ગોંડલનો પ્રાચીન ઉલ્લેખ ગોમંડલ તરીકે થયેલો મળે છે. ગોંડલ રાજધાનીનું શહેર બન્યુ તે પેહલાનું ઘણું જુનુ ગામ ગણાય છે. ગોંડલનું અલગ રાજ્ય સ્થાપનાર કુંભોજી પેહલા, પછી ઇ.સ.૧૬૪૯ માં ગાદીએ આવનાર સંગ્રામજી પેહલાએ અરડોયથી રાજધાની ગોંડલ બદલી. ગોંડલ શહેરની અંદર આવેલો કિલ્લો તો ભાકુંભાથી ઓળખાતા કુંભાજી બીજાએ ઇ.સ.૧૭૪૯ માં બંધાયેલ છે.
ભગવાન સદા શિવ શંકરના પરમ ઉપાસક બ્રહ્મચારી યોગી સંતશ્રી હરદ્તપરીબાપુનો જન્મ ગુજરાત જીલ્લા ડીસા તાલુકાના આસેડા ગામમાં થયેલ છે. જાતે તે દશનામી ગૌસ્વામી અતીત સાધુ હતા. ગુજરાતના ડીસા પાસેના રાજપુર ગામના દશનામી મઠમાં વસતા હતા અને ત્યાંથી તેમના ગુરૂ ગોપાળપુરી મહારાજની આજ્ઞા લઇ ફરતા-ફરતા તેઓ વિક્રમ સંવત ૧૬૭૦ માં ગોંડલ આવી ચડ્યા અને ગોંડલી નદીના કિનારા નજીક આવેલ દશનામી બાવાની જગ્યામાં વસી ગયાં. હાલ આ જગ્યા કુબેરપરી બાપુની જગ્યા તરીકે ઓળખાય છે.
યુવાન યોગી હરદ્તપરી ગોંડલી નદીમાં નિત્ય સ્નાન કરી શિવજીની ઉપાસનામાં મગ્ન રેહતા. તે વખતનું ગોંડલ ગોંડલી નદી અને મોટી બજારની વચ્ચે સમાય જાય તેવડુ માંડ હશે જાણકારો કહે છે કે શ્રી હરદ્તપરી બાપુ અને શ્રી બંસીપરી બન્ને ગુરૂભાઇઓ હતા. બન્નેના ગુરૂનું નામ જેરામપરી બાપુ હતું. અને બન્ને અતીત સાધુ હતા. ગમે તેમ પણ હરદ્તપરી વિક્ર્મ સંવત ૧૬૭૦ થી સંવત ૧૭૦૩ સુધી તેત્રીસ વર્ષ ગોંડલમાં જ રહ્યા.
એને ત્યાર પછી સંતશ્રી હરદ્તપરીએ પોતાની તપસ્થલી ગોંડલ પાસેના મોવિયા ગામને બનાવી. આમ સંવત ૧૭૦૩ માં બાપુ ગોંડલ છોડીને મોવિયા ગામે પધાર્યા.
મોવિયા ગામમાં તે વખતે હિરપરા શાખાના પટેલો તેમજ રાદડીયા શાખાના પટેલો તથા કાલરીયા પરીવારો મોવિયા ગામમાં વસતા હતા. ત્યારે સવંત ૧૭૦૩ હતો એટલે ત્રણસો ઓગણાસીતેર વર્ષ પેહલા હરદ્તપરી બાપુ મોવિયા પધાર્યા ત્યારે મોવિયા ગામ એક નેસડા જેવડુ નાનકડુ ગામ હતું. રાદડીયા ભાઇઓ અને કાલરીયા ભાઇઓ ત્રણ નાના નાના કુટુંબો હતાં.
સંત મોવિયા પધાર્યા ત્યારે સંતનું ભક્તિ આશ્રમ હાલ જે જગ્યાએ સંતશ્રી હરદ્તપરીબાપુની સમાધિ છે તે જગ્યાએ સોમેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જંગલમાં હતું. આ સ્થળ ભજન માટે અનુકુળ જણાતા સંતે ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ ત્યા જ ધુણો ધખાવી શરૂ કરી દીધો. બાપુ જન્મથી શિવ ઉપાસક હતા. ઓમ નમઃ શિવાયનો મંત્ર સંતને સિધ્ધ હતો. થોડા ટુંકા ગાળામાં તે બાપુની ખ્યાતિ અને પ્રખ્યાતી મોવિયા ગામમાં તેમજ આસપાસના ગામના લોક મુખે ચર્ચાવાલાગી લોકો પોતાના દુઃખ દર્દો લઇ બાવાજી બાપુ પાસે આવતા. બાપુ તેઓને ॐ નમઃ શિવાયનો મંત્ર બોલી આવનારનું દુઃખ દર્દ દૂર કરી આપતા જોત જોતામાં તેમની કિર્તી ચોપાસ પ્રસરી ગઇ.
શાંતીના ચાહક સંત અંખડ ધુણો ચાલુ રાખતા. માનવ પ્રિય સંતને માનવ ઉપર ખુબ દયા આવતી ને તેનું મીણ જેવું પીગળેલું હદય લોકોનું દુઃખ સાંભળી દ્રવી ઉઠતું લોકોના દુઃખે સતત દુઃખી થઇ જતા તેથી લોકોની હાજરી જગ્યામાં વધુ રેહવા લાગી. આમ લોકો બાપુની કરુણાથી પ્રેરાયને તેના ભક્તો બની ગયા. તેઓ સંતની સેવા કરતા અને સંત તેની સિધ્ધિ વડે લોકોની સેવા કરતા. તે નિત્યનો કાર્યક્રમ બની ગયો.
પછીતો ગામના અગત્યનાં પ્રશ્નો પણ સંતના સાનીધ્યમાં જ ચર્ચાવા લાગ્યા ગમે તેવા ઝગડા કે ગમે તેવા અગત્યના પ્રશ્નોના નિકાલ પણ જગ્યામાં થવા લાગ્યા. માનવ સમાજની એક્તા બાપુને ખુબજ પ્રિય હતી તેથી બાપુ હમેશા સમાધાનને મોખરાનું સ્થાન આપતા ને સાથે સાથે ॐ નમઃ શિવાયનો મંત્ર આપતા.
આ સમય બહારવટીયા યુગનો પણ સમય હતો. રાજ સાથે કે સમાજમાં કોઇ ઉપર અન્યાય થઇ જાય ત્યારે ઝનુની વ્યક્તિ બહારવટે ચડી જતો દસ-બાર સાથીઓ સાથે રાખી બંદૂક, ભાલા, તલવાર વગેરે જેવા તીક્ષણ હથીયારો સાથે રાખી ઘોડા પર સવાર થઇ બહારવટીયાની આવી એક ટોળી બની જતી આવી ટોળી ન્યાય મેળવવા માટે લોકોને અન્યાય કરતી લુટતી અને રંજાડતી અને ગાય ભેંસોના ધણ સીમમાંથી વાળી જવા અને આમ કરી પ્રજાને હેરાન કરી રજવાડાઓને તંગ કરતી અને તે સમય ત્યારનો હતો જ્યારે રાજાઓ પોતાના અને પ્રજાના રક્ષણ માટે સીપાઇઓ રાખતા. રાજા બહારવટીઓને પક્ડવા ઇનામો જાહેર કરતાં. બહારવટીયાઓ આવે છે તેવુ સાંભળી લોકો ભયપીત બની જતા જે કાંઇ માલમિલક્ત હોય જમીનમાં ખાડો ખોદી ડાટી દેતાં, પોતાના ઢોર ઢાખરને સંધ્યા પેહલા ગામમાં લઇ આવતા એટલુ જ નહિ ધઉં, બાજરાના ખરા પણ ગામમાં જ ખરાવાડ તૈયાર કરીને ગામમાં જ કરતાં. એક વખત બહારવટીયાઓ લોકોને ત્રાસ આપી ગામ ઉપર ત્રાટકીયા.
સાંજના પાંચથી સાડા પાંચનો સમય હતો ધણ આવવાનો સમય હતો ગામડાં ગામમાં ગોવાળો દ્રારા બધાના ઢોર એક સાથે સીમમાં લઇ ચરાવવા જતાં તે સામુહિક પશુઓને ધણના નામથી સંબોધન થતુ. મોવિયા ગામના દરેક પશુઓને ચરાવવા માટે ગોવાળ સીમમાં લઇ ગયેલ હતો. ધણ ગામમાં પાછુ આવવાનો સમય હતો ત્યારે દશ-બાર જેટલા બહારવટીયાની ટોળી ધણ ઉપર ત્રાટકી. ગોવાળ તો જીવ બચાવી ગામ ભણી ભાગ્યો તે સમયે હરદ્તપરી બાપુ ધુણા પાસે બેસી ભક્તો સાથે અગમ નિગમનો સત્સંગ કરી રહ્યા હતા. સંતની પાસે એક ધુપેલીયુ શોભી રહ્યુ હતુ અને સંતને એ ધુપેલીયુ અનહ્દ પ્રીય હતું. શિવજી મહારાજને બાપુ તે ધુપેલીયામાં ગુગળનો ધુપ કરી સ્તુતી આરતી કરતા. ધુણામાં દેવતા પાકી જાય એટલે તે ધુપેલીયામાં લઇ લેવા બાપુ અવાર નવાર ધુણા પાસે જઇ તપાસતા હતા. એક ભક્ત બાપુ માટે નિત્ય નિયમ મુજબ ચલમ બનાવી રહ્યા હતાં. બાપુ ભોળાનાથનુ નામ લઇ ચલમ પીવામાં લીન હતા.
તે સમયે એક ભયભીત ગોવાળ શ્વાસભેર દોડતો આવ્યો અને બાપુના ચરણોમાં પડી બોલ્યો “બચાવો બાપુ બચાવો”. ગોવાળે બધી વાત કરી. બાપુ સ્તબ્ધ થઇ ગોવાળ સામે તાકી રહ્યા એટલામાં ગામના એક બે શેઠીયા હાટડીયું બંધ કરી જગ્યામાં આવ્યા અને બાપુને ગાયુને પાછી વાળવા બે હાથ જોડી નમ્ર નિવેદન કરવા લાગ્યા. ત્યારે પ્રથમ વખત બાપુની આંખોમાં ક્રોધ દેખાયો અને જગ્યાના ઓટા નીચે ઉતરી બાપુએ ચલમનો નાભી સુધીનો દમ લગાવી હરભોલે બોલી ચલમના ધુમાંડા જ્યારે હવામાં છોડીયા કે તુરંત જ બહારવટીયા બળવા લાગ્યા અને બહારવટીયા દિશાશૂન્ય બની થોડી વારમાં બહારવટીયા બધી ગાયો હાંકી જગ્યામાં આવ્યા. બહારવટીયાના સરદારે બાપુને ઓળખી લીધા અને જેમ લાક્ડી પડે તેમ બાપુના પગમાં પડી ગયો. સરદાર બોલ્યો કે બાપુ અમને માફ કરો અમારા શરીરમાં દાહ લાગી છે તે શાંત કરો અમારા ઉપર દયા કરો.
સંત સદા પરમહિતકારી અને દયાળુ હોય છે. બાપુએ બહારવટીયા પર દયા આવી અને બોલ્યા કે હવે ફરી વખત મોવિયાની ધરતી પર લુટફાંટના બહાને પગ મૂકશોતો ભોળાનાથ આંધળા કરી દેશે તે ધ્યાન રાખશો. બહારવટીયાઓ એ વચન આપ્યુ અને બાપુએ દાહ શાંત કરી માફી આપી.
આ ચમત્કાકરની વાત ગામમાં વાયુ વેગે પ્રસરી ગઇ અને વાત ગોંડળના રાજવી સંગ્રામસિંહના કાને આ વાત પોંહચી. આથી રાજવીએ નિર્ણય કરી લીધો કે નજીકના સમયમાંજ સિધ્ધ સંત હરદ્તપરી બાપુના દર્શને જઇ તેમના આશીર્વાદ મેળવવા. દિવસના ત્રણથી ચારનો સમય હતો બાપુ ધુણા પાસેના પોતાના આસન પાસે સખત તાવમાં ગોદળુ ઓઢી સુતા હતા. બે ત્રણ ભક્તો બાપુ પાસે બેઠા હતા, તેવામાં બહારથી એક માણસે આવી સમાચાર આપ્યા કે બાપુ ગોંડલ નરેશ સંગ્રામસિંહજી પધારી રહ્યા છે. બાપુથી ઉભા પણ ન થઇ શકાય તેવો તાવ ચડેલો પરંતુ ગોંડલ નરેશ જેવી વ્યક્તિ સામે ચાલી જગ્યામાં પધારે તે વખતે તેના પ્રમાણમાં તેને માન આપવુ જોઇએ તે સંત સારી રીતે જાણતા હતા. તુરંત જ બાપુ પથારીમાંથી ઉભા થઇ યોગના બળ વડે પાસે પડેલા ગોદળામાં તાવને મૂકી દીઘો અને સંપૂર્ણ સ્વસ્થ થઇ ઉભા થઇ ગયા જાણે કાંઇ બીમાર જ ન હતા. બાપુએ હેતથી ગોંડલ નરેશને આવકાર આપી બેસવા માટે આવકાર આપ્યો. ગોંડલ નરેશ બેસવા ગયા કે તેનો હાથ પાસે પડેલા ગોદળાને અડી ગયો અને તે ગોદળુ ખુબજ ગરમ હતુ. ગોંડલ નરેશે તરતજ પ્રશ્ન કર્યો કે, ‘બાપુ ગોદડું આટલુ બધુ ગરમ કેમ છે?!’ બાપુએ હિન્દીમા જવાબ આપ્યો કે “મુજે બુખાર આયા થા”.
ગોંડલના રાજવીને સિધ્ધ સંતના યોગબળનો સધળો ખ્યાલ આવી ગયો. તે બાપુના ચરણોમાં વંદન કરી બોલ્યા કે આપ જેવા સિધ્ધ સંત ગોંડલ રાજમાં હોય તો જ બાપુ બહારવટીયાને ગાયો પાછી આપવા જગ્યા માં આવવુ પડે ને!
બાપુ બોલ્યા “રાજવી એ તો સૌ કૈલાશપતિ કી માયા છે.” ગોંડલ રાજવી તેમની વિવેક પુર્ણ વાણીથી પ્રભાવીત થયા. તેને ગોંડલ જઇ હુક્મ ફરમાવ્યો કે મોવીયા ગામના સિધ્ધ સંત ને ગોંડલ રાજ તરફથી ત્રણ સાતીની જમીન અને ત્રણ વાડીના કોસ લખી આપો અને આજે જ તેમને સુપ્રત કરો. ત્યાર પછી આ જમીનનું નામ “બાવા વાડી” નામે જાણીતુ થયું.
સંવત ૧૭૦૩ થી ૧૭૦૭ સુધીનો ઇતીહાસ કહે છે કે તે સમયે મોવિયાથી ગોંડલ જવાનો માર્ગ ક્સવાડીથી પશ્ચિમ તરફ અંદાજે એકાદ કિલોમીટર અંદરના ભાગમાં મામાની ધાર આવેલ છે ત્યા હતો. હાલ આ ધાર પાસે અરજણ રૂડાભાઇ ભાલોડી તેમજ રામજીબાપા રાડદીયાની વાડીઓ છે. તે રોડ ઉપરથી અગાઉ ગોંડલ જવાતું.
મોવિયા અને શિવરાજગઢ તેમજ અનેક નાના-નાના ટીંબાના ખાતેદારો ગોંડલ જવા માટે આજ રસ્તા પરથી ચાલતા હતા.
તે વખતે વર્ષ સારુ થવાથી ગોંડલનો રાજ ભાગ આપવા માટે મોવિયા તથા આસપાસના ગામડાઓના અનેક ગાડા મોવિયાના પાદરમાં એક્ઠા થયા અને સામૂહિક રીતે ગોંડલ જવા રવાના થયા. આ બઘા ગાડાના ખેડૂતોની આગેવાની મોવિયા ગામના ખેડૂત રાણાબાપા રાદડીયાની હતી. રાણાબાપાનુ ભાવી ભુલાવાનુ હોય તેમ ટૂકા રસ્તેથી ગોંડલ જવાનો વિચાર આવ્યો.
ગોંડલ નરેશે જે જગ્યાએ હરદ્તપુરી બાપુને જમીન આપી હતી. તે જ જગ્યામાંથી નવો રસ્તો કાઢી બાપુના ખેતરમાં માર્ગ કર્યો. અને આ વાત વાયુ વેગે પ્રસરી જગ્યામાં આવી.
રાણાબાપા બુધ્ધીજીવી અને વિનમ્ર ભક્તગણ હતા. રોજના નિયમ પ્રમાણે જગ્યામાં આવી આરતી, પુજા અને સત્સંગનો લાભ લેતા હતા. એવામાં સતસંગ દરમ્યાન બાપુની નજર રાણાબાપા તરફ પડી અને બાપુ તેને ઉદેશીને બોલ્યા કે રાણા ભગત સાધુની વાડીમાંથી કાયમ માટેનો ગોંડલ જવાનો તમે માર્ગ બનાવ્યો એ અયોગ્ય અને વ્યાજબી ના કેહવાય. આવુ ના કરશો. રાણાબાપાએ અભિમાનયુક્ત મુખમુદ્રા સાથે તુરંત વળતો જવાબ આપ્યો કે બાપુ માર્ગ જ કાઢ્યો છે ખાલી એમા શું જમીનમાં થઇ જવાનુ છે? બાપુ બોલ્યા કે ઠીક તો કૈલાશપતીની જેવી ઇચ્છા.
ત્યારબાદ થોડા દિવસોમાં કોઇ કારણોસર રાણાબાપાનું ગોંડલ રાજ સાથે મન દુઃખ થવાથી રાજ તરફથી ફરમાન આવ્યુ કે રાણાબાપાએ પોતાના પરિવાર સહિત મોવિયામાંથી જમીન જાગીર છોડી ચાલ્યા જવાનુ છે. જેથી રાણાબાપા મોવિયા ગામ છોડી જામસાહેબના ગામ મેવાસામાં સ્થીર થયા અને જામસાહેબે ગામની પટલાઇ અને બાજુમાં જ કેરાળીમાં વાવવા માટે જમીન કાઢી આપી. રાણાબાપાને ત્રણ દિકરા હતા. એક વખત બન્યુ એવુકે કેરાળીની સીમમાં લૂંટારા ત્રાટકીયા અને રાણાબાપાના ત્રણે દિકારઓ આ લૂંટારાના ટોળા સામે ધીંગાણે ચડ્યા ને લડતા લડત વિરગતી પામ્યા. હાલ રાણાબાપા રાદડીયાના ત્રણે દિકરાની ખાંભી કેરાળીની સીમમાં સાક્ષી પુરતી ઉભી છે.
આ ધટનાથી રાણાબાપાનુ કાળજુ કંપી ઉઠ્યુ. જુવાન અને ખડતલ દિકરાઓની પોતાની હયાતીમાં વિદાયથી તેનુ હદય દ્રવી ઉઠ્યુ. રાણાબાપે એ તેવા સમયે હરદતપરી બાપુ યાદ આવ્યા અને તેને મનોમન નિશ્ચય કર્યો કે કાલે સુરજ ઉગતા મોવિયા જઇ હરદ્તપરી બાપુનો આશરો લેવો. આમ રાણાબાપા મેવાસાથી ચાલતા ચાલતા મોવિયા હરદતપરી બાપુ પાસે આવ્યા. જગ્યામાં સોમેશ્વર મહાદેવની પુજા અર્ચના કરી અને હરદ્તપરી બાપુના પગે પડી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. બાપુની માફીમાંગી બોલવા લાગ્યા કે બાપુ મારા માથે આભ ફ્ટ્યુ છે મને ઉગારો મને બચાવો. હરદ્તપરી બાપુ તો કરુણામૂર્તી અને દયાનો સાગર હતા. તેમને રાણાબાપાને છાતી સરખા ચાંપી કહ્યુ કે ભોળાનાથની ઇચ્છા આગળ આપણુ કાઇ ચાલતુ નથી. તમારા દિકારાના મળદા પડ્યા હોત અને કાદાચ મોવિયા આવ્યા હોત તો સોમેશ્વર મહાદેવ જરુર તેને ઉભા કરત. તમે હિંમત રાખો સૌ સારાવાના થશે. હરદ્તપરી બાપુએ કહ્યુ કે હવે એક જ રસ્તો છે કે તમે મોવિયા પાછા આવી જાવ. તામારા ત્રીજા દિકરાની વહુના પેટમાં બે માસનો ગર્ભ છે અને મારા આશીર્વાદ છે કે તેને ત્યા દિકરાનું અવતરણ થાશે અને વળી રાજસાથે પણ આપનુ સમાધાન થઇ જાશે અને આપની જમીન પાછી મળશે તમે ત્રીજા દિકારના પરિવાર સાથે મોવિયા આવી જાવ. ભોળાનાથ સૌ સારાવાના કરેશે. રાણાબાપા મેવાસા ગયા બે દિકારાનો પરિવાર મેવાસામાં રહી ગયો અને ત્રીજા દિકરાની વહુને લઇ હુતાસણી પેહલા મોવિયા આવીને વસ્યા.
હુતાસણી નો પળવો એ હરદ્તપરી બાપુનો જન્મદિવસ છે. તેથી તે ભક્તો દ્રારા ધામધુમથી ઉજવાતો. હુતાસણી ના પળવાના દિવસે લોકો ભજનમંડળી અને રાસગરબાના કાર્યક્ર્મ રાખી ભવ્યતાથી ઉજવતા અને તે દિવસે બાપુ બધાને કસુંબા લેવડાવતા. એકઠા થયેલા લોકો હુતાસણી પેહલા થયેલ રવિપાકનો અમુક ભાગ જગ્યાં ધરતા અને બાપુને આવતુ વર્ષ સારુ જાય અને પોતાનો પાક હેમખેમ ઘરે આવી જાઇ તે માટે પ્રાથના કરતા. આજે પણ આ પ્રણાલીકા મોવિયા ગામમાં ચાલુ છે.
હુતાસણી પર્વ પૂર્ણ કરી બાપુ પોતાના આસન પર બીરાજ્યા ત્યારે એક સ્વાન આખુ પળરેલુ જગ્યામાં આવ્યું. સ્વાનને જોઇ બાપુને વિચાર આવ્યો કે આ સ્વાન પૂર્વ બાજુથી આવ્યુ છે તો નક્કી પૂર્વ દિશા તરફ કોઇક પાણી હોવુ જોઇએ. તપાસ કરતા માલુમ ખબર પડી કે બાજુમાં એક પાણીનું કુડીયું છે અને તેનું પાણી ચાખતા માલુમ પડ્યુ કે પાણી મોળુ છે ત્યાર પછી મોવિયા આજુબાજુ નાના ટીંબા જેવા ગામ મોવિયા સાથે એક્ઠા કરી ગોંડલ રાજ તરફથી એક નવા ગામનો જન્મ થઇ રહ્યો હતો અને મોળી વાવને ધ્યાનમાં રાખી ગામનું નામ મોરીયા પડયું સમય જતાં જતાં મોરિયા અપભ્રંશ થઇ મોવિયા નામ કાયમ સરકારમાં રજીસ્ટર થયું હાલમાં પણ આ મોળી વાવ સતત ત્રણ-ત્રણ કાળમાં દુષ્કાળમાં અડગ રહી પોતાની જલ સેવા આપી રહી છે. ત્યાર પછી બાવાજી બાપુની ખ્યાતીની સૌરભ ચોમેર ફેલાઇ જગ્યામાં લોકોનો મોટો ઘસારો થવા લાગ્યો. બાપુનું મન સંસાર માંથી ઉડી ગયુ તેને બ્રહ્મલીન થઇ શિવ તત્વમાં મળી જઇ ‘બ્રહ્મલીન’ થવુ હતું. તેથી તેમણે જગ્યામાં જ જીવતા સમાધિ લેવાનું નક્કી કરી લીધું.
વિક્રમ સંવત ૧૭૦૭ શ્રાવણ વદ અગીયારસ-૧૧ સાતમ ને સોમવારે બાપુની ઇચ્છા મુજબ સમાધી સ્થાન તૈયાર કરાવ્યું. હરદ્તપરીબાપુ જીવતા સમાધિ લે છે તે વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળાના જગ્યામાં બાપુના અંતીમ દર્શન કરવા ઉમટી પડ્યા. રાદડીયા રાણાબાપા અને કાલરીયા ભોવાનબાપા આ કામમાં વયસ્ત હતા. ધુપેલીયામાં ગુગળનો ધુપ પ્રગટાવી શાંતી ચિતે શીવસ્તુતી કરી. બાપુની શાંત શીતળ મુખ મુદ્રાના લોકો દર્શન કર્યા. બાપુએ સર્વે ઉપસ્થીત લોકોને સંપથી રેહવા તથા નિત્ય ॐ નમઃ શિવાયનો જાપ કરવાનુ કહ્યું. ભક્તો એક ચિતે ઉપદેશ સાંભળી રહ્યા હતા.
બાપુના હાથમાં ધુપેલીયુ હતુ તેમાંથી પવિત્ર ગુગળ ફોરમ વાતવરણને મહેકાવી રહી હતી. બાપુ ધીમા પગલે સમાધી સ્થાન પાસે ઉભા રહ્યા કે રાણાબાપાના નેત્રમાંથી આસુની ધારા છુટી બાપુના ચરણ પક્ડી રાણાબાપા ખુબ રડ્યા અને બોલ્યા જે બાપુ આજથી અમે અમારા કૂળના શુરાપુરાના નિવેદ કરતા પેહલા તમારૂ શ્રીફળ સાકર નિવેદ કરશું.”ભલે રાણાભાઇ!” મારુ વચન છે કે તમારા કૂળમાં કોઇ માણસ નાગનો ડસ્યો નહિં મરે અને કરડેતોય ઝેર નહિં ચડે.
ત્યાર પછી બાપુએ ભોવાનબાપાને કહ્યુ કે ભોવાનભાઇ તમે દરવર્ષે હુતાસણી પળવાના દિવસે અહિં બધાને કસુંબો લેવડાવજો, ધજા ચડાવજો, શ્રીફ્ળ અને સાકરનો પ્રસાદ ધરજો લ્યો આ ગોદળુ આપુ છું જે કોઇને તાવ આવે તેને ઓઢાડજો તાવ ઉતરી જાશે.
બાપુએ શીષ્યોને સંબોધી કહ્યું કે ધુપેલીયુ જગ્યામાં જ રાખજો તેમાં જે પુજારી હોય તેને ગુગળનો ધુપ કરવાનું જણાવજો. શીવજી પાસે મે વચન લીધુ છે કે આજથી માનતા મારી થશે અને કામ તમારે કરવુ પડશે. આજથી આ ધુપેલીયુ સાચા ખોટાના પારખા લેશે. ખોટો માણસ ધુપેલીયુ ઉપાડશે અને ખોટા સોગંદ લેશે તો તેને દંડ મળશે અને સાચા માણસને ન્યાય મળશે.
આટલા વચનો આપી સોમેશ્વર મહાદેવનો જય જયકાર થયો અને હરદ્તપરી બાપુ સમાધીમાં પદ્માસન વાળી બેસી ગયા. મહાન સિધ્ધ સંત શીવતત્વમાં લીન થય ગયા. ભક્તોએ સમાધી સ્થાને અખંડ ધુન શરૂ કરી દીધી. જાણકારો કહે છે કે હાજર રહેલા લોકો એટલા ભાવવિભોર બની ગયા કે તેને સમજાવી ને ધેર મોકલવા પડ્યા. બાપુનુ ધુપેલીયુ ઉપાડવાના ત્યાર પછી ઘણા બનાવો બની ગયા અને ખોટાને સજા પણ મળી ગઇ છે પોલીસ આ બનાવ જોઇ હેરત પામી ગઇ છે.
ગોંડલના છેલ્લા રાજવી શ્રી સરભગવતસિંહજીને બાપુના ધુપેલીયામાં અખુટ શ્રધ્ધા હતી અને જરુર પડ્યે તહોમતદાર ઉપર તેના નિર્દોષતાની શંકા જણાય ત્યારે સોગંદ લેવડાવી છોડી પણ દેતા હતા.
સમાધી લીધા બાદ એક મોવિયા ગામનો એક સંધ દ્રારકા ગયો હતો. ત્યારના જમાનામાં વાહનોની પુરતી સગવડ ન હોવાથી લોકો ચાલીને જ જતા. આ સંધ દ્રારકા પોહચ્યો ત્યારે બાપુ ત્યા પેહલેથી જ હાજર હતા. હરદ્તપુરી બાપુ સંધને દ્રારકામાં મલ્યા. બાપુને જોઇ લોકોને યાત્રાનો ઉત્સાહ વધી ગયો. ત્યાર બાદ યાત્રા પુરી કરી બાપુ સાથે મોવિયા આવવા પ્રયાણ કર્યુ. પરંતુ જામનગર પોંહચતા બાપુ બોલ્યા કે મારે જુનાગઢ દામોકુંડ જવાની ઇચ્છા છે આપ સૌ માંથી કોઇ મારી સાથે આવવુ હોય તો આવો. પરંતુ લોકો બોલ્યા કે અમને યાત્રામાં ધણો સમય લાગ્યો હોવાથી હવે અમારે ધંધા રોજગારે ચડવુ છે કેમ કે અમે સંસારી છીએ માટે બાપુ આપ જ પ્રસ્થાન કરો. બાપુ બોલ્યા સારુ ત્યારે કૈલાશપતી આપની યાત્રા સુખ રુપ પુરી કરે. જ્યારે સંધ મોવિયા આવ્યો ત્યારે સમાચાર મલ્યાકે બાપુએ તો સમાધી લીધી છે આ ધટનાથી સંધના લોકોએ સ્તબધ થઇ ગયા અને બાપુના મળ્યા હોવાની હકીકત જણાવી.
બીજા મુખ્ય પરચામાં એક વખત નવરાત્રીના દિવસો દરમ્યાન ભુપત બહારવટીયો ત્રાટક્યો. લોકો ભયપીત બની ગરબી બંધ કરાવી ધરમાં ધુસી ગયા. ભુપતને ખબર હતી કે હરદ્તપરી બાપુએ સમાધી લીધી છે અને બાપુએ મોવિયાનુ ધણવાળીને આવેલા બહરવટીયાને બાપુએ લાહી લગાળી જગ્યામાં હાજર કર્યા હતા. એટલે ભુપતે નક્કી કર્યુ કે પ્રથમ હરદ્તપરી બાપુનુ શ્રીફળ વધેરી ગામ ભાંગવુ અને જો શ્રીફળ સારુ નીકળે એટલે કે બાપુ રજા આપે તો જ ગામ ભાંગવુ. આમ સંક્લપ કરી ભુપતે અનેક શ્રીફળ વધેર્યા અને તેમાથી ભભૂતી જ નીકળી. અંતે ભુપત થાકી મોવિયા ભાંગવાનું માંડી વાળી બાપુને પગે લાગી નીક્ળી ગયો. આમ અનેક વખત બાપુએ ગામની રક્ષા કરી છે.
કોઈ માણસને ભૂતપ્રેતની વળગાળ હોય અને કયાંયથી રસ્તો ન મળે ત્યારે હરદતપરી બાપુની સમાધી સામે બેસાડી બાપુના ધુપેલીયાનો ધુપ કરી અને બાપુની ધજાનો લીરો હાથમાં બાંધવાથી ગમે તેવુ ભુતપ્રેત હોય તે બાપુના કબજામાં આવી જાઇ છે અને તેને શરીર માંથી જાવુ જ પડે એ વાતમાં કોઇ શંકા નથી. હાલ પણ ધણાલોકો ચેતન સમાધીએ થી સારા થઇ ગયા છે. બાપુની સમાધીએ થી કોઇ નીરાશ જતુ નથી અનેક માનતાઓ આવે છે. બાપુ સૌની મનોકામના પુરી કરે છે.
ॐ નમઃ શિવાય , જય કૈલાશપતી, જય બાવાજી હરદ્તપરી
લેખકઃ
શ્રી કનૈયાલાલ મગનલાલ રાવલ-મોવિયા
માહિતી-સાભારઃ
સુરેશપરી ભગવાનપરી.ગૌસ્વામી-મોવિયા
પ્રેષિત-સંક્લનઃ
મયુર સિધ્ધપુરા-જામનગર
9725630698
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો