⚔ ભારત પર થયેલું યુનાની આક્રમણ ⚔ સિકંદરનું કથિત આક્રમણ ભાગ – 4

ஜ۩۞۩ஜ સિકંદરનું કથિત આક્રમણ ۞۩ஜ
ஜ۩۞۩ஜ સિકંદર મહાન નહોતો ! ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૭થી ઇસવીસન પૂર્વે ૩૨૫ )

ઈતિહાસ જાણે એમના બાપનો હોય એમ આ ગ્રીકો તો વર્તે છે. હવે ભારતમાં અભ્યાસક્રમ બદલાયો છે ત્યારે આ ખોટો ઈતિહાસ ભણાવવાનું બંધ કરવું જોઈએ. જે આક્રમણ થયું જ નથી એનાં કારણો, એની અસરો અને એનાં પરિણામો પાછળ સમય બરબાદ કરવો ના જ જોઈએ. આવું જો કરવામાં આવશે તો વ્યર્થ વાતો આપોઆપ બહાર થઇ જશે અને સાચો ઈતિહાસ આપણને મળશે જે ભણવા કરતાં કમસેકમ વાંચવા અને સમજવાની તો મજા પડશે જ પડશે ! ભારત સરકારનું આ કદમ ખરેખર સરાહનીય જ છે ! એનાથી ભારતના અને ગુજરાતના ઇતિહાસને એક નવી દિશા સાંપડશે એટલું તો ચોક્કસ જ છે. માત્ર ઉલ્લેખ કરવાથી એ ઈતિહાસ નથી બની જતો એ હવે ભાન આવ્યુંને બધાં ને ! દાર્શનિક પુરાવાઓ અને વિશ્વસનીય ગ્રંથોનો ગહન આભ્યાસ થવો જોઈએ એમારું તો સ્પષ્ટપણે માનવું છે. આનાથી અનેક આયામો સિદ્ધ થશે અને પરાપૂર્વથી ચાલી આવતી ખોટી માન્યતાઓનું ખંડન થશે એ નફામાં !

ગ્રીકોને તો ભારતીય સંસ્કૃતિસાથે આમેય બાપે માર્યા વેર છે. પણ આ બાબતમાં ભારતીયોના મૌને આખો ઈતિહાસ એ ગ્રીકમય બનવી દીધો છે. ગ્રીકો અભ્યાસી તો હતાં જ પણ એમણે જુઠનો સહારો લીધો. એક બીજી વાત કરું ભારતનું તત્વજ્ઞાન અને અને એમનું ધર્મ દર્શન એ અતિ પ્રાચીન છે એ વાત માત્ર ગ્રીકો શું આખી દુનિયા આ વાત સ્વીકારવા જ તૈયાર નથી. એટલે જ તો સોક્રેટીસ -પ્લેટો -એરિસ્ટોટલએ એમનો મત દુનિયામાં પ્રસરાવવા માંગતા હતાં. આમ તો એ લોકોનો મુખ્ય ઉદ્દેશ તો ભારત અને ચીન જ હતો. જેની સંસ્કૃતિઓ અતિ પ્રાચીન છે. તેઓ પોતાનો પ્રચાર જ કરવાં માંગતા હતાં અને સાથેસાથે પોતે જ આ બધાનાં મૂળમાં છે એવું પ્રસ્થાપિત કરવાં માંગતા હતાં.

સોક્રેટિસનો જીવનકાળ છે ઈસ્વીસન પૂર્વે ૪૭૦થી ઇસવીસન પૂર્વે ૩૯૯
પ્લેટોનો જીવનકાળ છે ઇસવીસન પૂર્વે ૪૨૭થી ઇસવીસન પૂર્વે ૩૪૭
એરિસ્ટોટલનો જીવનકાળ છે ઇસવીસન પૂર્વે ૩૮૪થી ઈસ્વીસન પૂર્વે ૩૨૨
જયારે સિકંદરનો જીવનકાળ છે ઈસવીસન પૂર્વે ૩૫૬થી ઈસવીસન પૂર્વે ૩૨૩

સોક્રેટીસને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના પિતા ગણવામાં આવે છે અને પ્લેટો તેમનાં શિષ્ય હતાં એ પણ મહાન તત્વચિંતક અને એરિસ્ટોટલ એમનાં શિષ્ય એ પણ મહાન તત્વચિંતક પણ એરિસ્ટોટલનો શિષ્ય એટલે આ સિકંદર. જે ૧૩ વર્ષે એરિસ્ટોટલનો શિષ્ય બન્યો હતો. આજ સિકંદરને વિશ્વવિજેતા બનવાનું સપનું બતાવનાર પણ આ એરિસ્ટોટલ જ હતો . જો કે એમાં એની ચાલ હતી. પોતાનું નામ વિશ્વભરમાં અમર કરવાની ખુબ નામના કમાવવાની. જો કે એમાં બેમત તો નથી જ કે એરિસ્ટોટલ એ પ્રખ્યાત અને સારા તત્વચિંતક હતાં પણ એમને આ “પાશ્ચાત્ય” શબ્દ ખટકતો હતો એમને “પૂર્વ”ના પણ મહાન તત્વચિંતક કહેવડાવવું હતું. એમણે આ ગુરુ-શિષ્ય પરંપરાની મિસાલ આખા જગમાં મશહૂર કરવી હતી. સાથોસાથ ભારતીય અતિપ્રાચીન પરંપરાનું પણ ખંડન કરવું હતું ! આ વાત એમના મનમાં સ્ફૂરનાર ભારતીય વૈદિક સભ્યતા જ છે એનો એમને ખ્યાલ આવ્યો ત્યારે એમણે ભારતનું નીચાજોણું કરવાં માટે સિકંદરને ભારત પર આક્રમણ કરી વિશ્વવિજેતા બનવાં પ્રોત્સાહિત કર્યો.

ભારતની સિંધુ સંસ્કૃતિ જ એમને પોતાને નામે કરવી હતી. એમાં વળી હાલમાં એક નવું સત્ય સામે આવ્યું છે સરસ્વતી સંસ્કૃતિ જે વિષે તો આ ખંધા ગ્રીકોને તો કશી ખબર જ નથી ! જો એમાંથી કોઈ આ કમબખ્ત સિકંદર કે ગ્રીકોનું કોઈ રહસ્ય બહાર આવે તો જ આ ગ્રીકોનો પર્દાફરાશ થઇ શકે એમ છે ! સત્ય બહાર આવે તો જ સાચી હકીકત લોકોને ખબર પડી શકે એમ છે. ગ્રીકોને જ્યારે ખબર પડી કે ભારતીય તત્વજ્ઞાનની શરૂઆત તો ઇસવીસન પૂર્વે ૧૪મી સદીમાં થઇ છે ત્યારે તેઓનું તત્ત્વજ્ઞાનના પિતામહ કહેવડાવવાનું પદ જોખમમાં આવી ગયું. ભારતીય તત્વજ્ઞાનની શરૂઆત દીર્ઘતમસે ઇસવીસન પૂર્વે ૧૪મી સદીમાં કરી છે ! સપ્તર્ષિ ઇસવીસન પૂર્વે ૧૨મી સદીમાં થયાં અને ભગવાન વ્યાસ ઇસવીસન પૂર્વે ૭૦૦માં થયાં હતાં એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે….. હકીકતમાં તો આ જથી ૭૦૦૦ – ૫૦૦૦ વર્ષ પુરાણા છે. આ વાતનો ખટકો ગ્રીકોને જરૂર હતો. પાણિનિ પણ ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં થયાં હતાં. ટૂંકમાં ભારતીયો આગળ ગ્રીકો પાણી ભરે….. ઇતિ સિધ્ધમ ! એક વાત જણાવી દઉં તમને પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનની શરૂઆત જ ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં થઇ છે. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે ભારત જેના પર ગૌરવ લે છે એ જરાય ખોટું નથી ! સિંધુ સંસ્કૃતિની વાત આપણે આગળ જતાં કરવાનાં જ છીએ એટલે હવે જ્યાંથી સિકંદરનું કથિત આક્રમણ બાકી રહ્યું છે એનાં પર આવી જઈએ !

પાછાં ફરતાં ————–
સિકંદરના લશ્કરે આગળ વધવાનો સાફ ઇનકાર કરતાં તે લશ્કર સાથે પોરસના રાજ્યમાં પાછો ફર્યો.અને રાજા પોરસને ઝેલમ અને બિયાસ નદીઓની વચમાં આવતાં પ્રદેશોનો શાસક નીમવામાં આવ્યો. આંભિને સિંધુ અને ઝેલમનદીની વચ્ચેના પ્રદેશોનો અને અભિસારને કાશ્મીરનો (હઝારા રાજ્ય સહિતનો) શાસક નીમવામાં આવ્યો. પછી સિકંદરે ૧૦૦૦ હોડીઓનો પ્રબંધ કરી સિંધુ નદીના માર્ગે પાછા ફરવાનો નિશ્ચય કર્યો. પણ તેને સિંધુ નદીના જળપ્રવાહનો કોઈ અંદાજ જ નહોતો.

લખવું અને હકીકતમાં તો આ જ તફાવત હોય છે ! જે રહોડસના પુતળા નીચે મોટા મોટા જહાજો આવજા કરતાં હતાં અને બેબિલોનમાં હોડીઓના ચિત્રો જે એમણે દોરીને પોતાની સંસ્કૃતિનો પ્રચાર કરનાર ગ્રીકો જયારે એક ભારતીય નદી પણ સરખી રીતે પાર નથી કરી શકતાં ત્યારે મનમાં એક આશ્ચર્ય જરૂર થાય છે કે શું ખરેખર ગ્રીક સંસ્કૃતિ હતી ખરી કે પછી કહતે -સુનતે બાતોબાતોમે ઈતિહાસ બન ગયાં ! આ એક મુદ્દો વ્યવસ્થિત છણાવટ માંગી લે એવો છે કે જે હિંદુકુશમાં પણઆજે પણ કોઈ વ્યવસ્થિત રીતે મુસાફરી કરી શકતું નથી તેને “આર્યો”ને નામે પોતાનું કરવાની એક સોચી સમજી સાઝીશ હતી. એટલે જ તો જ્યાંથી ભારતમાં સીધું પ્રવેશ કરી શકાય તેમ હતું તેની જગ્યાએ તેમણે પામીરને અડીને હિંદુકુશમાં થઈને ગાંધારનાં તક્ષશિલા પર આક્રમણ કર્યું હતું . જયારે બેકટ્રિયા અને પાર્થિયા તો પહેલેથી જ ઈરાનના કબજામાં હતાં જ્યાં પુષ્કળ પ્રમાણમાં યવનો વસવાટ કરતાં હતાં ત્યાંથી ભારતમાં ઘુસી જ શકાત. જે સિકંદરે એટલે કે ગ્રીકોએ તેમ ન કરતાં તેમને વિચિત્ર લાંબો રસ્તો પસંદ કર્યો. તેમને એમ કે ત્યાં પણ કદાચ બેકટ્રિયા અને પાર્થિયાની જેમ ગ્રીક રાજ્યો હશે અને ત્યાં પણ ગ્રીકોનો વસવાટ થયેલો હશે પણ તેમ ન થતાં તેમ ન જોતાં તેમની આશા ઠગારી નીવડી કારણકે ભારતીય પ્રજા વિષે ગ્રીકો અને સિકંદર અજાણ જ હતો .

સિંધુ નદી ભારતમાં ખાલી લેહ આગળ નુબ્રા ખીણમાં થઈને પછી પાકિસ્તાનમાં થઈને કરાંચી પાસે દરિયામાં મળે છે. માત્ર સિંધુ જ નહીં પણ રાવી, સતલજ, બિયાસ. જેલમ, અને ચિનાબ પણ. સિંધુ સંસ્કૃતિનો વિકાસ પણ હાલમાં સ્થિત પાકિસ્તાનમાં જ વધારે થયેલો છે. એ જ રસ્તો સિકંદરે પણ પસંદ કર્યો. આ બધી નદીઓનો ઉલ્લેખ તો ઋગ્વેદથી માંડીને અત્યારના ઈતિહાસ સુધી બધે જ લખાયેલો છે. પણ ગુજરાત , રાજસ્થાન અને મહારાષ્ટ્ર જ નહીં પણ ભારતના ખૂણેખાંચરે આ સિંધુ સંસ્કૃતિ કે સભ્યતા જ નહીં પણ વૈદિક સભ્યતાનો પણ સાંસ્કૃતિક વિકાસ થયેલો છે એ વાત ગ્રીકો ભૂલી ગયાં. બીજું કે સરસ્વતી સંસ્કૃતિ જે સિંધુ સંસ્કૃતિનો જ એક ભાગ છે એ વાતની પણ ગ્રીકોને તો ખબર જ નહોતી આપણને પણ છેક આ ૨૧મી સદીમાં આ સરસ્વતી નદીના પુરાવાઓ મળ્યા ત્યારે જ ખબર પડી છે !

કહેવાનો મતલબ એ છે કે ગ્રીકો આ પંજાબ અને સિંધ એની બાજુ જ ઘૂમ્યા કરે છે કારણકે પરાપૂર્વથી એનાં જ ગુણગાન ગવાયાં કર્યા છે. વાત સત્લાજનીનીકળી છે તો પંજાબમાંથી એમાં પસાર થઈને પઠાણકોટથી સીયાલકોટ જવાય. પઠાણકોટ ભારતમાં છે અને સિયાલકોટ પાકિસ્તાનમાં છે. આ જ સિયાલકોટ એ ગ્રીકોનું માનીતું કેન્દ્રસ્તઃન બની જવાનું હતું. તેની આસપાસ પણ ઈરાનીઓ અને ગ્રીકોની જ વસ્તી હતી ! એ સિકંદરના સમયથી નહીં પણ એ પહેલેથી જ !

સિયાલકોટ એ ગ્રીકો જ નહિ પણ ત્યાર પછી અનેકોનું લશ્કરી થાણું બની જવાનું હતું. જેનું પરિણામ માત્ર ૧૫૦ વરસ પછી મળવાનું હતું આક્રમણોની પ્રસાદીરૂપે ! અરે ૧૫૦ વરસ પણ શું કામ રાહ જોવાની ચંદ્રગુપ્તના સમયમાં જ સેલ્યુકસ પણ અહીંથી જ ચડી આવ્યો હતો ને ! સાર એટલો જ કેઆ સતલજવાળા રસ્તાનો યશ ગ્રીકો એટલે કે સિકંદરને ખાટી જવો હતો. કારણકે સિકંદરને પોતાની હાર છુપાવવી હતી પોરસ સામે ! જે રસ્તો શોધ્યો હતો ડેરિયસના યવન સેનાપતિએ એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો આ યવનબંધુએ ! પછી પાછી આ વાત આગળ વધારીશું . અત્યારે પાછાં ફરતાં સિકંદરે શું શું કાવતરાં – કારનામા કર્યા તે જોઈ લઈએ !

તાત્પર્ય એ હતું કે સિકંદરની સિંધુ નદીના માર્ગે પાછાં ફરવાની આ યાત્રા ઘણી અવરોધો ઊભાં કરનારી જ હતી. ભારતની લડાયક પ્રજાથી અજાણ એવાં સિકંદરે અનેજ નાના નાનાં રાજાઓ સાથે ભીષણ સંગ્રામ ખેલવો પડયો હતો.

આ નાના નાનાં રાજ્યો ક્યાં હતાં અને તેનાં રાજાઓ કોણ હતાં તે પર એક નજર નાંખી લઈએ !

નાનાં નાનાં રાજ્યો સાથે લડાઈ —–

(૧) સૌભુતિ ———-
સૌ પ્રથમ સિકંદરે પીછેહઠ દરમિયાન સૌભુતિ જીત્યું. તેઓ મીઠાની ખાણ પાસેના પ્રદેશમાં વસતાં હતાં. તેઓ સૌન્દર્યપ્રેમી અને કુશળ યોદ્ધા હતાં. કહેવાય છે કે — “એમનાં કુતરા પણ સિંહ સાથે લડી શકતાં હતાં ”
આ જગ્યાએ ભારતની અતિપ્રાચીન જગ્યા જે હાલમાં પાકિસ્તાનમાં સ્થિત છે –કટાસરાજ. જે તક્ષશિલાથી બહુ દૂર નથી એની પાસે સોલ્ટ પહાડીઓ જે માત્ર ૨૦૦૦ ફૂટ જ ઉંચી હતી ત્યાં સ્થિત છે. આ જ પહાડીઓનું વર્ણન એ મહાભારતમાં યક્ષ – યુધિષ્ઠિર સંવાદમાં કરાયેલું છે.
પંજાબ રસ્તે સીધું અહી આવી શકાય છે બીજો માર્ગ કાશ્મીરથી પણ આવી શકાય છે જ્યાંથી તક્ષશિલા નજીક પડે અને અફઘાનિસ્તાન એટલે કે હિન્દુકુશનો ખૈબરઘાટ પણ પણ એ રસ્તો દુર્ગમ છે જ્યારે પંજાબવાળો રસ્તો સીધો અને સરળ છે !

(૨) શિબિ અને અગલસ્સ ———

આગળ વધતાં સિકંદરને શિબિ અને અગલસ્સ જેવી સ્વતંત્ર જાતિઓનો સામનો કરવો પડયો. શિબિઓએ ૪૦,૦૦૦ પાયદળ સાથે સામનો કર્યો પણ તેપણ નકામો નીવડયો. અગલસ્સે પણ ૪૦૦૦૦ પાયદળ અને ૩૦૦૦ રથદળ સાથે સામનો કાર્યો પરંતુ સિકંદરની સામે હારતાં તેઓએ પોતાનાં ઘર બળી નાંખ્યા અને બાળકો તથા સ્ત્રીઓ સાથે જવાળાઓમાં અગ્નિસ્નાન કરી ભસ્મિભૂતથઇ ગયાં. આમ તેમણે પરાજિત થઈને અપમાન સહન કરવાં કરતાં મૃત્યુને ભેટવું વધુ પસંદ કર્યું.

આ માહિતી ખોટી છે અને અરાજકતા ફેલાવનારી છે સંખ્યામાં કોઈ પણ જાતનું તથ્ય નથી. સંખ્યા ખાલી આપવાં ખાતર જ આપવામાં આવી છે. ગણિતનું પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાં જ સ્તો ! કોઈ ભુતોભાઈ પણ ત્યાં જોવાં ગયો નથી કે આટલું સૈન્ય હતું તે. આ બધું ઉપજાવી કાઢેલું જ છે સિકંદરની કારમી હારને જીતમાં ખપાવવા. એક વાત તો વિચારો કે જે સૈન્ય આગળ વધવાની જ જો ના પાડતું હોય તો એ પાછાં વળતાં શું કામ હુમલો કરે ? કેટલાક ઈતિહાસકારો તો આનો પણ બચાવ કરતાં નજરે પડે છે કે પોરસના હાથે ઘવાયા પછી અને સૈન્યના ઇન્કાર પછી સિકંદરે રસ્તો બદલ્યો હતો. આ વાત સદંતર પયાવગરની જ છે. આગળ વધવું ના હોય તો પાછાં ઝડપથી ઘેર જ પહોંચાય કઈ રસ્તમાં લડવા ના બેસાય ! સિકંદરનો રસ્તો રોક્યો હશે બધાંએ એ વાત માની શકાય એમ છે અને સિકંદરે વળતો જવાબ આપ્યો હશે એ પણ માની શકાય છે પણ સિકંદર જીત્યો હતો બધે જ એ વાત માન્યામાં આવતી નથી.

એક પ્રશ્ન મનમાં ઉભો થાય છે ! આમ તો ઘણાં પ્રશ્નો મનમાં ઊભાં થયાં છે જ ! પહેલો પ્રશ્ન એ છે કે સિકંદર નાનાં દેશનો રાજા હતો તેનું સૈન્ય બધું થઈને કૈંક ૫૦૦૦ – ૭૦૦૦ કે બહુ બહુ તો ૧૦૦૦૦ હજારનું જ હતું. આ દસ હજાર પણ હું વધારે પડતાં જ કહું છું . સિકંદર આટલાં સૈન્યને રાખતો હશે ક્યાં ? બીજી વાત કે એમણે ખવડાવતો હશે શું અને એના પૈસા તે ક્યાંથી કાઢતો હશે ક્યાંથી ! એ વસ્તુઓ લેવા ક્યાં બજારમાં જતો હશે? રસ્તામાં એમને કોઈ ઓળખી કેમ ના શક્યું ? દરેક યુદ્ધમાં ભારતના જ રાજ્યો હાર્યા છે તેમ છતાં સિકંદરના સૈન્યના માણસો કેમ નથી મર્યા ? કે કોઈ ગંભીર રીતે ઘાયલ પણ નથી થયાં ? ૧૯ મહિના કે ૩૦ મહિના એ ભારતમાં કે આજુબાજુના રાજ્યમાં રહ્યો તો એમની પડાવ ક્યાંક તો નંખાયો હશે ને ! જેનું કોઈ વર્ણન ક્યાંયથી પણ પ્રાપ્ત થતું નથી. તેમની ખાણીપીણીનો બંદોબસ્ત કોણ કરતું હશે? માની લઈએ કે સ્ત્રીઓ તેમની સાથેનહોતી ! તો પછી આ બધાનો ખોરાક રાંધતું કોણ હશે ? શું સિકંદર તેના સેનાપતિઓ સાથે સલાહ મશવરા નહોતો કરતો હતો કે શું ? વ્યૂહરચના વગર પણ બધાં નાનકડાં તો નાનકડાં યુદ્ધો જીતી શકાય છે એ વાત તો દરેકે સિકંદર પાસેથી મતલબ કે ગ્રીક ઈતિહાસકારો પાસેથી આપણે શીખવી જ રહી !

અહીની રાજમાતા ક્ષત્રિય હોવાં છતાં એનું નામ ગ્રીક કેમ? ભાષા ન આવડે તે સમજી શકાય છે પણ ૨૫૦૦ વરસ પછી પણ કોઈ ઇતિહાસકારે એ રાજમાંતાનું સાચું નામ શું છે એ જાણવાની દરકાર સુધ્ધાં પણ નથી કરી. એથી ઉલટું કેટલાંક ભારતીય ઈતિહાસકારો આ રાજમાતાના અગ્નિસ્નાનને ભારતમાં થયેલું પ્રથમ જૌહર ગણે છે જે અતિહાસિક ઘટના છે જ નહીં તો પછી આ જૌહર શાનું ! બાય ધ વે એ સમયે આ “જૌહર” શબ્દ જ પ્રચલિત નહોતો. એ તો સાતમી આઠમી સદીમાં પ્રચલિત થયો છે. ઈતિહાસકારો તો એનાં પછીનો પણ સમયગાળો દર્શાવે છે.

ચલો એ વાત છોડો. સિકંદરની નેતૃત્વ શક્તિની પોલ ઉઘાડી પડી ગઈ હતી. જે પોતાના સૈન્યને સમજાવવામાં પણ નિષ્ફળ ગયો હોય અને જે પાછો ફરતાં પોતાનાં સૈન્યના બે ભાગમાં વહેંચી દે અને પાછાં ફરતાં નવો જ રસ્તો લે કે જે આગળ ક્યાં જાય છે એની ખબર સુદ્ધાં પણ ના હોય એ વાત માત્ર હોડીઓ સિકંદરે સૌ પ્રથમવાર બનાવી હતી અને એનો ઉપયોગ પુલ તરીકે કરવામાં આવ્યો હતો વિશ્વમાં સૌ પ્રથમ વાર એવું લોકોના મનમાં ઠસાવવા આ ગ્રીકો જાણે સતલજ – રાવીની પાછળ જાણે ખાઈખપુચીને પડી ગયાં હોય એવું મને તો લાગે છે અને એ જ તો નક્કર વાસ્તવિકતા છે. જે વાત ઈતિહાસ સ્વીકારવાની કેમ ના પાડે છે એ જ મને તો ખબર નથી પડતી ! ૨૫૦૦-૩૦૦૦ માણસો સુસ્સ્જ ૫૦૦૦ સૈનિકોનો સામનો કેવી રીતે કરી શકે એ તમે જાતે જ વિચારજો શાંતિથી ?

હોડીમાં ઘોડાઓ અને શસ્ત્ર સરંજામ લાદીને સતલજ નદી પાર કરી શકાય ખરી કે ? આ હોડીની વાત એમણે આપણા મત્સ્યાવતાર અને યુરોપની પૌરાણિક કથા નૂહમાં જે હોડીનો ઉલ્લેખ થયો છે એનું ઇતિહાસમાં આ ગ્રીકોએ માત્ર રૂપાંતરણ જ કર્યું છે કોઈ પણ જાતના આધાર વગર ! હોડીઓ અને જહાજો તો ભાઈ પ્રાગઐતિહાસિકકાળમાં પણ હતાં અને આ જે એમણે સમુદ્રી માર્ગ અને સતલજ નદીનો માર્ગ કહે છે એની શોધ તો ઈરાનીઓ -પારસીઓએ કરી છે નહીં કે ગ્રીકોએ ! તો પછી આ ગ્રીકો ચરી શેનાં પર ખાય છે? ચલો ઈતિહાસ પાછો આગળ વધારીએ ……

(૩) માલવ અને ક્ષુદ્રક ——–

માલવ અને ક્ષુદ્રક એ એકબીજાનાં વિરોધી ગણરાજ્યો હતાં. પરંતુ સમાન શત્રુએ એ બંનેને મિત્ર બનાવ્યા અને એ બંનેએ એક થઈને મિત્ર બની જઈને હાથ મિલાવી લીધાં અને એમણે એક સંઘ રચ્યો. આ સંઘના સંયુક્ત લશ્કરમાં ૯૦ હજાર પાયદળ, ૧૦ હજાર અશ્વદળ અને ૯૦૦ રથ હતાં. સિકંદરના અંતે ઘરભણી વળતા સૈન્યે ધારેળું કે હવે તેઓ શાંતિથી ઘરે પાછાં જઈ શકશે વિના કોઈ યુદ્ધ કર્યે પણ ત્યાં જ તેઓ ખોટાં પડયા ! નિશંક પણે આ માલવ અને ક્ષુદ્રકનું સૈન્ય વિશાળ હતું તેમ છતાં સિકંદરે પરાણે તેમનો સામનો કરવો પડયો. આનાથી યવની લશ્કરને સિકંદરની હૈયાધારણ ખોટી લાગવા માંડી — “સિકંદરે યુદ્ધ બંધ નથી કર્યું પણ યુદ્ધ સ્થળ બદલ્યું છે.” ફરી સેનામાં વિદ્રોહવૃત્તિ ન જાગે એ બીકમાં ને બીકમાં સિકંદરે કરુણાપૂર્વક આજીજી કરીને ના છૂટકે કહેવું પડયું કે —‘”મને ભારતમાંથી ગૌરવભેર પાછો ફરવા દો, ભાગેદુની જેમ ભાગવા વિવશ ન કરો” પછી બધાં માલવ શહેરો પ્રતિકારના કેન્દ્રો બની ગયાં હતા. તેમાં માલવોના એક કિલ્લાને ઘેરતાં સિકંદરને ગંભીર ધા વાગ્યો અને પછીથી તેનું સૈન્ય ક્રોધિત થયું અને એક પણ પુરુષ, સ્ત્રી કે બાળકને જીવતું ન મુક્યું. આખું શહેર શબોથી ભરાઈ ગયું. એટલું જ નહીં આજુબાજુના ગામના ખેતરો પણ લાશોથી ખડકાઈ ગયાં. આ રીતે માલવ અને ક્ષુદ્રકો બહાદુરીપૂર્વક લડીને મોતને ભેટ્યા.

અતિશયોક્તિ નથી લાગતી તમને. એક વાર્તા જેવી જ છે આ તો. સિકંદરની સેના આ રીતે લડી અને એ પણ એનાથી વિશાળ સેના જોડે જયારે સિકંદર પાસે ન ઘોડા હતાં કે ન રથો અધૂરામાંપુરુ એની સૈન્ય તાકાત મૂળ કરતાં પણ અડધી હતી ! દોઢ ડહાપણ જો સિકંદરે કર્યું હતું સૈન્યના બે ભાગ પાડવાનું ! તેમ છતાં અપૂરતી સુવિધાઓ છતાં સિકંદર જીતે છે આ કઈ રીતે શકય બને ? જૂથની પણ એક પરિસીમા હોય છે એ આટલી હદ સુધી તો ન જ બોલાવું જોઈએ ! સિકંદરને ધા તો પોરસ સાથેના યુદ્ધમાં વાગ્યો હતો અને એને ત્યાંથી જ ભાગવું પડયું હતું. હવે વિચારો કે એક ઘાયલ માણસ બીજાં સાથે યુદ્ધ જ કઈ રીતે કરી શકે ? મહત્વની વાત શરૂઆતમાં જે બે નામો સેનાપતિનાં હતાં તેમનાં નામોનો તો પછી ક્યાંય પણ ઉલ્લેખ થયેલો નજરે પડતો નથી. તો એ લોકો ગયા ક્યાં એ જીવતાં હતાં કે પછી મરી ગયાં હતાં ! એટલે આ યુદ્ધ થયું જ નથી અને યુદ્ધ જ નથી થયું તો માલવ અને ક્ષુદ્રકો મર્યા પણ ન જ કહેવાયને ! ખ્યાલ રહે કે માત્ર અઢી વર્ષ પછી ચંદ્રગુપ્ત મૌર્યે આ ગણરાજ્યોને જીતીને મગધમાં ભેળવી દીધાં હતાં . જ્યાં સિકંદરે અઢી વર્ષ પહેલાં કત્લેઆમ મચાવી હતી તો અઢી જ વર્ષમાં અહી ફરીથી વસ્તી ઉભી કઈ રીતે થઇ શકે ? અહીં જ સિકંદર ખોટો છે એ વાત સોએ સો ટકા સાચી પડતી જણાય છે. આટલું મોટું સૈન્ય હારે જ નહીં એ સાવ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. બાકી ગ્રીકોને લેપડાચોપડા કરતાં સારી રીતે આવડે છે એ વાત તો સાબિત થઇ ગઈ જાણે !

(૪) અવસ્તનોઈ, ક્ષત્રિ, વસાતિ, શુદ્ર ——–

ત્યારબાદ સિન્ધુના મુખ સુધી પહોંચતા સિકંદરે અવસ્તનોઈ, ક્ષત્રિ, વસાતિ, શુદ્ર મુશિક, શામ્બ વગેરે જાતિઓ ને નમાવી. આ એજ રાજ્યો છે જ્યાં યવનોનો પૂર્વવસવાટ હતો અને એની પહેલાં અહીં ઈરાનીઓએ પણ ડેરાતંબુ તાણ્યા હતાં. યવનોની આ જ તો કર્મભૂમિ હતી એટલે જ તો ચંદ્રગુપ્ત મૌર્ય પહેલાં આ પ્રદેશો જીતવાં કટિબદ્ધ થયેલો અને જીત્યાં પણ હતાં અને યવનોને પરાજિત કર્યા હતાં ! આ બધાં રાજ્યો એ મહાજનપદ વખતે નહોતાં એમ તો ના કહી શકાય પણ તે ગણરાજ્યો પર કોઈનું ધ્યાન નહોતું ગયું એટલું તો નિશ્ચિત છે. અવસ્તનોઈ તો સંપૂર્ણપણે યવનોએ જ ઉભું કર્યું હતું . એટલું જ નહિ આ યવનોએ એની આજુબાજુ પણ પોતે વસાહત સ્થાપી પોતે કબજો જમાવીને બેસી ગયાં હતાં. જે ટૂંકાગાળામાં જ ચંદ્રગુપ્તે જીત્યાં મગધની ગાદી પર બેસતાં પહેલાં. આની વાત તો ચંદ્રગુપ્ત મૌર્યમાં થશે જ થશે પણ યવનો ક્યાં ખોટાં છે એ જણાવવા માટે જ આટલું કહ્યું છે.

(૫) બ્રાહ્મણ રાજ્ય ————-

આ પ્રદેશોના એક વિભાગમાં બ્રહ્મણોનો ત્યાંની રાજનીતિમાં બહુ જ પ્રભાવ હતો. તેમણે જ મૂષિક વગેરે જાતિને વિદેશીઓ સાથે લડી લેવાં જણાવ્યું હતું. આ ઘટનાની નોંધ એરિયને જ લીધી છે. એરિયન બ્રહ્મણોને “Men Of Spirit” કહે છે. તેઓ સમગ્ર દેશમાં સન્માનનીય હતાં. તેમણે ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલ આજ્ઞાનુસાર જ કાર્ય કર્યું હતું. ધર્મશાસ્ત્રમાં આજ્ઞા છે કે — કટોકટીના સમયે દેશ અને ધર્મના રક્ષણ માટે બ્રહ્મણોએ શાસ્ત્ર ત્યજી શસ્ત્ર ધારણ કરવાં જોઈએ. ૫૦૦૦ બ્રહ્મણોએ સિકંદરનો મુકાબલો “આબરૂભેર જીવવા અને તેમ ન થાય તો આબરૂભેર મરવાં માટે કર્યો.”

એના મતે તો ૫૦૦૦ બ્રાહ્મણો આ લડાઈમાં ખપી ગયાં હતાં. પણ બ્રાહ્મણોનું સારું સારું બોલી એને સિકંદરની અને એ બહાને ગ્રીકોની જીત જ બતાવવી હતી . સિકંદરની રહી સહી આબરૂ ધૂળમાં મળી ન જાય એ માટે એને આવી કપોલકલ્પિત વાર્તાનો જ સહારો લીધો છે, એને જે પ્રદેશ કહ્યો છે એ તો સિંધુ નદી જ્યાં દરિયાને મળે છે એ બાજુનો છે ત્યાં બ્રાહ્મણો ક્યાંથી આવ્યાં અને એ જમાનામાં જ્યાં આ બાજુ આમેય વસ્તી તો ઓછી જ હતી. બ્રાહ્મણો ત્યાં ન્હોતાં રહેતાં એવું મારું જરાય કહેવું નથી પણ આ પ્રદેશ એ યવનો હસ્તક જ હતો એમ મારું કહેવું છે. આ બ્રાહ્મણોએ યુદ્ધ કર્યું એ વાત ખોટી જ છે. સિકંદર સાથે વધારે યુદ્ધ થયાં હતાં અને એને વિશ્વવિજેતા બતાવવા માટે જ આવી ઢંગધડા વગરની વાતો ફેલાવવામાં આવી છે.

એરિયન અને બીજાં ઈતિહાસકારો એ સિકંદર પછી થયાં છે, એરિયનનો સમયગાળો છે ઇસવીસન ૮૯થી ઇસવીસન ૧૬૦ એટલે કે સિકંદરના અવસાન પછી ૪૦૯ વર્ષે. એને સિકંદર વિષે ખબર ના જ હોય એ સ્વાભાવિક છે. એ ગ્રીક હતો એટલે એણે સિકંદર પર લખ્યું છે. વળી એ મુસાફર તરીકે ભારત આવ્યો હતો એવું કહેવાય છે. એ ભારતનો મહેમાન બને એટલે એણે એ સમયમાં ભારતમાં વધતાં જતાં બ્રાહ્મણ વર્ચસ્વ વિષે ના લખે તો જ નવાઈ. વળી એ ભારતની વર્ણ વ્યવસ્થા વિષે પણ વાકેફ હતો પણ સિકંદરના વિજયી અભિયાન વિષે અજ્ઞાત એટલે જ એણે કોઈ ખાસ રાજ્યનો ઉલ્લેખ ના કરતાં જે લખાયેલું હતું અને જે કહેવાયું હતું એમાં એણે માત્ર થોડું નાવીન્ય લાવવા માટે ઉમેરણ જ કર્યું છે.જેને ઇતિહાસનું અનુમોદન નથી મળતું !

(૬) પત્તલ ———

છેવટે થાકીને-હારીને સિકંદર ઇસવીસન પૂર્વે સપ્ટેમ્બર ૩૨૫માં સિંધુના ડેલ્ટા પ્રદેશ પત્તલ પહોંચ્યો અને એને જતાં પહેલાં એ પણ જીતી લીધું. એને એમ કે જતાં જતાં મેં ભારતનાં બધાં પ્રદેશો જીતી લીધાં છે અલબત્ત સિંધુખીણ અને પંજાબની પાંચ નદીઓના. આ જીતનો ખાસ કોઈ જગ્યાએ નામ સિવાય ઉલ્લેખ થયો નથી. જે સિકંદરે પર્શિયા સાથે કર્યું હતું એવું જ એણે અહી પણ કર્યું. જે પ્રદેશ એણે જીત્યો જ નથી એનાં પર બારોબાર પોતાનો કબજો જમાવી દીધો.

અંતે ઘર ભણી ————

સ્વદેશ પાછાં ફરતી સેનાને સિકંદરે પત્તલ મુકામે ત્રણ વિભાગમાં વહેંચી નાંખી. પહેલો વિભાગ નિયરક્રસના નેતૃત્વ હેઠળ દરિયાઈમાર્ગે, બીજો વિભાગ ક્રાટેરસ (Krateros)ની સરદારી નીચે બોલાનઘાટને માર્ગે અને ત્રીજો અને અંતિમ વિભાગ સિકંદરની સરદારી હેઠળ મકરાનના રણમાર્ગે સ્વદેશ એટલે કે ગ્રીસ-મેસેડોનિયા તરફ રવાના થયો. રસ્તમાં અનેક વિટંબણાઓ – વિડંબનો પાર કરી અંતે ત્રણે વિભાગો ઇસવ્સીન પૂર્વે ૩૨૩માં બેબિલોન પહોંચ્યા. એક મિનીટ ભાઈ આ વિભાગો તો સિકંદરે સૈન્યે જ્યારે આગળ વાળવાની ના પાડી હતી ત્યારે પાડયા હતાં તો પછી ફરી પાછાં અત્યારે પાડવાની એને શી જરૂર પડી? એમ કહેવાય છે કે બેબિલોનમાં સિકંદરને મેલેરિયા થઇ ગયો હતો અને એને ખુબ તાવ આવ્યો હતો એમાં એનું મૃત્યુ થઇ ગયું. જ્યારે હકીકત એ છે કે સિકંદર પોરસના હાથે ઘવાયો હતો અને એમાં એણે લાંબી મુસાફરી કરી એટલે એ ઘાવ પાકવા લાગ્યો હતો અને એમાં જ એનું મૃત્યુ થઇ ગયું. કોઈ એમ પણ કહે છે કે સિકંદરનું મૃત્યુ રસ્તામાં થઇ ગયું હતું પણ એને દફનાવવામાં આવ્યો બેબીલોનમાં ક્યાંક દરિયા કિનારે ! જયારે એની કબર તો ક્યાંય શોધી જડતી નથી પણ એવું કહેવાય છે કે બેબિલોન પાસે બીજાં જ કોક પ્રદેશમાં દરિયા કિનારે એને દફનાવવામાં આવ્યો હોય. કોક તો વળી એમ પણ કહે છે કે એની લાશ દરિયામાં વહાવી દીધી જેથી એનાં જુઠની સચ્ચાઈ લોકો સમક્ષ ના આવે ! સિકંદર જયારે મર્યો ત્યારે એની ઉમર માત્ર ૩૩ જ વરસની હતી !

મારી ટીપ્પણી (પિષ્ટપેષણ) ————

સિકંદર મર્યો ત્યારે એ ઘણાં રહસ્યો પોતાની સાથે લઇ ગયો. એ ખરેખર ભારત આવ્યો હતો ખરો ? એની પાસે ખરેખર કેટલું સૈન્ય હતું? એ ગાંધાર ક્યાં રસ્તે ગયો હતો ? કારણકે એ જે રસ્તે ગાંધાર ગયો હતો એ રસ્તે કોઈ આક્રમણકર્તા પણ ના જાય. બર્ફીલા રસ્તે કોઈ ગાંડું થયું છે કે એ રસ્તે જાય અને એ પણ આટલી ઉંચાઈએ. જ્યાં એકલદોકલ માણસને જતાં- ચડતાં ફાંફા પડી જાય છે એ રસ્તે ઓક્સિજનની પણ કમી વર્તાય છે એ રસ્તે એ લશ્કર લઈને ગાંધાર જાય છે એ વાત જ મગજમાં બેસતી નથી ! શું એનાં લશ્કરમાંથી કોઈ મર્યું જ નહીં હોય આવાં કઠીન રસ્તાઓ પર. આ રસ્તે ખાધાખોરાકી ક્યાંથી ઉપલબ્ધ થતી હશે? એ ભારતના પ્રદેશોથી વાકેફ જ નહોતો . તક્ષશિલાથી મગધ જવાનો રસ્તો તો એક જણને ખબર હતી અને એ જ વિભૂતિ આ રસ્તે મગધના વિશાળ સામ્રાજ્યમાં રાજા ધનનંદ પાસે મદદ માંગવા ગયાં હતાં. નામ છે એમનું —– ચાણક્ય ! આ રસ્તે સિકંદર ગયો નહીં અને એ સિંધુ – સતલજમાં જ રમ્યા કર્યો. ભૂલથી એ ભારતમાં આવી તો ગયો હતો પણ મહાભારતકાળમાં જે પુરુ રાજ્યનો ઉલ્લેખ થયો છે એનાં તે સમયના ખોખ્ખર ક્ષત્રિય રાજા પોરસની શક્તિથી તે વાકેફ નહોતો. પ્રતિકાર પણ થઇ શકે છે અને યુદ્ધ પણ જીતી શકાય એમ છે ભારતના એક નાનશિકડા રાજ્ય દ્વારા એનો અંદાજ સિકંદરને બિલકુલ નહોતો.

રાજા પોરસ જીત્યો હતો એ વાત જ ગ્રીકોએ છુપાવી હતી અને સિકંદરે પોરસનો જીવ બક્ષ્યો ઉદારતાથી એવી વાતો વહેતી કરી જયારે હકીકતમાં સિકંદર અત્યંત ક્રૂર શાસક હતો તે આવી ઉદારતા દાખવે એ માન્યામાં જ નથી આવતું મને તો ! પોરસના ભાલા વડે સિકંદર ઘવાયો હતો અને ત્યાંથી એને ભાગવું પડયું હતું ઉભી પૂછડીએ ! જે ભારતની સમૃદ્ધિથી અંજાઈને ભારત પર આક્રમણ કરવાં આવે અને મગધની વિશાળ સેનાની વાત સાંભળી એનાં હાજા ગગડી જાય અને પોરસ સામે હારીને પાછો ફરે એમાં કૈંક તો ખોટું છે એ જરૂર પ્રતીત થાય છે. કારણકે એ મગધ તો ગયો જ નહીં તો એની વાત એને સાંભળી કોની પાસેથી ? મગધની સેના કેટલી હતી ખબર છે તમને ! ચલો કહી જ દઉં મગધના રાજા ધનનંદ પાસે ૨ લાખ પાયદળ , ૨૦ હજાર ઘોડેસવાર , બે હજાર રથ અને ત્રણ હજાર હાથી હતા અને બાય ધ વે મગધનું સમ્રાજય એ મહા સામ્રાજ્ય હતું અને સરયુ નદી સુધી અને કાશી કલિંગ સુધી વિસ્તરેલું હતું. ગાંધાર અને કમ્બોજ એ મહાજનપદ હતા પણ ગાંધાર પર તો ઈરાનનો કબજો હતો એવાં ક્યાંક પુરાવાઓ મળ્યાં છે પણ જુઠ ફેલાવ્યું હોય તો ઇતિહાસના પિતા ગણાતા હેરિયોડોટસે ૩૬૦ ટેલેન્ટ સોનાની વાત કરીને ! આ એક સબળ કારણ હતું સિકંદરને ભારત ખેંચી લાવવા માટે !

પણ સિકંદરને ભારત અનેક નાનાં નાનાં રાજ્યોમાં વિભાજીત હતું અને તેઓ એક ન્હોતાં. તેઓમાં એકતા નહોતી એ વાત સાચી પણ જીવ પર આવી જાય ત્યારે દુશ્મનોની ખાલ ખેંચી કાઢે છે એની સિકંદરને ખબર નહોતી . બાકી દરેક રાજ્યો પાસે કેટલું સૈન્ય હતું અને તે બધાં સિકંદર સામે હાર્યા હતાં એવી વાત તો સિકંદરના અવસાન પછી ગ્રીક ઈતિહાસકારોએ જ ફેલાવી છે ! બાકી હતું તે આવી વાતને વાર્તારૂપે બૌદ્ધ ગ્રંથોએ પણ પ્રચલિત કરી. આમ્ભિને ગદ્દાર બતાવનાર બૌદ્ધ ગ્રંથો જ છે. બાકી પોરસ અને બીજાં રાજ્યો જે બૃહદ ભારતની વાયવ્ય સરહદમાં હતાં તેનાં પર સિકંદરની જીત બતાવવી એ ગ્રીક ઈતિહાસકારોની જ ફળદ્રુપ નીપજ છે. ભારત એક નથી એનો રીતસરનો ફાયદો લઇ લીધો ગ્રીકોએ !

ગ્રીકોને કોઈ પણ રીતે હિંદુકુશ પર કબજો જમાવી ત્યાંથી ભારત સહિત અનેક દેશો પર પોતાનો કબજો જમાવવો હતો અને પોતે પણ આર્યો જ છે એ સાબિત કરવું હતું આ લોકોને. ખૈબરઘાટ આ રીતે વચ્ચે આવ્યો. સાચું કહું તો એમણે હિદુકુશમાં હિંદુ શબ્દ એમને કાંટાની જેમ ખુંચતો હતો અને એનાં પર પોતાનો કબજો જમાવવો હતો. જો કે હિંદુકુશ પર્વતમાળા પોતાને નામે ચડવવા તો વિશ્વ આખું એની ફિરાકમાં જ હતું. એટલે જ એમણે હિંદુકુશ અને સિંધુનદીના નામ બદલીને ભારતને “india” અને સિંધુ નદીનું નામ “Indus” રાખ્યું જે આજે પણ અંગ્રેજીમાં એ જ પ્રચલિત છે. પણ આ બધાનું કેન્દ્રસ્થાન એ હિંદુકુશ પર્વતમાળા હતું નહીં કે સિંધુ સંસ્કૃતિ ! સિંધુ સંસ્કૃતિ એ એમનો બીજો વિકલ્પ હતો. આ બધાનું પરિણામ શું આવ્યું ખબર છે જે પણ ગ્રીક ઈતિહાસકારોએ જે કથિત વિજયો કર્યા – કહ્યાં એ બધાં ભારતના નકશામાં સિકંદરનાં સામ્રાજ્યમાં દર્શાવવામાં સફળ રહ્યાં. એમને આ જ તો જોઈતું હતું ને !

સિકંદરના આક્રમણે ભારતમાં કોઈ દુરગામી આસર તો ના પાડી પણ એ જગ્યાએથી જ ભવિષ્યમાં યવનો, પલ્લવો , શકો અને હુણો અક્રમણ કરવાનાં હતાં તે માટેનો રસ્તો ખોલી આપવામાં આ ગ્રીક ઈતિહાસકારો સફળ નીવડયા. જેનું પરિણામ બહુ જ નજીકમાં મળવાનું હતું અને સિયાલકોટ કેન્દ્ર સ્થાન બનવાનું હતું એની ભારતને ખબર નહોતી અને આજ કારણોસર મધ્યયુગની શરૂઆતમાં મુલતાન પણ આક્રમણકારીઓનું કેન્દ્રસ્થાન બનવાનું હતું એનાથી ભારત અજાણ જ હતું અને ભવિષ્યમાં ગુજરાત પણ આની ઝપેટમાં આવી જવાનું હતું એની ખબર તો એ વખતે કોઈનેય નહોતી !

ગ્રીકો ભારત સાથે વ્યાપારિક સંબંધો બાંધવામાં તો સફળ રહ્યાં પણ શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે “ગાંઘાર શૈલી” એમણે વિકસાવી એમ તો ન જ કહી શકાય. હા … ઘણે ઠેકાણે ઇન્ડો -ગ્રીક શૈલીના સ્થાપત્યો જોવાં મળે છે એમાં બેમત નથી જ ! પણ એ શૈલીમાં અને સ્થાપત્યોમાં સિકંદર નો હાથ બિલકુલ નહોતો. ગ્રીકો ખાલી ખોટી એવી અફવા ફેલાવે છે ગ્રીકોએ ગણિત અને ખગોળવિદ્યા પણ ભારતે તેમની પાસેથી શીખી હતી એવું જણાવ્યું છે જે સરસર ખોટું છે ગણિતની સંજ્ઞાઓ, આંકડાઓ અને સમીકરણોનો ઉલ્લેખ તો વેદોમાં થયેલો જ છે જે ગ્રીકો પહેલાં લખાયેલું છે.

બીજું કે કોઈ આક્રમણ કરે અને એમાં એ વિજયી થાય તો કા તો એ રાજ કરે અથવા એ પ્રદેશની સંપતિ લૂંટીને જતો રહે કે સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારે કે ધર્મપરિવર્તન કરાવે. આમ તો એ આક્રમણકારીઓ આક્રમણ કરી જતાં રહેતાં હોય છે પણ તેઓએ આ આક્રમણ ક્યાં ક્યાં અને કેવી રીતે કર્યું હતું તેની સાબિતીરૂપે અને એમની વિજયગાથાઓ -પરાક્રમકથાઓ લોકો સુધી હોંશે હોંશે પહોંચાડવા માટે ઈતિહાસકારો અને લેખકો સાથે રાખતાં હતાં. આને લીધે લોકોને એમ ખબર પડે છે કે આવું કશુંક બન્યું હતું અને તેની અસરો કેવી પડી હતી. આનો એક ફાયદો એ પણ થયો કે એ સમયનું ભારત દર્શન આપણને થયું. પણ તે પૂર્વગ્રહયુક્ત હોય છે અને તે જ સાચું છે એવું માનવાની ભૂલ આપણે કરી બેઠાં છીએ. સિકંદરની બાબતમાં પણ આવું જ કૈંક બન્યું હતું. તે તેના મિત્ર ઈતિહાસકારો સાથે આવ્યો હતો પણ વિજયની વરમાળા જે સિકંદરે પહેરી જ નથી એ પરાણે એને પહેરાવી દીધી.

સિકંદરનો ઈતિહાસ એ એનાં મૃત્યુ પછી ૨૫૦-૪૦૦ વરસ પછી લખાયો છે એ વાત હું આગળ કરી જ ચુક્યો છું એટલે એ વાત હું અહીં દોહરાવતો નથી. સિકંદરના એકે સાક્ષ્ય પ્રમાણો કયાંયથી પ્રાપ્ત થતાં જ નથી. એના અસ્તિત્વ વિષે પણ શક ઉદભવે એવું જ છે. પણ ગ્રીકોનું અસ્તિત્વ તો હતું જ ને એટલે એમણે ઇન્ડો – ગ્રીક પ્રજાને નામે ચરી ખાધું અને વેપારધંધા પણ કરી લીધાં અને વિદ્યાઓનો પ્રચાર પણ કરી લીધો. જેની નોંધ સુદ્ધાં પણ ભારતીયોએ લીધી નહીં !

એ હાર્યો પાછો જતો રહ્યો અને પાછા જતાં રસ્તામાં જ મરી ગયો આ જ સત્ય છે જે ઇતિહાસે સ્વીકારવું જ રહ્યું. બાકી જે એક પ્રદેશ જીતી બીજો પ્રદેશ જીતવા નીકળતો દર્શાવ્યો હોય અને એ બધી પ્રજાની કુરતાપૂર્વક કત્લેઆમ કરતો હોય ત્યાં વિદ્યાનો પ્રચાર કરવાનો સમય ક્યાંથી મળ્યો એને !

જે પ્રજાને ગણિત અને ખગોળવિદ્યાનું જ્ઞાન હતું એને ભારતની ભૂગોળ અને ભારતના ઇતિહાસનું જ્ઞાન નહોતું ! ભારતના શાસ્ત્રો વાંચવાથી કંઈ એ લોકો ભારતીય નથી બની જતાં કે ભારતનાં તજજ્ઞો નથી બની જતાં ! ભારતનું નીચું દેખાડવું એજ એક માત્ર નેમ હતી એમની ! એમાં તેઓ સફળ પણ રહ્યાં પણ સિકંદરની જીત બતાવવાની ગુસ્તાખી કરી બેઠાં. જે ગ્રીકો બધું જાણતા હતાં તેઓ મગધના સૈન્ય વિષે પાછળથી જાણે અને એના ડરથી આક્રમણ છોડી સ્વદેશ પાછાં ફરે એ વાત કોઈના પણ મગજમાં બંધબેસતી નથી જ ! એક તો પોતાનાં સૈન્યના આંકડાઓ આપ્યાં નથી અને ભારતનાં નાનકડાં રાજ્યોના આંકડા આપ્યાં છે એ શું દર્શાવે છે ?

આ નકશાઓ પણ અજીબ ફંડા છે હોં કે. એ વખતે આ રાજ્યની સીમા આટલી હતી એની એમણે ક્યાંથી ખબર પડી. સરહદ હોય પણ એને દર્શાવવી અલબત્ત તે જમાનામાં તો અઘરું જ હતું ! એમાં એ પ્રજાની વીરતા દબાવી દીધી. એમાં જ પોરસની વીરતા દબાઈ ગઈ !

સિકંદર ખરેખર આવ્યો હતો કે નહીં તે શંકાસ્પદ છે. જો એન પ્રમાણે ચાલીએ તો ઘણી બધી થીયરીઓ ખોટી પડે છે જેમાં રાજા પોરસની મહત્વની છે. તે સમયમાં આટલાં બધાં શહેરો ન્હોતાં જે ગ્રીકોએ નાનાં નાનાં રાજ્યોમાં ગણાવ્યાં છે તેવાં જ સ્તો ! એ શહેરો નષ્ટ કર્યા પછી નવાં શહેરો વસાવ્યા કઈ રીતે કારણકે સિકંદર તો એક રાજ્ય જીતી બીજાં રાજ્ય જીતવાં માટે પ્રયાણ કરતો હતો. તો પછી એને નવાં શહેરો વસાવવાનો સમય મળ્યો ક્યાંથી ? એ બાંધવા માટે એ કારીગરો એ શું મેસેડોનિયાથી લાવ્યો હતો કે શું ? કે ત્યાંથી બોલાવવામાં આવ્યાં હતાં પછી ? સિકંદર બૃહદ ભારતમાં માત્ર ૧૯ મહિના કે વધુમાં વધુ ૩૦ જ મહિના રોકાયો હતો અને એ સમય પણ મુસાફરી અને યુદ્ધોમાં જ વીત્યો હતો. બાંધકામ એટલે કે નિર્માણ નવરાશના સમયમાં જ થાય ! એટલે એ શક્યતા પણ નકારવી જ હિતાવહ ગણાય.

સિકંદરનું સૈન્ય પાછું ફરતાં બેકટ્રિયા , પાર્થિયા માં રોકી ગયું હતું અને ત્યાં વસવાટ શરુ કાર્યો હતો આ શક્યતા નકારી શકાય તેમ નથી પણ તેમાં મુશ્કેલી એ છે કે સિકંદરનું સૈન્ય શું એમનાં કુટુંબકબીલા સાથે આવ્યું હતું ? કારણકે કાયમી વસવાટ તો કુટુંબકબીલા સાથે જ થાય ને ! જેની શક્યતા નહીંવત છે. વસવાટ કર્યો હતો એ તો હકીકત છે પણ એ પ્રજાતિ વધી કઈ રીતે એ વિચારવા લાયક પ્રશ્ન છે ?

સિકંદરે પોરસ સામેની જીતમાં એ સ્થળે બ્યુકેફોલ નામનું શહેર વસાવ્યું હતું અને બાર વૈદીકા સ્તંભોનું સ્થાપન કર્યું હતું આવીશે સઘન તપાસ થવી અત્યંત આવશ્યક છે. તો જ સાચું શું છે એની આપણને ખબર પડે ? બધાં અવશેષો ધીમે ધીમે પ્રાપ્ત થાય છે પણ આ હોય તો એનાં અવશેષ મળે ને ! આવું બધે જ કરવાં જેવું છે તો જ સિકંદરનું જુઠ પ્રજા સમક્ષ આવશે નહીં તો નહીં !

ગ્રીકોએ સિયાલકોટ સ્થાપી- વિકસાવીને કાયમી કાર્યક્ષેત્ર બનાવી ભારત માટે મુશ્કેલી જરૂર ઉભી કરી હતી . સિકંદર અને ગ્રીકો કેટલાં ખંધા હતાં તેનું એક ઉદાહરણ આપું સિકંદર એટલે ગ્રીકોએ ભારતમાં ચલણ માટે સોનાં-ચાંદીના સિક્કા બહાર પાડયા હતાં. ડો. સ્મિથ નોંધે છે કે “સૌભુતિ”નામના નગરે ગ્રીક અસરના પરિણામે કેટલાંક સિક્કાઓ બનવ્યા, જે ગ્રીક સિક્કાઓના નમૂના પર તૈયાર કરવામાં આવ્યા હતાં. પંજાબમાં તક્ષશિલાનાં ઉપરના પ્રદેશમાં સિકંદરના વિજયના સ્મારકરૂપમાં સિક્કાઓ ચાલતા. એક સિક્કો એવો પણ મળી આવ્યો છે કે, જેની એક બાજુ સિકંદરની આકૃતિ અને બીજી બાજુ ભાગતા હાથી પર રાજા પોરસ (પુરુ) નો પીછો કરતા ઘોડેસવાર (સિકંદર)ની આકૃતિ અંકિત થયેલી નજરે પડે છે. ગ્રીકો ભારત સાથે વેપાર કરતા એને માટે ગ્રીકોએ “ઘુવડ શૈલીના સિક્કાઓ” પણ ભારતમાં ચલણરૂપે લાવ્યાં ! ચાંદીના “દ્ર્મ્મ”જેવાં સિક્કાઓનું અનુકરણ કરવામાં આવ્યું જેમાં ભારતીય સિક્કો “દિનાર” મહત્વનો ગણાય છે. આવું કરીને કહીને ગ્રીકોએ એ પ્રસ્થાપિત કરી દીધું કે ભારતના જે સિક્કાઓ સુડોળ અને કલાત્મક બન્યાં છે તે એમની જ દેન છે !

ભારત પર થનાર ભાવી આક્રમણો માટે સિકંદરને કઈ રીતે આદ્યપ્રણેતા ગણી શકાય ? જેણે ખુદે જ કોઈ આક્રમણ કર્યું નથી એ બેકટ્રિયા અને પાર્થિયાનાં ગ્રીકોના વસવાટ અને એમનાં ભાવી આક્રમણો માટે બિલકુલ જવાબદાર નથી. પહેલાં આ ઈરાનીઓનો પ્રદેશ હતો તેમના જ સમયમાં ત્યાં યવનો સ્થાયી હતાં તો પછી એનો યશ સિકંદર કેવી રીતે લઇ શકે ? સિકંદર પછી બીજાં ગ્રીકો પણ ત્યાં વીને વસ્યાં હતાં તે વખતે તો સિકંદર હતો પણ નહીં આને માટે ગ્રીક પ્રજા જ જવાબદાર ગણાય નહીં કે સિકંદરનું કથિત આક્રમણ !

સિકંદર રસ્તો ભૂલેલો આક્રમણકારી હતો તેની બુદ્ધિ અને આવડત ઘાસ ચરવા ગઈ હતી. એક તો એણે ઊંધું અને લાંબો રસ્તો પસંદ કર્યો જેણે વિષે એને કોઈ જ ગતાગમ હતી નહીં. રણ માં પસાર થવું અને દરિયાઈ માર્ગે મુસાફરી કરવી એક બાબત છે પણ ઉત્તુંગ બર્ફીલા હિમાલયમાં માઈનસ ડીગ્રીમાં કુછ કરવી અત્યંત કપરું છે. આ વાતની ખબર સિકંદરને નહોતી. એનું નેતૃત્વ ખામીયુક્ત , હતું જે લશ્કરમાં શિસ્ત લાવવાને બદલે બળવા કરવાંમાટે કારણભૂત બન્યું. એણે કોઇપણ જાતની ખુવારી વગર ૭૦૦૦૦ માણસોની કત્લ કરી હતી એવું જે ગ્રીક અને ભારતીય ઈતિહાસકારો છાતી ઠોકીને કહે છે એનો આધાર શું ? વળી, જે માર્ગો ઈરાનીઓએ શોધ્યાં હતાં વાત ત્રણ સ્થળ માર્ગો કાબુલ, મુલ્લાઘાટીઅને ગેદ્રોસિયા (બલુચિસ્તાન) અને મકરાનનો રણપ્રદેશ અને જળમાર્ગ એનો યશ ગ્રીકો ખાટી ગયાં. વાણિજ્ય વ્યાપારમાં વૃદ્ધિ થઈ એ માની શકાય તેવી બાબત છે. એ તો ઉત્તરોતર વધતી જ જાય !

વાત શિલ્પ-સ્થાપત્યની કરીએ તો ગ્રીક બેકટ્રિયા કારીગરો કનિષ્કે બોલાવ્યાં હતાં તેને સિકંદરના સમય સાથે સંકળાય નહીં. આ ગ્રીક વસાહત અંગે પ્રો. નગેન્દ્રનાથ ઘોષ એક મસ્ત મત રજુ કરે છે — ” સિકંદરના વિશ્વવ્યાપી અભિયાનનો એક હેતુ જીતેલા દેશોમાં ગ્રીક સંસ્કૃતિ અને સભ્યતાનો ફેલાવો કરવાનો હતો. આ હેતુથી તેણે એશિયામાં અનેઅનેક ગ્રીક વસાહતો સ્થાપી. આવી એક વસાહત તેણે બેકટ્રિયામાં પણ સ્થાપી.”

કૈંક વજૂદ વાળો મત છે પણ સંપૂર્ણ સત્ય તો નથી જ. આ વસાહત પહેલેથી જ ત્યાં ઉભી થયેલી – સ્થાયી વસવાટ કરતી જ હતી. તેમાં થોડાં સૈનિકો એટલે કે ગ્રીકોનો ઉમેરો થયો હતો . પછીથી તેની આગળ પાછળ પણ અનેક ગ્રીક વસાહતો સ્થપાઈ હતી . પણ તેમાં સિકંદરને વચમાં લાવવાની કોઈ જરૂર નથી . ગ્રીકો વેપારને નામે અહીં સ્થિર થયાં હતાં અને ત્યાં યવનોએ રાજકીય સત્ત્તાનો દોર પણ પોતાનાં હાથમાં લીધો હતો . લીધો ના હોય તોય તેઓ લડાકુ જંગલી પ્રજા હતી એટલે તેમને ભારતની સમૃદ્ધિ જોઇને અંજાઈ ગયાં અને તે પ્રાપ્ત કરવાની લાલસામાં ને લાલસામાં વારંવાર આક્રમણો કરતાં રહ્યાં.. ભારત માટે આ ખતરાની ઘંટી હતી. એમાંથી ભારત કેવી રીતે બહાર આવે છે એ તો આવનારો ઈતિહાસ જ બતાવવાનો છે.

સિકંદર ખરેખર કોઈ વખાણને લાયક નહોતો. તે ક્રૂર અને ઘાતકી હતો. તેણે અને તેનાં સૈન્યે ભારતમાં ૭૦ હજાર માણસોની કત્લેઆમ કરી હતી એ વાત હું નથી જ સ્વીકારતો. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું જ નથી એનાં કોઈ જ પુરાવાઓ નથી તે તેનાં એટલાં બધાં વખાણ થઇ શકે ? એ એને લાયક જ નહોતો. જો લાયક જ ના હોય તો એને વિશ્વવિજેતા પણ કઈ રીતે કહી શકાય ? ચંગીઝ ખાન, તૈમુર લંગ અને નાદિર શાહ કે નેપોલિયને જેટલાં પ્રદેશો જીત્યાં હતાં એનાં ૯ ટકા પણ સિકંદરે પ્રદેશો જીત્ય ન્હોતાં. એને ખાલી ખોટો ચડાવી માર્યો છે બાકી એ સનમનને પાત્ર વ્યક્તિ જ નહોતો એટલે કે તે મહાન નહોતો,નહોતો અને નહોતો જ !

ગ્રીક ઈતિહાસકારોએ તો પોતાની સંસ્કૃતિનાં ફેલાવા માટે આવું લખ્યું પણ ચોથી સદીથી તે આજની ૨૧ મી સદી કોઈએ પણ આ સત્ય જાણવાનો પ્રયત્ન સુદ્ધાં પણ કર્યો નથી. ૧૯મિ ૨૦ સદીના આપણા ઈતિહાસકારો ઇતિહાસને શટલકોકની જેમ આમતેમ ફંગોળ્યા કરે છે ગ્રીકોએ લખ્યું એટલે એમણે પણ લખ્યું અને કોકે કૈંક પોતાની મહત્તા બતાવવા એનાથી વિપરીત પણ લખ્યું કે સિકંદર યુદ્ધ જીત્યો નહોતો. પણ તેઓ તે પુરવાર નથી કરી શક્યા કે તે સમયે ખરેખર શું બન્યું હતું તે ! આ ૨૫૦૦ વરસમાં કોઈને પણ સત્ય જાણવાની તાલાવેલી ના થઇ ? દુખ મને આનું છે. જો થઇ હોત તો સત્ય સુધી પહોંચી શકાત. આ પ્રયત્ન હજી પણ કરવાં જેવો જ છે તો જ સાચો ઈતિહાસ પ્રજા સમક્ષ મૂકી શકાશે.

સિકંદરે આક્રમણ કર્યું કે ના કર્યું એ વાત બાજુએ મુકીએ પણ એનાં આક્રમણની અને એનાં મૃત્યુની ચોક્કસ તારીખ અને સાલવારી મળે છે એટલે ભારતને પણ એનો ઈતિહાસ લખવાની અને એની શરૂઆત કરવાની એક ચોક્કસ દિશા સાંપડી એટલું તો સારું જ થયું કહેવાય. આને પરિણામે જ ભારતનો સાચો ઈતિહાસ શરુ થવાનો હતો અને ભારત એક થઇ “ભારત”નાં નામે ઓળખવાનું હતું આ કંઈ નાની સુની સિદ્ધિ ના જ કહેવાય ! આટલો ઉપકાર તો આપણે અવશ્ય માનવો પડે આ ગ્રીકોનો !

સંસદીય સમિતિને નમ્ર વિનંતી કે જે આક્રમણો થયાં જ નથી એની માઠી અસર અને એના ખરાબ પરિણામો એ અભ્યાસક્રમમાંથી કાઢી નાંખે . કારણકે આ આખો ઈતિહાસ જ જુઠનાં પાયા પર ઉંચી ઈમારત બનીને ઉભો છે. આવું ખોટું ન ભણાવાય જ ! સિકંદરના આક્રમણ વિષે પુરેપુરી સત્યતા જાણ્યા વગર એને અભ્યાસક્રમમાં ન મુકવા વિનંતી . બાકી શું સાચું છે એ તારવવા મેં મારો આ નાકડો પ્રયાસ જ કર્યો છે ! ગમે તો સ્વીકારજો અને એને અમલમાં મુકજો ! બાકી ફરીથી કહું છું કે આક્રમણ સિકંદરે કર્યું જ નહોતું અને સિકંદર મહાન નહોતો, નહોતો અને નહોતો જ !

(સંપૂર્ણ)

***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****

——— જનમેજય અધ્વર્યુ.

અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!