મરાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમેા થઈ પડ્યા હતા. એના ગરાસ ચાસ તો ગાયકવાડના અક્કડ કાયદાની અને વ્યાજખાઉ વેપારીઓની ભીંસમાં ભાંગી ગયા હતા. પુરૂષ કાઠી અધર્મો આચરતો છતાં એના ઘર અંદરની જોગમાયાઓએ જૂનાં શીલ છોડ્યાં નહોતાં. ઓરડે બેસીને આઈઓ ઉને આંસુએ ધણીઓનાં પાપ ધોતી અને એકાદ બે ભેંસોનાં ઘી ઉતારી પુરુષોનાં પેટ પૂરતી હતી.
કાઠી કોમને ચોફરતા ત્રણ સર્પોએ ભરડો લીધો હતો : ગાયકવાડી ગામડાંના પટેલોએ, વ્યાજભૂખ્યા વેપારીઓએ અને એના નિજના અધર્મો એ. એ ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં સૂરજનો સુત ભસ્મ થાતો હતો. પચીસ જ વરસ ઉપરની તાજી વાત છે. ધારગણી ગામની ગુજરાતી નિશાળમાં વાણીઆ લોહાણાના છોકરા જ્યારે લેખાં ને મોપાટ ગોખતા અને એક બીજાની પાટીમાંથી દાખલા ચોરી લેતા, ત્યારે ઓરડાને ખૂણે છ આઠ રખડુ કાઠી નિશાળીઆ વચ્ચે વાદાવાદ લાગી પડ્યો હતો કે કોણ મોટેરૂં ? ધાનાણી કુળ મોટું કે ગાંગાણી કુળ મોટું ? ગાંગાણી કાઠીના છોકરા કહે કે “એ રામભાઈ ! તારા ધાનાણી તો અમારા ચાકર હતા. ધાનાણીએ ક્યાંય એકલાં ગામતરાં કે ધીંગાણાં કર્યા સાંભળ્યાં છે ?”
ઘઉંવરણો, શીળીઆટા મોઢાવાળો, ઉંચી કાઠીનો અને માથા પર આંટી પાડીને બાંધેલી છતાં લીરે લબડતી પાઘડીવાળો રામ નામનો એક છોકરો સળગી ઉઠીને જવાબ દેતો કે “ઈ કાંઈ હું ન જાણું. ઈ ચોપડા મારે ઉખેળવા નથી. આજ પારખું કરવું હોય હોય તો હાલો શૈલ્યના વેકરામાં. હું એકલો ધાનાણી અને સામા તમે ત્રણ સામટા ગાંગાણી: આવો, ધીંગાણું કરીએ. જે જીતેને ઈ મોટો. હાલો જો માટીમારના દીકરા હો તો !”
ધીંગાણાના તરસ્યા છોકરાઓને સાંજ તો માંડ માંડ પડી. નિશાળનો ઘંટ વગડ્યો. કાઠીના છોકરા ડાંગો લઈ લઈ પાદરમાં ચાલી જતી ઉંડી અને અખંડ વહેનારી શેલ નદીના પટમાં ઉતર્યા. લીરાવાળી પાઘડીઆળો ને શીળીઆટા મોઢાવાળો ધાનાણી છોકરો મંડ્યો હાકલા કરવા કે “એલા ભાઈ, હવે બાંધવું હોય તેા ઝટ કરોને, નીકર આ દિ’ આથમી જાશે અને આપણે કોક મરશું તો અવગત જાશું, માટે સટ કરો, હમણાં મા’રાજ મેર બેસી જાશે.”
સામે ત્રણ જણા ઉભા તો થયા હતા, પણ એ લીરાળી પાઘડીવાળા છોકરાના ગામના એક કુંભારનો છોકરો અને બીજો એક કાઠી છોકરો, બેય વચ્ચે પડીને આ એકલમલ છોકરાને વિનવીને ઠારે છે કે “એ રામભાઈ, નાહક કોકનાં હાથ માથાં ભાંગશો. ભલો થઈને રે’વા દે.”
“શવજી, હાથીઆ, તમે કોરે ખસી જાવ ! ઈ ત્રણ ને હું એકલો – આ ધડી પારખું કરી લઈએ. આમાં ક્યાં વેરનો કજીઓ છે?” પણ છેવટે રામને ઠારીને સહુ નોખા પડ્યા. રામ અને શવજી બેય પાટી દફતર ઉપાડીને અંધારે એક ગાઉ ઉપર પોતાના વતન વાવડી ગામે ચાલ્યા ગયા. પોતાની શક્તિનું પારખું ન થવાથી રામ પથારીમાં ધુંધવાતો ધુંધવાતો સૂઈ ગયો.
બાર ચૌદ વરસનો રામ રોજ વાવડી ગામથી ચાલીને ધારગણી ગામે ભણવા જતો, પણ ભણતરને ને કાઠીના દીકરાને તો બારમો ચંદ્રમા હતો. સાચનો કટકો અને જન્મથી જ કોઈ અકળ આગનો ભરેલો રામ હસતો તો કોઈક જ વાર. ટોળ ટિખળમાં ભળતો નહિ. વાત વાતમાં અન્યાય થતો હોય ત્યાં આડો પડતો. પારકા કજીઆ ઉછીના લેતો. ઝાઝું બોલ્યા વિના છાનોમાનો સળગ્યા કરતો. ત્રણેક ચોપડી માંડ ભણ્યો હશે. ત્યાં એક દિવસ એક બીજા નિશાળીઆ ઉપર અન્યાય થયો ભાળીને ન સહેવાયાથી રામ માસ્તરને સ્લેટ મારી ઘેર ચાલ્યો આવ્યો.
એકના એક દીકરાને આવો રઝળું અને ઓટીવાળેલ નીવડ્યો જોઈ બાપ લમણું કૂટતો. બાપનું નામ કાળો વાળો. લલાટે હાથ દઈને બાપ બોલતો કે “ રામ ! દીકરા ! આ ગરાસ ગાયકવાડ સરકારે અટકાયતમાં લીધો. આપણી વીઘે વીઘો જમીન વહી ગઈ. પટેલ આપણો ઓલ્યા ભવનો વેરી જાગ્યો, તે એકે ય વાત સરેડે ચડવા દેતો જ નથી. એમાં તને કોણ રોટલો ખાવા દેશે ?”
રામ બાપના બળાપા સાંભળતો, પણ બોલતો નહિ. એકલો પડે ત્યારે કોઈ ચોપડીમાં વાંચેલી થોડીક કવિતાની લીટીઓનું રટણ કર્યા કરતો. એક તો હતો આ દોહરો :
જનની ! જણ તો ભક્તજન
કાં દાતા કાં શૂર;
નહિ તો રેજે વાંઝણી
મત ગૂમાવીશ નૂર !
એ લીટીઓ એને મંત્ર જેવી હતી. એ લીટી બોલતો કે તુર્ત એની મા રાઠોડબાઈ એની નજર સામે તરવરી રહેતાં. પોતે જાણે કે એ દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડવ્યા કરતો અને પછી પોતાના જીવતર ઉપર આંખ ફેરવી જતો. બીજી રટતો એક ગઝલની ત્રણ ટુંક :
બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિ:કાર તેનું છે.
કંઇ ના નામના કીધી, પ્રદેશે કીર્તિ ના લીધી,
નહિ ક્યાંયે તું વખણાણો, જીવ્યું ધિ:કાર તેનું છે.
બને તે સહાય આપીને, પરાયા કષ્ઠ કાપીને
કરી ના અન્યની સેવા, જીવ્યું ધિ:કાર તેનું છે.
આ એની એકની એક વ્હાલી કવિતા હતી. હાલતાં ને ચાલતાં એ રટ્યા કરતો અને અબોલ રહ્યો રહ્યો અંદરથી ઉકળ્યા કરતો.
=====
કાઠીઆણી ! આપણે માથે માછલાં ધોવાય છે.”
કાળો વાળો પોતાનાં દુ:ખ ઘરની ડાહી ઘરનાર પાસે ગાવા બેસતો અને જોગમાયાના અવતાર જેવી આઈ રાઠોડબાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં એ આપદા સંઘરતી હતી.
“કાઠીઆણી ! રૂ. ૧૪૦૦ રોકડા ફાંટમાં બાંધીને કરેણવાળા પાસેથી આપણી જમીન છોડાવવા ગયો, પણ એને તો હજી ચોમાસાની નીપજ ખાવી’તી. પાડાનાં કાંધ જેવી મારી જમીન પાછી દેવાની એની દાનત ક્યાં હતી ? ત્યાં જઈ અમે ધીંગાણે આવ્યા, કોરટમાં લેવાણા, ફાંટમાં હતા તે ચૌદસો ય રૂપીઆ વકીલ અમલદારૂંમાં ચવાઈ ગયા. ફેંસલો ઘણો ય મારા લાભમાં ઉતર્યો, પણ જમીન છેાડાવું કેમ કરીને ! વળી બીજી જમીન હતી તે ગરમલી વાળાને માંડીને રૂા. ૨૨૦૦ ઉપાડી કરેણ વાળા પાસેથી છોડાવી. પણ મને શી ખબર કે પરહદ વાળા પાસેથી જમીન પાછી લઇ લેવાનો કાયદો ગાયકવાડ સરકારે ઓચીંતો વાંસેથી ઘડ્યો હશે !”
“તમને પટલે નો’તું કહ્યું ?”
“મને પોગાડવા સાર ધારીથી પટેલ માથે નેાટીસ તો આવેલી, પણ એણે એ કાગળીઓ દબાવી રાખ્યો. દસ વરસ સુધી બોલ્યા ચાલ્યા વિના દંડ ચડાવ્યે રાખ્યો. આજ એ દંડની રકમ રૂા. એક હજાર ઉપર પોગી ત્યારે હવે એ કાળમુખો મોંમાંથી ફાટ્યો. હું દંડ શી રીતે ભરૂં ! ગરમલીવાળાના રૂા. ૨૨૦૦ ચૂકવ્યા વગર જમીન શી રીતે પાછી લઉં ! ને ન પાછી લઉં ત્યાં સુધી સરકારી દંડ તો ચડ્યે જ જાય છે !”
“તો હવે ડોસા પટેલનું ધ્યાન શું પડે છે !” કાઠીઆણી રાતી ચોળ બની રહી હતી.”
“ધ્યાન શું પડવું’તું ! એણે તો મને કહી દીધું છે કે એક વીઘોય જો ખાવા દઉં તો હું ડોસો કુંભાર નહિ.”
“કારણ ? આપણે એનું શું બગાડ્યું છે?”
“કાઠીઆણી ! તમે ઇ દુરજનને નથી ઓળખતાં. ગાયકવાડનો ગામ પટેલ એટલે જ કાળો નાગ. શું કરૂં…!” કાળાવાળાની આંખો ફાટી રહી.
આટલી વાત થાય છે ત્યાં સરકારી પસાયતો આવીને ઉભો રહ્યો. અવાજ દીધો “આપા કાળાવાળા ! હાલો ઉતારે. પટેલ બોલાવે છે.”
“કાંઇ કાગળીએા છે ધારીથી !” ધ્રૂજત પગે કાળાવાળાએ પૂછ્યું.
“હા, આપા, તમારો તમામ ગરાસ સરકારે પોતાની જપ્તીમાં લઇ લીધો છે. હવે તમે જ્યારે રૂા. ૨૨૦૦ અને દંડના રૂા. ૧૦૦૦ ચૂકવશો ત્યારે ગરાસ છૂટશે.”
“બધો ગરાસ જપ્તીમાં?”
“હા બધો.”
કાળોવાળો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે
બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિ:કાર તેનું છે.
“સાચી વાત રામ !” મા રાઠોડ બાઈએ ટોણો માર્યો: “જીવ્યું ધિ:કાર તેનું છે. સાંભળીને તારા બાપની વાત. બાપ રામ ?”
“સાંભળી, મા.”
“ને આ બધું તું બેઠે કે ?”
રામ ગાવા લાગ્યો: “ જીવ્યું ધિ:કાર તેનું છે !”
=====
કાળા વાળાનો દેહ છૂટી ગયાને વરસ વળોટ થઈ ગયું છે. રાઠોડબાઈ હવે એકલાં પડી ગયાં. પેટગુજારાની મુંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયા, રામ રઝળુ થયો અને ગામનો ડોસો પટેલ સરકારમાં હજુ યે શાં શાં કાગળીઆાં નહિ કરતો હોય એ કોને ખબર ? રામના ઉધામા માને સમજાતા નથી. કોઈ કોઈ વાર રાત પડી જાય, રામ ઘેરે આવ્યો ન હોય, હાથમાં લાકડી લઈને આઈ પાદરમાં રામને ગોતે, સીમમાં જઈ “એ બાપ રામ ! માડી રામ ! ઘેરે હાલ્ય !” એવા સાદ પાડે. રામ ક્યાંક ઉંડા મનસૂબા ઘડતો ઘડતો પડ્યો હોય ત્યાંથી ઉઠીને મા ભેળો ઘેરે જાય. વાળુ કરાવતાં આઈ પૂછે કે “બેટા ! તું મને કહે તો ખરો ! તારા મનમાં શું છે ? તે આ શું ધાર્યું છે ? આ મારાં લૂગડાં લતાં સામું તો જો ! હું કાઠીની દીકરી ઉઠીને કેવી રીતે મજૂરીએ જાઉં ?” આઇની મોટી મોટી બે આંખોમાં છલકાતાં આંસુડાં રામ જોઈ રહેતો. અને પછી જાણે કાંઈ ખબર જ ન હોય તેમ ગાવા માંડતો કે
“…જીવ્યું ધિ:કાર તેનું છે.”
આઈએ થાકીને વાઘણીઆ ગામે પોતાના ભાઈ રામસ્વામીને સંદેશો પહોંચાડ્યો કે “સ્વામીને કહેજો, એક આંટો આવીને બેનની સંભાળ લઈ જાય.”
થોડે દિવસે રામના મામા આવીને હાજર થયા. અસલ નામ તો રામ ધાધલ, પણ સંસાર છોડીને પરમહંસ દશામાં રહેતા હોવાથી રામસ્વામી નામે ઓળખાતા. અવસ્થા વરસ પચાસેકની હશે. બહેનભાઈ બે ય એક જ ખમીરનાં હતાં. આઈ પણ જીવતરમાં આકરાં વ્રત નીમ કરનારાં: એક નીમ તો રોજ સૂરજનાં દર્શન કર્યા પછી જ આહાર પાણી લેવાનું: એમાં એક વાર ચોમાસાની હેલી બેઠી. ઘમઘેાર વાદળમાં સૂરજ દેખાય નહિ, ને દેખ્યા વગર રાઠોડબાઈને અન્ન નામ ખપે નહિ. એક દિવસ, બે દિવસ. એમ એકવીસ દિવસ સૂરજ દેખાણો નહોતો ને આઈએ એકવીસ અપવાસ ખેંચ્યા હતા.
એવી બહેનના સંસારત્યાગી ભાઈ રામસ્વામી પણ જ્ઞાનની લ્હેરમાં ઉતરી ગયા હતા. સંસારની ગાંઠ એને રહી નહોતી. પણ એણે બેનનાં કલ્પાંત સાંભળ્યાં ને ભાણેજના ઉધામા દીઠા. આઈએ ભાઈને છાનામાનાં કહ્યું કે “આ છોકરો ક્યાંઈક કટકા થઈને ઉડી જશે. એનું દલ દનિયામાં જપતું નથી.”
રામસ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લીધો. આખો દિવસ મામા ભાણેજ બેય ખેતરમાં જઈ હાથોહાથ ખેડનું કામ સંભાળે અને રાતે મામા રામાયણ, ગીતા વગેરેના ઉપદેશ સંભળાવે. રામ છેટો બેસીને સાંભળ્યા કરે. મામા એને એકધ્યાન થઈને બેઠેલો દેખી સમજે કે રામ ગળે છે અને સંસારના ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે. પણ મામા ભૂલતા હતા. રામ તો એ ધર્મના ચોપડામાંથી પણ ઉલટો જ ઉપદેશ તારવતો હતોઃ રામાયણ અને ગીતામાંથી એના કાન તો વીરતાના વૈરાગના – મરવા મારવાના જ સૂર સાંભળી રહ્યા હતા.
=====
ડોસો પટેલ એટલે વાવડીનો ગાયકવાડ. જાતનો કુંભાર પણ ઘેરે જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડનો મુખી પટેલ એટલે તો ઘેરે દોમ દોમ સાયબી અને અપરંપાર સત્તા. એ સત્તાએ વાવડીના પટેલ ડોસાને બ્હેકાવી નાખ્યો હતો. સરકારમાં એની હજાર જાતની ખટપટ ચાલતી જ હોય, અમલદારોને ડોસો કુલકુલાં કરાવતો એટલે ડોસાના બોલ ધરમ રાજાના બોલ જેવો લેખાતો અને કેટકેટલાના નિસાપા આ ડોસાના માથા ઉપર ભેળા થયા હતા ! ડોસો ગરીબ દાડીયાંને દાડી ન ચૂકવે પરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજાચિઠ્ઠી લેવા આવનારાં પાસેથી ડોસો પાવલું પાવલું લાંચ પડાવે. અરે, ડોસાએ તો કુટુંબીઓને ય ક્યાં છોડ્યાં હતાં ? સગાંની જમીનોની ફારમ ડોસો પોતે જ છાનોમાનો ભર્યે જતો અને આમ પાંચ-સાત વરસની ફારમ ચડાવીને પછી સગાં જ્યારે સામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાંને બાવાં બનાવતો. એવો હૈયાવ્હોણો ! પોતાના સગા દીકરા શવજીએ અફીણ ખાધું : પોતાને ને દીકરાને મનમેળ નહોતા તેટલા સાટું એણે અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું : દીકરા શવજીનું એણે એ રીતે કમોત કરાવ્યું હતું. મુવેલો શવજી રામનો ભેરૂબંધ હતો.
એક દિવસ સવારને ટાણે ડોસા પટેલનો આવો ધમરોળ ચાલી રહ્યો છે. કેટલાં કેટલાં દાદ લેવા આવનારાં ગરીબોને ડોસો ગાળો આપે છે ન કહેવાનાં વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો: ફાટતે મ્હોંયે એણે એ બાઈને ધમકાવી કે “રાંડ ! ડાકણ ! ગામ આખાનાં છોકરાંને મંતર જંતર કરવા જા અને મારૂં છોકરૂં ભરાઈ ગયું ત્યારે કેમ ન આવી ?”
ધોળાં લૂગડાં પહેરીને ગરીબડે મોઢે એક જોગણ જેવી લાગતી બાઈ ઉભી હતી. એણે જવાબ દીધો “ડોસા ભાઈ ! મને ભેખને આવાં વેણ ? વિચાર કરો, બાપ ! હું નથુરામજી જેવા સાધુ પુરુષનું છોરૂ. હું રાધાબાઈ. મારે માથે આ વિજળી કાં પડે ?”
“ત્યારે કેમ નહોતી મરી ?”
“બાપ! મારૂં મન નહોતું વધ્યું. મને ભવિષ્ય માઠું કળાતું’તું. આવરદાની દોરી સાંધવાની મારી સત્તા થોડી હતી ભાઈ !”
“તું–ડાકણ ! તું જ મારા બાળકને ભરખી ગઈ.”
એટલું બોલી ડોસો ઉઠ્યો. થાંભલીઓની વચ્ચે રાધાબાઈ સાધ્વીને એણે પરોણે પરોણે મારી.
મીણ જેવા દેહવાળી રાધાબાઈ માર ન સહેવાયાથી ઢગલો થઈને નીચે ઢળી પડી. ડોસાની સામે દૃષ્ટિ ઠેરવીને એણે કહ્યું “ડોસા પટેલ ! આ બે થાંભલી વચાળે જ તારૂં કમોત થાશે. તે દિવસ સંભારજે.”
એમ કહીને એણે ચારે કોર નજર ફેરવી. આઘે ઉભેલા એક જુવાન ઉપર એની મીટ ઠરી. એ જુવાન રામ હતો. રામના મનમાં રટણ ચાલવા લાગ્યું કે “…જીવ્યું ધિ:કાર તેનું છે.”
રામ જાણે કે પોતાની નોંધપોથીમાં નવા હિસાબ લખ્યે જતો હતો.
ડોસો રામ તરફ વળ્યો “કેમ આવવું થયું છે આપા રામ ?”
“ડોસા કાકા ! મારૂં આખું ય ખળું જપ્તીમાં શીદ જમા કરો છો ? મારે ખાવું શું ?”
“તમારા બાપના એ પ્રતાપ છે આપા રામ !” પટેલ બોલ્યો.
“ડોસા કાકા, મારા બાપને હવે શીદ સંભારો છો ? મને જ જવાબ આપોને, કે મારૂં આખું ખળું શીદ જપ્તી ખાતે જમા કરો છો ? મારે ખાવું શું ?“
“ખાવ ચોરી લૂંટીને ! બાપદાદાનો ધંધો છે. તમારે શી લાજ શરમ ?”
“ચોરી લૂંટ ? પરસેવો રેડીને નહિ ખાવા દો તો પછી ચોરી લૂંટે જ મન ચડશે ને ડોસા પટેલ ?”
“હા, ઝટ કરો એટલે સરકારની તુરંગનાં સોના-સાંકળાં તૈયાર છે તમારા સારૂ, આપા રામ ! જાવ, કરો કંકુનાં.”
રામ ડોસાની ઓસરીએથી ઉતરીને પાછો વળ્યો. અને ઘેર પહોંચ્યો તેટલી વારમાં એને કૈક વિચારો આવી ગયા : આ મારો બાપુકો મૂળ ગરાસ : એના ઉપર જપ્તી બેઠી : હું લોહીપાણી એક કરીને કામ્યો : તો ય ખળામાંથી ખાવા પૂરતું ન રહેવા દીધું: હું ગરાસીઓ, બીજી મજૂરી કરવા ક્યાં જાઉં ? મારી રંડવાળ માને શું ખવરાવું ? આ બધું કરનાર કોણ ? વાવડીનો પટેલ : વાવડીનો રણીધણી : વાવડીનો ગાયકવાડ : ગામેગામના પટેલો ગાયકવાડીનાં જ જૂજવાં રૂપ. આવાં અસત અને કૂડ ઉપર ચાલતાં અમલમાં પીલાવા કરતાં તરવાર ધબેડીને ચોડે ધાડે ખાવાનો જૂનો સમો શું ખોટો ?”
સાચા ખોટા કૈક વિચારો રામને હૈયે રમી ગયા. ડોસો એની નજરમાં જડાઈ ગયો. ખેડ મેલીને રામ પાછા રઝળવા માંડ્યો. એક ડોસાને પાપે એને આખી ગાયકવાડી ખટકી. એનું માથું ફરી ગયું. એમાં એણે દાઝે ભરાઈને ગામના એક સરધારા કુંભારને માર્યો. મુકર્દમો ચાલ્યો ને રામને ત્રણ મહિનાની ટીપ પડી. ધારીની તુરંગમાં રામને પૂરવામાં આવ્યો. ત્યાં પલટનના સિપાહીઓમાંથી એક પહેરગીર સાથે એને હેત બંધાણું. એ પહેરગીર રામની છુપી ખાતર બરદાસ્ત કરતો હતેા. રાતે કે દિવસે જ્યારે બે ય ભેળા થતા ત્યારે છુપી વાતો કરતા હતા. રામે તો ત્યાંથી જ પોતાની વેતરણ આદરી દીધી હતી. આ પહેરગીર કોણ હતો ? ગોંડળ તાબે અમરાપર ગામનો કાઠી : નામ ગોલણવાળો : ગોંડળની હદમાં એક ખૂન કરીને ગોલણ આંહી નોકરીમાં પેસી ગયો હતો. રામને એણે કહી દીધું કે “મારે બા’રા નીકળી જાવાનું મન છે. જરૂર પડે તો તેડાવજો !”
ત્રણ મહિને છૂટીને રામ બેવડી દાઝભર્યો બહાર આવ્યો.
=====
“રામને કે’જો, હવે હું થોડા દિ’ની મેમાન છું. એક વાર આવીને મને મળી જાય.”
આઈ રાઠોડબાઈનો આ સંદેશો રામને જુનાગઢમાં મળ્યો. ગોલણે ધારીથી રાજીનામું દઇને જુનાગઢમાં ઉપર-કોટની નોકરી લીધેલી ત્યાં એને તેડાવ્યો. રામ સંતલસ કરવા ગયો હતો. આઈનો મંદવાડ સાભળીને અંતરના ઉંડાણમાં કંઈક હરખાતો અને કંઈક દુનિયાની હેતપ્રીતને લીધે દુ:ખ પામતો રામ ગોલણને ભેળો લઈ વાવડી આવ્યો. આઈની પથારી પાસે બેસીને દીકરો દિવસ રાત ચાકરી કરવા લાગ્યો. આઈ રાઠોડબાઇનું જાજરમાન શરીર હવે ફરી વાર ઉભું થાય તેવું નહોતું રહ્યું. દીવો ધીમે ધીમે ઝાંખો પડતો હતો. અસલી જુગની કાઠીઆણીનો સાચો ચિતાર આપતાં રાઠોડબાઈ સંસારનાં અનેક વિષ વલોવી વલોવી, પી જઇ, પચાવી, અબોલ જીભે, ગામતરે જતાં હોય તેમ ચાલ્યાં ગયાં. માતાના પીંજરને ભસ્મ કરી રામવાળો પણ મનમાં મોકળાશ અનુભવવા લાગ્યો. એની બે બહેનો બાબરીઆવાડમાં પરણાવેલી તે પણ આવી પહોંચી અને સંસારનું છેલ્લું એક કરજ ચૂકવવાનું–આઈનું કારજ કરવાનું બાકી રહ્યું તેની વેતરણ કરવામાં રામ લાગી પડ્યો.
“ભાઈ ગોલણ !” રામ ચાર પાંચ દિવસે તપાસ કરીને બોલ્યો, “તારી જરૂર પડશે. ઘરમાં વાલની વાળી યે ડોસા પટેલને પ્રતાપે રહી નથી. પણ આપણે કોઈ બચારા બાપડાને નથી કનડવાં. મારવો તો મીર મારવો છે.”
“છે કોઈ ?”
“હા, આખી ગીરની વસ્તીને ઠોલી ખાનારો તાંતણીઆવાળો મકનજી ઠક્કર: ઘીના ડબા ભરીને અમરેલી વેચવા જાય છે. આજ સાંજે આંબીએ.”
તે દિવસ સાંજે ચલાળાની સીમમાં ધોળાકુવા પાસે બે ય જણાએ મકનજી ઠક્કરનું ગાડું રોક્યું. ગીરનાં અજ્ઞાન ભોળાં માલધારીઓનું ચૂસેલું લોહી મકનજીના અંગ ઉપર છલકી રહ્યું હતું. મકનજીની પાંચ મણની કાયામાંથી પરસેવાના રેગાડા ચાલ્યા. રામવાળો ઝાઝી પંચાતમાં ન પડ્યો. તરવાર ખેંચીને એટલું જ કહ્યું કે “ જીવતા જાવું હોય તો રૂા. ૧પ૦ રોકડા અને એક ઘીનો ડબો કઢી દે. મારી આઈનું કારજ કરવું છે.”
મકનજી ઠક્કરે આ હુકમ ઉઠાવવામાં બહુ જ થોડી વાર લગાડી. એને તો હૈયે હામ હતી કે જીવતા હશું તો રૂા. ૧૫૦ આઠ દિ’માં જ ગીરમાંથી દોહી લેવાશે. ગીર દૂઝે છે ત્યાં સુધી લુવાણા-ખોજાને વાંધો નથી.
ગાડું હાંકીને મકનજી અમરેલીને માર્ગે પડ્યો ને રામગોલણે વાવડીનો કેડો લીધો. બેય પક્ષ પોતપોતાના મનમાં ખાટ્યા હતા.
====
“બેન માકબાઈ ! આંહી આવ.”
“કેમ રામભાઈ ?”
“લાખુબાઈ બેન ક્યાં ? એને બોલાવીને બેય જણીયું આંહી આવો. મારે કામ છે.”
બેય બહેનો ઓરડામાં આવી. મા જેવી માના વિજોગનાં આંસુ હજુ બેય બંનેની આંખોમાંથી સૂકાણાં નહોતાં. ભાઈના મનસૂબાના ભણકારા પણ બેયને હૈયે બોલી ગયા હતા. ભાઈ શું કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. ત્યાં તો આજ બેય બેનોએ ઓરડામાં શું જોયું ?
ઘરની તમામ ઘરવકરીના બે સરખા ઢગલા ખડકીને વચ્ચે ભાઈ ઉઘાડે માથે બેઠો છે. ઘરની ભીંતો ઉપરથી ચાકળા, ચંદરવા, ઘરનાં ગોદડાંના ગાભા, ખુણે ખુણે પડેલી નાની મોટી જણશો, જે કાંઈ હતું તે તમામ ઉસરડીને ભાઈએ બે ઢગલા કરેલા છે : બેય ઢગલા સરખા વ્હેચવાનું ધ્યાન એટલે સુધી પહોંચાડ્યું છે કે એકમાં તાવીથો, તો બીજામાં કડછી મૂક્યાં છે. ભીંતમાંથી ખીંતીઓ પણ ઉતારીને ઢગલામાં ભાગે પડતી વ્હેંચી નાખી છે. એવી વચ્ચે વિખરાયેલાં ઓડીયાં વાળો, કરડો, કુમળો, કેરીની ફાડ જેવી મોટી રૂપાળી પણ રાતીચોળ આંખોવાળો, સાત ખોટનો એક જ ભાઈ બેઠો છે. એક બીજી સાથે સંકડાઈને ઉભેલી બેય બેનોને ભાઈએ કહ્યું “બેય જણીયું અક્કેક ઢગલો ઉપાડીને ભરી લ્યો ગાંસડીયું.”
બેનોથી બોલી ન શકાયું. થોભીને બેય જણીઓ ઉભી થઈ રહી.
“ઝટ ઉપાડી લ્યો.” રામે ફરીવાર કહ્યું. જાણે કે ગળાની અંદર સંસારની તમામ મીઠપને ભરડી નાખવા રામ મહેનત કરી રહ્યો છે.
નાનેરી બેન લાખુબાઈનો સાદ તો નીકળી જ ન શક્યો. મોટેરી માકબાઈએ નીતરતે આંસુડે આટલું જ કહ્યું કે “ભાઈ ! બાપા ! આમ શીદ કરી રહ્યો છે ? અમારી દૃશ્ય જ સંચોડી દેવાઈ જાય છે, રામભાઈ !”
“તમારે અટાણે રોવાનું નથી. આ લઈ લ્યો. લ્યો છો કે ગામમાંથી બામણોને બોલાવું ?” ટાઢોબોળ રહીને રામ બોલ્યો.
મલીરના પાલવ આડે આંસુડાંની ધારો છુપાવતી બેનોએ ભાઈની બ્હીકે છાનું છાનું રોતાં રોતાં બેય ઢગલાની ગાંસડીઓ બાંધી લીધી. ઘરમાં કાંઈ જ ન રહ્યું. જે ઘરને આંગણે ત્રણે ભાંડરડાં બાળાપણની રમત રમ્યાં હતાં, તે ઘર આજે મુસાફરખાનું બની ગયું. ખાલી ઘરમાં રામ આનંદથી આંટા દેવા લાગ્યો. સીમમાં જેટલી જમીન બાકી હતી તે શેલ નદી વચ્ચે આવેલા બુઢ્ઢનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી દીધી. પછી એણે ગાડું જોડ્યું. બેય બહેનોને ગાડે બેસારી બાબરીઆવાડમાં એને સાસરે મૂકી આવ્યો : માકબાઈને કાતરે પહોંચાડી અને લાખુબાઈને સોખડે. બેનોના સાસરીયાવાળા વરૂ દાયરાને છેલ્લા રામ રામ કરીને પાછો વળી આવ્યો. છેલ્લી ગાંઠ છુટી ગઈ. ઘરમાં આવીને એકલો ઘોર આનંદથી બોલી ઉઠ્યો કે “આમાં કાંઈ મારૂં નથી. આ તો સમશાન છે. ”
====
“આ કાતરીયુંવાળા ભણ્યું કમણ છે ?”
ધારગણી ગામના કાઠી દેસાવાળાના કારજમાં લૌકિકે આવનાર કાઠીનો દાયરો મોટા ફળીઆમાં લીંબડાને છાંયે બેઠો છે. કસુંબા લેવાય છે. એ ભરદાયરાની વચ્ચે વચ્ચે બેઠેલા એક અડીખમ બુઢ્ઢા બાબરીઆએ, એક પડખે વીરાસન વાળીને વાંકોટડા થઈ અંબાઈ રંગને લૂગડે બેઠેલા બે જુવાનો સામે જોયું અને આંખે નેજવાં કરી (આંખો ઉપર હાથની છાજલી કરી) જાણ્યા છતાં અજાણ્યા થઈ અસલી ભાષામાં પૂછ્યું “આ કાતરીયુંવાળા ભણ્યું કમણ છે ? [આ કાતરા રાખનારા બહાદૂરો (!) કોણ છે ?”]
“આપા સાવઝ ધાંખડા ! ઇ બેમાં આ નાનેરા વાવડીવાળા રામભાઈ છે, ને મોટેરા અમરાપરના ગોલણવાળા છે.” કોઈકે ઓળખાણ કરાવી.
“ઠીક ! ભણ્યું કાતરીયું રૂડીયું લાગે છે હો ભાઇ ! જુવાનો શુરવીર કળાતા છો હો ભાઈ !”
દીપડીઆ ગામના બાબરીઆ સાવઝ ધોંખડાનાં આ મર્મ-વેણ સાંભળીને રામ ગોલણ એક બીજા સામે ખસીઆણે મોઢે જોઈ રહ્યા છે. પોતાની ઝીણી ઝીણી ઉગેલી દાઢીને ‘કાતરી’ કહેવાતી સાંભળીને બેય મનમાં સમસમે છે. રામની આંખમાં લાલપ તરવરવા લાગી. એણે એ બાબરીઆ સામે નજર નોંધીને પૂછ્યું :
“આપા, વાવડી તો હર વખત આવો છો છતાં મને ન ઓળખી શક્યા ?”
“ગઢપણ છે ને ભા ! એટલે ભૂલી ગયો.”
“કાંઈ વાંધો નહિ આપા ! કોક દિ અમારે વળી કાતરીયુંમાંથી કાતરા થાશે, નકર કાતરીયું તો ખરીયું જ ના ?”
દાયરો ઉઠ્યો. રામ ગોલણ વાવડી તરફ વળ્યા. રસ્તે રામ ફક્ત એટલું જ બોલ્યો કે “ગોલણભાઈ! હવે તો ‘કાતરી’ના ‘કાતરા’ કરીને સાવઝ ધાંખડાને ફેર મળીએ ત્યારે જ આ મેણાંની કળતર ઉતરશે.”
“કાતરા થાવાની વેળા હાલી આવે છે રામભાઈ !” ગોલણે ધીરજ દીધી.
આ ‘કાતરા–કાતરી’નો મર્મ એમ હતો કે અસલના કાળમાં દાઢીના કાતરા તે એજ જુવાન રખાવી શકતા કે જે અણવાણે પગે ન ચાલે, પગપાળા ગામતરૂં ન કરે, સાથે આટો ને આવરદા એટલે અફીણ વગેરે અને એકાદ માણસ રાખે, ઘેરે રોટલા આપે, દુશ્મનને કદિ પીઠ ન બતાવે, પોતાનું નામ અમર કરવા જેવી વીરતા ભજાવે. આ લક્ષણો વિનાની દાઢી તે ‘કાતરી’ કહેવાય.
આ રીતે રામને આપા સાવઝનો ટોણો ખટકવા લાગ્યો. મુંગો મુંગો એ ઘર ભેળો થયો. પછી ગોલણને, કારજે આવેલા કૂબડાવાળા ગોદડ ને નાગ નામના બે ભાઈઓને, તથા ટીડલાવાળા વીસામણને ભેળા કરી રામ ઘરની અંદર છેલ્લી વારની મસલત કરવા બેઠો, રામે વાત ઉચ્ચારી “કહો ભાઈ નાગ ગોદડ ! હું તો ગળોગળ આવી ગયો છું. તમને પણ કુબડામાં ભૂરો પટેલ સખે બેસવા દ્યે એમ નથી. તો હવે શો સ્વાદ લેવો બાકી રહ્યો છે ?”
“જેવો તમારો ને ગોલણભાઈનો વિચાર.”
ગોલણે કહ્યું “મેં તો ક્યારની રાખ નાખી છે. રામભાઈએ પણ હવે ભૂંસી લીધી. તમારૂં મન કહો.”
“અમે તૈયાર છીએ. ને વીસામણ તું ?”
“હું ય ભેળો.”
“તયીં ઉપાડો માળા !”
દરેક સંગાથે બહારવટે નીકળી વફાદાર રહેવાના સોગંદ ખાઈ સૂરજની માળા ઉપાડી. અમુક દિવસે અમુક ઠેકાણે મળવાનો સંતલસ કરી સહુ નોખા પડ્યા. સહુ પોતપોતાની તૈયારી કરવા ઘેરે ગયા.
ઠરાવેલ દિવસે રામ વાવડીથી નીકળ્યો. પ્રથમ ગયો ડીટલે. વીસામણને કહ્યું “કાં ભેરૂ, હાલો ઉઠો.”
“હેં….હેં રામભાઈ !”
વીસામણ ગેં ગેં ફેં ફેં થઈ ગયો. “આવા કોડણને ભેળો લઈ શું કરવું છે ?” એમ વિચારી રામ ચાલી નીકળ્યો. કૂબડે ગયો. જઈને હાકલ કરી “નાગ ગોદડ, ઉઠો, જે બોલો સૂરજદેવની. પ્રથમ હીંગળાજ પરસી આવીએ.”
“પણ ખરચી જોશે ને ?”
“તો કૂબડા ભાંગીએ.”
“આજ ફાગણ શુદ પૂનમ છે. હોળીનાં શુકન લઈ લેશું ?”
“ક્યાં જાશું ? આંહી તો ઓળખાઈ જાશું.”
“રાવણી જઈએ. ત્યાંની હોળી વખાણમાં છે. ઠઠ જામશે. એમાં કોઈ ઓળખશે નહિ. બોકાનીયું ભીડી લેશું.”
એજન્સીની હકુમતના રાવણી ગામને પાદર પૂનમની સાંજે જબ્બર હોળી પ્રગટી છે. કુંડાળું વળીને માણસની મેદની ઉભી છે. ગામલોકો પોતાનાં નાનાં છોકરાંને તેડી હોળી માતાને ફરતા આંટા મારે છે. પાણીની ધારાવાડી દઈને કૈંક માણસો અંદર નાળીએર હોમે છે. એમ થોડીવાર થઈ. ભડકા છૂટી ગયા. છાણાનો આડ લાલ ચટક પકડી ગયો. અને ઘૂઘરી લેવાનો વખત થયો. ‘ભાઈ ઘૂઘરી !’ એવા હાકલા કરતા લોકો એક બીજાને ધકેલી આગનો ઢગલો ફોળવા ધસે છે, ત્યાં તો ત્રણ બુકાનીદાર જુવાનો લોકોની ભીડ સોંસરવા ધકા મારીને મોખરે નીકળી આવ્યા અને અગ્નિની આકરી ઝાળોને ગણકાર્યા વિના લાકડીઓથી ઢગલેા ફોળી અંદર ઉંડો ભારેલો ભાલીઓ હાથ કર્યો. ભાલીઆમાંથી પહેલ વહેલી ઘૂઘરી એ ત્રણેએ ચાખી. પછી પાછા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા પણ કોઈ ઓળખી શક્યું નહિ. ઈ જણ ક્યાંના ? માળા ભારી લોંઠકા ! એમ થોડીક વાત થઈને ઠરી ગઈ. દુહાગીરો દુહા ફેંકવા લાગ્યા. લોકો દુહાની હલક ઉપર જામી પડ્યા.
====
હુતાશણીના પડવાની રાતે કોઈ હરામખોરો રાવણી ગામના એક લુહાણાને માર મારી એક હજાર રૂપીઆ લૂંટી ગયાની વાત ગામેગામ ફુટી છે અને વાવડીનો ડોસો પટેલ વહેમાઈ ગયો છે કે આ રામ ગોલણ ક્યાં જઈ આવીને ઘરમાં બેસી ગયા હશે ? બિલાડી ઉંદરને ગોતે તેમ તેમ ડોસો રામ ગોલણની ગંધ લેતો રહ્યો. પણ રાવણની લૂંટ પછી આઠમે દિવસે રામ, ગોલણ, ગોદડ અને નાગ કુંડલેથી ગાડીએ બેઠા. થાન પાસે સૂરજદેવળના થાનક પર પહોંચ્યા. સૂરજદેવળનાં બેય થાનકે અક્કેક ચોરાશી જમાડી. આઠ દિવસ સુધી કસુંબા કાઢ્યા અને પછી ગાડીએ બેસી કરાંચી ઉતર્યા. ત્યાંની પોલીસે શક ઉપરથી આ ચારેને અટકાયતમાં લીધા. ધારી ગામના ફોજદારનું ખૂન કરનારા કરણ હાજા અને લખમણ નામે તોહમતદારો હોવાનો પોલીસને વ્હેમ પડ્યો. એની પાસેના રૂ. ૭૦૦ અટકાયતમાં રાખ્યા. આ ચારેએ કહ્યું કે “ભાઈ, અમે કરણ હાજા ને લખમણ નથી, અમે તો વાવડીનો રામ, અમરાપરનો ગોલણ વગેરે કાઠી છીએ ને હીંગળાજ પરસવા જાઈએ છીએ.”
પોલીસ કહે “તો તમારો જામીન લાવો.”
“આંહી પરદેશમાં અમારો કોણ જામીન થાય !” એમ વિચાર કરતાં રામને પોતાનો ઓળખીતો કાઠી દાનો કાળીઓ સાંભર્યો. એને ગોતી પોતાનો જામીન કર્યો. ઉપરાંત રામે પોલીસને પોતાના વિષેની ખાત્રી માટે વાવડી ગામના શેઠીઆ પર કાગળ લખવા સરનામું આપ્યું. એમ કરી ત્રણે છૂટ્યા. ચારેને દાના કાળીઆએ જમાડા જૂઠાડ્યા. ચારે ભગવાં લૂગડાં રંગીને હીંગળાજની જાત્રાએ ચાલી નીકળ્યા. જઈને જાત્રા જુવારી લીધી.
ગોલણે કહ્યું “રામભાઈ, પોલીસે વાવડીમાં પૂછાણ કરાવ્યું હશે. અને આપણે જાણીએ છીએ કે જવાબમાં આપણાં કેવાં ગીત ગવાણાં હશે. માટે હવે આપણે આંહીથી જ ભાગી નીકળીએ.”
“પણ ભાઈ !” રામે સંભાર્યું, “ઓલ્યો કાળીઓ કાઠી આપણો જામીન થયો છે. એ બચારો નવાણીઓ વચ્ચે કૂટાઈ જાયને ! આપણાથી એને દગો કેમ દેવાય ?”
ચારે પાછા કરાંચી આવ્યા. કાળીઆ કાઠીને મળ્યા. પોતાનું પેટ દઈ દીધું. કાળીઓ કહે કે “ભાઈ, ભાગવું હોય તો ભાગી નીકળો. મારૂં તો વળી જે થાય તે ખરું.”
“ના, ના, ના, ભાઈ!” રામ મક્કમ બન્યો “ચાલો આપણે પોલીસમાં જઈ તને જામીનખતમાંથી મોકળો કરી દઈએ.”
પાછા પોલીસમાં રજુ થયા. કાઠીઆવાડથી કશા ખબર ન આવવાથી તેમજ બીજા કોઈ ગુન્હાની જાણ નહિ હોવાથી પોલીસે આ ચારે જાત્રાળુઓને રજા દીધી. રૂપીઆ થોડી વાર પછી લઈ જવાનું કહ્યું. ઘેર આવીને રામ કહે “ભાઈ, રૂપીઆ ઘોળ્યા ગયા ! હવે આપણે ઝટ આ દાના કાળીઆની ઉપરથી આપણો ઓછાયો આઘો કરીએ.”
ઉપડ્યા. કરાંચીથી પાંચમે સ્ટેશને જઈને ગાડીમાં લાગુ થયા. ગાડી ચાલી જાય છે. જોખમ ઉતર્યું જણાય છે. ત્યાં તો આગલે સ્ટેશને પોલીસ આવી પહોંચી. ચારને અટકાયતમાં લીધા. કારણ કે વાવડીથી ડોસા પટેલનો તાર કરાંચી પોલીસ ઉપર આવ્યો હતો. તારમાં લખ્યું હતું કે “એ ચાર જણા રાવણી ભાંગ્યાના તહોમતદાર છે. માટે ઝાલજો ” બીજો તાર એજન્સી પોલીસનો હતો : “અમારી ટુકડી કબજે લેવા આવે છે. તહોમતદારોને સોંપી દેજો.”
ચારેને કરાંચી લઈ ગયા. ત્યાંથી તેઓ એજન્સીના બગસરા થાણાવાળી પોલીસ ટુકડીને સુપ્રત થયા. ફરી ગાડીમાં બેઠા. આખે રસ્તે રામવાળાએ પોલીસ સાથે એટલી બધી સારાસારી રાખી કે પોલીસ ગાફેલ બન્યા. છેલ્લા દિવસને પરોડિયે, સહુને ઉતરવાનું સ્ટેશન કુંકાવાવ ઢૂંકડું આવ્યું, ગાડી ધીરી પડી, રામે પોલીસને ઝોલે ગયેલા દીઠા, એટલે પોલીસની બંદૂક લઈને રામ ગાડી બહાર ઠેક્યો, પાછળ ગોલણ ઠેક્યો, નાગ પણ ઉતર્યો, એક ગોદડ રહી ગયો. ખસીઆણી પડેલી પોલીસ ટુકડી એક ગોદડને લઈ બગસરે ચાલી ગઈ. કાઠીઆવાડમાં દસે દિશાએ તાર છૂટ્યા.
====
સંવત ૧૯૭૦ના વૈશાખ મહિનાની અજવાળી દશમ હતી. મંગળવાર હતો. ઉજળો, અંગે લઠ્ઠ અને ઉંચા કાઠાનો ડોસો પટેલ તે દિવસ બપોરે વાવડીના થડમાં કણેર ગામે ડેલીનો આગળીઓ ઘડાવવા જતો હતો. એના હાથમાં બાવળનો કટકો હતો. બજારે માણસો બેઠેલાં તેણે સહેજ પૂછ્યું કે “ડોસા ભાઈ, અટાણે બળબળતે બપારે શીદ ઉપડ્યા ?”
“અરે ભાઈ, ઓલ્યા કેસરીઆ ઉતર્યા છે ને, તે એની સાટુ માણેક થંભ ઘડાવવા જાઉં છું.” ડોસાએ બાવળનો કટકો ઉંચો કરી બતાવ્યો. ડોસા પટેલની જીભમાંથી ધગધગતો મર્મ બોલ વરસ્યો અને બજારે બેઠેલ લોકો મર્મ પામી ગયા. કરાંચીથી રામ ગોલણની ટોળી પકડાઈને ગાડીમાંથી ભાગી છુટી હતી અને વાવડી ઉપર ક્યાંઇક તૂટી પડશે એવા ભણકારા ડોસાને બોલતા હતા. તેથી ડેલીના મજબૂત બંદોબસ્ત માટે એ આગળીઓ કરાવવા જતો હતો. ડોસાનું વેણ લોકોને તે દિવસ બહુ વહરૂં લાગ્યું. ડોસો નહોતો જાણતો કે આ મશ્કરીને સાચી પાડનાર કાળ પોતાનાથી ઝાઝો છેટો નહોતો.
આગળીઓ ઘડાવીને ડોસો પટેલ આવી ગયો. સાંજ પડી. સીમાડેથી ગોધણ ગામ ભણી વળ્યાં. હજુ ગોધૂલીને વાર હતી. આ વખતે શેલ નદીની ભેખડમાંથી ત્રણ જુવાનો તલવાર ભર નીકળી પડ્યા. સડેડાટ વાવડી ગામમાં દાખલ થયા. જેમ બજારને નાકે જાય તેમ તો પોતાના દુશ્મન ડોસાના દીકરા માધાને ઉભેલો દીઠો. જુવાન માધો ખોજાની દુકાનેથી નાસ્તો તોળાવતો હતો. એણે ખુલ્લી તલવારે રામને ભાળ્યો. ભાળતાં જ ‘ઓ બાપ !” કહેતા એ હડી દઈ ભાગ્યો. ‘ઉભો રેજે ટપલા !’ એવી ત્રાડ પાડીને રામે ઉઘાડી તરવારે વાંસે દોટ દીધી. બરાબર ડેલીમાં રામ આંબી ગયો. માધાને ઠાર મારવાનો તો ઈરાદો નહોતો, પણ ઝનૂને ચડેલા બહારવટીયાએ માધાના અંગ પર તલવારના ટોચા કર્યા. રીડારીડ થઈ ગઈ અને ડોસો પટેલ બેબાકળો બહાર નીકળ્યો. એણે પોતાનો કાળ દીઠો. ચીસ નાખીને ભાગ્યો. રામ એના ફળીમાં પહોંચ્યો. એક જ પલક – અને ડોસો નાઠાબારીએથી નીકળી જાત: પણ પાછળથી એના ચોરણાનો નેફો ઝાલીને રામે પછાડ્યો. ઝાટકા ઝીંકયા. પ્રાણ કાઢી નાખ્યા. બરાબર એ જ ઠેકાણું: બરાબર એ જ બે થાંભલીઓની વચ્ચે – જ્યાં ખંભાળીઆની જગ્યા વાળા સંત નથુરામજીની દીકરી સાધ્વી રાધાબાઈએ ડોસાના હાથના પરોણાની પ્રાછટો ખાઈને ડોસાનું કમોત વાંચેલું.
મારીને જુવાન બહારવટીયો કાળભૈરવ શો ઉભો રહ્યો. દુશ્મનની અલમસ્ત કાયાએ લોહીનાં પાટોડાં ભરી દીધાં હતાં તેમાંથી એણે લોહીનું તિલક કર્યું. ‘જે સૂરજની !’ બોલતો નીકળી પડ્યો. પાછળ ગોલણ ને નાગ ચાલ્યા. નીકળે તે પહેલાં તો એ બનાવ આખા ગામમાં ફુટી ગયો હતો. નીકળતાં રસ્તે રામની ફુઇનું ખોરડું આવ્યું. તાજા દોયેલા દૂધનું બોઘરૂં ઝાલીને ફુઈ ઉભાં થઈ રહ્યાં હતાં. ત્યાં સાદ સંભળાણો “ફુઇ, નારણ !”
“નારણ બાપ ! મારા વિસામા ! બહુ ખોટું કર્યું. ગઝબ કર્યો રામ !”
રામ કાંઈ ન બોલ્યો. ચાલવા માંડ્યો ત્યાં ફુઈએ કહ્યું “થઈ તે તો થઈ બાપ ! પણ હવે છેલ્લીવારનું મારા હાથનું દૂધ પીતો જાઇશ ?”
“લાવો ,ફુઈ !”
આખું બોઘરૂં ઉપાડી લીધું. ઘટક ! ઘટક ! ઘટક ! આખું બોઘરૂં રામ ને ગોલણ બેય ગટાવી ગયા. ફરીવાર ‘ફુઈ, નારણ!’ કહ્યું, ફુઈએ દુ:ખણાં લીધાં અને પચીસ વરસનો રામ પોતાના મનોરથને માર્ગે ચાલી નીકળ્યો. તે વેળાએ વાવડીના સીમાડા ઉપર વૈશાખ શુદ દસમને મંગળવાર ચારે છેડે આથમતો હતો. વાવડીમાં ગોધન પેસતું હતું, અને ભાઈવિહોણી બેનના જેવો રાગ કાઢીને ઘેટાનાં બાળ ભરવાડોની આઘેરી ઝોકમાં રોતાં હતાં.
“હવે ગોદડ ?”
“હવે કૂબડે: ડોસાને ગૂડ્યો તેમ ભૂરાને ગૂડવા.”
“બરાબર. હાલો.” ઉપડ્યા. કૂબડે આવ્યા. રાતે ભૂરા પટેલને ગોત્યો. પણ ભૂરો પટેલ ઘેર નહોતો. ભૂરો પટેલ માતબર ખેડુ હતો, પાકો મુસદ્દી હતો, અને ગાયકવાડી મહાલ પંચાયતનો ઉપાધ્યક્ષ હતો. એ બહાદુર નર બંદુક પણ બાંધી જાણતો. એ વસ્તીને પીડનાર નહોતો. લાગે છે કે ફકત નાગ–ગોદડની સાથે એને લેણદેણની તકરારો ચાલતી હશે તેથી જ આજ નાગ-ગોદડ રામને એને માથે લઈ આવેલા. પાછા ચાલ્યા. બહારવટીયા બાવાવાળાનું રહેઠાણ ‘જમીને ધડો’ નામે ઓળખાય છે ત્યાં આવ્યા. ત્યાંથી ગીર-જેતલસર બાવાવાળા બહારવટીયાને તેખમે : ત્યાંથી ચાલીને કનડે ડુંગરે: કનડા ઉપર અઠવાડીયું રહ્યા. ગિરનારમાં આવ્યા, ટોળી બાંધી: રામ, ગોલણ, ગોદડ, નાગ, હરસૂર તગમડીઓ, વાલરો મકવાણો, રામ ભીંસરીઓ ને મવાલીખાં પઠાણ: એમ નવ જણનું જૂથ બંધાણું. બીલખા ગામે જઈ, ત્યાંના એક કાઠી દરબારનો આશરો લઈ હીંગળાજની જાત્રાનો ભગવો ભેખ ઉતાર્યો. ચોરાસી જમાડી અને કેસરીઆ પહેર્યાં. રામ તે દિવસ કાંડે મીંઢાળ બાંધી વરરાજો બન્યો અને નવ જણાની જાન જોડી મોતને માંડવ તોરણ ચડવા ચાલી નીકળ્યો. તે દિવસ એની અવસ્થા વરસ પચીસ જેટલી જ હતી.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.
આગળની વાત હવે પછીના છેલ્લા ભાગમાં આવશે….
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો