વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.
આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું, ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે. આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે : મટકુંયે નથી માર્યું. જાગીને મનમાં મનમાં ગાયા કર્યું છે કે –
વીરા, ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,
વીરા, ક્યાં લગણ જોઉં તમારી વાટ રે,
મામેરા વેળા વહી જાશે રે.
ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશાભરી ઊઠી ઊઠીને એણે ડેલીમાં નજર કર્યા કરી છે. પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનના ક્યાંયે વાવડ નથી.
એ શોકાતુર માનવી બીજું કોઈ નહિ, પણ વરરાજાની ખુદ જનેતા છે. જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા ? એને તો કંઈક કંઈક રિસામણાનાં મનામણાં કરવાના હોય, સંભારી સંભારી સહુ સગાંવહાલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય.
એ બધું હોય, પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી. રાજાજી આવી આવીને એને મે’ણાં મારતા હતા : “કાં ! કહેતાં’તાં ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે. કાં ગાંફથી પહેરામણનું ગાડું આવી પહોંચ્યું ને ? તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા ને શું !”
ઊજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતાં : “હા ! હા ! જોજો તો ખરા, દરબાર ! હવે ઘડી-બે-ઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું. આવ્યા વિના એ રહે જ નહિ.”
પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું. ગેાખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઊડે છે ! ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે ! પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી. એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો : “ બા, જે શ્રીકરશન !”
સાંભળીને રાણીએ નીચે નજર કરી. ગાંફના ચમારને ભાળ્યો – કેમ જાણે પોતાનો માનો જાયો ભાઈ આવીને ઊભો હોય, એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો; કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું. એ બોલ્યાં: “ઓહોહો ! જે શ્રીકરશન ભાઈ ! તું આંહીં ક્યાંથી, બાપુ ?”
“બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવ ને, બાનું મોઢું તો જોતો જાઉં, પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય, ભામણબામણ ઊભા હોય. એટલે શી રીતે જવાય? પછી સૂઝ્યું ગોખેથી ટૌકો કરતો જાઉં !”
“હેં ભાઈ ! ગાંફના કાંઈ વાવડ છે ?”
“ના. બા ! કેમ પૂછ્યું ? વીવાએ કોઈ નથી આવ્યું ?”
રાણી જવાબ વાળી ન શક્યાં. હૈયું ભરાઈ આવ્યું. ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યાં. ચમાર કહે : “અરે, બા ! બાપ ! ખમ્મા તમને, કાં કોચવાવ ?”
“ભાઈ ! અટાણે કુંવરને પે’રામણીનો વખત છે. પણ ગાંફનું કોઈ નથી આવ્યું. એક કોરીય મામેરાની નથી મોકલી. અને મારે માથે મે’ણાંના મે વરસે છે. મારા પિયરમાં તે શું બધાં મરી ખૂટ્યાં ?”
“કોઈ નથી આવ્યું ?” ચમારે અજાયબ બનીને પૂછ્યું.
“ના બાપ! તારા વિના કોઈ નહિ.”
ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું. મારા વિના કોઈ નહિ ! – હાં ! મારા વિના કોઈ નહિ ! હું ય ગાંફનો છું ને ! ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું ? આ બે’નડીનાં આંસુડાં મારાથી શું દીઠાં જાય ? એ બોલી ઊઠ્યો : “બા ! તું રો તો તને મારાં છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ ?”
“અરેરે ભાઈ ! તું શું કરીશ ?”
“શું કરીશ ? બા, બાપુને હું ઓળખું છું. આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય ! પણ હું એને ઓળખું છું. હવે તું હરમત રાખજે હો, મા ! શું કરવું તે મને સૂઝી ગયું છે.”
એમ કહીને ચમાર ચાલ્યેા. દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા : “ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો, ઝટ મોઢે થાવું છે.”
દરબાર બહાર આવ્યા. તેમણે ચમારને દેખ્યો; મશ્કરીનાં વેણ કાઢ્યાં , “કાં, ભાઈ ! મામેરું લઈને આવ્યા છો કે ?”
“હા, અન્નદાતા ! આવ્યો છું તો મામેરું લઈને જ.”
“એમ ! ઓહો ! કેમ, તમને મોકલવા પડ્યા ? ગાંફના રજપૂત ગરાશિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?”
“અરે, દાદા ! ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણ થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે.”
“ત્યારે તો મામેરાનાં ગાડાંની હેડ્ય વાંસે હાલી આવતી હશે, કાં ?”
“એમ હોય, બાપા ! ગાંફના ભાણેજનાં મોસાળાં કાંઈ ગાડાંની હેડ્યુંમાં સામે ?”
“ત્યારે ?”
“એ અમારું ખસતા ગામ કુંવરને પે’રામણીમાં દીધું.”
દરબારે મોમાં આંગળી નાખી : એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઈ હશે. એણે પૂછ્યું : “કાંઈ કાગળ દીધો છે ?”
“ના દાદા ! કાગળ વળી શું દેવો’તો ! ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજાગતા માનવીથીયે કાગળની કટકીની આંઈ વધુ ગણતરી હશે !”
ચમારનાં તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ઢોર ચીરનારો આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મે’ણાંના ઘા પડતા હતા તે થંભી ગયા. બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરના અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે. એટલે મૂઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો, જઈને દરબારને મોઢામોઢ વેણ ચોડ્યાં:
“ફટ્ય છે તમને, દરબાર ! લાજતા નથી ? ઓલી બેનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડાં પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે. અને તમે આંહીં બેઠા રિયા છો ? બાપુ ! ગાંફને ગાળ બેસે એનીય ખેવના ન રહી ?”
“પણ છે શું, મૂરખા ?” દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બેાલ્યા.
“હોય શું બીજું ? ભાણેજ પરણે છે ને મામા મોસાળાં લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે.”
“અરર ! એ તો સાંભર્યું જ નહિ : ગજબ થયો ! હવે કેમ કરવું ?”
“હવે શું કરવાનું હતું ? ઈ તો પતી ગયું. હવે તો મારે જીવવું, કે જીભ કરડીને મરવું એ જ વાત બાકી રઈ છે.”
“કાં, એલા ! તારું તે શું ફટકી ગ્યું છે ?”
“હા બાપુ ! ફટકી ગ્યું’તું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું.”
“શી વાત કરછ ? તું આપણું ખસતા દઈ આવ્યો ?”
“હા, હા ! હવે તમારે જે કરવું હોય તે કહી નાખો એટલે મને મારો મારગ સૂઝે.”
દરબારનું હૈયું ભરાઈ આવ્યું : “વાહ ! વાહ, મારી વસ્તી ! પરદેશમાંય એને મારી આબરૂ વહાલી થઈ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું ! વાહ, મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ !”
“ભાઈ! ખસતા ગામ તેં તારા બોલ ઉપર દીધું. એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે. આજ તારે મરવાનું હોય? તારા વિના તો મારે મરવું પડત!”
ચમારને દરબારે પાઘડી બંધાવી અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊજવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યાં : “વાત શી છે ? આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે ? ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય ?”
વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા. ગાંફના ધણીએ જવાબ મોકલ્યો : “એમાં પૂછવા જેવું શું લાગ્યું ? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહિયું કરી આપી છે.”
વરની માતા હવે દાઝ કાઢીકાઢીને વાંકાનેરના દરબાર ગઢમાં લગ્નગીત ગજવી રહ્યાં છે કે–
તરવાર સરખી ઊજળી રે ઢોલા !
તરવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને,
એવી રે હોય તો પ્રણજો રે ઢોલા,
નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને.
આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે, આજુબાજુ ગાંફની જ સીમ છે, અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી.
[આ કથા ભાલની અંદર પ્રચલિત છે, કહેવાય છે કે એને બન્યા આ જ ૩૦૦ વર્ષ થયાં હશે. નામઠામ જડતાં નથી. ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દીવાનસાહેબને વિનંતી કરતાં, તેમણે જણાવ્યું છે કે જૂનાં દફતરો તથા અન્ય સ્થળે તપાસ કરતાં એ દંતકથામાં કાંઈ સત્યાંશ હોવાનું લાગતું નથી. તેમ છતાં પ્રચલિત કથા તરીકે અમે એને અહી આપીએ છીએ. અમને લાગે છે કે, ખસતા ગામની ભૌગોલિક સ્થિતિ જોતાં વાંકાનેરના અને તે ગામના જોડાણની સાથે કંઈક સુંદર ઈતિહાસ જરૂર સંકળાયો હોવો જોઈએ.]
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– રાણજી ગોહિલ – સૌરાષ્ટ્રની રસધાર
– ભીમોરાની લડાઈ -સૌરાષ્ટ્રની રસધાર
– ઓઢો ખુમાણ – સૌરાષ્ટ્રની રસધાર
– વાળાની હરણપૂજા – સૌરાષ્ટ્રની રસધાર
– આંચળ તાણનારા! – સૌરાષ્ટ્રની રસધાર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો