વીરડાનાં વરદાન

‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા.
‘હા ભાઇ! દીકરી જસુબાને ગઢડે દાદા ખાચરને દીધાં, એટલે ન્યાતરિવાજે વેવાઇ લગન લેવા પોતે આવે પણ આપણે ત્યાં વેવાઇને બદલે શ્રીજી મહારાજ પોતે આવે છે…

ધન્ય ભાગ્ય…’‘એમાં કાંઇ ખોટું નથી, આપા નાગપાલ! પણ પાણીનું શું?
ભટ્ટવદર ખારાપાટનું ગામ… તળમાં મીઠાં પાણીનો રહટિયોય (છાંટો) નથી… તમે જાનને પાણી કઇ રીતે પાશો?
માણહ એકલાં હોય તો પોગી વળાય આપા! પણ જાનમાં ગાડાનાં બળદો, ઘોડા, ઊંટ અને હાથી પણ હશે… ઓછામાં ઓછાં પાંચસો પશુઓ હશે… આટલાં બધાં જાનવરોને પાણી પાવાની વાત હથેળીનો ગોળ નથી હો, આપા!’ અને દાયરામાં આ વાતે સોપો પડી ગયો…!

‘એમ કરીએ, આપા!’ દાયરામાંથી એકાદ બુદ્ધિશાળી માણસે વચલો રસ્તો કાઢતાં કહ્યું: ‘લગન આપણે રૂડી રીતે લખી દઇએ અને પછી મહારાજ પાસે પાણીનો પ્રશ્ન મૂકવો કે અમારી આ મૂંઝવણનો ઉકેલ આપ જ કરી આપો. જાનને અમે પરંપરા મુજબ રૂડી રીતે સાચવશું. અરે, સાત પકવાન જમાડશું પણ મહારાજ! પાણીનું કાંક કરો.

’‘વાહ ભાઇ વાહ!’ દાયરામાંથી વાત વધાવાઇ ગઇ:
‘ભારે રસ્તો કાઢ્યો… પાણી જેવી ચીજ માંગવામાં વાંધો નથી.’
મળસકામાં સૌ જાગ્યા અને મહારાજને તેડવા માટે શણગારેલા બળદે ચાર ગાડાં સામે મોકલ્યાં…

વાજતેગાજતે સહજાનંદ મહારાજ ભટ્ટવદર પધાર્યા… શુભ ચોઘડિયે લગન લખવા માટે બાજોઠ ઢળાયા. કુળગોર આવ્યા. કાિઠ રિવાજ મુજબ ઓસરીમાં હકડેઠઠ દાયરો ભરાયો. નિર્વિદને લગ્ન લખાઇ ગયાં. દાયરામાંથી પાણીની વાત કરવા કોઇની હિંમત ચાલતી નથી. પાણી જેવી સાવ સોંઘો વસત, સ્વામીજી પાસે કઇ રીતે મંગાય? સૌ મૂંઝવણ અનુભવે છે…

‘બોલો દરબાર!’ શ્રીજી મહારાજ જાણે સૌની મૂંઝવણ પામી ગયા હોય એમ બોલ્યા: ‘અમારા જેવું કાંઇ કામકાજ હોય તો ખુશીથી ચિંધો… તમે અમારા વેવાઇ છો. અમારે તમને ઉપયોગી થવું જોઇએ…’

‘મહારાજ!’ દરબાર નાગપાલ વરૂ બોલ્યા: ‘આપને બીજું તો શું ચિંધવાનું હોય? આપ જેવા મહાન પુરુષનાં પગલાં અમારે આંગણે થયાં છે ઇ ધનભાગ્ય… પણ બીજી બહુ નાની એવી મૂંઝવણ છે. કહેતાં જીવ નથી હાલતો…’

‘તમતમારે બોલો’ મહરાજ હસ્યા: ‘શાની મૂંઝવણ છે?’

‘મહારાજ! અમારો આ આખો વિસ્તાર ખારાપાટનો.. જાફરાબાદનો દરિયો અમારી ધરતીના કણે કણને ખારો ઉસ કરી ગયો છે. મીઠું પાણી મારા ગામમાં નથી… બીજું તો શું પણ પાણી વગર અમે શું કરશું?’

મહારાજ વળી પાછા હસી પડ્યા,

‘ઓ હો! ‘વાત તો પાણીની છે ને? પાણી અમે લેતા આવશું…’

‘અરે, મહારાજ! જાન પાણી લઇને આવે? અને આવે તો કાંઇ સારું લાગે? અમારી ટીકા થાય… બાપા!’

‘ન થાય, દરબાર!’ સહજાનંદજી ગંભીર થઇને બોલ્યા: ‘તમારી ટીકા તો ત્યારે થાય કે ભોજન અમે લઇને આવીએ… આમાં ટીકા શાની? સૌ યાત્રાળુઓ પણ પાણી તો સાથે લઇ જાય છે પછી?’

‘પણ બાપા! ગઢડેથી પાણી કેવી રીતે આવશે?’

‘જુઓ, એની ચિંતા તમે ન કરો…’ અને લગ્નોતરી લઇને મહારાજ ગઢડા સિધાવ્યા…

દરબાર દાદાખાચરનાં લગન આખા ગઢડાનો લગ્નોત્સવ બની રહ્યાં… તોરણના દિવસથી અગાઉ ત્રણ દિવસ જાન ગઢડાથી ભટ્ટવદર જવા રવાના થઇ… ટંકે ટંકે વિસામો કરે… ભોજન થાય. જોતરઢાળા થાય… અને રાત પડે ત્યાં મુકામ કરે… ત્રીજા દિવસની સવારે જાન ભટ્ટવદર પહોંચી… માફા, ડમણિયાં, મજુલી, સગિરામ, બળદગાડાં, ઘોડા, ઊંટ અને એક હાથી… પાંચસો જાનૈયા… સાધુ, સંતો, દરબારો, વેપારીઓ, બારોટ અને કવિઓ…! ચપટી જેવડા માંડ પાંચ ખોરડાના ગામ ભટ્ટવદરની પચ્ચાસ સાઠ માણસની વસતી પાંચસો જાનૈયાથી ઘેરાઇ ગઇ…પાદરના વડલે હાથી બાંધ્યો.. ચાકળા નખાયા. વાજિંત્રો વાગ્યાં… લગ્નગીતોની ઝંકોળ બોલી…માંડવેથી જાનૈયાઓ માટે કિઢયેલ દૂધનાં બોઘરાં આવ્યાં… અને સ્વાગત કરતા કરતા માંડવિયા ઝીણી નજરે જોવા લાગ્યા કે સ્વામીજી કહીને ગયા હતા કે પાણી અમે લેતા આવશું. તો ક્યાં છે પાણી? અડખે પડખે, આગળ પાછળ બધે જોઇ વળ્યા પણ ક્યાંય પાણીનો ટાંકો કે કોઠી કે પખાલ દેખાયાં નહીં!

‘બાપુ!’ માંડવિયાએ નાગપાલ વરૂને ફફડતે જીવે ખબર આપ્યા કે ‘જાનવાળા પાણી નથી લાવ્યા…’

‘તો તો મહારાજે ભારે કરીને? અને માંડવેથી બે ચાર મોટેરાને સાથે લઇને આપા શ્રીજી મહારાજ પાસે પહોંચ્યા: ‘મહારાજ! પાણી નથી… આપ પાણી લાવ્યા છો?’

‘પાણી તમારા ગામની ધરતીમાં છે, દરબાર! પછી અમારે શું કામે લાવવું પડે?’

‘અરે, મા’રાજ! આ ધરતીમાં તો ખારો ઉસ દરિયો જ છે ઇ પાણી કાંઇ પીવાય?’

‘તમે તીકમ અને પાવડો લઇને આવો. હું મીઠું પાણી દેખાડું.’ કહીને સહજાનંદ સ્વામી ખુદ ઊભા થયા. માંડવિયા તીકમ પાવડો લઇ આવ્યા…

સહજાનંદ મહારાજ ભટ્ટવદર ગામની દક્ષિણે જઇને ઊભા રહ્યા… પળ એક જમીનમાં નિરીક્ષણ કરીને તીકમ પોતાના હાથમાં લીધો અને ખાત આદર્યું…

આ અજાયબ ઘટનાને લોકો કુતૂહલ અને રમૂજથી નિહાળી રહ્યા, કે સંતો પણ ખરા છે ને? તરસ લાગી ત્યારે કૂવો ગાળવા મંડાયા! થોડી વારમાં તીકમ ચલાવીને મહારાજે બીજા જણને અંબાવ્યો… ‘થોડું ખોદો હવે પાણી આવવાની તૈયારી છે. ભગવાનની કૃપાથી ઘણું બધું પાણી નીકળશે…’અને વીરડો બે હાથ ઊંડો ગયો કે સુસવાટ કરતું પાણી આવ્યું! પળવારમાં તો વીરડો છલકાઇ ગયો… પાણી સૌએ ચાખ્યું… મીઠું, ટોપરા જેવું, ચોખ્ખું, નિર્મળ પાણી…!

આખા ગામમાં ચમત્કારની વાત ફેલાઇ ગઇ અને થોડીવારમાં હર્ષઘેલા માનવીઓનાં ટોળાં વળ્યાં…સહજાનંદ સ્વામીએ સંત નિષ્કુળાનંદજીના હાથે વીરડાને કાંઠે હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવી અને સ્વિસ્ત વચનો ઉચ્ચાર્યાં… કે ‘આ જળ ક્યારેય ખૂટશે નહીં. અખૂટ રહેશે… ભગવાનમાં શ્રદ્ધા રાખજો…’

ભટ્ટવદર ગામની ચારેય છેડા ધરતીમાં ક્યાંય મીઠું પાણી નહોતું અને આ વીરડામાં ગંગાજળ સમુ મધુર પાણી જોઇને લોકોએ મહારાજના પરચાનો દિવ્ય અનુભવ કર્યો… ચારે બાજુ લગ્નનો ઉત્સાહ બેવડાઇ ગયો. શ્રીજી મહારાજની પ્રભુતા વંદાઇ રહી…

(નોંધ: આજે પણ આ મીઠી વીરડીના નામે ઓળખાતો કૂવો ભટ્ટવદરના દક્ષિણ તરફના છેડા ઉપર મોજૂદ છે. એના પર ડંકી મૂકીને આખું ગામ આ અખૂટ જળનો લાભ લે છે.)

લેખક- નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!