. પછી ત્રણેય પોતાનો અસલ પરિચય આપે છે.
જરાસંધ વિર હતો એટલે તે મલ્લયુધ્ધ માટે તેના સમોવડિયા ભીમને પસંદ કરે છે. અને પછી લાગલગાટ ૨૭ દિવસ સુધી જરાસંધ અને ભીમ વચ્ચે ભયાનક મલ્લયુધ્ધ ચાલે છે. બંને બળિયા બાથે વળગયાં….! ભીમ જરાસંઘના શરીરના બે ફાડિયા કરી અને બંનેને એકબીજા દુર ફેંદી દે છે પણ તરત જ તે ફાડિયા એકબીજા સાથે જોડાઇ અને જરાસંઘ બેઠો થાય છે….! કેટલીય વાર ભીમ આમ જરાસંધના શરીરને ચીરી નાખે છે પણ તરત જ બંને ભાગ એકબીજા સાથે જોડાય જાય અને જરાસંધ “જૈસે થે”ની સ્થિતીમાં આવી જાય છે. હવે તો ભીમ પણ થાકી જાય છે.
એટલે આખરે બહાર ઊભેલા વાસુદેવ ભીમને દાતણ બતાવે છે અને એના બે ફાડ કરી બંનેને એકબીજાથી વિરુધ્ધ દિશામાં ફેંકી અને સંકેત કરે છે. ભીમ સમજી જાય છે અને આ વખતે તે જરાસંધના શરીરમાં ચીરાં એકબીજાની વિરુધ્ધ દિશામાં ફેંકે છે કે જે ફરી જોડાય શકતા નથી. આમ મગધસમ્રાટ જરાસંઘનો ફાડિયાંથી થયેલ આરંભ અંતે ફાડિયાં વડે જ પુરો થાય છે….!
જરાસંઘના આ જ વંશમાંથી આગળ જતાં હજારેક વર્ષ બાદ નંદવંશ શરૂ થાય છે.અને તેના અંતિમ અને અધાર્મિક પાપી રાજા ધનનંદનો અને એના નવનંદનો વિષ્ણુગુપ્ત ચાણ્કય દ્વારા સર્વનાશ થાય છે અને ચંદ્રગુપ્ત મૌર્યના આધિપત્ય હેઠળ અખંડ ભારતનું નિર્માણ થાય છે….!
– Kaushal Barad.
જો તમે અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.