વીર દ.શ્રી લુણવિર ખુમાણ

આજથી આશરે ત્રણસો – સાડા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે , જે સમયે સાવરકુંડલા ઉપર સામતબાપુ ખુમાણ નું રાજ હતું. આ સામત ખુમાણ એટલે કાઠિયાવાડ ના સુપ્રસિદ્ધ બહારવટિયા જોગીદાસબાપુ ખુમાણ ના પરદાદા અને હાદાબાપુ ખુમાણ ના દાદા. નાવલી નદી ના કાંઠે આવેલ આ કુંડલા ગામથી સામત ખુમાણ કુંડલાની ચોરાશી (ચોર્યાશી ગામડા) ઉપર રાજ કરતા હતા. એ સમયે આ રજવાડા ઉપર શેરડીવદર ના વિજા ખસિયા ની નજર પડી, વીજા ખસીયાના મનમાં કુંડલાની ચોર્યાશી જીતવાના મનસૂબા ઘડાઈ રહ્યા છે અને એ મનસૂબા ને પાર પાડવા માટે પોતાની પાસે પૂરતી ખાસિયાઓની સેના પણ હતી. સામાપક્ષે સામત ખુમાણ પાસે ફક્ત થોડા કાઠી યુવાનો જ હતા અને કુંડલા ની રક્ષા કરી શકે એવો મજબૂત કિલ્લો ન હતો. આ સમયનો લાગ જોઈને વિજો ખસીયો કુંડલા સામત ખુમાણ ઉપર ચઢાઈ કરવાનું નક્કી કરે છે.

કુંડલાના દરબારગઢની ડેલી એ ડાયરો ભરીને સામત ખુમાણ બેસેલા છે , દરબારી ડાયરો એક બીજાને સમ દઇ દઇ ને કસુંબા ની અંજળીયો પાય છે એવામાં વિજા ખસિયાનો માણસ આવે છે અને ભર ડાયરા વચ્ચે સામત ખુમાણ ને વિજા ખસિયા એ મોકલાવેલ કહેણ સંભળાવે છે કે,” હું શેરડીવદર નો વીજો ખસીયો કુંડલા ઉપર મારૂ પાળ લઈને આવું છું , સામત ખુમાણ પાણી નો કળશિયો ભરી ગામને ઝાંપે અમારું સ્વાગત કરવા ઉભા રહે. ” સવાર માં ડાયરો ભરીને બેઠેલા સામત ખુમાણ તથા કાઠી ડાયરા ઉપર આ કહેણ જાણે વીજળી પડ્યા બરાબર હતું. આખા ડાયરાની મોજ મા ભંગ પડ્યો, વીજા ખસિયા પાસે વિશાળ સેના હતી જેને પહોંચી વળવું લગભગ અશક્ય જેવું હતું એમ છતાં પણ સામત ખુમાણે પોતાના કાઠીઓના લીલા માથા સાટે જીતેલ કુંડલા ની ચોર્યાશીને લડ્યા વગર ખસિયા કે અન્ય કોઈને સોંપવાનું ક્યારેય વિચાર્યું નહોતું અને સામત ખુમાણ વિજા ના પાળ(લશ્કર)ની પાણી નો કળશિયો ભરીને સ્વાગત કરવાની તૈયારી ચાલુ કરી.

કૂંડલાને ફરતે રક્ષણ માટે કોટ (કિલ્લો) ન હોવાથી સામત ખુમાણે પોતાની પ્રજાને કુંડલા ના રક્ષણ માટે કુંડલા ગામને ફરતે મજબૂત કાંટાળી વાડ બનાવવા આદેશ આપ્યો, ગામના માણસો પોત પોતાના ઘરની પાસે મજબૂત કાંટાળી વાડ બનાવવા માંડ્યા અને આખા ગામનો દરેક યુવાન હથિયાર – પડિયાર થી સજ્જ રહીને વીજા ખસિયા ના પાળ ની રાહ જોઈને ડાયરા માં બેસે છે.

વિજા ખસિયા નું કહેણ આવ્યા ને થોડા દિવસો બાદ સામત ખુમાણ પોતાના થોડા કાઠી દરબારોને સાથે લઈને કુંડલા ને ફરતે બનાવેલ કાંટાળી વાડ નું નિરીક્ષણ કરવા નીકળે છે, ફરતા – ફરતા એક ઘરની પાસે આવે છે અને જુવે તો ત્યાં વાડ બનાવેલ નથી, જેથી સામત ખુમાણ એ ઘરે હાજર એક વૃદ્ધ માં ને પૂછે છે કે ” માં, અહીંયા વાડ કેમ બનાવેલ નથી ? વિજા ખસિયાનું પાળ કુંડલા ઉપર હુમલો કરવાનું છે ,તમને ખબર નથી !” સામત ખુમાણ આટલું બોલ્યા એટલે ત્યાં હજાર વૃદ્ધ માં કોઈ જવાબ આપે એ પહેલા સામત ખુમાણ સાથે આવેલ કોઈ માણસે માં ને મહર કરતા કહે છે કે ” માં ને બે દીકરા છે, રાવણ જેવા ! બંને થઈ ને વિજા ના પાળને પાછું વાળી દેશે ” એટલું બોલીને સામત ખુમાણ તથા તેમના માણસો ત્યાંથી ચાલ્યા જાય છે.

રાત પડે છે, માં ના બંને દીકરા પોતાના ઘરે આવે છે. ઘોડીઓ બાંધી અને ઓસરી પાસે આવે છે તો માં ને રડતા જોવે છે, જેથી બંને દીકરા માં ની પાસે જઈ રડવાનું કારણ પૂછે છે, ત્યારે માં પોતાના બંને દીકરા ને દિવસે બનેલ ઘટના ની વાત કરે છે અને પોતાને થયેલ મહર ની જાણ કરે છે. બંને ભાઈઓ પૈકી મોટા દીકરા નું નામ લુણવિર ખુમાણ છે. લુણવિર ખુમાણ ઓરડા માં સુવા જાય છે પણ એને નીંદર નથી આવતી, મન માં એક જ વિચાર આવે છે કે પોતાની માતા ને થયેલ મહર નો જવાબ કંઈ રીતે આપવો, બંને ભાઈ મળીને આખા પાળ (લશ્કર) ને કઈ રીતે પાછું વાળવું (હરાવવું). મન ની અંદર આ એક જ વિચાર ચાલે છે અને પોતાના ઇષ્ટદેવ એવા સૂર્ય નારાયણને પ્રાથના કરે છે કે ” હે સૂરજ દાદા ! તમે આમાં કોઈ રસ્તો સુજવાડો.” એવા મા થાય છે એમ કે વિજા ખસીયાનું પાળ શેરડીવદર થી નીકળી અને કુંડલા ની બહાર પોતાનો પડાવ નાખે છે, લુણવીર ખુમાણ ને વિજા ખસીયા ના પાળ ના પડાવ ના સમાચાર મળે છે, જેથી બંને ભાઈઓ વિજા ના પાળ તરફ પોતાની ઘોડીઓ લઈને ,હથિયાર થી સજ્જ થઈને અંધારી રાતે નીકળી પડ્યા. કુંડલા બહાર વિજા નું લશ્કર પોતાનો પડાવ નાખીને પડ્યું છે એમાં આ બંને ભાઈઓ લુણવીર ખુમાણ અને તેના ભાઈ લશ્કર ની અંદર પેસી જાય છે. અંધારા ના લીધે બંને ભાઈઓ ને કોઈ ઓળખી શકતું નથી. બંને ભાઈઓ લશ્કરમાં વિજા ખસીયા જે જગ્યા પર હાજર છે ત્યાં પહોંચે છે, વીજો તેના અંગત માણસો સાથે ચર્ચા કરે છે કે આપડે રાત્રે હુમલો કરીએ , જો દિવસે હુમલો કરશું તો આપડા જાજા માણસોની ખુંવારી થશે અને સામી છાતીએ કાઠીઓને મારવા કઠણ છે , જ્યારે રાત્રે હુમલો કરવાનો બીજો ફાયદો એ પણ હતો કે રાત્રે કાઠીઓ યુદ્ધ ની તૈયારી માં નહિ હોય, ત્યારે લશ્કર માંથી કોઈ વ્યક્તિએ સવાલ કર્યો કે રાત્રે હુમલો તો કરીએ પણ અંધારા માં ખબર કેમ પડે કો કોણ આપડો માણસ અને કોણ ખુમાણ ?? આથી લશ્કર માંથી કોઈ ડાહ્યા માણસે કહ્યું કે આપડા તમામ માણસો પોતાના ડાબા હાથ ઉપર આવળ ( પીળા ફૂલ આવતો નાનો છોડ ) ની ડાળખી બાંધે અને એવું બોલે કે “બાપુ શેરડીવદર, બેવડીવદર” એટલે સમજવાનું કે આ આપડા માણસો છે.

‌આ રીતે નક્કી કરીને પાળ કુંડલા ઉપર હુમલો કરવા માટે રવાના થાય છે, તેની સાથે લુણવીર ખુમાણ તથા તેના ભાઈ પણ પોતાની ઘોડી લઈને ચાલી નીકળે છે અને ધીરે ધીરે પોતાની ઘોડી વિજા ખસિયા ની ઘોડી પાસે ચડાવી બંને ભાઈ વિજા ની ઘોડી ને ઘેરી લે છે અને મોકો જોઈને લુણવીર ખુમાણ પોતાની તલવારને ગાળા છાંડી કરીને વિજા ખસિયા ઉપર તલવારનો ઘા કરે છે જેથી વીજો ખાસિયો પોતાના તરફ આવતો તલવારનો ઘા જોઈને આડો હાથ કરે છે જેથી તલવાર વિજાના ડાબા હાથનો અંગુઠો તથા ઘોડી નો ડાબો કાન કાપી નાખે છે અને ત્યારબાદ લશ્કર માં ભય ફેલાવવા અને લશ્કરને પાછું વાળવા માટે લુણવીર ખુમાણ પોતે જ ” દગો… ! દગો.. ! ” એવી જોર જોર થી બૂમો પાડે છે જેથી લશ્કરમાં એવું વાતાવરણ સર્જાયું કે કાઠીઓને તેની યોજનાની ખબર પડી ગઈ છે અને કાઠીઓ એ તેમના પર અંધારા માં હુમલો કરી તેના મોવડી વિજા ખસિયા ને પણ જખ્મી કર્યો. જેથી મોવડી ઘવાતા પાળના માણસો ડરી ગયા અને પાછા વળીને ભાગવા માંડે છે તેની સાથે સાથે વિજો ખસિયો પણ ઘવાયેલ હાલત માં શેરડીવદર પાછો ભાગી જાય છે અને આ રીતે લશ્કરના પીઠ બતાવી ભાગી જવાથી વિજા ખસીયાની હાર થાય છે ( એ સમયે એવો નિયમ હતો કે લશ્કર અથવા યોદ્ધો પોતાની પીઠ બતાવે તો તેની હાર થઈ ગણાતી).

બીજા દિવસે કુંડલા મા સામત ખુમાણ ને ખબર પડે છે કે વીજા ખસિયાના પાળ ઉપર કોઈ એ હુમલો કરી , વિજા ખસીયાને જખ્મી કરી એના પાળ ને પાછું વાળેલ છે જેથી સામત ખુમાણ શેરડીવદર વિજા ના ખબર અંતર પૂછવા જાય છે ત્યારે વીજો ખસીયો સામત ખુમાણ ને કહે છે કે ” બાપુ , ખુમાણો એ દગો કર્યો ! મારી ઉપર ઘા કર્યો એમાં મારા ડાબા હાથનો અગૂઠો અને ઘોડીનો ડાબો કાન કપાઈ ગયા.” ત્યારબાદ વિજા ના ખબર અંતર પૂછી સામત ખુમાણ કુંડલા પાછા આવે છે અને દરબાર ભરી વિજા ખાસિયાના પાળને પાછું વાળનાર વીર પુરુષના પરાક્રમને બિરદાવવાનું નક્કી કરે છે જેથી દરબારમા હાજર ઘણા લોકો કહેવા લાગ્યા કે ” આ કામ મેં કર્યું છે.” જેથી સામત ખુમાણે પૂછ્યું કે “આ કામ તમે કર્યું તો એનું કોઈ પ્રમાણ છે તમારી પાસે ? ડાયરા માં ખાતરી કરવી શકો કે આ કામ તમે કર્યું છે ?” એટલે આખા ડાયરા માંથી જે લોકો કહેતા હતા કે આ કામ અમે કર્યું તેઓ ના મોઢા શરમ થી નીચા નમી ગયા ત્યારે ડાયરા મા બધા વચ્ચે લુણવીર ખુમાણ ઊભા થઈ અને પોતાના ફેંટા ના છેડે બાંધેલ ગાંઠ છોડી અને વિજા ખસીયા ના ડાબા હાથનો અંગુઠો અને ઘોડી નો ડાબો કાન સામત ખુમાણ સામે ઘા કરી અને કહ્યું કે ” આ કામ અમે કર્યું છે, એ માં ના રાવણ જેવા બે દીકરા એ કર્યું છે , અમે વિજા ખસીયાનું પાળ પાછું વાળ્યું છે” આટલું બોલતા તો આખો ડાયરો ઊભો થઈ ગયો અને “રંગ છે બાપ ! રંગ હો ! વાહ મર્દ …. વાહ લુણવીર ખુમાણ…” એવા ભલકારા દેવા માંડ્યો. સામત ખુમાણ ને પણ મોજ ના તોરા છૂટવા માંડ્યા. લુણવીર ખુમાણ ના આ પરાક્રમના કારણે તેના વંશજો ‘ લુણસર ‘ તરીકે ઓળખાવા લાગ્યા.

‌એક દિવસ લુણવીર ખુમાણ કુંડલાની સંઘેડિયા બજારમા બળદગાડું ઘડાવવા બેઠા હતા એ સમયે કોઈ ખસીયાએ પાછળ થી તેમના પર તલવાર નો ઘા કરતા તેઓ ત્યાં વીરગતિ પામ્યા હતા અને તે જગ્યાએ તેમનો સંતાનોએ લુણવીર ખુમાણની ખાંભી પધરાવી હતી. ઈ. સ.૧૮૮૫ આસપાસ શેલણા દરબાર શ્રી પીઠા ખુમાણ વાજસૂર ખુમાણ ના એક ના એક પુત્ર ભાણ ખુમાણ નું અપુત્ર અવસાન થતા તેમજ દ.શ્રી પીઠા ખુમાણ ના પુત્રી જનુબા ના પતિ ભગવાનભાઈ અમરાભાઇ ધાધલ નું પણ અપુત્ર અવસાન થતા દ.શ્રી પીઠા ખુમાણ ના શેલણા ગામ ના ગરાસ નો વહીવટ કરવા સારૂ કુંડલા થી લુણવીર ખુમાણ ના વંશજો ‘લુણસર’ને શેલણા ગામ મા ૧૦ સાંતી નો ગરાસ (૧૦૦૦ વીઘા જમીન) અપાતા તેઓ શેલણા રહેવા આવેલ અને હાલ પણ શેલણા ગામ મા રહે છે અને ગરાસ ભોગવે છે. તારીખ ૧૦/૦૪/૨૦૧૭ વિ. સ. ૨૦૭૩ ચૈત્ર સુદ ૧૪ ને સોમવાર ના દિવસે લુણસર પરિવાર દ્વારા આ વીર પુરુષ લુણવીર બાપુ ખુમાણ ની ખાંભી ને કુંડલા થી શેલણા લાવી, દ.શ્રી ધીરૂભાઈ બચુભાઈ લુણસર ના હસ્તે પધરામણી કરેલ અને લુણસર પરિવાર દ્વારા ખાંભી ઉપર મંદીર નું નિર્માણ કરી એક વીર પુરુષ ના પરાક્રમને હંમેશા માટે જીવંત રાખવા પ્રયાસ કરેલ છે.

સંકલન – પી.ડી.લુણસર (આસી. સબ ઈન્સ.)
‌મો.- ૯૫૭૪૩ ૩૦૯૨૯. ૯૫૭૪૬ ૩૦૯૨૯

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!