આપા જાદરા જળુ કુળ ના કાઠી હતા. ઝાલોર (રાજસ્થાન) ના સોનાગરા ચૌહાણ અને અલાઉદ્દિન ખીલજી સામે યુધ્ધ કરી વિરગતી પ્રાપ્ત કરનાર વિરમદેવ ચૌહાણ ના પુત્ર કેશરદેવ ચૌહાણ થી કાઠીકુળ મા જળુ શાખા ચાલી.
રતાબાપુ અને સિંહો સાથે એમની મિત્રતા નો પ્રસંગ જોઇ ને આવાચક થઇ ગયેલા આપા જાદરા પણ ક્રોધને ભુલી સતસંગ મા પરોવા અધિરા થયા.. તેઓ રોજ લાંબો પથ કાપી ને મોલડી આવવા લાગ્યા. જેથી રતાબાપુ એ એમને અહિ દુર સુધિ નહિ પણ થાનગઢ માં જ મેપા ભગત ને મળવા કહ્યુ.
આથી દરબાર રોજ મેપા ભગત ને મળવા જવા લાગ્યા,
મેપા ભગત કહે કે દરબાર! શુ અમ જેવા નુ કામ પડ્યુ.?
“કાંઇ કામે નહિ, ભગત સુવાણે તમારો સત્સંગ કરવા.”
પણ મેપા ભગત તો કહે કે અમે તો મજુર માણસ એ આપ ને શુ સતસંગ કરાવે? તોય આપા જાદરા રોજ એમના ઘરે આવવા લાગ્યા અને કહ્યુ કે મે તો તમારા દર્શન કરવાનુ નીમ લીધુ છે.
મેપા ભગતે હવે ખડકિ બંધ રાખવા લાગી, અને તોય, આપા જાદરા એમને ખડકિની તીરાડ માંથી દર્શન કરી હરી નામ લઇ પાછા ફરતા..
એવા મા રોજ ની જેમ એક દિવસનું પ્રભાત પડ્યું, મેપા ભગતે ચાક્ડો ફેરવતાં ફેરવતાં પ્રભાતિયું ઉપાડયું
“રુદિયામાં રે’જો!
એ જી મારા રુદિયામાં રે’જો!
એ જી સૂરજ વસે રે વ્રેહમંડ ગોખમાં
તેમ મારા રુદિયામાં રે’જો!”
ભગત ગાતા ગાતા વાસણ ઉતારે છે,એવે ટાણે બારણા ઉપર મીટ માડીને જોયુ તો કોક તીરાડમાંથી ડોકાતુ હોય એવુ લાગ્યું. ચાક-ફેરણી લઇને આપા મેપા ઉભો થયા. ભજનના સૂર ભાંગી પડયા. ઘૂંઘવાતે હદયે ખડકી ઉઘાડી. જુએ તો કાઠી જાદરા. કાંઇ પણ બોલ્યા ચાલ્યા વિના, ચાર-ફેરણી ઉગામીને ભગત ઉતરી પડયા. ફડાક ! ફડાક ! ફડાક ! એવા ત્રણ સોટા જાદરાની પોહળી પીઠ ઉપર ખેંચી કાઢ્યા..અને તાડુક્યા કેઃ અહિ આવવા ની ના પાડી છે ને..!
પણ મોંની એક રેખાયે ન બદલવા દીધી. જેવા હસતા હતા તેવા જ હસતા રહયા.
“જાવ છો કે નહિ?”
“નહિ જાઉં. હવે તો નહિ જ જાઉં.”
આટલુ કહી ગળગળે કંઠે જાદરાએ પગમા પડી, ભગતના ગારાવાળા ચરણો ઝાલી લીધા. ભગત ટાઢાબોળ થઇ ગયા. જાણે ચંદનનો લેપ થઇ રહ્યો હોય ને એવું કાંઇક પગમાં થવા લાગ્યું. ભગતે જાદરાનું લલાટ વાંચી લીધું
“બાપ જાદરા! સીધ્યો?”
“તમારી દયાથી.”
એક પીતા નાના બાળુડાને તેડે તેમ આપા મેપાએ જાદરાને છાતીએ લઇ લીધો અને માથે પોતાનો હાથ મેલ્યો. એની પીઠ પર પોતાનો પંજો નીમવ્યો, ત્યાંતો જાદરાની સુરતા જગતભરમાં રમવા માંડી. એનો માયલો ઓળખાય ગયો. જાદરામાંથી તે આપા જાદરા ભગત અને જાદરાપીર બન્યા.
(આ પ્રસંગ પછી એક જાદરા એ આપા પણુ દઇ દિઘુ અને ભગત પણુ લઇ લીધુ, એટલે કે બિરદ પણ એ સમયે બદલાણા જળુ કુળના કાઠીઓને ભગત તરીકે નુ બિરુદ ચડ્યુ અને આ પંથક મા કુંભારોને આપા કહિ લાડ લડાવાય છે.)
—-?——-?—-
આજે પ્રભાતના પોહરમાં જાદરાભગતના ઘરની પછવાળે રડારોળ થઇ રહી હતી. સાંભળનારને પણ આંસુડાં પડે એવા વિલાપ મધરાતથી મંડાઇ ગયા તે હજુ સુધી અટ્ક્યા નથી. માંક્બાઇએ ડેલીએ આવીને કહયુ “કાઠી, આ સાંભળો છો?” આપણા ટેલવાની વહુ રુવે છે! એનો પાંચ વરસનો દિકરો ફાટી પડયો છે. મારાથી એનો વિલાપ સંભળાતો નથી આપની ઓથે આવેલાને આવડું દુઃખ?
હાથમા માળા લઇ માંક્બાઇ અને આપા જાદરા તેના ગુરુ મેપા ભગત પાસે જાય છે અને પોતાના ટેલવાના મરેલા દિકરાને જીવતો કરવા પ્રાથના કરે છે. મેપા ભગત કહે છે કે “બટા, કાંઇ મડા બેઠા થાય?” આપથી શું ના થાય બાપુ? પણ બાપ હું કાઇ પ્રભુનો દિકરો નથી, પણ ભગવાનની મરજી હોય તો મરેલા પણ બેઠા થાય પણ એના માટે જીવ સાટી જીવ દેવો પડે.
“અરેરે બાપુ ! બીજા કોને લઇને આવીયે? કાઈ માણસના જીવ વેંચાતા મળે છે?”
આથી મેપા ભગતે કહયુ ” તો હવે તમારા દિકરા નુ આયખુ આ બાળકને આપવુ છે?”
જાવ બેય જણા પરીયાણ કરીને આવજો. પરીયાણ વળી શું કરવું તું?
આપા જાદરા બોલ્યો ” કાઠીયાણી તમે આપણા પુત્ર ની માયા ભુલી ને એના જીવ ને દઇ શકો.”
જનેતા નો જીવ બે ધડી અકળાયો. છોકરો બે ઘડી નજર આગળ તરવરવા લાગ્યો. હૈયામા જાણે કાંઇક થઇ ગયું, અને પછી કઠણ છાતી કરી માંકબાઇ બોલ્યાઃ
“મારો દિકરો હું દઇ ચૂકી.”
“તો જાવ, લઇ આવો.”
માંકબાઇબા દોડીને ધેર ગયા. જઇને ઘરેણાં લુગડાં પહેરાવ્યા અને દિકરાને તેડી મેપાભગત અને જાદરા પાસે ચાલી. માર્ગે દિકરો પુછે છે “બા આપણે શીદ જઇએ છીએ?”
“તને પરગામ મેલવો છે,ભાઇ! આપડા આ કોળી ના દિકરા ને બદલે તારે સરગાપર જવુ છે? એની માતા ના વિલાપ ભાંગવા છે?”
દિકરો હરખાતો હરખાતો માની આંગળી પકડી ચાલ્યો આવ્યો. માંકબા એ કહયુ “લ્યો બાપુ આ દિકરો.”
બરાબર એ જ ટાણે ટેલવા કોળીના દિકરાની નનામી લઇ ને લોકો ચાલી આવે છે. પાછળ રોકકળ કરતી અને માથા પછાડતી એની માં પણ ચાલી આવે છે. ભગતે કહયુ કે “રોકી રાખો શબ ને!” શબને નીચે મુકાવી મેપાભગત જાદરાના નાના દિકરાને કહે છે કે બેટા “આ ભાઇના કાનમાં જઇને કેહે કે તારા સાટે મારે જાવુ છે.” કોણ જાણે કઇ રમત રમવા જાવુ છે તેમ છોકરો શબના કાનમાં બોલે છે અને બોલતાની સાથે જ એનો જીવ જતો રહે છે અને પણ એ ટેલવા કોળીનો છોકરો સૌના આશ્ચર્ય વચ્ચે ઉભો થઇ માં માં કરતો અની માંને ગળી બાજી પડ્યો.પોતાના ટેલવાનું સુખ નિહાળીને આપા જાદરા અને માંકબાઇ આંખો ઠરી. એજ સોડ ઓઢાડી પોતાના દિકરાનુ શબ લઇ આપા જાદરા મહાણે ચાલી નીક્ળ્યા. આમ પોતાના વહાલસોયા દિકરાના ભોગે માંકબા અને આપા જાદરાએ ટેલવા કોળી ના દિકરાને સજીવન કર્યો.
મેપા ભગતે આશીર્વાદ આપી ભવિષ્ય ભાખ્યુ કે આપા જાદરા “મારા કુળમાં થાશે ઇ તો વાસણ ઘડી ને દેશે પણ તારા વંશજો એમા રોટલા આપશે અને પેઢીએ પીર થશે.
થાન માં મેપા ભગત ની સારી પ્રતીષ્ઠા જામી હતી. ભગત ઇશ્વરનું ભજન બે ઘડી વધુ કરી શકે એમ ધારી થાણેદારે તેમની વેઠ બંધ કરી.
થાન પર એ વખતે લખતર ના તાબે હતું. એક વખત લખતર દરબાર નો મુકામ થાન ગામે થયો. કોઇ ના દાવતખોરે મેપા ભગત ની વેઠ બંધ કર્યા ની વાત લખતર રાજવી ને કરી. આથી મેપા ભગત ને કારણ પુછાતા તેમણે કહ્યુ કે” બાપુ! આપ અમારા ધણી આપની સેવા અમારે પેલા કરવી જોઇયે. પણ બાપુ! અમે ઇશ્વર ની સેવા માં પડ્યા છીએ એટલે..!!
“એમ! એવો મોટો ભગત થઇ ગયો છો તુ? અને પડખીઆઓએ પણ ચડાવ્યા “આ વસવાયા ની જાત! ભારે ઉસ્તાદ! પેલા સાઘુડાં ની સેવા કરવા એનાથી દોડ્યુ જવાય છે ને દરબારી કામ કરતાં કેવુ જોર છે? ” અને એને મેપા ભગત ને સજા રુપે ગામ ના વડલે બાંધવા માં આવ્યા.
બપોરે જમવા ટાણે આપા જાદરા ને આ સમાચાર મળ્યા ને ભાણુ ઠેલી ને ઉભા થયા. આ બધો દેખાવ જોયો, અને કોપી ઉઠ્યા કહ્ય કે “આ ભુંડો વડલો હજી લીલો કેમ જણાય છે? આ જુલમ જોઇ તું કેમ બળી નથી જતો? વડલાએ એની આભા છોડિ દિધિ અને સુકાઇ ગયો”
મેપા ભગત જાદરાબાપુ ના વચનો થી ચોંકિ ઊઠ્યા.”હં !હં! બાપ! જાદરા” કયાંક અવળુ વેણ નો બોલાય જાય. અને જો.!જો..! લાખો ના પાલનહાર માથે પ્રભુ નો સેવક નો જાય! ક્રોધ મેલી દિયો!
આપા જાદરા થી ગુરુ ની આજ્ઞા ના લોપાઇ!
અને ત્યારથી માંડિ ને મેપા ભગતનાં કુંટુબ ના વેઠ બંધ થયા.
???
મેપાભગતનું વચન બરાબર ફ્ળ્યું. ટેલવા કોળી ના દિકરાને બચાવવા પોતાનો દિકરો ચાલ્યો ગયો પણ ગુરુના આશીર્વાદ્થી માંક્બાઇની કોખે મહાન પ્રતાપી પુણ્યઆત્મા એવા પુત્ર આપા ગોરખાનો જન્મ થયો.
આમ આ પરચાઓ તો ગેબી પરંપરા ની લીલાઓ જ હતી, જે એ સમય ની અંધાધુધ, આરાજક વ્યવસ્થા માં લુપ્ત લોકો ને ઇશ્વરીય શ્રધ્ધા તેમજ માનવીય સંવેદના, સદાવ્રત મહિમા, ગૌસેવા અને પરપીડા ભાંગવા ના માનવીય કાર્યો તરફ લોકો ને ધ્યાનકર્ષીત કરવા માટે એક પરીબળનો ભાગ ભજવવાની હતી.
આજકાલ ના યુગ માં અઢી સૈકા ની છે વાત
જળુ કુળ માં જનમીયા, અવતારી પુરુષ આઠ.
જાદર, ગોરખો ને જીવણો, માસો, માણો હોય,
લાખો , લોમો ને દાદવા, જગ વખાણે જોય.
આવ્યો કંડોળીયે અલખ, સત ધાનક સોરઠે
મુવા મડા જકે તે જીવાડ્યા જાદરા.
હરતાં ફરતાં તુ હથે સુરતા રાખો સધીર
રતા, સતા સંસાર મે પરચા તારા પીર
રિધ્ધિ સિધ્ધિ ઇ (તો), ગીતા ગાયત્રી ગણાય
છત્ર પંચાળનુ ચામુંડા, જે ભુમીમાં ભક્ત ભળાય
પાદર જે મહિકા તણાં,કણ સરજ્યા કઠોર.
જાદર જે જે કાર, ધરા બધી માં ધાનાઉત.
જાદર જંગી ના વાગ્યા, જાડી જોડવે જાન,
માંડવે મરજીવા માણે, હનુમો આગેવાન.
પંચાળે પંચ તિરથી, નદિ એ ખળક્યા નીર,
અડસઠ તિરથ તારે, આંગણ પરગટ જાદર પીર.
નોંધઃ હવે પછીની ક્રમશઃ પોસ્ટ આપા જાદરાના પુત્ર આપા ગોરખા ના ઇતીહાસની રેહશે.
ચિત્રાંકન-છબીઃ કરશનભાઇ ઓડેદરા, પોરબંદર.
પ્રેષિત-ટાઇપઃ મયુર સિધ્ધપુરા, જામનગર
માહિતિ સંકલનઃ ☀કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન☀
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ
– શ્રી નકલંક ધામ તોરણીયા નો ઇતિહાસ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો