વિષકન્યાનો અજાણ્યો ઇતિહાસ

લોકકંઠે રમતી બહુ જાણીતી કહેવત ઃ ‘ઝેરના પારખાં નાં હોય’ ઝેર એટલે વિષ. મહાદેવ શંકર વિષધારી કહેવાય છે. સમુદ્રમંથન વખતે તેમાંથી હળાહળ નીકળ્યું હતું, નેે શંકર પોતાના કંઠમાં રાખ્યું છે. તેથી તેઓનું એક નામ ‘વિષધારી’ નીલકંઠ પણ છે. મેવાડાના રાણાએ કૃષ્ણભક્ત મીરાંબાઇને ઝેરનો પ્યાલો મોકલ્યો હતો. લોકવાણીના ભજનોમાં એ આજેય ગવાય છે. આ ઝેર માટે સંસ્કૃતમાં ‘વિષ’ શબ્દ વપરાય છે. વિષ એટલે જીવ લે તેવું દ્રવ્ય. ઝેર, વિખ, હળાહળ. ઝેરના ત્રણ પ્રકારો માન્યા છે, સ્થાવર, જંગમ અને દૂષિત વિષ. વિષ જોડે જોડાયેલા શબ્દો પણ સમજવા જેવા છે, જેમ કે ઃ

વિષપ્રકરણ અર્થાત- ઝેર વિશેના ઉપાયો આદિ બતાવનાર શાસ્ત્ર, વિષધર કે વિષભુજંગ- ઝેર ધારણ કરનાર ઝેરી સાપ. વિષધરા- વિષ ધારણ કરનારી. વિષબાળક ઃ જ્યોતિષશાસ્ત્ર મુજબ કુવખતે જન્મેલ બાળક. શનિવાર, આશ્લેષા નક્ષત્ર અને બીજ તિથિમાં જો બાળકનો જન્મ થાય તો તે વિષ બાળક કહેવાતું. જ્યોતિષીઓ અને ચુંદડિયા મહારાજો કહે છે કે આવા બાળકો માતાપિતાને તેમજ કુટુંબને દુઃખદાયક થઇ પડે છે. લોકવાર્તાઓમાં આવે છે કે જૂના કાળે આવા બાળકોને પેટીમાં મૂકીને દરિયામાં વહાવી દેવામાં આવતા. વિષ દિવ્ય’ અર્થાત વિષ આપીને કરવાની એક ક્રિયા આ ક્રિયા દ્વારા ગુનેગાર સાચો છે કે ખોટો તેની પરીક્ષા કરવામાં આવતી. ગુનો કર્યાની શંકા હોય તેવા ઇસમને વછનાગ વગેરે ઝેર પિવરાવી ૫૦૦ તાળીઓ પાડતાં સુધીમાં મૂર્છા. ઉલટી વગેરે ન થાય તો ગુનેગાર શુદ્ધ ગણાય. તેવી પ્રાચીન લૌકિક ન્યાયની જૂની પદ્ધતિ હતી. ‘વિષનાશિની’ અર્થાત્ રાસ્ના, રાસ્નાનું કંદ સર્પ અને વીંછી વગેરેના વિષને ઉતારનાર હોવાથી આવું નામ આપવામાં આવ્યું છે. વિષકુંડ- ભગવતી ભાગવત અનુસાર આ નામનો છયાસી માંહેનો એક નરકકુંડ કહેવાય છે જે માણસ ઝેર વડે પ્રાણીને મારે છે તે માણસ મૃત્યુ પછી આ વિષકુંડમાં પડે છે. ‘વિષખાખરો’- સિંધ, પંજાબ અને વાયવ્ય પ્રાંતમાં ઊગતી એક વનસ્પતિ. તેના મૂળ પેડુના દુખાવામાં અને સુખે પ્રસવ કરાવવા માટે વપરાય છે, પણ આજે વાત કરવી છે પ્રાચીન ભારતની વિષકન્યાઓનાં રહસ્યની.

પ્રાચીકાળથી આજ સુધીના ઇતિહાસમાં અનેક પ્રસંગે ઠેરઠેર વિષકન્યાઓનો ઉલ્લેખ જોવા મળે છે. લગભગ ૧૬મી સદી સુધીમાં ભારતીય વિષકન્યાઓની ચર્ચા દુનિયાભરમાં ફેલાઇ ચૂકી હતી. આજે એકવીસમી સદીમાં કેટલાક વધુ પડતા સુધરેલા લોકો વિષકન્યાની વાતને ટાઢાપહોરના ગપ્પાં ગણીને હસી કાઢે છે, પણ ભારતીય પુરાણકથાઓ, દંતકથાઓ, પ્રાચીન સંસ્કૃત ગ્રંથો આ વાતને પૂર્ણપણે સમર્થન આપે છે. આ વિષકન્યાઓ કોણ હતી? વાત એવી છે કે શત્રુ અથવા બાહુબળિયા હરીફને યુક્તિપૂર્વક હંફાવવા માટે જૂના જમાનાના બુદ્ધિશાળી અને ચતુર રાજા-મહારાજાઓ વિષકન્યાનો પ્રયોગ કરતા.

વિષકન્યા એક એવી કન્યા જેના જન્મની સાથે નિપુણ રાજવૈદ્ય દ્વારા તેના શરીરમાં ક્રમે ક્રમે પ્રાણઘાતક વિષ દાખલ કરવામાં આવતું તે યૌવનના ઉંબરે આવીને ઊભી રહે ત્યાં સુધીમાં એ નાગણી જેવી કાતિલ ઝેરી બની જતી, જેને લીધે તેના શરીરમાં એવો પ્રભાવ આવતો કે જે તેની સાથે ભોગ કરે સહશયન કરે ચુંબન કરે કે શ્વાસના સંપર્કમાં આવે તેના રામ રમી જતા, એનું મૃત્યું થઇ જતું. જ્યારે કોઇ રાજાને પોતાના શત્રુ-હરીફને મારવાની ઇચ્છા થતી ત્યારે આવી જાતની ગીત, સંગીત અને નૃત્યમાં પારંગત, સર્વગુણ સંપન્ન રૂપસુંદરી એવી વિષકન્યાને તેની પાસે મોકલી દેતો. આવી જાજરમાન વિષ કન્યા પોતાના રૂપ, ગુણ અને કળાથી રાજાને મોહ પમાડી તેના શયનખંડ સુધી પહોંચી જતી. રાતની રતિક્રીડાને અંતે રાજવી મૃત્યુ પામતો. આવી વિષકન્યાઓનો પ્રભાવ ઘણુંખરું એક કે બે વ્યક્તિનો નાશ કરવા સુધી મર્યાદિત રહેતો એમ કહેવાય છે. આવી વિષકન્યા કોઇને પરણી શકતી નહી. આજીવન કુંવારી રહી રાજનું રમકડું બની રહેતી. એના જીવનની આ એક કરુણતા હતી.

ભારતીય પુરાણોમાં પણ વિષકન્યાના ઉલ્લેખો મળે છે. કલ્ફી- પુરાણમાં સુલોચના નામની વિષકન્યાની વાત આવે છે. આ વિષકન્યા કોઇની સામે ત્રાટક કરીને એકીટસે જોઇને તેને વિષાક્ત બનાવતી. કાલિદાસના નાટક મુદ્રારાક્ષસમાં વિષકન્યાઓ ઝેરીલા નાગ સાથે રમત કરતી હોય અને સંભોગ દ્વારા દુશ્મનને મહાત કરતી હોય તેવા ઉલ્લેખો સાથે વિષકન્યાઓ અંગે અનેક પ્રકારની જાણકારી મળે છે. જેમ કે વિષકન્યાઓ રૂપરૂપના અંબાર જેવી, ગીત, સંગીત અને નૃત્યમાં પ્રવીણ, વાક્ચાતુર્ય અને છળકપટની વિદ્યામાં પારંગત રહેતી પ્રાચીન સંસ્કૃત ગ્રંથો સુડાબહોતેરી. કથાસરિતાસાગર તથા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ ‘સુશ્રુતસંહિતા’માં વિષકન્યાના વિસ્તૃત ઉલ્લેખો મળી આવે છે.

આજે અમેરિકા, રશિયા, પાકિસ્તાન અન્ય દેશોમાં પોતાના ગુપ્તચરો જાસૂસો મોકલે છે, તેમ જૂના કાળે રાજવી આવા ગુપ્તચરો રાખતા. આ ગુપ્તચરો અન્ય દુશ્મન રાજ્યોના જાદૂગર, સાધુ, ખેડૂત, ભિખારી, બ્રાહ્મણ, જ્યોતિષીના વેષે રાજાના મહેલ સુધી પહોંચી જઇને ગુપ્ત વાતો જાણી લાવતા. તેમાં વિષકન્યાઓનો પણ ઉપયોગ થતો. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જણાવાયું છે કે રાજાએ તેના શત્રુરાજાને પરાસ્ત કરવા માટે સામ, દામ, દંડ, ભેદ એમ બધા ઉપાયો અજમાવવા જોઇએ એટલું જ નહી પણ વિષકન્યાનો ઉપયોગ કરતા અચકાવું જોઇએ નહી. કેમ કે શત્રુનું દમન કરવામાં અનુચિત ઉપાય પણ ઉચિત ગણાય છે.

ભારતીય વિષકન્યાનો અભ્યાસ કરનાર પશ્ચિમના વિદ્વાનો હટ્સ, બ્લૂમફિલ્ડ અને જેમ્સ રોડીગ્સે કહ્યું છે કે કોઇ સ્ત્રી કે કન્યા વિષકન્યા છે કે નહી તે જાણવા અંગેની પુષ્કળ માહિતી ભારતીય સંસ્કૃત ગ્રંથોમાંથી સાંપડે છે. ભારત ઉપરાંત યુરાપીય સાહિત્યના ગ્રંથ ‘સિક્રેટમ સિક્રોટોરમ’માં વિષકન્યાઓ અંગે ઢગલાબંધ માહિતી મળી રહે છે. આ પુસ્તકમાં વિશ્વભરમાં વિજયપતાકા લહેરાવવા નીકળેલા સિકંદરને મહાન ફિલોસોફર એરિસ્ટોટલે આપેલા ઉપદેશોનું વિસ્તાર પૂર્વક વર્ણન મળે છે. આ ઉપદેશોમાં મહત્ત્વનો ઉપદેશ ભારતીય વિષકન્યાઓથી દૂર અને સાવધાન રહેવાના ઉપદેશનો સમાવેશ થાય છે. એક ઓસ્ટ્રેલિયન લેખક એલનકિંગ્સે તો પોતાના પુસ્તકમાં એવા અનેક પ્રકારના વિષનું વર્ણન કર્યું છે જેના દ્વારા વિષકન્યા તૈયાર કરી શકાય. જર્મન અને ઇટાલિયન સાહિત્યમાં પણ ક્યાંક ક્યાંક વિષકન્યાઓનો ઉલ્લેખ જોવા મળે છે.

ગ્રીકરાજા પોન્ટીયસના સમયમાં આશરે ૨૦૭૫ વર્ષ પૂર્વે પોન્ટીયસ અને બીજા રાજાઓ વિષકન્યાઓ થી કે કોઇ ઝેર આપે તેનાથી ખૂબ ડરતા. આ વિષકન્યા કે તેની સાથે સંભોગ કરો એટલે તમારા જ્ઞાનતંતુ અસ્તવ્યસ્ત થઇ જાય અને તરત મરણ થઇ જાય. આથી રાજા મીથ્રીડેટ્સે આવી વિષકન્યા કે ઝેરના પ્રતિકાર માટે એક ઉકાળો તૈયાર કરાવ્યો હતો. તેના સેવનથી ૪૬ પ્રકારના ઝેરી તત્વોનું નિવારણ થાય કે કોઇ ઝેર અસર ન કરે એમ બ્રઅર્સ ડીકશનરી ઓફ ફ્રેઝ એન્ડ ફેબલ્સમાં નોંધાયું છે. ૧૭મી સદીની ફ્રાંસની આ ઘટના છે. રાજાઓ ઉમરાવો અને ધનિકો ગુપ્ત રીતે મહિલા જ્યોતિષી પાસે જતા ઉમરાવોને કોઇ દુશ્મનને મારી નાખવો હોય તો આ વૈદ્ય- વિષ- કન્યા પાસે ઉપ્રાય શોધતા. ત્યારે કેથેરીન ડેશાયીસ અને મેડમ મોનવોઇસીન એવી વિષકન્યાઓ હતી કે તેણે નોબલ મેનના કહેવાથી તેમના દુશ્મનો સાથે સંભોગ કરી કરીને દુશ્મનને મારી નાખ્યા હતા. ગ્રીક રાજા મીથરીડેટ્સ ૪થાની કથા અને ૧૬૭૩માં લખાઇ. જિન રેસાઇન નામના લેખકે તેની કથા લખી. ઉપરાંત ‘ધ કાઉન્ટ ઓફ મોન્ટે-ક્રીસ્ટો’નામના એલેકઝાન્ડર ડુમાસના નાટકમાં પણ રાજાઓ અંદરો અંદર વેર લેવો વિષકન્યાઓ મોકલતા. આમ વિષ કન્યાઓની વાતો માત્ર કપોલકલ્પિત કે દંતકથા જ નથી પણ ભારતમાં અને વિદેશોમાં વિષકન્યાઓ હતી તેની સાબિતી આપે છે. આપણી ઇતિહાસકથાઓમાં પણ વિષકન્યાઓની અનેક વાતો મળે છે. મહારાજા વીરસેનના રાજ્યની ગૌતમી નામની વિષકન્યાના જીવનસમર્પણની આ કથા છે.

મહારાજા વીરસેનના મંત્રણાગૃહમાં મહારાજા મહામંત્રી અને ગૌતમી બેઠા હતા. ત્રણેય મૌન અને ગંભીર હતાં. થોડીવાર પછી મહામંત્રીએ ગંભીરતાનો ભંગ કરતા કહ્યું ઃ ”મહારાજ, ગૌતમીને આજ્ઞા આપો.”

મહારાજા જાણે કે ઝબકીને જાગ્યા હોય એમ બોલ્યા, ‘રાજ્યની વિદુષી કન્યા ગૌતમી ! તારે પર્વતેશ્વર મલયકેતુ પાસે જવાનું છે. એ એક જ રાજ્ય એની પવિત્રતાને લઇને આજ સુધી અણનમ રહ્યું છે.’

ગૌતમી આદરપૂર્વક નમીને બોલી ઃ ‘આજ્ઞા કરો મહારાજ ! મારે શું કરવાનું છે ?’

‘તારે તારા નૃત્ય-સંગીતથી એને જીતી લઇ ધીમે ધીમે તારી જાત સમર્પી દેવાની છે. તું જાણે છે કે તું વિષકન્યા છે. તારા સહવાસથી એક જ રાતમાં એ મૃત્યુ પામશે. તારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. મલયકેતુના રાજ્યમાં મારા સૈનિકો ગુપ્ત રીતે પહોંચી ગયા છે. હું પોતે અને મહામંત્રી પણ ત્યાં પહોંચી જઇશું. મલય કેતુ મૃત્યુ પામશે કે તરત જ એના રાજ્ય પર મારો અધિકાર થઇ જશે.

‘જેવી આજ્ઞા મહારાજ !’ ગૌતમી નિરાશાથી બોલી.

રાજા મલયકેતુ પોતાના દરબારમાં સિંહાસન પર બેઠો છે. એની સામે ઇન્દ્રલોકની અપ્સરા જેવી રૂપયૌવના ગૌતમી નૃત્ય કરી રહી હતી. દેવી જેવી એ નારીના નૃત્યથી દરબારીઓ મુગ્ધ બન્યા હતા. રાજા મલયકેતુ વિસ્ફારિત નયને એ દેવાંગનાસમ ગૌતમી દિવ્યરૂપ અને કલાનું જાણે રસપાન કરી રહ્યો હતો. રાત આખી નૃત્ય સંગીતનો કાર્યક્રમ ચાલતો રહ્યો. આ ક્રમ રોજબરોજ ચાલતો રહ્યો.

એક દિવસ આવા એક કાર્યક્રમમાં ગૌતમી અને મલયકેતુના નયનોએ તારામૈત્રક રચી અને બેઉ અપલક નજરે એકબીજામાં ખોવાઇ ગયા. તાલભંગ થયો. ગૌતમી માટે આ પહેલો જ પ્રસંગ હતો. થોડીવારે તે સ્વસ્થ થઇ ગઇ. પરંતુ એટલીવારમાં તો રાજાના નયનખાણનો સ્નેહ એના રોમેરોમમાં અજાણપણે જ પ્રસરી ગયો.
અધરાત મધરાતની વેળા હતી. ગૌતમીની નીંદર વેરણ બની એને આશ્ચર્ય થતું. કેમ કે જીવનમાં એ પહેલીવાર રોમાંચિત થઇ હતી. કામદેવના બાણથી ઘાયલ થયેલી, નસેનસમાં અજબ પ્રકારનો રોમાંચ અનુભવતી ગૌતમી રાજાના શયનગૃહમાં પહોંચી ગઇ. પ્રભાતે ગૌતમીને ભાન આવ્યું ત્યારે એનું મન અને પ્રાણ હાહાકાર પોકારી ઊઠયા એ વિષકન્યાનો પ્રેમ, શ્રદ્ધા અને કૌમાર્ય લૂંટાઇ ચૂક્યાં હતાં. સવાર પડયું ચંદનની ચિતા ખડકાયેલી હતી. તેના ઉપર મલયકેતુનું શબ પડયું હતું.

મલયકેતુનું મૃત્યુ થતાં મહારાજ વીરસેનના સૈન્યએ એ દેશ પર વિજય મેળવી લીધો. રાજમહેલ પર વીરસેનનો વિજયધ્વજ ફરકી રહ્યો છે. મહામંત્રી સાથે વીરસેન પણ ઊભા છે. એવામાં ઉન્માદ અવસ્થામાં ગૌતમી ત્યાં આવી પહોંચી. મહામંત્રીએ એને પૂછ્યુંઃ

‘તું અહી કેમ આવી છે ?’

એના પ્રત્યુત્તરમાં ગૌતમી મહારાજ સામે જોઇને બોલી ઃ ”મલયકેતુએ મારી સાથેના પ્રેમને ખાતર પ્રાણનું બલિદાન આપ્યું છે. હવે મારે જીવીને શું કામ છે ? હું પણ એના મારગે જ જવા માગું છું.” આશ્ચર્યથી મહામંત્રીનો સ્વર કઠોર થઇ ગયો. એ બોલ્યા ઃ ‘વિશ્વાસ ઘાતિની.’

ગૌતમી મહારાજા સામે જોઇને નમ્રતાથી એટલું જ બોલી ઃ ”મહારાજ ! મારા દેશ સાથે મેં વિશ્વાસઘાત નથી કર્યો. દેશની સ્વાધીનતાની રક્ષા માટે જેની સાથે મેં જીવનમાં પહેલી જ વાર પ્રેમ કર્યો, એની જ મેં હત્યા કરી. દેશને માટે આ વિષભર્યો દેહને લૂંટાવ્યો.. પરંતુ મહારાજ ! મને અને એને છેટું પડે છે.”

આમ બોલતી વિષકન્યા ગૌતમી વીજળીવેગે દોડીને મલયકેતુની ભડભડભડ બળતી ચિતા પર કૂદી પડી. પકડો..પકડો… મહામંત્રીએ સૈનિકોને આદેશ કર્યો.
‘નહી…’મહારાજે હાથ ઉંચો કર્યો. એમની આંખોમાં મોતી જેવાં બે અશ્રુબિંદુ જોઇ મહામંત્રી પણ આશ્ચર્યચકિત થઇ ગયા. પરંતુ એ ન ખરેલા અશ્રુબિંદુ આજપણ વણઉકલ્યા કોયડા જેવા બની રહ્યાં છે. ભારતીય વિષકન્યાઓની આવી કથાઓ ઇતિહાસના પાના પર કંડારાયેલી આજે ય જોવા મળે છે ભાઇ.

(ચિત્ર ઃ અશોક પટેલ )
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!