જૂનાકાળે ગ્રામ્ય ઘરો ના સૌંદર્ય શણગારની રસપ્રદ વાતો

‘‘ઘર વખાણિયે બારથી ને

ઓરડો વખાણિયે છત,

મહેમાન વખાણિયે વેશથી,

રૂપ વખાણિયે જત’’

લોકસાહિત્યના કીમતી કણ જેવો બે પંક્તિનો દુહો લોકજીવનની, લોકકલાની લોકસંસ્કાર અને લોકસંસ્કૃતિની ઘણીબધી વાતું કહી જાય છે. સૌરાષ્ટ્રની કોઈ લોકજાતિના ખમતીધર ખોરડાની ડેલીમાં પગ મૂકો તો એક ઓશરિયે આવેલા બે ઓરડાના વેણીધોકાવાળા, પીત્તળ પાન, બોરિયા ખીલા અને પોપટનાં કડાં ઝૂલતાં કાષ્ઠ કોતરણીવાળાં બારણાં અને બારશાખ ઉડીને આંખે વળગે. બારશાખ માથે ગણપતિબાપા કંડારાયા હોય, ઉપર હીર-ભરતનું તોરણ, ચાકળાને ટરપરિયાં ટાંગ્યાં હોય, ટાબકટીબકરૂપે આલેખચીતર આલેખ્યાં હોય. લોકનારીએ ખાંતે ખાંતે શણગારેલા આવા ઘરમાં મરક મરક હસીને વાતું કરનારા મીઠાબોલા, માયાળુ માનવી રહેતા હોય, ઈ ઘર ઈના મોટા રોટલા ને ઉજળા આવકારને કારણે મલક આખામાં વખણાય.

ઘરનાં વખાણ જેમ ઘરવાળીના સંસ્કાર અને આતિથ્યથી થાય એમ ઘરની બીજી ઓળખ વિશ્વકર્માના વંશજો (સુથારો)એ બનાવેલ કાષ્ઠકંડારણથી શોભતાં બારણાંથી થાય. ઘરની ઓશરી અને ઓરડાના ઉંબરામાં પગ મૂકતાંવેંત, અંતરમાં આનંદની સરવાણિયું નો ફૂટે તો ઈ ઘર ઘર નો કહેવાય, ખોરડું કહેવાય, રહેઠાણ કહેવાય. કોઠી, કોઠલા, પટારા, મજૂસ અને માંડ્યથી ઓપતા લીપણકલા- વાળા ઓરડામાં ચૈતર- વૈશાખની બળબળતી બપોરે વાહરવો ઢોલિયો ઢાળી, ગાલમશૂરિયાં નાખીને સૂતા હોઈએ ને માથા ઉપર ઝળૂંબતી કલામય છત જોઈને આપણા અંતરમાં આનંદના રંગસાથિયા ન પૂરાય તો એ કામણગારી છત શું કામની ? લઘરવઘર વેશે હાઉકલો કરતો ને આંગણે આવી બાવળના ઠૂંઠાની જેમ ઉભો રહે એ મહેમાનનું માંતમ શું ? પછી ભલે ઈ રહોડાનો મેંમાન હોય, ડેલીનો મેંમાન હોય કે પછી ચોરાનો મેમાંન હોય ! મેંમાન તો એની વ્યવહારકુશળતા, વિવેક અને વેશપરિધાન પરથી જ વખણાય અને ઉચિત માનપાન પામે અને દુહાના છેલ્લા ચોેથા ચરણમાં કવિ એમ કહે છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા જત નરનારીઓને દિનોનાથ નવરો હશે ત્યારે ઘડ્યાં હશે ને એમના માથે રૂપની કૂપલી (શીશી) આખેઆખી ઉંધી વાળી દીધી હશે ! તો જ બાપ, આ રૂપ હોયને !

લોકજીવનનું કલાવિધાન માનવીના પંડ કે પશુપ્રાણીઓના શણગારો પૂરતું મર્યાદિત નથી રહ્યું. પણ કચ્છ કાઠિયાવાડની જનજાતિયોના ઘરખોરડાં, ઓશરિયું ને ઓરડા ઓપાવવા સુધી ભરપટે વિસ્તર્યું છે. જેમાંથી લોકકળાના પ્રાકૃતિક રૂપસૌંદર્યનો એક સરવો સાદ સંભળાય છે. જેતપુર, ચોટિલા, જસદણ, ગઢડા અને પાળિયાદ પંથકમાં રહેતા વાળી, ખાચર અને ખુમાણ કાઠી દરબારોનાં ઘર અને ઓરડાનો ઠાઠ અને ઠસ્સો વર્ણવતા પુરાતત્વવિદ્‌ શ્રી મધુસૂદન ઢાંકી નોંધે છે કે કાઠીનાં ઘરની શોભાની શી વાત કરવી ? કાઠીજાતિ જેવી માંડછાંડ લોકસંસ્કૃતિમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. હવે આખરી વિદાય લઈ રહેલ એ સોનેરી જાજરમાન જમાનાનું ચિત્ર સાવ જ ભૂંસાઈ જાય એ પહેલાં છેલ્લી નજર કરી લઈએ તો ખોટું નથી.

કાઠીના અસલ ખોરડાં સાદાં પણ ભારે જુગતિપૂર્વક બંધાતાં. એકસરખા બે લંબચોરસ ઓરડા, થાંભલીવાળી ઓશરી, રસોડું અને ભંડારિયું, મોઢા આગળ મોટું વંડીવાળું ફળિયું અને કાટખૂણે દોઢીવાળી ડેલી. ભીંતો ઓળિયાથી ઓપની હોય, ઓશરીમાં ઢોલિયો ઢાળ્યો હોય ને સમી સાંજે કાઠી જણ હોકા ગગડાવતા હોય બાજુમાં મોતીગૂંથેલ કોળીંડા ને પોપટ-ઘૂંધરાવાળા રાશપાંગરાના પારણે સૂતેલ ગગાને બેનડી હીંચકા નાખતી હોય. રસોડામાં અરીસો (વાનગી) હલાવાતો હોય ને ભભકદાર કઢી ઉકળતી હોય, વાળુંટાણે રૂની ગાદી ભરેલ ચાકળા પથરાય ને ભમરીવાળા ઘટાદાર બાજોઠ પર અરીસા જેવી કાંસાની થાળી ને બાજુમાં પડધલી પર તાંસળિયું કે છાલિયાં ગોઠવાય. પ્રથમ લીલવણી બાજરાના નખલી પાડેલ મીઠા ગરમ સાત પાણીના રોટલા ને માલિકોર્ય ત્રણ ધર્યે જેની ફોરમ જાય ને સપનામાંય હવે જોવા ન મળે એવા લીલી ઝાંયના ઘીની ધાર થતી હોય. જમવા બેઠેલા મહેમાન ઘડીક ઉંચે છત સામે નજર કરે તો લાકડાની સંઘેડાઉતાર રંગીત ને મોતી પરોવેલ ખાટલી રાશ સહિત લટકાવેલી ને ઓશરીને શોભાવતી જુએને ચંડુલ પીંજરાને માથે નાખેલું મોતીગૂંથયું આચ્છાદન પણ જુએ.

ઓરડાના શણગારમાં હીરભરત અને કાં તો મોતીભરતનો ભરપટે ઉપયોગ થાય. બારણાને ફરતું શાખતોરણ, પડખે ટોડલા પાસે સૂરજસ્થાપન પણ હોય. પછીતને કાટખૂણે કરાને પણ શણગાર્યો હોય. ભીંતને વચેટ ભાગે અઢેલીને પિત્તળની કોરેલ પટ્ટીયુંથી મઢેલ પૈડાંવાળા મોભાદાર બોટાદી પટારો નજરે પડે. પટ્ટીઓથી પડતાં ખંડોમાં મોર, કુકડા, સૂરજ ને ફૂલડાંના રૂપાળા જડતર અચૂક જોવા મળે. એ પટારાના જમણા હાથ પર પૂતળીઓના બંધથી શોભતો ને પેટાળ પરના ઝીણાં કંડારવાળો ત્રણ પગવાળો ભારે રૂપસુંદર જબરો કટોદાન (કેવળ કાઠીના ઘરમાંજ જોવા મળે) પડ્યો હોય. કાઠિયાણીના કરિયાવરના આ ડાબરામાં લૂગડાં કે ઘણીવાર તો હીરભરતના ચંદરવા ને તોરણ સાચવ્યાં હોય ! પટારાની ડાબી બાજુના ખૂણે પિત્તળના મોટા ઘાટદાર હાંડા ને માથે કંડિયો પડ્યો હોય ? હાંડાને મથાળે ક્યારેક મોરવાળું ઢાંકણું વાસ્યું હોય. પટારાથી થોડે અંતરે ભીંત માથે કાંધી બાંધી હોય, પટારા પર મશરૂની ઘડકીઓ (રજાઈ) ખડકી હોય કે કોઈવાર મોતીભરેલ ઠસ્સાદાર ઓશીકાને ઉપરાઉપરી ગોઠવ્યાં હોય. ખંડ જો મોટો હોય તો પિત્તળના ઘૂઘરા, વાટકડી, હાથી, મોર ને પૂતળીવાળી બેનમૂન સાંકળોવાળી ચાર પાયાવાળી પિત્તળની નકશીવાળી ખાટ વચ્ચે ઝૂલતી હોય. દિવાળીથી લઈને હોળી સુધી ઘરના આ શણગાર શોભારૂપે રાખે. પછી પવન ફરે એટલે બધુ ભરત સંભાળીને પટારામાં મૂકી દે, જેથી ઉનાળાની ધૂળ અને ચોમાસાના ભેજથી એને બચાવી શકાય.

પ્રકૃતિની ગોદમાં વસેલા ગ્રામ્ય જીવનમાં પ્રસન્નપણે પાંગરેલી ઘર સુશોભનની લીપણનકશીની કલા છે. સૌરાષ્ટ્રની લીપણકળા લોકનારીની સૌંદર્યરસિક દ્રષ્ટિની વાત કહી જાય છે. ધરતીની ધૂળ સાથે મનડાની માયા બાંધીને બેઠેલી વિવિધ જાતિયોની લોકનારીઓએ આ પરંપરાગત કલાસંસ્કાર દ્વારા પોતાની હૈયાસૂઝથી માટીના ઓબડઘોબડ ખોરડાંને મનોહર લીપણ કામથી અપરૂપ મઢી ખડી અને ખાપુંથી ઉજમાળ્યાં છે. ગુજરાતની લીપણચીતરની આ કળાનો વ્યાપ રબારી, મેર, ભોળા, મેઘવાળ અને જત જેવી કેટલીક જાતિઓની કળારસિક સ્ત્રીઓ સુધી મર્યાદિત રહેવા પામ્યો હોવા છતાં કચ્છી રબારણોના બેનમુન લીપણ શિલ્પની નોંધ વિશ્વભરના લોકકલાપ્રેમીઓએ લીધી છે. આ લીપણકળાના રૂપસૌંદર્યથી છલકાતો ભર્યોભાદર્યો ભંડાર નીખરવો હોય તો કચ્છના કાછેલા અને ઢેબરિયા રબારીઓના ભૂંગાઓ (રહેઠાણના કૂબા)ની મુલાકાત લેવી પડે.

લીપણકળાની વિશિષ્ટ પરંપરાને જીવની જેમ જતન કરીને જાળવી રાખનાર લોકનારીઓએ લીપણકળાને ટાબકટીબકરૂપે નહીં પણ ઘરના અપરૂપ શણગારરૂપે જ સ્વીકારી છે. તેથી ઓશરી અને ઓરડાની ભીંત્યું પર, ઘરની બારશાખ, ડોડલિયા, જાળિયાં, ટાંકાને દીવી ગોંખ ફરતું, રાંધણિયાની ડોકાબારી, ઓરડાની પેડલી, મજૂસ, અનાજ ભરવાના કોઠી કોઠલા, રાંધવાનું રસોડું, ચૂલા, પાણિયારું, ગાદલાં- ગોદડાંનો ડામચિયો વાસણ મૂકવાની માળી, આરિયો ને ઘંટીનાં થાળા પર લીપણકળાનું રૂપસૌંદર્ય રમતું જોવા મળે છે. બહારથી અત્યંત સાદાં દેખાતાં ખોરડાં ને ભૂંગામાં ચતુર લોકનારીઓના ટેરવાં ટહૂકી ઉઠ્યા છે. કવિ ‘દાદે’ સાચું જ કહ્યું છે.

‘‘હસતાં ભીંત્યુંએ ઓલ્યા ચાકળા ચંદરવા,

માંડ્યું છાંડ્યુંમાં મલકાય, ટોડલે ટહૂકે છે ટેરવાં’’

જેમ ઘરની બાંધણી, એની કાષ્ઠકલા અને લીપણકામ ઘરની શોભા. સજ્જા વધારે છે, એમ ઘરની ઓશરીમાં, ડેલીની કોરેમોરે, ગમાણ ને ઢાળિયામાં કરેલાં રંગબેરંગી આલેખચિત્રો ઘરનો અપરૂપ શણગાર બની રહે છે. ગ્રામનારીની આ તળપદ લોકકલા છે. પોરબંદર પંથકના મેર, ગોહિલવાડ વિસ્તારના ખરક, પલેવાળ, પંચોલી બ્રાહ્મણ, ભાલપંથકના રાજપૂત કોળી કણબી તથા કાઠિયાવાડના માલધારી જાતિનાં આલેખ-ચીતર અભ્યાસનો એક આગવો વિષય બની શકે.

ગ્રામસંસ્કૃતિના ઘરો ભૌતિક સુવિધાઓ અને કલાસમૃધ્ધિથી ભયોભાદર્યા છે એમ એમાં વસનારા માનવીઓના અંતરમન, સંસ્કાર, સમૃધ્ધિ અને ઉદારતાથી ઉભરાય છે. આવા ઘરોમાં જૂનાકાળે, મહેમાનોની આગતા સ્વાગતાય એવી થાતી. એમને દાડમડીના દાતણ દેવાતાં. નાવણમાં ત્રાંબાકુંડિયું, ભોજનમાં લાપશી, મુખવાસમાં પાનનાં બીડાં, હીંચકવા માટે હિંડોળાખાટ અને પોઢણ માટે રંગતઢોલિયા દેવાતા. ઢોલિયા માથે મૂઢા હાથનાં ગાદલાં, અટલસના ઓશિકાં, ગાલમશૂરિયાં ને પાંગતે કિનખાબની રજાયું નખાતી, એટલે તો લોકગીતમાં ગવાયું છે ને ઃ

‘‘અમ ઘરે સાજનિયા ભલે આવ્યા રે

સાજનિયાને ઉતારા ઓરડા દેવરાવોરે

સાજનિયાને પોઢણઢોલિયા દેવરાવો રે

પોઢણઢોલિયા લઈ સાજનિયા

પડોને પાંદડી પડધી વાગે

ઢોલ શરણાઈ ઝાંપે વાગે

અમ ઘરે સાજનિયા ભલે આવ્યા રે.’’

ગામડાગામના ઘરો સાથે સંસ્કાર, સંસ્કૃતિ, ખાનદાની, મહેમાનગતિ અને આનંદપૂર્વક જીવન જીવવાની કલા આ બધું જૂના કાળથી જોડાયેલું છે. આજે ગુજરાતનું ગ્રામજીવન પણ યંત્રયુગની આંધિમાં ઉડવા માંડ્યું છે. ગ્રામપ્રજાનો શહેરો સાથેનો સંપર્ક સરળ બનતાં શહેરી અનુકરણ ઝડપથી ગામડામાં દાખલ થવા માંડ્યું છે. ગામડામાંથી માટી-મટોડાના ઘરો જવા માંડ્યાં છે. ઘર ચણવા છેક મારવાડમાંથી આવતા ઓડ લોકોની આખી જાતિ જ જાણે અદ્રશ્ય થઈ ગઈ છે. ગામડાંમાં ઈટેરી અને મેડીબંધ મકાનો બંધાવા માંડતાં ઘરશણગારના ચાકળા, ચંદરવા, ભીંતચિત્રો, મોતીકામ આ બધો અસબાબ અદ્રશ્ય થવા માંડ્યો છે. હજુયે જ્યાં નવી હવાનો સ્પર્શ ઓછો છે ત્યાં આ કલાસંસ્કાર કઈંક અંશે જળવાયો છે. ગ્રામકળાની આ સૌંદયસંપત્તિમાં હવે કલાપ્રેમી નગરજનોને રસ અને રૂચિ પ્રગટતા જાય છે, એ શુભ નિશાની છે.

થોડાં વર્ષો પહેલાં ગુજરાતના લબ્ધ- પ્રતિષ્ઠ કલાકાર લાઠીના કુમાર મંગલસિંહજીએ આપણી ગ્રામગૃહ સજાવટ, ગ્રામરંગયોજનાઓ અને આકૃતિઓનું સંકલન કરી આધુનિક જીવનમાં તે કેમ બંધ બેસતું થઈ શકે તે માટે કેટલુંક ફર્નીચર પોતાને ત્યાં બનાવ્યું હતું. શહેરોના ઈન્ટિરિયર ડિઝાઈનરો અને ડેકોરેટર્સનું ધ્યાન ઘરઆંગણે પગ નીચે શું પડ્યું છે તેના તરફ થોડું થોડું જવા માંડ્યું છે. ગામડામાંથી પાણીના મૂલે વેચાઈ ગયેલી ઘરસુશોભનની કલાત્મક ચીજો શહેરોમાં એન્ટીક પીસ તરીકે મોંમાંગ્યા ભાવથી વેચાય છે. જૂની ચીજોના આધારે મારવાડી સુથારો આબેહૂબ નકશીદાર ચીજો નવી બનાવી આપે છે. આજે આનું અમદાવાદમાં ઘણું મોટું મર્કેટ છે. આવી વસ્તુઓ વેચનારાઓનો એક આખો વર્ગ ઉભો થયો છે. વિદેશીઓ અને કલાપ્રેમીઓ આવી ચીજો હોંશે હોંશે ખરીદી જાય છે. ખટારા ભરીને માલ ભારતભરમાં જાય છે.

કહેવતમાં કહ્યું છે કે ધરતીનો છેડો ઘર. આ ઘર સાથે જોડાયેલી કેટલીક કહેવતો પર ઉડતી નજર કરી લઈએ. (૧) વરમાંથી ઘર થાય પણ ઘરમાંથી વર થોડો જ થાય ? (૨) કૂવો વંઠે કબૂતર પેઠે, ઘર વંઠે ભગતડું પેઠે. (૩) જેને ઘેર પારણું એનું શોભે બારણું (૪) ઘર માંડ્યું કે તોલડી તેર વાનાં માગે (૫) ઘરમાં બિલાડીથી બીએ ને બહાર વાઘ મારે (૬) ઘરડા વગર ઘરનું ઢાંકણ નહીં. (૭) જેના ઘરમાં ઘરડું નહીં તેનું ઘર ગધેડે ચડે (૮) ફુવડને ઘેર જોડ કમાડ, ઉઘાડે કોણ ને વાસે કોણ ? (૯) ઘરમાં કઈં ચાલે નહીં ને બહાર બબ્બે તલવાર બાંધે (૧૦) હજાર ગાઉ દૂર જઈએ તો પણ ઘર તો સાંભરે જ (૧૧) ઘેર ઘેર માટીના ચૂલા (૧૨) ઘરની ધોરાજી હાંકવી (૧૩) ઘર કહે તોડી જો ને વિવાહ કહે માંડી જો.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!