કાઠી કુળ ઉજવળ કર્યુ,વધારણ વાના;
સંભાર્યે સુખ ઉપજે, દુઃખભંજન દાના
સૌરાષ્ટ્ર એટલે સંતો અને શુરવીરોની મીલનમોભ.આ ભૂમીપર શુરવીરોની શમસેરો વીંઝાણી છે, તો સંતો-ભક્તોના અંતરમાંથી રેલાયેલો શાંતરસ વહ્યો છે. અઢારમી સદીમાં થઇ ગયેલા આ લોકસંતોમાં બાહ્યાચારો કદી જોવા નહીં મળે.તેમની વાણી હતી અનુભવોની, વેહવારની અને નિરીક્ષણની તેમના આસન હતા લોકોની વચ્ચે.
એ શું મુંને સંત મળ્યા રે સુહાગી,
રણક ઝાલરી ઝણણ વાગી રે!
પંચાળનું ભક્તમંડળ સૌરાષ્ટ્રના સંતોમાં ઓજસ્વી રહ્યું છે. ભારતમાં વિરલ એવી સૂર્યની સ્થાપના અહી સુરજ દેવળ(થાન) માં થઇ છે. કોઇને ન નમનારા આડાભીડ કાઠી કોમે અહી મસ્તક નમાવ્યા છે. પંચાળ ના સંતોમાં પ્રથમ સંત ગેબીનાથ પ્રખ્યાત છે.
ગેબીનાથના બે મુખ્ય શિષ્યો થયા, એક થાનના મેપાભગત કુંભાર અને બીજા મોલડી ગામના કાઠીભગત આપારતા. આપા રતાના જમાઈ સોનગઢના આપા જાદરા કાળઝાળ આદમી હતા. સસરા આપા રતા અને ગુરુ આપા મેપાની પ્રેરણાથી તેમનો માહ્યલો મરી પરવાર્યો અને પ્રતાપી સંત નિપજ્યા.
મીટુ અમીયલ માંડતા જડ થી દાળાદળ જાય।
રતમલ ખાચર રાણના થાપે પીરાણા થાય॥
તેતર સાથે ત્રાટકે જેમ બમણા વેગે બાજ।
ઇ આવરણ ટાળવા આજ જપતા ભેરે જાદરા..
ફરતા ફરતા એક વખત આપા જાદરા આણંદપુર ભાડલા ગામે અવ્યા. ગામધણી કાળા ખાચરનું અવસાન થયેલું. કાઠિયાણી માલુઆઇ પોતાનો દીકરાને આપા જાદરાના પગે લગાડવા લઇ આવ્યા. જન્મથી જ આંખે ઓછું ભાળતા આ કિશોરને આપે પોતાની પાસે બેસાડ્યા. આંખ પર કોઈ ડુંગરિયાળ ઔષધોનો લેપ કર્યો. જાણે ચંદનનો શીળો લેપ થયો હોય તેમ ધીમે ધીમે કિશોરે આંખ ઉઘાડી અને જગતને ખુલ્લી આંખે પેહલીવાર નિહાળ્યું.
આપા જાદરાની કૃપા જેના પર ઉતરી તે કિશોરનું નામ હતુ આપા દાના. જાદરા ભગતના ઉપદેશથી દાનાને પરિવારની પ્રીત અને સંસારની માયા ઉતરી ગઇ અને તે સિધ્ધ સંત બન્યા. આપા દાના સંવત ૧૮૨૪ માં ફરતા ફરતા ચલાલા પાસેના ગિરકાંઠાના ગરમલી ગામે આવ્યા. નાનું એવુ ખોરડું બાંધી ગાયોની સેવા શરુ કરી અને લોટ-દાળનું સદાવ્રત માંડ્યું. ૧૮ વર્ષ આપા દાના ગરમલીમાં રહ્યાં. સંવત ૧૮૪૧-૪૨ ના દુકાળમાં આપાને ગરમલીના કાઠી દરબારો સાથે સદાવ્રત અંગે મનદુઃખ થયું. આપા ગરમલી છોડી બોડકા આવ્યા. આજે એ સ્થળે ઉજ્જડ ટીંબો ઉભો છે.
આ ટીંબાની બાજુમાં આવેલ ચલાળાનો પણ રસપ્રદ ઇતિહાસ છે. ચલાળા પેહલા એક નેસડુ હતું. ધારીની સડકે અત્યારે જ્યાં નાના રાજકોટનો ટીંબો છે ત્યાં સવંત ૧૮૦૦ની સાલમા ગામ વસેલું હતું. વાળા કાઠી કાંધાવાળાનું શાશન હતું. એના નીચે પચાસક ગામો હતા. તે ભાંગીને ઝર,ચલાળા અને મીઠાપુર એ ત્રણ ગામ આબાદ થયેલા.
નાના રાજકોટથી વાળા કાઠીની એક શાખાએ ચલાળા આવીને વાસ કર્યો. કાંધાવાળાના દીકરા ભોકાવાળાએ જયાં નેસડુ હતુ ત્યાં તોરણ બાંધ્યું. તેની નીચે ૧૨ ગામ મુકાયા હતા. સમય જતા ચલાળા અને બીજા છ ગામ નવાનગરના જામને ત્યાં ગીરવે મૂક્યાં. તેનો ગિરોહક્ક સંવત ૧૮૬૮ માં જામ પાસેથી ગાયક્વાડી સૂબા વિઠ્ઠલરાવે વેચાતો લીધો. એ પછી ચલાળા કાઠી દરબારનું ગામ મટી જઇને ધારી મહાલમાં ગાયકવાડી હકૂમત નીચે આવ્યું.
આપા દાનાએ ગરમલીના દરબારો સાથે મનદુઃખ થયાના સમાચાર ભોકાવાળાને મળ્યા. આથી બોડકા જઇ આપા દાનાને ચલાળા આવી જગ્યાં બાંધવા વિનવણી કરી. બીજી બાજુ ગરમલીના દરબારો પણ શરમાઇને આપાને લેવા બોડકા પોહચ્યા. ભોળા હૃદયના આપા દાના કહે જેના ગાડા અમારો સામાન લેવા વેહલા પોચસે ત્યાં હું જઇશ. ભોકાવાળાએ રાતના જ ગાડા રવાના કરી દીધા. ગાડામાં સમાન ભરાઇ રહ્યા પછી ગરમલીના ગાડા પોહચ્યાં. આપા વચને બંધાયા હતા એટલે ચલાળા જઇ સંવત ૧૮૫૨ માં જગ્યાં બાંધી. ધરમની ધજા ખોડી, ગૌસેવા અને ગોળ-ચોખાનું સદાવ્રત વેહતુ કર્યુ.
દાના ભગતની પ્રકૃતિ નિર્લોભી હતી.ભાવનગરના ઠાકોર વજેસિંહજીએ આપાથી આકર્ષાયને સાવરકુંડલા પાસેનું કરજાળા ગામ જગ્યાને અર્પણ કર્યુ હતું. આપાએ તેનો અસ્વીકાર કર્યો. છેવટે ઠાકોરની ખૂબ સમજાવટ પછી છ સાંતીની જમીન સ્વીકારી.
કુંકાવાવ પાસેના અમરાપુર (ધાનાણી) ગામે એક્વાર આપાદાના અભ્યાગત અને આદરમાનનો ઉપદેશ દેતા દેતા આવી પહોંચીયા. ગામના મોટેરાઓએ આપાની બહુ ચાકરી કરી હતી. અમરાપુરની વસ્તીને વાળાના રોગે ભરડો લીધો હતો. આપા જુએ તો કોઇના પગે, તો કોક્ના હાથે પાટા બાંધેલા. તરત ઉભા થયા. આખા ગામના પાણી શેરડા જેવી વાવની આસપાસ લુગડા ધોવાય છે. કચરાવાળા પગલઇ બાયું અંદર પાણી ભરવા ઉતરે છે,ગંદકીનો પાર નથી.
આપા રોગનું મૂળ સમજી ગયા. વાવથી થોડે દૂર એક સુકાઇ ગયેલી તલાવડીમાં આવીને તળ તપાસ્યું. ગામ લોકોને કૂવો ગાળવા જણાવ્યું કૂવામાંથી અનર્ગળ પાણી નીક્ળ્યું. જુનીવાવ બુરાવી દીધી અને ગામને કૂવા કાંઠે ગંદકી ન કરવાનું સમજાવી આપા આગળ વધ્યા.
આપા દાનાના બે પ્રતાપી શિષ્યો થયા, સતાધારના આપા ગીગા અને ચલાળાના મૂળીઆઇ. આપાગીગાએ દાનબાપુ પાસે કંઠી બંધાવી. જગ્યામાંથી ૧૦૮ ગાયો આપાદાનાએ ગીગા ભગતને આપી અને ગવત્રિયુંના દિલ જયાં ઠરે ત્યાં જગ્યા બાંધવા આદેશ આપ્યો. આપાગીગાએ પરીભ્રમણ આદર્યુ અને ગિરમાં આબાઝરને કાંઠે સતાધારની સ્થાપના કરી. ઉપરોક્ત બન્ને જગ્યાનું ગુરુસ્થાન ચલાળાની આપા દાનાની જગ્યા છે.
