અભિમન્યુ પાંડવ પુત્ર અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. સુભદ્રા એ કૃષ્ણ અને બલરામની બહેન હતી. એવું કહેવાય છે કે ——- તે સમયે બધા દેવોએ પૃથ્વીલોક પર પોતાનાં પુત્રોને અવતારરૂપમાં ધરતી પર મોકલ્યાં હતાં. પરંતુ ચંદ્રદેવ પોતાનાં પુત્રનો વિયોગ સહન કરી શક્યાં નહીં. એટલા માટે તેમણે કહ્યું હતું કે તેમના પુત્રનો અવતાર ફક્ત ૧૬ વર્ષની ઉંમરનો જ હોવો જોઈએ !!! આ પુત્ર એટલે —– અભિમન્યુ !!!
અભિમન્યુના નામ મુજબ (અભિ = નિર્ભીક, મન્યુ = ગુસ્સો) અભિમન્યુ નિર્ભીક અને ક્રોધિત પ્રકૃતિવાળો હતો ……. અભિમન્યુનો બાલ્યકાળ પોતાનાં નનિહાલ દ્વારિકામાં વીત્યો હતો. અભિમન્યુનો વિવાહ વિરાટનગરના મહારાજા વિરાટની પુત્રી ઉત્તરા સાથે થયો હતો. અભિમન્યુને મરણોપરાંત એક પુત્ર થયો. જેનું નામ પરીક્ષિત હતું. આ પરીક્ષિતને પણ એક પુત્ર થયો. તેનું નામ જનમેજય. આ જનમેજય એટલે મહાભારતનો છેલ્લો રાજા. તે ૮૫ વર્ષ જીવ્યો હતો. પાંડવો પછી, તેમની વંશ આગળ આગળ વધતો ગયો !!!!
શસ્ત્રોનું જ્ઞાન અભિમન્યુને પ્રારંભિક તબક્કામાં ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન દ્વારા આપવામાં આવ્યું હતું. પછીથી અર્જુને પોતાના પુત્રને ધનુષ વિદ્યામાં કુશળ બનાવ્યો. એવું કહેવાય છે કે માત્ર તેમના જીવન દરમિયાન જ નહીં પણ આ જગતમાં આવતાં પહેલાં, અભિમન્યુએ તેમની માતા સુભદ્રાની ગર્ભાશયમાં યુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
એ ત્યારની વાત છે જયારે અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહની કળા વિષે સમજાવતાં હતાં. તે સમયે અભિમન્યુ સુભદ્રાના ગર્ભાશયમાં હતો અને તે પિતાજીની બધી વાતો સંભાળતો હતો. અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહ વિષે વિગતે સમજાવે છે. એને કઈ રીતે ભેદવો, કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય. આ બધી કલાઓ અર્જુન સુભદ્રાને શીખવાડતો હતો !!!!
અર્જુન એક પછી એક સુભદ્રાને આ ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો અને કેવી રીતે દુશ્મનોને પરાજિત કરી શકાય એનું સ વિસ્તાર વર્ણન કરતો હતો. અર્જુન દ્વારા સુભદ્રાને મકવ્યૂહ ,કુર્માંવ્યૂહ અને સર્પવ્યૂહની જાણકારી આપતો હતો. આ બધું પાર કર્યા પછી, તમે ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર આવી શકો છો? તે અર્જુન બતાવવા જ જતો હતો એણે જોયું કે એની પત્ની સુભદ્રા તો ઊંઘી ગઈ છે !!!!
સુભદ્રાને ઊંઘતી જોઈને, અર્જુનને તેને વધુ મુશ્કેલીમાં મુકવા નહોતો માંગતો અને ત્યાંથી જતો રહ્યો …… આ રીતે અભિમન્યુએ ચક્રવ્યૂહના ઘણા રહસ્યો જાણી લીધાં હતાં. પરંતુ અંતિમ અને અતિમહત્વપૂર્ણ વ્યુહરચના અને તેનો ઉપાય ના જાણી શક્યો !!!! સમગ્ર મહાભારત કાળમાં અર્જુન પછી, જો કોઈ ચક્રવ્યુહમાં જવાનું સાહસ કરી શકે એમ હોય તો તે માત્ર અને માત્ર અભિમન્યુ જ હતો !!!!
ગુરુ દ્રોણે આ કલા માત્ર અર્જુનનેજ શીખવી હતી. તેમણે પોતે પોતાના પુત્ર અશ્વત્થામાને પણ આ કલા નહોતી શીખવી. અભિમન્યુ પોતાનાં પિતા અર્જુનની જેમ ચક્રવ્યુહમાં કેવી રીતે પ્રવેશ કરાય તે જાણતો હતો, પરંતુ તે ત્યાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે ખબર ન હતી, જેનો કૌરવોએ ભરપુર લાભ ઉઠાવ્યો !!!!!
એવું કહેવાય છે કે અભિમન્યુમાં કાલયવન રાક્ષસની આત્મા હતી. ભગવાન કૃષ્ણે તેને તેનાં જ વરદાન વડે જલાવીને મારી નાખ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણે એની આત્માને કપડામાં બાંધીને દ્વારિકા લઇ આવ્યાં અને એક અલમારીમાં તેને બંધ કરી દીધો !!!!
જ્યારે અર્જુનની પત્ની સુભદ્રાએ આકસ્મિક રીતે કબાટ ખોલ્યું, તો એક તેજસ્વી પ્રકાશ તેમના ગર્ભાશયમાં પ્રવેશી ગયો. આ પ્રકાશ કલ્યાવનની આત્મા હતી, જેનાથી સુભદ્રા બેભાન થઈ ગઈ . આ વાત અર્જુન સારી રીતે જાણતો હતો !!!!
એટલે જ જ્યારે અભિમન્યુ સુભદ્રાના ગર્ભાશયમાં હતો ત્યારે, અર્જુને ત્યારબાદ સુભદ્રાને ચક્રવ્યૂહમાં અંદર જવાની જ વાત કરી હતી ……. બહાર નીકળવાની નહીં !!!! તેમાંથી કેમ બહાર નીકળી શકાય એ વાતનો એને ઉલ્લેખ નહોતો કર્યો
બીજી એક પ્રસિદ્ધ કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણતો સર્વગુણ સંપન્ન અને સર્વજ્ઞ હતાં. તેમને તો આ બધી વ્યૂહરચનાઓની બહુજ સારી રીતે ખબર હોય હોય અને હોય જ !!!!તેઓ પણ પોતાની બહેન સુભદ્રાને આ ચક્રવ્યૂહ વિષે સમજાવતાં હતાં. એમાં ૬ કોઠા સુધી તેમણે સમજાવ્યું. પણ સાતમો કોઠો સમજાવવા ગયાં કે તરત જ સુભદ્રાના ગર્ભાશયમાંથી કાલ્યવનનો આત્મા બોલી ઉઠયો “પછી આગાળ કહોને શું થયું તે !!!!” આ સાંભળીને કૃષ્ણ ભગવાન ચોંકી ગયાં !!! તેમણે સાતમાં કોઠાનું જ્ઞાન ના જ આપ્યું, પછી જ્યારે અભિમન્યુ ૧૬ વર્ષનો થયો અને અનેક યુદ્ધકલાઓમાં પારંગત બન્યો. ત્યારે ……. કુરુક્ષેત્રના યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી હતી. યુદ્ધ સરુ થવાની તૈયારીમાં જ હતું. ત્યારે માતા કુંતાએ અભિમન્યુના હાથે એનાં દીર્ઘાયુષ્ય માટે રાખડી બાંધી. કૃષ્ણ ભગવાન આ જાણતા હતાં કે જો માતા કુંતાની રાખડી અભિમન્યુ ના હાથ પર હશે ત્યાં સુધી અભિમન્યુ (કાલયવનનો આત્મા ) મરશે નહીં !!! એટલે એમણે ઉંદરડી બનીને અભિમન્યુના હાથ ઉપરની એ રાખડી કાપી નાંખી.
ચાલો …….. આતો થઇ યુદ્ધપૂર્વેની વાત, યુદ્ધમાં અભિમન્યુ કેવી રીતે લડયો અને મરાયો એની વાત જાણીએ !!!!
કુરુક્ષેત્રમાં યુધ્ધના ભણકારા વાગી રહ્યાં હતાં. બંને સેનાઓ શસ્ત્ર ધારણકરીને આમને સામને ઉભી રહી ગઈ હતી રાહ જોવાતી હતી કયારે યુદ્ધ શરુ થાય એની !!!!
યુધ્ધના પ્રથમ દિવસે જ અભિમન્યુએ પોતાની વીરતાનો પરિચય આપી દીધો હતો. પિતામહ ભીષ્મનો મુકાબલો કરવો તો લગભગ કોઈ માટે અશક્ય જ હતો. પિતામહે પાંડવોને નહીં મારવાની પ્રતિજ્ઞા લીધી હતી, પણ તેઓ કૌરવો તરફથી જ યુદ્ધ કરત્તા હતાં ……. ભીષ્મનો વિજયરથ પણ નાનકડા છોકરાએ અટકાવ્યો હતો ………… તેણે પોતાના બાણવડે ભીષ્મના રથને કેદ કરી લીધો હતો. ત્યારે ભીષ્મે અર્જુનને કહ્યું ” અર્જુન તારો પુત્ર અભિમન્યુ મારો રસ્તો રોકવાની કોશિશ કરે છે …..” અર્જુન માત્ર મૂછમાં હસ્યો …….. જવાબ તો અભિમન્યુએ જ આપ્યો ——– “રસ્તો હું અવશ્ય રોકીશ તાતશ્રી …….. જે કોઈ પાંડવોની વચમાં આવશે એણે સૌ પ્રથમ મારો મુકાબલો કરવો પડશે !!!!? “વાહ અભિમન્યુ વાહ ધન્ય છે તારા માતા -પિતા જેમની કુખે આવો વીર પુત્ર જન્મ્યો છે !!!!” આ શબ્દો મારાં નથી ……….. પિતામહ ભીષ્મના છે !!!!
અભિમન્યુની કુશળતા કુરુક્ષેત્રના યુદ્ધના ૧૩ મા દિવસે જોવા મળી હતી, જ્યારે અભિમન્યુ એક પછી એક કૌરવોના મહારથીઓને પરાજિત કરી રહ્યો હતો. કૌરવ સેના ભયભીત થઇ ગઈ . અભિમન્યુને કેવી રીતે રોકવો જોઈએ તે તેઓ સમજી શકતાં નહોતાં !!!!!
એવું કહેવાય છે કે અભિમન્યુ યુદ્ધમાં એટલો કુશળ હતો કે કૌરવોમાં કદાચ એક પણ એવો કોઈ વીરલો ન હોય જે એને પરાજિત કરી શકે !!! એટલા માટે કૌરવોએ તેમને હરાવવા માટે છળનો સહારો લોધો. ગુરુ દ્રોણ દ્વારા પાંડવોને હરાવવાં માટે ચક્રવ્યુહની રચના કરી. તેઓ જાણતા હતા કે ચક્રવ્યુહને ભેદવાની કળા માત્ર અર્જુનને જ આવડે છે, પરંતુ ગુરુ દ્રોણ અર્જુનના પુત્રની ક્ષમતાથી અજાણ હતાં !!!!
ગુરુ દ્રોણ દ્વારા ચક્રવ્યૂહ રચવામાં આવ્યો હતો ….. પરંતુ તે દિવસે કદાચ પાંડવોના ભાવિ તેમની સાથે ન હતા. ગુરુ દ્રોણે દરેકની સામે ચક્ર્વ્યુહને ભેદવાં માટે પાંડવોને પડકાર આપ્યો. તે સમયે કેટલાક કારણોસર અર્જુન લડતાં લડતાં રણભૂમિથી આઘે દૂર જતો રહ્યો હતો અને અર્જુન એ વાતથી અજાણ હતો કે —– ગુરુ દ્રોણ દ્વારા ચક્રવ્યૂહની રચના કરવામાં આવી છે !!!!
મહાભારતનું યુદ્ધ ચાલી જ રહ્યું હતું. કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરી હતી. પાંડવોને પડકાર આપવામાં આવી રહ્યો હતો . હવે વાત પાંડવોના આન -બાન અને શાનની હતી !!!! બધા પાંડવો ચિંતિત હતા. યુધ્ધમાં પડકાર મળ્યો હતો: – ચક્ર્વ્યુંહને તોડી નાંખો અથવા હાર સ્વીકારી લો શું આ દિવસે માટેજ મહાભારતનું યુદ્ધ શરૂ થયું હતું ? આ વાત પર વિચારવિમર્શ હજી ચાલી જ રહ્યો હતો કે કોને મોકલાય આ ચક્રવ્યૂહ ભેદવા માટે !!!! ત્યારે જ એક બહાદુર યોદ્ધો આગળ આવ્યો. જેની કોઈએ પણ આશા જ નહોતી રાખી અને એ હતો ——– અર્જુનપુત્ર અભિમન્યુ !!!!
આવો કપરો સમય કયારેય ના આવત જો અર્જુન ત્યાં હોત તો ……… અર્જુન, એકલાએ જ કૌરવોની સેનામાં હાહાકાર મચાવી દીધો હતો. પિતામહ ભિષ્મ ધરાશાયી થઇ ગયા હતાં અને હવે યુદ્ધ સંચાલનની જવાબદારી ગુરુ દ્રોણના શિરે આવી ગઈ હતી !!!! દુર્યોધનને અર્જુનનો પ્રકોપ જોઇને ચિંતા થવા લાગી, પછી દુર્યોધને ગુરુ દ્રોણાચાર્ય સાથે વિચારવિમર્શ કરીને અર્જુનને યુદ્ધભૂમિથી દૂર લઈ જવાનો વિચાર કર્યો. તેમણે સંશપ્તકોં ને કહીને આર્જુનને કુરુક્ષેત્રથી દૂર લઇ જવાની ચુનૌતી સોંપાઈ અને તેમણે એ કાર્ય બખૂબી કર્યું અને અર્જુનને દૂર કરી દીધો !!! એટલાં જ માટે પાંડવોની ઈજ્જતની રક્ષાકાજે વીર અભિમન્યુ ને આગળ આવવું પડ્યું !!!!
યુધિષ્ઠિરે અર્જુનના પુત્ર અભિમન્યુને સમજાવ્યું, ” પુત્ર …….તારા પિતા સિવાય કોઈપણ ચક્રવ્યુહને ભેદવાની કોશિશ કરી શકે એમ નથી. આ હું જાણું છું ……..છતાં પણ તું આ કરી શકીશ !!! પરંતુ અભિમન્યુ પોતાની જીદ પર અડગ રહ્યો “આર્ય …….તમે મને બાળક ના સમજો !!! મારામાં ચક્ર્વ્યુહને ભેદવાનું સંપૂર્ણ સાહસ છે !!!! ” પિતાજીએ મને ચક્રવ્યૂહની અંદર જવાની પ્રક્રિયાતો બતાવી હતી, પરંતુ બહાર આવવાની નહીં !!!! પરંતુ, હું મારાં સાહસ અને પરાક્રમ વડે આને મારાં આત્મબળથી હું ચક્રવ્યૂહને જરૂર ભેદી શકીશ !!! તમે આ પડકાર સ્વીકારી લો !!! ”
યુધિષ્ઠિરે તેમાં છતાં અભિમન્યુને સમજાવવા માટે ખૂબ જ મહેનત કરી. પરંતુ અભિમન્યુ કંઈપણ સાંભળવા તૈયાર ન હતો !!!! તેથી એ નક્કી કરવામાં આવ્યું હતું કે અભિમન્યુને ચક્રવ્યૂહ તોડવાં માટે મોકલવામાં આવે !!!! અભિમન્યુને મદદ કરવા માટે ભીમસેન અને સાત્યકિને મોકલવામાં આવ્યા હતાં !!!!
અભિમન્યુએ પ્રથમ દ્વાર પર બાણોની વર્ષા કરીને એને તોડી નાંખ્યું અને એ વ્યુહની અંદર ઘુસી ગયો. ભીમસેન અને સત્યકી કોક રીતે અભિમન્યુ સાથે અંદર ના ઘુસી શક્યાં. અભિમન્યુ કોઈ પ્રચંડ અગ્નિની જેમ બધાંને જ કચડી નાંખીને તે આગળ વધી રહ્યો હતો. !!!! બધાં જ મહારથીઓએ તેમના દરેક બળનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કોઈ પણ અભિમન્યુ ને રોકવા માટે અસમર્થ હતાં !!!!
અભિમન્યુ દરેક દ્વાર એક રમકડાંની જેમ તોડતો ગયો ……. કોઈ પણ વિઘ્ન વગર એ આગળ વધતો જ ગયો !!!! આગળ વધવામાં તેંને કોઈ સમસ્યા નડતી નહોતી. જેનાથી દુર્યોધન અને કર્ણ ચિંતિત થઇ ગયાં. તેમણે દ્રોણચાર્યને કહ્યું કે અભિમન્યુ તેમના પિતા અર્જુન જેવો જ બળવાન છે. જો તેને ટૂંક સમયમાં રોકવામાં ના આવે તો આપણી બધી જ યોજનાઓ અસફળ થઇ જશે !!!!
અત્યાર સુધી અભિમન્યુ એ બૃહદબલ અને દુર્યોધનના પુત્ર, લક્ષ્મણને યમલોક પહોંચાડી દીધાં હતાં. કર્ણ, અને દુશાસનને પણ પરાજિત કર્યાં હતાં ……. રાક્ષસ અલંબુશને તો એણે યુદ્ધભૂમિમાંથી ઘણો દૂર ધકેલી દીધો હતો !!! જ્યારે કૌરવોએ જોયું કે તેમના પ્રયત્નો સફળ થયા નથી, તો તેઓએ છળ કરવાનું વિચાર્યું !!!! તમામ મહારથીઓમાં અશ્વથામા, કૃપાચાર્ય , કૃતવર્મા, કર્ણ, બ્રૂહદ્વલ અને દુર્યોધન ભેગાથયાં. આ બધાં એ સાથે મળીને અભિમન્યુ પર આક્રમણ કરી દીધું !!!! આ બધાની વચ્ચે અભિમન્યુ ઘેરાયેલો હોવાં છતાં પણ પોતાનું યુદ્ધકૌશલ બતાવતો જ હતો !!!!
કર્ણએ તેના તીર સાથે ધનુષ તોડ્યું, ભોજે તેનો રથ તોડ્યો અને કૃપાચાર્યે એનાં એટલે કે અભિમન્યુના રક્ષકોને મારી નાખ્યા. હવે અભિમન્યુ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર હતો. ત્યાં થોડીક જ ક્ષણોમાં એના હાથમાં એક ગદા આવી ગઈ
અભિમન્યુએ એ ગદા વડે કઈ કેટલાંય યોદ્ધાઓને મારી નાંખ્યા. પરતું એની ગદા પણ એક વાર હાથમાંથી છૂટી ગઈ તો તે રથનું પૈડું લઈને કૌરવો પર ફરી વળ્યો, પણ એકલો અટૂલો અભિમન્યુ આ બધાનો સામનો કેવી રીતે કરી શકે ? ત્યાં અચાનક દુશાશનના પુત્રએ પાછળથી અભિમન્યુના માથાં પર ગદાનો પ્રહાર કર્યો અને અભિમન્યુના ત્યાને ત્યાં રામ રમી ગયાં !!!!
જયારે હકીકત એ છે કે અભિમન્યુ પીડાતો હતો અને એને મૃત્યુ જોઈતું હતું. અભિમન્યુની આ વેદના તેનાજ કાકા કર્ણથી જોવાઈ નહીં એનું કારણ એ હતું કે એ વાંકમાં તો હતો જ …….. એક મહારથી સાથે એક જ મહારથી યુદ્ધ કરી શકે !!! સાત સાત મહારથીઓ ભેગા મળીને કોઈ એક વીર પર હુમલો કરી શકે નહીં !!!! આ નિયમનો ભંગ થયો હતો અને કોણે કર્યો ? મહાશક્તિશાળી ધનુર્ધર કર્ણ દ્વારા કર્ણને આ ખૂંચતું હતું કે “હે ભગવાન મેં આંધળા મિત્રપ્રેમમાં શું કરી દીધું ?” મારાં હાથે આ શું થઇ ગયું !!!! મારે એનો પશ્યાતાપ કરવો જ પડશે અને એનું જે કંઈ પરિમાણ હોય એ ભોગવવું જ પડશે !!!!” એને હાથમાં કટાર લીધી અને અભિમન્યુની છાતીમાં ભોમકી દીધી !!!!” અને ઇતિહાસમાં આવી કોઈ અંજલી નથી આપી એવી અંજલી મહારથી કર્ણના મુખે અપાયેલી છે —–
” હે પુત્ર હું તને કટાર એટલામાં મારું છુ કે મારાથી તારી વેદના જોવાતી નથી એટલે તને આ પીડામાંથી મુક્ત કરું છું !!!! મારા મનમાં તારા તરફ કોઈજ દ્વેષ નથી !!! બની શકે તો મને માફ કરજે !!!? બસ પુત્ર બસ !!!! ઈતિહાસ મને કે અર્જુનને યાદ નહીં રાખે. ઈતિહાસ માં તારી વીરતા સદાય અમર બની જશે !!!?
એમ કહેવાય છે કે અભિમન્યુના મૃત્યુ પર કર્ણ, અર્જુન અને ખુદ ભગવાન શ્રીકૃષ્ણની આંખમાં આંસુ હતાં !!! આને જ કહેવાય વીરતા અને મહાનતા !!!
આવી રીતે એક બહાદુર અર્જુન પુત્ર અભિમન્યુનું જીવન પૂરું થયું.
અભિમન્યુએ જતાં જતાં આપણને એ શીખવાડી ગયો કે ——-
પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકુળ કેમ ના હોય માણસે ધૈર્ય સાથે એનો સામનો કરવો જોઈએ !!!! આ સંસારમાં માત્ર કોઈ યુદ્ધ જીતવાને જ શ્રેષ્ઠતા નથી કહેવાતી. યુદ્ધ મા પોતાની કળા બતાવનારને જ સંસારમાં સન્માનની નજરે જોવામાં આવે છે. એટલાંજ માટે આપ આપના જીવનને યોધ્ધાની જેમ જીવો જેથી કરીને તમે આસાનીથી લક્ષ્ય પ્રાપ્તિ કરી શકો. આનાથી સમાજમાં તમારી એક અલગ જ પહેચાન થશે !!! અને એજ હિતાવહ પણ છે !!!
આવા શુરવીર મહાયોધ્ધા અને મહાવીર અભિમન્યુને શત શત પ્રણામ !!!!
———- જનમેજય અધ્વર્યુ
જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.