ચૌદમી સદીમાં અહમદશાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર શ્રી અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યારે ગુજરાતના ચુંવાળ પ્રદેશના ઠાકોરને ધર્મપરિવર્તન કરવાની ફરજ પાડતા આ ઠાકોરો અહમદશાહની સરમુખત્યારશાહીને તાબે ન થતા તેને ચુંવાળ પંથક માંથી હાકી કાઢવાનો હુક્મ કર્યો. આમ આ ઠાકોરોનો કાફ્લો ત્યાંથી નીક્ળી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થીર થયો. સૌરાષ્ટ્રમાં આ ઠાકોરોએ ગ્રામ રક્ષક્ની જવાબદારી સ્વીકારી લીધી. આ બધા ઠાકોરો પગના પગલાની દિશારેખા અને પગલા જોવામાં નિષ્ણાંત હતાં, તેથી જે ગામમાં ચોરી, ધાડ કે લૂંટ થાય તેને પગની નિશાની પરથી પક્ડી લેતા અને રાજ્યમાં રજૂ કરતાં. આથી સૌરાષ્ટ્રના રાજ્યોએ તેમને “પગી” તરીકેની પદવી આપી અને આ ઠાકોરો પંદરમી સદીથી પગી તરીખે પ્રસીધ્ધ થયા.
જયારે ચુંવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડવામાં આવેવ ત્યારે ચુંવાળ પ્રદેશમાં આવેલ “કુંવાદરા” ગામના મક્વાણા અટકના અમરાજી ઠાકોર પણ બાદશાહના ચંગુલ માંથી છુટ્યા હતા. અમરાજી ઠાકોર પરમ શિવ ના ભક્ત હતા. તેમના મુખમાંથી અહોનીશ “ॐ નમઃ શિવાય” મંત્ર જાપ ચાલ્યાજ કરતો હતો. તે ફરતા ફરતા જુનાગઢ તાબાના ગિરનારની ગરવી છાયામાં વસેલા “પાદરીયા” નામના ગામમાં આવી વસ્યા હતા. પરમ સરળ હ્રદયના ભક્ત દંપતિ ગામને બહુભાવી ગયા.અને તેમના આવવાથી ગામમાં ભજન અને સત્સંગની છોળો ઉછળવા લાગી. સાધુ સંતો અને અભ્યાગતોની ભગત અમરાજીના ધરે પધરામણી થવા લાગી. આખું ગામ ભક્તીમય બની જતાં અમરાજી ઠાકોરની સુવાસ ચોતરફ પ્રસરી. સાંજના સમયે ભગત અમરાજી હાથમાં રામ સાગર લઇ ભજન ગાતા અને ગામના ભાવિક લોકોને ભજનમાં તરબોળ કરીદેતા. “નામ એનો નાશ” એ નિયમને અનુસરતા ભગત વૃધ્ધા અવસ્થાના આરે પોંહચીને પોતાનુ જીવન સતત પ્રભુસ્મરણમાં વિતાવે છે. તેના મોઢામાંથી સતત હરી ॐ ના જાપ ચાલુ છે અને સમાધી અવસ્થામાં તેને લક્ષ્મીનારાયણના દર્શન થાય છે. તેની ભક્તિ પરાકાષ્ઠાએ પોંહચેલ અને ભગવાન સ્વયં તેને લેવા પધારેલ છે, આમ અમરાજી અને તેમના પત્ની સર્વે હરી ભક્તોની હાજરીમાં પોતાનો દેહ છોડે છે. અમરાજી ને વારસમાં પુત્ર બોઘાજી અને તેની પત્ની અમરબા ધામે ધુમે ભગત પાછળ ભંડારો કરી સાધુ મહાત્માઓને સંતુષ્ટ કરે છે.
બોઘાજી પણ તેના પીતાની જેમ પરમાત્માનાં પરમ ભક્ત હતા. તેના પત્ની અમરબા પણ સદગુણી અને સતી નારી હતા. આ બન્નેએ પોતાના પીતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દિપાવ્યો હતો. ખેતી મજુરી કરી ગુજરાન ચલાવતા બન્ને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે. પ્રથમ વખત જ જાણે શૈવ અને વેષ્ણવનો સુભગ સમન્વય બનેના આચરણમાં દેખાય છે. આ ભક્ત દંપતી ચાલીસ વટાવી ચુક્યા છે. પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી! માં બનવાની! બધી સ્ત્રીની જેમ તમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી. ભગત બોધાજી તેમને સમજાવતા અને કહેતા કે આપણા ઇષ્ટ શીવજીને પુરે પુરી ખબર છે. એ આપણી મહેરછા પુરી કરશે જ માટે તમે તેમના પર પુર્ણ શ્રધ્ધા રાખો, સમય આવ્યે તે આપણી શેરમાટીની ખોટ પુરી કરશે. આમ બન્ને દંપતી શીવજીની પુજા કર્યા પછીજ આહાર પાણી લેવાનો સંક્લ્પ કરે છે. કાયમ બન્ને દંપતી સવારે વેહલા ઉઠી પાદરીયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે. લગભગ એકાદ વરસ વિતી જાય છે, ટાઢ, તાપ, વરસાદની પરવા કર્યા વગર બન્ને જણા નિત્યક્ર્મ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે.
એક વખત બન્યુ એવુ કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીક્ળ્યું. અને કોઇ શુભ કામે જતા કેટલાક માણસો સામા મળ્યા. તેમાથી એક જણ ધીમેથી બોલ્યોઃ “અત્યારમાં આ ક્યાં સામે મળ્યા? ધીમેથી બોલ્યો પણ બને દંપતી એ આ સાંભળ્યું !” અણગમતુ વચન સાંભળતા ન સાંભળ્યું કરી, જય શીવહર, જય શીવહર, જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશીવના ધામમાં આવી પોંહચ્યાં. પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયાં. તેથી મંદીરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી, ધ્રુસકે ધ્રુસકે એટલું બધુ રડ્યા તેનુ રડવાના અવાજ પાછળ એક માંની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય. એટલુ રડ્યા કે તે અર્ધપાગલ જેવા બની ગયા. આખી જિંદગીની વસવસો આજે આસુંની ધારા દ્રારા બહાર નિકળ્યો. ભક્ત બોઘાજી પણ શિવ સ્મરણ કરતા કરતા રડી રહયા છે. અમરબા થોડીવાર મુર્છીત થઇ જાય છે ત્યાં જ શિવલીંગમાથી ગેબી અવાજ આવે છે કે “હે બેટા અમર ઉભા થાવ, ભક્ત બોઘાજી રડશોમા, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છુ, ત્મારે ત્યાં આવતા વર્ષે અષાઢીબીજ ને દિવસે સિધ્ધ પુત્રનું અવતરશે, બંને ઘરે જાવ અને અને ધરેથી જ મારું સ્મરણ કરશો. આજથી તમને કોઇ પણ વાતનું દુઃખ રહેશે નહિ.”
સમય જતા ક્યાં વાર લાગે છે! જેની રાહ જોતાતા તે અષાઢી બીજ નજીક આવી ગઇ. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢી એક્મની રાત્રિ છે. માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સુતા છે. અને વેહલી સવારે પ્રથમ કુક્ડો બોલતા અમરમાની આખં ઉધડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલુ જોયું. કેવી રીતે પ્રસવ થયો તેની કાંઇજ ખબર પડી નહિ. કોરી પથારેએ બાળક્ને સૂતેલો જોતાં માં એ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચુમવા માંડ્યા. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢ સુદ બીજની વેહલી સવારે પુત્રનો જન્મ થયો, તેથી બઘાએ વેહલો અર્થાત ‘વેલો’ નામ આપી દીધું. ભગાવાન શિવની કૃપા બોઘાજી અને અમરમાં ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી.
અમરબા અને ભક્ત બોઘાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે કે તે મહાન પ્રભુભક્ત બને. આથી ધરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન, પૂજન, સ્મરણ, ચિંતન, મનન,
સ્વાધ્યાય, ધૂન, સંત ચરિત્ર વાંચન કરી મર્યાદાયુક્ત સાદુ જીવન જીવે છે. આની અસર બાળલ વેલનાથ ઉપર પડે છે. વેલકુંવરની ઉંમર નાની છે પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે.
વેલાજીની ઉંમર આઠેક વર્ષની થઇ ગઇ છે. પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા છે. એક દિવસ તે માતા પિતાને સવિનય હાથજોડી વિનંતી કરે છે કે “બાપુ અને માં જો તમે રજા આપો તો હું પણ કોઇક સારા ખેડૂતને ત્યાં સાથી પણુ કરી મજુરીની તાલીમ લઇ થોડી ક્માણી કરું. જેથી આપ સાધુ સંતો અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમે જરાય ચિંતા કરશો નહી.”
અમરબા બોલ્યા” બેટા તારી ઉંમર હજુ નાની છે, મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને આમારાથી વિખુટો પડવા ઇચ્છતા નથી માટે માંડીવાળ બહાર જવાનું!” વેલાજી બોલ્યા માં ! આ દૂનિયા રેટમાળ જેવી છે એક ભરાય ને બીજુ ઠલવાય છે. આ ક્રિયા સતત ચાલુ અને અસ્થિર છે. અહીં કોઇપણ અમર નથી. અને સ્થીર પણ. નામ એનો નાશ છે. બીજું આવેને પેહલુ જાય છે. આ તો વિશ્વ નિયંતાનો અફર નિયમ છે. વળી પુરુષાર્થ-મેહનત મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. દરેક પ્રારબ્ધ લઇને આવે છે. માટે ચિંતા કરવી વ્યર્થ છે. જીવમાત્રની ચિંતા ઇશ્વરને છે, સર્વકાઇ ઇશ્વર ઇરછા મુજબ બને છે. ધ્રુવજી પાંચ વર્ષના હતા છતાં તેના માતા સુનીતી દેવીએ તેને રજા આપી હતી, કારણ ઇશ્વર પર પુર્ણ વિશ્વાસ હતો. તમે મને રજા આપોતો જયાં મારું ઋણાનુબંધ છે તે ચુક્વીને પાછો આવીશ.
વેલાજીની બાલ સહજ દલીલોથી માતા-પિતા ન છુટકે રજા આપે છે. વેલાજી ધરેથી નીક્ળી સીધા જુનાગઢ તાબા હેઠળના શેરગઢ ગામે આવી પોહચ્યાં. તેમને વિચાર્યુ કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તે આ જન્મે પણ પવિત્ર જ હશે. માતે હે પરમાત્મ તમે મને ગત જન્મના ઋણીને ધેર પોંહચાડો. શેરગઢ ગામનાં જાપામાં એક ધર હતું એ જોતાજ વેલાજી સમજી ગયા કે આ ધરનો માલીક જ મારા ગયા જન્મના લેણદાર છે માટે અહિંયા જ રોકાવુ. આ ધર સેંજળીયા કુળના ક્ણબી જસમત પટેલનું હતું
કાળી કોયલ ક્લક્લે, ભેરવ કરે ભભકાર,
નિત નગારાં ગડગડે, ગીરનારી વેલનાથ.
શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળ ગરાસિયું ગામડું છે. ગામમાં જસમત સેંજળિયો નામે એક ક્ણબી રેહતો હતો. સહુ પટેલમાં જસમત પટેલ દૂબળો ખેડૂત છે. તાણીતુસીને પેટગુજારો કરે છે. એક દિવસ જસમતની ખડકીએ એક બાળક આવીને ઉભો રહયો. બાળકે સવાલ કર્યોઃ આતા, મને સાથી રાખશો?”
“કેવા છો,ભાઇ?”
“કોળી છું,આતા! મને સાથી રાખો.”
કોળીના દિકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતના નેત્રો ઠરવા માંડ્યા.
“તારું નામ શું, ભાઇ બેટા?”
“વેલિયો.”
વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું “વેલિયા! બાપા,મારે ધેર તારો સમાવેશ થાય એવુ નથી. મારા વાટક્ડીના શીરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહિ ભરાય.”
જસમતના ધરમાં ભલી ભોળી ક્ણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન ન હતું. તેના ધરે ઇશ્વરે શેરમાટીની ખોટ રાખી હતી. વેલિયાને જોઇને તે બાઇની મમતા જાગી. વેલિયા ઉપર તેને વહાલ છુટ્યું અને તે એના ધણીને કેહવા લાગીઃ “ક્ણબી ભલે રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેગાં બાંધતો જ આવતો હશે.અને રોટલાતો તેના સાટુ રામ ઉતારશે. બાળક વેલિયો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરૂનાં દખ વીસરશું.”
જસમત સમજતો લે ક્ણબણ પોતાના કરતાં વધુ શાણી છે. ક્ણબણને પોતે પોતાના ધરની લક્ષ્મી માનતો એનુ વેણ કોઇ દિવસ ઉથાપતો નહીં, તેથી વેલિયાને તેણે રાખી લીધો, પુછ્યું -“એલા વેલિયા તારો મુસારો(પગાર) કેટલો માંડું બેટા?”
“મુસારો તો તમને ઠિક પડે તે માંડજો, આતા! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.”
“શી બાબતનું નીમ?”
“કે આ મારી માતાજી મને રોટલા ધડી દેશે તો જ હું ખાઇશ, બીજા કોઇના હાથનું રાંધણું મને ખપશે નહિ.”
આ વાત સાંભળીને ક્ણબણને એના પર બેવડું હેત ઊપજવા લાગયું. કરાર ક્બુલ થયો.
વળતે જ દિવસે જસમતના ધરમાં રામરિધ્ધિ વર્તાવા લાગી. કોળીના દિકરાના પગલે કોઠીમાં સે’ પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢા(બળદ)ની નવી જોડ્ય, સાંતી અને એક સાંતીની નવી જમીન ખેડવા આપી. પટેલ અને એનો બાળક વેલિયો જ્યારે બે સાંતી હાકીને ખેતર ખેડવા નીક્ળ્યા ત્યારે ગામના ક્ણબીઓ એ જોડલીને જોઇ રહ્યા.
આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તો પણ આતા અને માડીના પગ દાબ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધી માત્ર ચાલી ગઇ છે. ઓછાબોલો અને ગરવો કોળીપુત્ર વેલો જોતજોતામાં તો જસમતના પડખે જુવાન દિકરા જેવડો થઇ ગયો છે.
પટલાણી માંને વાંઝિયા-મેણાં ભાંગ્યાં એને એક પછે એક સાત દિકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાના મંગલ પગલાંનોજ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત-સાત દિકરા છતા વેલા ઉપરનું હેત ઓછું નથી થયું.
એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફ્ક આજે પણ તેની આંખો માડીને ગોતવા માંડી. વારું નું ટાણુ થયુ માડી ધરમાં દેખાતા નથી. છોકરાઓ એ કહયુ “વેલા ભાઇ હાલ રોટલા ખાઇ લઇએ!”
“ના,હું માડી વગર નહી ખાઉ, માડી આવીને ખવરાવશે ત્યારે જ ખાઇશ.”
વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ના રેહવાયુઃ “માડી માડી કરમાં બાપ વેલા, જો આ રહી માડી.”એમ કહી કાંડુ ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઇ જઇ ડોશીનું મડદુ બતાવ્યું.
“જો આ રહી તારી માડી સવારે ફુકી દઇશું, હવે આમા તારી માડીના મળે.”
“માડીને શું થયુ?
“છાણાના મોઢાવામાંથી સરપ ડસ્યો.”
“ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહી મારું નીમ ભંગાવે નહિ.”
એમ કહિ વેલો નીચે નમ્યો. માને ગળે બાઝીને કહયું-“મા! મા! ઉઠો મને રોટલા કરી દ્યો ને! હું ભુખ્યો છું માં!” આમ બાળક વેલાની પ્રબળ ઇચ્છા શક્તિથી ડોશીનું ઝેર ઉતરી ગયુ અને ડોશીમાં વેલાને બાઝી પડ્યા.
એક વખત ગામના એક માણસે જસમતને જઇ રાવ કરી કે તારો સાથી ખેતરે જઇ ઓશીકે ટાઢી ભંભલી મેલી આખો દિ ખીજડીએ ઊંધી રહે છે. આમ ને આમ હાલ્યુ તો તારુ દિવાળુ નીક્ળી જાશે અને તારા બા’રે વા’ણ આ વેલીઓ ડુબાડશે. આ વૈશાખ ઉતરતા પણ સાંઠીયુ નહી સુંડાય. ગમે એમ તોય કોળી ખરો ક્ણબી નહીં. જસમતને વેલા ઉપર ધણી આસ્થા હતી છતાં આજ પંદર વરશે એને ઘડીક વિશ્વાસ ડગમગ્યો. જસમત ખરા બોપરે સીમ તરફ દોડ્યો,એના અંતરમાં એવુ થયુ કે વેલો ખરે ખર ઉંધતો હોય તો તેને પાટું મારી જગાડીશ અને મુસારાની એક કોરી પણ નહી આપુ.
સાચો સાચ ખીજડીને છાંયડે,પાણી ભરી શીતળ ભંભલીને ઓશીકે માથું રાખી વેલો ભર નીંદરમાં સુતો છે.
પણ ખેતર રેઢુ નથી પડ્યું. કોદાળી એક્લી એક્લી ખોદી રહી છે. એક્લી કોદાળી એની મેળે મેળે ઉછળીને સાંઠીઓ સૂડી રહી છે. ખેતર ગાદલા જેવું બની ગયું છે.
આ દ્રશ્ય જોઇ જસમત પટેલ અવાચક બની જાઈ છે. આ વેલો નહિ પણ કોઇ યોગી મહાપુરૂષ છે. એમના ઉપરમે શંકા કરી પાપ બાધ્યુ. પટેલને પસ્તાવાનો પાર નથી અને આંખમાંથી બોર બોર જેવા આસુ પાડી હીબકે હીબકે તે રડવા લાગ્યા કે હું આ મહાપુરૂષને ઓળખીના શક્યો, તેને મારા ધરને અભરે ભરી દીધુ અને મે તેના પર કોક્ની વાત માની અવિશ્વાસ કર્યો. હિબકાનો અવાજ સાંભળી વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઇ પાસે આવ્યો. વેલાના આવતા જસમત તેમા પગે પડી રડવા લાગ્યો. માફી માંગતા બોલ્યો કે “હે મહાત્મન આજ સુધી મે તમને ઓળખ્યા નહિ, આપની પાસે મજૂરી કરાવી અવિશ્વાસ કર્યો માટે મને માફ કરો.”
વેલો બોલ્યો ! “આતા મજૂરી મને મીઠી લાગતી, જો મને દિકરો થઇને રેહવા દિધો હોતતો, હું હજી રોકાત અને તમારી સેવા કરત. હું તો પુર્વ જન્મનું ઋણચુકવવા અવ્યો હતો. હવે મને રજા આપો. મારીબા ને રામ રામ અને નાના ભાઇઓને પ્રેમ અને આપને હ્ર્દય પુર્વક્ના વદંન. બે અદલી થઇ હોયતો માફ કરજો હું હવે જાવ છું. પુર્વનું ઋણાનું બંધ પુરુ થયુ આપણુ, ઇશ્વરના કાયદામાં સૌ બંધાયેલ છે માટે શોક ના કરશો. માંગવુ હોયતે માંગીલો આતા.” જસમત ખુબ કરગરે છે. તેની આંખોમાંથી આસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાને નમ્રતા પુર્વક નમન કરીને એટલુ કહે છે કે હવે તમે દિકરા તરીકે નહી પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. વેલો અને જસમત ધરે આવે છે. ધરે આવતા પટલાણી માં ને પતી જસમતની નાદુરસ્ત હાલત જોઇને વેલાને કહે છે કે તારા બાપુને શું થયુ? વેલો કહે છે કે બા હવે આપણી લેણાદેણી પુરી થઇ અને હવે મારે અહીથી જાવુ પડશે. આ વાત સાંભળતા જ પટલાણીની માથે આભ ફાટી પડે છે. વેલો માં ને માથે હાથ મુકી પુર્વ જન્મનું લેણદેણ એક ફીલમની જેમ દેખાડી દે છે જેથી માં ને વેલા પ્રત્યેનો પુત્રભાવનો મોહ છુટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જુવે છે. તે દિવસે સંત વેલનાથ માટે માં પોતે ખીર અને પુરીનું જમણ બનાવે છે અને બધા સાથે બેસીને જમે છે. રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા જ વેલો ક્ણબી માં અને જસમત પટેલને વંદન કરી વિદાય લે છે. વેલો જાતા જાતા વચન આપે છે કે સેજળીયા કુળનો તમારા વંસજ નો કોઇ માણસ ગીરનારે આવેલ ભૈરવ જંપે મારા વિરડે આવીને ભજન કરી મને યાદ કરશે તો તે વિરડામાં પાણી રૂપે હું પ્રગટ થઇ દર્શન આપીશ.
વેલનાથ બાપુએ પોતાનું પુર્વ જન્મનું લેણું સાથી રહી ચુક્વી દીધુ. અંતે માં-આતા અને ભાઇઓને ખુશ કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરીયા પાછા આવે છે. માતા અમરબા અને બોઘાજી વેલાની ચાતક નજરે રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેમને ખુબજ ખુશી થાય છે. વેલો માતા-પીતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. માતા પીતાના સર્વે સદગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે.
વેલો રોજ સવારે વેહલો ઉઠી નિત્ય ક્રિયામાંથી નિવૃત થઇ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી ગાયો ચરાવા સીમમા જાય છે. રોજના ક્ર્મ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય છે ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ ઘોધુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી. બોપરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચેના શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલો સાધુઓ પાસે આવેની સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઉચાં કરી સીતારામ કરે છે. વેલો કહે છે કે “મહાત્માઓ હું અહીં ગાયો ચરાવું છું, જો આપને વાંધો ના હોયતો આપ સૌ માટે દુધ દોહીને લઇ આવુ?” સાધુઓ દુધ ભરવા કમંડળ આપે છે. થોડીજ વારમાં ક્મંડળ ભરીને દુધ દોહી લાવી સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે તેમાથી એક સાધુ ધુણો પ્રગટાવી લોટમાં મોણ દઇ મોટા ગોયણા કરી ધુણામાં શેકીને બાટી બનાવે છે. આમ થોડીજ વારમાં દુધ બાટી તૈયાર થઇ જાય છે. સૌ પ્રથમ દુધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યાર બાદ સૌ સાધુ ભોજન કરે છે. સાથે વેલાને પણ દુધબાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલો સત્સંગ કરે છે અને સાધુઓને ભજન સંભળાવે છે. વેલોનો ભજનભાવ, ભક્તિ, સદભાવના, સંસ્કાર જોઈ સાધુઓ ખુબજ પ્રભાવીત થાય છે. વેલાની સેવાથી તે ખુશ થઇ કાંઇક માંગવાનુ કહે છે પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ જો તમે મને ખરેખર આપવા માંગતા હોયતો મને હજુ સુધી ગુરૂ નથી મલ્યા મને તમારો શિષ્ય બનાવો જેથી કરીને મારો જન્મ સફ્ળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દુર થાય. વેલાની તીવ્ર જીજ્ઞાસા જોઇ સાધુઓ કહે છે કે વેલાભગત અમે એક્જ ગુરૂના શિષ્ય છીએ અમારા ગુરૂ વાધનાથ છે અને તે ગીરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાનાં મંદીરની સામે આવેલ ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરૂ તરફથી હજુ અમને કોઇને પણ શીષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી માટે અમારા માંથી કોઇ પણ તને શીષ્ય બનાવી નહી શકે અને વળી અમારા ગુરૂ સુધી પોહચવું સરળ પણ નથી. પરંતુ તારી ગુરૂ પ્રત્યેની આપાર નિષ્ઠાને જોઇ અમે વાધનાથજી ને તારી જરુર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પુરી થાય. અમારા ગુરૂની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરૂપુર્ણીમાં ના દિવસેજ ખુલે છે, માટે તું ગુરૂપુર્ણીમાં પર ગુફાએ આવજે અને વાધનાથ બાપુને વિનંતી કરજે એ જરૂર તારા ગુરૂ બનશે. આમ આતુરતાથી વેલો ગુરૂપુર્ણીમા ની રાહ જોવે છે અને સમયને જતા ક્યાં વાર લાગે છે. ગુરૂપુર્ણીમા નો દિવસ આવી જાય છે. વેલો મળશકે જાગી નિત્યક્રિયા પરવારી માતા પીતા ના આશીર્વાદ લઇ ગરવા ગીરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવ ના દર્શન આશીર્વાદ લઇ, અંબાજીમાતા ની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે જેની નજીક જતા ગુફાના દ્રાર દ્રષ્ટીગોચર થાય છે. ગુફામાં દાખલ થતા એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શીલાપર આસનવાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નીનો ધુણો પ્રજ્વલ્લીત છે. આ જોગી બીજુ કોઇ નહી પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વેલાને જોઇ તે તેમની દિવ્યદ્રષ્ટી દ્વારા વેલાના જન્મ અને તે શીવજીનો અંશ છે તે હકીક્ત જાણી લે છે. વાધનાથજી વેલા ને નામથી સંબોધે છે અને કહે છે કે “બેટા વેલનાથ તું મને ગુરૂ બનાવવાના આશયથી અહીયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા, ત્યારબાદ જ હું તને નાથપંથની દિક્ષા આપી મારો શીષ્ય બનાવીશ.” ગુરૂ વાધનાથે વેલા ઉપર હાથ મુકી કહયુ, આ ગરવા ગીરનાર માં નવનાથ, ચોરાસ સિધ્ધો સાથે ભગવાન દતાત્રેયનું રહેઠાણ છે, વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહી વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગીરનારની બાર પરીક્ર્મા કરવી પડશે. મારા અશીર્વાદ તારી સાથે છે પરીક્ર્મા દરમ્યાન ક્યારેય પણ ક્પરી સ્થીતીનો સામનો કરવો પડે તો મને યાદ કરજે હું તારી પાસે હાજર થઇશ. આમ વેલો ગુરૂ વાધનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ બાર પરીક્ર્મા કરવાની શરુઆત કરે છે. રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે પણ સતત ગુરૂનામ સ્મરણથી માર્ગ એક્દમ સરળ થઇ જાય છે. પરીક્ર્મા દરમ્યાન અનેક સિધ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરીક્ર્મા પુર્ણ થતા વેલો વાધનાથજી પાસે આવીને ઉભો રહે છે. ગરૂ વાધનાથજી વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખુબજ પ્રભાવીત થાય છે. બીજે દિવસે બ્રહ્મમુર્હતમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દિક્ષા આપે છે અને વેલો હવે વેલો મટી સંત વેલનાથ બને છે. ગુરૂ કૃપાથી તેને બઘાજ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિધ્ધીઓની પ્રાપ્તી થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરૂ સેવા કરે છે. એક દિવસ વાધનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખુબ પ્રસન્ન છું મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સુરજ-ચાંદ રહેશે ત્યાં સુધી નાથપંથમા તારુ નામ અમર રહેશે. હવે તું તારા માતા પીતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગતના લોકોને ઇશ્વરનો રાહ ચીંધાળ. થોડીકવાર વેલનાથ ગુરૂ વીજોગે અવાચક બની જાઈ છે, તેની આંખમાથી અશ્રુ રોકાતા નથી. વાધનાથ બાપુ એમને માથે હાથ મુકી આશ્વાસન આપતા કહે છે કે બેટા સાધુનો જન્મ જ લોકક્લ્યાણ માટે થયો છે માટે તારે આ કાર્ય કરવા જવાનુ છે એમા તું તો માત્ર નિમીત જ છો બધુ પ્રભુ ઇરછાથી જ બને છે, માટે બેટા સ્વસ્થ થાઓ.વેલનાથ ગુરૂના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરીયા પાછા પધારે છે.
ઘરે આવતા માતા પીતાને ખુબજ આનંદ થાય થાય છે. વેલનાથ માતા પીતાને પગે લાગી આશીર્વાદ મેળવે છે. થોડા દિવસો વિત્યા બાદ માતા અમરબા વેલનાથને કહે છે કે બેટા ! અમે હવે તારા લગ્નનો લાહવો લેવા માંગીએ છીએ. જો તું હા પાડે તો તારા બાપુ સબંધ માટે સગા સબંધીમાં પુછતાછ કરી સંસ્કારી ક્ન્યા મળી જાય તો સબંધ કરી લગ્ન કરીએ. બીજે દિવસે ભગત બોધાજી પલાસવા જઇ તેના જુના મિત્ર નારાયણ માંડવીયાજીને મળ્યા. નારાયણજી ખુબજ ખુશ થાય છે. નારાયણજીએ બોઘાજીની પુરી મહેમાનગતી કરી. રાત્રે વાળુ કરી બન્ને મિત્રો વીતેલા જીવનની વાતો કરે છે. બોઘાજી વેલનાથના વેવીશાળ માટે કોઇ સુશીલ ક્ન્યા હોય તો ધ્યાન આપવાનું કહે છે. આથી નારાયણજી કહે છે કે માંડવડમાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી છે. તેમની બે દિકરીઓ લગ્ન કરવા યોગ્ય થઇ ગઇ છે. તથા તેમની પણ મને ભલામણ છે કે કોઇ વિવાહ યોગ્ય મુરતીયો બન્ને દિકરીઓ માટે બતાવે. લાખાજી નું કુટુંબ અને ક્ન્યાને જોઈ જો એક બીજાને યોગ્ય લાગે તો તો આપણે વેવીશાળ કરીએ. સવાર થતા બન્ને મિત્રો માંડવડ જાય છે. આંગતુગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા. બન્ને મિત્રોની ખુબજ સારી રીતે મહેમાનગતી કરી. બોઘાજીને લાખાજીનું ઘર ખુબ સંસ્કારી લાગ્યુ અને દેવીઓ જેવી દિકરીઓને જોઇ બોધાજીને આનંદ થયો. બોધાજી નારાયણજીને શાનમાં કહી દે છે કે મને આ ધરની દિકરીઓ પસંદ છે. નારાયણજી લાખાજીને કહે છે કે આ મારા મિત્ર બોઘાજી મકવાણા ને તમારી દિકરીઓ નુ તેના દિકરા વેલાજી માટે સબંધ લઇ આવ્યા છીએ. તમે પાદરીયા પધારો જો તમને યોગ્ય લાગે તો વેવિશાળ કરીયે. લાખાજીએ વેલનાથના સત્સંગની પ્રશંશા ઘણી સારી સાંભળી હતી, તેથી ખુશ થઇને કહે છે કે મારે ઘર જોવાની જરુર નથી. તમે કરો તે ઇશ્વર કરે તે બરાબર છે. આમ લાખાજી ઠાકોરની બન્ને દિકરીઓ મીણાબાઇ અને જશુબાઇ સાથે વેલનાથનુ વેવિશાળ નક્કી કરી રૂપીયો નાળીયેર આપ્યા અને થોડો સમય બાદ જ બન્ને દિકરીયોના ધામધુમથી લગ્ન કરી પાદરીયા વળાવી.
મીણાબાઇ અને જશુબાઇ ધરમાં આવી સાસુંમાના પગમાં પડી વંદન કરે છે. અમરબા માથે હાથ મૂકી ઓવારણા લે છે. અમરબાને અતિ આનંદ થયો. પુત્ર જેવો ગુણવાન હતો તેવીજ વહુઓ સ્વરૂપવાન અને સનાતન ધર્મના પુરા સંસ્કારવાળી હતી. અમરબા બંને સુજ્ઞ વહુઓને દરરોજ બોપરના સમયે પોતાનુ જીવન ઉન્નત બનાવવા માટે પરમાર્થીક ઉપદેશો આપે છે. આ સમયે વેલનાથ પોતાની ગાયો ચરાવા સવારથી જ જંગલમાં જતા અને પ્રકૃતીના અલ્હાદક વાતાવરણમાં, નિઃરવ શાંતિમાં બેસી ઇશ્વરનું ધ્યાનમાં તલ્લીન થય જતા. એક દિવસ વેલનાથ ફરતા ફરતા ટીંબડી નામના ગામે પોંહચી સદાચારી અને સ્તસંગી જીવન જીવતા કુંભાર પુંજા ભગતને ત્યાં આવે છે. ડેલીએ આવીને આદેશ શબ્દ બોલતા સામે પુંજા ભગત ઉભા થઇ બોલ્યા આદેશ ગુરુદેવ પધારો. વેલનાથ બાપુને બેસવા માટે આસન આપ્યુ. ગામમાં આ વાતની ખબર પડતા ઘણા માણસો બાપુનો સત્સંગ અને દર્શન કરવા એક્ઠા થયા. થોડીવારમાં પુજા ભગતના ધેર માનવ મેહરામણ ઉમ્ટયુ. લોકો વેલનાથનો સત્સંગ સાંભળવા કલાકો સુધી બેસી ગયા. પુંજા ભગતને ત્યાં બાપુ બે દિવસ રોકાણા. બીજો દિવસ પુરો થતા પુંજા ભગતે બાપુ પાસે આવીને કહ્યુ કે બાપુ! હજુ સુધીમે ગુરુ ધાર્યા નથી, તો આપ મારા ગુરુ થાવ અને મને આ ભવસાગર તરવાનો રસ્તો દેખાડો.
વેલનાથ બોલ્યાઃ ભગત! તમે પુરા જીજ્ઞાસુ અને સદાચારી છો. ગુરુ સ્વયં પરમાત્મા જ છે તેજ માનો તેજ સર્વના ગુરુ છે. પરંતુ સનાતન ધર્મની ધજા ફરકતી રાખવા તથા જીજ્ઞાસુ જીવને ચૈતન્યતા આપવા હું ક્ટીબધ્ધ છું. વેલનાથ બાપુએ પુંજાભગત કુંભાર ને પોતાના શીષ્ય બાનાવ્યા. બાપુએ કહ્યુ કે લોકોનુ ક્લ્યાણ થાય તેવુ કામ કરજો. આશરો રામનામનો જ મોટો છે. આંગણે આવેલા અભ્યાગતો, સાધુ-સંતોને રોટલો આપી તેની સેવા કરજો. આમ વેલનાથબાપુ ત્રીજા દિવસે રજાલઇ તીર્થાટન માટે ચાલી નીક્ળ્યા.
વેલાભગત ગયા પછી પુંજાભગતને વિચાર આવ્યો કે મારા ગુરુજી ગામડે ગામડે ફરી લોકહિત કરે છે તો મારે પણ આ કાર્ય કરવુ જોઇ. એમ વિચારી તે ઘરમા સભ્યોની રજા લઇ ઘરેથી ચાલી નીક્ળ્યા. ફરતા ફરતા ડેરવાવ નામના ગામે સંધ્યા સમયે પોંહચયા. ગામના ઝાંપામા જુવાનીયાઓ બેઠા બેઠા અવનવી વાતો કરતા હતા. પુંજા ભગતે કીધુ કે ભાઇઓ! આ ગામમાં કોઇ ભગતનું ઘર છે? મારે આજની રાત ત્યાં રોકાવું છે. કોઇ ટીખળયા જુવાનીયા એ કિધુ કે હા છે ને સામે ચાલ્યા જાવ કોળી રામ ઢાંગડાને ત્યાં. ડેર વાવ ગામના ખાંટોએ ભગતની મશ્કરી કરવા ક્રુરમાં ક્રુર એવા રામ ઢાંગડાનુ ઘર દેખાડ્યું. ભગત ડેલીએ આવીને રામને મળી વાત કરે છે. રામ કહે રોકાવ ભગત બેસવા માટે ખાટલો આપે છે. રામની દિકરી પાણીનો લોટો ભરી લાવી ભગતને આપે છે. પુંજા ભગત હાથ મોં ધોઇ પાણી પીવે છે. ઘરમાં આવતા જ ભગતને અજુગતુ દેખાતા ખબર પડી જાઇ છે કે જુવાનીયાઓ એ તેમની મસ્તી કરી છે. તે દિવસે રામને ત્યાં માતાનો પ્રસંગ હોય છે. ત્રણ-ચાર ભુવાઓ ધુંણતા હોય છે અને બલી ચડાવા દશ બકરા એક હરોળ માં ઉભા હોય છે. ભગત આ બધુ જોઇને અક્ળાય જાય છે પરંતુ મન શાંત રાખી સતત ગુરુ વેલનાથને યાદ કરે છે. થોડીવારમાં રામ હાથમાં તલવાર લઇ બકરાઓની વારા ફરતી બલી ચડાવા તૈયાર થતા જ જોર થી કોઇએ ચીસ પાડી અને તપાસ કરતા જણાયુ કે તેનો એક ને એક દિકરો મરી ગયો. રામ બલીને પડતી મુકી દોટ મુકે છે અને પોતાના દિકરાનુ શબ જોઇ ક્લ્પાંત કરે છે.
સવાર પડતા નનામી બંધાવા લાગી. જયારે રામ ઢાંગડાનો મદ ઉતરી ગયો ત્યારે પુંજા ભગત બોલ્યા! ભાઇ જીવ માર્યે જીવ ઉગરશે કે જીવ બચાવ્યે? તમારો એક દિકરાના જાવાથી તમે આટલા અધીરા બન્યા છો તો વિચારો તમે આ દશ જેટલા અબોલ પશુંઓની હત્યા કરવા બેઠા હતા. રામ કહે માતા પણ હોકારો દેતી નથી. શું કરુ ભગત?
“તો લે ઉપાડ આ કંઠી અને બંદુક મેલી દે”
“કોની કંઠી?”
“ગીરનારી વેલા બાવાની”
રામડે અહિંસા ની કંઠી બાંધી જાણે કેટલાય પશુંઓના જીવ ઉગર્યા. પુંજા ભગતે ગુરુ વેલનાથનું નામ લઇ પાણીની અંજલી છાંટી અને દિકરો જય ગીરનારી કરતો આળસ મરડી ઉભો થયો. બીજે દિવસે જ રામ ખડખડે જઇ વેલાબાવાના ચરણોમાં માથુ નમાવ્યું. સીધી સાદી વાણીમાં વેલનાથે એક જ વાત સમજાવી કે ભાઇ હવે હિંસા કરીશ નહિં.
આજ પાણીની હેલ ભરીને આવતા જ રામની વહુએ વાત કરીકે પાદરમાં જ નદીને સામે કાંઠે એક રોઝડુ ચરે છે. અડધુ ગામ ધરાય અને પંદર રૂપીયા ચામડાના મળે તેવુ જબ્બર એનુ ડિલ શરીર છે. કોળી! ઝટ બંધુક લઇને પોગીજા. રામ બોલ્યો મારાથી બંધુક નહિ લેવાય હું ગુરુજી વેલનાથ ના બોલે બંધાયેલો છું. રામના અંતરમાં હજી પાકો રંગ ચડ્યો નોહતો. પાપમાં રામનુ મન લપટી ગયું. બંદૂક ઉપાડી. પાદર જઇને જુએતો રોઝડુ ચરતુ હતું. નીરખીને રામના મોંમાં પાણી આવ્યું. રામે એક એક કરતા નવ ગોળી રોઝના શરીરમાં ધરબી દીધી. દિવસ આથમી ગયો હતો અને અંધારુ થઇ ગયુ હતું. ઘવાયેલ રોઝને કાલ સવારે ખોળી કાઢસુ એમ વિચારી રામડો ઘેર ગયો. રામ ડેલીએ જાઇ ત્યાં તો ખેપિયો આવીને વાટ જોતો બેઠો છે.”રામ ભાઇ! ગુરુજી બાપુ તેડાવે છે.”
“કાં કેમ ઓચિંતા?”
“પંડે પથારીવશ છે, કહ્યુ છે કે પાણી પીવાય રામ ના રોકાઇ.”
રામને બંદુક ધરે મેલવાનુય ઓંસણ ના રહ્યું. દોટ દેતા રામલો ગુરુજી પાસે પોહચ્યો અને પુછવા માંડ્યો “કેમ બાપુ ઓચિંતુ પદડે પડવુ પડ્યુ?”
રામ જાણછે તોય અજાણો બનશ, ભાઇ? નીમ તોડીને નીર અપરાધી કાયા ઉપર નવ નવ ગોળીઓ વિંધી દીધી. અરર તને દયા ન આવી. આમતો જો મારા અંગે અંગે ફાકાં. રામે ગુરુજી નુ શરીર નવ ઠેકાણેથી વિંધાયેલ દિઠું. આ લે તારી નવે નવ ગોળી. ગુરુ વેલનાથે નવ ગોળી રામના હાથમાં આપી.
“બાપુ! તમે હતા? ચોંકીને રામે પુછ્યું.
“બાપ હું નહી, પણ મારા તારા અને તમામના ધટો ઘટમાં રમી રહેલો ઠાકર હતો. અરેરે રામલા તારુ મન ચામડામાં લોભાણું?”
સન્મુખ છીપર પડી હતી. બંદૂક્ને તેના પર પછાડી રામે ક્ટકા કર્યા. વેલાબાવા ના પગ ઝાલી બેસી ગયો. નેત્રમાંથી ચોધારા આંસુએ રડવા લાગ્યો. મોં માથી શબ્દો નિક્ળતા નથી.
“રામ! હવે ધરે જા !”
“ઘર તો હવે આ ધરતી માથે નથી રહ્યુ, બાપુ!”
“અરે જાછે કે નહી, નીકર તારા રાય રાય જેવા ટુક્ડા કરી નાખુ?”વેલનાથે આખું રાતી કરી.
“નહિ જા, એમ? એલા શંકરગર! તલવાર થી એના ક્ટકા કરી ભોંમાં ભંડારી દે. એ વિના આ પાપીયો નહિ ખસે.”
“ઠિક શંકરગર મને ગોળાના પાણી ભરી લેવા દે પછી એના ટૂંક્ડા કરી નાખ્યે”.વેલનાથે પાણી ભરવાના બહાને રામને રફુચકર થવાની તક આપી. રામ સન્મુખ આવીને મોતની વાટ જોતો રહ્યો.
છેલ્લી વાર ગુરુએ ત્રાડ પાડીઃ “જાછ કે નહિં?”
“ના,બાપુ!”
વેલનાથે છરી ખેંચીને છલાંગ દીધી. રામને પછાડી, એની છાતી પર ચડી બેઠા. છૂરી છાતીમાં જવાની તૈયારી હતી, તોય રામલો ના થડક્યો. એને તો જાણે અંતરમાં અંજવાળુ થયું. એના કંઠમાંથી આપો આપ વાણી ફૂટી. ગુરુના ગોઠણ નીચે ચંપાઇને પડ્યા પડ્યા. મોતની છૂરી મીઠી લાગતી હોય તેવા તોરમાં, એણે આપજોડ્યુ ભજન ઉપાડ્યું.
જેમ રે ઉંડળમાં વેલે રામને લીધો,
પ્રેમના પ્યાલા વેલે પાઇ પીધા!
મેરુ રે શિખરથી પધાર્યા મારા નાથજી.
મૃગ સ્વરુપે આવી ઉભા રે,
રામને ચળવા રૂખડીયો આવ્યાં,
પૂરણ ઘા પંડે લીધાં-જેમ
આંખોમા શરણાગતીની મીઠાસ સાથે ગુરુ વેલનાથ ના પગ નીચે રામે એક પછી એક ભજન બોલવા લાગ્યો. ગુરુ હજુ ઉતરતા નથી. આમ પાંચ ભજનો બોલ્યા પછી ગુરુ વેલનાથનું હદય પીગળી ગયું. પાપીની પરીક્ષા પુરી થઇ. રામડો સીધ્યો અને રામૈયો બન્યો. રામે ભજનમાં ભૈરવ જંપના પહાડ પર રમનારો, વાસુકી સાથે ખેલનાર કુષ્ણ તથા રૂખડીયો કહી બિરદાવ્યા. આમ રામૈયાએ ગુરુ વેલનાથને સંબોધી ૩૬૦ ત્રણસો સાઇઠ ભજન રચ્યા.
આવા અનેક પરચાઓ વેલનાથના છે જેમા મુખ્ય પરચા માં એક જુનાગઢ કાળવા ચોકમા ગીરનારી બાવાઓની ફોજે પારખા કરતા વણિક પુત્રને જીવન દાન આપ્યુ. અને બીજો દત ગુરુ મહારાજ પોતે ચલમ પીતા અને ત્યાંથી સખી દાતાર મોક્લતા. વેલનાથ બાપુ આ એક્લી આખાશમાં ચલમ આપ મેળે ઉડતી જોઇ. પછી પોતે વિચાર્યું કે આ ભગવાન દતની પ્રસાદી તેના સાથીદારને મોક્લે છે લાવને હું શા માટે પ્રસાદના લવ? પોતે પોતાની યોગશક્તિથી ચલમને હેઠે ઉતારી પાછી મોક્લે છે. આમ થોડા દિવસ બન્યુ. ત્યાર બાદ દાતાર મહારાજને ખબર પડતા તે ગુરુ દત પાસે જઇ વાત કરી. દત મહરાજે ગુરુ વાધનાથને વેલનાથને ને લઇ આવવા નો આદેશ કર્યો. ગુરુ વાઘનાથ અને વેલનાથે ગુરુ દતના પાસે પોંહચી દંડવત પ્રણામ કર્યા. વેલનાથના યોગબળ અને તપસિધ્ધી જોઇ ખુબ ખુશ થઇ નાથપંથના સંપુર્ણ રહસ્યોના ઉપદેશ અને આશીર્વાદ આપ્યા.
વેલનાથ બાપુએ પાદરીયા ગામમાં છેલ્લી સતસંગ સભાને સભાને સંબોધી. માતા અમરબા પિતા બોઘાજી અને મીણાબા તથા જશુબાને લઇ ભવનાથ પાસે આવેલ વેલાવડની જગ્યામાં આવી પોંહચ્યાં. જયાં વેલનાથ બાપુએ અગાઉથી જ સદાવ્રત ચાલુ કરેલો. માતા પિતા આશ્રમની સુયોગ્ય વ્યવસ્થા જોઇ ખુબ રાજી થયા. વળી આ જગ્યામાં પુરતો છાંયો ન હોવાથી વેલનાથ બાપુએ વડલાની એક ચીર રોપી. તેને પાણી પાયુએ અને જગ્યામાં આવેલ સાધુઓની જમાતને કહ્યુ આવો અહિં આરામ કરો. શરુઆતમાં લોકોને એમ લાગ્યુ કે વેલનાથ મસ્તી કરે છે. પણ બધા જોવે તેમ આ વડલો એક વિઘા જમીનમાં થોડીજ વારમાં ઘટાટોપ થઇ ગયો. જગ્યામાં સર્વત્ર ઠંડા છાંયાની ઠંડક વ્યાપી ગઇ. આ જગ્યા વેલનાથના ‘વેલાવડ’ નામે પ્રસીધ્ધ થયો. ઘણો સમય આશ્રમમાં વિતાવ્યા બાદ વેલનાથજી સમાજ દર્શન અને ધર્મપ્રચાર અર્થે યાત્રા પ્રવાસે જવાનુ વિચારે છે. માતા પિતાની સંમતી લઇ આશ્રમનો ભાર સોંપી ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડે ગામડા ફરી વળી રાજસ્થાનના જેસલમેરમાં આવે છે. ત્યાંના પશ્ચિમ દરવાજે આવી ચોગાનમાં ધૂણી ચેતવી મુકામ કરે છે. ત્યાંના મહારાજા જસવંત સિંહ તેમના દર્શન માટે પધારે છે.અને વેલનાથને મેહેલમાં પધારવા આમંત્રણ પાઠવે છે. મહારાજા ના શુધ્ધ ભાવને જોઇ વેલનાથ કહે છે સાધુના આસન તો જંગલમાં ભલા. તમારુ ક્લ્યાણ થાવ અને આ ભભૂતી તમારા આખા મહેલમાં છાંટી દેશો ક્લ્યાણ થશે. વળી બાપુને મહારાજા જસંવત સિંહને સંતાન ન હોવાની મનની વાત જાણી લઇ બે પુત્ર રત્નના આશીર્વાદ પણ આપ્યા. સમય જતા મહારાણીએ બે જોડાકા કુમારોને જન્મ આપ્યો. આ સાથે વેલનાથ બાપુએ મેડતા અને મેવાડનો પણ યાત્રા પ્રવાસ કર્યો. ત્યાંથી નિક્ળી કાશીક્ષેત્ર અને ત્યાંર બાદ શત્રુંજય પર્વતની યાત્રા કરી. શત્રુંજય જૈન તીર્થોના દર્શન કરતા કરતા રાત્રી થઇ ગઇ એટલે વેલનાથબાપુએ ડુંગર ઉપર જ રાત્રી રોકાણ કરવાનું વિચાર્યું. રાત્રી વિશ્રામ કરતા હતા ત્યાં મધ્યરાત્રીએ ચોકીદાર આવી વેલનાથ બાપુને ભર નિંદરમાંથી ઉઠાળ્યા અને ત્યાના મહાજન પાસે લવવામાં આવ્યા. વેલનાથજી મહાજનને કહે છે કે હું ચોર નથી પણ એક સાધુ છું. દર્શન કરતા કરતા રાત્રી પડી ગઇ હોવાથી મારે ડુંગર ઉપર જ ઉંધવુ પડ્યુ અને આ તમારા ચોકીદાર મને ચોર સમજી તમારી પાસે લાવ્યા. ચોર કાંઇ રાત્રે ઉંઘતા પક્ડાય, હું ચોર નથી માટે મને મુક્ત કરો. મહાજન સમજદાર હતા માટે બોલ્યા કે જો તમે ચોરના હોયતો તમારી નિર્દોષતાની ખાતરી આપો. ત્યારે વેલનાથ દાદાએ બાજુમાં જ આવેલ મહાવીર સ્વામીના મંદિરમાં લઇ જવાનું કહયું અને ત્યાં મહાવીર સ્વામીની મૂર્તી સામે નજર કરતા જ મૂર્તીમાં વાંચા ફુટી મુર્તીનુ મુખ ઉઘડ્યુ અને મૂર્તી બોલવા લાગી કે “આ કોઇ ચોર નથી, આ સિધ્ધ ગીરનારી સંત વેલનાથ છે, તેને રંજાડશો નહીં.” આથી મહાજન અને ચોકીદાર વેલનાથ દાદાના પગમાં પડ્યા અને માફી માંગી. આમ પાલીતાણા શત્રુંજય પર્વતની યાત્રા પુર્ણકરી વેલનાથ જુનાગઢ પધાર્યા.
જુનાગઢ ભવેશ્વર પાસેના આશ્રમે આવી માતા-પિતાના ચરણ વંદન કર્યા. લાંબા તીર્થાટન પછી વેલનાથના આવવાથી માતા અમરબા ખુબ ખુશ થયા અને બોલ્યા દિકરા હમણા તારે અમારાથી દૂર જાવાનુ ટાળવુ કેમકે અમારે આવતી જ અગીયારસે આ દેહ છોડવાનો છે. અમારે બને એટલુ પ્રભુ ભજન કરવુ છે. આશ્રમની બધીજ જવાબદારી બાપુએ પોતાના ઉપર લઇ લીધી. સમય જતા ક્યાં વાર લાગે છે. અગીયારસના પવિત્ર દિવસે અમરબા અને ભગત બોધાજી ભવનાથ દાદા ના દર્શન કરી, હાથમાં શ્રીફ્ળ લઇ પદ્માસન વાળી ॐ નમઃ શિવાય નો જાપ જપતા જપતા બરાબર બાર ના ટકોરે મધ્યાહન સમયે દેહ છોડ્યો. બંને વહુઓ અને હાજર સ્વજનો રડવા લાગ્યા. વેલનાથ બાપુએ સર્વેને સાંત્વના આપેવ શાંત કર્યા. માતા પિતાના પાર્થીવ દેહને આશ્રમમાં જ અગ્ની દાહ આપ્યો. ત્યાર પછી બારમાં દિવસે ભંડારો કર્યો અને ગીરનારના સર્વ સાધુ સંતો આ ભંડારામાં પધાર્યા. સતત ત્રણ દિવસ સુધી આ ભંડારાનુ કાર્ય ચાલુ રહયુ.
પૂજ્ય અમરમાં અને પૂજ્ય બોઘાજી પોતાનું આ દુનિયામાં આવવાનું કામકાર્ય અને ૠણાનુબંધ પુરુ થતાં સ્વધામ ગમન કર્યા બાદ. વેલાવડની જગ્યામાં વેલનાથ બાપુ અને મીણામાં તથા જશુમાં પોતાના શિષ્ય ગણ સાથે રહી આશ્રમમાં અવતા દરેક્ની પુર્ણ ભાવથી સેવા કરે છે. વેલનાથ બાપુ બંને સહધર્મચારીણી પત્નીઓને શિખામણ આપે છે કે આપણું આ દુનિયામાં આવવાનું પ્રયોજન પુરુ થયું છે. તેથી થોડા સમયમાં સ્વધામ ગમન કરવાનો સમય આવવાનો છે. માટે જેટલું બને તેટલું ભગવાનનું ભજન પુરા ભાવથી કરી પરમાત્મા સ્વયં લેવા આવે તેમ જીવન ઉજ્જવળ બનાવી દો. મીણાબા અને જશુબા બન્ને વેલનાથ બાપુનાં આદેશ ને માથે ચડાવી તે પ્રમાણે વર્તવા લાગ્યા. અને કહ્યુ કે જ્યારે સ્વધામ જવાનુ થાય ત્યારે અમને કેહશો ત્રણેય સાથેજ પરિયાણ કરીશું.
વેલનાથ બાપુની હરેક મહેચ્છાઓ અને ઋણાનું બંધ પૂર્ણ થઇ ગયા છે. કાંઇપણ ફરજનું કાર્ય બાકી નથી. તેથી મન ઉદાસ બની ગયુ છે. તેથી પોતે પદ્માસન વાળી અંતીમ ધ્યાનમાં પ્રવૃત થઇ ગયા. ધ્યાનમાં આખી રાત્રી પસાર કરી નાખી. પરોઢીયે ગુતુદત્ત પોતાના ઇષ્ટદેવનો આદેશ સાંભળ્યો. વેલનાથ ! તારું કાર્ય પુર્ણ થયું છે. શ્વાસોશ્વાસ પણ સૂર્ય ઉગતાજ પુરા થઇ જશે. તો તું ગીરનાર પર જ ભૈરવજપ માંથી સૂર્ય ઉગતાજ શરીર છોડી દેવા આવીજા અમે તારી રાહ જોતા નીચે ઉભા છીએ.
વેલનાથ બાપુએ હાથ જોડી આદેશ માથે ચડાવી બોલ્યા- પ્રભુ હું તૈયાર છું. પરંતુ અમો ત્રણી સાથે આવવાનું નક્કી કરેલ છે. આકાશમાંથી અવાજ આવ્યો મીણા અને જશુ બન્નેના એક દિવસના શ્વાસોશ્વવાસ અને અવધિ બાકી છે. તેથી બીજા દિવસે તેમને લેવા આવવાનું છે. તેમને લેવા તું પણ સાથે આવીશ.
વેલનાથ બાપુ તરત ઉભા થઇને પોતાની નિત્યક્રિયા પતાવી આશ્રમવાસીઓને મૂક આશીર્વાદ આપી ગીરનાર પર્વત પર ચાલી નિક્ળ્યા. બન્ને પત્નીઓને મળવાનો સમય જ નોહતો આથી વગર કહ્યે ચાલી નીકળી ગીરનાર પર્વતના પગથીયા ઝડપથી ચડવા લાગ્યા કારણ સમય ઓછો હતો.
વેલનાથ બાપૂ સૂરજ ઉગતા પેહલા અંબાજીનાં મંદિર પોહચી ગયા. મંદિરમાં જઇ અંબાજી વંદન કર્યા અને બોલ્યા છેલ્લા વંદન કરવા આવ્યો છું માં મને આ સંસારમાંથી જવા માટેની રજા આપો. જગદંબા અંબાજીના શ્રી વિગ્રહ ઉપર ગુલાબનુ ફુલ હતુ તે નીચે પડ્યુ. જેથી વેલનાથ ખુબ ખુશ થયા કે માં એ રજા અને આશીર્વાદ બન્ને આપી દીધા. પછી મંદિરની બહાર નિક્ળી વેલનાથ પાછળ આવેલ ભૈરવજંપની જગ્યાએ આવ્યા. ત્યાં બરોબર સૂર્યનું કિરણ ફુટ્યું. વેલનાથ બાપુ બોલ્યા હે દિવ્ય ભાસ્કર હું આપને બે હાથ જોડી વંદન કરુ છું. તમે આ સૃષ્ટીના પ્રત્યક્ષ દેવ છો. હે દેવ હું આ અવની પરથી જવા વિદાય માંગુ છું. ત્યાંજ સુર્યનારાયણ ભગવાન પુર્ણ પ્રકાશીત થયા અને પોતાના કિરણોનો પુર્ણ પ્રકાશ ફેકી વેલનાથને આશીર્વાદ આપ્યા. બરાબર છેલ્લો શ્ર્વાસ ભરી ગુરુદતને યાદ કરી વેલનાથજીએ ભૈરવજંપ પરથી પડતુ મુકી દીધું. પોતાને આત્મા તેજપુંજ સ્વરુપે શરીરમાંથી નીક્ળી ભગવાનના પરમધામ પોંહચી ગયો અને શરીર અદ્રશ્ય થઇ ગયું. આમ વેલનાથ દાદા ભૈરવજંપે સમાધિસ્ત થઇ ગીરનારમાં જ સમાય ગયા.
સવાર પડી મીનાબા તથા જશુબા બંન્ને બહેનો આશ્રમમાં જાગૃત થયા. નિત્ય ક્રિયા પતાવી વેલનાથબાપુના દર્શન કરવા તેના ક્ક્ષમાં ગયા પણ વેલનાથ ક્યાંય મલ્યા નહિ. તેને વેલનાથ બાપુની વિદાયનો અંસાર આવી ગયો. બન્ને બેહનો અક્ળી ઉઠ્યા કે બાપુ સાથે જવાનુ વચના આપી એક્લા જ ચાલ્યા ગયા, તેના અંતરનો અવાજ ગળગળો થઇ ગયો. આંખમા શ્રાવણ ભાદરવાની જેમ આંસુ ચાલુ થયા અને સતત વેલનાથ દાદાને પ્રાથના કરવા લાગ્યા. મીણામાં અને જશુમાં ની પ્રાથના સાંભળી વેલનાથ ત્યાં આશ્રમમાં જ પ્રગટ થયા. બન્ને પત્નિઓને આશ્વાસન આપ્યુ અને બોલ્યા કે તમારા એક દિવસના શ્વાસ હજુ બાકી હતા આથી મારે એક્લુ જ જવુ પડ્યું. પણ હવે ચિંતાનુ કોઇ કારણ નથી હું મારા આપેલ વચનને પાળવા જ આવ્યો છું. ત્યાંજ ભગવાન ગુરુદત્ત પધાર્યા, મીણાબા, જશુમા અને વેલનાથ દાદાએ તેમને નમન કર્યા. ભગવાન બોલ્યા આપનુ અવતારી કાર્ય પુર્ણ થયુ છે હવે તમે પરમધામ તરફ પ્રયાણ કરો, મારા આશીર્વાદ તમારી સાથે જ છે.
મીણાબા અને જશુમાં પૃથ્વી માતાને પ્રાથના કરે છે. હે જગત જનની માતા જો અમે તન મન ધનથી પતિવ્રત ધર્મનું સાંગોપાંગ પાલન કર્યુ હોયતો અમને તમારા ખોળે આશરો આપો. અમારા શરીરને તમારામાં સમાવી લો. તરત ત્યાં પૃથ્વીના બે ભાગ થયા અને બન્ને બેહનો તેમા સમાય ગયા. આમ મીણાબા અને જશુમાં વેલાવડની પવિત્ર જગ્યામાં સમાધિષ્ટ થયા. તેમની સમાધિ તેમની સાક્ષી પુરતી આજે પણ હયાત છે.
નામઃ વેલનાથજી
ગુરૂનું નામઃ વાઘનાથજી
દાદાનું નામઃ ભગત અમરાજી ઠાકોર
પિતાનું નામઃ ભગત બોધાજી
માતાનું નામઃ અમરબા
શાખઃ મકવાણા
જ્ઞાતીઃ ચુંવાળીયા કોળી
જન્મઃ સંવત ૧૪૪૫ અષાઢ સુદ-૨ બીજનાં વેહલી સવારે
જન્મ સ્થળઃ પાદરીયા જુનાગઢ જીલ્લો.
પત્નીનું નામઃ મીણામાં અને જશુમાં
સસરાઃ જુનાગઢ જીલ્લાના માંડવડ ગામના લાખાજી ઠાકોર
માહિતી-સાભારઃ
વિરમદેવસિંહ.પઢેરીયા-ધંધુકા
કરમણભાઇ.ચૌહાણ-લગદાણા
કિશોરભાઇ.પટગીર- સુરત
ચિત્રાંક્ન-છબીઃ
કરશનભાઇ.ઓડેદરા- પોરબંદર
પ્રેષિત-સંક્લનઃ
મયુર.સિધ્ધપુરા-જામનગર
9725630698
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો