? રણઘેલો જયશિખરી –
આ બાજુ વલ્લભીમાં મૈત્રકવંંશનો સુર્યાસ્ત થવાને ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે કાઠિયાવાડની ઉત્તરે અને કચ્છના રણને પૂર્વકાંઠે આવેલા વાગડ પંથકમાં પંચાસર નામે એક નાનકડું રજવાડું વિકસી રહ્યું હતું. રજવાડું ઠકરાત કહો તોય ચાલે એવું નાનું પણ એનો રાજા જયશિખરી ચાવડો એટલો જ બાહોશ હતો.
આગળ જતાં ચાવડાવંશનો એ સ્તંભરૂપ ગણાવાનો હતો.પંચાસરમાંની તેની સત્તાની કીર્તિ ઘણે સુધી વિસ્તરેલી હતી.તેની પત્ની રૂપસુંદરીનો ભાઇ સુરપાળ તેના લશ્કરનો સેનાપતિ હતો.બાહોશ રાજા અને રણકુશળ બનેવીના વખાણ તેના કવિ બારોટો કરતા રહેતા.
એમાં એક વખત જયશિખરીનો રાજદરબારી કવિ કનોજ પાસેના કલ્યાણી સામ્રાજ્યના રાજા ભુવડ ચાલુક્યના દરબારમાં ગયો.જઇને ભરદરબારમાં તેણે જયશિખરીના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે હજી સુધી કોઇ માડીજાયો જાગ્યો નથી જે પંચાસર ઉપર આક્રમણ કરે.ભુવડને આમાં પોતાનો માનભંગ જણાયો અને ત્વરિત તેણે કલ્યાણીના સેનાપતિ મીરને સેના સજ્જ કરી પંચાસરને રગદોળી નાખવા કહ્યું.મીર છૂટ્યો.તેની ફોજ ડમરીઓ ચડાવતી પંચાસરને પાદર આવી પહોંચી.ઘમાસાણ યુધ્ધ જામ્યું.પંચાસરનું સૈન્ય નાનું હોવા છતાં જયશિખરી અને સુરપાળના પરાક્રમ સામે મીર ભૂંંડી રીતે હાર્યો.
કલ્યાણી પહોંચી મીરે ભુવડને પોતાની નામોશીભરી હાર વિશે માહિતગાર કર્યો.ભુવડ ગુસ્સાથી લાલઘુમ બન્યો,ભ્રકુટી કાનની બુટ ફરતે આંટો દઇ ગઇ ! અપમાનનો બદલો લેવા તે મરણિયો બન્યો.તેણે કલ્યાણીનું સમસ્ત સૈન્ય એકઠું કર્યું અને જાતે સેનાનું સુકાન સંભાળી પંચાસર ભણી કુશ કરી.
જયશિખરીને વાવડ મળ્યા કે ભુવડ વિશાળ સૈન્ય સાથે આવે છે,પંચાસરનું સૈન્ય એની તુલનામાં સાવ નાનું ગણાય એટલે જયશિખરીએ બધાં સૈન્યને પંચાસરના મેદાની કિલ્લામાં એકઠું કર્યું.
ભુવડ આવ્યો.તેણે કિલ્લા ફરતો ઘેરો ઘાલ્યો.અંદર રહીને પંચાસરની સેનાએ કલ્યાણીના વિશાળ સૈન્યને લડાઇ આપવા મંડી.અંદર રહેલી સેના ભુવડની સેનામાં તારાજી સર્જવા મંડી.કલ્યાણીની સેનાએ કિલ્લો તોડવા અનેક પ્રયત્નો કર્યા પણ વ્યર્થ ! લોખંડનો બનેલો હોય તેમ કિલ્લાનો પથ્થરેય ખસતો નહોતો,ઉલ્ટાના નજીક આવેલા સૈનિકો પર જયશિખરીનું સૈન્ય કાંગરા પરથી વિશાળ શિલાઓ ગબડાવતું.અનેક સૈનિકો કચરાઇને મરી જતાં.આમને આમ ઘણાં દિવસો વીતી ગયાં.
એકવાર ભુવડે સુરપાળને ફોડવાનો પ્રયત્ન કર્યો.પણ રાજનો નમકહલાલ તે બંદો ભુવડને વશ ન થયો !
પણ હવે ધીમે-ધીમે કિલ્લાની અંદરનો અનાજનો પુરવઠો ખુટવા માંડ્યો હતો.વધારાનું અનાજ લેવા કિલ્લાની બહાર નીકળાય તેમ નહોતું.અંતે હવે અનાજ સાવ ખુટ્યું ! જયશિખરીએ કેસરીયા કરી લેવા તૈયારી કરવા માંડી.ભુખ્યા રીબાયને મરવું એના કરતા શહિદી વહોરવી સારી ! તેણે સુરપાળને બોલાવ્યો અને તેને ગર્ભવતી રૂપસુંદરીને લઇ ગુપ્તમાર્ગે નાસી જવા કહ્યું.પોતાના વંશનો દિપક રૂપસુંદરીની કુખમાં આકાર લઇ રહ્યો હતો.સુરપાળ પહેલાં તો જયશિખરીને છોડી જવા તૈયાર ન થયો પણ અંતે વાસ્તવિકતા સમજાતા તે તૈયાર થયો.વિરપુરુષો જ્યારે રણ મુકે ત્યારે બમણાં જોરથી આક્રમણની તૈયારી રાખવી જ જોઇએ !
આ બાજુ સુરપાળ અને રૂપમતિ રાત્રે ગુપ્તમાર્ગેથી નાસી છુટ્યા અને બીજી બાજુ સવાર પડતાવેંત જયશિખરીએ કિલ્લાના દરવાજા ખોલી નખાવ્યા.આજે યુધ્ધનો બાવનમો દિવસ હતો.પંચાસરનું સૈન્ય મરણિયું બની ભુવડના સૈન્ય પર તુટી પડ્યું.જયશિખરીએ હાહાકાર મચાવી દીધો.અનેકના માથા વાઢતો તે જે તરફ જતો એ બાજુ લાશોના ઢગ ખડકાતા.આખરે તેનું મસ્તક કપાયું.અને એવું કહેવાય છે કે મસ્તક વિનાનું ધડ સતત ત્રણ દિવસ સુધી રણમેદાનમાં ઘુમ્યું ! ભુવડના લગભગ સૈન્યનો કચ્ચરઘાણ નીકળી ગયો અને આખરે ધડ પડ્યું.ભુવડ જીત્યો પણ આ વિજય તેન બહુ મોંઘો પડ્યો હતો ! તેણે પંચાસરમાં પ્રવેશ કર્યો.ભુવડ દુશ્મનની વિરતાની પણ પ્રશંસા કરનાર,ગુણગ્રાહી યોધ્ધો હતો.તેણે પંચાસરમાં જયશિખરીની પ્રતિમા બનાવી.
આ બાજુ ગર્ભવતી રાણી રૂપમતિ એકલી ગાઢ અરણ્યોમાં ઘુમતી હતી.એના પેટમાં ચાવડાવંશનો જ્યોતિર્ધંર આકાર લેતો હતો.વિધિએ લખેલા લેખો યોગ્ય દીશામાં વળાંક લેતા સાચા પડી રહ્યાં હતાં.
[ ક્રમશ : ]
[ વધુ આગળના ભાગમાં….. ]
– Kaushal Barad
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2
જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.