શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા

અખિલ વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિમાં દેવો-દેવ શક્તિઓની કાર્ય રચના- ફાળે અવર્ણનીય છે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી સર્જનહાર બન્યા, વિષ્ણુએ જગતનું પાલન પોષણ કર્યું, પાલનહાર કહેવાયા, અને મહેશ યાને શંકર વિશ્વના દાનવો, દૈત્યો, પાપનો સંહાર કર્યો, સંહારક બન્યા. દેવ-દેવીઓની આ પવિત્ર ભુમિમાં ભક્તોની ભાવના ભક્તોના સંકટો હરવાને માટે દેવી શક્તિએ જુદા-જુદા રૃપો ધરી વિશ્વને માનવ કલ્યાણની ભાવના અર્પી છે.મા શક્તિએ જુદા જુદા રૃપો ધરી જુદા જુદા નામોથી ઓળખાયા છે.

જેમાં જગદંબે, મહાકાલી, સરસ્વતી, પાર્વતી, ખોડિયાર, બહુચર, ચામુંડા વિવિધ નામથી પુજનીય બન્યાં અંતે તો મા શક્તિનો અવતાર એક જ છે. એવી એક શક્તિનો અવતાર માં દિપાં “દિપેશ્વરી” કુદરતની લીલા અપરંપાર છે. જ્યાં દેવાત્ય પ્રગટ્યું હોય તેવી સૃષ્ટિની યશોગાથા કેવી ? ચાલો તો એવી દેવાત્ય ભુમિની આગોચળ, રમણીય સૃષ્ટિ નિહાળીએ.

શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા

સાબરકાંઠા જિલ્લાની દક્ષિણે આવેલ, બાયડ તાલુકાના પશ્ચિમ વિભાગમાં આવેલા નાનકડા ગામની સમીપે કીલકીલ વહેતી માજુમ સરિતાના રમણીય કાંઠે અગમ્ય કોતરોની વચ્ચે, અનેક વૃક્ષોની શિતળ છાંયડીમાં, પંખીઓના મીઠા મધુર કર્ણપ્રીય કીલકીલાટ અવાજોની માધુર્યતામાં “દિપાંમાતાજી” દિપેશ્વરીનું પવિત્ર, ચમત્કારીક સ્થળ એજ ઉંટરડા રૂડુ ગામ. આ ગામની વસ્તી આશરે ૭૦૦૦ ઉપરની છે. જે સાત પરા વિસ્તારમાં વહેંચાયેલું છે. જ્યાં બ્રાહ્મણ, વૈશ્ય શુદ્ર તથા ક્ષત્રિય ચારેય વર્ણની જાતિઓનો વાસ છે અને મુખ્યત્વે વ્યાવસાય ખેતી તથા પશુપાલનનો છે.પેઢી દર પેઢી ઘરડા વયોવૃદ્ધ માતા-પિતાઓના મુખેથી જાણવા મળ્યા મુજબ આ બે સૈકા પેલાની લગભગ વાત છે.

આજના આધુનિક જમાનાની રીત-રસમ, વ્યવહાર, જ્ઞાન વિજ્ઞાન ની અધ્યતન સુવિધાઓ ક્યાં અને બે સૈકાનો ઈતિહાસ ક્યાં આજના આધુનિક જમાનાને પુરાણા નાનકડા આદીમાનવની રહેણી કરણી, વ્યવહારનો ખ્યાલ ક્યાંથી હોય આજની કેળવણી નિરીક્ષણની સામે એ સમયમાં વિદ્યા દાનની ખોટ ચાલતી હતી, વિદ્યા-દાન મેળવવા બાળક પાંચ સાત માઈલ ચાલી ભણી શકે પરંતુ બાળકીઓ માટે ભવ્ય અરણ્ય પસાર કરી ભણવા જવું. સાથે ઘરડા માણસોના જુનવાણી વિચારોની રીત રસમને ધ્યાનમાં લેતાં બાળકીઓ માટે ભણવાના વ્યાવસાય પ્રત્યે બારણાં બંધ હતાં. જેથી બાળકીઓને મુખ્યત્વે વ્યવસાય ઘરની કામગીરી, કામકાજ માં મદદ રૂપ થઈ પડતો.

આવી એક બાળકીનો પ્રસંગ જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે છે. તેવા કુળમાં જન્મેલી બાળકી દીપાં, જન્મથી જ જેનું મુખ દિપ સમાન ઉજ્જવળ, ભાલે ચમકતું તેજ, એવી રૂપરૂપની અંબાર જાણે સ્વર્ગમાંથી દેવીલોકની પરી ઉતરી આવી ન હોય ? પણ નાનકડા ગામમાં તેનો વિકાસ અસંભવ! ખેર તે વિકાસ કરવા આવી ન હતી તે ચીનગારી પાથરવા, દિવ્ય જ્યોત બનીને આવી હતી. જે વિપ્ર કુળમાં દીપક બની અમી અજવાળા પાથરવા આવી હતી.

ઉનાળાનો સમય હતો. ધોમધખતો તાપ પૃથ્વીના પેટાળની ગરમી, મૃગજળનો ભાસ વરતાઈ રહ્યો હતો. માજમ સરિતા બે કિનારે ખલખલ કીલકારી કરી રહી હતી. નજીકની અગમ્ય કોતરો રળીયામણા વૃક્ષોની વનરાઈ ચાતુર કોયલના મીઠો મધુર અવાજ ગુંજરવ અને એમાં વિશાળ વટ વૃક્ષ (વડલાની) શીતળ છાંયડી અને તેમાં વડલાની વિશાળ લાંબી વડવાઈઓ જાણે આબેહુબ દીંવડી એ પ્રકૃતિક સૌદર્ય દ્રશ્ય કોને ન ગમે ? ગામના ભલા ભોળાં બાળકો બાળકીઓ ઉનાળાની અસહ્ય ગરમીમાં માજુમ સરીતા તટમાં દેહોને જબોળી વડલાની શીતળ છાંય રમતો રમતાં અને દિવસ પસાર કરતાં સાથે સાથે ગોવાળીયાઓ પણ પોતાનાં પશુધન નદી કિનારે ચારી ચરાવી પાણી પીવડાવી તૃષણા છિપાવી વડલાની શીતળ છાયે મીઠી નિંદરમાં પોઢી જતાં આહ કેવું આહ્લાદક વાતાવરણ જાણએ સ્વર્ગનું સુખ.

એક દિવસનો પાવન પ્રસંગ, દરરોજની જેમ દીપાં ઘરની તમામ કામગીરી પરવારી વારૂ કરી સરખે સરખાં ભોળાં બાળકો સાથે ગોપ-ગોવાળીયાઓ પશુધન સાથે માજુમ સરીતા તટે ગઈ એ દિવસે દીપાંની પ્રકૃતી, મુખારવીંદ કંઈક અલૌકિક દ્રષ્ટિગોચર થતું હતું. ગોવાળીયાઓ નાનાં અબુધ બાળકો સાથે નદીમાં ન્હાઈ પકડદાવ રમતાં હતાં સાથે સાથે વડલાની શીતળ છાંયે ભેગા મળી આનંદ કિલ્લોલ કરી પોતાના મનને બહેલાવા લાગ્યા આજે દીપાં દરરોજ કરતાં કંઈક જુદા જ પ્રકારની રમતોમાં આનંદમાં મસ્ત ગુલતાન બની ગઈ. રમત રમતમાં દેહનું પણ ભાન ન રહ્યું પકડદાવ રમતાં હતાં.

જ્યાં વડની શાખાઓ, વડવાઈઓને પકડી હીંચકા ખાતા હતાં એવામાં એકાએક વટવૃક્ષની ટોંચો વડવાઈઓ ને પકડી દીપાં જેમ સ્વર્ગમાંથી પરી ઉતરે તેમ નીચે પટકાઈ પડી અને એજ ક્ષણે આકાશમાંથી તેજ કિરણ છુટ્યું અને દીપાંના પડવાના સ્થાને અમિયારનું નાનું ઝાડ હતું તેની નીચે સુગંધીત ફુલોનો ઢગ ખડકાઈ ગયો અને દીપાં અદ્યશ્ય બની ગઈ સાથે સાથે કુદરતી વન્ય સૃષ્ટી હાલી ઉઠી પંખીઓનો કીલકીલાટ, આકાશમાં વિજળીનો ચમકાર ગડગડાટ, તથા માજુમ સરીતા બેકાકળી બની આકુળ વ્યાકુળ થઈ તેના ગુંજારવમાં કંઈક ગુમાવ્યાની ફરીયાદ હતી અને સમગ્ર વાતાવરણ કોઈ કુદરતી ચમત્કારીક અલૌકીક દ્રષ્ટિમાં ફેરવાઈ ગયું.

આવું દ્રશ્ય નિહાળી ભોળાં બાળકો શાન-ભાન ભુલી દોડતાં ઘરે જઈ વિપ્ર દંપતિને ગભરાતાં હૃદયે થયેલ હકિકતથી વાકેફ કર્યા વિપ્ર દંપત્તિ વાત સાંભળતાં જેમ કેળનું ઝાડ ભોય પટકાઈ જાય તેમ પટકાઈ પડ્યાં અને ધ્રુસકે ધ્રુસકે દીપાં દીપાં કહીં રડવા લાગ્યાં ચારેકોર શોક ગરકાવ થઈ ગયો, આ વાત વાયુવેગે આજુબાજુના પંથકમાં પ્રસરતાં ગામ લોકો પણ દર્શન માટે ટોળે ટોળાં ઉમટી પડ્યાં. વિપ્ર દંપત્તિ ફુલના ઢગલાની પાસે જતાં જ દૈવત આકાશવાણી થઈ “સબૂર ” ઉતાવળો થા મા? સંતાપ કરીશ નહીં મારી આજ્ઞાએ તારી કુવારીકા દીપાં દિવ્ય શક્તિ હોઈ ચીર વિદાય લીધેલ છે. જે તારા કુળનો, ગામનો તથા અનન્ય ભક્તોનો ઉધ્ધાર કરશે અને તે શ્રદ્ધાંના પ્રતિક રૂપે જગમાં પુજ્યમાન બનશે. ગમે તેવી વિકટ પળોમાં ફક્ત એનું સ્મરણ કરશે તેના દુઃખો તત્ક્ષણે નાશ પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આકાશવાણી સાથે દિવ્ય તેજ પ્રગટ્યું વિપ્ર દંપત્તિને તથા એકઠી થયેલી માનવ મેદનીને દ્રઢ વિશ્વાસ થયો અને ફુલના ઢગલાની જગ્યાએ ગામ લોકોએ ભેગાં મળી વાજતે ગાજતે દીપ-ધુપ-પ્રસાદી ધરાવી પુજન વિધિ કરી અને ત્યાં નાનકડી મઢુલી “દેરી” બંધાવી…..

જે આજ દિન સુધી પ્રતીક બની રહી ફક્ત માતાજીની ગોખ જ દીપ-ધુપથી શ્રદ્ધાં-વિશ્વાસ ના પ્રતિક રૂપે પુજ્યમાન બન્યો અને શ્રદ્ધાળુ ભક્ત જનોને વીકટ કામ મહેચ્છાઓ પુર્ણ કર્યા.ગામ લોકો તથા અન્ય શ્રદ્ધાળું ભક્તો ત્યારથી માં દીપાંના નામનું સ્મરણ કરતાં રહ્યાં એક યા બીજા પ્રસંગોએ નાની-મોટી માનતાઓ માનતા અને મા દીપાં તેમની મનોકામના પુર્ણ થયેલી ધામધુમથી માનતાઓ પુરી કરતાં અને મા દીપામાં વિશ્વાસ કેળવી સંકટ સમયમાં સ્મરણ કરી માનવ જીવન કૃતાર્થ કરતાં રહ્યાં અને માની દીવ્ય જ્યોતની પ્રસિદ્ધ ચારેકોર પ્રસિદ્ધ થવા લાગી.આ અગાઉ માતાજીના પ્રાગટ્ય વિશે કોઈ સચોટ આધારભુત અવશેષો કે કોઈ પુરાત્વ માહિતી આજદિન સુધી પ્રગટ થયેલી નથી જે વડીલ વડવાઓના મુખેથી સાંભળેલ દંત કથા છે.

(આ માહિતી દિપેશ્વરી માતાજી ફેશબુક પેઈજ તરફ થી મળેલ છે)

તો મિત્રો આ હતી શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા  જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ

– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!