રાજા અને વૈદ્યરાજ

જામનગરના બૌદ્ધિકો અને નગરશ્રેષ્ઠીઓ પણ એક વાતે અચંબાતા હતા કે ઝંડુ ભટ્ટ રાજવૈદ્ય એટલે કે રાજ પરિવારના જ વૈદ્ય છે. પગારદાર છે અને પગારદાર લેખે જામને એકને વફાદાર રહેવું જોઇએ. એની આજ્ઞા અને નિયમો પાળવા જોઇએ છતાં ઝંડુ ભટ્ટ રાજના વિરોધી કે રાજ્યના ગુનેગારની પણ સેવા કરે છે. એમને ઘેર જાય છે. નિયમિત સારવાર આપે છે છતાં જામ આગળ ભટ્ટજીનાં માનપાન અને આદરમાં ક્યારેય ઓટ નથી આવતી. આ એક આશ્ચર્ય છે. આની પાછળનું રહસ્ય એક રહસ્ય હતું. લોકોને કોઇ પણ રીતે આ વાત સમજાતી નહોતી એ રહસ્યને માત્ર જામબાપુ અને ઝંડુ ભટ્ટજી બે જણ જ જાણતા હતા. જાણતા હતા માટે તો બંને અરસપરસ પ્રસન્ન હતા…!

જામનગરના મુખ્ય દીવાન શેઠ ભગવાનજી જામબાપુના આવા જ એક રાજકીય ગુનેગાર હતા. શેઠ ભગવાનજીના દીવાનપદને કારણે રાજમાં અને નગરમાં એકવાર વાહવાહ બોલાતી. શેઠ બોલે એ ન્યાય અને કહે એ કાયદો, પણ સમય સ્વભાવે અકોણો અને અવળચંડો હોય છે. જ્યારે અવળો ચાલે ત્યારે ઊથલ-પાથલ થઇ જાય. સવળો ચાલતો રંક રાજા બની જાય. ભગવાનજી શેઠ માટે સમય અકોણો બન્યો એ જ પળે એમનો દિનમાન ખરા બપોરે આથમી ગયો! જામની સાથે કોણ જાણે શુંય અવળું પડ્યું કે જામે દીવાન પદેથી તો કાઢ્યા પણ જામનગરમાં રહેવાની પણ મનાઇ થઇ ગઇ. જામનગરમાં સન્નાટો છવાઇ ગયો. શેઠની દીકરી બાપીબાઇ ગંભીર માંદગીમાં હતી એ રડી પડી : ‘બાપુજી, હું બીમાર છું. મારી દવાનું શું થાશે?’ તારે અહીં રહેવાનું છે બેટા! મને ખાતરી છે કે ઝંડુ ભટ્ટ તારી દવા ચોક્કસ કરશે.’

અને ઝંડુ ભટ્ટે ચોક્કસ દવા કરી. જામને પણ ખબર હતી કે ઝંડુ ભટ્ટ શેઠની દીકરીની દવા કરે છે… જામબાપુનો કોપ શેઠના કુટુંબ ઉપર ઊતર્યો છે. નગરમાંથી કોઇ શેઠના ઘેર પણ જતું નહીં. છતાં સૌના આશ્ચર્ય વચ્ચે ઝંડુ ભટ્ટ બાપીબાઇની દવા કરતા. ઝંડુ ભટ્ટ તો રાજાનાય રાજા દેખાય છે અને એ વાત એક દિવસ સાબિત થઇને ઊભી રહી…‘ભગવાનજી શેઠની બીમાર દીકરીને દાડમ આપવું છે માટે મને એક દાડમ આપો બાપુ!’ સાવ ખુલ્લા દિલે ઝંડુ ભટ્ટજીએ રાજવી જામને કહ્યું…

દરબારી લોકો હેરત પામ્યા. ‘વૈદે તો ભારે કરી. એને ખબર છે છતાં બાપુના વિરોધીની દીકરી માટે પોત જ આવી હિંમત કરે છે.’હા, ઝંડુ ભટ્ટે હિંમત કરી હતી કેમ કે દાડમ એના સ્વાસ્થ્ય માટે જરૂરી હતું. આખા નગરમાં તપાસ કરાવી પણ દાડમ મળ્યું નહીં. એક દાડમની દસ કોરી આપવા છતાં ન મળ્યું. મુંબઇથી દાડમ મંગાવે તો આવતાં આવતાં અઠવાડિયું નીકળી જાય ત્યાં વાવડ આવ્યા કે જામબાપુ માટે હમણાં જ મુંબઇથી દાડમનો આખો કરંડિયો આવ્યો છે.’

જામ પળભર ઝંડુ ભટ્ટને તાકી રહ્યા અને ફરીવાર પૂછ્યું.
‘કોણ દરદી છે ભટ્ટજી?’
‘ભગવાનજી શેઠની દીકરી, બાપીબાઇ’

ભટ્ટજીએ ફરીવાર નામ આપ્યું અને જામ હસી પડ્યા. આ જ તો ઝાંડુભટ્ટજીના દિલમાંથી મુદ્દાની વાત કઢાવવી જરૂરી હતી કેમ કે ઝંડુભટ્ટે જામનગરના રાજાના વિરોધીઓ, રાજવટો અને નગરવટો આપેલા એવા ઘણાની દવા કરી હતી. પગાર રાજ્યનો, પદવી રાજ્યની અને માનપાન પણ રાજના પ્રતાપે છતાં રાજાની આજ્ઞા વગર રાજ્યના વિરોધીઓને દવા આપવી? શા માટે? શા કારણે?

‘ઝંડુ ભટ્ટજી તમને ખબર છે? ભગવાનજી શેઠને દીવાનપદેથી છૂટા કરીને જામનગર બહાર મોકલી દીધા છે?’
‘મને એની ખબર છે બાપુ!’ મરકીને ઝંડુ ભટ્ટ બોલ્યા ‘આખું નગર જાણે છે અને હું ન જાણું?’
‘એના ઘરે પણ કોઇ જતું નથી, તો પછી તમે કેમ જાઓ છો’

‘હું વૈદ છું માટે બાપુ.’

‘પણ તમે મુખ્ય વૈદ તો જામના પરિવારના છો.’

‘પણ બાપુ! આ વૈદ અને આ રાજવી, સૌથી અલગ છે.’

‘લો, કરો વાત’ જામ હસ્યા, ‘હું પણ અલગ છું?’, ‘હાસ્તો.’, ‘કઇ રીતે.’

ભટ્ટજી ગંભીર બનીને બોલ્યા. ‘રાજા પરમેશ્વરનો અંશ છે. પરમેશ્વર માત્ર એનો અપરાધ કરનાર એકને જ સજા આપે છે પણ એના પરિવારને સુખી રાખે છે. કેમ કે એ પરમેશ્વર છે.’ અને ઉમેર્યું. ‘આપનામાં મને પરમેશ્વરના અંશના ઘણા સમયથી દર્શન થાય છે.’

‘કેવી રીતે ભટ્ટજી?’

‘હું આપના અણગમતા માણસોની દવા કરું છું છતાં આપ મને રોકતા ટોકતા નથી… આપ રાજા તરીકેની આપની લાયકાત વ્યક્ત કરી રહ્યા છો. શાણો અને સમજુ રાજા આપના જેવો જ હોય, જેનામાં સમજણ અને માનવતા એક્સાથે હોય. આપનો ક્રોધ કે કોપ કેવળ માણસના અવગુણ માટે હોય છે. માણસ માટે ક્યારેય નહીં. હું આ વાત લાંબા સમયથી જાણું છું. એક વૈદ તરીકે આપે મારી પ્રતિષ્ઠાને વધાવી છે… બાપુ જામ! ઘણું જીઓ.’ ભટ્ટજી હસ્યા.

ઝંડુ ભટ્ટની આ તાત્વિક સમજણ ઉપર રાજી થઇને જામ પણ હસી પડ્યા. ‘ભટ્ટજી! હવે આપ એક જ દાડમ નહીં પણ આખો કરંડિયો લઇ જાઓ, શેઠજીની દીકરી માટે. વસતીની દીકરી મારી પણ દીકરી ગણાય… મારા વતી એની ખબર પૂછજો.’

‘પણ બાપુ, લોકો આ વાત જાણીને વધારે અકળાશે.’

‘હું અને તમે તો અકળાતા નથીને? લોકોને માનવું હોય એ માનવા દો. આપણે એ આપણે અને લોકો એ લોકો છે.’

અને ઝંડુ ભટ્ટ હર્ષથી છલકતી પાંપણે રાજાને જોઇ રહ્યા.

લેખક- નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!