બગસરા ના દરબાર હરસુરવાળા ને ગાયકવાડ ના સુબા વિઠ્ઠલરાવે જ્યારે ધારી ના ઓઘડવાળા ના જામીન થવા બદલ કારાવાસ મા પુરેલા,એમને અમરેલી લઇ જઇ પગમાં પાંચ શેર ની બેડીઓ પેરાવેલી ત્યારે દાન મહારાજ ને યાદ કરતા હરસુરવાળા ની બેડીઓ તુટી હતી. વિઠોબા એ જાણ્યુ કે આમને દાન મહારાજ ના સ્મરણ કરવા થી બેડીઓ તુટે છે એટલે એને દાનબાપુ ને મળવા ની ઇચ્છા થઇ, દાન મહારાજ સદાવ્રત ચલાવતા હતા ત્યા દક્ષિણ ના બ્ર્હામણ ના વેશ માં વિઠોબા આવ્યો અને કહ્યુ કે મને પણ જાર જોઇએ છે,અને દાન મહારાજે પાંચ મુઠી જાર એની જોળી મા નાખી અને કહ્યુ કે કોડીનાર થી દ્વારકા સુધી ની જાર ઠાકર તને અને તારા રાજ ને અર્પણ કરે છે, ત્યારબાદ વિઠોબા પાંચ મહાલ(પરગણા) જીતી ને પાછો આવ્યો અને પાણીયા અને સોનારીયા ગામ જગ્યાને આપવા આગ્રહ કર્યો પણ દાનબાપુ એ ના પાડી. પણ સુબો પગ મા પડી ગયો અને કહ્યુ કે મે તો સંકલ્પ જ કર્યો છે, ના છતા છેવટે સોનારીયા ની ૧૦૦ વિઘા જમીન જગ્યાને અર્પણ કરી.
આપા દાના બ્રહ્મચારી હતા. તેથી તેમના અનુગામી તરીકે એમના ભત્રીજા આપા જીવણા આરુઢ થયા. ૯૪ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી સંવત ૧૮૭૮ માં તેઓ દેવ થયા. તેમના પછી આપા જીવણા ગાદીએ આવ્યા. સંવત ૧૮૭૯ માં આપા જીવણે દાના મહારાજના સમાધિસ્થળે મંદિર ચણાવી અંદર તેની પાદુકા પધરાવી.
જીવણભગત પછી ગાદીપતી તરીકે દેવાભગત આવ્યા. સંવત ૧૯૩૨ માં તેનુ અવસાન થતા ઉનડબાપુ ગાદીએ આવ્યા. સંવત ૧૯૩૪માં પાલીતાણાના ઠાકોર સૂરસિંહજીએ જગ્યાને ચાંદીના કમાડ કરાવી આપ્યા હતા.
જગ્યામાં દાન મહારાજના સમાધિ મંદિર,આપા દાનાએ સ્થાપેલ હનુમાનજી અને દાનેશ્વર મહાદેવની પુજા થાય છે. તમામ ૭ મંહતોના સમાધિ મંદિરો પણ સ્થાનક્માં સ્થીત છે. દાન મહારાજની સુખડના મોટા મણકાની માળા તથા તેઓ વાપરતા તે ઢોલિયો જગ્યામાં સાચવવામાં આવ્યો છે. આપા દાનાએ શરુ કરેલું અન્નક્ષેત્ર સતત બસો વર્ષથી એક્ધારું ચાલે છે.
સુણીનામ ખળ-ગણ સહમ ,ટકી ભગવાયસતીર;
કાજુ સોરઠ ઘર કિયણ ,પરચા દાના પીર.
(જેમ તકાએલ તીર ને જોઇ કાગડો નાસી જાય છે,એમ જેમનુ નામ માત્ર સાંભળીને દુષ્ટો ભય પામી જાય છે.એવા દાન મહારાજના પરચાઓ સૌરાષ્ટ્ર ધરાની યશ સિધ્ધિ કરનારા છે.)
પુરાણંદ પંચાળરો,ભુવ ઠાંગારો ભૂપ,
ખાચર હુંદે ખોરડે,રામાણી કુળરુપ.
(પુરાતનભુમી પાંચાળ અને ઠાંગા ના રાજવીકુળમા ખાચર ની પેટા શાખા રામાણી ના કુળની શોભારુપ હતા.) . -કવિ શ્રી દોલતદાનજી અલરાજજી બાટી
Typing – મયુરભાઇ સિધ્ધપુરા-જામનગર
સંકલન – काठी संस्कृतिदीप संस्थान
મિત્રો જો તમે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો