શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે, જેનાં દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે. આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હરસિદ્ધિ માં ને હર્શલ, હર્ષદ, હર્ષત્, સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે.

શ્રી હરસિદ્ધિ માતા ની પ્રાગટ્ય કથા 

શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે ‘જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.

Harshad Mata

માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.

એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.

માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.

બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં.આમ માતાજીનો વાસ રાત્રી દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમ્યાન દ્વારકા જીલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે. માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે.

બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે. હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે. તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે. જે ટોંચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસીયત છે. મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી, આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ બારમાં શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

હરસિદ્ધિ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે.બારશાખમાં દેવદે વીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે.દ્વારસાખ ઉંપર પણ તક્તીઓ ધ્યાન ખેંચે તેવી છે. અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપમાં ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે.તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે તેવું છે.

હરસિદ્ધિ માતા ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબમાં કુળદેવી તરીકે પૂજાય છે. તેમનામાં શ્રદ્ધા ધરવતા અનેક લોકો તેમની માનતા માને છે. અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે.અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે.મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે.

આ સ્થાનક પોરબંદરથી 40 કિમી અને દ્વારકાથી 50 કિમીના અંતરે આવેલું છે. પોરબંદરથી દર કલાકે એસ.ટી. બસની સગવડ છે. અહીં દર્શનાર્થે આવેલા ભક્તોને રોકાવા ઘર્મશાળાઓ પણ ઘણી છે. આ સિવાય કોયલા ડુંગરની તળેટીમાં આવેલ બજારમાં ચા-નાસ્તો, ભોજન, માતાજીનો ચઢાવો વગેરે મળી રહે છે.

તો મિત્રો આ હતો શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ, જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ઉજ્જૈનનો ઇતિહાસ

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ 

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી- બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!