વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. ૧૯૯૪માં કેશોદના ડો. નાથાભાઇ ગોહિલે આવી લગભગ બધી ભવિષ્યવાણીઓને તેમના ગ્રંથ “આગમવાણી’’માં એકત્રિત કરી સ્તુત્ય કાર્ય કર્યું છે.

“આગમવાણી’’માં ૩૫ જેટલા ભારતના સંતોના આગમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આગમનોનો જો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે તો તેમાં નીચેનાં સામાન્ય તારણો ઉદ્ભવે છે ઃ-

(૧) વર્તમાનકાળમાં વિષમ કળિકાળ ચાલી રહ્યો છે.
(૨) કળિકાળનાં મૂળ લક્ષણો તરીકે માનવમુલ્યોનો હ્રાસ, પ્રાકૃતિક કોપ જેવા કે ભૂકંપ, વંટોળ, દરિયાઇ તોફાનો, અસહ્ય ગરમી અને પાણીની અછત વર્ણવવામાં આવ્યાં છે. તે ઉપરાંત સમાજ અને રાજ્યોમાં કુસંપ, કુટુંબ કલહ અને વૃધ્ધોને જાકારો જેવા વિષયોને સ્પષ્ટ રીતે દર્શાવાયા છે.

(૩) સંતોના આગમ પ્રમાણે સાક્ષાત કળિરૂપ દૈત્યનો વધ કરવા સ્વયં ભગવાનને ‘કલ્કિ’ અવતાર ધારણ કરવો પડશે.
(૪) કલ્કિ અને દૈત્ય બંન્નેના સૈન્યમાં કરોડો સૈનિકો હશે.
(૫) કલ્કિ ભગવાનનો જન્મ પોપલેશ્વર પાટણ (ઉજ્જૈન)માં થશે. તેઓનાં લગ્ન જુનાગઢમાં થશે.

(૬) દૈત્યનો વધ કર્યા પછી કલ્કિ જગતમાં પંચોરથ યુગ એટલે સતયુગની સ્થાપના કરશે. અહીં કળિકાળની વિષમતાનું વર્ણન કરવામાં નથી આવ્યું. પ્રવાસી ધોળકિયાનું સંકલન નીચે પ્રમાણે છે ઃ-

કલ્કિનો જન્મ – માતાપિતા

(૧) પોપલેશ્વર પાટણે (ઉજ્જૈન) તે પુરૂષનો જન્મ હશે. માતા તો માતંગી બોલીએ પિતા તો ધનકુળ ૠષિ કહી બોલીએ.
(દેવાયત પંડિત)

(૨) બ્રાહ્મણ કૂળમાં જનમ ધરીશું, દીધેલાં વચનને દિદાર રે….
(રામદેવ પીર)

(૩) ઉજેણી (ઉજ્જૈન) મેં ઈશ્વર અવતરધો, મુરવો (મૂળ રાજા) મારવે ગઢ જોરા
(સંત મામૈદેવ)

કલ્કિનું સૈન્ય
કલ્કિના કરોડોના સૈન્યમાં સેનાપતિઓ તરીકે પુનર્જન્મ લઇને પાંચ પાંડવો, બળિરાજા, રાજા હરિશ્ચંદ્ર, સતાધારના સંત, મક્કાનો મુમનો, ૬૪ જોગણીઓ, ૭૨ યક્ષ અને સંત રોહિદાસ જેવા અનેક મહાપુરૂષો હશે.

આગમ

(૧) ને વીરા… પાંચ કરોડે પ્રહલાદ આવશે રે,

સાત કરોડે હરચંદ્રરાય

નવ કરોડે જેસલ જાનૈયો,

બાર કરોડે બલિરાય… તમે જાગજો.

એ જી તેર મણનાં તે દિલ તીરહોસે

મણ ત્રીસની કમાન રે હાં…

એ જી બત્રીસ હથ્થા જોધા જાગશે.

મારા સાયબાનાં દળમાં રે હો.

(સરવણ કાપડી)

(૨) સવંત સત્તરે ભરત ખંડ આવીશું

ભેગી સેના અપાર રે

સવંત અઢારે ઈંન્દ્ર ઉતરશે

તેત્રીસ કોટિ સરદાર.

ચમાર રોહિદાસ, નવઘણ સરવે

સરવે ચડશે રણની મોસર રે

અજયપાળ પંડિતને પંડિત દેવાયત

જાગશે નૂર સતાધાર…

લીલા નેજા ફરકશે અને ઘોડે ચડશે

નકલંગરાયરે (રામદેવપીર)

(૨) મૈમદ (મહમદ) અસી હજાર કોડ,

નૈનાહણાવૈ રાજા ચડસી જીંગ ચડૈ જોધારા. (સિધ્ધ લાલનાથજી)

(૪) ઓતર થકી રે દળ આવશે હોજી,

ગઢ ઢેલડી મેલાણ હાં પીપ રે,

કાષ્ટ ઘોડા જ્યારે ધોડશે રે જી,

ગઢ જૂનાની બજાર હાં પીર રે…

રામબાપા અહીં મોરબી અને જૂનાગઢમાં યુધ્ધ થશે તેવું દર્શાવે છે.

દૈત્ય ચીન દેશનો

નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી પ્રમાણે નેપોલિયન, હિટલર પછી જે ત્રીજો દૈત્ય આવશે તે ચીન દેશનો હશે. આવી જ આગમવાણી ઈમામ શાહ સૈયદ ખાને કરી છે. “દૈત્ય કલિંગો ચિણ-માચિણ (આજનું ચાઈના)માં અવતર્યો. તે ચિણ- મહાચિણમાં બેઠો, આજ જે દૈત્ય કલિંગો કલિજૂગ લાગતે બેઠો છે.’’ અન્ય સંતોએ પણ આ દૈત્ય ભારતની ઉત્તરે એટલે કે ચીનથી આવશે તેવા આગમો ભાખ્યાં છે.

ભગવાન કલ્કિ અને દૈત્ય કલિ વચ્ચેનો મહાસંગ્રામ અને તેનો સમય-

(૧) સંવત વીશે ગિરથી પાછા ફરીશું

ઉતરીશું ભૂમિનો ભાર રે હાં…

સત વરતાશે ચૌદ લોકમાં

કરીશું અસુરનો સંહાર… (રામદેવ પીર)

(૨) વરસ પંચાણુંએ (શક સંવત ૧૯૯૫-ઈ.સ. ૨૦૭૩) આગમ વરતશે

ભવ સંધીઆ ભવ સૂજે,

ઉજેણીમાં કાળીંગો ઢળશે ઉંટ પોર ધડ ઝૂજે… (સરવણ કાપડી)

અહીં એ વાત સ્પષ્ટ કરવી ઘટે કે આ મહાસંગ્રામનું ચોક્કસ વર્ષ અન્ય સંતોમાં જેટલું સ્પષ્ટ દર્શાવવામાં નથી આવ્યું તેટલું મામૈઃઈં૧૪૬તેવની આગમવાણીઓમાં તેનો ક્રમબધ્ધ ચોક્કસ નિઃઈં૧૪૬ર્તેશ મળે છે. આ વિષયમાં મામૈદેવની આગમવાણીઓના અર્થઘટનાના નિષ્ણાત અને ‘મહેશ્વરી સંદેશ’ના તંત્રી જામનગરવાસી લક્ષમણભાઇ માતંગના મંતવ્યો જોવા જેવાં છે. તેઓશ્રીએ ચોક્કસ ગણત્રી કરીને એવું પ્રતિપાદિત કર્યું છે કે કલ્કિ અને કલિ વચ્ચેનું યુધ્ધ ઈ.સ. ૨૦૬૭માં શરૂ થશે અને ઈ.સ. ૨૦૭૫માં દૈત્યના વધ સાથે સંપન્ન થશે.

(૩) રેવત પર આલમ બીરાજે

એ આલમના માલમ સત બોલીએ-

મેઘાડંબર એના શિર ઢળશે

ઘર ભાલું હાથ, હાથ ઢાલ ધરશે,

રહેજે સ્વામી ખડ્‌ગ કાઢશે

ને તરત કાળિંગાનુ શિર છેદશે…

નાગા અરજણના અન્ગાસ્ત્ર બાણે,

આરબ શેરના કમાડ ધણધણશે

સુંદરવનના દરિયે વડવાગ્નિ હોશે

ચીન લંકા સળગતી સૌ કોઇ જોશે

પછી તૈણ ખૂણિયો જંગ સમાપત થશે

ને ભગવી ચેંથરી નેજે ચડશે

(દેવાયત પંડિત)

સંત ઈશરદાસ કહે છે કે આ મહાયુધ્ધમાં ૫૦ કરોડ સૈનિકો અને 52 દૈત્યો મરણને શરણ થશે. પૃથ્વી પર માંસનો વિપુલ કિચડ પથરાશે. આરીતે શત્રુ સૈન્યને રણક્ષેત્રમાં મારીને સ્વયં પ્રભુ કળિંગ દૈત્યનો વધ કરી નાંખશે. દેવ દાનવનો આ મહાસંગ્રામ ઉજ્જૈનમાં થશે. આક્રમણને કારણે પૃથ્વીનું વાતાવરણ ધુંધળું થઇ જશે. લાખો શસ્ત્રો ટકરાશે. કલ્કિનું સુદર્શન ચક્ર ચારે દિશા અને ચૌદે ભુવનમાં ફરી પાપીઓને નેસ્તનાબુદ કરશે.

ભગવાન કલ્કિનાં લગ્ન

ભગવાન કલ્કિ પોતે ઉચ્ચ કૂળમાં જન્મ લેશે. પરંતુ તેઓનાં લગ્ન વિશે સંતો એવું આગમ ભાખે છે કે તેમની પત્ની અત્યાર સુધી પીડિત પામેલા દલિત સમાજની હશે. આ પછી ભારતમાં જ્ઞાતિ પ્રથાનો અંત આવશે.

આગમો

(૧) જુનાણે જાંગીના વાગશે તોરણ,

બંધાશે ઠારોઠોર રે હાં…

વંથલીએ વિવાહ મંડાશે

પરણશે મેઘડી નાર… (રામદેવ પીર)

આ મેઘડી રાણીને વિષ્ણુ ભગવાને ચાર યુગ પહેલાં તેની સાથે પરણવાનું વચન આપ્યું હતું.

(૨) જંબુદીપથી પૂરવે એક છે જાગતો પરબત

ત્યાં રાજ કરે છે મેઘડી રાણી

તે હજી લાગણ છે બાળ કુંવરી

તેને છે નિજારી ધરમનાં વસમા નિમ

તેને છે અમરવર વરવાનો પ્રેમ

તે કમકમ પગલે સવરા મંડપ ચાલશે

અને રાણી મેઘડી, નકળંગના કંઢમાં

વરમાળા રોપાવશે.

– (દેવાયત પંડિત)

કલ્કિ દ્વારા વિશ્વની નવરચના – સુવર્ણ યુગની સ્થાપના ઃ-

આગમો-

(૧) કલ્કિ દિલ્હીથી ગુજરાત આવશે તેઓ રમણીય કાંકરિયા તળાવકાંઠે ૭૦ હજાર છોકરા-છોકરીઓને પોતાનો વેશ પહેરાવીને તેમનું નવ સંસ્કરણ કરશે (સંત તુલસીદાસ)

(૨)
ગાય ગુરૂને સહુ પૂજશે
સત નીતિનો વેપાર રે હાં…
સનાતન ધર્મ ચાલશે રાખશે
નામ તણો આધાર…
સંવત વીશમાં ધરમ થપાશે
હરશે ક્ષત્રી ભૂ ભાર રે હાં…
નાશ પામશે સર્વ દ્રોહી
દેશદ્રોહીને કષ્ટ અપાર… (રામદેવ પીર)

(૩)
ખારા સમંદર મીઠા થાશે તે ’દિ
નિરવીખ થાશે નાગ,
વાંઝવેલે ફળ લાગશે, નલકંકની આગળ મેલાય…
સત્ય આજ્ઞા નહીં લોપશે, કાયમ કરશે રાજ,
નાનેરો મોટાનું કહ્યું કરશે,
આણે માતપિતાની લાજ… (સરવણ કાપડી)

(૪) મસાણે મડદાં જીવતાં થાશે અને એ સઘળાં- આલમ આલામ (કલ્કિ) પોકારશે. વાંઝણીયું ને વેણ હોશે (બાળક) ન કમોતાં મોત કદી થાશે. ને પછી બાવો પરથમી (પૃથ્વી)નો ભાર ઉતારશે. એવું સઘળું ઉલટ સુલટ કરી બાવો નકલંગ નામ ધારણ કરશે. (દેવાયત પંડિત)

(૫) આ પછી કલ્કિ લોકોના કામનાં લેખાં જોખાં લેશે. દુષ્ટોને સજા કરશે. અવિચળ રહે તેવા પુણ્ય કળશ જ્યોતિનું સ્થાપન કરશે. વાણિયા, બ્રાહ્મણ અને પછાત જાતિઓ વચ્ચેના ભેદભાવનો અંત આણશે, ચંદ્રને કલંક વિનાનો કરીને ધરતી પર સતયુગ સ્થાપશે. (ઈશરદાસ)

(૬)
ધ્યાન મુદ્દાથી તો ધ્યાન ઉતરશે.
ન્યાત પરન્યાતે તો નાતરાં થાશે.
એક થાળમાં જમણ જમશે
વર્ણ વર્ણનો સાંસરે મટશે.
જ્યારે એક આરે સૌ વર્ણ રે થાશે
હરિના હશે તે હરિગુણ ગાશે…
વિશ્વ આખું કલ્કિ ભગવાનને માનશે.
ભારતમાં રાજપુતોનું શાસન પુનઃ સ્થપાશે..

આ સમયે ભારતના બધા દેવી-દેવતાઓ અને મહાપુરૂષોનો મેળો ઉજ્જૈનમાં ભરાશે. પૃથ્વી પરના દેવોના આ મેળામાં માતંગદેવ જે ભગવાન શિવના અવતાર છે અને મહેશ્વરી પંથના સ્થાનક છે. તે કલ્કિરૂપે પુનઃ અવતાર લઇને આ મેળામાં પ્રધાનપદ ભોગવશે. તેમની સાથે ભગવાન ગણપતિ અને રાજા હરિશ્ચંદ્ર હશે.

(૧) ધરમ વરતાબો મરધો આંધારો,
કુશળા કિરતાજા હડ,
છત્રી કોટી દેવે’જો મેળો થીંધો,
પંચો રથ મેં ઉજેણી ગઢ.
મુફરાજા માતંગદેવ હુંધો
દાદા ગણપતિ ભેરો રોંધો,
હરિશ્ચંદ્ર હરપાટણનું અચિંધો,
દેવે’ જો મેળો ભોળમે થીંધો.
(મામૈદેવ)

પૃથ્વીની ધરી બદલાઇ જશે. પ્રભુ ૨૭ નક્ષત્રને બદલે ૩૬ નક્ષત્ર સ્થાપિત કરશે, તિથિ ૧૯ દિવસની અને એક વર્ષ ૧૫ માસનું થઇ જશે. ભારતીય ઉપખંડમાં નીચેનાં સ્થળોએ અખંડ ઈશ્વર જ્યોતિ પ્રકાશશે.

એ જી વીરા પહેલો રે દીવો ગઢ ગિરનારમાં હોશે

એવો બીજો રે દીવો સિંગલદ્વિપમાં હાં…

ત્રીજો દીવો દરિયાના બેટમાં રે હો જી

એવો ચોથો દીવો નર્મદા તટમાં હાં…

(લીરલબાઇ)

એ પ્રશ્ન સ્વાભાવિક થાય કે ભગવાન કલ્કિની નિશ્રામાં સમગ્ર ભારતની અને વિશ્વની કાયાપલટ થતી હશે ત્યારે ભારતીય ઉપખંડ અને વિશ્વના અન્ય કરોડો મુસ્લિમો શો ભાગ ભજવશે? ત્રણ-ચાર સંતોના આગમો જ ફક્ત એમ કહે છે કે ઈસ્લામ ધર્મનું મહત્વ ઘટી જશે. પરંતુ બહુમતિ સંતો એમ કહે છે કે મુસલમાનો ફક્ત કલ્કિના વિશ્વવ્યાપી અભિયાનમાં હોંશપૂર્વક ભાગ જ નહીં લે પરંતુ તેના સૈન્યના સેનાપતિઓ તરીકે અગ્રીમ પંક્તિમાં હશે. તેઓ કલ્કિના લગ્નમંડપમાં પણ હાજર હશે. સંતો તો એટલે સુધી કહે છે કે ભારતની બે કોમો હિંદુ અને મુસ્લિમ વચ્ચેના ભેદભાવ તેઓ સાવ નાબૂદ કરી નાંખશે. ભારતીય સમાજ શોષણ વિહિન, ઉંચ નીચના ભેદ વિનાનો અને વર્ણ વિહિન તથા સંપન્ન બનશે. પ્રજા બધી રીતે સુખી થશે.

કલ્કિનું નિર્ગમન (સમાધી)

સંત તુલસીદાસ કહે છે કે હિંદુઓનો સુધાર કરી તેઓનું કલંક ઉતારી કલ્કિ જૂનાગઢ આવશે. પોતાનો ઉતારો ભગવાન શિવના મંદિર પાસે રાખશે. ગિરનાર સ્થિત દત્તાત્રયનાં દર્શન કરી અને હર્ષ પામશે. કલ્કિ ભગવાન આ પછી પોતાની સર્વ સિધ્ધિઓ દર્શાવી મેઘલી રાણીને પરણીને અંતમાં સવરા મંડપ (ભવનાથ)માં સમાઇ જશે.

error: Content is protected !!