કાઠીયાવાડ ધરા માં પાંચાળ નામે એ પંથક જ્યા ઇષ્ટદેવ શ્રી સૂરજ નુ દેવળ ધર્મ ધજા ફરકતી હોય, વિરો અને વિરો ના અશ્વો વખણાતા હોય અને જ્યા તપ, દાન,વ્રત,ત્યાગ, ભક્તિ અને પવિત્રતા ના ઓજસ દિપી રહ્યા હોય, એ ધરા પાંચાળ મા સોનગઢ ગામ, સિધ્ધ ગેબીનાથ ની પરંપરા અને આપા મેપા ભગત(કુંભાર) ના આપા જાદારા ને “પેઢી એ પીર પાકશે” એવા વરદાન ની પીરાઇ નુ પાંચમુ ચરણ એટલે ભગત દાદાબાપુ.
“આજકાલ નાં યુગ માં અઢી સૈકા ની છે વાત
જળુ શાખ માં જન્મીયા ઉત્તમ પુરુષ આઠ,
જાદર ગોરખને જીવણો માસો માણો હોય,
લાખો લખમણ ને દાદવા જગ વખાણે જોય.”
પ્રભુ ને પ્રીય એવા સંતો પરમાર્થ સેવા ના અનુરાગી હોય છે.
તરુવર, સરોવર, સંતજન, ચોથા વરસે મેહ;
પરમાર્થ ને કારણે ચારો ધરિયા દેહ.
ગાયો ને ગેબી ના ડુંગરે ચરવા જાય તો પગ ની ખરીઉ મા કાંકરા ના વાગે એ સારુ કાંકરા-પથ્થર ને વિણી ને ઢગલીઓ નોખી કરે, તો વળી અધ્યાત્મનિષ્ઠ ધ્યાનસ્થ અવસ્થા માં પોતાને તલ્લીન કરી બે દિવસ , ત્રણ દિવસ કે આખુ અઠવાડીયુ ખેંચી લે. આ નિર્વિચારીતાની સ્થિતી માં તેઓ પ્રભુ ભાવ મા લય યોગી બની આત્મબળ ના સહયોગ થી આહાર, જળ નો પણ ત્યાગ કરી દે.
ભીમડાદ જે વાળા ક્ષત્રિયો નુ ગામ જે મોખડાજી ગોહિલે જીતેલુ. મુગલકાળ નો અસ્તાચળ આવ્યો તે વખત માં પાળીયાદ ના ખાચર કાઠીઓ ભીમડાદ જીત્યુ. જેને વખતસિંહજીએ ૧૭૯૩-૯૪ મા મેળવ્યુ. ઇ.સ. ૧૮૪૯ મા વજેસંગજી ગોહિલે(ભાવનગર) દ્વારા પુત્ર નરસિંહજી ને ભીમડાદ નો ગરાસ મળ્યો.
આ ભીમડાદ મા એક વખત દરબાર ભુપતસિંહજી ગોહિલ ના દિકરા રણજીતસિંહ, તેઓ અસાધ્ય રોગ થી ઘેરાયેલા તેમને વારે વારે ફીટ(ખેંચ- મૃગી) આવી જાય. વૈધો, હકિમો અને દાક્તરો એ હાથ ધોઇ નાખ્યા. ભીમડાદ દરબારગઢ મા ભારે સન્નાટો! ઇલાજ કારગર નીવડતો નથી સંત, ઓલીયા ની આર્શીવાદ મળે તો વાત અલગ.. બાકિ આનો કોઇ ઇલાજ કોઇ ને દેખાતો નતો.
એવા મા કોઇ એ આવી ને કહ્યુ કે ગુંદા ગામે સિગરામ મોકલો, ગુંદા મા સોનગઢ ના ઔલૈકિક પુરુષ દાદાબાપુ એમના મોસાળ પધારેલ છે, ઝટ કરો..”
ભુપતસિંહજી એ દાદાબાપુ ને તેડવા સિગરામ મોકલાવ્યો. દાદાબાપુ ભીમડાદ આવ્યા, “બાપુ! હવે તો આપની કૃપાથી મારો એક નો એક દિકરો બચાવી શકે” કહેતા રણજીતસિંહ ના માતા હરિબા રડી પડ્યા.
દાદાબાપુ એ પોતાની માળા પાણી ના વાટકા માં બોળી. પાણી કુમાર ને પાયુઃ “ઠાકર એને સો વરસ ને કરે! તમારા કુમાર ને જીવાડવા માં ઠાકોર ને રાજીપો છે.” વળતી પળે રણજીતસિંહ મરણપથારી માંથી બેઠા થયા, એણે પોતાના ઇશ્વર ને દાદાબાપુ મા મહાલતો જોયો.
દવા દરદ નો મિટાવે, મટે જપતા નામ.
એવા કર્યા ઉત્તમ કામ, દિનઃદુખયાના દાદવા.
રણજીતસિંહ ના બહેન રમાબા મધ્યપ્રદેશ ના મંદોસર જીલ્લા ની એક નાની રીયાસત મા પરણાવેલા, દાદાબાપુ એ ભાખેલુ કે આપનો પુત્ર ફટાયો હોવા છતા ગાદિ એને મળશે અને બન્યુ પણ એવુ જ. એ બાદ મધ્યપ્રદેશ નુ રાજ કુંટુંબ સોનગઢ સાથે એવો પુજ્ય ભાવ ધરાવતુ. રણજીતસિંહ ભીમડાદ ના વારસ અંગે ચિંતીત હતા ત્યારે તેમને દાદાબાપુ એ પોતાના પુર્વજ લાખાબાપુ ને સ્મરી ને આશિષ આપતા કહેલુ કે સોનગઢ ઠાકર તમને દિકરો આપે છે અને નિશાની રુપે બાળક ના શરીરે લાખુ હશે. ભીમડાદ દરબાર ને ત્યા પુત્ર રત્ન ની પ્રાપ્તી થઇ અને નામ પણ લખધિરસિંહ રાખવા માં આવ્યુ.
*–**–**–**–**–**–**–*
લાખાવડ ના પાલરવભા ગઢ્વી ને ત્યા એક વખત કચ્છ ના એમના નાતીલા વીરા જલડ આવેલા, પાલરવભા એ એમની કાઠીયાવાડ ની આગવી રીતરસમ પ્રમાણે ખાતરબરદાસ કરી રહ્યા હતા, એવા મા વિરાભાઇ બોલ્યા કે ”આ સોનગઢથી વાયરાઓ ની સાથે સાથે છેક અમારા કચ્છ સુધી અચરજકારક વાતો સાંભળવા મા આવે છે.”
વિરાભાઇ ના અવાજ મા શંકા નો સ્વર હતો તે પારખી પાલરવભા એ કહ્યુ કે સોનગઢ ની વાત હોય તો એ સોનગઢ અમારે ઢુકડુ છે અને હા એ ગેબીનાથ નુ બેસણુ અને એની પીરાઇ ની વાતો થી કોણ અજાણ હોય.
વિરાભાઇ હહતા જ રહ્યા કે,”તો તો મારે પીરાણા ને જોવા ને જાણવા પડશે એ માટે જ કચ્છ થી આય સુધી આવ્યો છુ.” તમે મારી ભેળા આવો .
“તો તમું જઇ આવો, અને પછે પુરા પારખાં લઇ ને આવજો. પણ ચેતજો કાંઇ અણધાર્યુ ન કરતા. અગનની આશનાઇ નો’ય જે કાંઇ કરો એ હૈયે હરિ રાખી ને કરજો. પણ હુ ભેળો નય આવુ! અમને ઠાકર મા ગળા હુધી વિશ્વાસ છે.”
વીરા ગઢવી એકલા સોનગઢ ને મારગ પડ્યા, સોનગઢ માં ધામા નાખ્યા, ડેલી ના ખાના માં એણે વાર્તાઓ જમાવી ,ડાયરા ને ગીતો, છંદો,દુહાઓ થી મંત્રમુગ્ધ કરી દિધો.
આઠ દિવસ આ રીતે વિતી જાય. વિરા ગઢવી વાટ જોઇ રહે છે કે ભગતબાપુ ક્યારે સમાધી ધ્યાન માંથી જાગે. નવમા દિવસે દાદાબાપુ ઓરડીનાં બારણાં ખુલ્યા સૌ ડાયરો દર્શન કરવા ઊપડ્યો,
“કચ્છ થી આવેલા ગઢવી ને દાદાબાપુ એ આવકાર્યા. બેહો, બેહો ડાયરો હમણા ભીમડાદ થી સાદો હજામ પેંડા લઇ ને આવે છે, સૌ ના મોં ગળ્યા થાશે.”
વિરાભગત ગામ અમસ્તા પગ મોકળા કરવા ના બહાને આંટો મારવા ઉપડ્યા, મન મા વિચાર્યુ કે “ભગત બાપુ એ જાગતાવેંત ડિંગ હાકિ ભીમડાદ માં સાદા ને ખબર થોડિ હોય કે ભગત ક્યારે સમાધી માંથી જાગશે.” અને શેરી, બજાર ને ગામ મા તપાસ કરી પણ સાદો ક્યાંય દેખાયો નહિ.
થોડિવાર માં તે પાછા ડાયરામાં આવ્યા એટલીવાર માં તો ભીમડાદ થી સાદો પણ પેંડાનુ પોટલુ લઇ ને આવી ગયો. વીરા ગઢવી ઘડીક તો અચંબિત થઇ ગયા પછી થયુ હશે “કાગ નુ બેસવુ અને ડાળ નુ પડવું..” સાદા એ બધા ને પેંડા વહેંચ્યા અને દાદાબપુ માટે ચલમ ભરી આપી. અને એ જ વખતે અચાનક દાદાબાપુ ખડખડાટ હસ્યા.. ડાયરા એ કહ્યુ કે શુ થયુ કંઇક અમને પણ કહેવા જેવુ હોય તો કહો ને!
હસતા હસતા દાદાબાપુ એ પ્રત્યુતર દિધોઃ “કુદરત ના ખેલ જોઇ હસવુ આવે છે, ડાયરા મા બેઠેલા એક વ્યક્તિ તરફ આંગળી ચિંધી ને કહ્યુ કે આ ભગત ની ભેંસ કાલે વિયાશે, અને એને ભગરો પાડો આવશે એ પાડા ને બે માથા હશે! વાહ મારો વાલો કેવા ખેલ કરે છે.”
આ સાંભળી આખો ડાયરો હસ્યો પણ પછે વળતે દિ સ્તબ્ધ થઇ ગયો, એ દેહા ભગત ની ભેંસ વિયાણી અને એને બે માંથાવાળો ભગરો પાડો ગામ આખાનુ જોનું બન્યો.
વિર ગઢવી નો ભ્રમ ભાંગી ગયો એ ચરણ પકડી લીધા અને કહ્યુ કે પારખા કરવા જ કચ્છ થી આવ્યો હતો. હવે મે પીરાણુ જોઇ લીધુ. તપસ્વી દાદાબાપુ ના આવા પરચાઓ પાંચાળવાસીઓ એ સ્તબ્ધ બની જોયા છે. તેઓ ૧૯-૭-૩૪ ના દિવસે સૌ ની રજા લઇ અવિચળ થયા. તેમના લગ્ન પાડરશીંગાના ખુમાણ ના દિકરી સોનબા સાથે થયા હતા. તેમને બે પુત્ર ભગુબાપુ અને નાનાબાપુ.
પુ. નાનાબાપુ સં.૨૦૪૧ ની સાલ માં દેવગતી પામ્યા
કથાબીજઃ નાનાભાઇ જેબલીયા
સંકલનઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો