ગુજરાત વાવો માટે પ્રખ્યાત રાજ્ય છે, એમાં ય અમદાવાદ તો એને માટે બહુજ પ્રખ્યાત છે. જેટલી પ્રખ્યાત અડાલજની વાવ છે એટલી જ પ્રખ્યાત દાદા હરિનીની વાવ છે ……
શહેરમાં ઘણીબધી વાવ આવેલી છે.. જેમાં દાદા હરિની વાવ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ૧૫૦૧ માં બાંધવામાં આવેલી વાવ પાછળનો હેતુ ખૂબ ઉમદા હતો, વટેમાર્ગુને છાંયડો અને પાણી મળે રહે તે હેતુથી તેને બાંધવામાં આવી હતી. વાવની બાંધણીમાં ખૂબ નજાકત જોવા મળે છે. ઘણી જગ્યાએ કરાયેલું નકશીકામ મનમોહક છે. વરસો વિતતા ગયા વાવના નકશીકામમાં પણ ઉમેરો થતો ગયો. અષ્ટકોણ પ્રકારની વાવ હિન્દુ અને ઈસ્લામિક આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે. જેમ જેમ તમે વાવમાં ઉપરના પગથિયા ચઢતાં જશો તેમ તેમ પક્ષીઓ, પ્રાણીઓ અને મનમોહક આકૃતિઓ જોવા મળશે અને સાથે સાથે તમને સંસ્કૃત અને એરેબિક ભાષામાં લખાણ પણ જોવા મળશે.
વાવનો સુંદર નજારો માણવો હોય તો વહેલી સવારે જશો તો સૂર્યના કિરણો વાવની અંદર સંતા-કૂકડી રમતાં હોય તેવુ અનુભવાશે. વર્ષો સુધી વાવે વટેમાર્ગુઓને છત, છાંયો અને પાણીની સુવિધા પૂરી પાડી છે. વાવની બરોબર પાછળ સુલ્તાની મસ્જિદ છે. તેની કોતરણી પણ બેનમૂન છે. તેના પટાંગણમાં એક નાની ગુફા છે. જ્યાંથી કાલુપુર નીકળાય તેમ કહેવાય છે. દિવાળીની રજાઓમાં ફરવાની સાથે આપણા શહેરમાં અસારવા ખાતે આવેલી વાવનો નજારો જોવા માટે સમય કાઢવા જેવો છે. વાવની મુલાકાતનો સમય સવારે ૯થી સાંજે ૫ સુધીનો છે. કોઈ એન્ટ્રી ફી નથી.
શહેરના અસારવામાં આવેલી બે પ્રવેશદ્વાર અને છ માળ ધરાવતી દાદા હરિની વાવ એ આપણી સંસ્કૃતિની ધરોહર છે.
અંત:પુરની એક એવી સ્ત્રી કે જેની યાદમાં આખી વાવનું નિર્માણ થાય તે રાજાશાહીના સમયમાં સ્ત્રીને મળતાં સન્માનની યાદ અપાવે છે. અમદાવાદના અસારવાની દાદા હરિની વાવ સ્ત્રી શક્તિના સન્માનની યાદનો પુરાવો છે. હિન્દુ સ્થાપત્યમાં વાવનું વિશેષ મહત્ત્વ છે. સ્થાપત્યકલાની રીતે જોઈએ તો શહેરના અસારવામાં આવેલી દાદા હરિની વાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
સુલતાન મહેમૂદ બેગડાના સમયકાળ દરમિયાન તૈયાર થયેલી આ વાવ ૧૪૯૯માં બંધાઈ હતી. તે વખતે તેનો ખર્ચ ૩,૨૯,૦૦૦ મહમૂદી ફદિયા જેટલો થયો હોવાનું મનાય છે. વાવ મુસલમાન કારભારી મલિક બીહામંદની દેખરેખ હેઠળ હિન્દુ સ્થપતિ ગજ્જર વૈસ અને સુથાર દેવાએ બાંધી હતી. ઈતિહાસકારોના મંતવ્ય મુજબ બેગડાને ખલીલખા નામનો એક પુત્ર હતો જે મુઝફ્ફરશાહ બીજો નામ ધારણ કરીને ગાદીએ બેઠો હતો અને તેની ધાવ માતાનું નામ હરિબાઈ હતું. મહીકાંઠાના રજપૂત રાણાની તે પુત્રી હતી. આ બાઈ હરિએ અસારવા નજીક હરિપુર ગામ પણ વસાવેલું. વાવ સાથે એક એવી પણ લોકવાયકા જોડાયેલી છે કે હરિબાઈ પાસે ઘણાં કિમતી ઝાંઝર હતાં તે પૈકી એક ઝાંઝર વેચીને આ વાવનું નિર્માણ કર્યું હતું.
દાદા હરિની વાવને ભદ્ર પ્રકારની વાવ કહી શકાય. બે પ્રવેશદ્વાર અને છ માળની વાવની લંબાઈ ૨૪૧.પ ફૂટ છે જ્યારે અંદરના મંડપ ૧૬ ફૂટના છે. તેમાં પણ અષ્ટકોણ કૂવાનો અંદરનો ચોરસ ભાગ ૨૪ ફૂટનો છે. જો કે આ વાવના થાંભલા સાદા છે અને પગથિયા ઉતરતી વખતે દરેક બેઠકમાં ગોખલા મૂકેલા છે. તેમાં દેવી દેવતાના શિલ્પો જોવા મળે છે જો કે હવે તો આ શિલ્પો ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. અડાલજની વાવ પછી આ વાવ સ્થાપત્યની રીતે જોતાં મુલાકાતીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
સ્થાપત્યનો ત્રિવેણી સંગમ
દાદા હરિની વાવ સ્થાપત્યનો ત્રિવેણી સંગમ છે. જ્યાં વાવ, મસ્જિદ અને રોઝો એમ ત્રણેય એક સાથે જોવા મળે છે. દાદા હરિની વાવ તરીકે ઓળખાતી આ વાવ આમ તો બેગડાના સમયમાં અંત:પુરની દાસી પ્રકારની મહિલા હરિબાઈ જેનું કામ રાણીના સંતાનોને સ્તનપાન કરાવવાનું હતું તેની યાદમાં ૧૪૯૯માં બંધાઈ છે. આવી બાઈઓને અંત:પુરની સર્વાધિકારીણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભદ્ર પ્રકારની આ વાવ હિન્દુ સ્થપતિએ બાંધી છે પણ ઈસ્લામિક સ્ટાઈલમાં જે તે સમયના સ્થાપત્યમાં પણ એકતાનું પ્રતિક છે. બાંધકામની યોજનામાં બે-ત્રણ-ચારના ગુણાકારમાં તેનું નિર્માણ થયું છે. અહીં સ્થાપત્યનો ત્રિવેણી સંગમ સર્જાયો છે એટલે આ સ્થળ વટેમાર્ગુઓ માટે વિસામો કરવાનું હશે એવું માની શકાય.
અમદાવાદની એક ખાસ વિશેષતા એ છે કે તેણે સદીઓ જૂની વાવો જાળવી રાખી છે. વાવ એ માત્ર જળ સંચય માટેનું જ સાધન ન હતું, શીલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ વાવો અદ્ભૂત હતી. મંદિર, દેરાસર અને મસ્જિદ ધાર્મિક સ્થાપત્ય છે. તેનો હેતુ તરસ્યા મુસાફરને પાણી પાવાનો તથા આશ્રય આપવાનો હતો. સામાન્ય રીતે એક ગામ કે નગરથી બીજા ગામ કે નગર સુધીની લાંબી મજલ કાપતા મુસાફરોની સગવડ માટે વાવનાં સ્વરૂપમાં જળાશયોની રચના ધોરી માર્ગ પર થતી.
આ વાવનું બાંધકામ સુલ્તાની બાઇ હરિરે ઇ.સ. ૧૪૮૫માં કરાવેલું. દાદા હરિની વાવમાં રહેલ સંસ્કૃત શિલાલેખ મુજબ સાત માળની વાવનું બાંધકામ ઇ.સ. ૧૫૦૦માં થયેલું છે. મહમદ શાહના શાસનમાં બાઇ હરિર સુલ્તાની, જે સ્થાનિક લોકોમાં ધાઈ હરિર તરીકે જાણીતા હતા, તેમણે આ વાવનું બાંધકામ કરાવેલું. સુલ્તાની રાણીવાસમાં મુખ્ય નિરિક્ષક હતો. આ નામ પછીથી દાદા હરિરમાં ફેરવાઈ ગયુ. દરેક જગ્યાએ સુંદર કોતરણી ધરાવતી આ વાવનું બાંધકામ ૩,૨૯,૦૦૦ મહમુદીઓ (રૂપિયા 3 લાખથી વધુ)ના ખર્ચે તે સમય થયું હતું.
વાવમાં કુવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે જે જુદા ઝરુખાના સ્તર પરથી નીચે જાય છે
A. મુખ્ય કૂવો, અષ્ટકોણીય.
B. સર્પાકાર નિસરણી જે પાણીની સપાટી સુધી જાય છે.
C. સિંચાઇ માટેનો કૂવો.
D. બાજુના ઝરુખામાંનું લખાણ.
E. છત્રીકાર બાહ્ય પ્રવેશદ્વાર. ઉપરનો ઝરુખો
દાદા હરિની વાવને ભદ્ર પ્રકારની વાવ કહી શકાય. બે પ્રવેશદ્વાર અને છ માળની વાવની લંબાઈ ૨૪૧.પ ફૂટ છે. જ્યારે અંદરના મંડપ ૧૬ ફૂટના છે. તેમાં પણ અષ્ટકોણ કૂવાનો અંદરનો ચોરસ ભાગ ૨૪ ફૂટનો છે. જો કે આ વાવના થાંભલા સાદા છે અને પગથિયા ઉતરતી વખતે દરેક બેઠકમાં ગોખલા મૂકેલા છે. તેમાં દેવી દેવતાના શિલ્પો જોવા મળે છે જો કે હવે તો આ શિલ્પો ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. અડાલજની વાવ પછી આ વાવ સ્થાપત્યની રીતે જોતાં મુલાકાતીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ વાવ અડાલજની વાવ જેટલી જ બેનમુન છે, ખબર નહીં કેમ પણ લોકો અડાલજની વાવ જોવાં વધુ જાય છે અને આ અદ્ભૂત વાવ જોવાં ઓછાં. મારું તો સ્પષ્ટપણે માણવું છે કે આ વાવ જોવાં દરેકે એકવાર તો જવું જ જોઈએ !!!!
———- જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
- પાટણની રાણકી વાવ
- ગુજરાતની વાવો નો ઈતિહાસ
- ✍ બોરસદની વાવ ✍
- અમૃતવર્ષિણી વાવ – પાંચ કુવા (અમદાવાદ)
- જેઠાભાઈની વાવ – ઇસનપુર (અમદાવાદ)
- અડાલજની વાવ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો