શ્રી વિરેશ્વર મહાદેવ — કાલવણ ગામ (વિજય નગર)

ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલા સુંદર છે તે. ઇડરથી વિજયનગર પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલેકે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સ્મારકોની શરૂઆત થાય છે. આ સ્મારકો ઠેર ઠેર ફેલાયેલાં છે. એમાં મહાદેવ મંદિર વિશેષ છે જેમકે શારણેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર અત્યારે પણ ચાલુ જ છે એ સોલંકીયુગીન છે. એની વાત વિજયનગર પોળો ફોરેસ્ટ વખતે, પણ ……….ઇડરથી જમણી તરફ વિજયનગર તરફ જતાં લગભગ ૩૦ કિલોમીટર દૂર એટલે કે આ તાલુકો અને ફોરેસ્ટની શરૂઆત થાય છે ત્યાં ડાબી તરફ એક પાટિયું આવે છે ——- પ્રાચીન મહાદેવ મંદિર વિરેશ્વર !!!

તે વખતે તો આપણું ધ્યાન એનાં પર પડતું નથી પણ મૂળ સંકુલમાં જે જોવાનું હોય છે ત્યાં જઈએ છીએ ત્યારે જ ખબર પડે છે કે આ વિરેશ્વર મહાદેવ મંદિર જોવાં જેવું છે !!! લોકો જ આપણને સમજાવે છે કે આ મંદિર જોવાં ખાસ જજો. અહીંયા રિસોર્ટમાં રહીએને તો એ લોકો જ આપણને ગાઈડની સુવિધા પૂરી પાડે છે. સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનો કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ જે આજુબાજુના ગામડાંના જ રહીશો હોય છે તેઓ જ આ ગાઈડની સેવા આપતાં હોય છે. આ વિજયનગર પોળો ફોરેસ્ટ જો માણવું હોય તો એ માટે સમય ફાળવવો જ પડે છે. સમય હોય તો જ આ બધું શાંતિથી જોઈ શકાય અને માણી શકાય છે !!! લોકો સાથે હળીમળી પણ શકાય છે નહીં તો એકદિવસીય પીકનીક કરીને થાકીને થોડીઘણી યાદો મનમાં ભરીને પાછાં ઘેર આવી જઈએ છીએ આપણે !!!

વિરેશ્વર મહાદેવ આ મહાદેવ મંદિર ખાસ જ જોવાં જેવું છે એ ઐતિહાસિક છે અને પૌરાણિક પણ છે એવું અમને પહેલેથી જ સમજાવવામાં આવ્યું હતું !!! એટલે આ મંદિર જોવાનું અમને કુતુહલ તો હતું જ !!!

આ મંદિર રસ્તાની બાજુએ ૩-૪ કિલોમીટર પછી એક નાનાં પહાડની નીચે સ્થિત છે. આ મંદિરમાં જવાં માટે નીચે ગાડી પાર્ક કરીને થોડોક જ ઢાળ ચડીને જ આ મંદિર આવે છે. રસ્તામાં પૂજાની સામગ્રીની ૫-૧૦ લારીઓ અને સ્ટોલો છે. મંદિર પરિસરમાં દાખલ થતાં જમણી બાજુએ એક નાનકડી નાસ્તા-પાણીની દુકાન પણ છે પછી તરત જ ડાબી બાજુએ આ ઐતિહાસિક પૌરાણિક મંદિર આવે છે. મંદિરની બહાર બે ક્ષેત્રપાલ (ખેતરપાળ)ની મૂર્તિઓ છે જે આ મંદિરની રક્ષા કરે છે

આ ક્ષેત્રપાલ વિષે એજ સમયમાં હું લખી ચુક્યો હતો એના ફોટો લીધાં હતાં આ ક્ષેત્રપાલએ ગુજરાતની આગવી વિશેષતા છે એ બધું જ હું લખી ચુક્યો હતો “કાલભૈરવ” નામનાં લેખમાં !!! પણ પ્રત્યક્ષ ક્યારેય આ મૂર્તિઓ નિહાળી નહોતી અને એની મહત્તા શું છે એ નજરોનજર નહોતું જોયું !!! એ આ વખતે મેં નજરોનજર જોયું -માણ્યું અને અનુભુત કર્યું !!!

vireshwar-temple

સદીઓ જૂનું સ્વયંભૂ શિવ મંદિર .

હવે આ મંદિર વિશેની વાત ———

આમ જોવાં જઈએને તો સાબરકાંઠા જિલ્લો એ વાઘેલા યુગની જાગીર સમાન છે. ચાલુક્યો પછીનાં વાઘેલા રાજવંશો મૂળે શિવભક્ત હતાં એટલે એમને શિવમંદિરો બંધાવવામાં કોઈ જ કચાશ નહોતી રાખી. સાબરકાંઠામાં ઠેર ઠેર ઠેકાણે અને વિધવિધ જગ્યાએ ક્યાંક શિલ્પસ્થાપત્યના ઉત્તમ નમુના રૂપે કે ક્યાંક એ એ સીધાસાદા મંદિર રૂપે એમને શિવમંદિરો બંધાવેલા જ છે પણ એનું મહાત્મ્ય એ ઐતીહાસીકતાની સાથે પૌરાણિક પણ છે જ !!!એટલે જ ભક્તોની ભીડ પુરતી શ્રદ્ધા અને આસ્થાથી ત્યાં ઉમટતી જ રહેતી હોય છે !!! સોલંકી યુગમાં ગુજરાતના લગભગ દરેક જગ્યાએ આ શિવમંદિરો બંધાયા હતાં. અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી અને સૌરાષ્ટ્ર પણ !!!

સાબરકાંઠા જીલ્લામાં વિજયનગર તાલુકામાં આવેલું આ પ્રાચીન વિરેશ્વર મહાદેવ એ લોકોની મંદિર પ્રત્યેની આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે. આ ભોલેનાથ મહાદેવનું મંદિર એ સ્વયંભુ શિવલિંગ ધરાવતું મહાદેવ મંદિર છે. આ મંદિર વિક્રમ સંવત ૧૩૬૧ એટલેકે એટલેકે ઈસ્વીસન ૧૨૬૫માં બન્યું હતું. આજથી ૭૫૪ વર્ષ પહેલાં !!! એટલે એમ જરૂર કહી શકાય કે આ ચાલુક્યકાળમાં તો નહોતું જ બન્યું કારણકે ચાલુક્યશાસનનો અંત તો ઈસ્વીસન ૧૨૪૩માં આવી જ ગયો હતો અને એની જગ્યા વાઘેલા વંશે લીધી હતી. આ વાઘેલાવંશ એ મૂળ ભિલોડાના વતનીઓ હતાં એટલે કે સાબરકાંઠાના જ !!! અને આ વિજયનગર તેનાંથી નજીક જ છે !!!

જો કે કર્ણદેવ વાઘેલા પહેલાનાં રાજવી અર્જુનદેવે બંધાવ્યું હશે !! કારણકે એમનો શાસનકાળ ઇસવીસન ૧૨૬૨ થી ઇસવીસન ૧૨૭૫ હતો. ઇસવીસન ૧૨૭૫થી ઇસવીસન ૧૨૯૬ એ દરમિયાન અર્જુનદેવનાં પુત્ર સારંગદેવે ગુજરાતની ધુરા સંભાળી હતી અને કર્ણદેવ જે વાઘેલા વંશનો છેલો રાજા હતો તેનો શાસનકાળ હતો ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪. કર્ણદેવ વિષે આપણે અત્યારે કઈ વાત નથી કરવી એવીશે પછી કોક વાર વાત કરશું. આ મંદિર એ અર્જુનદેવના શાસનકાળ દરમિયાન બન્યું છે એ વાત સાચી જ છે !!!!

vireshwar-temple2

આ મંદિર ઐતિહાસિક હોવાની સાથે સાથે પૌરાણિક પણ છે કારણકે અહીનું શિવલિંગ સ્વયંભુ છે. ગુજરાતમાં જો કોઈ જગ્યાએ ભગવાન નરસિંહનું સ્વયંભુ મંદિર હોય તો તે પણ અહીં જ સ્થિત છે. અહીંયા સાક્ષાત હનુમાનજીનું પણ મંદિર છે. આ મંદિરમાં રહેવાં-જમવાની પણ સગવડ પણ છે પણ એ મંદિરની ધર્મશાળા જ ગણાય તોય ઘણાં લોકો એનો લાભ જરૂર લે છે !!! આ મંદિરમાં અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. કેટલાય ભક્તો રોજ મહાપ્રસાદનો લાભ લેવા માટે આવે છે. આજુબાજુ ઝાડો અને પાછળ એક પહાડ પણ છે

આ પહાડ ઉપર થોડે ઉપર જઈએ તો કુદરતનો અદ્ભુત નજરો જોવાં મળે છે. એક ઝાડ છે એની નીચે એના મુળિયા દેખાય છે એને સુરક્ષિત કરી દેવામાં આવ્યાં છે. એક કુવા જેવું બહારથી લાગ્યા વગર રહે નહીં. એ ઝાડના મૂળ કે પહાડમાંથી સતત પાણી નીકળ્યા જ કરે છે જે પહાડમાંથી રસ્તો કરી ગૌમુખ દ્વારા એક કુંડમાં આવે છે. કઈ રીતે એતો આજે પણ અધ્યાહાર જ છે પણ ત્યાંથી એ લગભગ ૨૦૦ -૩૦૦ ફૂટ નીચે એ પાણીનો જળાભિષેક સ્વયંભુ શિવલિંગ પર સતત થતો રહે છે !!! આ પાણી સુકાતું નથી અને એનો રસ્તો બદલતું નથી. ઝાડ પાન સુકાતું નથી અને પાણીનો પ્રવાહ સતત ચાલુ જ રહેતો હોય છે. બારે માસ અને ચીવીસે કલાક !!! ખૂબીની વાત તો એ છે કે આ પાણી ચોખ્ખું છે કલુષિત થયેલું નથી એટલેકે આ પાણી વર્ષો સુધી બગડતું નથી બિલકુલ ગંગાજળ જેવું જ !!! એટલે જ આ જગ્યાનું નામ આપવામાં આવ્યું છે ——– “ગુપ્ત ગંગા

આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરના પાછળના ભાગે ઉંમરના ઝાડમાંથી અવિરત પાણીનો પ્રવાહ વહે છે. ૧૯૫૬માં પડેલાં ભયંકર દુકાળમાં પણ આ મંદિરનું પાણી સુકાયું નહોતું !!! ૧૯૫૩માં વિજયનગરના મહારાજાએ મહંત પ્રથાની શરૂઆત કરી હતી ત્યારબાદ ૨૦૦૦ની સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લઇ નવુ બાંધકામ શરૂ કરાયુ હતું.. મંદિરના જીર્ણોદ્વારનું કામ પૂરૂ થતા વર્ષ ૨૦૦૮માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલું. અહીનું આજુબાજુનું વાતાવરણ શાંત અને મનોહારી છે. કુદરતી સૌંદર્ય હોય ત્યાં આમપણ શાંતિનો અનુભવ જ થાય. આવી પરમ શાંતિનો અનુભવ જો કરવો હોય ણે તો એકવાર મંદિરમાં અવશ્ય જજો. કાશ્મીરને બાજુએ મૂકી એવી એની વનરાજી છે જેનો અહેસાસ તમને વરસાદી ઋતુમાં થયાં વગર રહેશે નહીં. કુદરત આ સમય દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે. શહેરોમાંથી અહી ભક્તોની ભીડ પણ ખુબ રહેતી હોય છે મહાશિવરાત્રીએ તો અહી માનવમહેરામણ જ ઉભરાય છે. સ્થાનિક આદિવાસીઓનું અતિપ્રિય સ્થળ છે !!!

hanuman-vireshwar-

આવાં મંદિરો માત્ર દર્શન કરીને નીકળી જવાં માટે નહિ પણ એક અનુભવ મેળવવા જેવાં હોય છે. પેલા પણ જે આમારા ગાઈડ હતાં એમને લીધે અમને આ જોવાં મળ્યું અને એમને મને જે સમજાવ્યું જે બતાવ્યું તો મારા મનમાં પણ આ જગ્યાએ ફરીવાર જવાની ઈચ્છા જરૂર થઇ છે. તમે પણ આવા મંદિરોમાં જજો અને ભાવપૂર્ણ રીતે માથું ટેકવજો. એટલું તો અવશ્ય કહી શકું છું છે કે મંદિર મને બહુ જ ગમ્યું છે એટલેજ એ હજી મારાં હૃદયમાં વસેલું છે. ખબર નહિ કેમ આવી બધી જગ્યાઓ લોકો કેમ એની ઉપેક્ષા કરે છે. કુદરતના કરિશ્મા સમું આ પાણીનું ઝરણું જોવાં તો એક વાર અવશ્ય જ જજો અને ખુબજ શ્રદ્ધા પૂર્વક શંકર ભગવાનનાં લિંગ સહીત ભગવાન નરસિંહ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરજો !!!

— હર હર મહાદેવ —

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!