⚔ ભારત પર થયેલું યુનાની આક્રમણ ⚔ સિકંદરનું કથિત આક્રમણ ભાગ – 3

ஜ۩۞۩ஜ સિકંદરનું કથિત આક્રમણ ۞۩ஜ
ஜ۩۞۩ஜ સિકંદર મહાન નહોતો ! ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૭થી ઇસવીસન પૂર્વે ૩૨૫ )

ભારતની પ્રાચીન પરંપરા, સંસ્કૃતિ અને ઈતિહાસ, ધર્મ અને સાહિત્ય, પ્રજાની એકરાગિતા અને સર્વધર્મ ભાવના, ભારતની પ્રાચીનતા અને પવિત્રતા, હિમાલય અને ગંગા એમાય ભારતનું જ્ઞાન અને સમૃદ્ધિ પહેલેથી જ ગ્રકો, મિસ્રવાસીઓ અને રોમનોને ખટકતી હતી. પ્રાચીનતમ વારસાને ઈજીપ્ત પિરામિડને નામે અને રોમનો રોમના કોલોઝીય્મને સાચવીને પોતાની જાતનું અને સંસ્કૃતિનું જતન કરીને બેસી ન રહ્યાં. પણ આ રોમનું આ કોલોઝીય્મ તો ઇસવીસનની પ્રથમ સદીમાં બંધાયું હતુ અને રોમનોમાં પણ વિશ્વવિજેતા બનવાની ખેવના પણ તે પછી જ જાગી હતી. જુલિયસ સિઝર એ ઇસવીસન પૂર્વે પ્રથમ સદીમાં થયો હતો. રોમનોને પણ જગતમાં પોતાની સંસ્કૃતિનો ડંકો વગાડવો હતો. આમા વધારે મહત્વાકાંક્ષી નીવડયા ગ્રીકો. ગ્રીકોના પ્રાચીન સમારકો તો લગભગ સિંકદરના સમયમાં જ નષ્ટ થઇ ગયાં હતાં. થોડાંક પાછળથી નષ્ટ થઇ ગયાં એવો ગ્રીકોનો દાવો છે ખરો જો કે !

ગ્રીકો એટલાં ઉસ્તાદ હતાં તે પ્રાચીન સ્મારકો નષ્ટ થઇ ગયાં એમાં પણ સિકંદરના સમયને જોડી દીધો. એક પ્રાચીન મંદિર Artemis at Ephesus એ નષ્ટ થયું એની તારીખ પણ એ લોકોએ નક્કી કરી દીધી ૨૧ જુલાઈ ઇસવીસન પૂર્વે ૩૫૬ અને આ તારીખ એમણે એટલાં માટે નક્કી કરી કે આ જ દિવસે સિકંદરનો જન્મ થયો હતો. Artemis at Ephesus એ દુનિયાની પ્રાચીન સાત અજાયબીઓમાંની એક હતી. આવું જ બેબીલોનના હેંગિંગ ગાર્ડન, રહોડસના પુતળા, ઝિયસનું દેવળ અને એલેકઝાંડ્રીયાની દીવાદાંડી માટે પણ બન્યું હતું. આ બધામાં ગ્રીકોએ એક સર્વસામાન્ય વાત જોડી દીધી એ સિકંદરના નામ સાથે એનાં પણ ઊંચા સ્મારકો હતાં તેની જ સ્તો. તાત્પર્ય એ કે આ દરેક સાથે સિકંદરનું પણ નામ જોડી દેવામાં આવ્યું છે. આ સ્મારકો હતાં કે નહીં એ પ્રશ્ન નથી કારણકે અમુક સ્મારકો અસ્તિત્વ તે સમયમાં ધરાવતાં હતાં તેનાં પુરાતત્વીય પુરાવાઓ પ્રાપ્ત થયાં છે પણ એની સાથે સિકંદરને જ જોડવાની ચાલ એ એક સોચી સમજી સાજીશ જ છે.

ગ્રીક તત્ત્વજ્ઞાન અને સાહિત્ય અને એમનાં ધાર્મિક દેવી -દેવતાઓ એ ઘણાં જ જૂનાં છે. પરંતુ આપણું વૈદિક સાહિત્ય એ દુનિયાનું સર્વપ્રથમ સાહિત્ય છે અને વૈદિક ધર્મ પણ એટલો જ જુનો છે એ વાત ગ્રીકોને સદાય ખટકતી જ રહેતી હતી. હિંદુ જેવો વૈદિક ધર્મ તેમનો પણ વિશ્વવ્યાપી બને એવું એ કૈંક કરવાં માંગતા હતાં. એ માટે એમણે સૌ પ્રથમ મહાકાવ્યને હાથો બનાવ્યાં. સિકંદર હોમરનું “ઇલિયડ’ મહાકાવ્ય વાંચતો હતો અને એને પોતાનાં ઓશિકા નીચે રાખતો હતો. હોમર ઇસવીસનની આઠમી સદીમાં થયો છે અને આઠમી સદીના અંતમાં મૃત્યુ પામ્યો છે. ગ્રીકોએ આનાં પર પણ પોતાનાં રોટલાં શેકી લીધાં. આ મહાકાવ્ય પુરાણું છે અને મહાભારત અને રામાયણ એ એઇસ્વિસ્ન પૂર્વે ૫૦૦-૪૦૦ વર્ષ પૂર્વે જ રચાયાં હતાં એવું પ્રતિપાદિત કરી દીધું. આમા બીજાં યુરોપીય સાહિત્યકારોનો પણ એમણે સાથ અને સહકાર સાંપડયો ! આ આખી એક વૈશ્વિક ઝુંબેશનો જ ભાગ હતો જે ભારતીય પ્રાચીન પરંપરાને નીચી દેખાડવા માંગતા હતાં !

ઋગ્વેદમાં તો એમ કહેલું જ છે કે સમગ્ર પૃથ્વીની રચના એ હિંદુ દેવોએ કરી જ્યારે સમગ્ર પૃથ્વી પર કોઈ માનવ અસ્તિત્વ જ નહોતું અને જયારે સત, અસ્ત અને અંતરીક્ષ પણ ન્હોતાં. આ વાત સમગ્ર સંસકૃતિઓમાં આપણી પૌરાણિકતા સિદ્ધ કરવાં માટે પુરતી છે. આ વાત ભુરિયાઓને પસંદ ના જ આવી. એમની સંસ્કૃતિની પ્રાચીનતાનું જ એમણે ગીતું ગાયા કર્યું. એમને એમની સંસ્કૃતિનું ગૌરવ થાય એમાં જરાય ખોટું નથી પણ એમાં ખોટું એ થયું કે એમણે આપણી સંસ્કૃતિ પર અનેકો સવાલ ઊભાં કર્યા અને એને પોતાની કરવાં માટે અનેક પેંતરાઓ અજમાવ્યા. જેમાં તેઓ કારગત પણ નીવડયા કારણકે એમનાં અતિશયમાત્રામાં લખાયેલાં ગ્રંથોમાં એજ પુરવાર કરવામાં આવ્યું કે ભારતીય સંસ્કૃતિ કરતાં અમારી સંસ્કૃતિ વધારે પ્રાચીન છે. એ લોકોની એક જ નેમ હતી ભારતીય સંસ્કૃતિને પોતાનામાં ભેળવી દેવાની. એમનેએમ કે અમારી સંસ્કૃતિ જ જૂની છે બાકી ભારતીય સંસ્કૃતિ એ પોતાની નથી એ આમારો જ એક ભાગ છે. ઋગવેદથી જે વૈદિક પરંપરા શરુ થઇ હતી એનો એમણે પુરતો અભ્યાસ પણ કર્યો હતો. આ અભ્યાસ એમણે એટલાં માટે કાર્યો હતો કે કઈ રીતે એને પોતાની બનાવી શકાય. એમાં જે કેટલાંક રાજવંશો આવતાં હતાં જે હજી ચાલુ હતાં એને ખતમ કરવાં જ આ આક્રમણનો સહારો લીધો ગ્રીકોએ. જો કે શરૂઆત તો પારસી એટલે ઈરાનીઓએ કરી હતી પણ તે લોકો ખાલી ભારતની સરહદે આવીને આટકી ગયાં. કોઈ યુધ્ધો તો થયાં જ નહોતાં આ વાતની પણ ગ્રીકોને ખબર જ હતી એટલે જ સહેલાઈથી ઈરાનીઓની ભલમનસાઈ અને ધાર્મિકવૃત્તિને કારણે વ્યાપેલી ઉદારતાનો ગેરલાભ લઇ ગ્રીકોએ એ પ્રદેશો પોતાને નામે ચડાવી દીધાં.

ગ્રીકોને તો ભારતના રાજ્યો – પ્રદેશો -ક્ષેત્રો – વિસ્તારો જીતવાં હતાં પણ એ ત્યાં જઈને જોયાં વગર તો ખબર ના જ પડે ને ! એટલે તેમને સિકંદરનાં ઓથા હેઠળ આ ભારતના રાજ્યો સાથે બનાવતી યુદ્ધની વાતો વહેતી મૂકી! બાકી સાચોસાચ યુદ્ધ થયાં હતાં કે નહીં એની તો કોઈનેય ખબર નથી! ગ્રીકોને ફાવતું ત્યાં આવી ગયું જ્યારે એમણે જોયું કે બેકટ્રિયા અને પાર્થીયા તેમ જ પંજાબ અને સિંધ જે અત્યારે પાકિસ્તનમાં છે ત્યાં ગ્રીકોએ રીતસરનો વસવાટ શરુ થયેલો હતો. આ રાજા ડેરિયસ પ્રથમના યવન સેનાપતિ અને તેનાં યવન સૈનિકોને લીધે શક્ય બન્યું હતું, હવે ગ્રીકોએ નવી ચાલ અજમાવી એક એ કે ભારતની સરહદે કે ભારતમાં ગ્રીકો ક્યાં ક્યાં વસે છે ! એમનું મુખ્ય લક્ષ્ય તો ગાંધાર જીતીને ભારતની અંદર ઘૂસીને ભારતના પ્રદેશો જીતવાની ખેવના હતી. સિકંદર એટલે સુધી આવી પણ ગયો હતો. એક વાત છે કે અત્યારે જેને આપણે આંતરાષ્ટ્રીય સરહદ કહીએ છીએ તેવી સરહદ તો તે જમાનામાં નહોતી. ભારત બૃહદ હતું તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી ફેલાયેલું હતું અને આ જ તો ભારતનો વાયવ્ય સરહદનો ભાગ છે. કાબુલ્ઘઘાટીમાં થઈને ભારતમાં ઘૂસવું હતું સિકંદર એટલે કે ગ્રીકોએ ! આ માટે તેમને ઋગ્વેદકાલીન અને મહાભારત- રામાયણકાલીન ભારતના નકશાનો ઉપયોગ કર્યો. આમ તો તે જમાનામાં નકશાઓ જેવું હતું નહીં પણ તેમાં તેમણે કલ્પનાનો સહારો લીધો. આમાંથી તેમને ભારતની વાયવ્ય સરહદનાં રાજ્યો જુદાં તારવ્યાં. જેનાં નામ પણ તેમણે ગ્રીકભાષાનાં રાખ્યાં. તેમને ભારતીય નામ ખબર ન હોવાથી તેમને તે પ્રદેશો અને ત્યાંના રાજાઓના નામ ગ્રીક રાખ્યાં કહો કે લખ્યાં. આવું કરવાં પાછળનો તેમનો હેતુ અતિસ્પષ્ટ હતો ભારતનું ગ્રીકીકરણ જેથી આક્રમણ કરવામાં સુગમતા રહે અને પોતે જીત્યાં છે એવું પરાણે કહેવાય એટલાં માટે તેમણે આક્રમણને યોગ્ય ઠેરવવા માટે અને યુદ્ધો થયાં છે એવું બતાવવા એમણે મનઘ્દાંત વાર્તાઓ પણ બનાવી કાઢી.

હકીકતમાં તો એમને ગાંધાર, અભિસાર, ક્મ્બોજ, પુરુ અને કૈકેય રાજ્યની જ ખબર હતી. સિકંદરને વધુ પ્રદેશો જીતતો બતાવવાં માટે એમણે બીજાં રાજ્યોના નામ એમાં ઉમેરી દીધાં અને આ બધાં પણ સિકંદરે યુધમાં જીત્યાં છે એ પ્રસ્થાપિત કરી દીધું. બીજાં કરતાં કૈંક નવું બતાવવા માટે એમણે અહી રીતસરના યુદ્ધનો સહારો લીધો. ગ્રીકોએ આમાં શું શું ભાંગરો વાટ્યો છે તે વિષે તો સવિસ્તર જાણકારી પ્રાપ્ત કરવી જ જોઈએ તો જ સાબિત કરી શકાય કે સિકંદરે આક્રમણ કર્યું હતું કે નહોતું કર્યું ! સિકંદર જીત્યો હતો કે નહોતો જીત્યો !

સૌ પ્રથમ તો અત્યાર સુધી ઇતિહાસમાં આ વિષે શું લખાયું છે એ જોઇને પછી જ એનું મૂલ્યાંકન થઇ શકે એ પહેલાં તો નહીં જ !

સિકંદરનું કથિત વિજય અભિયાન ———-

સિકંદરનું ભારત પર કથિત વિજય અભિયાન લગભગ ઇસવીસન પૂર્વે ૩૨૭માં પ્રારંભ થયું. હિંદુકુશ પર્વતમાળામાંથી પસાર થઈને સિકંદર કાબુલનાં પરામાં એટલે કે નીકાઈયા કે નીકાઈ નગર (જલાલાબાદ પાસે) ત્યાં સુધી પહોંચી ગયો. સેનાની એક ટુકડી હફિસ્તિયન અને પર્દિકસ જે સિકંદરના બે વિશ્વાસુ સેનાપતિઓ હતાં તેનાં નેતૃત્વમાં પેશાવરની તરફ આગળ વધ્યાકુચ ક્રરી. તો સિકંદરની સાથે બીજી ટુકડી તક્ષશિલા તરફ આગળ વધી.

અશ્વકોને પરાસ્ત કરીને મસ્સગથી સિકંદર નીસા પહોંચ્યો. યુનાની દેવતા ડાયનોસિસના વંશજ માનવાવાળાં નીસાના નિવાસીઓએ સિકંદરના આક્રમણનો વિરોધ કર્યો નહીં. લગભગ ઇસવીસન પૂર્વે સિકંદર સિંધુ નદી પાર કરી કરીને તક્ષશિલા તરફ આગળ વધ્યો. એનાં આવતાની સાથે તક્ષશિલા અને ઉર્સાનાં શાસકોએ એની સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. અપ્ટકોને પરાજીત કરીને સિકંદર પુરુ રાજ્યના પોરસને પરાસ્ત કરવાં માટે અગ્રેસર થયો. આ દરમિયાન સિકંદરની બંને ટુકડીઓ એક સાથે ભેગી થઇ ગઈ હતી.

જો કે બધે જ ગપ્પા મારનાર ગ્રીક ઈતિહાસકારો અને સાહિત્યકારો એક વાત તો નોંધે છે કે રાજા પોરસ એ સમયનો સર્વાધિક શક્તિશાળી, સ્વાભિમાની, રાષ્ટ્રપ્રેમી અને વીર યોદ્ધો હતો. પોરુષ કે પોરસ ઝેલમનદીના તટ પર સિકંદરનો એકલો જ રાતો રોકીને વચ્ચે લડવા રસ્તો રોકીને ઉભો રહી ગયો. આ બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું જો કે ગ્રીક ઈતિહાસકારો તો એમાં સિકંદરને વિજીત થયેલો ગણે છે જ્યારે ઘણા ઈતિહાસકારો પોરસને વિજીત થયેલો ગણે છે અને એ જ સાચું છે . આ માટે તમારે Shareinindia.inમાં રાજા પોરસ ઉપરનો લેખ વાંચવો જ રહ્યો ! એમાં મેં લખ્યું છે કે હકીકતમાં શું થયું હતું અને સિકંદર હાર્યો હતો એ ! એ વિષે વધારે ચર્ચા હું એટલાં જ માટે કરતો નથી.

ગ્રીક ઈતિહાસકારો તો એવું નોંધે છે કે પોરસ હાર્યો હતો તેમ છતાં પોરસનાં સારા વ્યવહારથી પ્રસન્ન થઈને પોરસને એનું રાજ્ય પાછું આપી દીધું અને એની સાથે મિત્રતા કરી લીધી. પોરસ સાથે જે યુદ્ધ થયું હતું તે સ્થળે નિકાઈયા અને બુકેફલ એમ બે નગરોની સ્થાપના કરી.બૂકેફલમાં સિકંદરના પ્રિય ઘોડા બ્યુસેફેલસનું મૃત્યુ થઇ ગયું.

તેમ છતાં સિકંદર સિંધુ પ્રદેશમાં આગળ વધ્યો. જ્યાં પણ એણે ઘણાં વિદ્રોહોનો સામનો કરવો પડયો ત્યાં નાનાં પોરસને પરાસ્ત કરીને એનાં ર્જાયને મોટા પોરસને આપી દીધું. ત્યાંથી ગ્લૌગનિકાઈ પ્રદેશ તરફ આગળ વધ્યો. એનાં ૩૭ નગરોને જીતીને એને પણ જયેષ્ઠ પોરસને સોંપી દીધાં. એક હકીકત જણાવું તમને કે આટલાં નાનાં રાજ્યમાં આં ૩૭ શહેરો આવ્યાં ક્યાંથી ? આ થોડું વધારે પડતું નથી લાગતું ! બીજું કે પોરસ સાથે સંધી તો ચંદ્રગુપ્તને થઇ હતી નહીં કે સિકંદર સાથે અને ત્રીજું માત્ર ૩-૪ જ વર્ષ પછી ચંદ્રગુપ્ત મૌર્યે આ પ્રદેશ જીત્યો હતો !

કઠોને જીતીને સિકંદર ફેગલ અને સૌભુતિ શાસકોને પરાસ્ત કરીને બિયાસ નદી સુધી પહોંચી ગયો. ત્યાંથી આગળ જવાનો એની સેનાએ ઇન્કાર કરી દીધો અને સેનામાં બળવો ફાટી નીકળ્યો. એટલે સિકંદરને તો આગળ મગધ સુધી જવું હતું અને ત્યાંથી પૂર્વના દેશો જીતવા જવું હતું પણ તેમ ના થઇ શક્યું. આખરે સિકંદરે અધવચ્ચેથી જ પીછેહઠ કરી. તેને પરાણે સૈન્ય આગળ નમતું જોખવું પડયું ! પણ એમ કહેવાય છે કે બિયાસ નદીના તટ પર સિકંદરે ૧૨ વૈદિક સ્તંભોનું નિર્માણ યુનાની દેવતાઓનાં નામ પર કર્યું ! હા એ અલગ વાત છે કે આ માત્ર લખાયું જ છે ક્યાંય પણ એનાં સાક્ષ્ય પ્રમાણ મળતાં જ નથી !સિકંદરે આ નિર્માણ ભારત વિજય તેણે કરેલો છે એની સાબિતીરૂપે કર્યું હતું ! સિકંદરે પોતે જીતેલા પ્રદેશો પોતાનાં મિત્રોમાં વર્ગીકૃત કરી દીધાં —–

(૧) ઝેલમ અને બિયાસ નદીનો મધ્ય ભાગ — જયેષ્ઠ પોરસને
(૨) સિંધુ અને ઝેલમનો મધ્ય ભાગ — આંભિને
(૩) કાશ્મીર અને ઉર્સા ક્ષેત્ર — અભિસારના રાજાને

ઇસવીસન પૂર્વે નવેમ્બર ૩૨૬માં સિકંદરે ઝેલમ નદીના માર્ગથી પુન: પોતાની વાપસીની યાત્રા આરંભ કરી. ઝેલમ અને ચિનાબના સંગમના સ્થળમાર્ગ દ્વારા સિકંદરે યાત્રા કરી. વાપસી યાત્રામાં શુદ્રકો, શિવિઓ, માલવો, મુપિકો,અમ્વપટો અને અન્ય ભારતીય સૈનિકો સાથે એનો કષ્ટકારી સામનો થયો. સિકંદર આ બધાને પરાસ્ત કરીને પટલ નાગર પહોંચ્યો. એક સેનાની ટુકડી નિર્યાકસનાં નેતૃત્વમાં સમુદ્રીમાર્ગે યુનાન મોકલી અને બીજી એક ટુકડી ક્રેટેરસના નેતૃત્વમાં સ્થળમાર્ગે બોલનદર્રામાંથી પસાર થઈને બેબીલોન સુધી પહોંચી.

એમ કહેવાય છે કે સિકંદર બેબીલોનમાં અસ્વસ્થ થઇ ગયો અને ત્યાં ઇસવીસન પૂર્વે ૩૨૩માં એનું મેલેરિયામાં મૃત્યુ થઇ ગયું.

આટલું ઇતિહાસમાં આપણને ભણવવામાં આવ્યું છે અને આવું જ ક્યાંક અને આવી જ રીતે ઇતિહાસમાં નોંધાયેલું પણ છે. સમય વીતતો ગયો એમ ઇતિહાસમાં આ વિષે વિગતે વિસ્તૃત લખાણ પણ જોવાં મળે છે એ પણ આપણે જાણી લેવું જ જોઈએ.એની વિગતવાર છણાવટ આપને પછી કરીશું પણ શું શું લખાયું છે ભારત પરના આક્રમણ પર એ તો જોઈ જ લેવું જોઈએ ને વળી !

સિકંદરનું કથિત વિજય અભિયાન(વિગતવાર)———-

સાચું કહું તો આનો વિગતવાર અભ્યાસ કોઈએ કર્યો જ નથી. આ બધું ક્યાંકથી વાંચેલું અને કોલેજોમાં ભણાવવામાં આવતો ઈતિહાસ જે પ્રોફેસરોને મન એક માત્ર અભ્યાસક્રમ છે જેમાં સચ્ચાઈનો રણકાર ઓછો છે. હા…. થોડીક જગ્યાએ સ્પષ્ટ અભિપ્રાય જરૂર જોવાં મળે છે પણ તેની ઐતિહાસિકતા તપાસી તેની સચ્ચાઈ જાણવાનો કોઈએ પ્રયત્ન સુદ્ધાં પણ નથી કર્યો. એ બાબત પર જ આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. પહેલાં એ વિગતો જાણી તો લઈએ પછી એનું પિષ્ટપેષણ કરીશું અને એ જ પિષ્ટપેષણ એ જ તો સાચો ઈતિહાસ છે. ઇતિહાસમાં તો માહિતી તો એની એ જ હોય છે પણ અર્થઘટન એનું નવેસરથી થઇ શકે જ છે જેમાંથી જ સચ્ચાઈ આખરે બહાર આવતી હોય છે. એ દ્રષ્ટિએ પણ પહેલાં તો એ માહિતી જોઈ લેવી અતિઆવશ્યક જ છે.

સિકંદરના ભારત પરનાં કથિત આક્રમણો ——–

સિકંદરનું ઘોડાપુરની જેમ ધસમસતું આવતું વિજયી સૈન્ય ઇસવીસન પૂર્વે ૩૨૭માં હિંદુકુશ સુધી પહોંચી ગયું હતું. ત્યાર પછી ૧૦ જ દિવસમાં સિકંદરની સેના હિંદુકુશ પાર કરી કાબુલખીણમાં આવી પહોંચ્યું. અહીં તેને પોતાના સૈન્યને બે ભાગમાં વહેંચ્યું. એક ભાગની સરદારી હેફાઈષ્ટિઅન અને પર્ડીક્કાસ નામના સેનાપતિઓઓને સોંપી અને બીજાં ભાગનું નેતૃત્વ ખુદ પોતે સાંભળ્યુ.

સિકંદરની વિજયકૂચ (?) ———-

સરહદી પ્રદેશોની પહાડી જાતિઓને નમાવી ——-

સિકંદરની સેનાની પ્રથમ ટુકડીએ તક્ષશિલાના રાજા આમ્ભિકુમારના માર્ગદર્શન હેઠળ ખૈબરઘાટના માર્ગે ભારતમાં પ્રવેશ કાર્યો. પરંતુ રસ્તામાં “અષ્ટક”નામની જાતિએ રાજા એસટેસની નેતાગીરી હેઠળ સિકંદરનો મજબુત સામનો કાર્યો અને ૩૦ દિવસ સુધી પોતાની રાજધાની પુષ્કલાવતીનો બચાવ કર્યો. પરંતુ છેવટે એમાં સિકંદરનો વિજય થયો. સિકંદરની સરદારી હેઠળની બીજી ટુકડીએ સ્વત અને પંજૌરની ખીણમાં પ્રવેશ કરી અસ્પાસિઓઈ (Aspasioi)નામની લડાયક જાતિને હરાવી તેનું ક્રુરતાપૂર્વક દમન કર્યું તથા તેમના ૪૦ હજાર માણસોને પકડયા અને ૨ લાખ ૩૦૦૦૦ હજાર બળદો પકડીને તેમાંથી ઉત્તમ હોય એવાં બળદો પસંદ કરીને તેમને પકડીને મેસેડોનિયામાં ખેતી કરવાં માટે મોકલી આપવમાં આવ્યા. ત્યાંથી આગળ વધી સિકંદરે “નિસા”નાં પહાડી રાજ્યને જીતી લીધું. તેમને સિકંદરની આધીનતા સ્વીકારી અને ૩૦૦ ઘોડેસવાર સિકંદરના લશ્કરમાં જોડાવા માટે મોકલી આપ્યાં. ત્યાંથી આગળ વધી રહેલાં સિકંદરના સૈન્યનો “અસ્સકેનોઈ”નામની પ્રજાએ રાજધાની મસ્સગના કિલ્લામાંથી મુકાબલો કાર્યો. યુધ્ધમાં લડતાં રાજાનું મૃત્યુ થતા તેની માતા કલીઓફિસે સેનાની નેતાગીરી લીધી. તેઓ સૌ બહુ બહાદુરીપૂર્વક લડયાપરંતુ સિકંદરની સેના આગળ તેમનું શૌર્ય ઝાંખુ પડયું અને તેઓ હાર્યા બુરી રીતે ! તેમાં સિકંદરે પકડેલા ૭૦૦૦ સૈનિકોને કિલ્લામાંથી સલામત પાછાં જવાં દેવાનું કબુલ કરવામાં આવ્યું હતું. પરંતુ સિકંદર તો વચનભંગ માટે જગવિખ્યાત જ હતો તેને તે બધાની કતલ કરાવી નાંખી અને હાથે કરીને પોતાની કારકિર્દી પર કલંક લગાડયું. આગળ વધીને સિકંદરના લશ્કરે ઓર, બીરા, ઓર્નસ, પુષ્કલાવતી, દિર્તા વગેરે નગરો જીત્યાં.

આ પ્રમાણે ઉપરોક્ત સ્વાધીનતાપ્રિય પહાડી જાતિઓને હરાવીને તેની સેનાનાં બન્ને ભાગ અટકથી ૧૬ માઈલ દૂર આવેલા “ઓહિંદ”ના પાદરે આવી પહોંચ્યા.

(૨) તક્ષશિલા———

સિકંદરે ઇસવીસન પૂર્વે ૩૨૬માં ઓહિંદથી હોડીઓના પૂલ બનાવી તેના દ્વારા સિંધુ નદી પાર કરી તેઓ તક્ષશિલા આવી પહોંચ્યા. જ્યાં એવું કહેવાય છે કે આમ્ભિનરેશે તેનું ભવ્ય સ્વાગત કર્યું અને સિકંદરને ૫૦૦૦ ચુનંદા સૈનિકોનું લશ્કર આપવાનું વચન આપ્યું. સિકંદરે તેને તક્ષશિલાનો ગર્વનર નીમ્યો. આમ આંભિ તક્ષશીલાનો શાસક તો રહ્યો પરંતુ હવે તે સ્વતંત્ર રાજા ન રહેતાં સિકંદરના સામ્રાજ્યના એક પ્રાંતનો માત્ર પ્રતિનિધિ બન્યો. આંભિએ આ શરણાગતિ એટલાં માટે સ્વીકારી હતી કે જેથી તે પોતાના હરીફ પોરસને સિકંદર સાથે મળીને પરાભવ આપી શકે !

(૩) પંજાબનો પોરસ ————

સિકંદરે તક્ષ્શીલામાં દરબાર ભરીને અન્ય રાજાઓને પોતાનું આધિપત્ય સ્વીકારી લેવું જોઈએ એવી અપીલ કરેલી. આમ તો આ જાહેર સભા જેવું આયોજન હતું. એમ કહેવાય છે કે ચાણક્ય જે આ સભામાં હાજર હતાં તેમણે સિકંદરનો સખ્ત વિરોધ કરેલો અને એમણે જાહેરમાં પ્રજાને પણ સંબોધી હતી. તેમ છતાં ઘણાય રાજાઓએ સિકંદરસાથેનો વિરોધ ટાળવા માટે એનું આધિપત્ય સ્વીકાર્યું પણ હતું.

પછી સિકંદર વિના રોકટોક આગળ વધતો જ ગયો પરંતુ ઝેલમ અને ચિનાબ વચ્ચેના પંજાબ પ્રદેશના પુરુવંશી રાજા પોરસે તેની સામે શરણાગતિ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી અને કહ્યું કે —- તે તેના કહેણનો જવાબ રણમેદાનમાં જ આપશે. સિકંદર તેની સાથે યુદ્ધ કરવાં જ આગળ વધ્યો હતો. આ બંને વચ્ચે ઝેલમ નદીના કર્રી (Karri)ના મેદાનમાં યુદ્ધ છેડાયું જેમાં પોરસની હાર થઇ એમ બધાં ગ્રીક ઈતિહાસકારો કહે છે જયારે ભારત સહીત પૂર્વના અને કેટલાંક યુરોપીય સાહિત્યકારો એમ કહે છે કે પોરસ જીત્યો હતો અને સિકંદર ઘાયલ થયો હતો અને ત્યાંથી પરત ભાગી ગયો હતો !

ગ્રીક ઈતિહાસકારોએ તો પોરસને સિકંદરનો કેદી પણ બનાવી દીધો હતો. રાજા પોરસને સિકંદરે પૂછ્યું કે — “તમારી સાથે કેવો વર્તાવ કરવામાં આવે? ત્યારે સ્વાભિમાની પોરસે ઉન્નત મસ્તકે જવાબ આપ્યો હતો કે —“એક રાજા બીજાં રાજા સાથે કરે છે તેવો” સિકંદર બહાદૂર પોરસના ગૌરવપૂર્ણ જવાબથી ખુશ થયો અને તેને તેનું રાજ્ય તો પાછું આપ્યું સાથસાથ આસપાસનો પ્રદેશ (જેમાં ૧૫ ગણતંત્રો,૫૦૦૦ શહેરો અને અસંખ્ય ગામડાંઓ) પણ તેને સોંપ્યા. આચાર્ય ચતુરસેન શાસ્ત્રી સિકંદરના આ પગલાંને “વીરતા અને ઉદારતાનું સંયુક્ત દ્રષ્ટાંત” કહે છે. આની ટીપ્પણી આપણે પછી કરીશું.

(૪) ગ્લાઉસાઈ ———

પોરસને હરાવીને સિકંદરનું સૈન્ય આગળ વધ્યું અને ગ્લાઉસાઈ જીતીને તેનાં ૩૭ શહેરો કબજે કર્યા.

(૫) નાનો પોરસ (પોરસનો ભત્રીજો) ——–

સિકંદરે ચિનાબ નદી પાર કરીને નાનાં પોરસનો પ્રદેશ પણ જીતીને પોતાને નામે કરી દીધો. નાના પોરાસનો પ્રદેશ (Gandaris) અને ગ્લાઉસાઈનો પ્રદેશ સિકંદરે તેને મહાન પોરસના અમલ હેઠળ મુક્યો.

(૬) પિપ્રમા અને કઠ ——–

સિકંદરે ત્યાર પછી રાવી નદી પાર કરીને પિંપ્રમાં નામનો કિલ્લો જીત્યો અને કઠ જાતિની રાજધાની “સાંગલ” ઉપર આક્રમણ કરીને પોરસની મદદથી વિજય મેળવ્યો. આ યુધ્દમાં કઠ જાતિના ૧૭,૦૦૦ માણસો મરાયા અને ૭૦૦૦૦ માણસો કેદ પકડાયા. કઠ લોકોની આગવી વિશેષતા એ હતી કે તેઓ યુદ્ધકુશળ જ નહીં પરંતુ સાથોસાથ સૌન્દાર્યોપાસક પણ હતાં. આ દરમિયાન સિકંદરના સૈન્યે બળવો પોકાર્યો.

સિકંદરના સૈન્યનો બળવો ———

રાવી નદી પાર કરી બિયાસ નદીના કિનારા સુધી સિકંદરનું સૈન્ય આવી પહોંચ્યું. હવે સિકંદરના સૈન્યે બળવો પોકાર્યો અને આગળ ધપવાની ચોખ્ખીચટ્ટ ના પાડી દીધી. એના પણ એમણે કારણો પણ આપ્યાં છે —-

[૧] પોતાનું ઘર અને દેશ છોડયા પછી ઘણાં દિવસો થઇ ગયાં હતા એટલે મિત્રો અને સગાસંબંધીઓની યાદ આવતી હતી.

[૨] યુદ્ધયાત્રા ઘણી લાંબી થઇ ગઈ હતી તેથી તેઓ યુદ્ધથી કંટાળી ગયાં હતાં.

[૩] ભારતની આબોહવા તેમને અનુકૂળ ન હતી તેથી તેઓ રોગોના શિકાર બન્યા હતા અને એમનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડતું જતું હતું.

[૪] મગધના મહાન સામ્રાજ્યની સૈનિક શક્તિ અને વૈભવ સાંભળીને તેમનું સાહસ ઓસરી ગયું અને તેઓ સાવ પાણીમાં બેસી ગયાં.

આ બાબત પર ચર્ચા કરીશું આપણે પણ પછીથી !

સિકંદરે પોતાના સૈનિકોને સમજાવવાના અનેક પ્રયત્નો કરી જોયાં પણ એ નાકામિયાબ નીવડયા અંતે તેમનું સૈન્ય પાછું ફર્યું ! રસ્તામાં કથિત પથ્થરની બાર વેદીઓ ગ્રીક દેવી દેવતાઓના માનમાં બનાવડાવવામાં આવી અને પોતાની યાત્રા સુખરૂપ નીવડે તે માટે પૂજા પણ કરવામાં આવી.

પાછાં ફરતાં સિકંદરે શું કર્યું ? સિકંદર અને એના સૈન્યનું શું થયું ? ભારતમાં ત્યાર પછી શું થયું ? શું ખરેખર સિકંદરનું આક્રમણ ભારત પર થયું હતું ખરું કે ? આ બધાનો જવાબ ભાગ -૪ માં મળશે !

(ક્રમશ:)

***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****

——— જનમેજય અધ્વર્યુ.

અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!