(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)
—– ભાગ – ૨ —–
એક વાત મને એ પણ નથી સમજાતી કે આ જૈન સાહિત્યકારો આટલાં બધાં કેમ ઉત્પત્તિની પાછળ પડયા પાથર્યા રહે છે. બ્રાહ્મણોમાં જેમ અનેક ફાંટો અને અને અનેક અટકો હોય છે એમ આમાં પણ બન્યું હશે એમ માનીને કેમ નથી ચાલતા. હેમચંદ્રાચાર્યે અને બીજાં અનેક સાહિત્યકારોએ સોલંકીઓના સમયમાં જ આ ચુલુક્યની વાત તો કરી હતી તો પછી એમનાં પછી કેમ બધાં સાહિત્યકારો આ ઉત્પત્તિ પાછળ પડી ગયાં છે તે. એનું એક કારણ એ પણ છે કે સોલંકીના એક ફાંટાની શાખા કહીને એ લોકો છટકી ગયાં છે એનું કોઈ ઠોસ કારણ તેઓ આપી શક્યાં જ નથી એટલે જ તેઓ સંદર્ભોને નામે લેપડાચોપડાઓ કર્યા કરે છે. જેનું ઇતિહાસમાં કોઈ જ મહત્વ નથી. આનું એક પ્રબળ કારણ એ પણ આપી શકાય કે શું તેઓને ખબર હતી કે આ વંશ ઓછો ટકવાનો છે? કે એમાં બહુ ઓછાં રાજાઓ થવાનાં છે.
બીજી વાત એ કે હેમચંદ્રાચાર્યનું તો રાજા કુમારપાળ પહેલાં ૬ મહિના પહેલાં જ અવસાન થઇ ગયું હતું. એટલે વધારે આધાર તો મેરુતુંગ સોમેશ્વર કે તે પછીના સાહિત્યકાર પર જ આધાર રાખી શકાય તેમ હતો આમાં પ્રમાણભૂત માહિતીનો અભાવ સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. ત્યાર પછી જે પણ સાહિત્યકારો કે ઈતિહાસકારો થયાં તેઓ એક જ વાતને વળગી રહ્યાં છે તે છે ચૌલુક્યોની શાખા તેઓ આ જ શબ્દની આજુબાજુ જ ગોળગોળ ફર્યા કરે છે તેનાથી તેઓ આગળ વધી જ શકતાં નથી
આ બધાં જ ગ્રંથો આગળ જઈને તો વસ્તુપાળ – તેજપાળનાં જ મોંફાટ વખાણ જ કર્યાં કરવાના હતાં. તેઓએ વધારે પડતો પુરાણકથાઓનો સહારો લીધો છે જેને લીધે જ તેમાંથી અનેક અનુશ્રુતિઓએ જન્મ લીધો છે જે મૂળ વાતને કે આ “ચૌલુક્યોની શાખા” કઈ તે જણાવવામાં સદંતર નિષ્ફળ નિવડયાં છે. જો કે તેમાં દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રમાં આ વાઘેલા શાખા હતી એ વાતને અનુમોદન જરૂર મળે છે પણ તેઓને પાટણની રાજગાદી પર આવતી આ વાઘેલા રાજવંશની શાખા સાથે કોઈ જાતની લેવાદેવા કે સંબંધ નથી જ. અધુરામાં પૂરું સૌરાષ્ટ્રના ભાટ ચારણોની વાતોએ એમણે સૌરાષ્ટ્રના અને કચ્છના જ બનાવી દીધાં છે આ બધું માત્ર ક્યાંક થયેલાં ઉલ્લેખને લીધે થયું છે. તો પણ એ છે તો વાઘેલા સોલંકી શાખા જ. હવે આ “વાઘેલા” શબ્દનું મૂળ શોધવાનો પ્રયત્ન કરીએ ! એ પતે જ પછી કૈંક ઇતિહાસની વાતો કરી શકાશે એમ લાગે છે.
વાઘેલાની ઉત્પત્તિ ———
વાઘેલા કૂળની ઉત્પત્તિ વિષે ભાટચરણોની અનુંશ્રુતિઓમાં જાત જાતની દંત કથાઓ જોવાં મળે છે. એમાં કોઈનાથી કંઈ નિષ્કર્ષ ના નીકળતો લાગ્યો એટલે હવે બધાં તજજ્ઞો છૂટી જતાં લાગ્યાં. એટલે એમણે પણ આખરે હવે અનુશ્રુતિઓનો જ સહારો લીધો અને એમ કહેવાં લાગ્યાં કે —-
એમાં વાઘેલા નામ વાઘેલ ગામના નામ ઉપરથી પડયું હોવાની વાતો ફેલાવવા લાગ્યાં. એમાં કોઇપણ જાતનું સત્ય તો નથી જ છે તો માત્ર કથા અને અનુમાન જ. એવી એક અનુશ્રુતિ અનુસાર આ રાજવંશનો મૂળ પુરુષ “લુણોજી” (લવણપ્રસાદ) વાઘેલમાં રહેતો હતો. અરે ભાઈ રહેતો હતો તો રહેતો હતો પણ તે અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયો હતો તે ? કેટલીક નહી ભાઈ ઘણી બધી વાતો બંધબેસતી નથી જ. કેમ નથી બંધ બેસતી તે તો આગળ આવશે જ. એકલાં ભાટ-ચારણોનો પણ વાંક કાઢવો નકામો છે કારણકે આનો ઉલ્લેખ એ “પ્રબંધચિંતામણિમાં કરવામાં આવેલો જ છે. પણ આ ભાટ-ચારણોએ તેમાં મોણ નાખીને વધારીને વધારીને ધોળકા -પાટણના આ રાજવંશને પોતાની જાગીર બનાવી દીધું છે. એ તો અણહિલવાડની જ કમનસીબી છે કે દરેક વખતે તેમને સૌરાષ્ટ્ર જ નડે છે. અધૂરામાંપૂરું એમાં લાટપ્રદેશ એટલે કે દક્ષિણ ગુજરાત પણ ભળ્યું. આમ જોવાં જઈ તો આમાં કોઈનો વાંક કાઢી શકાય એમ નથી કારણકે એનો ઉલ્લેખ થયેલો તો છે જ ! “પ્રબોધ ચિંતામણિ” એ વાઘેલાકાળના અંતની નજીકનો હોઈ નોંધપાત્ર છે. એમાં આનાકના પુત્ર લવણપ્રસાદને “વ્યાઘ્રપલ્લીય” તરીકે ઓળખાવ્યો જણાય છે.
વાઘેલા વંશના મહામાત્ય વસ્તુપાળનાં સમયમાં લખાયેલાં સુકૃત સંકીર્તનમાં તથા સુકૃત કીર્તિકલ્લોલિનીમા ધવલનાં પુત્ર અને લવણપ્રસાદના પિતા અર્ણોરાજના પરાક્રમથી પ્રસન્ન થયેલાં રાજા કુમારપાળે એણે ભીમપલ્લીનો સ્વામી બનાવ્યો હોવાનો ઉલ્લેખ આવે છે.
આ ઉલ્લેખો પરથી અહી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અર્ણોરાજના સબંધમાં જણાવાયેલી “ભીમપલ્લી ને લવણપ્રસાદના સંબંધમાં જણાવેલી “વ્યાઘ્રપલ્લી “એ એક જ સ્થળનાં બે નામ હશે કે જુદાં સ્થળ હશે? આ વ્યાઘ્રપલ્લીને જ હાલમાં વાઘેલ કહેવામાં આવે છે. આ વાઘેલ ગામ મહેસાણા જીલ્લાના હરીજ તાલુકામાં આવેલું છે. વાઘેલ હારીજની દક્ષીણે ચાર માઈલના અંતરે સ્થિત છે અને પાટણથી દક્ષિણદિશાએ લગભગ ર૦ માઈલના અંતરે આવેલું છે.
“ભીમપલ્લી” એ વ્યાઘ્રપલ્લીનો પર્યાય હોવાનું સંભવ છે પરંતુ ભીમપલ્લીને હાલમાં શ્રી ભીલડિયા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. એ ગામ હાલ બનાસકાંઠા જીલ્લાના તાલુકામાં પાલનપુરથી પશ્ચિમ દિશામાં લગભગ ૫૦ માઈલના અંતરે આવેલું છે. જો હાલનું ભીલડિયા એ પ્રાચીન ભીમપલ્લી તરીકે સ્વીકારવામાં આવે તો એનો અર્થ એ થાય કે અર્ણોરાજને કુમારપાળ પાસેથી ભીમપલ્લી મળ્યું, જ્યારે એમનાં પુત્ર લવણપ્રસાદનું વડું મથક વ્યાઘ્રપલ્લી હતું. આ વ્યાઘ્રપલ્લી લવણપ્રસાદને પોતાનાં બાહુબળથી મળેલું કે પૂર્વજોના વારસામાં મળેલું એ વિષે કંઈ માહિતી ઉપલબ્ધ નથી થતી. અર્ણોરાજના પિતા ધવલનું મુખ્ય નિવાસસ્થાન ક્યાં હતું? તેને વિષે પણ કંઈ મહતી મળતી નથી. લવણપ્રસાદે આગળ જતાં પોતાનાં મંડળનો વિસ્તાર કરી પોતાનાં પિતામહ ધવલના નામ ઉપરથી ધવલકક (ધોળકા) વસાવી ત્યાં પોતાની રાજધાની સ્થાપી હોવાનું મનાય છે. પરંતુ ધવલક્ક ગામ તો એ પહેલાં પણ મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ અસ્તિત્વ ધરાવતું હતું. આ ઉપરથી વીરધવલે ધવલકક વસાવ્યાની માન્યતા કેવળ સમય ઉપરથી ઉપજી હોવાનો સંભવ છે.
જો વ્યાઘ્રપલ્લી લવણપ્રસાદને પૂર્વજોનાં વારસમાં મળી હોય તો એનાં એ પૂર્વજો વ્યાઘ્રપલ્લીના મૂળ વાતની હોવાં સંભવે છે અને થોડાં જ વર્ષમાં વ્યાઘ્રપલ્લી તજી ધવલકકમાં વસનાર લવણપ્રસાદ અને એનાં વંશજો વ્યાઘ્રપલ્લીય (વાઘેલા) તરીકે ઓળખાયા. એ હકીકત પરથી એ વંશના પુરુષોને વ્યાઘ્રપલ્લી સાથે લવણપ્રસાદના સ્થળાંતર પહેલાંનો પેઢીઓનો સંબંધ હોવાનું સૂચિત થાય છે. મૂળ વ્યાઘ્રપલ્લીના વતનીઓએ આગળ જત સંજોગવશાત ભીમપલ્લી અને ધવલકક જેવાં અન્ય સ્થળોએ સ્થળાંતર કર્યું હોય એ તદ્દન સંભવિત છે. આગળ જતાં આ વંશની ઉત્પત્તિ સબંધી વાઘેલ ગામનો વિસારે પડતાં અર્વાચીન ભાટ ચરણોમાં વાઘેલ વંશની ઉત્પત્તિ માટે વંશનાં નામ ઉપરથી જુદી જાતની બે દંતકથાઓ પ્રચલિત થઇ હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં મળેલા એક હસ્તલિખિત પાનામાં ધોળકું સંવત ૯૨૧માં વસ્યું હોવાનો ઉલ્લેખ આવે છે. પરંતુ એ પાનું છેક અઢારમી ઓગણીસમી સદીમાં લખાયેલું છે તેમજ એમાં જણાવેલી સાલ ઘણી જગ્યાએ ખોટી છે. આથી એમાં જણાવેલું વર્ષ સ્વીકારવા માટે વધુ સપ્રમાણ આધારની અપેક્ષા રહે છે. જે બે કથાઓ પ્રચલિત થઇ છે તે રાજા મૂળરાજ સોલંકી સંબંધિત છે અને આમેય એ દંતકથા અહી અપ્રસ્તુત હોવાથી એ હું અહીં મુકતો નથી !
વિશ્વસનીય પ્રમાણોને આધારે હાલ માત્ર એટલું જ કહી શકાય એમ છે કે — આ રાજવીઓ ચોલુક્ય કૂળના હતાં અને વ્યાઘ્રપલ્લી – વાઘેલ સાથેના પ્રારંભિક નિકતના સંબંધને લઈને તેઓ આગળ જતાં “વ્યાઘ્રપલ્લીય” વાઘેલા તરીકે ઓળખાયા.
વાઘેલા વંશની માહિતી —–
વાઘેલા વંશની શરૂઆત તો ઇસવીસન ૧૨૦૬થી જ શરુ થઇ હતી રાજા ભીમદેવના સમય થી જ. એમાં પણ મતમતાંતર જરૂર પ્રવર્તે છે જે પણ આપણે જોવાનો થોડો પ્રયત્ન અવશ્ય કરીશું. પણ જે પ્રચલિત છે એ પ્રમાણે તો ક્રમબદ્ધ રાજાઓ આ પ્રમાણે થયાં હતાં.
- [૧] અર્ણોરાજ
- [૨] લવણપ્રસાદ
- [૩] વીરધવલ
- [૪] વિરમદેવ
આ બધા ગુજરાતના રાજાઓ નહોતાં અને તેઓએ અણહિલવાડ પર રાજ્ય નહોતું કર્યું. ગુજરાતની ગાદીએ જે આવ્યાં તેમનાં નામ આ પ્રમાણે છે. ગુજરાત પર રાજ કરનાર વાઘેલા વંશની સ્થાપના થી ઈસ્વીસન ૧૨૪૪માં જેમાં પ્રથમ રાજા થાય છે વિસલદેવ અને છેલા રાજા થયાં રાજા કર્ણદેવ વાઘેલા ઈસ્વીસન ૧૨૯૬માં જેમનો અંત કુખ્યાત ખિલજી દ્વારા આવ્યો અને સાથોસાથ ગુજરાતમાંથી પણ રાજપૂત યુગનો અંત આવ્યો ઈસ્વીસન ૧૩૦૪માં .
તેમની સાલવારી અને નામો આ પ્રમાણે છે —-
- [૧] વિસલદેવ – (ઇસવીસન ૧૨૪૪ – ઇસવીસન ૧૨૬૨)
- [૨] અર્જુનદેવ – (ઇસવીસન ૧૨૬૨ – ઇસવીસન ૧૨૭૫)
- [૩] રામદેવ – (ઇસવીસન ૧૨૭૫)
- [૪] સારંગદેવ – (ઇસવીસન ૧૨૭૫ – ઇસવીસન ૧૨૯૬)
- [૫] કર્ણદેવ – (ઇસવીસન ૧૨૯૬- ઇસવીસન ૧૩૦૪ )
માત્ર ૬૦ જ વરસ આ વાઘેલા વંશે ગુજરાત પર રાજ્ય કર્યું હતું એમ કહેવાય છે કે રાજા કર્ણદેવ વાઘેલાનો અંત એટલેકે એમની કારમી હાર ઇસવીસન ૧૨૯૮માં અલ્લાઉદ્દીન ખિલ્જીના હાથે થઇ જ ગયો હતો પણ કેટલાંક તથ્યો એવા છે જે એવું પુરવાર કરે છે કે રાજા કર્ણદેવે ઇસવીસન ૧૩૦૪ સુધી અણહિલવાડ પાટણ ઉપર રાજ્ય કર્યું હતું. એની વાત આપણે રાજા કર્ણદેવ વાઘેલા વખતે કરીશું. વાઘેલા રાજવંશે અણહિલવાડ પાટણ ઉપર ઇસવીસન ૧૨૪૪ થી ઈસ્વીસન ૧૩૦૪ સુધી રાજ્ય કર્યું હતું. આ બધામાં રાજા સારંગદેવ એ પ્રતિભાશાળી રાજવી હતાં એમ તો રાજા કર્ણદેવ પણ પ્રતિભાશાળી જ હતાં પણ નસીબે એમને સાથ ના આપ્યો એટલે તેઓ ખિલજી સામે હારી ગયાં.
જે વિવાદાસ્પદ બાબત અને માહિતીઓના ગોટાળાઓ છે તે વીરધવલ અને વિસલદેવ માટે છે. આમાં કોણ કોનાં પુત્રો છે તે બાબતમાં ઈતિહાસ હજી ગોથાં જ ખાય છે કારણકે જૈન સાહિત્યમાં તો વીરધવલને જ સોલંકીયુગના અંતિમ રાજા ત્રિભુવનપાળની હત્યા કરતાં બતાવ્યો છે. જયારે રાજા ત્રિભુવનપ્પલાની હત્યા તો એમનાં પુત્ર વીસળદેવે કરી હતી જેમને ખુદ રાજા ત્રિભુવન ત્રિભુવનપાળે સેનાપતિ પદે નિયુક્ત કર્યાં હતાં. કારણોની માથાફૂટમાં ન પડીએ તોય એક વાત એ સમજાતી પણ નથી અને સાબિત પણ નથી થતી કે રાજા ત્રિભુવણપાળની હત્યા કેમ કરવામાં આવી ? જયારે ત્રિભુવનપાળ એ એટલાં ખરાબ રાજા તો નહોતાં જ નહોતાં. કહેવાનો મતલબ છે કે સોલંકીયુગના અંત પાછળ કોઈ એક ચોક્કસ ઠોસ કારણ હોય તો તે છે જૈન ધર્મ !
વસ્તુપાળ એ રાજા ભીમદેવ સોલંકીના સમયમાં પણ હોય છે, રાજા ત્રિભુવનપાળના સમયમાં હોય છે, વીરધવલનાં પણ એ ખાસ મંત્રી અને અંગત સલાહકાર હોય છે અને જયારે વિસલદેવ રાજા થાય છે અણહિલવાડ પાટણનાં ત્યારે પણ તેઓ જ મંત્રી હોય છે. જૈનો અહિંસક હોય છે તો પછી તેમણે અલ્તમશ સામે સેનાનું નેતૃત્વ કરી તેને હરાવે છે રાજા ભીમદેવ સોલંકીના સમયમાં તે વાત કંઈ બંધબેસતી નથી જ
રાજા ત્રિભુવનપાળ એ ચુસ્ત શૈવધર્મી રાજા હતાં જયારે વસ્તુપાળના કહેવાથી જ વીસલદેવે રાજા ત્રિભુવનપાળની હત્યા કરી હતી એનાં પણ પુરાવાઓ તેમને જૈન સાહિત્યમાંથી મળે છે. જે જે તે રાજા વખતે હું તમને આપીશ. એક સ્પષ્ટતા કરી દઉં કે આ વસ્તુપાળ – તેજપાળ વિષે એટલું બધું લખાયું છે કે એમને હું કદાચ મારાં લેખમાં પ્રાધાન્ય ન આપું એવું પણ બને. કારણકે તેઓ અને વાઘેલાવાંશી રાજાઓ વધારે પડતાં જૈનધર્મી તરફી હતાં બ્રાહ્મણોની તેમણે ઉપેક્ષા જ કરી હતી. જો તમને અલ્લાઉદ્દીન ખિલજીની વાત ચાટી જતી હોય તોહું પણ બ્રાહ્મણ છું મને પણ બ્રાહ્મણોની ઉપેક્ષા ખટકે જ છે. જેનો પાંગળો -લૂલો બચાવ કોઈએ પણ ના જ કરવો જોઈએ.
ઈતિહાસમા એનાં દ્રષ્ટાંતો મળી રહે છે જે તમને આ લેખમાળામાં જ હું આપવાનો છું અને કહેવાય છે શું કે વાઘેલાવંશી રાજાઓ એ ધર્મનિરપેક્ષ હતાં. જો હતાં તો તેમણે તે પુરવાર કરવું જોઈતું હતું, રાજાઓ વિષે હું લખીશ પણ વસ્તુપાળ -તેજપાળની કથા તો નહીં જ કહું હા… એમની સિદ્ધિઓ અવશ્ય જણાવીશ. જે વંશમાં લવણપ્રસાદ એ કોનો પુત્ર છે એજ કોઈ ચોક્કસપણે ના કહી શકતું હોય અને રાજા ત્રિભુવનપાળની હત્યા કોણે કરી તે જ સરખી રીતે કોઈ જણાવી શકતું ના હોય તો એમાંથી સત્ય બહાર લાવવું ખરેખર એક દુષ્કર કાર્ય જ છે.
લવણપ્રસાદને જે પ્રચલિત માહિતી છે તે પ્રમાણે તો અર્ણોરાજનો પુત્ર બતાવ્યો છે અને લવણપ્રસાદનાં બે પુત્ર હતાં વીરધવલ અને વિરમદેવ અને આ વીરધવલનો પુત્ર હતો વીસલદેવ. હત્યા કરી વિસળદેવે અને એજ રાજગાદીએ બેઠાં તો પછી આ વાઘેલાવંશના પૂર્વવૃત્તાંતની આટલી બધી મહત્તાની શી જરૂર ? પૂર્વના રાજાઓ વિષે એટલું બધું કહેવાયું લખાયું છે કે કે જે ખરેખર ગુજરાતના રાજાઓ છે જેમને પાછળથી થયેલાં રાજાઓ કહેવામાં આવ્યાં છે તેમનું મહત્વ બહુ જ ઓછું આંકવામાં આવ્યું છે. કારણ અતિસ્પષ્ટ છે પૂર્વના રાજાઓનું વૃત્તાંત આપવાની સોલંકીયુગના રાજાની આબરુ ધૂળમાં મેળવવાનું ! જેને માટે જ આજે ઇતિહાસમાં અને જૈન સાહિત્યમાં લેપડાચોપડા થયાં છે એમાં કોણ કોનો પુત્ર તેમાં પણ તેઓ એકરૂપતા સાધી શક્યા નથી.
અર્ણોરાજ અને વીરધવલ વિષે થોડીક વાતો જરૂર કરીશું પણ લવણપ્રસાદમાં તો ઈતિહાસ સદંતર ખોટો છે અને દંતકથાઓ વધારે છે એટલે એમની વાત બહુ જ ટૂંકાણમાં કરવામાં આવશે. આમે ય એ વાત આપણે રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયમાં કરી જ ચુક્યા છીએ. ગુજરાતનો ઈતિહાસ જ્યાંથી શરુ થાય છે તે રાજા વિસલદેવથી જ આપણે શરુઆત કરીએ એજ હિતાવહ ગણાશે. કારણકે ઇતિહાસમાં એ જ વાત જરૂરી છે નહીં કે પૂર્વકથાઓ ! આ એટલાં માટે લખ્યું છે કે વીરધવલે હત્યા નથી કરી હત્યા કરી છે વીસલદેવે પણ તેમ છતાં જૈનગ્રંથો અને ઈતિહાસ એ સાચું માની બેઠો છે કે હત્યા વીરધવલે કરી હતી. એવું મેં જે પહેલાં લેખમાં લખ્યું છે સદંતર ખોટું તો નથી જ પણ ઈતિહાસ ક્યાં ક્યાં ખોટો છે તે હું આવનારા લેખોમાં પ્રતિપાદિત કરવાનો જ છું. પહેલાં લેખની માહિતીને જરાય ખોટી ના માનતાં હોં કે !
ઈતિહાસને ચોપડે નોંધાયેલી માહિતી કૈંક આવી છે — પહેલાં ધવલ થયાં પછી અર્ણોરાજ થયાં પછી લવણપ્રસાદ થયાં. લવણપ્રસાદના બે પુત્રો હતાં –(૧) વીરધવલ અને (૨) વિરમદેવ. આમાં કોણ મોટો અને કોણ નાનો તે હજી પ્રશ્નાર્થ છે પણ એમાં વીરધવલને બે પુત્રો હતાં — (૧) પ્રતાપમલ્લ અને (૨) વિસલદેવ. જેમાંથી વિસલદેવે સોલંકીયુગના અંતિમ રાજા ત્રિભુવનપાળની હત્યા કરી અને વિસલદેવે ઇસવીસન ૧૨૪૪માં અણહિલવાડની રાજગાદી પ્રાપ્ત કરી તે છેક આ વંશ ઇસવીસન ૧૩૦૪ સુધી ચાલ્યો
એક વાત જણાવી દઉં કે પાટણ ઇસવીસન ૧૨૪૪માં વાઘેલાઓની રાજધાની બન્યું પણ એ પહેલાં આ વાઘેલાઓ ધોળકામાં રાજ્ય કરતાં હતાં. આમાં પણ ધોળકા એ વાઘેલાઓએ વસાવેલું નગર નથી કારણકે એમાં રાજ કરવાની છૂટ તો રાજા ભીમદેવે આપી હતી. એટલે ધોળકા ધવલે કે વીર ધવલે વસાવ્યું જ નથી એની પણ થોડીક વાતો આગળ જતાં કરીશું જ આપણે ! ખબર નહીં આ જૈન સાહિત્યવાળા ધોળકાને કેમ આટલું બધું પ્રાધાન્ય આપે છે તે જ મને તો સમજાતું નથી ! આ વાઘેલા રાજવંશની વંશાવલીમાં નામોમાં ઘણો ઉલટફેર થવાની સંભાવના છે જે તમને આગળ જતાં ખબર પડશે. પાછલા રાજાઓ વિષે કોઈ ઠોસ માહિતી આપવમાં સાહિત્યકારો અને ઈતિહાસકારો નિષ્ફળ નિવડયાં છે પણ તોય એમની માહિતી થોડીઘણી પ્રાપ્ત જરૂર થાય છે ! માહિતીના અભાવને કારણે જ ઇતિહાસમાં અન્યધર્મી સાહિત્યકારો અને ઈતિહાસકારો નું ચડી વાગે છે જે વાઘેલા વંશમાં બન્યું છે.
વાઘેલાવંશના રાજાઓ જયારે પાટણમાં રાજગાદી સંભાળતા હતાં ત્યારે તેમને બળવાઓનો સામનો કરવો પડયો હતો અને પાટણ પર ચઢાઈઓ પણ થઇ હતી. જેમાં ખતરનાક સાબિત થયું અલ્લાઉદ્દીન ખીલજીનું આક્રમણ ઈસ્વીસન ૧૨૯૮માં જેણે પાટણમાંથી વાઘેલાઓનો અંત આણ્યો સાથે સાથે ગુજરાતમાંથી પણ ! વાઘેલા વંશના રાજાઓ ધર્મસહિષ્ણુ હતાં પણ કેટલીક ઘટનાઓ અને કેટલાંક માણસોએ તેમને તેમ થવાં નહોતાં દીધાં.બાકી આમ તો તેઓ શૈવધર્મી જ હતાં.
વાઘેલા યુગના શિલ્પસ્થાપત્યોની વાત કરીએ તો – વસ્તુપાળ અને તેજપાલ જેમના મંત્રીઓ હોય તો શિલ્પ સ્થાપત્યો તો બંધાવાના જ હતાં ને ! દેલવાડા, ગરવો ગઢ ગીરનાર , શેત્રુંજય અને ખંભાત વગેરે સ્થળોએ બેનમુન કલાકારીગરીવાળાં જૈન મંદિરો બંધાવ્યા હતાં જે આજે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. આવાં તો અનેક જૈન મંદિરો આ વસ્તુપાળ -તેજપાળે બાંધ્યા છે. આ વસ્તુપાળે કહેવાય છે કે ગિરનારમાં મોટો સંઘ કાઢી એની જાત્રા પણ કરી હતી. આ વસ્તુપાળે ખેંગાર વાવ કે જે વંથલી અને જુનાગઢ વચ્ચે સ્થિત છે તેનું બાંધકામ પણ શરુ કરાવ્યું હતું જોકે હું એ સાચું નથી માનતો !
હવે એક વાવ છે જેનું નામ છે માધાવાવ જે વઢવાણમાં આવેલી છે તે પણ આ વાઘેલાવંશના રાજાના કાળમાં બંધાવેલી છે બે નાગર બ્રાહ્મણો માધવ અને કેશવ દ્વારા જેઓ રાજા કર્ણદેવ વાઘેલાનાં મંત્રીઓ હતાં. પહેલું એ કે એની સાલવારી જ વિવાદાસ્પદ છે જેમાં સમયગાળો બતાવવામાં આવ્યો ઇસવીસન ૧૨૯૪નો જે રાજા સમયગાળો તો રાજા કર્ણદેવ વાઘેલા ગાદીએ આવ્યાં ૧૨૯૬માં એ પહેલાંના રાજા સારંગદેવનો છે. બીજો વિવાદ મંત્રી માધવને લઈને છે કે એમણે તો અલ્લાઉદ્દીન આક્રમણ કરવાં કહ્યું હતું અને એમની પત્ની કમલાદેવીને રજા કર્ણદેવે પોતાની પત્ની બનાવી હતી આ આખી એક મનઘડંત કહાની જ છે. બીજો એક વિવાદ ત્યાં મળતાં બે લેખોનો પણ છે એકમાં એ સ્પષ્ટ છે કે આ વાવ મંત્રી માધવે બાંધી હતી બીજામાં એ સ્પષ્ટ વંચાતું નથી એટલે એ માધવના પિતાએ બાંધીધી હતી એવું જણાવ્યું છે. આ કથિત વિવાદની ચર્ચા આપણે કર્ણદેવ વાઘેલા અને માધાવાવ વખતે કરીશું અત્યારે એ રહસ્યો ખોલી દઉં તો કર્ણદેવ વાઘેલા અને માધાવાવ પર લખવાની મજા નહિ આવે ! આ સમય દરમિયાન કપડવંજમાં પણ એક કુંડ પણ બનાવ્યો હતો વાઘેલાવંશના રાજવીઓએ.
આ ઉપરાંત વાઘેલા કાળમાં કિલ્લાઓ પણ બન્યાં છે તેમાં ધર્બવતી (ડભોઇ)નો કિલ્લો અને એનાં ચાર દરવાજાઓ જેમાં ટી પ્રખ્યાત હીરાભાગોળનો સમાવેશ થાય છે. અ દરવાજાઓ પર કરવામાં આવેલી કલાકોતરણી સાચેજ અદભૂત છે. આ કિલ્લ્લાની અંદર મહાદેવ મંદિરો પણ બંધાવ્યા હતાં. અ બધું રાજા વિસલદેવના સમયમાં બન્યું હતું.
હવે જે લોકો બહુ ઓછાં જાણે છે એ વાઘેલા વંશના રાજા અર્જુનદેવે વિજયનગર પોળો ફોરેસ્ટમાં કલવણ ગામમાં વિરેશ્વરનું એક અતિપ્રખ્યાત શિવ મંદિર બંધાવ્યું હતું.
એક વૈદ્યનાથનું મંદિર પણ ડભોઈમાં બંધાવ્યું હતું એમ કહેવાય છે.એક માતા કાલિકા મંદિર પણ બંધાવ્યું હતું . આ બધું કહેવાય છે હો ખરેખર તે સમયમાં બન્યું હોય એની કોઈ જ ખાતરી નથી. કારણકે વધારે પડતાં જૈન મંદિરો બંધાવ્યા પછી જૈન સાહિત્યકારોએ મોટો ઉહાપોહ ના થાય એ માટે પણ તેમણે આનો ઉલ્લેખ કર્યો હોય એવું બને. આની વિગતવાર ચર્ચા જે તે રાજા વખતે કરવામાં આવશે અને એ પણ જરૂરી હોય તો જ બાકી નહીં !
સોમેશ્વર અને મેરુતુંગ અને બીજાં અનેક સાહિત્યકારો એ વાઘેલા વંશમાં જ થયાં છે. તેમનાં કાળના મંત્રીઓ પણ સારાં હતાં અને રાજકારભાર વ્યવસ્થિત રીતે ચાલતો હતો પહેલાં વસ્તુપાળ અને છેલ્લે મંત્રી માધવ અને કેશવ. સાહિત્ય સમૃદ્ધ હોય એટલે શિક્ષણ પણ સમૃદ્ધ જ હોવાનું ! આ સમયગાળા દરમિયાન પણ એ કળાઓનો પણ વિકાસ થયેલો છે. એકંદરે પ્રજા સુખી હતી અને શાંતિમય જીવન પસાર કરતી હતી. વેપાર -ઉદ્યોગ પણ સારાં પ્રમાણમાં વિકસ્યો હતો ખંભાત – ખેડા એનું જીવતું જાગતું ઉદાહરણ છે
હવે પાછા આવી જઈએ વાઘેલા વંશની સ્થાપના અને એની સિદ્ધિઓ પર. વાઘેલા વંશમાં એક વાત પર જે કોઈનુંધ્યાન નથી ખેંચાયું તે પણ તમને કરી જ દઉં કે સોલંકીયુગમાં જે સોનાના સિક્કા ચલણમાં હતાં તે ૪.૪ ગ્રામનાં તે આ ધવલના સમયમાં ૨.૨ ગ્રામ અને વિસલદેવના સમયમાં ૧.૮૩ ગ્રામના થઇ ગયાં હતાં. આ તે સમયની આર્થિક નીતિ અને સ્થિતિ દર્શાવવા માટે પુરતું છે જો કે વેપારધંધામાં કોઇપણ પ્રકારની ખોટ નહોતી આવી.
પણ કાળના ચક્રને ફરતાં વાર નથી લાગતી એટલે જ ઇસવી ૧૨૪૪માં શરુ થયેલો વાઘેલા રાજવંશ એ આમ તો ઇસવીસન ૧૨૯૮માં જ સમાપ્ત થઇ ગયો હતો પણ તે ઈસ્વીસન ૧૩૦૪ સુધી ટક્યો હતો અને ઇસવીસન ૧૩૦૪ પછી સદંતર સાફ થઇ ગયો અને આમ વાઘેલા વંશ અને સાથેસાથે રાજપૂત યુગ પણ ગુજરાતમાં સમાપ્ત થઇ ગયો ગુજરાતમાં ઇસવીસન ૧૩૦૪ પછી મુસ્લિમ શાસન શરુ થઇ ગયું તે છેક મરાઠાઓ આવ્યાં ત્યાં સુધી.
ગુજરાતમાં મરાઠા શાસન છત્રપતિ શિવાજી મહારાજે શરુ કરાવ્યું હતું. મુસ્લિમ સમય દરમિયાન શું ઉત્તર ગુજરાત, શું મધ્ય ગુજરાત કે શું સૌરાષ્ટ્ર કે શું દક્ષિણ ગુજરાત અને કચ્છમાં રજપૂતોએ અમુક નાનાં નાનાં રજવાડાઓ ઉભાં કરી રાજ્ય જરૂર કર્યું હતું પણ ઈતિહાસ આ બધાંને તો અનુમોદન નથી આપતો. આ તો શું કે ગુજરાતમાંથી રાજપૂત યુગ સમાપ્ત થઇ ગયો એટલે આ બધાં સ્વતંત્ર થઈને પોતાની ખોવાયેલી આબરૂ પાછી મેળવવાનો પ્રયત્ન કરતાં હતાં. જેમાં અમુક સાચું છે અને અમુક ખોટું એ બધું ક્યારેક મને વિચાર આવશે તો લખીશ બાકી અત્યારે તો હવે વાઘેલા વંશના રાજાઓ પર ધ્યાન આપીશ.
વાઘેલા યુગની સ્થાપનાનો બીજો ભાગ પૂરો.
ધવલ-અર્ણોરાજ- વીરધવલ- લવણપ્રસાદ -વિસલદેવની વાત હવે પછીનાં લેખમાં !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
——– જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..